વિજુભાએ રિવોલ્વરને કાળજીપૂર્વક પેન્ટના ખિસ્સામાં મૂકી અને એ ભાગ ઉપસેલો ના દેખાય એ માટે એકદમ ખૂલતું બ્લેઝર ખભા પર લટકાવી દીધું...

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Oct 07, 2018, 12:05 AM IST

પ્રકરણઃ86
એક
વાર જોયેલો ચહેરો યાદ રહી જાય અને ફરી વાર જોવા મળે ત્યારે સ્થળ- સંદર્ભ સહિત બધું તાજું થાય એવી વિજુભાને કુદરતી બક્ષિસ હતી. લક્ઝરી બસમાંથી ઊતરીને આકાંક્ષા અને ભૈરવી રિસોર્ટના પ્રવેશ દ્વાર તરફ આગળ વધ્યાં ત્યારે કાશીબા એ બંનેની વચ્ચે ચાલતાં હતાં.

એ જોઇને વિજુભાની કમાન છટકી. બાઇનોક્યુલર બાજુ પર મૂકીને એણે બબડાટ શરૂ કરી દીધો. હાથમાં લીધેલા કામને કોઇ પણ ભોગે અંજામ સુધી પહોંચાડવાની ખુમારી સાથે એ બબડ્યો. 'અબ આયેગા મજા!'

'આ તરફ ભાગવાની જરૂર પડે તો સિરોહીમાં જઇને ભંવરલાલ મીણા પાસે પહોંચી જવાનું. આ તરફ માવજીકાકા અને બીજા છેડે એમના વેવાઇ બંને તરફ આશરો લેવાની જગ્યા છે, એ સારી વાત છે.'

અત્યારે જ રિસોર્ટમાં પ્રવેશેલા વિદ્યાર્થીઓ હમણાં તો બહાર નીકળવાના જ નથી એ ખ્યાલ આવ્યો એટલે એ પલંગમાં આડો પડ્યો. બસ ક્યારે આવે એની પ્રતીક્ષામાં આજે એ ત્રણેય હજુ જમવા પણ નહોતા ગયા.

'હવે પેટપૂજા પતાવી દઇએ.' કનુભા અને મનુભા સામે જોઇને વિજુભાએ કહ્યું. 'દરમાં ઘૂસેલા ઉંદરડાંઓ થાક્યાપાક્યા હશે એટલે સાંજ સુધી બહાર નહીં નીકળે. આપણે પણ જમીને આરામ કરી લઇએ.'

આ હોટલ અને રિસોર્ટની વચ્ચે જે દેલવાડા રોડ પસાર થતો હતો એના ઉપર આગળ જઇએ તો મુખ્ય બજારના ચાર રસ્તા આવે. એ અગાઉ જમણી બાજુ દસેક પગથિયાં ઊતરીને નીચે શાકભાજી બજાર અને કરિયાણાની દુકાનો હતી. ત્યાં એક પંજાબી હોટલ હતી અને ત્યાંનું જમવાનું આ ત્રણેયને ભાવી ગયું હતું.

ચાલતા જ ત્યાં જઇને એ લોકો પાછા હોટલતરફ આવતા હતા ત્યારે મનુભાએ પૂછ્યું. 'આ રોડ આગળ ક્યાં જાય?'

'આગળ ઉપર આ રોડના ફાંટા પડે છે. એક અચલગઢ જાય, એક ગુરૂશિખર તરફ જાય ત્યાં મિલેટ્રીનું થાણું છે. જો ક્યાંય વળ્યા વગર સીધા જઇએ તો સિરોહી પહોંચી જવાય.' વિજુભાએ માહિતી આપીને યાદ કરાવ્યું. 'ત્યાં સિરોહીમાં માવજીભાઇના વેવાઇ રહે છે. માવજીભાઇએ કહેલું એ યાદ છેને? એમના મોટા દીકરાએ પ્રેમલગ્ન કર્યાં છે. સિરોહીમાં એમના વેવાઇ ભંવરલાલ મીણાનું મોટું નામ છે.' બંનેની સામે જોઇને વિજુભાએ ઉમેર્યું. 'આ તરફ ભાગવાની જરૂર પડે તો સિરોહીમાં જઇને ભંવરલાલ મીણા પાસે પહોંચી જવાનું. આ તરફ માવજીકાકા અને બીજા છેડે એમના વેવાઇ બંને તરફ આશરો લેવાની જગ્યા છે, એ સારી વાત છે.'

આ તરફ અમદાવાદમાં અલકા અને ભાવિકા જમ્યાં પછી ડ્રોઇંગરૂમમાં સોફા પર બેઠા એ જ વખતે અલકાના મોબાઇલમાં રિંગ વાગી. એણે સ્પીકર ચાલુ કર્યું.

'મમ્મી, મસ્ત રિસોર્ટ છે.' આકાંક્ષાના અવાજમાં ઉત્સાહ છલકાતો હતો. 'અમારા રૂમમાં જ કાશીબા માટે એક્સ્ટ્રા બેડ મુકાવીને વ્યવસ્થા કરી આપેલી છે. કાશીબા પણ ખુશ છે. ભૈરવી એનો મોબાઇલ ચાર્જિંગમાં મૂકીને નાહવા ગઇ છે.' એની સાથે વાત પૂરી કર્યા પછી અલકાએ સ્પીકર બંધ કરીને મોબાઇલ બાજુ પર મૂક્યો.

'આ છોકરીઓનું કામકાજ જબરું છે.' આકાંક્ષાનો ઉત્સાહ સાંભળ્યા પછી ભાવિકાએ હસીને જેઠાણીને કહ્યું. 'યુરોપમાં વીસ-વીસ દિવસના બે પ્રવાસ આ છોકરીઓએ આપણી સાથે કર્યા છે. કેરાલા, ઊટી, દાર્જિલિંગ જેવું એકેય સ્થળ બાકી નથી. બધુંય જોયેલું છે, અને તોય આટલો આનંદ તો પહેલી વાર જોયો!'

'એ બધા પ્રવાસમાં એ બંને આપણી સાથે હતી. મુક્ત પંખીની જેમ સરખેસરખી બહેનપણીઓ જોડે ફરવાની જે મજા આવે એ ફેમિલી સાથે ના આવે.' અલકાએ સમજાવ્યું. બીજી જ સેકન્ડે એના અવાજનો રણકો બદલાયો. 'પ્રવાસમાં જવા માટે એ બંને ઉધામા કરતી હતી ત્યારે મેં તો ચોખ્ખી ના જ પાડેલી.'

'ના તો મેં પણ પાડેલી.' ભાવિકાએ તરત કહ્યું. 'પણ આ બંને ઢબુડીઓ હવે ચાલાક થઇ ગઇ છે. વિભાકાકાને મસકા મારીને એ બંનેએ એમની જીદ પૂરી કરી. જુવાન છોકરીઓ આ રીતે પાંચ દિવસ બહાર રહે ત્યારે મનમાં ઉચાટ તો રહે જ.'

'એમાંય એ સારું થયું કે વિભાદાદાએ કાશીબાનું સેટિંગ કરાવીને આપણી ચિંતા હળવી કરી. ચોવીસેય કલાક કાશીબા જોડે હોય એટલે આપણે કોઇ ફિકર નહીં.'
***


'ડોશી જોડે છે એટલે શેઠિયાઓને છોકરીઓની કોઇ ફિકર નહીં હોય.' હોટલમાં પલંગ પર આડો પડેલો વિજુભા બબડ્યો. 'ડોશીને લીધે મારેય કોઇ નવો પ્લાન વિચારવો પડેશે. એ ત્રણેય સાથે જતા હોય ત્યારે કામ થોડુંક અઘરું બને.' 'એવું હોય તો ડોશીનેય જોડે ઉઠાવી લેવાની.' મનુભાએ હસીને કહ્યું. 'દો સે ભલે તીન!'

'ડોશીની શું પૂજા કરવાની છે?' વિજુભાએ ચિડાઇને સાળા સામે જોયું. 'ગરોળી લપકીને જીવડું પકડે એ રીતે બેઉ છોડીઓને વાનમાં ઘુસાડવાની હતી, એવું વિચારેલું ત્યારે ડોશી પિક્ચરમાં નહોતી. જોઇએ, સાંજે અને કાલે સવારે એ લોકો બહાર નીકળે ત્યારે ડોશી એમની સાથે ફરવા નીકળશે કે નહીં એ જોયા પછી કંઇક સૂઝશે.'

સાંજે પાંચ વાગ્યો હો-હો કરતાં બધાં બાળકો રિસોર્ટમાંથી બહાર નીકળ્યાં ત્યારે તમામે યુનિફોર્મ પહેર્યો હતો. બે બેની લાઇનમાં શિસ્તબદ્ધ રીતે આવીને બધા પોતપોતાની બસમાં ગોઠવાઇ ગયા.

'અત્યારે ડોશી એમની સાથે નથી ગઇ.' બાઇનોક્યુલર બાજુ પર મૂકીને વિજુભાએ બંને સાળાઓને માહિતી આપી. લાગે છે કે સનસેટ પોઇન્ટ કે ગુરૂશિખર જોવા માટે આખું ધાડું ગયું. સ્કૂલવાળાએ જે કાર્યક્રમ નક્કી કર્યા છે, એમાં એમના માસ્તરો જ સાથે હશે. એ વખતે ડોશી રૂમમાં જ ભરાઇ રહેશે.' યાદ કરીને એણે ઉમેર્યું. 'સવારે ફ્રી સમયમાં બાળકોને આજુબાજુમાં ફરવાની છૂટ આપેલી છે. કાલે સવારે બરાબર ધ્યાન રાખવું પડશે કે ડોશી એ બંને છોકરીઓને ક્યાં ફરવા લઇ જશે?'

'અહીંથી નજીકમાં નજીક તો દેલવાડાનાં દેરાં છે. વૉકિંગ ડિસ્ટન્સ છે. એટલે સવારે બધાં ત્યાં જ જશે એવી મારી ગણતરી છે.' કનુભાએ તર્ક લડાવ્યો. 'એ નિશાળનું નામ મોટું છે અને ફી ગાભા કાઢી નાખે એવી છે.' વિજુભાએ સમજાવ્યું. 'પ્રવાસમાં થ્રીસ્ટાર રિસોર્ટની સગવડ આપે એ બધો ભાર કન્યાની કેડ ઉપર જ હોયને? આ જે બચ્ચાંઓ છે એ એકદમ સુખી ઘરનાં બીકણ સસલાં જેવાં છે. દૂર સુધી એકલાં ફરવાની એનામાં હિંમત ના હોય એટલે તમારી ધારણા સાચી છે. આટઆટલામાં જ આંટા મારીને રાજી થશે.'

કંઇક યાદ આવ્યું હોય એમ એ બોલતાં અટકી ગયો. પલંગમાંથી ઊભો થઇ ગયો. 'આપણે જમવા માટે અને ફરવા માટે સીટી તરફના રસ્તે ગયા છીએ. આ બચ્ચાંઓ પેલી તરફ દેલવાડાનાં દેરાં બાજુ જશે.' ચપટી વગાડીને એણે બંને સાળાઓને ઊભા થવાનો આદેશ આપ્યો. 'આપણે અત્યારે દેલવાડાનાં દેરાં સુધી ચક્કર મારીને આખા રસ્તા ઉપર ધ્યાનથી નજર ફેરવી લઇએ. વાન ઊભી રખાય એવું મસ્ત લોકેશન શોધવું પડશે. બે- ત્રણ ચક્કર મારીને નજર ફેરવીશું તો સો ટકા કોઇક આઇડિયા સૂઝી જશે. અહીં રૂમ પર ચા મંગાવીને પીવામાં ટાઇમ નથી બગાડવો. દેલવાડાનાં દેરાં સુધીમાં રોડ ઉપર કોઇ સારી કીટલી હશે તો ત્યાં સ્પેશિયલ રબડી ચા બનાવડાવીશું.'

ત્રણેય નીચે ઊતરીને રસ્તા પર આવ્યા. પ્રવાસીઓની ભીડ વધારે નહોતી. નાની નાની પારિવારિક ટૂકડીઓ ઉપરાંત તાજાં પરણેલાં યુગલ હાથમાં હાથ પકડીને રોડ ઉપર ટહેલી રહ્યાં હતાં.

દેલવાડાનાં જૈન મંદિર સુધી ચાલવામાં લગભગ વીસેક મિનિટ લાગી. ધીમે ધીમે ચાલતી વખતે વિજુભાની આંખો ચારે તરફ ફરતી હતી. મંદિરની પાસે ખાસ્સી ભીડ હતી. ફાસ્ટ ફૂડની લારીઓથી માંડીને ફ્રૂટના ફેરિયાઓ ગ્રાહકોની સરભરામાં વ્યસ્ત હતા.

જ્યાં વધારે ભીડ નહોતી એવી એક ચાની લારી ઉપર વિજુભાએ ધમધમાટ આદું- ફૂદીનાવાળી ચાનો ઓર્ડર આપ્યો અને ત્રણેય સ્ટૂલ પર બેસીને પ્રવાસીઓના નિરીક્ષણમાં પરોવાઇ ગયા.

'અહીંથી સિરોહી જવું હોય તો?' ચા પીધા પછી પૈસા ચૂકવીને વિજુભાએ ચાવાળાને પૂછ્યું.

'બસ આ જ રોડ ઉપર.' ચાવાળાએ આંગળી ચીંધીને બતાવ્યું. 'એંશી-પંચ્યાશી કિલોમીટર છે. ટેક્સીવાળો દોઢ કલાકમાં પહોંચાડી દેશે.'

કીટલીથી થોડે આગળ ગયા પછી વિજુભાએ સમજાવ્યું. 'ભાગવાનો વખત આવે તો આ રસ્તે સિરોહી પહોંચી જવાનું. દોઢ કલાક થશે. ત્યાં ભંવરલાલ મીણા ખમતીધર પાર્ટી છે. એમની પાસે જઇને માવજીકાકાનું નામ બિન્દાસ વાપરવાનું.'

પાછા હોટલ તરફ આવતી વખતે પણ વિજુભાનું નિરીક્ષણ ચાલુ જ હતું. રસ્તામાં બે- ત્રણ જગ્યાએ રોકાઇને એ રસ્તાની ધારે પહોંચીને ત્યાં જે પાણીનાં ખાબોચિયાં ભરાયેલાં હતાં એમાં પણ નજર ફેરવી આવ્યો. એનું અનુકરણ કરતા હોય એ રીતે મનુભા અને કનુભા પણ ગરદન ઘુમાવીને ચારે તરફનાં લોકેશનનો તાગ મેળવી રહ્યા હતા.

રાત્રે સાડા આઠે લક્ઝરી બસો પાછી રિસોર્ટ પર આવી. આકાંક્ષા અને ભૈરવીની રાહ જોઇને કાશીબા પણ એ વખતે ગેટ પર સિક્યોરિટીની પાસે ઊભાં હતાં.

'ડોશી જબરી છે.' બાઇનોક્યુલર લઇને એ તરફ જોઇ રહેલા વિજુભાએ બંને સાળાઓનું ધ્યાન દોર્યું. 'બસ આવવાની હતી એની દસ મિનિટ પહેલા ડોશી એટેન્શનમાં આવીને ગેટ પર ઊભી રહી ગઈ હતી.'

બધાં બાળકો રિસોર્ટ પર આવે એની રાહ જોઇને આ ત્રણેય ભૂખ્યા જ બેઠા હતા. બધાં બાળકો અંદર જતાં રહ્યાં પછી એ લોકો ખાવા- પીવા માટે ગયા. આવીને આરામથી ઊંઘી ગયા.

સવારે નવ વાગ્યે બાળકો આસપાસમાં ફરવા નીકળે એ અગાઉ આ ત્રણેય ચા-પાણી પતાવીને તૈયાર થઇને બેઠા હતા. વિજુભાએ રિવોલ્વરને કાળજીપૂર્વક પેન્ટના ખિસ્સામાં મૂકી અને એ ભાગ ઉપસેલો ના દેખાય એ માટે એકદમ ખૂલતું બ્લેઝર ખભા પર લટકાવી દીધું.

'કનુભા, તમે નીચે પહોંચી જાવ. રિસોર્ટથી લગભગ સો ડગલાં ચાલશો ત્યાં એક બાંકડો છે. એના ઉપર બેસીને નજર રાખજો અને મોબાઇલ હાથમાં જ રાખજો. એ છોકરીઓ ગેટની બહાર આવશે કે તરત હું પણ વાન લઇને ધીમે ધીમે એમની પાછળ આવીશ. આજે હજુ તો પહેલો દિવસ છે, એટલે ઉતાવળ કરીને જોખમ લેવાની જરૂર નથી. મનુભા મારી જોડે વાનમાં જ હશે. આજે નહીં તો કાલે. કાલે નહીં તો પરમ દિવસે એકાદ ગોલ્ડન ચાન્સ તો મળશે જ. એ વખતે એ બંને બકરીઓને ડબ્બામાં પૂરી દઇશું.'

‘કનુભા, તમે નીચે પહોંચી જાવ. રિસોર્ટથી લગભગ સો ડગલાં ચાલશો ત્યાં એક બાંકડો છે. એના ઉપર બેસીને નજર રાખજો અને મોબાઇલ હાથમાં જ રાખજો. એ છોકરીઓ ગેટની બહાર આવશે કે તરત હું પણ વાન લઇને ધીમે ધીમે એમની પાછળ આવીશ. આજે હજુ તો પહેલો દિવસ છે, એટલે ઉતાવળ કરીને જોખમ લેવાની જરૂર નથી.’

કનુભાએ પગ ઉપાડ્યા એટલે વિજુભાએ છેલ્લી સૂચના આપી. 'તમે થોડે દૂર હશો અને જો તક મળશે તો હું અને મનુભા કામ પતાવી દઇશું. એ વખતે શક્ય છે કે તમને વાનમાં લેવાનો સમય ના રહે. તમે નજર રાખજો. જો અમે વાન લઇને ભાગીએ તો તમે રિક્ષા કરીને સીધા ચાર રસ્તા પહોંચી જજો. ત્યાંથી જીપમાં આબુરોડ આવીને આપણા ફાર્મ હાઉસ ઉપર પહોંચી જવાનું. સમજાઇ ગયું?'

'કોઇ ભૂલ નહીં થાય.' કનુભાએ ખાતરી આપી અને એ નીચે ઊતરીને રોડ ઉપર આગળ વધ્યા. વિજુભાએ હાથમાં બાઇનોક્યુલર લીધું અને ગેટમાંથી બહાર નીકળતા બાળકો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું.

આકાંક્ષા અને ભૈરવી બંનેએ એક સરખું આસમાની ટીશર્ટ અને બ્લેક જીન્સ પહેર્યાં હતાં. એ બંનેની વચ્ચે ચાલતાં કાશીબાએ કથ્થાઇ રંગની સાડી પહેરી હતી. આકાંક્ષાના હાથમાં મોબાઇલ હતો અને ચાલતી વખતે એ કોઇની સાથે વાત કરી રહી હતી. ઝાડ તરફ આંગળી ચીંધીને કાશીબા ભૈરવીને કંઇક બતાવી રહ્યાં હતાં.

વિજુભા અને મનુભા ધડધડાટ નીચે ઊતર્યા. મનુભા વાનમાં પાછળની સીટ પર ગોઠવાઇ ગયા અને વિજુભાએ વાન સ્ટાર્ટ કરીને રોડ ઉપર લીધી.

આકાંક્ષા હજુ ફોન ઉપર વાત કરતી હતી. કાશીબા અને ભૈરવી બધું જોતાં જોતાં ધીમા પગલે ચાલતાં હતાં. એ ત્રણેયથી માંડ દસ ફૂટ દૂર વિજુભાની વાન ધીમે ધીમે આગળ વધતી હતી.
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી