Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-4

‘પાંચ કરોડ આપવાની પાકી તૈયારી બતાવી, પણ એ લોકો કોઈ ગેરંટી આપવાની ના પાડે છે...’

  • પ્રકાશન તારીખ19 Jul 2018
  •  

જુગારમાં બધું ગુમાવીને હારેલો-થાકેલો જુગારી ઘરમાં પ્રવેશે એ રીતે હરિવલ્લભદાસ રૂમમાં પ્રવેશ્યા. એમના ચહેરા પર જે પીડા પથરાયેલી હતી એ જોયા પછી વિભાકર, આદિત્ય કે ભાસ્કરે તરત કંઈ પૂછવું નથી એવું મનોમન નક્કી કરી લીધું. સસરાનું મોઢું જોઈને કંઈક અમંગળની ધારણાએ અલકા અને ભાવિકાએ તરત એકબીજાની સામે જોયું. અલકાની વધુ નજીક સરકીને ભાવિકાએ એનો હાથ પોતાના હાથમાં જકડી લીધો.

શાલિની અને તેના પિતા સુભાષ વચ્ચે આંખોથી જ સંતલસ થઈ ગઈ. સુભાષે ઈશારાથી જ આદેશ આપ્યો કે તું પૂછ.

શાલિની ઊભી થઈને હરિવલ્લભદાસની પાસે ગઈ અને આંખોમાં આંખો પરોવીને પૂછ્યું, 'ડૉક્ટરે કંઈક તો કહ્યું હશેને? ક્યારે ભાન આવશે?’

'મમ્મીને કેટલા સમયમાં સારું થઈ જશે?' ઓરડાના વાતાવરણમાં જે સ્તબ્ધતા છવાયેલી હતી એની વચ્ચે એક માત્ર શાલિનીએ સવાલ પૂછવાની હિંમત કરી. ઊભી થઈને એ હરિવલ્લભદાસની પાસે ગઈ અને આંખોમાં આંખો પરોવીને પૂછ્યું, 'ડૉક્ટરે કંઈક તો કહ્યું હશેને? ક્યારે ભાન આવશે?’

'કાલે સવારે સાડા નવ વાગ્યે...' સામે ઊભેલી દીકરીના બંને ખભા પર પોતાના બંને હાથ મૂકીને બાપ ભાંગી પડ્યો. 'શાલુબેટા, આમ તો, એક્સિડન્ટ થયો એ જ વખતે તારી મમ્મી આપણને છોડીને જતી રહી હતી. નવી શોધખોળ અને ટેક્નોલોજીથી આ ડૉક્ટરો કંઈક ચમત્કાર કરી બતાવશે એ આશાએ એને અહીં દાખલ કરાવી...’ પારાવાર પીડા સાથે એમણે નિરાશાથી માથું ધુણાવ્યું. 'મગજનો પાછળનો હિસ્સો એટલો ખરાબ રીતે છૂંદાઈ ગયેલો હતો કે એને રિપેર કરવાની દુનિયાના કોઈ ડૉક્ટર પાસે તાકાત નથી. મુંબઈથી આવેલા ન્યુરોસર્જને એની તમામ કુશળતા હોડમાં મૂકેલી. ઓપરેશન થિયેટરમાં એ પાંચ કલાક ઝઝૂમેલો, પણ એનો ઈલાજ કારગત ના નીવડ્યો. એર એમ્બ્યુલન્સમાં અમેરિકા કે ઇંગ્લેન્ડ લઈ જવા માટે પણ એને પૂછેલું, પણ એણે પોઝિટિવ જવાબ નહોતો આપેલો...'

દીકરીને એ જ રીતે દોરી જઈને એમણે જમાઈની પાસે બેસાડી દીધી. પછી વિભાકર, આદિત્ય અને ભાસ્કર સામે જોયું. 'અત્યારે ડૉક્ટરો સાથે ટુ ધ પોઇન્ટ વાત કરી. પાંચ કરોડ આપવાની પાકી તૈયારી બતાવી, પણ એ લોકો કોઈ ગેરંટી આપવાની ના પાડે છે. ખોટી આશાનું ગાજર લટકાવીને એ લોકો આપણને રમાડે છે...’

વારાફરતી આખા ઓરડામાં ઉપસ્થિત બધાની સામે નજર ફેરવીને એમણે ધીમા અવાજે માહિતી આપી. ‘જીભને શબ્દો જડતા નહોતા, મનમાં દ્વિધા હતી. હૈયામાં જાણે શારડી ફરતી હોય એવી વેદના થતી હતી, એ છતાં, હૃદય ઉપર પથ્થર મૂકીને નિર્ણય કરવો પડ્યો. આજે રાત્રે કોઈએ અહીં રહેવાની જરૂર નથી. સવારે નવ વાગ્યે અમે પુરુષો અહીં આવીશું અને સાડા નવ વાગ્યે વેન્ટિલેટર હટાવી લેવાશે...’

ભાવિકા અને અલકાએ એકબીજાને વળગીને રડવાનું શરૂ કર્યું. ‘પ્લીઝ,...' એ બંનેની પાસે જઈને હરિવલ્લભદાસે આદેશ આપ્યો. ‘કોઈએ રડવાનું નથી. આપણાં આંસુથી એ પવિત્ર આત્માનો જીવ દુભાશે. એના આત્માને ત્રાસ થાય એવું એકેય કામ આપણે નથી કરવાનું...’ એ દેરાણી-જેઠાણીના માથા ઉપર એક એક હાથ મૂકીને હરિવલ્લભદાસે નરમાશથી ઉમેર્યું, ‘આપણા બધા માટે એ એક છત્રછાયા હતી. હવે એ નથી. એની વિદાય પછી તમારે બંને એ હળીમળીને આખું ઘર સંભાળવાનું છે. બી બ્રેવ. મન મક્કમ કરીને જે પરિસ્થિતિ છે એ સ્વીકાર્યા વગર છૂટકો નથી...’

દીકરીની પાસે બેઠેલા જમાઈને આવા પ્રસંગે લગીર મહત્ત્વ આપવું જોઈએ એ વ્યવહારૂ જ્ઞાન એમની પાસે હતું. શાલુની પાસે બેઠેલા જમાઈના ખભે હાથ મૂકીને એ બોલ્યા, ‘સુભાષ કુમાર, તમારી જવાબદારી પણ હવે વધી જશે. વિભાકર, આદિત્ય અને ભાસ્કરની પડખે ઊભા રહીને એમને મદદ કરવાની છે.’

'પપ્પાજી, આ બધી વિધિ દરમ્યાન એમાં તમારે કંઈ કહેવું નહીં પડે...’ સુભાષે તરત ખાતરી આપી. પછી જિજ્ઞાસાથી પૂછ્યું. ‘વેન્ટિલેટર ખસેડી લે પછી કેટલીવાર...’ એના સવાલને અડધેથી જ અટકાવીને હરિવલ્લભદાસે કહ્યું, ‘તરત જ. એ ખોળિયામાં જીવ છે જ નહીં. આપણને ધૂતવા માટે લાઇફ સપોર્ટ સિસ્ટમ ચાલુ રાખી છે એ લોકોએ.’ લગીર વિચાર કરીને એમણે ભાસ્કર સામે જોયું. ‘સવારે સાડા નવ વાગ્યે તારી મમ્મી દેહ મૂકે એ પછી તરત બધાને જાણ કરીને સ્મશાન યાત્રાનો સમય પણ કહેવો પડશે.’

'સાડા નવ... પછી અહીંથી ઘરે જઈએ...મનોમન ગણતરી કરીને ભાસ્કરે બધાની સામે જોયું. ‘દોઢ કે બે વાગ્યાનું બધાને જણાવી દઈશું.'

'સાંજે પાંચ વાગ્યે..' વિભાકરને વધુ બોલવાની ટેવ નહોતી, પણ એ જ્યારે બોલે ત્યારે એના રણકતા અવાજમાં અંતિમ આદેશ હોય એ રીતે જ બોલતો. ભાસ્કર અને આદિત્ય ઉપરાંત સુભાષ પણ પોતાની સામે આશ્ચર્યથી તાકી રહ્યો છે એનું ભાન થયું કે તરત એણે ખુલાસો કર્યો. 'મૃત્યુ રોડ પર અકસ્માતથી થયું ગણાય એટલે હોસ્પિટલવાળાએ એમની ફોર્માલિટીઝ પૂરી કરવી પડશે. એ લોકો ડેડબોડી સીધું જ આપણને ના આપી શકે. પોલીસ પિક્ચરમાં આવશે અને ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જશે. પી.એમ. પત્યા પછી આપણને કબજો મળશે.’

'કાયદો ગધેડો છે...' હરિવલ્લભદાસના અવાજમાં લાચારી સાથે ચીડ ઉમેરાઈ. 'ક્લિયરકટ સીધી-સાધી ઘટના હોય એમાંય કાયદાની આંટાધૂંટી ઘુસાડીને આ લોકો ત્રાસ કરે છે. સામાન્ય નાગરિકોએ તો ઉપાધિ જ વેઠવાનીને?'

'અકસ્માત હોય, આત્મહત્યા કે ખૂનનો ગુનો હોય એવા જે જે કિસ્સામાં એફ.આઈ.આર. નોંધાઈ હોય એમાં પી.એમ ફરજિયાત છે...' વિભાકરે માહિતી આપી. 'આપણને આશ્ચર્ય થાય પણ બોમ્બ બ્લાસ્ટમાં મરી ગયેલા માણસોનું પણ પી.એમ. કરવામાં આવે છે! મમ્મીના અકસ્માત પછી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ પોલીસે એફ.આઈ.આર. નોંધેલી છે, એટલે બીજો કોઈ ઉપાય નથી. ફોન કરીશું તો આપણું કામ વહેલું પતાવશે, બાકી, તો ત્યાં પણ લાઇન હોય છે...'

‘એ બધું તું સંભાળી લેજે...' હરિવલ્લભદાસે સૂચના આપી. 'જિતુભાઈને સવારે આઠ વાગ્યે બંગલે બોલાવી લેજે.'

'જી' વિભાકરે હકારમાં માથું હલાવીને ના પાડી. જિતુભાઈ એટલે આ પરિવાર સાથે વર્ષોથી જોડાયેલા પગારદાર કર્મચારી. એમની ઉંમર પણ હરિવલ્લભદાસ જેટલી હતી. પરિવાર સાથે સંકળાયેલાં તમામ સગાં-સંબંધીઓ અને ધંધાદારીઓને એ ઓળખતા હતા અને તમામના કોન્ટેક્ટ નંબર્સ પણ એમની પાસે હતા. કુટુંબના દરેક સારા-માઠા પ્રસંગની જાણકારી બધાને પહોંચાડવાનું કામ એમના જેટલી ચીવટથી બીજું કોઈ કરી ના શકે એનો વિભાકરને ખ્યાલ હતો.

'હવે આપણે પ્રયાણ કરીશું?' આદિત્ય અને ભાસ્કર સામે જોઈને હરિવલ્લભદાસે ઊભા થવાનો ઈશારો કર્યો. પછી દીકરી અને જમાઈ સામે નજર કરી. ' શાલુ, તમે લોકો અત્યારે બંગલે આવો છો કે શાહીબાગ જવાના?'

'શાહીબાગ જ જઈશું...' શાલુ વતી સુભાષે જ સસરાને જવાબ આપી દીધો. 'શાલુ કાલથી બંગલે આવી જશે અને પંદરેક દિવસ ત્યાં જ રહેશે. 'સુભાષ અને શાલિનીનો ફ્લેટ શાહીબાગ અંડરબ્રિજ પાસે હતો.

પાંચેક મિનિટમાં રૂમ ખાલી કરીને બધા નીકળી ગયા.

હરિવલ્લભ બંગલાના ડ્રોઇંગરૂમમાં વાતાવરણ ભારેખમ હતું. હરિવલ્લભદાસ સોફા ઉપર બેઠા હતા. વિભાકર એમની જમણી તરફ બેઠો હતો. આદિત્ય અને ભાસ્કરની ડાબી બાજુ બેઠા હતા. સામેના સોફા ઉપર આદિત્યની પત્ની અલકા અને ભાસ્કરની પત્ની ભાવિકા એકબીજાને વળગીને અડોઅડ બેઠી હતી. એ બંનેની આંખ ભીની હતી. બાળકો એમના રૂમમાં પહોંચી ગયાં હતાં. રસોડાના બારણા પાસે કાશીબા અને ગોરધન ધીમા અવાજે કંઈક વાત કરી રહ્યાં હતાં.

'વિભો પહેલા દિવસે હોસ્પિટલમાં ખડા પગે ઊભો રહેલો. ભૂખ-તરસને ગણકાર્યા વગર બધા ડૉક્ટર્સની પાછળ ફરતો હતો..' વિભાકર તરફ ઈશારો કરીને હરિવલ્લભદાસે બધાને જાણકારી આપી. 'એ રાત્રે બાર વાગ્યે ત્યાંથી નીકળી ગયો અને આજ સુધી હોસ્પિટલમાં ફરક્યો નહીં, એને લીધે મારા મનમાં જે આશંકા સળવળતી હતી એને બળ મળ્યું. રાત્રે જમ્યા પછી એણે મારી પાસે હૈયું ખોલ્યું. સાવ ખોટી આશા બંધાવીને એ લોકો આપણને ધૂતી રહ્યા છે એવી મારી શંકા વાહિયાત નથી એનું એણે મને ભાન કરાવ્યું. એ પછી આ આકરો નિર્ણય લેવો પડ્યો..'

એ આગળ કંઈક બોલવા ઈચ્છતા હતા પણ અચાનક આંખમાં ઝળઝળિયાં ધસી આવ્યાં અને ગળું રૂંધાયું એટલે એ અટકી ગયા. બે હાથ વચ્ચે માથું પકડીને એ સોફા પર ઝૂકી ગયા. વિભાકરે એમને સંભાળી લીધા. 'પપ્પાજીને એમના રૂમમાં લઈ જાઉં છું...' એમને હળવેથી ઊભા કરીને વિભાકરે બધાની સામે જોયું. તમે લોકો પણ આરામ કરો. કાલે આખો દિવસ કોઈને નવરાશ નહીં મળે...'

બંગલામાં ગ્રાઉન્ડ ફ્લૉર પર ડ્રોઇંગરૂમ, ડાઈનિંગ સ્પેસ અને રસોડા ઉપરાંત પાંચ રૂમ હતા. હરિવલ્લભદાસના રૂમની અડોઅડ વિભાકરનો રૂમ હતો. એ પછીના બે રૂમ મહેમાનો માટેના હતા. એ પછી જે છેલ્લો રૂમ હતો એ ખૂબ મોટો હતો. એમાં વિભાકરે કસરતનાં સાધનો વસાવી એને જિમ્નેશિયમનું રૂપ આપી દીધું હતું.

હરિવલ્લભદાસને તેમના ઓરડામાં પહોંચાડીને વિભાકર દસેક મિનિટ એમની પાસે બેઠો. કશુંય બોલ્યા વગર માત્ર એમના હાથ પોતાના હાથમાં જકડીને એ બેસી રહ્યા પછી હળવેથી ઊભો થઈને એ પોતાના ઓરડામાં ગયો.

'ક્લિયરકટ સીધી-સાધી ઘટના હોય એમાંય કાયદાની આંટાધૂંટી ઘુસાડીને આ લોકો ત્રાસ કરે છે. સામાન્ય નાગરિકોએ તો ઉપાધિ જ વેઠવાનીને?'

બંગલામાં પહેલા માળે સાત ઓરડા હતા. ડ્રોઈંગરૂમમાંથી આરસની પહોળી સીડી ચડીને ઉપર જઈએ એટલે જમણી તરફ ત્રણ અને ડાબી બાજુ ચાર ઓરડા હતા. જમણી બાજુ પહેલો ઓરડો આદિત્યનો અને ડાબી બાજુ પહેલો ઓરડો ભાસ્કરનો હતો. એ બંને રૂમ ખાસ્સા વિશાળ હતા. એ સિવાયના ઓરડાઓ પ્રમાણમાં નાના હતા. આદિત્ય અને અલકાને બે સંતાન-અઢાર વર્ષનો આકાશ અને પંદર વર્ષની આકાંક્ષા. એ બંનેએ જમણી તરફના બાકીના બંને રૂમ વહેંચી લીધા હતા. ભાસ્કર અને ભાવિકાને પણ બે સંતાન. ભૌમિક સોળ વર્ષનો અને ચૌદ વર્ષની ભૈરવી. એમણે પણ એમના મા-બાપની પાસેના રૂમ પસંદ કરી લીધા હતા. ડાબી તરફનો છેલ્લો ઓરડો ખાલી હતો. ક્યારેક વધુ મહેમાન હોય ત્યારે જ એ વપરાતો હતો. ચારેય બાળકોને એકબીજાની સાથે સારું બનતું હતું એટલે દિવસ દરમિયાન કોઈ એક ઓરડામાં એ ચારેય સાથે જ ધીંગામસ્તી કરતાં હોય.

વિભાકરનો આદેશ મળી ગયો હતો એટલે જિતુભાઈ સવારે આઠના ટકોરે હાજર થઈ ગયા હતા. શાલિની અને સુભાષ પણ એ જ વખતે આવી ગયાં હતાં. ભાસ્કર જિતુભાઈની સાથે ઘેર રહે એવું નક્કી કર્યું હતું.

સાડા આઠ વાગ્યે હરિવલ્લભદાસ વિભાકરની કારમાં ગોઠવાયા. બીજી કારમાં ડ્રાઇવરની પાછળ આદિત્ય અને સુભાષ બેઠા. એ બંને કાર બંગલામાંથી નીકળી ત્યારે શાલિની, અલકા અને ભાવિકા ઓટલા પર ઊભા રહીને એ તરફ ભીની આંખે તાકી રહ્યાં હતાં.


(ક્રમશઃ)

mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP