Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-2

‘એ બધાય હોસ્પિટલમાં રૂમના બારણા સામે કોઈક ચમત્કારની રાહ જોઈને બેઠા છે પણ મને એવા કોઈ સુખદ આશ્ચર્યની આશા નથી.’

  • પ્રકાશન તારીખ19 Jul 2018
  •  

પ્રકરણ-2

ડ્રોઇંગરૂમના ભારેખમ વાતાવરણમાં બાપ અને દીકરા સિવાય બીજી કોઈ વ્યક્તિની હાજરી નહોતી. આઇસક્રીમનો બાઉલ હાથમાં પકડીને શેઠ હરિવલ્લભદાસ વિભાકર પાસે ગયા એ જોયા પછી રસોઈયો ગોરધન ડાઇનિંગ ટેબલ પાસેથી ખસીને રસોડામાં જતો રહ્યો. એ બંનેના ચહેરા ઉપર જે હળવાશ હતી એની ઝલક જોઈને એ રસોડું અવેરવાના કામમાં પરોવાઈ ગયો.

હરિવલ્લભદાસના બીજીવારનાં પત્ની મંજુલાને ચાર દિવસ અગાઉ અકસ્માત થયો હતો. સિત્તેર વર્ષની ઉંમરે હરિવલ્લભદાસનો બાંધો મજબૂત હતો. શરીર ઉપર લેશમાત્ર વધારાની ચરબી નહોતી. ઉંમરના હિસાબે આંખે ચશ્માં આવ્યાં હતાં, પણ એ સિવાય બીજી કોઈ શારીરિક તકલીફ નહોતી. દાંત સાબૂત હતા અને કાન સરવા હતા. મંજુલા શેઠ કરતાં બારેક વર્ષ નાની હતી. સુખી ઘરની ગુજરાતી સ્ત્રીનું જે સર્વસામાન્ય લક્ષણ બધા ઘરમાં જોવા મળે છે એ મુજબ અઠ્ઠાવન વર્ષની ઉંમરે મંજુલા ગોળમટોળ બની ગઈ હતી. અલબત્ત, બી.પી કે ડાયાબિટીસ જેવી કોઈ ઉપાધિ નહોતી. સ્થૂળ શરીર હોવા છતાં સ્ફૂર્તિ અને ચપળતા જાળવી રાખી હતી. બંગલામાં બંને પુત્રવધૂઓ અને એમનાં ચારેય બાળકો ઉપર કોઈ બંધન નહોતું, એ છતાં મંજુલાનું અદૃશ્ય નિમંત્રણ હતું. એમની આંખ ફરે એટલે એ છમાંથી જેણે પણ કોઈ ભૂલ કરી હોય એ તરત જ એને સુઘારવા પ્રયત્ન કરે.

મંજુલાને અકસ્માત બહુ વિચિત્ર રીતે થયો હતો. અગિયારસના દિવસે આશ્રમ રોડ ઉપર વલ્લભસદનમાં એ દર્શન કરવા ગયાં હતાં. એમની કારનો ડ્રાઇવર ભીખાજી કાબેલ અને પરિપક્વ હતો. ભીખાજીની એક બહેન ખાનપુરની એક સરકારી ઑફિસમાં નોકરી કરતી હતી. નેહરૂ બ્રિજ પતે કે પછી તરત ઍૅર ઇન્ડિયાની બિલ્ડીંગને અડીને જ એની ઑફિસ આવેલી હતી. ભીખાજી ચોવીસેય કલાક બંગલે જ રહેતો હતો એટલે બહેનના ઘેર જવાની તક ઓછી મળતી હતી. જ્યારે શેઠાણીને લઈને એ વલ્લભસદન આવે ત્યારે સમયની અનુકૂળતા હોય તો એ બહેનની ઑફિસ જઈ આવતો હતો. મારે હવેલીમાં પોણો કલાક થશે. ત્યાં સુધી તારે જવું હોય તો તારી બહેનને મળી આવ, ટાઇમસર પાછો આવી જજે. એમ કહીને મંજુલાએ જ એને છૂટ આપી હતી.

બંગલામાં બંને પુત્રવધૂઓ અને એમનાં ચારેય બાળકો ઉપર કોઈ બંધન નહોતું, એ છતાં મંજુલાનું અદૃશ્ય નિમંત્રણ હતું. એમની આંખ ફરે એટલે એ છમાંથી જેણે પણ કોઈ ભૂલ કરી હોય એ તરત જ એને સુઘારવા પ્રયત્ન કરે.

એ દિવસ ભીખાજીએ મોડું કર્યું. બહેનની સાથે વાતોમાં સમયનું ભાન ના રહ્યું. અગાઉ એક વાર આવું બનેલું ત્યારે સમય બચાવવા માટે મંજુલા રોડ ઓળંગીને સામે પેલિકન બિલ્ડિંગ પાસે પહોંચી ગયેલી. એ વખતે ભીખાજીએ હાથ જોડીને શેઠાણીને કહેલું કે યુ ટર્ન લઈને પાછા મીઠાખળી અંડરબ્રિજમાં જવામાં માંડ પાંચ મિનિટ થાય, માટે ફરીવાર આવી રીતે રોડ ક્રોસ કરવાનું જોખમ ના લેતાં.

દર્શન અને સેવા-પૂજા પતાવ્યા પછી વલ્લભસદન ગેટ પાસે ઊભા રહીને કંટાળ્યા પછી મંજુલાએ પગ ઉપાડ્યા. લાલ લાઇટ થઈ અને વાહનોનો પ્રવાહ અટક્યો એટલે ઝડપથી પગ ઉપાડીને અડધો રસ્તો પસાર કરીને એ ડિવાઇડર પાસે ઊભા રહી ગયા. ડાબી તરફથી આવતા વાહનોનો પ્રવાહ અવિરત ચાલુ હતો. એ અટકે એની રાહ જોઈને એ ઊભાં રહ્યાં. વાહનોની વણઝાર અટકી એટલે એમણે ચાલવાનું શરૂ કર્યું. ડાબી તરફ નજર રાખીને એ સાવચેતી પૂર્વક ધીમે ધીમે ચાલી રહ્યાં હતાં એ જ વખતે જમણી તફથી મીઠાખળી અંડરબ્રીજ તરફથી એક કાર આવી. રોંગ સાઇડમાંથી આવેલી એ કારની ગતિ ભયાનક હતી. રોંગ સાઇડમાં આવવાનો ગુનો કર્યો હતો એટલે પકડાયા વગર શક્ય એટલી મહત્તમ ઝડપે આગળ વધી જવાના ઈરાદા સાથે એ કારચાલકે કાર ભગાવી હતી. ડાબી તરફ જોઈને ચાલતી મંજુલાને જમણી તરફથી ધસમસતી કાર આવશે એવી કલ્પના પણ નહોતી. વીજળી વેગે આવેલી એ કારની ટક્કર એવી જોરદાર હતી કે મંજુલા હવામાં ઊછળી અને ચત્તીપાટ પટકાઈ. આંખના પલકારામાં જ ઊછળીને પટકાયેલી મંજુલાનું માથું ડિવાઈડર સાથે અથડાયું. એ અવાજ રોડ પર પડઘાયો. માથાનો પાછળનો ભાગ રીતસર છૂંદાઈ ગયો. રોડ પરનો ટ્રાફિક થંભી ગયો અને ભીડ ભેગી થઈ ગઈ. ચાની કિટલી પાસે ઊભેલા ટ્રાફિક કોન્સ્ટેબલો પણ દોડી આવ્યા.

ટ્રાફિકમાં કાર રોકવી પડી હતી એટલે ભીખાજીએ સામે વલ્લભસદના ગેટ ઉપર નજર કરી. શેઠાણીને ત્યાં જોયાં નહીં એટલે ધ્રાસકા સાથે કારમાંથી ઊતરીને એ દોડ્યો. શેઠાણીની હાલત જોઈને એના હૃદયના ધબકારા વધી ગયા. ધ્રૂજતા અવાજે એણે હરિવલ્લભદાસને ફોન કર્યો. એ અગાઉ ભીડમાંથી કોઈ સજ્જને એક્સો આઠ માટે ફોન કરી દીધો હતો. આ બહેન શેઠ હરિવલ્લભદાસનાં પત્ની છે એવી ભીખાજીએ જાણકારી આપી કે તરત પોલીસ ડિપાર્ટમેન્ટ વધુ સક્રિય બની ગયું.

મોટો પુત્ર વિભાકર એ વખતે છેક બોપલ હતો. હરિવલ્લદાસે એને સીધા હોસ્પિટલ આવવાની સૂચના આપી દીધી. વિભાકરથી નાના બંને પુત્રો આદિત્ય અને ભાસ્કર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એમની કારનો ડ્રાઇવર ગજબનાક ઝડપે એમને ત્યાં લાવ્યો, એ દરમ્યાન એ બંનેએ હોસ્પિટલ પહોંચી ત્યારે હરિવલ્લભદાસની સાથે ડૉક્ટરોની આખી ટીમ અટેન્શનમાં જ ઊભી હતી. એકાદ કલાકમાં તો આખા અમદાવાદના તમામ ન્યૂરોસર્જન નિષ્ણાતો ત્યાં આવી પહોંચ્યા હતા. એમ્બ્યુલન્સ પહોંચી એ પછી પાંચેક મિનિટમાં વિભાકર પણ હોસ્પિટલમાં હાજર થઈ ગયો હતો. જેમ જેમ ખબર ફેલાઈ એમ હોસ્પિટલના પાર્કિંગમાં લાંબીલચક લક્ઝરી કારની ભીડ વધી ગઈ. મુંબઈના ખ્યાતનામ ન્યૂરોસર્જન પણ એમના સહાયકની સાથે સાંજની ફ્લાઇટમાં અમદાવાદ આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર એમને લેવા માટે હોસ્પિટલના માણસની જોડે આદિત્ય પણ ગયો હતો.

એ પછી અત્યારે બાપ અને દીકરો સાથે બેસીને હૈયું હળવું કરી રહ્યા હતા. એ રાત્રે બાર વાગ્યે વિભાકર હોસ્પિટલમાંથી ઘેર આવ્યો એ પછી ફરીવાર એ ત્યાં ગયો નહોતો. વિભાકર શેઠની પહેલી પત્ની નિર્મળાનો પુત્ર હતો. એ ત્રણેક વર્ષનો હતો ત્યારે નિર્મળા મૃત્યુ પામી હતી. નિર્મળાના અવસાનના છ મહિના પછી હરિવલ્લભદાસે મંજુલા સાથે લગ્ન કર્યાં હતાં. એ લગ્ન પછી સાડા ચાર વર્ષમાં જ શાલિની, આદિત્ય અને ભાસ્કરનો જન્મ થયો હતો.

‘આજ સુધીમાં મંજુલા મારી સાવકી મા છે એવું મને ક્યારેય નથી લાગ્યું.’ વિભાકર ભીના અવાજે બોલી રહ્યો હતો. ‘શાલુ, આદિત્ય અને ભાસ્કરની જેમ જ એમણે મને ઉછેર્યો છે. ત્રણ વર્ષનો ટેણિયો હતો ત્યાંથી આજે પચાસ વર્ષનો થયો ત્યાં સુધીમાં એમણે ક્યારેય વેરો-આંતરો નથી કર્યો...' પિતાના હાથ પોતાના હાથમાં જકડીને એણે નિખાલસતાથી કહ્યું. ‘એ બધાય હોસ્પિટલમાં રૂમના બારણા સામે કોઈક ચમત્કારની રાહ જોઈને બેઠા છે પણ મને એવા કોઈ સુખદ આશ્ચર્યની આશા નથી.’ એના અવાજની ભીનાશ વધુ ઘેરી બની. ‘મુંબઈથી આવેલા ન્યુરોસર્જન સાથે પણ મેં ચર્ચા કરેલી. એણે જે ગોળ ગોળ જવાબ આપ્યો એના ઉપરથી મેં તારણ કાઢ્યું કે અડધું મગજ એ રીતે છૂંદાઈ ગયું છે કે ધેર ઈઝનો ચાન્સ.’

વિભાકર શેઠની પહેલી પત્ની નિર્મળાનો પુત્ર હતો. એ ત્રણેક વર્ષનો હતો ત્યારે નિર્મળા મૃત્યુ પામી હતી. નિર્મળાના અવસાનના છ મહિના પછી હરિવલ્લભદાસે મંજુલા સાથે લગ્ન કર્યાં હતાં.

લગીર અટકીને આંખમાં ઝળઝળિયાં સાથે એણે બાપને સમજાવ્યું. ‘તમને પીડા પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો નથી, પણ મને જે લાગે છે એ કહ્યા વગર રહેવાતું નથી. અકસ્માતના બે-ત્રણ કલાકની અંદર જ મંજુબા આપણને છોડીને જતાં રહ્યાં છે, પણ હોસ્પિટલની આ ક્રૂર નાલાયકી છે. શેઠ હરિવલ્લભદાસ જેવો તગડો બકરો ફરી હાથમાં ક્યારે આવવાનો? વેન્ટિલેટર સાથેનો વી.વી.આઈ.પી. રૂમ અને ફેમિલી માટે સ્પેશિયલ કેસમાં બીજો વી.વી.આઈ.પી. રૂમ પણ આપણે રાખેલો છે. રોજનું ચાર-પાંચ લાખનું એમનું મીટર ચડે છે એટલે એ લોકો આ તિકડમ ચલાવી રહ્યા છે.’

પારાવાર વેદના સાથે આંખો પહોળી કરીને હરિવલ્લભદાસ વિભાકરની વાત સાંભળી રહ્યા હતા.

‘ટૂંકમાં, શી ઈઝ નો મોર. ખોટી આશા બંધાવીને હોસ્પિટલવાળા આપણને છેતરી રહ્યા છે. મારો સ્વભાવ તો તમે જાણો છો. ત્યાં જાઉં અને આ બધું જોઉં તો મારાથી શાંત ના રહેવાય. કમાન છટકે અને કોઈ ડૉક્ટર ઝપટે ચડે તો એના છોતરાં કાઢી નાખું.’ નિરાશાથી માથું ધુણાવીને એણે પિતાની સામે જોયું. ‘ઊભરો ઠાલવીને ત્યાં એવી કોઈ બબાલ કરું તો શાલુ, આદિત્ય અને ભાસ્કરને ના ગમે. ખુદ તમને પણ મારું વર્તન પસંદ ના પડે, કારણ કે ડૉક્ટરોએ તમારા બધાની આંખે ખોટી આશાના પાટા બાંધેલા છે.’

હરિવલ્લભદાસ નીચું જોઈને ગંભીરતાથી કંઈક વિચારી રહ્યા હતા. ‘આપણા ફેમિલી માટે આટલા રૂપિયાની કોઈ વિસાત નથી, પણ એ લોકો મૂરખ બનાવીને આપણી લાગણી સાથે ગંદી રમત રમે છે એ મને નથી ગમતું...’

એ બોલતો હતો ત્યારે પણ હરિવલ્લભદાસ સૂનમૂન બનીને સાંભળી રહ્યા હતા. વિચારતી વખતે એમના હોઠ ફફડી રહ્યા હતા.

અચાનક એ ઊભા થયા. ‘ગેટ રેડી...’ વિભાકરના ખભે હાથ મૂકીને એમણે કહ્યું, ‘તું સાથે હઈશ તો મને હિંમત રહેશે. પાંચ મિનિટમાં આપણે હોસ્પિટલ જવા નીકળીએ છીએ.’


(ક્રમશઃ)

mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP