Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-3

‘પાંચ કરોડ સુધીની ગમે તે રકમ બોલો. હું ચેક આપવા તૈયાર છું. સામે મંજુને હરતી-ફરતી કરી દો.’

  • પ્રકાશન તારીખ19 Jul 2018
  •  

પ્રકરણ-3

હરિવલ્લભદાસે કહ્યું એ સાંભળીને વિભાકર તરત ઊભો થઈ ગયો. છઠ્ઠી મિનિટે તો પોર્ચમાં કાર ઊભી રાખીને એમની રાહ જોતો હતો. એમને થોડીવાર લાગી એટલે કારનું બારણું ખોલીને વિભાકર બહાર આવ્યો અને શાંતિથી ઊભો રહ્યો. એના સ્વભાવની ખાસિયત હતી. અત્યારે તો પપ્પાની પ્રતીક્ષા કરવાની હતી, બાકી કોઈ પણ સ્થળે કોઈની પણ રાહ જોવાની હોય ત્યારે પણ મગજ ઉપર બરફ મૂકીને ધીરજ જાળવી શકતો. લગીર પણ વિચલિત થયા વગર અખૂટ ધૈર્યથી રાહ જોવામાં એને કોઈ તકલીફ નહોતી પડતી. આ ખૂબી જન્મજાત નહોતી, આકરી મહેનત કરીને એણે આ આદત કેળવી હતી.

હરિવલ્લભદાસની સાથે ગોરધન ઓટલા સુધી આવ્યો. હરિવલ્લભદાસ એને કંઈક સૂચના આપી રહ્યા હતા. પેલો હકારમાં માથુ હલાવી રહ્યો હતો. એ પછી એ ત્યાં જ ઊભો રહ્યો. હરિવલ્લભદાસ પગથિયાં ઊતરીને કાર પાસે આવ્યા એટલે વિભાકરે એમના માટે બારણું ખોલી આપ્યું અને પોતે સ્ટિયરિંગ પર ગોઠવાયો.

‘એક ફોન કરવામાં થોડું મોડું થઈ ગયું...' પુત્રે કશું પૂછ્યૂં નહોતું, છતાં પિતાએ ખુલાસો કરી દીધો, 'હોસ્પિટલના એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ ચાલે છે એટલે બધા મોટાં માથાં અત્યારે ત્યાં કોન્ફરન્સ રૂમમાં ભેગાં થયાં છે...' એમણે વિભાકર સામે જોયું. 'એ આઠેય ધૂરંધર ડૉક્ટરોમાંથી પાંચ-છ તો બીજી હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે, એટલે દર મહિને મિટિંગ માટે મોડી રાત્રે જ મળવાનું એમને ફાવે...' એમણે ખુલાસો કર્યો. 'આદિત્યને ફોન કર્યો ત્યારે એણે માહિતી આપી.' એમણે હસીને ઉમેર્યું. 'તું મારી સાથે આવે છે એ મેં એને નથી કહ્યું.'

વિભાકરના સ્વભાવની ખાસિયત હતી. અત્યારે તો પપ્પાની પ્રતીક્ષા કરવાની હતી, બાકી કોઈ પણ સ્થળે કોઈની પણ રાહ જોવાની હોય ત્યારે પણ મગજ ઉપર બરફ મૂકીને ધીરજ જાળવી શકતો.

જવાબમાં વિભાકરે માત્ર મોં મલકાવ્યું. પૂરી એકાગ્રતાથી એ કાર ચલાવી રહ્યો હતો.

'આ ચાર દિવસના ઉચાટમાં એસિડિટી થઈ ગઈ છે.' ખાટો ઓડકાર આવ્યો એ પછી સ્વસ્થ થઈને હરિવલ્લભદાસે કહ્યું, ' હરિ, વરી એન્ડ કરી એ ત્રણેય એસિડિટીનાં કારણ છે. સતત દોડધામની ઉતાવળ અને એમાં મંજુની ચિંતા એટલે કશુંય તીખું ના ખાઈએ તોય એસિડિટી ઊથલો મારે.'

'ગોરધન પાસે તમે આઇસક્રીમ માગ્યો ત્યારે જ મને ખ્યાલ આવી ગયેલો કે પપ્પાજીને એસિડિટી ઊપડી છે. ' વિભાકરે આવું કહ્યું કે તરત હરિવલ્લભદાસ ફિક્કું હસીને બબડ્યા. 'આ તો સારું છે કે ગોરધન જૂનો માણસ છે અને આપણા બધાની રગેરગને ઓળખે છે. બાકી નવો રસોઈયો હોય અને હું જમ્યા પછી આઇસક્રીમ માગું તો એ અવળું વિચારે એને તો એમ જ લાગે કે શેઠાણી જીવણ-મરણ વચ્ચે ઝોલાં ખાય છે, ને શેઠને આઇસક્રીમના અભરખા થાય છે!'

‘તમે મારા જેવું કરો..’ દીકરાએ બાપને સલાહ આપી. 'ક્યારેક બપોરે વધુ પડતું સ્પાઇસી ખવાઈ ગયું હોય તો સાંજે જમવાને બદલે મેનુમાં માત્ર દૂધ-પૌંવા. ઈલાયચી અને કેસર નાખીને ગોરધન એટલાં ટેસ્ટિ દૂધપૌંવા બનાવી આપે છે કે જમવા કરતાંય સારું લાગે.'

'કાલથી ટ્રાય કરીશ. તું ગોરધનને સૂચના આપી દેજે.'

'શ્યોર' એસ.જી. હાઇવેના ભરચક ટ્રાફિક વચ્ચે વિભાકર કાળજીપૂર્વક કાર ભગાવી રહ્યો હતો.

ડ્રાઇવિંગ કરતી વખતે વિભાકરના હોઠ દૃઢતાથી બિડાયેલા હતા. આંખ રસ્તા ઉપરના ટ્રાફિક સામે સ્થિર હતી. હરિવલ્લભદાસ એની સામે એકીટશે તાકી રહ્યા હતા. 'આટલાં વર્ષો પછી પણ ક્યારેક તને જોઈને નિમુની યાદ આવી જાય છે.' ભૂતકાળની સ્મૃતિઓનું વાવાઝોડું અચાનક આંખમાં ધસી આવ્યું હોય એમ વિભાકર સામે તાકીને એ બબડ્યા. એમના અવાજની ભીનાશને પારખીને વિભાકરે તરત એમની સામે જોયું. 'હું જાન જોડીને ગયો. નિમુને આ બંગલામાં લાવ્યો. એ પછી માંડ પાંચ જ વર્ષનો અમારો સહવાસ રહ્યો. એમાંય તારા જન્મ વખતે તો એ આઠેક મહિના તારા મોસાળ ગારિયાધારમાં જ રહેલી.'

બંધ પાંપણની પાછળ જાણે એ દૃશ્ય તરવરતું હતું હોય એમ હવે આંખો બંધ કરીને ભૂતકાળમાં ખોવાઈ ગયા હતા. 'રાત્રે હું જમવા બેઠો હતો અને ટેલિફોનની ઘંટડી રણકેલી. એ વખતે તો કાશીબા પણ યુવાન હતાં. બંગલાનું બધું કામ નિપટાવવા એ પતંગિયાની જેમ ઊડાઊડ કરતાં હતાં. એમણે દોડીને ફોન ઉઠાવ્યો. ગારિયાધારથી તારા જન્મની વધામણીનો ફોન હતો. હરખથી ઊભરતા અવાજે એમણે મને આ શુભ સમાચાર આપ્યા. એ સમયે જે અનહદ આનંદ થયેલો એનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી. ગળામાંથી સોનાનો ચેઈન કાઢીને કાશીના હાથમાં આપી દીધો-જાવ જલસા કરો.'

લગીર અટકીને એમણે હળવેથી ગળું ખોંખાર્યું. અટવાઈ ગયેલા ડૂમાનો દીકરાને ખ્યાલ ના આવે એ માટે બારી બહાર નજર કરીને બબડ્યા. 'તું ત્રણ વર્ષનો થયો ત્યારે આ જ રીતે હું જમતો હતો અને કાશીએ બેડરૂમમાંથી ચીસ પાડેલી... શેઠ, જલ્દી આવો, શેઠાણીને કંઈક થઈ ગયું છે, બોલતાં નથી...'

બારી બહાર જ નજર રાખીને એ અટકી ગયા. એમની મનોદશા પારખીને વિભાકર મૌન જ રહ્યો.

રોશનનીથી ઝળહળતું હોસ્પિટલનું આઠ માળનું બિલ્ડિંગ દેખાયું એટલે વિભાકરે કારની ગતિ ઘટાડી. પાર્કિંગનો એટેન્ડન્ટ હરિવલ્લભદાસને હવે ઓળખી ગયો હતો. એણે બાપ-દીકરાને સલામ કરી.

છઠ્ઠે માળે એક વિંગમાં આઈ.સી.યુ.ની સામેના ભાગમાં પાંચ વી.વી.આઈ.પી. રૂમ્સ હતા. હોસ્પિટલના સ્પેશિયલ અને સેમિ સ્પેશિયલ રૂમ્સ લગભગ ભરચક રહેતા હતા; પણ આ વી.વી.આઈ.પી રૂમનું ભાડું એટલું ઊંચું હતું કે એ પાંચમાંથી ચારેક રૂમ તો ખાલી જ રહેતા હતા. મંજુલાને દાખલ કરી ત્યારે હરિવલ્લભદાસે વિનંતી કરેલી એટલે પરિવારના સભ્યો માટે બીજો એક વી.વી.આઈ.પી. રૂીમ પણ ખાસ કેસ તરીકે ફાળવી દેવામાં આવ્યો હતો.

પાર્કિંગવાળાની જેમ લિફ્ટમેને પણ આ બંનેને સલામ કરીને છઠ્ઠે માળ લિફ્ટ ઊભી રાખી.

મંજુલાના રૂમમાં પ્રવેશતી વખતે જાણે આધાર ઝંખતા હોય એમ હરિવલ્લભદાસે વિભાકરનો હાથ પોતાના હાથમાં જકડી રાખ્યો હતો.

'તું ત્રણ વર્ષનો થયો ત્યારે આજ રીતે હું જમતો હતો અને કાશીએ બેડરૂમમાંથી ચીસ પાડેલી... શેઠ, જલ્દી આવો, શેઠાણીને કંઈક થઈ ગયું છે, બોલતાં નથી...'

શાંત-શીતળ વાતાવરણમાં મંજુલાના પલંગ પાસે એક નર્સ હાથમાં પુસ્તક લઈને ખુરસી પર બેઠી હતી. આ બંનેને જોઈને એ ઊભી થઈ ગઈ.

મંજુલાનો ચહેરો ખુલ્લો હતો. આંખો બંધ હતી. શરીર અને મશીનો વચ્ચે જાતજાતની નળીઓ વીંટાયેલી હતી. હરિવલ્લભદાસે આગળ વધીને મંજુલાના કપાળ ઉપર હળવેથી હાથ મૂક્યો. એ જોઈને નર્સના હોઠ ફફડ્યા. પણ બીજી જ સેકન્ડે એને પોતાની હેસિયતનું ભાન થયું એટલે એ અટકી ગઈ. હરિવલ્લભદાસ ત્યાંથી ખસીને પાછા આવ્યા એટલે વિભાકરે એમનું અનુકરણ કર્યું અને કપાળ પર મૂકેલો હાથ હટાવીને બે ડગલાં પાછળ ખસ્યો. બે હાથ જોડીને એ મંજુલા સામે મસ્તક ઝુકાવીને ઊભો રહ્યો.

બાપે દીકરાના ખભે હાથ મૂકીને બહાર નીકળવાનું સૂચન કર્યું. ધીમા પગલે બંને રૂમની બહાર આવ્યા.

પરિવાર માટે રાખેલો આખો રૂમ ભરચક હતો. આદિત્ય અને ભાસ્કર સોફા ઉપર બેઠા હતા. દરદી માટેના પલંગ પર એમની મોટી બહેન શાલિની ગોઠવાઈ ગઈ હતી. શાલિની પાસે બેસીને એનો પતિ સુભાષ મોટેથી કંઈક બોલી રહ્યો હતો. બીજા પલંગ પર આદિત્યની પત્ની અલકા અને ભાસ્કરની પત્ની ભાવિકા કંઈક ગુસપુસ કરી રહ્યાં હતાં. સોફા અને પલંગનો ટેકો દઈને પગ લંબાવીને ચારેય બાળકો પોતપોતાના મોબાઇલમાં ખોવાયેલાં હતાં. વર્ષોથી બંગલામાં કામ કરતા કાશીબા એક ખૂણામાં આડાં પડ્યાં હતાં.

હરિવલ્લભદાસની સાથે વિભાકરને જોઈને બધાને આશ્ચર્ય થયું. ભાસ્કર અને આદિત્ય સોફાના ખૂણામાં સરકી ગયા કે જેથી આ બંને પણ બેસી શકે.

‘આ લોકો કોઈ પ્રોગ્રેસ રિપોર્ટ આપતા નથી.’ ભાસ્કરે વિભાકરને કહ્યું, ‘દિવસ દરમ્યાન જેટલા પણ ડૉક્ટર આવે એને પૂછીએ ત્યારે એક સરખો સ્ટાન્ડર્ડ જવાબ આપે કે રિકવરી છે, પણ ધારણા જેટલી ઝડપી નથી.’

‘આઠમે માળે કોન્ફરન્સ રૂમમાં અત્યારે હોસ્પિટલના કર્તાહર્તા ડૉક્ટરો બેઠા છે.’ વિભાકરે નાનાભાઈને સમજાવ્યું. ‘પપ્પાજી અત્યારે ત્યાં જ જવાના છે. પેલા લોકો એમને સાચો જવાબ આપશે.’

‘વિભા, તું પણ એમની જોડે જા.' શાલિની વિભાકરથી ચારેક વર્ષ નાની હતી એ છતાં, નાનપણથી જ એ મોટાભાઈને તુંકારે જ બોલાવતી હતી. વિભાકરને એમાં કોઈ વાંધો નહોતો. ‘તું હઈશ તો ફેર પડશે.’ આશાભરી નજરે વિભાકર સામે જઈને એણે સૂચન કર્યું.

'હરિવલ્લભને હજુ કોઈના ટેકાની જરૂર નથી.' દીકરી સામે મોં મલકાવીને હરિવલ્લભદાસ ઊભા થયા.

આઠમે માળે પહોંચ્યા ત્યારે મિટિંગ લગભગ પૂરી જ થઈ ગઈ હતી. જનસંપર્ક અધિકારી વસાવડા બહાર બેઠો હતો. તમામ સરકારી વિભાગો અને મીડિયા સાથે લિએઝનનું કામ એ સંભાળતો હતો. એણે અંદર જઈને મહિતી આપી અને પછી હરિવલ્લભદાસને અંદર લઈ ગયો.

‘તમારા જેવા અતિ વ્યસ્ત ડૉક્ટરોનો વધુ સમય નથી બગાડવો એટલે સીધો જ મુદ્દાની વાત કહીશ.’ ઘરે વિભાકરે જે કહેલું એના પર મનોમંથન કર્યા પછી હરિવલ્લભદાસે હિંમતથી પૂછ્યું. ‘મંજુને આ વેન્ટિલેટર પર એક વર્ષ સુધી રાખવા તૈયાર છું. પરંતુ એ પછી એ કમસે કમ એકાદ અઠવાડિયું તો અમારી સાથે હસી-ખુશીથી જીવી શકશે ને?’

પગ પાસે એટમબોમ્બ ફૂટ્યો હોય એમ બધા ચોંકી ઊઠ્યા. 'આ લાઇફ સપોર્ટ સિસ્ટમ છે, શેઠ,...' સૌથી પહેલી સ્વસ્થતા મેળવીને માલિક તબીબે હસીને વાત વાળવાનો પ્રયત્ન કર્યો. ‘જીવતા માણસના શ્વાસની પણ ક્યાં કોઈ ગેરંટી હોય છે? વી આર ટ્રાઇંગ અવર બેસ્ટ...’

'ઓ.કે.' બધાના સ્તબ્ઘ ચહેરાઓ ઉપર નજર ફેરવીને હરિવલ્લભદાસે બીજી દરખાસ્ત મૂકી. 'પાંચ લાખથી માંડીને પાંચ કરોડ સુધીની ગમે તે રકમ બોલો. હું ચેક આપવા તૈયાર છું. સામે મંજુને હરતી-ફરતી કરી દો.’

આ પ્રશ્નનો જવાબ આપવા કોઈએ મોં ન ખોલ્યું. એ બધાના લાચાર ચહેરાઓ સામે તાકીને હરિવલ્લભદાસે હળવેથી કહ્યું, 'એ બાપડીના નિર્જીવ દેહને વધુ કષ્ટ આપવાની ઈચ્છા નથી.’

એમણે બે હાથ જોડ્યા, ‘હૃદય ઉપર પથ્થર મૂકીને કહું છું કે કાલે એને મુક્તિ આપો..'

વસાવડા ભાષાશાસ્ત્રી હતો. ડઘાયેલા ડૉક્ટરો મૌન હતા એટલે એ હરિવલ્લભદાસની પાસે ગયો.

‘શેઠ, પ્લીઝ...’ જાણે કરગરતો હોય એમ એણે સમજાવ્યું.

‘આવો અંતિમ નિર્ણય લેતાં અગાઉ ફરીવાર વિચારો. નિયમોનું ઉલ્લંઘન કરીને આપના ફેમિલી માટે બીજો રૂમ પણ આપ્યો છે. આપનો આખો પરિવાર અહીં હાજર છે. એમની સાથે પરામર્શ કર્યા પછી નિર્ણય લો તો એ વધુ ઉચિત રહેશે.’

‘પરિવાર સાથે પરામર્શની પળોજણ મને નથી ફાવતી...’ હરિવલ્લભદાસે એ માણસને એની જ ભાષામાં રણકતો જવાબ આપ્યો. ' પરિવારનો હું વડો છું અને રિબાય છે એ મારી ધર્મપત્નીનું ખોળિયું છે. એ દશામાં મારે કોઈને પૂછવાનું ના હોય. અધિનાયક તરીકે અંતિમ નિર્ણય મારે જ લેવાનો હોય. મને તાનાશાહ કે સરમુખત્યાર પણ માનો તો એ તમારી મરજી.’

વસાવડાને ચૂપ કરી દીધા પછી હરિવલ્લભદાસે બધાની સામે નજર કરી. ‘કાલે સવારે સાડા નવ વાગ્યે.’ અવાજમાં અનાયસે ઉમેરાઈ ગયેલી ભીનાશને રોકવાનો પ્રયત્ન કર્યા વિના એમણે ભારે અવાજે ઉમેર્યું. ‘અમે બધા સફેદ કપડાં પહેરીને આવીશું. સવારે સાડા નવ વાગ્યે...’

(ક્રમશઃ)

mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP