‘દેલવાડા રોડ ઉપરથી બે છોકરીઓને ગુંડાઓ કિડનેપ કરી ગયા છે અને એમની સાથે જે માજી હતાં એ આઘાતથી ગાંડાં જેવાં થઇ ગયાં છે...’

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Oct 09, 2018, 12:05 AM IST

પ્રકરણઃ88
વિભાકર
એની ચેમ્બરમાં બેઠો હતો ત્યારે હાથમાં મોબાઇલ લઇને જયંતી અંદર આવ્યો. 'મેરઠથી પેલા સોનીનો ફોન હતો.'

હવે જયંતી આગળ શું બોલશે એનો વિભાકરને ખ્યાલ હતો. એણે ટ્રાફિક પોલીસની જેમ હાથના ઇશારાથી જયંતીને અટકાવી દીધો. 'મેં તને એક વાર કહી દીધું ને? ધેટ ઇઝ ફાઇનલ! બ્રિટનના કોઇ શહેરમાં મારા જેવા ચહેરાવાળો એક માણસ રહે છે. પરંતુ એ પ્રકરણમાં આપણે કોઇ લેવા દેવા નથી. ત્યાંની પોલીસ એની જોડે ફોડી લેશે. ફરગેટ ધીસ ચેપ્ટર!'

'આમ માથાં પછાડવાથી કંઇ નહીં થાય. તાત્કાલિક પોલીસને જાણ કરીએ અને તમારા શેઠને પણ સમાચાર આપો. શેઠનો નંબર તો યાદ છેને?'

‘જી... જી...’ કહીને જયંતી તરત બહાર નીકળી ગયો. એ ગયો એ પછી વિભાકર એકલો પડ્યો. જન્મદાતા જયરાજસિંહ જાડેજા અત્યારે હયાત છે કે નહીં એની કોઇ ખબર નથી. એમના ચિરંજીવીનાં કારનામાં એવાં છે કે ત્યાં સંબંધોના છેડા જોડવાથી માત્ર નુકસાન જ થવાની શક્યતા છે. રાખ વળી ગયેલા અંગારાને ફરીથી ફૂંક મારીને સળગાવવાનો કોઇ અર્થ નથી. વર્ષો જૂની એ કથાનાં વિસરાઇ ગયેલા પાનાં ઉખાળવાની મૂર્ખામી નથી કરવી. મન મક્કમ કરીને વિભાકરે એ વિષયના વિચારો ઉપર કાયમી બ્રેક લગાવી દીધી!

બરાબર એ વખતે માઉન્ટ આબુના દેલવાડા રોડ ઉપર આખું ટોળું કાશીબા સામે તાકી રહ્યું હતું. આકાંક્ષા અને ભૈરવીને વિજુભા ઉઠાવી ગયો એ દૃશ્ય નજરે જોયા પછી કાશીબા રોડ પર માથું પટકીને વલોપાત કરતાં હતાં. ધ્રસૂકે ધ્રસૂકે રડતાં હતાં.

શેઠે પોતાના ભરોસે એ બંને યુવાન છોકરીઓને પ્રવાસમાં મોકલી હતી. પેલાએ નાટક કર્યું અને મૂરખની જેમ પોતે કપડામાંથી પટ્ટા ફાડતા રહી ગયા. આંખના પલકારામાં બંને બહેનોને ઉઠાવીને વાન અલોપ થઇ ગઇ! ફરજપાલનમાં પોતાની ચૂક બદલ જાતને માફ કરવાનું એમના માટે શક્ય નહોતું. જાણે પોતાને સજા આપતા હોય એ રીતે એ માથું પટકીને રડી રહ્યાં હતાં.

'માજી, રડવાનું બંધ કરો.' સહેલાણીઓમાંથી એક યુવાને એમની નજીક જઇને હડબડાવીને કહ્યું. 'એક્ઝેટ શું થયું?' એણે આ રીતે હિંમત કરી એટલે બીજા પાંચેક ગુજરાતી યુવાનો પણ મદદ કરવા નજીક આવી ગયા.

'મારા શેઠની ફૂલ જેવી છોકરીઓને ગુંડાઓ ઉઠાવી ગયા.' કાશીબાએ રડતાં રડતાં તૂટક તૂટક અવાજે ઘટના વર્ણવી.

'આમ માથાં પછાડવાથી કંઇ નહીં થાય.' પેલા યુવાને એમને બેઠા કર્યા. બીજા કોઇ બહેને એમને પાણી પીવડાવ્યું. 'તાત્કાલિક પોલીસને જાણ કરીએ અને તમારા શેઠને પણ સમાચાર આપો.' પેલાએ પોતાનો મોબાઇલ કાઢીને કાશીબાને પૂછ્યું. 'શેઠનો નંબર તો યાદ છેને?'

'મારે મરી જવું છે.' કાશીબાએ ફરીથી માથું પછાડ્યું. 'સાંઇઠ વર્ષથી શેઠના રોટલા તોડું છું અને આટલુંય ધ્યાન ના રાખી શકી.' એ વલોપાત કરતા હતા. 'હવે તો મોઢુંય કઇ રીતે બતાવવું? મને મરવા દો.'

એમનો પસ્તાવો અને પીડા પારખી લીધા પછી એ યુવાને સખ્તાઇથી કહ્યું. 'મરવું હોય તો પછી મરજો, પણ શેઠને અને પોલીસને પહેલાં જાણ કરવી પડશે. તમે મરશો પણ પેલી બે છોકરીઓને તો આપણે બચાવવી છે ને? એમનેય મરાવી નાખવી છે તમારે?'

એ જે બોલી રહ્યો હતો એ વાતનું મહત્ત્વ કાશીબાના મગજ સુધી હવે પહોંચ્યું. ત્યાં સુધીમાં ભીડમાંથી કોઇ સજ્જને પોલીસનો એકસો નંબર જોડીને ઘટનાની અને લોકેશનની માહિતી આપી દીધી હતી. પ્રવાસીઓ ઉપર જ નભતા ગિરિમથકમાં આવી કોઇ અપ્રિય ઘટના બને ત્યારે ત્યાંની પોલીસ તાત્કાલિક એટેન્શનમાં આવી જાય. સંદેશો મળ્યો કે તરત પોલીસ ઇન્સ્પેક્ટર અને ત્રણ કોન્સ્ટેબલ અહીં આવવા માટે નીકળી ચૂક્યા હતા.

'મારા મોબાઇલમાં શેઠના બધા નંબર છે પણ એ ડબલું રિસોર્ટમાં પડ્યું છે.' કાશીબા બબડ્યાં, 'પણ બંગલાનો સાદો ફોન છે એનો નંબર મોઢે છે.' એમનો અવાજ ધ્રૂજતો હતો. 'તમે નંબર જોડીને વાત કરો. મારાથી તો કંઇ બોલાશે જ નહીં.'

'જલદી નંબર બોલો, માજી!' પેલાએ સખ્તાઇથી આદેશ આપ્યો. કાશીબા યાદ કરીને લેન્ડલાઇન ફોનનો નંબર બોલ્યાં. એની સાથોસાથ પેલાની આંગળીઓ કીપેડ ઉપર ફરતી હતી.

બંગલામાં આકાશ અને ભૌમક જમવા બેઠા હતા. ગોરધન મહારાજ એમને પીરસી રહ્યો હતો. અલકા અને ભાવિકા પહેલા માળે એમના રૂમમાં હતાં.

રિંગ વાગી એટલે ગોરધન મહારાજે ફોન ઉઠાવ્યો. સામા છેડેથી જે કહેવાયું એ સાંભળીને ગોરધને ચીસ પાડીને અલકા અને ભાવિકાને બોલાવ્યાં. એણે એટલા મોટા અવાજે ચીસ પાડી હતી કે જમવાનું બંધ કરીને આકાશ અને ભૌમિક પણ ત્યાં આવીને ઊભા રહી ગયા.

સડસડાટ સીડી ઊતરીને ભાવિકા અને એની પાછળ અલકા ગોરધન પાસે આવ્યાં. ડઘાયેલા ગોરધને કશું બોલ્યા વગર સીધો ફોન જ ભાવિકાના હાથમાં પકડાવી દીધો.

'હલ્લો.' ભાવિકાએ ઉચાટથી પૂછ્યું. 'કોણ બોલો?'

'માઉન્ટ આબુથી ડૉક્ટર રિતેશ બોલું. અમદાવાદનો જ છું. અહીં દેલવાડા રોડ ઉપરથી બે છોકરીઓને ગુંડાઓ કિડનેપ કરી ગયા છે અને એમની સાથે જે માજી હતાં એ આઘાતથી ગાંડાં જેવાં થઇ ગયાં છે. એમણે આ નંબર આપ્યો.'

ધરતીકંપનો આંચકો અનુભવ્યો હોય એમ ભાવિકા ધ્રૂજી ઊઠી. એ છતાં મહાપ્રયત્ને જાત પર કાબૂ રાખીને એણે રિતેશને કહ્યું કે ફોન માજીને આપો.

'હું મરી જઇશ. તમને મોઢું બતાવવા નહીં આવું.' ધ્રૂસકે ધ્રૂસકે રડીને કાશીબા જે બોલ્યાં એ સાંભળીને ભાવિકા ફસડાઇ પડી. અલકા, આકાશ અને ભૌમિકની સાથે ગોરધન પણ સ્તબ્ધ બનીને ઊભો હતો.
***


આ બાજુ ઘટનાસ્થળે પોલીસની જીપ આવી ચૂકી હતી. એ લોકો નાકાબંધી કરે એ અગાઉ વિજુભાની વાન ફાર્મ હાઉસ પર પહોંચી ગઇ હતી.

'અહીં અવાજ કરશો તો પણ કોઇ સાંભળનારું નથી.' વિજુભાએ ઓરડામાં બંને છોકરીઓને સામે બેસાડીને સખ્તાઇથી સમજાવ્યું. 'કોઇ પણ ચાલાકી કરવાનો પ્રયત્ન કરશો તો સીધી જ ખોપરી ઊડાડી દઇશ.' હાથમાં હતી એ રિવોલ્વરને એ રમાડી રહ્યો હતો. ફિક્કા ચહેરા સાથે આકાંક્ષા અને ભૈરવી એકબીજાનો હાથ પકડીને ધ્રૂજતી ધ્રૂજતી સાંભળતી હતી.

'આ ફ્રિજમાં તમારા માટે જમવાનું અને ઠંડાં પીણાં છે. થોડા દિવસ માટે આ ઓરડો એ જ તમારું ઘર એમ માનીને ઉધામા કર્યા વગર શાંતિથી રહો તો વાંધો નહીં આવે. તમને એક ઉઝરડો પણ નહીં પડે. તમારો વિભાકરકાકો મારી વાત માની જશે એ જ વખતે તમને છોડી દઇશ. ત્યાં સુધી મને- કમને અહીં રહેવાનું છે એ સમજી લો.'

'અંકલ, બાથરૂમ?' ભૈરવીએ ધ્રૂજતા અવાજે પૂછ્યું. વિજુભાએ આંગળી ચીંધીને બાથરૂમનું બારણું 'કોઇ પણ જાતની હોંશિયારી બતાવવાની મૂર્ખામી કરીશ તો મારી નાખીશ.' એ બોલતો હતો અને ભૈરવી બાથરૂમમાં ઘૂસી.

પાણીની ચકલી ચાલુ કરીને એણે પગના મોજામાંથી મોબાઇલ બહાર કાઢ્યો. બહુ ઓછા શબ્દોમાં જરૂરી માહિતી આપવાની હતી. એની આંગળીઓ ફટાફટ કીપેડ પર સરકતી હતી. વિભાકાકાને મેસેજ મોકલી દીધા પછી એણે ઊંડો શ્વાસ લીધો. મોબાઇલને સાયલન્ટ મોડ પર મૂકીને પાછો મોજાંમાં ઘૂસાડી દીધો અને ધીમા પગલે બહાર આવીને આકાંક્ષાનો હાથ પકડીને પલંગ પર બેસી ગઈ.

બંગલાના લેન્ડલાઇન પર ફોન આવ્યો ત્યારે બધા હચમચી ઊઠ્યા હતા. એક માત્ર ભાવિકાએ પોતાની માનસિક શક્તિ જાળવી રાખી હતી. સમાચાર સાંભળીને અલકાએ તો રીતસર ઠૂઠવો મૂક્યો હતો.

ભાવિકાએ વિભાકરને ફોન કર્યો અને ઘટનાની જાણકારી આપી. વિભાકર ખુરસીમાંથી ઊભો થઇ ગયો. લમણાંની નસો ફૂલી ગઇ હતી. એ જ દશામાં એણે આદિત્ય અને ભાસ્કરને આ માઠા સમાચારની જાણ કરી. એ બંને ફસડાઇ પડ્યા હતા.

ઓફિસનો સ્ટાફ પણ ડઘાઇ ગયો હતો. જયંતી અને જયરાજને વિભાકરે સૂચના આપી એટલે એ બંને જિતુભાઇ, આદિત્ય અને ભાસ્કરને લઇ બંગલે ગયા.

વિભાકરની કાર ક્રાઇમ બ્રાંચની ઓફિસ તરફ આગળ વધતી હતી. આ કામ કોનું હોઇ શકે એનો અંદાજ આવી ગયા પછી વિભાકરે ભીખાજીને કારની ગતિ વધારવાનો આદેશ આપ્યો, જેની આમ તો કોઇ જરૂર નહોતી. ભીખાજી પોતાની સમજદારીથી મહત્તમ ગતિ સાથે કારને ભગાવી રહ્યો હતો. શહેરના ગીચ ટ્રાફિક વચ્ચે એ એની કુશળતા વાપરીને ગાયકવાડની હવેલી તરફ હંકારી રહ્યો હતો.

ત્યાં કિલ્લેબંધી જેવો માહોલ હોય છે એનો ખ્યાલ હતો એટલે સમય ના બગડે એ હેતુથી એણે ગીતાને ફોન કર્યો. 'અરજન્ટ કામ માટે તમને મળવા આવું છું.'

'વિભાકર, પ્લીઝ.' વાતની ગંભીરતાનો ખ્યાલ નહોતો એટલે ગીતાએ હસીને કહ્યું. 'મિત્રતાનો સંબંધ સ્વીકાર્યા પછી આ તમે... તમને એ બધું શોભતું નથી. બધાના હાજરીમાં આપણે એકબીજાને માનથી બોલાવીએ એ સમજ્યા, પણ ડાયરેક્ટ વાત કરતી વખતે તો તુંકારાથી વાત કરીશ તો જ અરજન્ટ કામ થશે. અન્ડરસ્ટેન્ડ?'

'મગજ ઠેકાણે નથી, ગીતા! બંને ભત્રીજીઓનું આબુમાં અપહરણ થયું છે એટલે સીધો તારી પાસે આવું છું.'

'ઓહ...' ગીતાએ તરત કહ્યું. 'તને કોઇ રોકે નહીં એ સૂચના આપી દઉં છું મારી ચેમ્બરમાં આવી જા.'

વિભાકરની કાર ક્રાઇમ બ્રાન્ચમાં પ્રવેશી ત્યારે એક કોન્સ્ટેબલ તૈયાર ઊભો હતો. વિભાકરને એ સીધો ડી.સી.પી. ગીતાની ચેમ્બરમાં દોરી ગયો.

જમીનના સોદાની ટૂંકમાં વાત કહ્યા પછી વિભાકરે કહ્યું કે જિતુભા, વિજુભા અને પ્રભાતસિંહ ઉપર શંકા છે.

'કિડનેપરનો કોઇ ફોન આવ્યો?' હજુ સુધી તો નથી આવ્યો. વિભાકરે પોતાનો મોબાઇલ કાઢીને ટેબલ પર મૂક્યો.

'એ ત્રણેયમાં જિતુભા રિટાયર્ડ પોલીસ અધિકારી છે.' વિભાકરે આશા વ્યક્ત કરી. 'એમનું વ્યક્તિત્વ જોયા પછી લાગે છે કે એ આવા કામમાં સહભાગી ના બને.'

'કૉલ હીમ.' ગીતાએ તરત સૂચના આપી. 'એ લોકોનો ફોન આવે એ અગાઉ તું જ સામેથી એ જિતુભાને ફોન કર.'

જિતુભાનો નંબર જોડતી વખતે ખુદ વિભાકરની આંગળીઓ પણ ધ્રૂજારી અનુભવી રહી હતી. સ્પીકર ફોન ચાલુ કર્યો.

'જિતુભા, વિભાકર બોલું. તમારી પાસેથી આવી આશા નહોતી.' પારાવાર પીડા સાથે વિભાકરે ફરિયાદ કરી. 'મારી બે યુવાન ભત્રીજીઓનું આબુમાં અપહરણ કોણે કર્યું?'

'મારી એક વાત સમજી લે, શેઠિયા!' ભારેખમ અવાજે જિતુભાએ ખુલાસો કર્યો. 'તારા ઉપર દાઝ ચડે તો ભરી બજારે તને ઝૂડી નાખવાની મારામાં તાકાત છે, પણ આપણા ઝઘડામાં બહેન-દીકરીઓને વચ્ચે લાવવાની હલકાઇ મારા લોહીમાં નથી.'

'તો પછી એ બંનેને કોણ ઉઠાવી ગયું?' લગભગ ચીસ જેવા અવાજે વિભાકરે પૂછ્યું. 'પ્રભાતસિંહ? વિજુભા?'

'પ્રભાતસિંહની ખાનદાની ઉપર મને ભરોસો છે. એક માત્ર વિજુભાનો કોઇ ભરોસો નહીં. કુટુંબનું નામ બોળવામાં એને કોઇ શરમ ના આવે.' વડીલ તરીકે જિતુભાના અવાજમાં વ્યથા છલકાતી હતી. લગીર વિચારીને એમણે પૂછ્યું. 'બનાવ ક્યાં બન્યો? આબુમાં?'

'જી. દેલવાડા રોડ ઉપરતી વાનમાં છોકરીઓને ઉઠાવી ગયા.'

'મિત્રતાનો સંબંધ સ્વીકાર્યા પછી આ તમે... તમને એ બધું શોભતું નથી. બધાના હાજરીમાં આપણે એકબીજાને માનથી બોલાવીએ એ સમજ્યા, પણ ડાયરેક્ટ વાત કરતી વખતે તો તુંકારાથી વાત કરીશ તો જ અરજન્ટ કામ થશે. અન્ડરસ્ટેન્ડ?'

'આવા નીચ કામમાં સગો ભાઈ સંડોવાય તો એની શરમ નહીં રાખવાની. સંબંધ ભૂલી જવાનો. સાંભળ, આબુમાં વિજુભાને કોઇ કાળો કાગડોય ઓળખતો નથી. અમારા એક સંબંધી માવજીભાઇ આબુરોડમાં છે. વિજુભાએ એ ભોળાને ભરમાવીને બાટલામાં ઉતાર્યા હશે. આબુરોડમાં બજાર વચ્ચે આરાસુરી પ્રોવિઝન સ્ટોર યાદ રાખીને ત્યાં પૂછપરછ કરો તો કંઇક સગડ મળશે.' નિરાશા સાથે એ બબડ્યા. 'માવજીકાકાનો નંબર મારી પાસે નથી એ મોંકાણ છે. નહીં તો હું જ ફોન કરીને એને તતડાવીને બધું ઓકાવતો.'

'નો પ્રોબ્લેમ.' આભારવશ અવાજે વિભાકર બબડ્યો. 'તમે આટલી મદદ કરી એય મોટી વાત છે.'

'માતાજીને પ્રાર્થના કરું છું કે તારી દીકરીઓ હેમખેમ પાછી આવે. જમ માતાજી.'

જિતુભા સાથે વાત પૂરી થઇ એટલે વિભાકરે ગીતા સામે જોયું. 'એ માણસના અવાજમાં સચ્ચાઇ છે.' ગીતા બોલતી હતી એ વખતે વિભાકરની નજર મોબાઇલમાં આવેલા મેસેજ પર અટકી.

'એંશી મિનિટના ડ્રાઇવ પછી ઉજ્જડ ફાર્મ હાઉસ... કુલ ત્રણ માણસ... એકની પાસે રિવોલ્વર. એ મેઇન વિલન.'

વાહ! બાથરૂમમાંથી ભૈરવીએ ઉતાવળે જે મેસેજ મોકલ્યો હતો એ જોઇને વિભાકરને ભત્રીજીની હિંમત માટે માન થયું. એણે મોબાઇલ ગીતાના હાથમાં આવ્યો.

'છોકરી સ્માર્ટ છે.' ગીતાએ કહ્યું. 'એનો મેસેજ આવ્યો પણ કિડનેપર હજુ કેમ શાંત છે? ગમે તે પળે એનો ફોન આવવો જોઇએ.'

વિભાકર કંઇ જવાબ આપે એ અગાઉ રિંગ વાગી. સ્ક્રીન પર અજાણ્યો નંબર હતો. સ્પીકર ફોન ચાલુ કરીને વિભાકરે ફોન ઉઠાવ્યો.

'શેઠ! વિજુબા બોલું. દૂ બનાવીને ચારસો કરોડની કમાણી કરી છે એમાંથી માત્ર આઠમો ભાગ તૈયાર રાખ. તારા માટે પચાસ કરોડ મોટી રકમ નથી. મારા છ પઠ્ઠાઓ તારી બંને ભત્રીજીઓના ઓરડાની બહાર થનગનતા ઊભા છે. ચોવીસ કલાકમાં પચાસ કરોડ નહીં મળે તો શું થશે એ સમજાવવાની જરૂર નથી. પચાસ કરોડ રોકડા તૈયાર રાખ. કલાક પછી ફોન કરું છું.'

ગીતએ એક જ સેકન્ડમાં નિર્ણય કરી લીધો. 'ગેટ રેડી. કમિશ્નર સાહેબની સાથે વાત કરી લઉં છું પંદર મિનિટમાં આપણે આબુ માટે નીકળીએ.
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી