Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-13

‘મંજુબાએ ક્યારેય સાસુ તરીકે સત્તા નથી ભોગવી...’

  • પ્રકાશન તારીખ26 Jul 2018
  •  

પ્રકરણઃ13
ભાસ્કર, ભાવિકા, અલકા અને શાલિની હજુ આઘાતમાંથી બહાર નહોતાં આવ્યાં. વિભાકરે પેલાને જે પરચો દેખાડ્યોએ જોઈને એ ડઘાઈ ગયાં હતાં.

‘એ ગંજેરી એ જ લાગનો હતો, શેઠ...!’ જેણે પગરખાં ઉતારવાની સલાહ આપીને યોગ્ય જગ્યા બતાવી હતી એ ગરીબડીએ આદરભાવથી વિભાકર સામે હાથ જોડ્યા. ‘કોઈ પૈસાવાળું ફેમિલી દેખાય કે તરત એ મવાલી આવો દાવ રમે છે, પણ આજે તમે એને પાઠ ભણાવ્યો. અમારા જેવા ગરીબને કોઈ પ્રેમથી પચાસ રૂપિયા આપે તોય અમે રાજી થઈને આશીર્વાદ આપીએ ને એ મૂવો બધાને બીવડાવીને પાંચસો-હજારની જ રોકડી કરે છે. તમે બહુ સારું કર્યું, શેઠ ગભરાતા નહીં કાગડાના કીધે કંઈ ના થાય...’

‘કોઈ પૈસાવાળું ફેમિલી દેખાય કે તરત એ મવાલી આવો દાવ રમે છે, પણ આજે તમે એને પાઠ ભણાવ્યો.’

ગુસ્સાના આવેશમાં પોતે વધારે પડતી આક્રમકતા દેખાડીને પેલાને તમાચો મારી દીધો એવું વિભાકરને લાગતું હતું; પણ આ સ્ત્રીએ જે કહ્યું એ સાંભળ્યા પછી એણે મન મનાવી લીધું કે આવા પ્રસંગે અહીં આવેલા માણસને આવી ધમકી આપનારને આટલી સજા તો થવી જ જોઈએ.

બક્ષિસની આશાએ પાછળ પાછળ આવેલી એ ત્રણ સ્ત્રીઓ અને બે પુરુષો હવે ચૂપચાપ ઊભા હતા. વિભાકર સામે હાથ લંબાવવાની એ ગરીબો પાસે હવે હિંમત નહોતી. એમના લાચાર ચહેરાઓ જોઈને વિભાકરે પાકીટમાંથી પાંચસોની નોટ કાઢીને પેલી સ્ત્રી સામે લંબાવી. ‘આમાંથી તમે પાંચેય વહેંચી લેજો...’

માનવામાં ના આવતું હોય હોય એમ એ લોકો થોડીવાર એકબીજાની સામે તાકી રહ્યા હતા. પછી પેલી સ્ત્રીએ આગળ આવીને નોટ લીધી. આ પાંચેય સામે વારંવાર હાથ જોડીને એ પાંચેય રવાના થઈ ગયા.

નાનકડી દુકાનો અને લારીઓ વચ્ચે થઈને એક બીજો રસ્તો પાર્કિંગ તરફ જતો હતો. વિભાકરે એ તરફ પગ ઉપાડ્યા એટલે બધા એને અનુસર્યાં.

‘કોઈ અપંગ, લાચાર કે ખરેખર જરૂરિયાતવાળી વ્યક્તિ હોય તો એને વગર માગ્યે મદદ કરવાનો મારો સ્વભાવ છે પણ એ બાવાએ ધમકી આપી એમાં મારી કમાન છટકી...’ ધીમે ધીમે કાર તરફ ચાલતી વખતે વિભાકર ખુલાસો કરી રહ્યો હતો. ‘કર્મકાંડી બ્રાહ્મણ આવો હોય? એક અઠવાડિયાથી તો એ નહાયો પણ નહીં હોય એવા એના દેદાર હતા. કોઈ કામ-ધંધો કર્યા વગર ગાંજો પીને આવા ધંધા કરે એ કેમ ચાલે?’

‘વિભા, ફરગેટ હીમ...’ શાલિનીએ હળવેથી એના ખભે હાથ મૂક્યો.
‘બધાં ધાર્મિક સ્થળે આવા ધૂતારાઓનો ત્રાસ હોય જ છે. એણે ધમકી આપીને તેં એને પ્રસાદી આપી. હિસાબ પૂરો. હવે આ આખી વાત મગજમાંથી કાઢી નાખ. આપણે જે કામ માટે આવ્યા હતા એ શાંતિથી સુખરૂપ પતી ગયું એટલે હવે બીજું કંઈ વિચારવાની જરૂર નથી.’

એ બંને ભાઈ-બહેન વાત કરતાં હતાં. ભાસ્કર, એની પત્ની ભાવિકા અને આદિત્યની પત્ની અલકા ચૂપચાપ પગ ઉપાડતાં હતાં.

કાર પાસે પહોંચ્યા પછી ભાસ્કરે વિભાકર સામે જોયું. ‘હું ડ્રાઇવ કરું?’ જવાબમાં વિભાકરે હસીને એના બરડામાં હળવેથી ધબ્બો માર્યો. ‘ડોન્ટ વરી, બ્રધર, એ નેવું સેકન્ડ માટે કમાન છટકેલી, બાકી, મગજ સાબૂત છે...’ એણે કાંડા ઘડિયાળ સામે જોઈને ઉમેર્યું.
‘કકડીને ભૂખ લાગી છે. સાડા બાર વાગ્યા છે. મેરીગોલ્ડ હોટલવાળાને એવો જ મેસેજ મોકલાવેલો કે એકાદ વાગ્યાની આસપાસ આવીશું. આપણું શિડ્યુલ પરફેક્ટ છે.’

બધાં કારમાં ગોઠવાયાં. વિભાકરે કાર સ્ટાર્ટ કરી. બીજી જ મિનિટે અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ બ્રેક મારીને એણે કાર ઊભી રાખીને એણે બધાની સામે જોયું. ‘સિદ્ધરાજ જયસિંહના સમયમાં એનું વસાવેલું આ ગામ ગુજરાતનું પાટનગર હતું. રૂદ્ર મહાલય બનાવ્યા પછી એ અવસરે એણે વિરાટ યજ્ઞ કરાવેલો. અગિયાર માળના રૂદ્ર મહાલયના ખંડેર જેવા અવશેષો જોઈને આમ તો જીવ બળે એવું છે, એ છતાં તમારામાંથી કોઈની ઈચ્છા હોય તો રૂદ્રમાળ જેવા જોઈએ...’

બધાને ભૂખ લાગી હતી એટલે રૂદ્રમાળ જોવાને બદલે મેરીગોલ્ડ પહોંચવાની ઉતાવળ હતી. સર્વાનુમતિએ કાર સીધી હાઇવે તરફ આગળ વધી. એ લોકો હોટલમાં પ્રવેશ્યા ત્યારે બરાબર એક વાગ્યો હતો.

વિભાકર કોલેજમાં ભણતો હતો ત્યારે એણે ફોલ્ડરિયા જેવા બે મિત્રો બનાવ્યા હતા. એ જયરાજ વફાદારી અને જયંતીની સેવાઓની કદર કરીને વિભાકરે પોતાને ત્યાં જ નોકરીમાં રાખી લીધા હતા. જયરાજનું કામ પબ્લિક રિલેશન ઓફિસર જેવું હતું.


હરિવલ્લભદાસની પેઢીના નામ ઉપર એણે આખા ગુજરાતમાં અને મુંબઈમાં પોતાના સંપર્કો બનાવી લીધા હતા. મેરીગોલ્ડ હોટલમાં પણ એણે જ ગઈકાલે ફોન કરીને સૂચના આપી દીધેલી કે શેઠના પરિવારના પાંચ-છ માણસો એક વાગ્યે જમવા આવવાના છે, એમને વી. આઈ.પી. ટ્રિટમેન્ટ મળવી જોઈએ.

કાર જોઈને જે મેનેજર ઊભો થઈને એમને આવકારવા ગયો. આ પાંચ મહેમાનો માટે જ નાનકડો એ.સી રૂમ એણે સજાવી રાખ્યો હતો. ‘જયરાજભાઈએ એટલી વિગતવાર સૂચના આપી છે કે તમારે મેનુ જોઈને ઓર્ડર આપવાની તકલીફ પણ નહીં લેવી પડે. એમણે કહ્યું એ મુજબની તમામ આઈટમ ફ્રેશ બનાવડાવી રાખી છે...’
ભાસ્કર અને વિભાકરને રૂમ તરફ દોરી જતી વખતે મેનેજરે કહ્યું.

‘થેંક્સ...’ વિભાકરે એની સામે મોં મલકાવ્યું. એને રાજી કરવા માટે હસીને ઉમેર્યું. ‘આમ તો સિદ્ધપુર એટલે વ્યાસ સાહેબનું હોમ ટાઉન. એમણે પણ જમવાની વ્યવસ્થા ગોઠવી આપવા આગ્રહ કરેલો પણ મેં કહ્યું કે જયરાજે મેરીગોલ્ડ હોટલમાં ગોઠવણ કરી નાખી છે.’


મેનેજરનો ચહેરો ગર્વથી છલકાયો. બધા ટેબલ પર ગોઠવાયા એ પછી એણે વિદાય લીધી.

જયદીપના જાદુએ અસર કરી હતી. જમવાનું ખરેખર સ્વાદિષ્ટ હતું. વળી, તાંદુરી રોટીને બદલે ઘર જેવી ગરમાગરમ ફૂલકા રોટલીઓ પહોંચાડવા વેઈટરો દોડાદોડી કરી રહ્યા હતા.

‘જયદીપભાઈએ આ સારું કર્યું...’ ભાસ્કરની સામે જોઈને ભાવિકાએ કહ્યું. ‘મને તો મેંદાની એ ચવ્વડ રોટી જરાયે ગળે નથી ઊતરતી. તમારી સાથે ક્યાંક પાર્ટીમાં એવી રોટી ખાવી પડે ત્યારે પરાણે ડૂચા મારવા પડે છે.’

‘અત્યારે તો અમદાવાદની મહિલાઓ આવી મેંદાની ચવ્વડ રોટલી ખાવા માટે લાઇનમાં બેસીને તપ કરે છે...’ વિભાકરે હસીને ભાવિકા સામે જોયું. ‘ખાતરી કરવી હોય તો રવિવારે સાંજે તમારા વરજીને લઈને બધી હોટલનું ચક્કર મારજો. રવિવારે સાજે ઘેર નહીં જ જમવાનું એવો સરકારી વટહુકમ હોય છે. હોય એ રીતે રોડ સાઇડનાં રેસ્ટારાં પણ ભરચક હોય છે.’

ચૂપચાપ સાંભળતી અલકા એકલી એકલી મલકી એટલે બધાનું ધ્યાન એના તરફ ગયું.

‘ભાભી, કંઈ યાદ આવ્યું?’ ભાસ્કરે એને પૂછ્યું. ‘મંજુબાની યાદ આવી ગઈ...’ અલકાએ બધાની સામે જોયું. ‘નવી નવી પરણીને આવી ત્યારે સાચું કહું? મંજુબાથી રીતસર ફફડતી હતી...’ ભૂતકાળની યાદમાં ખોવાઈને એ બોલતી હતી. ‘એ સમયે આ પંજાબી, ચાઈનીઝ કે મેક્સિકનનો ચટાકો નહોતો. મહિનામાં એકાદ રવિવારે થિયેટરમાં ફિલ્મ જોવા જવાનું. ફિલ્મ જોઈને ઢોંસો ને એના ઉપર આઇસક્રીમ ખાવાનું લક્ઝરી ગણાય. અથવા તો સારા ગુજરાતી ડાઈનિંગ હૉલમાં ફેમિલી સાથે જવાનું. આદિત્યના સર્કલમાં એ સમયે બધા શોખીન કપલ્સ હતા. એ લોકો દર રવિવારે પિક્ચર અને બહાર જમવાનો પ્રોગ્રામ બનાવે. આદિત્ય કંઈ બોલે નહીં અને મંજુબા સામે મોઢું ખોલવાની મારામાં હિંમત નહોતી એટલે અમે એ લોકોના જલસામાં સહભાગી નહોતા બનતા...’

મોંમાં કોળિયો મૂકીને એ થોડીવાર અટકી પછી આગળ કહ્યું. ‘આકાશના જન્મ પહેલાંની વાત છે. એક વાર સાંજે બે કપલ આપણા ઘેર આવ્યા. રવિવારની સાંજે પાંચેક વાગ્યે એ આવેલા અને ડ્રોઈંગરૂમમાં બેસીને અમે ગપ્પાં મારતાં હતાં. મંજુબા પણ અમારી સાથે જ બેઠાં હતાં. મને એ લોકોના કાર્યક્રમની ખબર હતી એટલે મેં નાસ્તા માટે આગ્રહ ના કર્યો. એટલે મંજુબાએ પેલા લોકોની હાજરીમાં જ મને પ્રેમથી તતડાવી. અલી, આ ચારેયને નાસ્તાનું કે જમવાનું તો પૂછ... ખાલી વાતોના તડકા જ કરવાના છે?’ એમણે આવું કહ્યું એટલે પેલા લોકો હસી પડ્યા. મારી ફ્રેન્ડે ફોડ પાડ્યો કે બા, અમે તો પિક્ચર જોઈને હોટલમાં જમવા જવાના છીએ. અમારા ચારેયનો તો દર રવિવારે આવો પ્રોગ્રામ જ હોય છે એની અલકાને ખબર છે...’

આગળ બોલતી વખતે એના અવાજમાં લાગણીની ભીનાશ ભળી. ‘મંજુબાનું પ્રેમાળ અને વત્સલ રૂપ મને એ પળે જોવા મળ્યું. પેલીએ જે કહ્યું એ સાંભળ્યા પછી એમણે તરત મારી સામે જોયું અને વહાલથી ધમકાવી. અલી, તું ઢીલી છે ને મારો આદિત્ય અડબંગ છે. આ લોકો જલસાથી હરેફરે છે ને તમે ઘરમાં કેમ ગોંધાઈ રહો છો? સરખેસરખા દોસ્તારો જોડે અઠવાડિયે એક વાર ફરવા જવાની મેં ના પાડી છે? હરવા-ફરવાની ઉંમર છે તો આનંદ કરો...’

લગીર અટકીને અલકાએ બધાની સામે જોયું. ‘એ રવિવારથી જ એમણે અમને છૂટ આપી દીધી. હું કારણ વગર એમનાથી ગભરાતી હતી...’

‘મંજુબાએ ક્યારેય સાસુ તરીકે સત્તા નથી ભોગવી...’ ભાવિકાએ પણ ભીના અવાજે જેઠાણીની વાતને અનુમોદન આપ્યું. ‘સગી દીકરીની જેમ સાચવી છે મને. આપણા મનમાં કંઈક ગૂંચવણ હોય ત્યારે વગર કહ્યે વાતનો તાગ મેળવીને સરસ ઉપાય શોધી આપે. હિસાબ કોડીનો ને બક્ષિસ લાખની એવો એમનો સ્વભાવ હતો...’

‘મૂળભૂત રીતે તો એ એકાઉન્ટન્ટ હતાંને ? એટલે...’ વાતાવરણ હળવું બનાવવા ભાસ્કરે હસીને ઉમેર્યું. ‘બંગલામાં શેઠાણી બનીને આવ્યા એ અગાઉ આપણી પેઢીના એકાઉન્ટ્સનું કામ એ સંભાળતાં હતાં...’

એ બોલતો હતો ત્યારે વિભાકર નીચું જોઈને ચૂપચાપ જમતો હતો. પોતાની આ વાત સાંભળીને વિભાકરનો ચહેરો વધુ ગંભીર બની ગયો છે એવું ભાસ્કરને લાગ્યું કે તરત એણે વાત બદલી. ‘આ લોકોએ દાળ પણ ગુજરાતી બનાવી એ ગમ્યું. કાળી અડદની દાળ મને તો દીઠીયે નથી ગમતી...’ એ પછી ભારતભરની જુદી જુદી વાનગીઓની ચર્ચા શરૂ થઈ ગઈ. ભાસ્કર, અલકા, ભાવિકા અને શાલિની ઉત્સાહથી બોલતા હતા. વિભાકર છેક સુધી મૌન જ રહ્યો.

જમ્યા પછી મેનેજર બિલ લેવાની પણ આનાકાની કરતો હતો. વિભાકરે આગ્રહ કરીને બિલ ચૂકવી દીધું. સરસ ભોજન માટે એનો આભાર માન્યો અને કાર સ્ટાર્ટ કરી.

બીજા દિવસે બપોરે ભાવિકા અને અલકાની બહેનપણીઓ એક સાથે સમયની ગોઠલણ કરીને આવી. એ મહિલામંડળ ડ્રોઈંગરૂમમાં આવ્યું એટલે બે મિનિટ બેસીને હરિવલ્લભદાસ સોફા ઉપરથી ઊભા થઈને એમના રૂમમાં ગયા. ભાવિકા, અલકા અને શાલિની સોફા ઉપર ગોઠવાઈ ગયા. એ બધી બહેનો અર્ધો કલાક બેઠી. મંજુબાને પણ ચાનો જબરો શોખ હતો એમ કહીને અલકાએ એ તમામને ચા પણ પીવડાવી.

‘સગી દીકરીની જેમ સાચવી છે મને. આપણા મનમાં કંઈક ગૂંચવણ હોય ત્યારે વગર કહ્યે વાતનો તાગ મેળવીને સરસ ઉપાય શોધી આપે. હિસાબ કોડીનો ને બક્ષિસ લાખની એવો એમનો સ્વભાવ હતો...’

મંજુલાની છબીને વારાફરતી નમસ્કાર કરીને એ ટોળું વિદાય થયું એ પછી આખા ડ્રોઈંગરૂમમાં અલકા, ભાવિકા અને શાલિની સિવાય કોઈ નહોતું. ત્રણેય સોફા ઉપર એ રીતે બેઠા હતા કે મંજુલાની છબી એમની સામે જ હતી.

શાલિની એ છબી સામે એકીટશે તાકી રહી હતી. ફોટાની ફ્રેમ ઉપર તો હવે સુખડનો હાર ઝૂલતો હતો પણ છબીમાં મંજુલાની ગરદન પર પન્નાનો હાર ચમકતો હતો. એમાં જડેલા દસેક માણેકને લીધે એ અદભુત દેખાતો હતો.

છબી પરથી નજર ખસેડીને શાલિનીએ પોતાની ભાભી સામે જોયું. ‘છેલ્લે રક્ષાબંધનના દિવસે આવી ત્યારે મમ્મી સાથે મેં શાંતિથી ખૂબ વાતો કરેલી..’ શાલિનીએ હળવેથી કહ્યું. ‘તમે બંને તો તમારા પિયર ગયેલા એ દિવસે પણ એમણે આ પન્નાનો હાર જ પહેર્યો હતો. મેં એનાં વખાણ કર્યાં કે તરત મમ્મીએ કહ્યું કે તને બહુ ગમે છે ને? બંને વહુઓને હું કહી દઈશ કે હું ના હોંઉ ત્યારે આ હાર શાલુને આપી દેજો...’

એ બોલતી હતી. આશ્ચર્યના ઝાટકા સાથે અલકા અને ભાવિકા એકબીજાની સામે તાકી રહી હતી.
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP