Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-10

'વિભાકરે આવેશમાં આવીને આખા પરિવારની હાજરીમાં ભીષ્મપ્રતિજ્ઞા કરી કે હવે મારે લગ્ન જ નથી કરવા!'

  • પ્રકાશન તારીખ23 Jul 2018
  •  

પ્રકરણ-10

'વિભાકરનું વ્યક્તિત્વ માપવામાં મારો પનો ટૂંકો પડે છે..' રમણિકે ફરીથી મલાવી મલાવીને વાત આગળ વધારી. 'આજ સુધી એ કુંવારો કેમ રહ્યો એ સાંભળતા અગાઉએ પરિવારના સભ્યોના આંતરસંબંધો સમજી લે, પહેલી નજરે ટપ્પીના પડે એ રીતે એ બધા એક સાથે રહે છે. વિભાકર અખાડિયન છે, ફિલ્મી હીરો જેવો સોહામણો છે, એ ઉપરાંત ચરતા ઘોડા વેચી આવે એવો કાબો છે. શકરાબાજ જેવી આંખ અને સરવા કાન છે, એટલે આઈ એમ શ્યૉર કે હરિવલ્લભદાસનો કલંકિત ઈતિહાસ એનાથી અજાણ્યો નથી. એની માતાના મૃત્યુનું રહસ્ય એ જાણે છે, છતાં તદ્દન નિર્લેપ રહીને જાણે કંઈ ખબર જ ના હોય એ રીતે એ ઘાતકી બાપની પડખે ઊભો રહ્યો છે. સામા પક્ષે, હરિવલ્લભદાસને પણ પોતાના ત્રણેય દીકરાઓમાં સૌથી વધુ વિશ્વાસ વિભાકર ઉપર જ છે. ધંધાની સમસ્યા હોય કે પારિવારિક પ્રોબ્લેમ, જ્યારે બાપ-દીકરાઓ વિશે એ અંગે ચર્ચા થાય ત્યારે વિભાકર જે બોલે એના ઉપર હરિવલ્લભદાસ વધુ ધ્યાન આપે છે...'

લગીર અટકીને રમણિકે શ્રીકાંત સામે જોયું. 'મેં તને અગાઉ કહ્યું ને? હરિવલ્લભ સરમુખત્યાર છે એ અધિનાયક દરેક વાતમાં પોતાનું ધારેલું જ કરવા ટેવાયેલો છે. અલબત્ત, દેખાડો કરવા માટે બધાનો અભિપ્રાય પૂછે. આદિત્ય અને ભાસ્કર આક્રમક કે ઝનૂની નથી. એ બંને તો બાપની હામાં હા ભણે એવા આજ્ઞાંકિત છે. વિભાકરની વૈચારિક સમજ ઊંચી છે. બાપા જે કહે એનાથી પોતાનો અભિપ્રાય અલગ હોય તો એ જરાયે શરમ રાખ્યા વગર મોઢું ખોલે. એની તર્કશક્તિ ગજબની છે. તર્કબદ્ધ દલીલ કરીને એ એવો વૈકલ્પિક ઉપાય બતાવે કે ખુદ હરિવલ્લભે પણ હાર કબૂલવી પડે!. અત્યારે એ કુટુંબમાં બાપ અને દીકરાઓ વચ્ચે આ રીતનો વ્યવહાર છે.'

હાથ લંબાવીને એણે ટેબલ પરથી ગ્લાસ ઉઠાવ્યો અને બે ઘૂંટડા પણી પીધું.

' એ વખતે આશ્રમરોડ ઉપર એની કોલેજમાં કેન્ટિન તો હતી નહીં. જોડેની ગલીમાં ચાની એક કીટલી હતી. પિરિયડમાંથી બંકમારીને છોકરા-છોકરીઓ ત્યાં કીટલી ઉપર ભેગા થાય.

' હવે વિભાકરની વાત એના અત્યારના દેખાવ ઉપરથી તું કલ્પના કરી જો કે કોલેજમાં ભણતો હશે ત્યારે કેવો દેખાતો હશે! ગર્ભશ્રીમંત પરિવારનો પાટવી કુંવર વળી રૂડો-રૂપાળોને સોહામણો..' બીજાં વિશેષણ સૂઝ્યાં નહીં એટલે આટલાથી જ સંતોષ માનીને રમણિકે વાત આગળ વધારી. ' એ વખતે આશ્રમરોડ ઉપર એની કોલેજમાં કેન્ટિન તો હતી નહીં. જોડેની ગલીમાં ચાની એક કીટલી હતી. પિરિયડમાંથી બંક મારીને છોકરા-છોકરીઓ ત્યાં કીટલી ઉપર ભેગાં થાય. કોલેજમાં ગણીને ત્રણ જ કાર આવતી હતી, એમાં એક તો પ્રિન્સિપાલની. એ ત્રણેય કારમાં સૌથી મોંઘી વિભાકરની. પોતાના મોભાની સૂઝ અને સમજ એ વખતે પણ વિભાકરને હતી. કારણ વગર કોલેજની કોઈ છોકરી ખોટા વહેમમાં રહે યા એના નામ સાથે પોતાનું નામ જોડાય એવું એ નહોતો ઈચ્છતો. આ બધી બબાલમાંથી બચવા માટે એણે સરસ આઈડિયા કરેલો. પોતાના વર્ગના જયરાજ અને જયંતી નામના છોકરાઓને એણે પોતાના ફોલ્ડરિયા બનાવી દીધેલા. એ બંને સતત વિભાકરની સાથે જ હોય. વર્ગમાં, લાયબ્રેરીમાં કે ચાની કીટલી ઉપર-વિભાકર ક્યાંય એકલો જોવા ના મળે. પહેલા અઠવાડિયે જ એ બંને સાથે મિત્રતા બાંધતી વખતે વિભાકરે શરત કરેલી કે પિક્ચર જોવા જવાનું હોય કે હોટલમાં હું સાથે હોઉં ત્યાં સુધી તમારે ખિસ્સામાં હાથ નહીં નાખવાનો. એ બંનેએ રાજીરાજી થઈને કોલેજના છેલ્લા દિવસ સુધી વિભાકરને સાથ આપેલો.'

લગીર અટકીને એણે માહિતી આપી. 'વિભાકરે દોસ્તી નિભાવી આજે એ બંને વિભાકરને ત્યાં જ નોકરી કરે છે. પોતાના બંને નાનાભાઈઓ કરતાં પણ વિભાકરને આ બંને મિત્રો ઉપર વધુ વિશ્વાસ છે.'

'વિભાકરનું વ્યક્તિત્વ કિલ્લા જેવું છે એવું તમે કહેલું..' શ્રીકાંતે હસીને ટકોર કરી, ' પણ તમે એ કિલ્લામાં ખાસ્સું મોટું ગાબડું પાડ્યું છે.'


'એ જયરાજ અને જયંતી એકવાર મળી ગયેલા ત્યારે એમણે જ આ માહિતી આપેલી.' રમણિકે ફોડ પાડ્યો અને નિખાલસતાથી ઉમેર્યું, ' એકવાર અમારા શ્રીમતીજીને કમળો થઈ ગયેલો ત્યારે હોસ્પિટલમાં દાખલ કરેલાં. સેમી સ્પેશિયલ રૂમમાં એક રૂમમાં બે દર્દીને સાથે રાખે. નસીબજોગે એ વખતે શહેરમાં કમળાનો વાવર હતો. તારી કાકીની જોડેના પલંગમાં હરિવલ્લભદાસે કાશીબાને એડમિટ કરાવેલાં એટલે મને લોટરી લાગી ગઈ. કાશીબા જેવી ભોળી સ્ત્રીને પટાવવામાં મારા જેવા ઘંટ માણસને વાર ના લાગે. જ્યુસનો ખર્ચ રોજ કરવો પડતો હતો, પણ વિભાકર કેમ કુંવારો રહ્યો એક કથા કાશીબા પાસેથી જ જાણવા મળેલી.’

'યુ આર ગ્રેટ!' શ્રીકાંત બબડ્યો, 'ગ્રેટ ચીટર' એની કોમેન્ટ સાંભળીને રમણિક ખુલ્લા દિલે હસી પડ્યો. 'ભલા માણસ, માહિતી આપનાર તો માત્ર મુદ્દા આપે. એના ઉપરથી તાણાવાણા મેળવીને વાર્તા બનાવવામાં મગજનું દહીં થઈ જાય, સમજ્યો? આ ઉપરાંત સામેના માણસોનો વિશ્વાસ સંપાદન કરી એનું મોઢું ખોલાવવાનું કામ પણ સહેલું નથી. જાતજાતના દાણા નાખીએ ત્યારે પક્ષી ચલવા આવે. સાવ ભોળા બનીને પાર્ટીને ચણાના ઝાડ ઉપર ચડાવવાની ચાલાકી આવડવી જોઈએ.'

'ઓ. કે.. ગુરૂ! તમને માની ગયો. હવે આગળ વધો..' ગર્વથી મોં મલકાવીને રમણિકે બોલવાનું શરૂ કર્યું. 'વિભાકર કોલેજના છેલ્લા વર્ષમાં હતો ત્યારથી જ કન્યાઓના મા-બાપ હરિવલ્લભદાસના બંગલે આંટા મારવા લાગ્યા હતા. આવો જમાઈ મળે તો દીકરીનું નસીબ ઉઘડી જાય એવી મહેચ્છા સાથે સગા-સંબંધીઓ અને સ્નેહી-સ્વજનો પ્રયત્ન કરી રહ્યા હતા. પોતાના સ્વભાવને અનુરૂપ અને પરિવારને અનુકૂળ થાય એવી કોઈ કન્યાની વિભાકરને ઝંખના હતી. એણે જે જે કન્યાઓ જોઈ એમાંથી એકેય એની કસોટીમાં પાર ના ઊતરી. વિભાકરના એક મામાએ એ સમયે એક કન્યા શોધી કાઢેલી. ગારિયાધારની બાજુના ગામડામાં રહેતી એક મેધાવી યુવતી અભ્યાસમાં અત્યંત તેજસ્વી હતી. ગરીબ ઘરની એ યુવતી ગીતા એ બી.એમાં યુનિવર્સિટીમાં પ્રથમ નંબર મેળવેલો, આઈ.એ.એસ. કે આઈ.પી.એસ અધિકારી બનવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની ઝનૂનપૂર્વક તૈયારી કરી રહી હતી. મામાએ ગીતાનાં મા-બાપને વાત કરી અને ગીતાને સાથે લઈને એ બધા અહીં બંગલે આવ્યાં..'

આટલું કહીને રમણિક અટક્યો. શ્રીકાંત સામે જોઈને એણે સ્પષ્ટતા કરી. ' કદાચ હિન્દી પિક્ચરની સ્ટોરી જેવું લાગશે, પણ કાશીબાએ કહેલી વાત છે એટલે એ ખોટી ના હોય.'

પોતાની સંમતિ દર્શાવવા શ્રીકાંતે હકારમાં માથું હલાવ્યું. 'ગારિયાધારથી એ લોકો જાણ કર્યા વગર જ આવ્યા હતા એ બધા ડ્રોઈંગરૂમમાં સોફા ઉપર આવીને બેઠા જ હતા એ વખતે વિભાકર ગાંઘીનગર જવા નીકળતો હતો. એણે માત્ર અલપઝલપ ગીતાને નિહાળી. ગીતાનો ગૌરવશાળી ચહેરો અને મક્કમ નિર્ધાર સાથે પોતાનું ધ્યેય પૂરું કરવાનું ઝનૂન એની આંખોમાં ઝળકતું હતું. પોતાની મહેનત ઉપર એને શ્રદ્ધા હતી. આઈ.એ.એસ. અથવા આઈ.પી.એસ અધિકારી બનવા માટે એ કટિબદ્ધ હતી. ગાંધીનગરનો સમય સાચવવા માટે ગીતાની માત્ર ઝલક જોઈને વિભાકર નીકળી ગયો. છેક ગારિયાધારથી આવેલ મહેમાન એકાદ દિવસ તો રોકાશે જ એ ગણતરીએ એણે મંજુને કહી દીધું કે ચાર કલાકમાં જ ગાંધીનગરથી પાછો આવી જઈશ.. એ ગયો એના પછી મંજુલાએ ગીતાનો પરિચય મેળવ્યો. આ તેજસ્વી અને પાણીદાર યુવતી વિભાકરને પહેલા નજરે જ ગમી જશે એવું એને લાગ્યું. એટલે એણે ચાલબાજી કરી. મંજુલાએ પોતાની મસિયાઈ બહેનની દીકરી જોડે વિભાકરનું ચોકઠું ગોઠવવાનું નક્કી કરી નાખ્યું હતું. એ લોકોને એણે વચન પણ આપી દીધું હતું. એ સંજોગોમાં જો પોતાનો સાવકો પુત્ર આ ગીતાને પસંદ કરી લે તો પોતે ભોંઠી પડે. વિભાકર ગાંધીનગરથી આવે એ અગાઉ એણે ખતરનાક ખેલ પાડ્યો. ગીતા અને એના મા-બાપને સંભળાય એ રીતે રણકતા અવાજે એણે વિભાકરના મામાને કહી દીધું કે આવા ભિખારી જેવા પરિવારની દીકરી આ બંગલામાં ના શોભે. દરેક માણસે પોતાની હેસિયત વિચારવી જોઈએ. કૂવાની દેડકીને ગજગામિની બનવાનું સમણું આવે એ શક્ય છે પણ એનું આ સ્વપ્ન ક્યારેય સાકાર ના થઈ શકે.. વિભાકરની ગેરહાજરીમાં આ ખેલ ભજવાઈ ગયો અને પેલા લોકો અપમાનિત થઈને બંગલામાંથી બહાર નીકળી ગયા.

ગારિયાધાર પહોંચી ગયા પછી બીજા દિવસે વિભાકરને ફોન કરીને મામાએ ગીતાનો પૂરો પરિચય આપ્યો અને બંગલામાં જે બન્યું હતું એની વાત કહી. વિભાકરે તરત કહ્યું કે હું ગારિયાધાર આવું છું, તમે ગીતાને તમારા ઘેર બોલાવી રાખો... વિભાકર ગારિયાધાર ગયો પણ ગીતા આગના ભડકા જેવી સ્વમાની હતી. એ ખુદ્દાર છોકરીએ ચોખ્ખી ના પાડીને સંદેશો મોકલાવ્યો કે હીરા-મોતી અને સોને મઢેલી કોઈ પૂતળી તમે શોધી લેજો. મને મારા નસીબ ઉપર છોડી દો. વિભાકરે મનાવવા પ્રયત્ન કર્યો ત્યારે ગીતાએ શરત મૂકી કે તમારા એ બંગલામાં આવીને તમારી સાવકી મા સાથે રહીને સંસાર માંડવાની મારી તૈયારી નથી. એ ઝેરીલી મા, વૈભવશાળી બંગલો અને ત્યાંનો બધો સંબંધ છોડીને સાવ અલગ રહેવાની ઈચ્છા હોય તો હું વિચારીશ..'

લગીર અટકીને રમણિકે શ્રીકાંત સામે જોયું. 'બસ, એ મુદ્દે વિભાકર થોડો કાચો પડ્યો. દ્વિધામાં અટવાયેલી દશામાં જ એ ગારિયાધારથી અમદાવાદ પાછો આવ્યો ત્યારે મંજુલાએ પોતાની મસિયાઈ બહેનની દીકરીને બંગલામાં બોલાવી રાખી હતી. સાવકી માતાની એ મેલી રમતથી ધૂંધવાયેલા વિભાકરે આવેશમાં આવીને આખા પરિવારની હાજરીમાં ભીષ્મપ્રતિજ્ઞા કરી કે હવે મારે લગ્ન જ નથી કરવા! એણે જે નિર્ધાર જાહેર કર્યો એને એ મક્કમતાથી વળગી રહ્યો. પછી તો શાલિનીનાં લગ્ન થયાં. આદિત્ય અને ભાસ્કર પણ પરણી ગયા અને વિભાકર આજ સુધી એકલો જ છે..'
(ક્રમશઃ)

mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP