‘હાથમાં રિવોલ્વર પકડીને લમણાં સામે ધરી હશે એ પળે પણ એ માણસ મક્કમ કઇ રીતે રહી શક્યો હશે?’

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 17, 2018, 12:05 AM IST

પ્રકરણઃ66
'સૈયદસાહેબ,
થેંક્યુ... થેંક્યુ વેરી મચ ફોર યોર કાઇન્ડ કોઓપરેશન.' વિભાકર, આદિત્ય અને ભાસ્કર ત્રણેય સૈયદની સામે હાથ જોડીને ઊભા હતા અને જિતભાઇ સૈયદની પાસે ઊભા રહીને આભાર વ્યક્ત કરી રહ્યા હતા.

'હજુ એક મહેરબાની તમારે કરવાની છે.' વિભાકરે સૈયદ સામે જોયું. 'લાશનાં અગ્નિસંસ્કાર પતી જાય ત્યાં સુધી મીડિયાવાળાને પિક્ચરમાં ના લાવતા. અહીં આખું ફેમિલી ડિસ્ટર્બ હોય અને એમાં એ લોકો આવીને માનસિક ત્રાસ આપશે.'

'સાંજે કમિશનર ઓફિસ તરફથી જે પ્રેસનોટ આપવામાં આવશે એમાં ચાર લીટી હશે કે ડિપ્રેશનથી તંગ આવીને શેઠે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી આત્મહત્યા કરી. ધેટ્સ ઓલ. ત્યાં સુધી અમારા તરફથી એમને કોઇ માહિતી નહીં મળે.'

'ચિંતા ના કરો.' આ પરિવાર તરફથી લાયઝનનું કામ જિતુભાઇ બહુ સરસ રીતે ઉદારતાથી સંભાળતા હતા. એ પ્રભાવની અસર ઇન્સ્પેક્ટર સૈયદ ઉપર હતી. એણે ખાતરી આપી. 'સાંજે કમિશનર ઓફિસ તરફથી જે પ્રેસનોટ આપવામાં આવશે એમાં ચાર લીટી હશે કે ડિપ્રેશનથી તંગ આવીને શેઠે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી આત્મહત્યા કરી. ધેટ્સ ઓલ. ત્યાં સુધી અમારા તરફથી એમને કોઇ માહિતી નહીં મળે.'

સૈયદે ફોન કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવાની તજવીજ કરી હતી એટલે એ માટેની વાન બંગલામાં આવી ગઇ હતી.

સુભાષની સાથે શાલિની કંઇક ગુસપુસ કરી રહી હતી. અલકા અને ભાવિકાથી દૂર ખસીને સુભાષને સાથે લઇને એ બીજા ખૂણામાં ઊભી હતી. ધીમા અવાજે એ કંઇક બોલતી હતી. સુભાષ ગંભીર બનીને સાંભળતો હતો.

અલકા, ભાવિકા અને કાશીબાનું રૂદન હજુ ચાલુ હતું. એમનાથી થોડે દૂર ડૉક્ટર દિનુભાઇ, હિંમતલાલ અને જીવણભાઇ કંઇક ચર્ચા કરી રહ્યા હતા.

આકાશ, આકાંક્ષા, ભૌમિક અને ભૈરવી એ ચારેય બાળકો ઓશિયાળાં બનીને ડ્રોઇંગરૂમની સીડી પર બેઠાં હતાં.

ગોરધન મહારાજની સાથએ બંગલાના બીજા ચારેય નોકરો રસોડાના બારણાં પાસે ઊભા હતા. બે હાથ વચ્ચે માથું પકડીને ભીખાજી એકલો બેઠો હતો.

હરિવલ્લભદાસની લાશને સ્ટ્રેચરમાં મૂકીને વાનમાં ગોઠવાઇ રહી હતી. પોલીસ કોન્સ્ટેબલોની સાથે આદિત્ય અને ભાસ્કર ત્યાં હતા. જયંતી અને જયરાજ પણ ત્યાં જ હતા.

વિભાકરે એ બંનેને ઇશારાથી બોલાવ્યા. એપછી જિતુભાઇની પાસે ગયો. 'પી.એમ. માટે હું સિવિલ જાઉં છું. વાન અહીંથી ઊપડે એ પછી એક્ઝેટ બે કલાકમાં પાછો આવી જઇશ. એટલે તમે, આદિત્ય અને ભાસ્કર ત્રણેય મળીને બધાને ફટાફટ ફોન કરવાનું શરૂી કરી દો.' એણે ડ્રોઇંગરૂમ સામે નજર કરી. 'બધું ફર્નિચર ખસેડવાની મંજુબા માટે જે રીતે ગોઠવણ કરી હતી એ જ રીતે બધી તૈયારી કરી રાખજો. પી.એમ. પતાવીને હું ડેડ બોડી લઇને આવું એ પછી બંગલામાં અર્ઘા કલાકથી વધુ સમય નથી રોકાવાનું.'

જિતુભાઇ પાસે તમામ પ્રકારની એજન્સીના કોન્ટેક્ટ નંબર હતા. વળી, મંજુબા વખતે આ કસરત તાજેતરમાં જ એ કરી ચૂકેલા હતા એટલે એમણે માથું હલાવીને સંમતિ આપી.

'જ્યાં જરૂર પડે ત્યાં આ જયરાજને દોડાવજો.' વિભાકરે છેલ્લી સૂચના આપી. 'જયંતી મારી સાથે સિવિલ આવે છે.'

વાનમાં બેસતાં અગાઉ વિભાકર આદિત્ય અને ભાસ્કર પાસે ગયો. એ બંને પપ્પાના ત્રણેય મિત્રોની સાથે ઊભા હતા. 'જિતુભાઇને બધું સમજાવી દીધું છે. તમે બંને એક પછી એક ફોન કરવાનું શરૂ કરી દો. બે કલાક પછી સ્મશાનયાત્રા નીકળશે એ જણાવી દો. ડેડ બોડી લઇને આવીએ એ પછી બંગલામાં બધાં અંતિમ દર્શન કરી લે કે તરત અંતિમયાત્રા નીકળશે.'

'ગુરૂદ્વારાની સામે મુક્તિધામનું જ બધાને કહેવાનું છેને?' આદિત્યે પૂછ્યું. 'બંગલે આવી ના શકે એ બધા સીધા ત્યાં આવી જાય એ જ કહેવાનુંને?'

વિભાકરે હકારમાં માથું હલાવ્યું અને વાનમાં બેઠો. જયંતી પણ એની સાથે અંદર ગોઠવાઇ ગયો.

સૈયદની જીપ પોલીસ સ્ટેશને જવા રવાના થઇ અને બીજી મિનિટે વાન ઊપડી. ઘરમાં હતા એ બધા બંગલાના ઓટલા પરથી નીચે ઊતરીને વાનને જતી જોઇ રહ્યા.

જિતુભાઇ, આદિત્ય અને ભાસ્કર મોબાઇલ લઇને એક રૂમમાં ગોઠવાયા. કોણ કોને ફોન કરે અને ફોનમાં શું કહેવાનું એ નક્કી કરી લીધા પછી એ ત્રણેય ધંધે લાગી ગયા.

સાજ-ખાંપણ, ફૂલહાર, શ્રીફળથી માંડીને ગાયનાં છાણ જેવી તમામ આવશ્યક વસ્તુઓ માટે જિતુભાઇએ સૂચના આપી દીધી હતી. ડ્રોઇંગરૂમમાંથી બધું ફર્નિચર ખસેડવાનું કામ ચાલતું હતું ત્યાં કાશીબા ખડે પગે ઊભાં હતાં.

'જીવ જતો રહે એની સાથે માણસની ઓળખ પણ બદલાઇ જાય ત્યારે એ સાંભળવાનું કાનને ખૂંચે છે.' ડૉક્ટર દિનુભાઇએ જીવણબાઇ અને હિંમતલાલ સામે જોઇને નિસાસો નાખ્યો. 'ગઇ કાલે રાત સુધી શેઠ હરિવલ્લભદાસ તરીકે માભો હતો અને અત્યારે કોન્સ્ટેબલથી માંડીને વિભાકર સુધી બધાય ડેડ બોડી- ડેડ બોડી જ બોલે છે!'

'મારી તો અક્કલ કામ નથી કરતી.' જીવણભાઇએ આખા બંગલામાં નજર ફેરવીને બળાપો કાઢ્યો. 'આ માણસને શેની ખોટ હતી? બે- અઢી હજાર કરોડનો આસામી, પડ્યો બોલ ઝીલે એવા ત્રણ દીકરા, નહીં બી.પી. નહીં ડાયાબિટીસ, ઘમાં કોઇ કંકાસ નહીં તોય એણે આવું પગલું કેમ ભર્યું હશે? હાથમાં રિવોલ્વર પકડીને લમણાં સામે ધરી હશે એ પળે પણ એ મક્કમ કઇ રીતે રહી શક્યો હશે? મરવા સિવાય એના મગજમાં બીજો કોઇ વિચાર નહીં આવ્યો હોય?'

'મંજુબા ગયા પછી આ માણસ મનથી ભાંગી પડ્યો હતો.' લગીર વિચારીને હિંમતલાલે બંને મિત્રો સામે જોયું. 'આટલા પૈસા મારી પાસે હોય તો દુનિયાની પરવા કર્યા વગર હું મારી રીતે જીવું. છાપામાં જાહેરાત આપું અથવા હવે તો વડીલો માટેનાય સ્પેશિયલ મેરેજ બ્યુરો ખૂલી ગયા છે. દુનિયા જાય તેલ લેવા! પચાસ- પંચાવન વર્ષી જીવનસાથી શોધી કાઢવાની. માથું દુઃખે ત્યારે બામ તો ઘસી આપેને? આ ઉંમરે એકલા રહેવામાં તકલીફ થાય. છોકરાઓને આપણા માટે ટાઇમ ના હોય. વહુઓને બામ ઘસવાનું કહેવામાં મર્યાદા નડે. તો પછી કરવાનું શું? પોતાનું માણસ જોડે હોય તો કોઇ પ્રોબ્લેમ ના થાય.'

આવા ભારેખમ વાતાવરણમાં પણ ડૉક્ટર દિનુભાઇના હોઠ મલક્યા. 'હિંમત, તું આવી હિંમત કરી શકે કારણ કે તારી પાસે બહુ મોટો દલ્લો નથી. વધારે સંપત્તિ હોય એ પરિવારમાં કોઇ નઠારું પાત્ર એન્ટ્રી લઇ લે તો સુખ-શાંતિનું સત્યાનાશ વળી જાય. પેલી પૈસા માટે જ આવી છે એવી છાપને લીધે દીકરાઓ અને વહુઓને પણ પ્રોબ્લેમ થાય.'

'મારા જેવા ઠનઠન ગોપાલને તો આવી કોઇ ઉપાધિ જ નથી.' જીવણલાલે ગર્વથી કહ્યું. 'નાનકડું ઘરનું ઘર છે એ એક સુખ છે. દીકરાને જે પગાર મળે છે એટલું જ મારું પેન્શન આવે છે એને લીધે વહુ તો સગા બાપને સાચવતી હોય એવી રીતે કાળજી રાખે છે. ડોસો ઊકલી જશે તો એ આવક બંધ થઇ જશે એ લાલચને લીધે લાડ લડાવે છે!' સહેજ અટકીને એણે દિનુભાઇ અને હિંમતલાલ સામે જોયું. 'હરિવલ્લભની ધાકને લીધે ત્રણેય દીકરાઓ વચ્ચે સંપ જળવાઇ રહ્યો હતો. હવે જો ત્રણેય સાથે રહે તો અતિ ઉત્તમ, પણ મને એ શક્ય નથી લાગતું. વિભો તો બાજપેયીનો સાઢુભઇ છે એટલે એને ઝંઝટ નથી, પણ પેલી દેરાણી- જેઠાણી સાથે રહેશે ખરી?'

'છોકરી અને જમાઇનો રાગ પણ સાવ જુદો છે.' ખૂણામાં બેસીને શાલિની અને સુભાષ હજુય કંઇક ખાનગી વાત કરી રહ્યા હતા એ તરફ નજર કરીને દિનુભાઇએ કહ્યું. 'કાલ રાત્રે વાતવાતમાં શેઠ બબડી ગયા હતા કે જમાઇમાં ભલીવાર નથી. અત્યારે જ જુઓને? વિભો સિવિલ ગયો છે. આદિત્ય અને ભાસ્કર જિતુભાઇ જોડે કામમાં જોતરાઇ ગયા છે અને આ જમાઇ અહીં વહાટી કરવા બેઠો છે! શોભે છે એને?'

એ વડીલો આ ચર્ચા કરતા હતા ત્યારે શાલિની પણ સુભાષને ધમકાવતી હતી. 'શોભે છે તમને? મેં ફોન કર્યો એ પછી વીસ- પચીસ મિનિટમાં અહીં આવી જવું જોઇએને? રખડતાં રખડતાં આવ્યા એમાં કરવા જેવું કામ હતું એ રહી ગયું.' એના અવાજમાં આક્રોશ હતો. 'આખી વાતમાં સો ટકા કંઇક ભેદભરમ છે. મારો બાપ મરવાનું શા માટે વિચારે? વખત આવ્યે એ કોઇનું ખૂન કરી નાખે, પણ આપઘાત કરવાનું ક્યારેય ના વિચારે. તમને તો એમના સ્વભાવનો પરિચય છેને? મહારથી જેવો મારો બાપ બાયલાની જેમ પીછેહઠ શા માટે કરે? નક્કી કંઇક લોચો છે. ઘેરથી હું નીકળી ત્યારે જ તમને કહેલું કે મારી સાથે આવો, પપ્પાને એક્સિડન્ટ થયો છે. એ વખતે તમે દાઢો કરવા બેઠા અને મને એકલીને મોકલી દીધી. ફોન કર્યો એ પછીયે કેટલી વાર કરી?'

એના અવાજમાં આક્રોશની સાથે પીડા ભળી. 'પપ્પાની લાશ જોઇને હું તો હબકી ગયેલી. તોય પોલીસને કીધું કે બધુંય ચેક કરજો. મારો બાપ આપઘાત ના કરે, પણ હું એકલી પડી ગઇ. બાકી બધાએ સ્વીકારી લીધું કે બાપાને ડિપ્રેશન હતું એટલે આવું કર્યું. એકલી લેડીઝને તો પોલીસવાળાય ભાવ ના જ આપેને? બહુ ખુન્નસથી એને કહેલું, તોય એણે બાકીના બધાની વાત માની લીધી!'

સુભાષ ચૂપચાપ સાંભળતો હતો. છપ્પનની છાતીવાળો અબજોપતિ સસરો આવું પગલું ના ભરે એવું તો એનેય લાગતું હતું, પણ પોલીસે જે પુરાવા એકઠા કર્યા હતા એમાં કોઇ ખામી નહોતી એટલે આ મુદ્દો ચગાવવાનો કોઇ અર્થ નહોતો.

'મોઢું બંધ રાખીને અલકાભાભી અને ભાવિકાભાભીની પાસે બેસ.' એણે પત્નીને સલાહ આપી. 'હું બંને ભાઇઓ પાસે બેસીને કામમાં મદદ કરું.'

'એમાંય કોઇ તને કંઇ પૂછે છે?' શાલિની ધૂંધવાયેલી હતી. 'મંજુબા ગુજરી ગયાં અને તમે અહીં આવેલા ત્યારે પપ્પાએ તમને પ્રેમથી આદેશ આપેલો કે આ ત્રણેય ભાઇની જોડે રહીને મદદ કરજો. 'એના અવાજમાં પીડા ભળી. 'પહેલા મમ્મી ગઇ, હવે પપ્પાય જતા રહ્યા એટલે હવે આ ઘરમાં આપણી જાણે કોઇ ગણતરી જ નથી રહી. ત્રણમાંથી એકેય ભાઇએ તમને કહેવા ખાતર પણ કોઇ કામ બતાવ્યું? ના. તમને સાવ ઇગ્નોર કરીને એ લોકોએ આપણને આપણું સ્થાન બાતવી આપ્યું કે આ ઘરમાં હવે તો આવું જ ચાલશે.'

'એમાં એ લોકો કરતાં તારો દોષ વધારે છે. હું આવ્યો કે તરત તેં મને ખેંચી લીધો. તું ગંભીર બનીને મારી સાથે કોઇ મસલત કરતી હોય એવું જોયા પછી એ લોકો કામ કઇ રીતે ચીંધે? એમની પડખે વધારે વાર તેં ઊભો રહેવા જ ના દીધો એ પછી એમનો વાંક ના કઢાય.'

સવારથી કોઇએ ચા પણ નથી પીધી એનો અલકાને ખ્યાલ હતો. ગોરધન મહારાજને બોલાવીને એણે સૂચના આપી કે તું ચા બનાવ. જેની ઇચ્છા હશે એ પીશે.

'હિંમત, તું આવી હિંમત કરી શકે કારણ કે તારી પાસે બહુ મોટો દલ્લો નથી. વધારે સંપત્તિ હોય એ પરિવારમાં કોઇ નઠારું પાત્ર એન્ટ્રી લઇ લે તો સુખ-શાંતિનું સત્યાનાશ વળી જાય. પેલી પૈસા માટે જ આવી છે એવી છાપને લીધે દીકરાઓ અને વહુઓને પણ પ્રોબ્લેમ થાય.'

મહારાજ ચા લઇને સુભાષ અને શાલિની પાસે ગયો ત્યારે શાલિની બોલતી અટકી. એ તકનો લાભ લઇે સુભાષ ઊભો થઇને ભાગ્યો. જિતુભાઇ, આદિત્ય અને ભાસ્કર જે ઓરડામાં બેઠા હતા ત્યાં જઇને એ એમની સાથે બેસી ગયો.

ડ્રોઇંગરૂમમાંથી ફર્નિચર ખસેડાઇ ગયું હતું. ગાયના છાણથી સાથરો લિંપાઇ ગયો હતો. નનામી બાંધવા માટેની તમામ સામગ્રી આવી ચૂકી હતી.

શરૂઆતમાં પંદરેક ફોન થયા પછી જેમને પણ આ સમાચાર મળ્યા એ બધાએ આશ્ચર્યનો ઝાટકો અનુભવ્યો. એમણે તરત બીજા પરિચિતોને જાણ કરવાનું શરૂ કરી દીધું. શેઠ હરિવલ્લભદાસે રિવોલ્વરથી આત્મહત્યા કરી એ સમાચાર આખા અમદાવાદમાં ફેલાઇ ગયા.

રિંગ વાગી એટલે આદિત્યે ફોન ઉઠાવ્યો. 'અમે, લોકો હોસ્પિટલમાંથી નીકળીએ છીએ. ત્યાં બધું તૈયાર રાખજો.' વિભાકરે કહ્યું અને આદિત્ય તૈયારી ચકાસવા ઊભો થયો.
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી