Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-16

‘મંજુની પાછળ હું ક્યારે જતો રહીશ એ કંઈ નક્કી છે? એ નિર્ણય તો મારા હાથમાં નથીને?’

  • પ્રકાશન તારીખ29 Jul 2018
  •  

પ્રકરણઃ 16
ગણીને અર્ધી મિનિટમાં આખું ચિત્ર બદલાઈ ગયું. મંજુલાદેવીની પુત્રી શાલિનીએ વાર્તા બનાવીને મમ્મીના મૂલ્યવાન હાર માટે પોતાનો દાવો રજૂ કર્યો. આદિત્યની પત્ની અલકા અને ભાસ્કરની પત્ની ભાવિકા-એ બંને ભાભીઓએ નણંદની કથા શાંતિથી સાંભળી. એ પછી ભાવિકાએ ભેજું લડાવીને, શાલિનીની વાર્તાને ટક્કર મારે એવી જબરજસ્ત કહાણી રજૂ કરી કે શાલિની ઠરી ગઈ. નણંદ-ભોજાઈઓની આ ચર્ચા પૂરી થવા આવી એ જ વખતે શેઠ હરિવલલ્લભદાસનો પ્રવેશ થયો. આ ત્રણેયની વાત સાંભળીને સરમુખ્ત્યારની જેમ એમણે પ્રેમથી પણ મક્કમતાપૂર્વક જણાવી દીધું કે મંજુલાના દાગીના વિશે બીજા કોઈએ ચર્ચા કરવાની પણ જરૂર નથી, એ નિર્ણય તો હું જ કરીશ.

‘મંજુની લાડકી દીકરી તરીકે તું મને જવાબ આપ કે તારી માને દાગીનાને કેટલો શોખ હતો? તમે તો આ ઘરની લક્ષ્મી છો તમારી સાસુએ દાગીનાનો કેટલો ભંડાર ભેગો કર્યો છે એનો તો તમને ખ્યાલ છે ને?...’

એમનો રણકતો અવાજ સાંભળીને શાલિની, અલકા અને ભાવિકા ત્રણેયની હાલત કફોડી થઈ ગઈ. નાનાં બાળકો કોઈ એક રમકડાથી રમતાં હોય અને કોઈ મોટો શક્તિશાળી માણસ આવીને એમના હાથમાંથઈ એ રમકડું ઝૂંટવીને એમની રમત અટકાવી દે એવી એ ત્રણેયની દશા હતી. ત્રણેય એકબીજાની સામે તાકી રહ્યાં.

‘તમે આટલા ડઘાઈ કેમ ગયાં?’ હરિવલ્લભદાસે હસીને એ ત્રણેયની સામે જોયું અને સોફા ઉપર બેસી ગયા. એ બેઠા એટલે આ ત્રણેય પણ એમની સામે નીચે કાર્પેટ ઉપર ગોઠવાઈ ગઈ.

‘આ જે અણધારી આફત આવી, એમાંથી મનેય ઘણું જ્ઞાન મળ્યું છે. મારી વાત સમજવાનો પ્રયત્ન કરો...’ એમણે શાલિની સામે જોયું. ‘મંજુની લાડકી દીકરી તરીકે તું મને જવાબ આપ કે તારી માને દાગીનાને કેટલો શોખ હતો?’ શાલિની કંઈ જવાબ આપે એ અગાઉ એમણે અલકા અને ભાવિકાને પૂછ્યું. ‘તમે બંને તો આ ઘરની લક્ષ્મી છો તમારી સાસુએ દાગીનાનો કેટલો ભંડાર ભેગો કર્યો છે એનો તો તમને ખ્યાલ છે ને?...’

એ લોકોના જવાબની રાહ જોયા વગર એમણે એકદમ સૌમ્ય અવાજે સમજાવ્યું. ‘હાથમાંથી કાચનું વાસણ પડે ને ફૂટી જાય એમ અચાનક એ ઉપર જતી રહી. તિજોરીમાં અનહદ અને અઢળક ખજાનો હતો, એમાંથી એક રતીભાર સોનુંય એ સાથે લઈ ગઈ?...’ એમણે હતાશાથી માથું ઘૂણાવ્યું. ‘અત્યારે અધિનાયક ઘેટ મીન્સ તાનાશાહની જેમ ઘડ દઈને મેં તમને કહ્યું કે બધા નિર્ણય મારી મુઠ્ઠીમાં બંધ છે, હું ધારીશ એમ કરીશ-આવું કહ્યું તો ખરું પણ મંજુની પાછળ હું ક્યારે જતો રહીશ એ કંઈ નક્કી છે? એ નિર્ણય તો મારા હાથમાં નથીને? કઈ પળે મંજુ મને બોલાવી લેશે એનો કોઈ ભરોસો છે? શક્ય છે કે આજે રાત્રે પલંગમાં સૂતા પછી સવારે હું ઊઠું જ નહીં...’

‘આવું ના બોલો, પપ્પાજી!’ અલકાએ તરત એમને અટકાવ્યા. ‘આવું અશુભ શા માટે વિચારો છો? ભગવાન તમને સો વર્ષના કરે...’

‘તમારા બધાની સાચી લાગણી અને શુભકામનાઓ છે એ કબૂલ, પણ એને લીધે હકીકત બદલાતી નથી. જે પળ અને જે ઘડી ઉપરવાળાએ નક્કી કરી હશે એમાં કોઈ મીનમેખ નહીં થાય...’ એમણે હસીને ઉમેર્યું. ‘આકાશ, ભૌમિક, આકાંક્ષા અને ભૈરવીને જોઈને મનેય સવાસો વર્ષ જીવવાની લાલસા છે. એ ચારેયનાં સંતાનોનાં સંતાનોને રમાડ્યા પછી જ આંખ મિંચાય એવી પરમેશ્વરને પ્રાર્થના કરું છું; પણ ત્યાં વાઈ-ફાઈ અને કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે એટલે મારો મેસેજ પહોંચ્યો કે નહીં એનીયે ખબર નથી પડતી.’

લગીર અટકીને એ મૂળ વાત પર આવ્યા. ‘મંજુ સાવ ખાલી હાથે ઉપર ગઈ. સ્મશાને લઈ ગયા એ અગાઉ હોસ્પિટલમાં જ એની ચેઈન, મંગળસૂત્ર, બંગડીઓ અને વીંટી સુદ્ધાં બધુંય આપણે કાઢી લીધું હતું...’ એમણે નિરાશાથી માથું ધૂણાવ્યું. ‘માત્ર સમયનો સવાલ છે. આજે નહીં તો બે-પાંચ વર્ષ પછી મારી ચિઠ્ઠી ફાટશે. ત્યારે મારી સાથેય કંઈ નહીં આવે. જે કંઈ છે એ બધું જેમનું તેમ અહીં જ રહી જશે અને હું જતો રહીશ...’ જમણો હાથ લંબાવીને આંગળીઓ પર ચમકતી હીરાની બે વીંટીઓ બતાવીને એમણે ઉમેર્યું. ‘બાંધીને સ્મશાન લઈ જશે એ અગાઉ વિભાકર, આદિત્ય કે ભાસ્કર જે હાજર હશે એ મારી આ વીંટીઓ પણ ખેંચીને ઉતારી લેશે...’

વાતાવરણ ગંભીર બની ગયું હતું. ત્રણેય ગરીબડા ચહેરાઓ સામે તાકીને હરિવલ્લભદાસે ટકોર કરી. ‘ખરા છો તમે! જીવતો-જાગતો તમારી સામે ઊભો છું તોય સોગિયું મોઢું કરીને કેમ બેઠા છો?’ હું કાલે ને કાલે તો જતો નથી રહેવાનો...’ પુત્રી અને બંને પુત્રવધૂઓને એમણે સમજાવ્યું. ‘મંજુના કિસ્સામાંથી મને પાઠ શીખવા મળ્યો કે ગમે તે ક્ષણે ગમે તે ઘટના બની શકે છે એેને પહોંચી વળવા માટે માણસો આગોતરી તૈયારી કરી રાખવી જોઈએ. એના વિશે વિચારવાની પ્રક્રિયા મારા મગજમાં અત્યારે ઘૂંટાઈ રહી છે આ દસેક દિવસમાં જ હું મારું વિલ ફાઇનલ કરી નાખીશ. સોયની અણી જેટલો પણ કોઈને અન્યાય ના થાય અને મારી વિદાય પછી અંદરોઅંદર લગીર પણ વિખવાદ ના થાય એની સંપૂર્ણ તકેદારી રાખીને તમામ પ્રોપર્ટીથી માંડીને સોના-ચાંદી વાસણની વહેંચણીની સૂચના પણ લેખિતમાં જ આપીને જઈશ...’

‘પપ્પા, હવે વાતનો વિષય બદલો...’ એમની નજીક સરકીને શાલિનીએ પિતાનો હાથ પકડીને ભીના અવાજે કહ્યું. પછી પાછળ ગરદન ઘૂમાવીને કાશીબાને બૂમ પાડી. એ આવ્યા. એટલે એમને ચાની વ્યવસ્થા કરવાનું કહ્યું, રસોડામાં મહારાજેને ચાની સૂચના આપીને કાશીબા પણ પાછા આવીને આ ત્રણેયવી સાથે બેસી ગયાં.

થોડીવારમાં નોકર ચા લઈને આવ્યો. હરિવલ્લભદાસનો કપ એણે ટિપોઈ પર મૂક્યો. શાલિની, ભાવિકા, અલકા અને કાશીબાએ પોતપોતાના કપ હાથમાં લઈ લીધા. આ પરિવારમાં કાશીબાનું સ્થાન એવું હતું કે એ આવી રીતે બધાની સાથે બેસીને ચા પી શકતાં. અલબત્ત, એ વૃદ્ધાને પોતાની હેસિયતનું ભાન હતું એટલે આવા પ્રસંગો ભાગ્યે જ બનતા.

એ બધા ચા પીતાં હતાં ત્યારે પચાસેક વર્ષનો એક મુચ્છડ આવીને શેઠની સામે બે હાથ જોડીને ઊભો રહ્યો. પછી મંજુલાના ફોટા પાસે જઈને એણે દંડવત પ્રણામ કર્યા.

હરિવલ્લભદાસ આશ્ચર્યથી એ માણસની સામે તાકી રહ્યા હતા. ‘આ ભૈયાજી આપણે ત્યાં દૂધ આપવા આવે છે...’ કાશીબાએ માણસી ઓળખાણ આપી.

મંજુલાની છબીને પ્રણામ કર્યા પછી એ ઊભો થયો. હરિવલ્લભદાસની પાસે જઈને ધ્રૂજતા હાથે પેન્ટના ખિસ્સામાંથી પૈસા કાઢીને એણે એમની સામે ધર્યો.

‘આ બધું શું છે, ભાઈ?’ હરિવલલ્ભદાસે આશ્ચર્યથી પૂછ્યું. ‘આ પૈસા કેમ આપે છે?’

‘ગયા વર્ષે દેશમાં દીકરીનાં લગ્ન લીધેલાં ત્યારે ખેંચ પડેલી, આ બંગલાનો માળી મારા ગામનો જ છે. એની પાસે હૈયું ખોલ્યું તો એણે કહ્યું કે શેઠાણીને વાત કરી જો. બપોરે આવીને શેઠાણીને વાત કરી જો. બપોરે આવીને શેઠાણી પાસે કરગર્યો. મારી વાત સાંભળીને એમણે વીસ હજાર રૂપિયા આપવાની મહેરબાની કરેલી. મેં વચન આપેલું કે દર વર્ષે મહિને સગવડ થશે એ મુજબ હજાર-બે હજાર આપતો રહીશ. એમણે મારી વાત સ્વીકારેલી, ટૂકડે ટૂકડે ચૌદ હજાર પાછા આપ્યા અને ત્યાં તો દેવીમા એ વિદાય લીધી...’

વધુ નજીક આવીને એણે પૈસા હરિવલ્લભદાસ સામે ધર્યા. ‘આ બાકીના છ હજાર ચારેય સ્ત્રીઓ આશ્ચર્ય અને જિજ્ઞાસાથી એ તરફ તાકી રહી હતી. એ માણસની ખાનદાની જોઈને હરિવલ્લભદાસ પણ સુખદ આશ્ચર્ય અનુભવી રહ્યા હતા. એમણે એ ભૈયાજીના ખભે હાથ મૂક્યો. ‘અરે ગાંડા, યાદ કરીને તું આપવા આવ્યો એટલે એ હિસાબ પતી ગયો. શેઠાણીએ તારી દીકરી માટે આપેલા એટલે આ પૈસાને મારાથી હાથ ના અડાડાય. તારી દીકરીને જ આપી દેજે.’

ભૈયાજી ઢીલો થઈ ગયો. ‘શેઠ, તમે પૈસા લેવાની ના પાડો છો એ તમારી ખાનદાની છે. પણ કોઈનુંય દેવું માથે ના રખાય એવી મારી સમજણ છે; એટલે એ હાથ જોડું છું કે મારો ભાર હળવો કરો. ખરા ટાઇમે મદદ કરીને આ દેવીમાએ મારી આબરૂ જાળવેલી એ ઉપકાર તો માથા ઉપર છે જ, એમાં આ પૈસા ના આપું તો ઉપરવાળો મને માફ ના કરે.’

‘હું જે કહું છું એ સમજાતું નથી?’ હરિવલ્લભદાસે એને પૂછ્યું. ‘ખાનદાની બતાવીને તું દેવું ચૂકવવા આવ્યો એ જોઈને જ શેઠાણીના આત્માને શાંતિ મળી હશે. હવે આ પૈસાને હાથ અડાડું તો ઉપર એનો આત્મા કકળે...’ અવાજમાં લગીર સખ્તાઈ ઉમેરીને એમણે કહ્યું. ‘મારું કહ્યું કેમ માનતો નથી?’ શેઠાણીના આત્માને દુઃખી કરવાની તારી ઈચ્છા છે?...’ પછી તરત નરમાશથી સમજાવ્યું. ‘જો ભાઈ, આ પૈસા તારી દીકરીને શેઠાણીના આશીર્વાદ સમજીને આપી દેજે. તું એને આપીશ તો શેઠાણી ઉપર બેઠાં બેઠાં રાજી થશે. શેઠાણીએ તને દિલથી મદદ કરેલી એટલે એમનું દિલ દુભાય નહીં એ રીતે મારું કહ્યું માન...’

ભૈયાજી દ્વિધામાં હતો. એણે કાશીબા સામે જોયું કાશીબાએ આંખોથી જ આદેશ આપ્યો કે શેઠનું કહ્યું માન. ભૈયાજી મંજુલાના ફોટા પાસે ગયો. આંખમાં ઝળઝળિયાં સાથે ફરીથી વંદન કરીને ઊભો થયો. બધાની સામે હાથ જોડીને એણે વિદાય લીધી.

‘જાહેરમાં તો કહેવાય નહીં, એમાંથી અમુક મોટી રકમ લેનારા તો મનોમન એવું ઈચ્છતા હશે કે આ ડોસો જલ્દી ઉકલી જાય તો સારું! મારી પાસેથી ઉછીના પૈસા લઈને મારા મૃત્યુની પ્રાર્થના કરનાર મોટા નબીરાઓ પણ હશે!’

‘પૃથ્વીને કોઈ ટેકા નથી પણ આવા નાના માણસોના સતને આધારે આ પૃથ્વી ટકી રહીછે...’ એ ગયો એ પછી હરિવલ્લભદાસે બધાની સામે જોઈને કહ્યું. ‘એ અભણ માણસ જ્યારે ગળગળો થઈને બોલતો હતો ત્યારે એની ઊંચાઈ આપણા બધાથી થોડીક વધારે હોય એવું લાગતું હતું...’ નિરાશાથી માથું ધૂણાવીને એ બોલ્યા. ‘ધંધાદારી સંબંઘ સાચવવા અને મિત્રોને મદદ કરવા માટે મેં પણ ઘણાને કોઈ જામીનગીરી કે લખાણ વગર લાખો રૂપિયા આપેલા છે પણ આઈ એમ શ્યોર કે આ નાના માણસ જેટલી મોટાઈ એમાંથી કોઈનીયે પાસે નહીં હોય...’ એમના અવાજની નિરાશા વધુ ઘેરી બની. ‘જાહેરમાં તો કહેવાય નહીં, એમાંથી અમુક મોટી રકમ લેનારા તો મનોમન એવું ઈચ્છતા હશે કે આ ડોસો જલ્દી ઉકલી જાય તો સારું! મારી પાસેથી ઉછીના પૈસા લઈને મારા મૃત્યુની પ્રાર્થના કરનાર મોટા નબીરાઓ પણ હશે!’

લગીર અટકીને એમણે નિખાલસતાથી કબૂલ્યું, ‘આ ગરીબ દૂધવાળઆ માટે તો છ હજાર રૂપિયા એ બહુ મોટી રકમ કહેવાય. કોઈ સાક્ષી નહોતો, કોઈ લખાણ કે પુરાવો નહોતો, કોઈ ઉઘરાણી કરવા પણ આવવાનું નહોતું એ છતાં, અંતરાત્માના અવાજને માન આપીને એ માણસ પૈસા પાછા આપવા આવ્યો. ખરેખર, મોભો અને મારું અભિમાન આડે આવતું હતું, બાકી મનથી તો આ માણસને પ્રણામ કરવાની ઈચ્છા થતી હતી!’

એ દિલથી બોલતા હતા અને ચારેય સ્ત્રીઓ સાંભળતી હતી.
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP