Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-14

‘આ રીતે અચાનક જતા રહેવું પડશે એની તો એને કલ્પનાય નહીં હોય એટલે મમ્મીએ હારવાળી વાત તમને નહીં કહી હોય...’

  • પ્રકાશન તારીખ27 Jul 2018
  •  

પ્રકરણઃ14
આમ તો મંજુલાદેવી પાસે ગળામાં પહેરવા માટે અવનવી ડિઝાઇનના એકાદ ડઝન જેટલા નેકલેસ હતા. એ છતાં પન્નાનો આ હાર એને સૌથી વધુ પ્રિય હતો. મુંબઈના સૌથી મોંઘા ઝવેરી પાસે ખાસ ઓર્ડર આપીને એ બનાવડાવેલો હતો. પન્નાની વચ્ચે છૂટક છૂટક માણેક પણ એવી કલાત્મક રીતે હારમાં ગોઠવાયેલા હતા કે જોનારની નજર મંજુલાની ગરદન ઉપર જ અટકી જતી હતી. આ હારને મંજુલા જીવની જેમ સાચવતી હતી. ખાસ પ્રસંગ કે તહેવારના દિવસે જ એને તિજોરીમાંથી કાઢીને પહેરે અને અવસર પતે કે તરત કાળજીપૂર્વક એને તિજોરીમાં ગોઠવી દેતી હતી.

પન્નાનો આ હાર એને સૌથી વધુ પ્રિય હતો. મુંબઈના સૌથી મોંઘા ઝવેરી પાસે ખાસ ઓર્ડર આપીને એ બનાવડાવેલો હતો.

સ્વર્ગવાસી મંજુલાની છબીમાં એ હાર જોઈને અત્યારે શાલિનીએ જે ધડાકો કર્યો એ સાંભળીને આદિત્યની પત્ની અલકા અને ભાસ્કરની પત્ની ભાવિકાને જોરદાર ઝટકો લાગ્યો હતો. અત્યંત સિફતપૂર્વક શાલિની સો ટકા જુઠ્ઠું બોલી રહી છે એની એ બંનેને ખાતરી હતી, એ છતાં લાગણીના તાણાવાણામાં ગૂંથીને મંજુલાની આ દીકરીએ બહુ ચાલાકીથી આ મુદ્દો રમતો મૂક્યો હતો. નણંદની આ વાતનો શું જવાબ આપવો એ તાત્કાલિક સૂઝ્યું નહીં એટલે અલકા અને ભાવિકા એકબીજાની સામે તાકી રહ્યાં હતાં.

‘મારી વાત ઉપર વિશ્વાસ નથી બેસતોને?...’ જાણે એ બંનેના વિચારોમાંથી લીધા હોય એમ શાલિનીએ પોતાની વાતનું વિગતવાર પુનરાવર્તન કર્યું. ‘સાવ સાચું કહું છું. રક્ષાબંધનના દિવસે તમે બંને તો તમારાં પિયર ગયાં હતાં. ભાઈઓને રાખડી બાંધવા હું અહીં આવેલી અને સાંજ સુધી રોકાઈ હતી. એ દિવસે મમ્મી એટલી ખુશમિજાજમાં હતી કે વાત ના પૂછો...’

પોતાનું મહત્ત્વ સમજાવવા માટે એણે ઉમેર્યું. ‘આમેય હું ઊભડક આવીને જતી રહેતી હતી એ મમ્મીને નહોતું ગમતું. કાયમ કહે કે મારી એકની એક દીકરીને મા જોડે શાંતિથી બેસીને સુખ-દુઃખની વાત કરવાનો પણ સમય નથી?’ બળેવના દિવસે આવીને તરત એના ગળે વળગીને ખાતરી આપી કે મમ્મી, આજે તો સાંજ સુધી રોકાવાની છું... ત્રણેય ભાઈઓને બોલાવીને સોફા પર બેસાડ્યા ત્યારે મમ્મી પણ સામેના સોફા પર બેસીને ટગર ટગર જોતી હતી. ત્રણેય ભાઈઓના કપાળમાં ચાંદલો કર્યો, ચોખા ચોંટાડ્યા, રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવ્યું. વિભો આમ તો સાવકો ભાઈ પણ એ સૌથી મોટો એટલે પહેલી રાખડી એને બાંધેલી. એ પછી તમારા બંનેના પતિદેવને... ખરેખર એ દૃશ્ય જોઈને મમ્મીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં...’

સાલી જુઠ્ઠી! જબરી નૌટંકી કરે છે! અલકા અને ભાવિકા એક સાથે મનોમન બબડ્યાં.

‘બધા સાથે બેસીને જમ્યા. જમ્યા પછી હું ને મમ્મી એમના રૂમમાં જઈને બેઠાં. નાની હતી ત્યારે મમ્મીના ખોળામાં માથું નાખીને ઊંઘી જવાની ટેવ હતી. મમ્મીની આ છેલ્લી બળેવ હશે એવો એ વખતે તો સ્વપ્નેય ખ્યાલ નહોતો તોય કોણ જાણે કેમ નાનપણની સ્મૃતિ હૈયામાં સળવળી ઊઠી. ઓશીકાંનો ટેકો લઈને મમ્મી એમના પલંગમાં પણ લંબાવીને બેઠી હતીને એમના ખોળામાં માથું નાખીને હું સૂઈ ગઈ. પરણ્યા પછી પણ ક્યારેક સુભાષ જોડે નાનીમોટી ચણભણ થાય ને મનમાં ઉચાટ થાય ત્યારે અહીં આવીને મમ્મીના ખોળામાં માથું મૂકતી ત્યારે બધો સંતાપ ભૂલી જતી. મન હળવુંફૂલ થઈ જતું...’


આટલી કથા કહ્યા પછી શાલિનીએ બંને ભાભીઓ સામે જોયું. લગીર અટકીને મુદ્દાની વાત તરફ આગળ વધી.

‘બળેવના દિવસે એ રીતે સૂતી હતી ત્યારે મમ્મીનો આ હાર મારા ચહેરા ઉપર જ ઝળૂંબતો હતો. હારને સ્પર્શીને મેં મમ્મીને કહ્યું કે આ હાર પહેરે છે ત્યારે તું રાજરાણી જેવી રૂઆબદાર લાગે છે. એ હસી પડી એટલે મેં હળવેથી ઉમેર્યું કે રાજરાણીની જેમ કુંવરીને પણ આ હાર તો સરસ જ લાગે! મમ્મીનો સ્વભાવ તો તમને ખબર જ છેને?’

બંને ભાભીઓને એણે સમજાવ્યું. ‘માગ માગ માગે તે આપું એવી ઉદારતા મમ્મીની રગેરગમાં હતી. પણ આ હારનું પ્રલોભન અને માયા એવી જબરી હતી કે તરત આપી દેવાનું એમના માટે શક્ય નહોતું. તોય મારા માટે લાગણી તો ભારોભાર હતી જને?’ મારા માથે હાથ મૂકીને એણે પૂછ્યું કે આ હાર તને ખૂબ ગમે છેને? મેં હા પાડી એટલે એણે તરત કહી દીધું કે તારી બંને ભાભીઓ સાથે હું વાત કરી લઈશ. એમને કહીશ કે જ્યારે હું ના હોઉં ત્યારે મારો આ હાર મારી લાડકી દીકરી શાલિનીને જ આપવાનો છે!’

એનું હડહડતું જુઠ્ઠાણું અને નફટાઈ જોઈને બંને ભાભીઓ ડઘાઈ ગઈ હતી. કશો પ્રતિભાવ આપ્યા વગર એ બંને ચૂપચાપ બેસી રહી હતી. પથ્થરની મૂર્તિ જેવા એ બંનેના ચહેરાઓ સામે નજર કરીને શાલિનીએ મંજુલાની છબી સામે જોઈને નિઃસાસો નાખ્યો. ‘આ રીતે અચાનક જતા રહેવું પડશે એની તો એ બાપડીને કલ્પનાય નહીં હોય એટલે એમ શ્યોર કે મમ્મીએ હારવાળી વાત તમને નહીં કહી હોય...’

તારી ભલી થાય... મહાપ્રયત્ને જાત ઉપર કાબૂ રાખીને ભાવિકા સ્તબ્ધ બનીને નણંદની સામે તાકી રહી હતી. પન્નાનો હાર મેળવવા માટે આ ખોટાડીએ ખતરનાક ખેલ તો શરૂ કર્યો છે પણ એમાં એને ફાવવા નહીં દઉં. આવા દૃઢ નિર્ધારની સાથે ઉપાય શોધવા માટે ભાવિકાનું મગજ સક્રિય બની ચૂક્યું હતું.

મરેલા માણસને પૂછવા માટે કોઈ ઉપર તો જવાનું નથી... શાલિનીની સામે તાકીને અલકા વિચારતી હતી. કાચીપોચી વ્યક્તિના હૃદય ઉપર તરત અસર કરે એવી લાગણીભરી વાર્તા તો મેં બનાવી નાખી, નણંદબા! પણ અમે તમને ઓળખીએ છીએ. અહીં તમારી દાળ નહીં ગળે...

અલકા જેઠાણી અને ભાવિકા દેરાણી. એ બંનેના સ્વભાવમાં આમ જોઈએ તો આસમાન-જમીનનું અંતર હતું. સામેવાળો સાવ ખોટું બોલે છે, એવી ખબર હોય તો પણ એ વ્યક્તિના સ્વમાનને વેઠીને પણ છેતરપીંડી કરનારને માફ કરી દેવાની સારપ એના લોહીમાં હતી. ભલમનસાઈ અને ઉદારતાએ એની નબળાઈ હતી. જુઠ્ઠાને જુઠ્ઠો કહીને તોડી પાડવાની એનામાં આવડત નહોતી.

સામા પક્ષે ભાવિકા વધુ ચાલાક હતી. અલકાની તુલનામાં એ ઝડપથી વિચારી શકતી. ઉદારતા તો એના સ્વભાવમાં પણ હતી. એ છતાં, કોઈ છેતરવા આવ્યું છે એનો અણસાર આવી જાય એ પછી એનું દિમાગ સક્રિય બનીને સામો પ્રહાર કરવાની યોજના વિચારી લેતું.

શાલિનીએ મંજુલાનો હાર પડાવી લેવાનો પેંતરો કર્યો છે અને એ માટે સંદતર ખોડી વાર્તા ઉપજાવી કાઢી છે એનો તો બંને ભાભીઓને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હતો. ભાવિકા સાથે હતી. એને લીધે અલકા નિશ્ચિત હતી. તું ખોટું બોલે છે એવું નણંદને મોઢા મોઢ તો કહેવાય નહીં. એવી તો અલકામાં હિંમત નહોતી, પણ એને ભાવિકા ઉપર શ્રદ્ધા હતી. નણંદની નફ્ફટાઈ અને લાલસાથી ભરેલી ચાલબાજી ભાવિકા નહીં ચલાવી લે. કચકચાવીને વળતો ઘા મારીને એ નણંદને ચૂપ કરી દેશે એવી અલકાને ખાતરી હતી. ભાવિકા કેવો પ્લાન કરે છે એ જાણવાની જિજ્ઞાસા સાથે એ વારાફરતી ભાવિકા અને શાલિનીના ચહેરા સામે તાકી રહી હતી.

‘શાલુ બહેન, મમ્મીજીને આ અકસ્માત અમસ્તો નથી થયો...’ શાલિનીનો હાથ પોતાના હાથમાં જકડીને ભાવિકાએ હળવેથી બોલવાનું શરૂ કર્યું. ‘તમે તો શાહીબાગ રહો એટલે અહીં બંગલામાં રોજેરોજ શું બને છે, એની તમને તો ક્યાંથી ખબર હોય?..’ અવાજમાં લાગણીની સાથે પીડાનું ઉમેરણ કરીને એણે નણંદને સમજાવ્યું. ‘છેલ્લા છ-સાત મહિનાથી મમ્મીજીનું મગજ અગાઉના જેટલું પાવરફુલ નહોતું રહ્યું. કંઈક બોલ્યા પછી વારેઘડીએ પોતે શું બોલ્યાં હતાં એમના મગજમાંથી નીકળી જાય. મંગળવારે શું શું ખાધું હતું એ એમને બુધવારે પૂછો તો એ ગૂંચવાઈ જાય અને કંઈ યાદ ના આવે એટલી હદે એમની યાદશક્તિ નબળી પડી ગઈ હતી...’ નિરાશાથી માથું ધુણાવીને એણે આગળ કહ્યું. ‘કાચી સેકન્ડમાં ફટાફટ નિર્ણય લેવાની એમની તાકાત હતી. એ પણ કોણજાણે કેમ એ ગુમાવી બેઠા હતા. તમે જ કહો... મહારાણી જેવી જાજરમાન આપણી મમ્મી... રસ્તો આળંગવામાં એમનાથી આવી ભૂલ થાય ખરી? અભણ ગામડિયા જેવી મૂર્ખામી મંજુબા કરે?’

ભાવિકાની તર્કબદ્ધ વાત સાંભળીને શાલિનીએ તરત સંમતિ આપીને ગરદન હલાવી.

‘તમે બળેવની વાત કરી એટલે મને એના પછી દિવાળીની વાત યાદ આવી ગઈ. વાત થોડીક કોમેડી છે પણ તમને સાંભળવાની મજા આવશે...’ ઝપાટાબંધ વિચારીને બોલવાની સાથોસાથ આગળની વાર્તાના શબ્દો ગોઠવવામાં ભાવિકાનું મગજ પૂરી તાકાતથી સક્રિય થઈ ચૂક્યું હતું. અલકા એની સામે આદરભાવથી તાકી રહી હતી.

‘તમે બળેવના દિવસે આવેલા ત્યારે અમે હાજર નહોતા. એ પછી અઢી મહિના વીત્યા અને દિવાળી આવી ત્યારે તમે ને સુભાષ કુમાર બાળકોને લઈને સિંગાપુર ગયા હતા. આપણા બંગલામાં તો દિવાળી એટલે કેવો જલસો હોય એની તમને તો ખબર છે. મારા પતિદેવ અને અલકાભાભીના મિસ્ટરને ફટાકડામાં જરાયે રસ નથી એટલે પપ્પાજી આ જવાબદારી વિભાકરભાઈને સોંપી દે છે. દિવાળીએ વિભાકાકાની દેખરેખ અને આગેવાની હેઠળ ચારેય બાળકોએ મોડી રાત સુધી ફટાકડા ફોડ્યા હતા. બેસતા વર્ષની સવારે ભૌમિક અને ભૈરવીને મેં પરાણે હડબડાવીને જગાડ્યાં...’ અલકા સામે જોઈને એણે ઉમેર્યું. ‘આકાશ અને આકાંક્ષાને ઉઠાડવામાં અલકાભાભીને પણ તકલીફ પડી હશે...’

‘છેલ્લા છ-સાત મહિનાથી મમ્મીજીનું મગજ અગાઉના જેટલું પાવરફુલ નહોતું રહ્યું. કંઈક બોલ્યા પછી વારેઘડીએ પોતે શું બોલ્યાં હતાં એમના મગજમાંથી નીકળી જાય.’

અલકાએ ડોકું હલાવીને એની વાતમાં સંમતિ આપી. ‘બેસતા વર્ષની સવારે આપણા બંગલાનો સીન તો તમને ખબર જ છેને? પરોઢિયે પાંચ વાગ્યે ઢોલ અને શરણાઈવાળા આવીને બંગલાના ઓટલા પાસે ગોઠવાઈ જાય. જિતુભાઈએ સૂચના આપી હોય એટલે કલાકારો પણ એ સમયે આવીને ફૂલોની આલાગ્રાન્ડ રંગોળી બનાવી નાખે. ગેટથી માંડીને છેક બંગલા સુધી ઠેર ઠેર સુશોભન થઈ જાય અને આસોપાલવનાં તોરણ પણ એ લોકો જ બધે બાંધી દે. ઢોલ અને શરણાઈ તો દસ વાગ્યા સુધી સંગીત રેલાવ્યા કરે...’

ભાવિકા શું કહેવા માગે છે એની હજુ ટપ્પી નહોતી પડી એટલે શાલિની જિજ્ઞાસાથી સાંભળતી હતી. ભાવિકા કેવો ઘા મારે છે એ જાણવાની ઉત્સુકતા અલકાના ચહેરા પર તરવરતી હતી.

‘પપ્પાજી અને મંજુબા બનીઠનીને બરાબર છ વાગ્યે આવીને સોફા પર ગોઠવાઈ જાય. એ પછી પાંચ મિનિટમાં વિભાકરભાઈ આવીને બંનેનો ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લે અને એ પછી એ પણ સોફા પર બેસે. પંદરેક મિનિટમાં તો અમે લોકો પણ તૈયાર થઈને ત્યાં પહોંચી જઈએ અને ત્રણેયને પગે લાગીને આશીર્વાદ લઈએ... ’ લગીર અટકીને એણે શાલિની સામે મોં મલકાવ્યું. ‘વર્ષોની આ પરંપરામાં આ વર્ષે એક કોમેડી સીન ઉમેરાયો હતો...’

એ બોલતી હતી. શાલિની હવે શ્વાસ રોકીને સાંભળતી હતી.
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP