‘જન્મ ભલે ઈશ્વરે આપ્યો, પણ મૃત્યુના બીજા છેડા ઉપર તો આપણો અધિકાર હોવો જોઇએને?'

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 16, 2018, 12:05 AM IST

પ્રકરણઃ65
હરિવલ્લભદાસના
ત્રણેય મિત્રોમાં એક માત્ર હિંમતકાકા મોબાઇલનો વધુ ઉપયોગ કરતા હતા. બે-ત્રણ વોટ્સેપ ગ્રૂપ સાથે એ જોડાયેલા હતા. સવારે ચા-નાસ્તો પતાવ્યા પછી એ વોટ્સેપમાં આવેલા ગુડમોર્નિંગના સુવિચારો વાંચતા, જાતજાતનાં ફૂલોની રંગીન છબીઓ અને દુનિયાભરનાં દેવી- દેવતાઓની છબીઓને પણ એ ધ્યાનથી જોતા. વોટ્સેપ આવ્યા પછી એસ.એમ.એસ.નું ફોલ્ડર એ ભાગ્યે જ ખોલતા.

એક મેસેજ આવ્યો છે એ લખાણ સ્ક્રીન પર જોયા પછી એની અવગણના કરીને વોટ્સેપના એકસો દસ મેસેજ જોઇ લીધા. એ પછી એસ.એમ.એસ.નું ફોલ્ડર ખોલ્યું. હરિવલ્લભદાસનું નામ વાંચીને એમને આશ્ચર્ય થયું. ગુજરાતીમાં લખેલો મેસેજ વાંચીને વીજળીનો આંચકો લાગ્યો હોય એમ એ ખળભળી ઊઠ્યા. મેસેજનો અક્ષરે અક્ષર એમણે ફરીથી વાંચ્યો અને એ ઊભા થઇ ગયા. રાત્રે બે ને પાંત્રીસ મિનિટે હરિવલ્લભદાસે મેસેજ મોકલાવ્યો હતો. એ માણસ આવું કરી શકે? અપાર ઐશ્વર્ય અને સમૃદ્ધિમાં આળોટનારો માણસ આત્મહત્યા કરવાનું કઈ રીતે વિચારી શકે? એ વિચારની સાથે જ એ ધ્રૂજી ઊઠ્યા. હરિવલ્લભદાસ જેવો મહારથી હંમેશાં પોતાનું ધાર્યું કરવા ટેવાયેલો હતો. આ મેસેજ મોકલ્યો એનો અર્થ એ કે એમણે આવું અંતિમ પગલું ભરવાનું મનોમન નક્કી કરી લીધું હશે. રાત્રે દસ વાગ્યા સુધી તો બધા સાથે હતા.

અપાર ઐશ્વર્ય અને સમૃદ્ધિમાં આળોટનારો માણસ આત્મહત્યા કરવાનું કઈ રીતે વિચારી શકે? એ વિચારની સાથે જ એ ધ્રૂજી ઊઠ્યા. હરિવલ્લભદાસ જેવો મહારથી હંમેશાં પોતાનું ધાર્યું કરવા ટેવાયેલો હતો. આ મેસેજ મોકલ્યો એનો અર્થ એ કે એમણે આવું અંતિમ પગલું ભરવાનું મનોમન નક્કી કરી લીધું હશે.

ડૉક્ટર દિનુભાઇ અને જીવણલાલને માટે મોબાઇલ એટલે માત્ર વાત કરવાનું સાધન. એ બેમાંથી કોઇએ મેસેજ વાંચ્યો નહીં હોય એની હિંમતલાલને ખાતરી હતી. એ પણ ખાતરી હતી કે મને આ મેસેજ મોકલ્યો છે એટલે એ બંનેને પણ મોકલ્યો તો હશે જ.

ઊભાં ઊભાં છાતીના ધબકારા વધી રહ્યા હોય એવું લાગ્યું એટલે એ સોફા પર ફસડાઇ પડ્યા. દિનુ કે જીવણને ફોન કરતાં અગાઉ બંગલે ફોન કરીને આ મેસેજની સચ્ચાઇની ખાતરી કરવાનું એમણે વિચાર્યું એની સાથે જ અમંગળ કલ્પનાથી એ ધ્રૂજી ઊઠ્યા.

ધ્રૂજતી આંગળીઓથી એમણે વિભાકરનો નંબર જોડ્યો.

બંગલામાં એ વખતે સૈયદે ત્રણેય ભાઇઓને આ મેસેજની જાણકારી આપી દીધી હતી.

રિંગ વાગી એટલે વિભાકરે સ્ક્રીન ઉપર નજર કરી. હિંમતકાકાનું નામ જોઇને એને ખ્યાલ આવ્યો કે એમણે આ મેસેજ વાંચ્યો હશે અને વાંચીને ભડકી ગયા હશે.

'વિભા..' એટલું બોલ્યા પછી એ આગળ કંઇ બોલે એ અગાઉ વિભાકરે એમને કહ્યું. 'કાકા, બીજા કોઇની સાથે કંઇ વાત કર્યા વગર જીવણકાકા અને દિનુકાકાને લઇને તાત્કાલિક અહીં આવી જાવ. પપ્પા હવે નથી!' એ આગળ કંઇ પૂછે એ અગાઉ વિભાકરે મોબાઇલ પાછો ખિસ્સામાં મૂકી દીધો.

સૈયદ હજુ હાથમાં હરિવલ્લભદાસનો મોબાઇલ પકડીને ઊભો હતો. ફરી એક વાર પોતાના સંતોષ ખાતર એણે મેસેજ વાંચ્યો. એ પછી અગાઉની જેમ ચીવટથી પ્લાસ્ટિકની થેલીમાં પૅક કરીને એણે મોબાઇલને રિવોલ્વરની પાસે મૂકી દીધો.

બારણાની બહાર આવીને સૈયદે ડ્રોઇંગરૂમમાં નજર ફેરવી. પછી જિમ, ગેસ્ટરૂમ અને વિભાકરના રૂમ તરફ જોયું. 'આ બધા ઓરડાઓમાં કોણ રહે છે?' એણે સ્વાભાવિકતાથી પૂછ્યું.

'છેલ્લો ઓરડો છે એ જિમ છે.' વિભાકરે માહિતી આપી. 'એ પછીના બે રૂમ મહેમાનો માટેના છે, પણ અત્યારે એમાં કોઇ ગેસ્ટ નથી. એ પછીનો આ રૂમ મારો છે.'

'તમારો રૂમ તો અડોઅડ છે. રાત્રે કોઇ અવાજ નહોતો સંભળાયો?' વિભાકર સામે જોઇને સૈયદે પૂછ્યું.

'બાર વાગ્યા સુધી મારા રૂમમાં ટીવી ચાલુ હતું. એ પછી લાઇટ બંધ કરીને હું સૂઇ ગયેલો. સવારે છથી સવા છ વચ્ચે કાશીબા ચા આપવા આવેલાં. બારથી છ ઘસઘસાટ ઊંઘી ગયેલો. મારા ઓરડાનું બારણું તો કામય ખુલ્લું જ હોય છે. એ છતાં, કોઇ અવાજ સાંભળ્યો નથી.'

'રાત્રે છેલ્લે એ કોને મળેલા? એ વખતે એમના વર્તન કે વાતચીત ઉપરથી કંઇ અણસાર નહોતો આવેલો? ત્રણેયની સામે જોઇને સૈયદે પૂછ્યું.

'હરિદ્વારથી પપ્પા આવ્યા એને પાંચ દિવસ થઇ ગયેલા અને એમના મિત્રો મળવા નહોતા આવેલા એટલે પપ્પાએ એ ત્રણેય ભાઇબંધોને ફોન કરીને બોલાવી લીધેલા. સાંજે છ સાડા છ વાગ્યે એ ત્રણેય અંકલ આવ્યા એ પછી પપ્પા એમની સાથે જમ્યા અને દસ વાગ્યા સુધી ડાયરો જમાવેલો.' આટલું બોલ્યા પછી કંઇક યાદ આવ્યું હોય એમ આદિત્યની આંખ ચમકી. 'મારે અને ભાસ્કરને એક એક બાબા ને એક એક બેબી છે. એ ચારેય ઉપર દાદાને ખૂબ વહાલ. રાત્રે એમના ભાઇબંધો ગયા પછી એમણે બૂમ પાડીને આ ચારેય બાળકોને બોલાવ્યાં હતાં અને એમની સાથે ચાલીસેક મિનિટ સુધી ગમ્મતની વાતો કરેલી.' એનો અવાજ ઢીલો થઇ ગયો. 'આઇ થિંક, એ વખતે એમણે મનોમન નિર્ધાર કરી લીધો હશે એટલે છેલ્લે છેલ્લે બાળકો સાથે ધરાઇને વાતો કરેલી. એમના મિત્રોને બંગલે બોલાવ્યા, જમાડ્યા અને એ પછી પૌત્રો- પૌત્રીઓ સાથે હસી-મજાકની વાતો કરી.'

'વડીલનો વિલપાવર એકદમ સ્ટ્રોંગ કહેવાય.' સૈયદની સમજદારી સારી હતી. 'એક વાર નિર્ધાર કર્યા પછી એમનું હૃદય ના પીગળ્યું. બાકી, આવા કેસમાં ક્યારેક ઊંધું થઇ જાય અને સારું પરિણામ આવે. બાળકોની સોબતમાં સમય વિતાવ્યા પછી એમના ચહેરા આંખ સામે દેખાય તો ઢીલા-પોચા માણસનો તો નિર્ણય પણ બદલાઇ જાય. કમનસીબે, અહીં એવું ના બન્યું.'

સુભાષ આવીને ચૂપચાપ આ ત્રણેય ભાઇઓની સાથે ઊભો રહી ગયો હતો. વચ્ચે અર્ધી મિનિટ વાત કરીને વિભાકરે જયંતી અને જયરાજને અહીં આવવાની સૂચના આપી હતી એટલે એ બંને આવી ગયા હતા. એ પછી પાંચેક મિનિટમાં હિંમતલાલ, ડૉક્ટર દિનુભાઇ અને જીવણલાલ પણ હાંફળાફાંફળા થઇને આવી ગયા.

'એસ.એમ.એસ.માં અમારા ત્રણ ભાઇઓ ઉપરાંત તમે જે બીજાં ત્રણ નામ બોલેલા એ આ ત્રણેય વડીલો.' વિભાકરે પરિચય કરાવ્યો. 'મમ્મીના અવસાન પછી પપ્પા સખત ડિપ્રેશનમાં આવી ગયા હતા. એટલે આ ત્રણેયની સાથે દસ દિવસ હરિદ્વાર ફરવા મોકલેલા.' દિનુભાઇ સામે આંગળી ચીંધીને એણે ઉમેર્યું. 'આ ડૉક્ટર સાહેબ તો પપ્પા સાથે એમના રૂમમાં જ રહેલા.'

'ત્યાં પણ ડિપ્રેશનની અસર તો હતી જ.' દિનુભાઇએ માહિતી આપી. 'રાત્રે ક્યારેક ઊંઘમાંથી ઝબકીને જાગી જાય. હું પૂછું કે શું થયું? તો કહે કે મંજુ મને લેવા આવી છે. એ મને પ્રેમથી તતડાવીને પૂછે છે કે હું ઉપર આવી ગઇ ને તમારું નીચે શું દાટ્યું છે? મારી સાથે આવી જાવ.'

'રાત્રે દસ વાગ્યા સુધી તો અમે ચારેય જોડે હતા. જૂના દિવસો યાદ કરીને ખૂબ હસેલા.'

જીવણલાલ આટલું બોલીને આટક્યા. 'રાત્રે એક વાત એ બોલેલા એનો હવે તાળો મળ્યો. અમે ત્રણેય થોડા ધાર્મિક પ્રકૃતિના અને હરિવલ્લભશેઠ ભગવાન કે વિધિવિધાનમાં બહુ માને નહીં. રાત્રે વાત વાતમાં ઇશ્વરની સત્તાની ચર્ચા ચાલતી હતી ત્યારે એ બહુ માર્મિક બોલેલા.' એમણે બંને મિત્રો સામે જોઇને પૂછ્યું. 'શેઠે જે કહેલું એ શબ્દો યાદ કરો, એ બોલેલા એનો અર્થ શું?'

ત્રણેય પુત્રો અને સૈયદ સામે જોઇને એમણે માહિતી આપી. 'શેઠે એવું કહેલું કે આ આપણા જીવનના બે છેડા છે. એક છેડો જન્મ કે જ્યાંથી જીવનનો આરંભ થાય છે અને બીજો છેડો મૃત્યુ કે જ્યાં શ્વાસ અટકી જાય છે. અંચઇ કરીને ઇશ્વર એ બંને છેડા એના હાથમાં રાખે એ કેમ ચાલે? જન્મ ભલે એણે આપ્યો પણ બીજા છેડા ઉપર તો આપણો અધિકાર હોવો જોઇએને?'

'સાવ સાચું.' હિંમતલાલે જીવણલાલની વાતને અનુમોદન આપ્યું. 'છેલ્લે છેલ્લે આપણને મળવા બોલાવ્યા અને બહુ વટથી એ આવું બોલેલો એનો અર્થ એ જ કે મનથી તો નિર્ધાર કરી જ લીધેલો કે આ છેલ્લી રાત છે.'

હરિવલ્લભદાસે આત્મહત્યા કઇ રીતે કરી એ જાણવાની જિજ્ઞાસા હતી, પણ સૈયદની હાજરી હતી એટલે ત્રણેય વડીલોએ સંયમ રાખ્યો. રાત્રે વાતોમાં એ શું શું બોલેલા એ બધું એમણે યાદ કરીને કહ્યું.

સૈયદ ધ્યાનથી સાંભળતો હતો. આ ત્રણ મિત્રો ઉપરાંત સુભાષ જયંતી અને જયરાજ સામે જોઇને એણે પૂછ્યું. 'આ લોકો ફેમિલી મેમ્બર્સ નથીને?'

'આ સુભાષકુમાર મારા બનેવી છે.' સુભાષ સામે નજર કરીને વિભાકરે કહ્યું. 'આ જયંતી અને જયરાજ મિત્ર છે અને અમારી કંપનીમાં જ નોકરી કરે છે.'

અંદર ઓરડામાંથી કોઇએ બૂમ પાડીને બોલાવ્યો એટલે સૈયદ અંદર ગયો. એ ગયો કે તરત પેલા ત્રણેય વડીલો આ ત્રણેય ભાઇઓને ઘેરી વળ્યા. 'આ બધું શું થઇ ગયું? શેઠે તો અમને આંચકો આપ્યો. એમણે કર્યું શું?'

'કાળો કેર થઇ ગયો. લમણામાં રિવોલ્વરની ગોળી મારી દીધી.' આદિત્યે કહ્યું. 'લાશની દશા જોઇને તો કંપારી છૂટે એવી હાલત છે.'

'એક વાર નિર્ધાર કર્યા પછી એમનું હૃદય ના પીગળ્યું. બાકી, આવા કેસમાં ક્યારેક ઊંધું થઇ જાય અને સારું પરિણામ આવે. બાળકોની સોબતમાં સમય વિતાવ્યા પછી એમના ચહેરા આંખ સામે દેખાય તો ઢીલા-પોચા માણસનો તો નિર્ણય પણ બદલાઇ જાય. કમનસીબે, અહીં એવું ના બન્યું.'

સૈયદની સાથે આખી ટીમ ઓરડામાંથી બહાર આવી. 'હવે પંચનામું પતાવીએ ત્યાં સુધીમાં તમે એક કામ કરો.' સૈયદે ભાસ્કર સામે જોયું. 'ઓરડામાં અમારું કામ પતી ગયું છે એટલે તમે અંદર જઇ શકો છો. લાશને પી.એમ. માટે મોકલીએ એ અગાઉ એમની વીંટીઓ, ચેઇન કે બીજા કોઇ દાગીના હશે એ તમે કાઢી લો. ડેડબોડી ત્યાં પહોંચે પછી દાગીનાનો કોઇ ભરોસો નહીં.'

'જી.' ભાસ્કરે એને જવાબ તો આપ્યો પણ પછી તરત વિભાકર અને આદિત્ય સામે જોઇને નકારમાં માથું ધુણાવ્યું. રડમસ અવાજે બબડ્યો. 'આઇ કાન્ટ મારાથી એ કામ નહીં થાય.'

વિભાકરે એના ખભે હાથ મૂકીને એને સંભાળી લીધો. જયંતી અને જયરાજને ઇશારો કરીને નજીક બોલાવ્યા બે હાથ વચ્ચે માથું પકડીને જિતુભાઇ થોડે દૂર બેઠા હતા. એમને પણ વિભાકરે બોલાવી લીધા.

'તમે ત્રણેય અંદર જઇને પપ્પાના દાગીના ઉપરાંત ઘડિયાળ, પાકીટ કે એવું જે કંઇ હોય એ સાચવીને કાઢી લો.' એણે જિતુભાઇ સામે જોયું. 'એ બધી ચીજવસ્તુઓ એક રૂમાલમાં બાંધીને એ પોટલી તમારી પાસે રાખજો.'

જિતુભાઇએ હકારમાં માથું હલાવ્યું.

'પપ્પાને ઇન્ટરનેશનલ બ્રાન્ડનાં બનિયન લાવી આપીએ તો પણ એ એમના દેશી દરજીને બંગલે બોલાવીને દરેક બનિયાનમાં નાનકડું ખિસ્સું બનાવડાવતા હતા.' વિભાકરે જિતુભાઇને સૂચના આપી. 'એમણે પહેરેલા બનિયનનું ખિસ્સું ખાસ ચેક કરજો. તિજોરીની ચાવી એ ખિસ્સામાં રાખવાની પપ્પાને ટેવ હતી. એ ચાવી કાઢીને પણ તમારી પોટલીમાં મૂકી દેજો.'
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી