ધમધમાટ કરતી વાન ભાગી એ સાથે જ કાશીબાએ ચીસાચીસ શરૂ કરી. રોડ ઉપર માથું પટકીને એમણે રડારોળ કરી.

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Oct 08, 2018, 12:05 AM IST

પ્રકરણઃ87
વિજુભાની
નજર આકાંક્ષા ભૈરવી ઉપર સ્થિર હતી. પાછળની સીટ પર બેઠેલ મનુભા પણ શ્વાસ રોકીને તાકી રહ્યો હતો. બાંકડા પર બેઠેલા કનુભાએ છોકરઓને પસાર થતી જોઇ. એ પછી વાન આવી એટલે બાંકડા પરથી ઊભા થઇને એણે ઝડપથી ચાલવાનું શરૂ કર્યું.

ફોનની વાત પતાવીને આકાંક્ષા હવે કાશીબા અને ભૈરવીને કંઇક કહી રહી હતી. એ ત્રણેયની પાછળ એક યુગલ ચાલી રહ્યું હતું. એ પતિ- પત્ની સાથે પાંચ- છ વર્ષની બેબી હતી. બેબીના હાથમાં લાલ રંગનો મોટો ફૂગ્ગો હતો. ફૂગ્ગાની દોરી બેબીના હાથમાંથી છૂટી ગઇ એટલે હવાની ગતિ સાથે ફૂગ્ગો આગળ ઉડ્યો. એ બેબીએ ચીસ પાડી એટલે કાશીબાએ ગરદન ઘૂમાવીને પાછળ જોયું. એ ફૂગ્ગો ઊડીને રોડીની સાઇડમાં પાણીના ખાબોચિયામાં પડે એ પહેલા કાશીબાએ સ્ફૂર્તિથી ફૂગ્ગો પકડી લીધો અને પેલી બેબીના માથામાં પ્રેમથી ટપલી મારીને ફૂગ્ગો એના હાથમાં પકડાવી દીધો.

ત્યાંથી પાછા આવતી વખતે એક જગ્યાએ વિજુભા ઊભો રહી ગયો. 'એક મોટી ભૂલમાંથી ઉગરી ગયા.' એણે રોડ તરફ નજર કરીને સાળાઓને સમજાવ્યું. 'છોકરીઓ મંદિર તરફ જતી હોય ત્યારે પકડીએ તો પ્રોબ્લેમ થાય. આબુરોડ જવા માટા વાનને યુ ટર્ન લઇને ભગાવવી પડે.

ડોશી દયાળુ છે. આ દ્રશ્ય જોયા પછી વિજુભાનું મગજ વિચારવા લાગી ગયું. એના આવા પરગજુ સ્વભાવને ધ્યાનમાં રાખીને પ્લાન બનાવવો પડશે. એના જ હથિયારથી એને મારવામાં તકલીફ નહીં પડે. બીજા બધા બાળકો પણ દેલવાડા જૈન મંદિર પાસે પહોંચી ચૂક્યા હતા. આકાંક્ષા અને ભૈરવી એ બાળકોની સાથે ભીડમાં ભળીને અંદર ગયા.

હવે કંઇ કરવાનું નહોતું. કનુભા વાન પાસે પાછા આવી ગયા હતા. વાન ચલાવતી વખતે પણ વિજુભાના મગજમાં વિચારોના આટાપાટ ચાલું હતા.

'વાન લઇને જ નીકળ્યા છીએ તો ચાલો, અત્યારે થોડુંક આબુ દર્શન કરી લઇએ.' વિજુભાએ સૂચન કર્યું. 'બધે ચક્કર મારીએ અને જમવા માટે કોઇ નવી હોટલ શોધીએ.'

સહેલાણીઓની ભીડ અને લક્ઝરી બસોના આગમનને લીધે મુખ્ય ચાર રસ્તા પાસે ટ્રાફિક જામ હતો. પરંતુ પાંચેક મિનિટમાં જ બધું રાબેતા મુજબ થઇ ગયું. આમતેમ રખડીને એક સરસ મજાની હોટલના બાર કામ રેસ્ટોરન્ટમાં ત્રણેય પ્રવેશ્યા. નાની નાની વાતમાં સાળાઓને ખુશ રાખવાની ચાવી વિજુભાએ શોધી કાઢી હતી. એ બંને મન ફાવે એ દારૂ મંગાવે અને ભાવે એ જમવાનું મંગાવે. એમાં તો એ રાજી રાજી થઇ જતા હતા.

જમીને પાછા આવતી વખતે વિજુભાએ વાન ચલાવવાની જવાબદારી કનુભાને સોંપી દીધી. હોટલના રૂમમાં પાછા ફર્યા ત્યારે ત્રણ વાગ્યા હતા. દારૂ અને ભારે ભોજનના પ્રભાવમાં ત્રણેયને સરસ ઊંઘ આવી ગઇ.

સાંજે છ વાગ્યે રૂમમાં જ ચા મંગાવીને પીધા પછી ત્રણેય બહાર નીકળ્યા. વિજુભાના મગજમાં એક પ્લાન ઘૂંટાઇ રહ્યો હતો.

દેલવાડા મંદિરના રસ્તે ચાલતી વખતે વિજુભાની શકરાબાજ જેવી નજર ચારે તરફ ફરતી હતી. મંદિરની બહાર બેસવા માટે લાંબા ઓટલા જેવી જગ્યા. એકદમ સ્વચ્છ હતી. અનેક પ્રવાસીઓ ત્યાં બેઠા હતા. પંદરેક મિનિટ ત્યાં બેસીને થાક ઊતાર્યો. ગઇ કાલે ચા પીધી હતી એ લારી પર ફરીથી ચા પીધી.

ત્યાંથી પાછા આવતી વખતે એક જગ્યાએ વિજુભા ઊભો રહી ગયો. 'એક મોટી ભૂલમાંથી ઉગરી ગયા.' એણે રોડ તરફ નજર કરીને સાળાઓને સમજાવ્યું. 'છોકરીઓ મંદિર તરફ જતી હોય ત્યારે પકડીએ તો પ્રોબ્લેમ થાય. આબુરોડ જવા માટા વાનને યુ ટર્ન લઇને ભગાવવી પડે. રોડ પર ટ્રાફિક હોય કે માણસોની ભીડ હોય તો યુ ટર્ન લેવામાં તકલીફ પડે. એમાંય જો કરમની કઠણાઇ હોયતો એકાદ લક્ઝરી બસ સામે આવી જાય તો છટકવાનો રસ્તો બંધ થઇ જાય અને પબ્લિક આપણને ઝૂડી નાખે. ત્યાં સુધીમાં તો પોલીસ પણ આવી જાય. આવું ના બને એટલે છોકરીઓ પાછી રિસોર્ટ ઉપર જતી હોય એ વખતે ખેલ પાડવાનો.' એણે રોડની સાઇડમાં ભરાયેલા પાણીના ખાબોચિયા અને ત્યાં ઊગેલા ગીચોગીચ છોડ તરફ આંગળી ચીંધી. 'અત્યારે આપણે ઊભા છીએ એ લોકશન પરફેક્ટ છે. માતાજી મહેરબાની કરશે તો કાલે અગિયાર વાગ્યે આ શુભ સ્થળે આપણું કામ પતી જશે.' એણે હસીને ઉમેર્યું. 'અલબત્ત, ખરું કામ તો એ પછી શરૂ થશે. ખેલ ખરાખરીનો- ખેલ બરાબરીનો!'

કનુભા અને મનુભા જિજ્ઞાસાથી એની સામે તાકી રહ્યા હતા. 'કાલે અગિયાર વાગ્યે આપણા ત્રણેયની કસોટી થશે. એકાદ વધારાનો સાથીદાર હોત તો સારું થાત એવું અત્યારે લાગે છે. એની વે, તમારા બંનેની તાકાત ઉપર ભરોસો છે.' વિજુભાએ ફરીથી ચારેય બાજુ નજર કરી અને પ્લાન સમજાવવાનું શરૂ કર્યું. એકની એક વાત બે- ત્રણ વાર પુનરાવર્તિત કરીને એ સાળાઓના મગજમાં ઠાંસવા પ્રયત્ન કરતો હતો. પેલા બંને ધ્યાનથી સાંભળતા હતા અને આદરભાવથી બનેવી સામે તાકી રહ્યા હતા.

બધુંય બોલી રહ્યા પછી વિજુભાએ એ બંનેની સામે જોયું. 'બોલો, આમાં કોઇ તકલીફ છે?'

'પરફેક્ટ પ્લાન.' બંનેએ એક સાથે કહ્યું.


'ઓ.કે. તો પછી હવે અહીં રોકાવાની જરૂર નથી. શહેરમાં જઇએ અને જલોસ કરીએ.' એણે ગંભીરતાથી ઉમેર્યું. 'આાજે રાત્રે જલસાથી ખાઇ- પી લો. કાલે સવારે હેવી નાસ્તો કર્યા પછી અગિયાર વાગ્યે અહીં આવી જઇશું. એ પછી ખાવા- પીવાના ઠેકાણા નહીં પડે.'

મોડી રાત સુધી નખીતળાવ અને આબુની બજારમાં રખડીને દારૂ પીધો, જમ્યા અને પછી હોટલ પર આવ્યા.

સવારે નવ વાગ્યે નજીકની હોટલમાં નાસ્તો કર્યો પછી રૂમ પર આવીને વિજુભાએ તૈયારી શરૂ કરી. 'આ રિવોલ્વર અને પૈસા સિવાયનો સામાન ભલે અહીં પડ્યો. આ રૂમ અત્યારે ખાલી નથી કરવા. ત્યાં સેટિંગ થઇ જાય એ પચી આવીને ચેકઆઉટ કરીશું.'

એ વખતે ભૈરવી મોબાઇલ ઉપર એની મમ્મી ભાવિકા સાથે વાત કરી રહી હતી. સ્પીકર ફોન ચાલુ હતો એટલે બાજુમાં ઊભેલી અલકા પણ સાંભળતી હતી.

'મમ્મી, કેમ્પફાયરમાં બહુ મજા આવી. હું ને આકાંક્ષા એટલું નાચ્યા કે થાકી ગયા.' એક પછી એક એ બધો અહેવાલ આપી રહી હતી. 'રિસોર્ટનું ફૂડ પણ ફાઇન છે. સાંજે તો અમે ગાર્ડન રેસ્ટોરન્ટમાં જ ડિનર લઇએ છીએ.' દેલવાડા ટેમ્પલની અંદર જે કોતરણી છે એ તો વાઉ!'

ખાસ્સી વાર વાત કર્યા પછી એણે મોબાઇલ ખિસ્સામાં મૂક્યો. આ તરફ અલકાએ ભાવિકા સામે જોયું. 'મારી આકાંક્ષા પ્રમાણમાં ભોળી છે. આ તારી ભૈરવી એકદમ સ્માર્ટ છે. એ ક્યાંય પાછી ના પડે.'

'એની ચાલાકી જોઇને તો મને ને ભાસ્કરનેય નવાઇ લાગે છે.' ભાવિકાએ કબૂલ કર્યું. 'ભૈરવી આટલું ઓછું વાંચે છે, તોય ઢગલાબંધ માર્કસ્ એ કઇ રીતે લાવે છે એ સમજાતું નથી. એક વાર વાંચે ને બધુંય યાદ રહી જાય!'

એ સમયે ભૈરવી, કાશીબા અને આકાંક્ષા દેલવાડા મંદરિમાં ઘૂમી રહ્યા હતા. 'અહીંનું કોતરકામ અદભૂત છે. એ છતાં, એક વાત ખૂંચે છે.' ભૈરવીએ આકાંક્ષાને કહ્યું. 'ભગવાનની જેટલી પણ મૂર્તિઓ છે, એ બધી એકસરખી જ લાગે છે. મોનોટનસ. બધા ભગવાનની મૂર્તિઓમાં કોઇ ફેર જ નહીં. એ તેં માર્ક કર્યું?' આકાંક્ષાએ માથું હલાવીને એની વાત સ્વીકારી.

'છોકરીઓ, અગિયાર વાગવા આવ્યા.' કાશીબાને પોતાની જવાદારીનું ભાન હતું. 'ધીમે ધીમે પગ ઉપાડીને ચાલવાનું શરૂ કરીએ. આપણા સિવાયના બધા બાળકો નીકળી ગયા છે. આપણે ત્રણ જ રોકાયા છીએ.'

મંદિર પરિસરની બહાર આવીને આકાંક્ષા અને ભૈરવીએ મોજાં વ્યવસ્થિત કરીને પગમાં સ્પોર્ટ્સ શૂઝ પહેરી લીધા. આજે એ બંનેએ ક્રીમ કલરનું ટિશર્ટ અને ઘેરા વાદળી રંગનું જીન્સ પહેર્યું હતું.

મંદિરમાં બીજા પ્રવાસીઓની ભીડ હતી પણ રિસોર્ટમાં આવેલા બધા બાળકો રવાના થઇ ચૂક્યા હતા.

ત્રણેય ધીમે ધીમે ચાલતા હતા. એ લોકો મંદિર પરિસરમાંથી બહાર નીકળ્યા એ જોઇને વિજુભાએ વાન સ્ટાર્ટ કરી. વીસ. પચીસ ફૂટનું અંત રાખીને એ વાન ચલાવતો હતો. હૃદયના ધબકારાની ગતિ ધીમે ધીમે વધતી જતી હતી. કનુભા અને મનુભા કોઇ લોચો ના મારે એ માેટ એ મનોમન પ્રાર્થના કરી રહ્યો હતો. રોડની સામેની તરફ મંદિર બાજુ જનારા માણશોની સંખ્યા વધારે હતી. આ તરફ અત્યારે રોડ લગભગ ખાલી હતો.

'આટલા બધા ઝાડ અને જંગલને લીધે અહીં જંગલી પ્રાણીઓ અને અજગર પણ હશેને?' આકાંક્ષાએ કાશીબાને પૂછ્યું.

'જંગલમાં દીપાડ અને રીંછ છે એવું રિસોર્ટનો ચોકીદાર કહેતો હતો.' કાશીબાએ કહ્યું. 'અજગરની તો ખબર નથી, પણ સાપ વારંવાર જોવા મળે.'

આવી વાતચીત સાથે એ ત્રણેય આગળ વધી રહ્યા હતા. વાન હવે માત્ર પંદરેક ફૂટ જ દૂર હતી.

'ઓ બાપ રે!' કાશીબા દસેક ફૂટ દૂર હતા ત્યારે જોરદાર દર્દભરી ચીસ પાડીને મનુભાએ રોડ પર પડતું મૂક્યું અને જમણો પગ પોતાના બંને હાથમાં જકડીને વેદનાની ચીસો ચાલુ રાખી. કાશીબા તરત એની પાસે દોડ્યા. 'શું થયું?' એમણે ચિંતાતુર અવાજે પૂછ્યું.

'ચાલતો હતો ને નાગ દેવતા ઉપર અજાણતા જ પગ પડ્યો ને એણે ડંખ માર્યો.' વેદનાના અભિનય સાથે મનુભાએ ખાબોચિયા અને ગીચ છોડ તરફ આંગળી ચીંધી.' ત્યાં સરકી ગયો... ઓ બાપરે! મરી જવાય એવી બળતરા થાય છે.'

વાન બરાબર ત્યાં ઊભી રાખીને વિજુભા નીચે ઊતર્યા. 'શું થયું?' એણે કાશીબાને પૂછ્યું.

'આ ભાઇને કાળોતરાએ ડંખ માર્યો.'

'પ્લીઝ, મને હોસ્પિટલ પહોંચાડો.' અવાજમાં શક્ય એટલી પીડા ઉમેરીને મનુભાએ હાથ જોડ્યા. 'રોડ ઉપર તરફડીને મરવું નથી મારે. મને લઇ જાવ.' ભૈરવી અને આકાંક્ષા સ્તબ્ધ બનીને તાકી રહ્યા હતા.

'ચિંતા ના કરો.' વાનની આગળની સીટ પરથી મોટું સફેદ કપડું કાઢીને વિજુભાએ કાશીબાને પકડાવ્યું. 'બા, આમાંતી તમે બે- ત્રણ પટ્ટા ફાડી દો. એ બાંધી દઇએ તો ઝેર આગળ ના ચડે.'

એણે હાથ પકડીને મનુભાને ઊભા કરવાનો પ્રયત્ન કર્યો પણ નથી ચલાતું. કહીને મનુભા ફસડાઇ પડ્યો. 'અરે દીકરીઓ, પ્લીઝ હેલ્પ મી.' વિજુભાએ આકાંક્ષા અને ભૈરવી સામે આશાભરી નજરે જોયું. 'થોડો સપોર્ટ કરીને આ અંકલને વાનમાં ચડાવવામાં મદદ કરો.'

વાનનું સાઇડનું બારણું ખોલીને વિજુભાએ મનુભાને ઉંચકવા પ્રયત્ન કર્યો. ભૈરવી અને આકાંક્ષા પણ મદદમાં આવી ગઇ હતી. કાશીબા પેલું કપડું ફાડીને એમાંથી લાંબા પટ્ટા બનાવી રહ્યા હતા. એ દરમિયાન કનુભા ચૂપચાપ આવીને સ્ટિયરિંગ પર ગોઠવાઇ ગયો હતો. આટલી વારમાં બીજા લોકોની ભીડ પણ થઇ ચૂકી હતી. વિજુભાએ દિશા એ રીતે પસંદકરી હતી કે મનુભાને ઊંચકીને ભૈરવી અને આકાંક્ષાએ પહેલા વાનમાં પ્રવેશવું પડે.

એ બંને વાનમાં આવી ગઇ એ સાથે જ જોરદાર આંચકા સાથે વાન સ્ટાર્ટ થઇ. વિજુભા કૂદીને વાનમાં ઘૂસ્યો અને ડોર બંધ કરી દીધું. મનુભા પણ એક્ટિંગ છોડીને પોતાના અસર રંગમાં આવી ગયો.

વાનમાં આકાંક્ષા અને ભૈરવી મોં ખોલે એ અગાઉ વિજુભાએ રિવોલ્વરનું નાળચું એ બંનેની સામે ધરી દીધું. 'અવાજ નહીં.' કરડાડી ભરેલા અવાજે એણે ધમકી આપી. 'સહેજ પણ અવાજ થશે તો ખોપરી વીંધી નાખીશ.'

ધમધમાટ કરતી વાન ભાગી એ સાથે જ કાશીબાએ ચીસાચીસ શરૂ કરી. રોડ ઉપર માથું પટકીને એમણે રડારોળ શરૂ કરી.

વાનમાં આકાંક્ષા અને ભૈરવી મોં ખોલે એ અગાઉ વિજુભાએ રિવોલ્વરનું નાળચું એ બંનેની સામે ધરી દીધું. 'અવાજ નહીં.' કરડાડી ભરેલા અવાજે એણે ધમકી આપી. 'સહેજ પણ અવાજ થશે તો ખોપરી વીંધી નાખીશ.'

આકાંક્ષા અને ભૈરવીએ ડઘાઇને એકબીજાનો હાથ પકડી લીધો હતો. અમને કિડનેપ કરવામાં આવ્યા છે એ સમજાઇ ગયા પછી પેન્ટના ખિસ્સામાં હતો એ મોબાઇલ ભૈરવીએ અત્યંત સિફતથી પગના મોજમાં સરકાવી દીધો.

'તમારી સાથે કોઇ દુશ્મનાવટ નથી. તમને ઇજા પહોંચાડવાનો અમારો ઇરાદો નથી. પ્લીઝ, કોઓપરેટ.' અવાજમાં નરમાશ સાથે વિજુભાએ એ બંનેને આદેશ આપ્યો. 'મોબાઇલ આપી દો.' આકાંક્ષાએ મોબાઇલ આપી દીધો એટલે વિજુભાએ ભૈરવી સામે જોયું. 'અકલ, અમારા બંને વચ્ચે એક જ મોબાઇલ છે.' એણએ રડમસ અવાજે કહ્યું. વાન આગળ વધતી હતી. મોબાઇલની રિંગ ના વાગે એ માટે ભૈરવી પ્રાર્થના કરતી હતી.

(ક્રમશઃ)

[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી