‘એ વખતે પણ એમના મગજમાં મૃત્યુનો વિચાર રમતો હતો...’

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 18, 2018, 12:05 AM IST

પ્રકરણઃ67
આખા
બંગલામાં ગમગીની હતી. સગા- સંબંધીઓ અને વેપારીઓની ભીડ હતી પણ આવા માણસના આવા મૃત્યુનો મલાજો જાળવવાની એ બધામાં સૂઝ હતી. બધા ચૂપચાપ ઊભા હતા. બીજા લોકો પણ ધીમે ધીમે આવી રહ્યા હતા.

હવે તૈયારીમાં કશું બાકી નહોતું રહ્યું એટલે આદિત્ય અને ભાસ્કર ઓટલે ઊભા રહીને પ્રતીક્ષા કરી રહ્યા હતા. ડૉક્ટર દિનુભાઇ, હિંમતલાલ અને જીવણભાઇ ઓટલા પર બેસી ગયા હતા. ત્યાં ઊભો રહીને સુભાષ જયરાજ સાથે કંઇક વાત કરી રહ્યો હતો. જિતુભાઇ ફોન ઉપર કોઇકને કંઇક સૂચના આપી રહ્યા હતા.

તૈયાર કરીને મૃતદેહને સાથરા પર સૂવડાવ્યો. ગોર મહારાજે મંત્રોચ્ચાર સાથે કપાળ ઉપર ચંદનનો લેપ કર્યો. ડાબા કાન પાસેનો આખો હિસ્સો વિકૃત થઇ ગયો હતો ત્યાં જયંતીએ કારીગીરી કરીને એવી રીતે ગુલાબના ફૂલોની ગોઠવણી કરી દીધી કે એ ભાગ પૂરેપૂરો ઢંકાઇ જાય.

ખાલીખમ ડ્રોંઇગરૂમની વચ્ચોવચ સાથરો લિંપેલો હતો. ફૂલ, ઘીનો દીવો, અગરબત્તી અને બીજી સામગ્રી ત્યાં મૂકાવીને ગોરમહારાજ ત્યાં પલાંઠી મારીને બેઠા હતા. એમનાથી થોડે દૂર અલકા, ભાવિકા અને શાલિની બેઠાં હતાં. આકાશ, આકાંક્ષા, ભૌમિક અને ભૈરવીની સાથે શાલિની અને સુભાષના બંને સંતાન પ્રશાંત અને પરિધિ પણ એકદમ ગંભીર બનીને ડ્રોઇંગરૂમની સીડી પર ગોઠવાઇ ગયાં હતાં.

સિવિલ હોસ્પિટલની ડેડ બોડી વાન આવી કે તરત ચિત્ર બદલાઇ ગયું. આદિત્ય, ભાસ્કર અને સુભાષ ઝડપથી વાન પાસે પહોંચ્યા.

'દિનુકાકા, તમે ત્રણેય અહીંયા રહો.' મૃતદેહને અંદર લઇ જતી વખતે વિભાકરે એમને સૂચના આપી. 'હમણાં કોઇનેય અંદર આવવા ના દેતા.'

'સ્નાન કરાવીને કોરાં વસ્ત્ર પહેરાવીને એમને સાથરા પર સૂવડાવો.' ગોર મહારાજ હવે પોતાની ફરજ બજાવવા સક્રિય બની ગયા હતા. સ્ટ્રેચર લઇને ત્રણેય ભાઇઓ અંદર આવ્યા કે તરત એમણે વિધિ સમજાવી.

ત્રણેય ભાઇઓની સાથે સુભાષ, જયંતી અને જયરાજ પણ હરિવલ્લભદાસના ઓરડામાં ગયા અને બારણું અંદરથી બંધ કરી દીધું. 'બાથરૂમમાં લઇ જઇને સ્નાન કરાવાય એવી હાલત નથી. અહીં બહાર જ વ્યવસ્થિત રીતે સ્પંજ કરીએ.' ભાસ્કરે કહ્યું. 'એમના વોર્ડરોબમાંથી કપડાંની નવી જોડી શોધી કાઢ.'

તૈયાર કરીને મૃતદેહને સાથરા પર સૂવડાવ્યો. ગોર મહારાજે મંત્રોચ્ચાર સાથે કપાળ ઉપર ચંદનનો લેપ કર્યો. ડાબા કાન પાસેનો આખો હિસ્સો વિકૃત થઇ ગયો હતો ત્યાં જયંતીએ કારીગીરી કરીને એવી રીતે ગુલાબના ફૂલોની ગોઠવણી કરી દીધી કે એ ભાગ પૂરેપૂરો ઢંકાઇ જાય.

'હવે બધાને દર્શન માટે બોલાવી લો.' પોતાની વિધિ પતાવ્યા પછી ગોર મહારાજે આદેશ આપ્યો એ પછી અંતિમ દર્શન માટે બધા ઊભા થયા અને વિલાપનું એવું વાતાવરણ સર્જાયું કે કોઇની પણ આંખ કોરી ના રહી.

વિભાકર, આદિત્ય, ભાસ્કર, શાલિની અને એ પછી અલકા, ભાવિકા અને સુભાષકુમારે પ્રદક્ષિણા કરીને દર્શન કર્યાં. આકાશ, આકાંક્ષા, ભૌમિક, ભૈરવી, પ્રશાંત અને પરિધિ પછી કાશીબા, ભીખાજી, ગોરધન મહારાજની પાછળ પાછળ તમામ નોકર-ચાકરો એ ભીની આંખે શેઠનાં દર્શન કર્યાં.

જિતુભાઇએ હરિવલ્લભદાસના ત્રણેય મિત્રોને કહ્યું કે તમે હવે અંદર આવીને દર્શન કરી લો અને બહારથી પણ લોકોને અંદર આવવા દો.

જિતુભાઇ વિભાકર અને આદિત્ય પાસે ગયા. 'અહીંથી સ્મશાનયાત્રા શરૂ થાય ત્યારે વાનના બારણે ઊભા રહીને બધાની સામે હાથ જોડીને બેસણાની જાણકારી આપવી પડશે. આ બધા આવ્યા છે એમાંથી અમુકને સ્મશાન સુધી આવવાની અનુકૂળતા ના પણ હોય. તમે હાથ જોડી દેશો એ પછી એ લોકો છૂટા થાય.'

'ત્યાં સિવિલ હોસ્પિટલમાંથી હેલ્મેટ ચાર રસ્તાવાળા હોલ માટે તપાસ કરાવેલી. પરમ દિવસે મળે એવું હતું એટલે બુકિંગ કરાવવા સૂચના આપી દીધી છે, એ છતાં કન્ફર્મ કરી લઉં.' આટલું કહીને વિભાકરે મોબાઇલ જોડ્યો. વાત પૂરી કરીને એણે આદિત્ય અને જિતુભાઇ સામે જોયું. 'હૉલ બુક થઇ ગયો છે. પરમ દિવસે સવારે નવથી અગિયારની તમે પણ બધાને જાણકારી આપી દેજો.' જિતુભાઇ સામે જોઇને એણે ઉમેર્યું. 'છાપામાં જાહેરખબર માટે એડ એજન્સીવાળાને બોલાવી લેજો. પરમ દિવસે બધાં પેપરમાં પહેલા પાને જ જાહેરાત આપવાની છે.'

'જી.' જિતુભાઇએ હકારમાં માથું હલાવ્યું.

લોકો લાઇનસર ઊભા રહીને અંતિમ દર્શન કરી રહ્યા હતા. ટોપલામાંથી ફૂલ લઇને મૃતદેહના પગ પાસે એ મૂકીને હાથ જોડીને ભારે હૈયે બહાર જઇને બીજા ડાઘુઓ સાથે ગોઠવાઇ જતા હતા.

દોણી લઇને આકાશ અન ભૌમિક ડેડ બોડી વાનમાં ડ્રાઇવરની સાથે ગોઠવાયા. શાલિની, અલકા અને ભાવિકા પણ સ્મશાનમાં આવવા તૈયાર થઇ ગયાં હતાં.

સ્મશાનમાં ગોર મહારાજે સૂચના આપી એ મુજબ આકાશ અને ભૌમિકે મુખાગ્નિ આપ્યો.

ત્રણેય ભાઇઓએ બધાની સામે હાથ જોડીને બેસણાનાં સ્થળ અને સમયની જાણકારી આપી.
***
સ્મશાનેથી નાનકડો અસ્થિકુંભ લઇને બધા ભારે હૈયે બંગલે પાછા આવ્યા.

ડ્રોઇંગરૂમમાં હવે પરિવારના સભ્યો ઉપરાંત જિતુભાઇ, જયંતી, જયરાજ, હરિવલ્લભદાસના ત્રણેય વડીલ મિત્રો, અલકા- ભાવિકાના પિયરિયાં અને શાલિનીના દિયર- દેરાણી હાજર હતાં.

'અગાઉ અનેક વાર એવું બનેલું કે વાતોનો રંગ જામ્યો હોય અને શેઠ આગ્રહ કરે એટલે અમે અહીંયા રાત રોકાઇ જતા.' ડૉક્ટર દિનુભાઇના અવાજમાં પીડા હતી. 'કાલે રાત્રે જો એવી રીતે રોકાઇ ગયા હોત તો આવું ના બનતું. મંજુબાનો વિયોગ એમને ખાઈ ગયો.'

'એ દિવસે તમે પેલા સ્વામીજીને પકડી લાવેલા. એમણે જે અમંગળ આગાહી કરેલી એને શેઠે સાચી પાડી.' હિંમતલાલે અફસોસ વ્યક્ત કર્યો. 'અમારા ત્રણેય માટે તો એ મોટા ભાઇ સમાન હતા. સાથે મળીને સુખ- દુઃખની વાતો કરવાનું આ એક ઠેકાણું હતું.'

'તમારા ત્રણેયનો એ અધિકાર આંખ- માથા ઉપર.' વિભાકરે ધરપત આપી. 'આ ઘર તમારું જ છે એમ માનીને જ્યારે ઇચ્છા થાય ત્યારે આવવાનું. અમારા ત્રણ ભાઇમાંથી જે હાજર હશે એને તમારા સત્સંગનો લાભ મળશે. તમારા જેવી અનુભવીઓ પાસેથી અમને ઘણું શીખવા મળશે.'

'પપ્પા આ રીતે જતા રહે એ વાત હજુ મગજમાં સેટ નથી થતી.' શાલિનીએ એ ત્રણેયની સામે જોઇને પૂછ્યું. 'રાત્રે તમારી સાથેની વાતોમાં તમને કોઇ અણસાર પણ ના આવ્યો.?'

'શેઠના મગજમાં વિચાર ઘૂમરાતો હશે એટલે એમણે હિન્ટ તો આપેલી પણ એ પારખવામાં અમે કાચા પડ્યા.' જીવણલાલે જવાબ આપ્યો. 'પરમેશ્વરને પણ પડકાર આપવાનો શેઠનો સ્વભાવ હતો. રાત્રે વાત વાતમાં એ બોલેલા કે જીવનના બંને છેડા ઉપર ઇશ્વરનો અધિકાર હોય એ કેમ ચાલે? જન્મ એણે આપ્યો એ કબૂલ, પણ મૃત્યુનો છેડો તો માણસના હાથમાં હોવો જોઇએને? એમણે સાવ સ્વાભાવિકતાથી આવું કહેલું પણ અમને એની ગંભીરતા ના સમજાઇ.'

'એ અગાઉ પણ પપ્પાએ આવો ઇશારો કરેલો. પણ એ એટલી સાહજિકતાથી બોલેલા કે અમને એ સામાન્ય વાત લાગેલી.' આદિત્યે આવું કહ્યું એટલે બધાની નજર હવે એની સામે હતી. વિભાકર અને ભાસ્કર સામે જોઇને આદિત્યે પૂછ્યું. 'તમને બંનેને યાદ છેને? ગોધાવીવાળી જમીનની વાત વખતે એ શું બોલેલા?' એણે બધાની સામે જોઇને માહિતી આપી. 'ગોધાવીની એક જમીન ખરીદવાની પપ્પાની તીવ્ર ઇચ્છા હતી. વિભાદાદા માહિતી મેળવી લાવ્યા કે ત્યાં માત્ર શૈક્ષણિક સંસ્થા જ બનાવી શકાય. વિભાદાદાએ પપ્પાને ધરપત આપી કે એ જમીન ખરીદીને ત્યાં મારી બંને મમ્મીના નામની સંસ્થા બનાવીશું. નિમુ-મંજુ વિદ્યા સંકુલ. એ આવું બોલ્યો કે તરત પપ્પાએ કહ્યું કે થોડીક રાહ જુઓ. એમાં મારુંય નામ ઉમેરી દેજો.'

લગીર અટકીને એણે બધાની સામે જોયું. 'ધેટ મીન્સ, એ વખતે પણ એમના મગજમાં મૃત્યુનો વિચાર રમતો હતો.'

'મારે હવે ક્યાં જઇને મનનો ભાર હળવો કરવો એ સમજાતું નથી.' આંખમાં ઝળઝળિયાં સાથે શાલિની બબડી. 'મંજુબા ગયા ત્યારે આશરો ઝૂંટવાઇ ગયો હોય એવું લાગતું હતું. તોય વિચારેલું કે બાપની છત્રછાયા તો છેને? હવે તો સાવ નોધારી અને ઓશિયાળી થઇ ગઇ.'

'આવું નહીં વિચારવાનું, શાલુ!' વિભાકરે તરત એને અટકાવીને કહ્યું. 'તારા ત્રણેય ભાઇઓ જીવતા છે અને બંને ભાભીઓ પણ હયાત છે. જ્યારે ઇચ્છા થાય ત્યારે જરાય સંકોચ વગર આવી જવાનું.' સુભાષ સામે જોઇને એણે ઉમેર્યું. 'પંદરેક દિવસ તમારે બંનેએ અહીંયા જ રોકાવાનું છે. પ્રશાંત અને પરિધિને જો અભ્યાસમાં અડપણ પડે એવું ના હોય તો એમને પણ અહીં જ રાખજે.'

શાલિનીએ ભીની આંખે માથું હલાવીને વિભાકરની વાતમાં સમંતિ આપી.

જિતુભાઇએ હળવે રહીને એમનું પાઉચ ફંફોળ્યું. પેઢીના સૌથી જૂના અને વિશ્વાસુ કર્મચારી તરીકે એ આ પરિવારના એક સભ્ય જેવો જ હોદ્દો ધરાવતા હતા. ચોરસ લંચબોક્સ સમાય એવું એક પાઉચ હંમેશાં એમની સાથે હોય. એમાં ડાયરી, પેન અને ચશ્માં ઉપરાંત બીજા જરૂરી કાગળ એ રાખતા હતા. અત્યારે પાઉચમાંથી પોટલી કાઢીને એમણે ત્રણેય ભાઇઓ તરફ લંબાવી.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાનો હતો એ અગાઉ પોલીસે બધા દાગીના કાઢી લેવાની સલાહ આપી હતી. ભાસ્કરની હિંમત નહોતી ચાલી એટલે વિભાકરે એ જવાબદારી જયંતી, જયરાજ અને જિતુભાઇને સોંપી હતી.

હાથરૂમાલમાં બાંધેલી એ પોટલી આદિત્યે ખોલી. ગુરૂના નંગની મોટી ચકલા જેવી વીંટી હરિવલ્લભદાસ જમણા હાથની પહેલી આંગળીએ પહેરતા હતા. બીજી આંગળીમાં હીરાની વીંટી અને ગળામાં સોનાની બે ચેઇન કાયમ પહેરતા હતા. આ ચાર આઇટમ ઉપરાંત સૌથી અગત્યની ચીજ હતી તિજોરીની ચાવી. બનિયનમાં બનાવેલા ખાસ ખિસ્સામાં શેઠ એને જીવની જેમ સાચવતા હતા.

ત્રણેય ભાઇ આ પાંચ આઇટમ સામે તાકી રહ્યા હતા. 'અલકાભાભી, અત્યારે આ હવાલો તમે સંભાળો.' વિભાકરે પોટલી વ્યવસ્થિત વાળીને અલકા તરફ લંબાવી. સેકન્ડના સોમા ભાગમાં અલકાએ ભાવિકાનો ચહેરો વાંચી લીધો અને નકારમાં માથું ધુણાવ્યું. 'વિભાદાદા, વડીલ તરીકે આ બધી જવાબદારી હવે તમારે સંભાળવાની. બીજું કોઇ નાનું- મોટું કામ હોય તો મને કે ભાવિકાને સોંપી દેવાનું પણ આવા મોટા કામનો ભાર તમારા માથા પર જ રાખવાનો.'

અલકાની સમજદારી જોઇને આદિત્યને આનંદ થયો. જો એણે એ પોટલી સાચવવાનું સ્વીકાર્યું હોત તો ભાવિકા કોઇ વિરોધ ના કરતી, પણ દેરાણી તરીકે એ દુઃખી થઇ જતી!

મોબાઇલ રણક્યો એટલે જિતુભાઇએ એ ઉઠાવીને વાત કરી. વાત પતાવીને એમણે ત્રણેય ભાઇઓ સામે જોયું. 'ગોર મહારાજનો ફોન હતો. બારમા- તેરમાની વિધિ પંદરમી તારીખે ગોઠવવાની છે. વિધિમાં જે ભાઇ બેસવાના હોય એમણે બારમી તારીખે મૂંડન કરાવવાનું એવું એમણે કહ્યું.'

'ગોધાવીની એક જમીન ખરીદવાની પપ્પાની તીવ્ર ઇચ્છા હતી. વિભાદાદા માહિતી મેળવી લાવ્યા કે ત્યાં માત્ર શૈક્ષણિક સંસ્થા જ બનાવી શકાય. વિભાદાદાએ પપ્પાને ધરપત આપી કે એ જમીન ખરીદીને ત્યાં મારી બંને મમ્મીના નામની સંસ્થા બનાવીશું. નિમુ-મંજુ વિદ્યા સંકુલ. એ આવું બોલ્યો કે તરત પપ્પાએ કહ્યું કે થોડીક રાહ જુઓ. એમાં મારુંય નામ ઉમેરી દેજો.'

મંજુબાની પાછળ વિધિમાં બેસવાની વિભાકરની ઇચ્છા હતી પણ એ એની સગી મા નહોતી એટલે હરિવલ્લભદાસે એને ના પાડીને ભાસ્કરને એ લાભ આપ્યો હતો. વ્યથિત વિભાકરને મનાવી લેવા એમણે એ સમયે હસીને કહેલું કે વિભા, મારી પાછળની વિધિમાં તું બેસજે. આદિત્ય અને ભાસ્કરને આ વાતનો ખ્યાલ હતો. એ ચર્ચા થઇ ત્યારે એ બંને પણ હાજર જ હતા.

જિતુભાઇએ વિધિની વાત કહી એટલે આદિત્યે તરત કહ્યું. 'મોટા પુત્ર તરીકે વિધિમાં વિભાદાદા બેસશે.'

'સોરી.' વિભાકરનો અવાજ અચાનક એટલો મોટો થઇ ગયો કે બધાએ આશ્ચર્યથી એની સામે જોયું. ખુદ વિભાકરને પણ આ હકીકતનું ભાન થયું એટલે એણે તરત વાત વાળી લીધી. 'આ પોટલી સાચવવાની વાત આવી ત્યારે કહ્યું કે એ વિભાદાદાની જવાબદારી. એ પછી આ વિધિમાં પણ વિભાદાદા?'

આદેશના રણકા સાથે એણે ઉમેર્યું. 'મંજુબાની વિધિ ભાસ્કરે સંભાળેલી. શેઠ હરિવલ્લભદાસની વિધિ આદિત્યે સંભાળવી પડશે. ધીસ ઇઝ ફાઇનલ! કોઇ દલીલ ના જોઇએ.'

બધાને દબાવી દેવાનો જે રણકો એના અવાજમાં હતો એ સાંભળીને બધા સ્તબ્ધ હતા. સરમુખત્યાર જેવા હરિવલ્લભદાસની વિદાય પછી અધિનાયકનો હોદ્દો વિભાકરે સંભાળી લીધો હોય એવું બધાને લાગ્યું.
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી