ધસમસતા ઉછળતા પાણીની ભયાનક ભીંસ વચ્ચે વિભાકર ઝઝૂમતો હતો!

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 11, 2018, 12:05 AM IST

પ્રકરણઃ60

'બોલો હિંમતકાકા, હજુ ઊંઘ્યા નથી?' રાત્રે બાર વાગ્યે એમણે હરિદ્વારથી ફોન કરેલો એટલે ઉચાર સાથે વિભાકરે પૂછ્યું.

'કોઇ સિરિયસ વાત નથી એટલે ચિંતા ના કરતો.' હિંમતલાલે સ્વસ્થતાથી પૂછ્યું. 'આ તેં મોંઘીદાટ હોટલમાં બૂકિંગ કરાવ્યું છે એમાં જીવણ કોમેડી કરે છે. સાંભળ, તારા પપ્પા અને ડૉક્ટર દિનુ બંને એક રૂમમાં છે. એની બાજુના રૂમમાં હું ને જીવણ છીએ. અત્યારે એ તાર પપ્પાની રૂમમાં આયોડેક્સ લેવા ગયો છે. એ તકનો લાભ લઇને ફોન કર્યો. મારું નામ આપ્યા વગર જીવણને ખાલી એટલો ફોન કરજે કે આવી ફાઇવસ્ટાર હોટલમાં વાંદરાવેડા ના કરાય.'

'પણ એમણે કર્યું છે શું?' મોં ખોલીને બોલવાની પણ ઇચ્છા નહોતી થતી એ છતાં એ વડીલના સંતોષ ખાતર વિભાકર વાત કરતો હતો. ઊભા રહેવાની શક્તિ ના હોય એમ એ ઓટલા પસ બેસી ગયો.

'શેઠ હરિવલ્લભદાસની અદાલતમાં એમની દીકરી ફરિયાદ કરશે ત્યારે તમારા બધાની હાજરીમાં રણકતો જવાબ આપીને એને ચૂપ કરી દઇશ. ધેટ્સ ઓલ!'

'તારા પપ્પા અને ડૉક્ટરને તો આવી હોટલનો અનુભવ હશે એટલે એમને નવાઇ ના લાગે પણ મારા ને જીવણ માટે તો આ બધું સાવ નવું છે. બાથરૂમ આલિશાન પણ એમાં ડોલ કે ટમ્બલર જ નહીં! જીવણે તો ભાંગીતૂટી હિન્દીમાં મેનેજર સામે તલવાર ખેંચી ને કીધું કે હમારે રૂમમેં ડોલ ઔર ડબલા રખવા દેના. પણ પેલો માન્યો નહીં.' સહેજ અટકીને એમણે બીજી ફરિયાદ કરી. 'પાંચમે માળે સ્વિમિંગ પૂલ છે. આ ઉંમરે એ પાણીમાં ધૂબકા મારવાના ના હોય તોય જીવણો સાંજે એક કલાક ત્યાં ખુરસી પર બેસી રહ્યો. બધી ફોરેનર અડધી ઉઘાડી નહાતી હોય ત્યાં એમનાં દર્શન કરવા એ ચોંટી રહ્યો હતો. એને મારે શું કહેવું?'
માત્ર હોંકારો આપીને વિભાકર સાંભળતો હતો.

'સવારે નાસ્તામાં તારા પપ્પાએ કહી દીધેલું કે આ બધું મફત છે. અન્નકુટની જેમ બેંતાળીસ આઇટમ હતી એટલે જીવણાએ પેટ ફાટફાટ થાય એમ ખાધેલું. એમાં તો જોકે મેંય દાબીને પેટપૂજા કરેલી. એ વખતે નફ્ફટની જેમ મેનુ માગીને મેં ય બપોરે અને રાત્રે જમવાના ભાવ જોઇ લીધા હતા. એટલે મનોમન નક્કી કરી લીધેલું કે આટલું મોંઘું ના ખવાય સવારે આ મફતિયા નાસ્તાનો પૂરેપૂરો લાભ લેવાનો અને સાંજે બહાર કોઇક ગુજરાતી લોજ શોધી કાઢવાની. ગંગા મૌયાની આરતીમાં એક ગુજરાતી કપલ મળી ગયું. એને પૂછ્યું તો એણે માહિતી આપી કે મૂર્તિ બજારની ગલીમાં જામનગરવાળાનું હરિઓમ ભોજનાલય ઇઝ ધ બેસ્ટ.'

'હં.' વિભાકરે હોંકારો આપ્યો એટલે હિંમતલાલે આગળ કહ્યું. 'આરતી પતી એટલે રિક્ષામાં ત્યાં પહોંચી ગયા. આ હોટલમાં કોફી મળે એટલા પૈસામાં તો ત્યાં અનલિમિટેડ થાળી હતી. વિભા, ખરેખર આલાગ્રાન્ડ જમવાનું. રોજ સાંજનું એક જ મેનું. ખીચડી, કઢી, ભાખી અને લસણ નાખેલું ધમધમાટ રીંગાણા- બટાકાનું શાક. પૈસા વસૂલ કરવા માટે જીવણાએ જમવામાં દાટ વાળી નાખ્યો. પાછા રિક્ષામાં હોટલ પર આવી ગયા. હમણાં કલાક પહેલા જીવણાને એવું પ્રેશર આવ્યું કે એ બાથરૂમમાં દોડ્યો. ડોલ કે ટમ્બલર તો હતું નહીં અને જીવણાને આ વેસ્ટર્ન કમોડની ટેવ નહીં. એ તો સવારેય બળાપો કાઢતો હતો કે આપણને તો દેશી સ્ટાઇલ જ ફાવે. અત્યારે અંદર જઇને કોણ જાણે એ કઇ રીતે કમોડ ઉપર બેઠો કે ધડિમ્ દઇને હેઠો પડ્યો. મેં જઇને ઊભો કર્યો.'

આટલી કથા કહીને એમણે ફરીથી વિભાકરને સૂચના આપી. 'મારું નામ વચ્ચે ના લાવતો. જાણે સામાન્ય વાત કહેતો હોય એ રીતે સમજાવી દેજે કે હોટેલમાં આબરૂ ના કાઢે.'

'સો ટકા સમજાવી દઇશ.' માત્ર આટલું કહીને વિભાકરે મોબાઇલ ખિસ્સામાં મૂકી દીધો. ઊભો થઇને ધીમા પગલે ડ્રોઇંગરૂમમાં પહોંચ્યો. કેમ મોડું થયું? કોનો ફોન હતો? આવા પ્રશ્નો આદિત્ય ક્યારેય પૂછે નહીં એ છતાં એના ચહેરા પર પ્રશ્રાર્થે જોઇને વિભાકરે સામેથી જ કહી દીધું. 'હરિદ્વારથી હિંમતકાકાએ ફોન હતો. જીવણકાકાએ ફાઇવસ્ટાર હોટેલમાં કોમેડી કરે છે એની કથા કહેતા હતા.' આટલું કહીને એ સોફા પર ફસડાઇ પડ્યો.

આદિત્ય અને ભાસ્કરની સાથે અલકા અને ભાવિકા પણ ત્યાં હાજર હતી. એ બંનેએ વિભાકરની પાસે બેસીને દિલસોજી વ્યક્ત કરી. કાશીબાએ પણ આવીને મામાની ઉદારતા યાદ કરીને દુઃખ વ્યક્ત કર્યું.

'આદિત્યે કહ્યું કે તમે કંઇ જમ્યા નથી.' અલકાએ વિભાકરને પૂછ્યું. 'કંઇ નાસ્તો આપું કે દૂધ?' વિભાકરે નકારમાં માથું ધુણાવ્યું.

'આવી ખોટી જીદ નહીં કરવાની. મનમાં પીડા હોય એ છતાં. શરીરની કાળજી તો રાખવી પડેને?' એણે આધિકારપૂર્વક કહ્યું. 'હું દૂધ ગરમ કરીને લાવું છું.' આટલું કહીને એ રસોડામાં ગઇ. કાશીબા એની સાથે ગયાં થોડી વાર પછી એ દૂધ લઇને આવી. દૂધ પીધા પછી વિભાકરે ખાલી ગ્લાસ ટિપોઇ પર મૂક્યો.

'શાલુદીદીએ ફોન કરેલો.' ત્રણેય ભાઇઓ સામે જોઇને અલકાએ માહિતી આપી. 'એમને પપ્પાનું કંઇક એવું કામ હતું કે જે તમારા ત્રણેયથી ના થઇ શકે. એમને મેં કહ્યું કે પપ્પા તો હરિદ્વાર ગયા છે, બાર- તેર દિવસ પછી આવશે. એ સાંભળીને એ ચિડાઇ ગયા. કહે કે પપ્પા આ રીતે આટલે દૂર પ્રવાસમાં જાય તો મને જાણ પણ ના કરાય? પછી બળાપો કાઢ્યો કે હવે મમ્મી નથી એટલે તમને કોઇને મારી કંઇ પડી નથી.' ખાલી ગ્લાસ ટિપોઇ પરથી ઉઠાવીને એણે કાશીબાના હાથમાં આપ્યો અને ફરીથી ત્રણેય ભાઇઓ સામે જોયું. 'શાલુદીદી જે બોલતા હતા એના રણકા ઉપરથી એવું લાગતું હતું કે પપ્પાને મળીને એમને કંઇક ફરિયાદ કરવી છે તમારા વિરૂદ્ધ!'

વિભાકર કંઇક જવાબ આપશે એ આશા સાથે આદિત્ય અને ભાસ્કર એની સામે તાકી રહ્યા હતા, પણ એ મૌન જ રહ્યો.

સુભાષે શરાફ પાસેથી પચીસ લાખ ઉછીના લીધા હતા એ રકમ એની બેગમાંથી પોતે ઉઠાવી લીધી હતી અને સુભાષને તતડાવ્યો હતો. એ હકીકતની સુભાષે શાલિની પાસે વિકૃત રીતે રજૂઆત કરીને પોતાને ગુનેગાર ઠરાવ્યો હશે એનો વિભાકરને ખ્યાલ આવી ગયો. શાલિનીએ મુદ્દે હરિવલ્લભદાસ પાસે ફરિયાદ કરવાની હશે એ ખબર પડી. એ છતાં, વિભાકર મૂંગો જ રહ્યો. માનસિક હાલત એવી હતી કે કંઇ બોલવાની જાણે ઇચ્છા જ થતી નહોતી.

સુભાષે અગાઉ બાર લાખની બદમાશી કરી હતી એની જાણકારી પોતે આદિત્ય- અલકા, ભાસ્કર અને ભાવિકાને આપી હતી પણ આ નવા પચીસ લાખના પ્રપંચની વાત નહોતી કરી. અત્યારે એ ચર્ચા ક્યાં કરવી? વિભાકર મૌન જ રહ્યો.

'વિભાદાદા, તમને તો ખબર હશે જ.' પરાણે જવાબ માગતી હોય એમ ભાવિકાએ વિભાકર સામે જોયું. 'બહેનને છાસમાં ક્યાં છાંટો પડ્યો છે એની જાણકારી તમને ના હોય, એવું ના બને. એમને શાની ફરિયાદ કરવાની હશે?'

કંઇક જવાબ આપ્યા વગર હવે છૂટકો નહોતો. પોતાના રૂમમાં જવા માટે વિભાકર ઊભો થયો. એણે ઘડિયાળ સામે જોયું અને પછી પોતાની સામે તાકી રહેલા જિજ્ઞાસાભર્યા ચહેરાઓ સામે નજર કરી. 'અત્યારે એ કથા યાદ કરીને મગજ બગાડવું નથી.' એણે મોં ખોલ્યું. 'શેઠ હરિવલ્લભદાસની અદાલતમાં એમની દીકરી ફરિયાદ કરશે ત્યારે તમારા બધાની હાજરીમાં રણકતો જવાબ આપીને એને ચૂપ કરી દઇશ. ધેટ્સ ઓલ!'


આટલું કહીને એ સડસડાટ પોતાના રૂમ તરફ આગળ વધી ગયો. બધા આશ્ચર્યથી એની સામે તાકી રહ્યા હતા.

'વિભાનું મગજ અપસેટ થઇ ગયું છે.' એ ગયો એ પછી આદિત્યે ઠપકાભરી નજરે ભાવિકા સામે જોયું. 'મામા માટે એને જબરજસ્ત લાગણી હતી એટલે એ હજુ આઘાતમાંથી બહાર નથી આવ્યો. તારે એને આ રીતે છંછેડવાની જરૂર નહોતી.'

'સોરી આ વાતનો મને ખ્યાલ જ ના રહ્યો.' ભાવિકાએ તરત પોતાની ભૂલ કબૂલી લીધી પણ પછી ઉમેર્યું. 'એમણે ચિડાઇને જવાબ પણ કેવો આપ્યો?'

'કમાન છટકે ત્યારે જીભ ઉપર કાબૂ ના રહે.' ભાસ્કરે પત્ની સામે જોયું. 'તેં સળી કરી અને એ ડિસ્ટર્બ હતો એટલે સણસણતો જવાબ આપી દીધો.' વાતાવરણ હળવું બનાવવા એણે ઉમેર્યું. 'વિભાદાદાના મમા મોભાદાર માણસ હતા. આખા ગામના બધા વેપારીઓ સ્વયંભૂ બંધ પાળેલો અને સ્મશાનયાત્રામાં પણ નવાઇ લાગે એવી ભીડ હતી.'

'સૌરાષ્ટ્રમાં તો સીધો સાદો હિસાબ છે.' આદિત્યે કહ્યું. 'અંતિમ વિદાય આપવા કેટલા માણસો આવે છે એના ઉપરથી મરનાર માણસનું મૂલ્ય અંકાય.'

એ પછી શહેરમાં અંતિમ યાત્રામાં પાંખી હાજરી અને એવી બધી આડીઅવળી વાતો કરીને બધા પોતપોતાના રૂમમાં ગયા.

વિભાકર પલંગ પર ચત્તોપાટ સૂતો હતો. એની નજર છત ઉપર સ્થિર હતી. ગઇ રાતનો ઉજાગરો અને પ્રવાસના હડદોલાને લીધે શરીર થાકેલું હતું. આંખો બંધ કરીને ઊંઘવા માટે એણે મથામણ કરી પણ એમાં સફળતા ના મળી. બંધ પાંપણની પછવાડે પણ હોસ્પિટલના આઇ.સી.યુ.નું એ દૃશ્ય તરવરી ઊઠતું હતું. પારાવાર પીડાથી પરેશાન વસંતમામાનો ચહેરો, એમની લાચાર આંખો અને ફફડતા હોઠ. ફિલ્મમાં ક્લોઝઅપમાં દેખાય એ રીતે એ દૃશ્યો ધસી આવતાં હતાં અને આંખ ઉઘડી જતી હતી.

મોત સાથેની રમતમાં એ હારી ગયા તો હતો મનમાં ભાર લઇને પણ એ તો આસાનીથી સ્વર્ગના દરવાજા સુધી પહોંચી જાત, પણ વસંતમામા વિજેતા બન્યા. ઇનામરૂપે એમણે તો હળવાશ અનુભવી અને વિભાકરને ખો આપીને ગયા. જિંદગીભર જે ભાર એમણે વેંઢાર્યો હતો એ પીડાનું પોટલું વિભાકરના માથે પધરાવીને એ પ્રયાણ કરી ગયા!

વિચારોના આટાપાટામાં મગજ ગૂંચવાઇ જતું હતું. પોતે દિલ્હી કે કલકત્તા બાજુ ક્યાંક હોત અને મામાને એટેક આવ્યો હોત તો પોતે પાલીતાણા પહોંચી શક્યો હોત? દૂર હોત અને પંદર- વીસ કલાક ત્યાં મોડો પહોંચ્યો હોત તો ત્યાં સુદી મામાએ શ્વાસ ટકાવી રાખ્યા હોત? જે રહસ્ય જિંદગીભર છાતીમાં ધરબીને રાખ્યું હતું એ ભાર હળવો ના કરે ત્યાં સુધી મોતની સાથે સંતાકૂકડી રમવામાં એમને સફળતા મળતી?


મોત સાથેની રમતમાં એ હારી ગયા તો હતો મનમાં ભાર લઇને પણ એ તો આસાનીથી સ્વર્ગના દરવાજા સુધી પહોંચી જાત, પણ વસંતમામા વિજેતા બન્યા. ઇનામરૂપે એમણે તો હળવાશ અનુભવી અને વિભાકરને ખો આપીને ગયા. જિંદગીભર જે ભાર એમણે વેંઢાર્યો હતો એ પીડાનું પોટલું વિભાકરના માથે પધરાવીને એ પ્રયાણ કરી ગયા!

પોતે પહોંચ્યો એની દસેક મિનિટ પહેલાં જ એમણે દેહ મૂકી દીધો હોત તો મારા ઉપર એમનું બહું મોટું અહેસાન થઇ જતું. વિભાકર વિચારતો હતો. જિંદગીનો જે પ્રવાહ વહેતો હતો એનું વહેણ હસતું- રમતું એની નિયમિત ગતિએ આરામથી આગળ વધતું હતું. રસ્તામાં આવતા પથ્થરોને પ્રેમથી રમતિયાળ રીતે સ્પર્શીને કાંઠે ઊગેલા ઘાસની સાથેય દોસ્તીનો હાથ લંબાવતું હતું. મનનો ભાર હળવો કરવા છેલ્લા શ્વાસ ચાલતા હતા ત્યારે મામાએ ભીતર જે ભયાનક ધરતીકંપનો આંચકો આપ્યો હતો એને લીધે એ વહેણે પ્રચંડ સુનામીનું વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. વિરાટ મોજાંઓ એવી ખોફનાક રીતે ઉછળ્યાં હતાં કે પથ્થરો, ઘાસ કે આજુબાજુનું કંઇ જ બચ્યું નહોતું. ધસમસતા ઉછળતા પાણીની ભયાનક ભીંસ વચ્ચે વિભાકર ઝઝૂમતો હતો!
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી