Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-11

‘કુદરતના નિર્ઘાર સામે આપણે લાચાર છીએ. સ્વર્ગવાસી આત્માને સદગતિ સાંપડે એવી પ્રાર્થના કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી...’

  • પ્રકાશન તારીખ24 Jul 2018
  •  

પ્રકરણઃ11
'સિમ્પ્લી, યુ આર ગ્રેટ!' શેઠ હરિવલ્લભદાસ અને એમના સૌથી મોટા પુત્ર વિભાકર વિશેની વિગતવાર જાણકારી મેળવ્યા પછી શ્રીકાંતે આદરભાવથી રમણિક સામે જોયું. ' બધા તમને પ્રેમથી રમણિક જેમ્સ બોન્ડ કહે છે, એમાં કંઈ ખોટું નથી. હું તો એનાથી પણ આગળ કહું છું કે યુ આર માસ્ટર સ્ટોરી ટેલર! છૂટક માહિતી ઉપરથી તાણાવાણા ગોઠવીને આખી કથા કહેવાની તમારી આવડત ગજબનાક છે! તમને માની ગયો.'

'આમાં ક્યાંક લગીર વિગતદોષ હોઈ શકે..' રમણિકે નમ્રતાથી કબૂલાત કરી. 'બીજા લોકો પાસેથી મેળવેલી માહિતીઅને સાંયોગિક પુરાવાઓ ભેગા કરીને પીંછામાંથી મોર બનાવ્યો છે. ' એણે ગર્વથી શ્રીકાંત સામે જોયું. ' અભિમાન નથી કરતો. અમદાવાદના અનેક શેઠિયાઓની રંગબેરંગી કહાણીઓ હૈયામાં ધરબાયેલી છે. સમય અને સંજોગની અનુકૂળતા હશે ત્યારે એ પણ સંભળાવીશ..'

‘આ બંને વહુઓનું ધ્યાન રાખવાનું હવે તમારા માથે. એમનાથી કોઈ ભૂલ થતી હોય એવું લાગે તો વડીલ તરીકે તરત એમનું ધ્યાન દોરીને ટકોર કરવાની પણ તમને છૂટ. અહીં બધાની હાજરીમાં જ આજથી તમને અધિકાર આપું છું.’

ઉત્સાહમાં આવીને એ કોઈક બીજાની જીવનકથા શરૂ કરે એ અગાઉ શ્રીકાંતે કાંડા ઘડિયાળ સામે નજર કરી એ જોઈને રમણિકને પણ સમયનું ભાન થયું. 'ઊભા.... થઈશું?' એણે હસીને પૂછ્યું. 'કે પછી વેઈટર ત્રીજી લસ્સીનું પૂછવા આવે ત્યાં સુધી રાહ જોવી છે?'

શ્રીકાંત તરત ઊભો થઈ ગયો. બંને રમણિકની કારમાં આવ્યા હતા અને કાર કન્વેન્શન હૉલના પાર્કિંગમાં મૂકી હતી. રસ્તો ક્રોસ કરીને બંને ત્યાં પહોંચ્યા ત્યારે બેસણાનો સમય પૂરો થઈ ગયો હતો અને લોકો હૉલમાંથી બહાર આવી રહ્યા હતા. 'હરિવલ્લભદાસે જમવાની વ્યવસ્થા પણ રાખી છે, પણ આપણે એ લાભ નથી લેવો.' એમ બબડીને રમણિકે સ્ટિયરિંગ સંભાળ્યું અને શ્રીકાંત એની બાજુમાં ગોઠવાઈ ગયો.

પરિવારના સભ્યો ઉપરાંત નજીકનાં સગાં-સંબંધીઓ અને બહારગામથી આવેલા મહેમાનો માટે હૉલમાં જ જમવાની વ્યવસ્થા ગોઠવી હતી. એ સાદો ભોજન સમારંભ શરૂ થઈ ચૂક્યો હતો. આવા પ્રસંગે જમવાનું અમુક લોકો પસંદ નથી કરતા. એવા સજ્જનો આનાકાની કરતા હતા. હરિવલ્લભદાસ અને એમના ત્રણેય પુત્રો આવા લોકોને આગ્રહ કરીને ભોજનના કાઉન્ટર તરફ મોકલી રહ્યા હતા.

અંગત સ્વજનો સાથે આખો પરિવાર હૉલમાંથી બંગલે પહોંચ્યો ત્યારે ત્રણ વાગી ચૂક્યા હતા. બંગલામાં હજુ દસેક દિવસ લોકોની આવ-જા ચાલુ જ રહેશે, એવી ગણતરીથી માત્ર એક જ સોફાને ડ્રોઇંગરૂમમાં રાખ્યો હતો, બાકી કાર્પેટ બિછાવી રાખી હતી. એક માત્ર હરિવલ્લભદાસ સોફામાં બેઠા હતા. બાકીના તમામ લોકો એમની સામે કાર્પેટ ઉપર ગોઠવાઈ ગયા હતા. મંજુલાની વિદાયનો વિષાદ હજુ અહીંના વાતાવરણમાં પથરાયેલો હતો. બધા ચૂપચાપ બેઠા હતા.

બેસણા દરમિયાન હૉલમાં મૂકેલી એવી જ મંજુલાની વિશાળ છબી ડ્રોઇંગરૂમમાં બાજોઠ ઉપર ગોઠવી હતી. ગુલાબનો હાર એના ઉપર ઝૂલતો હતો. બાજુમાં અખંડ દીવો ચાલુ હતો. અને મોટી સાઇઝની ધૂપસળી સૂવાસ ફેલાવી રહી હતી. પુત્રવધુ અલકા અને ભાવિકાની પાસે પુત્રી શાલિની બેઠી હતી. એ ત્રણેય પછી કાશીબા મંજુલાના ફોટાની તદ્દન નજીક બેઠા હતા. એમના કરચલિયાળા ચહેરા પર પારાવાર પીડા સ્પષ્ટ દેખાતી હતી. ભીની આંખે એ એકીટશે તસવીર તાકી રહ્યા હતા.

સોફા પર બેઠાલા હરિવલ્લભદાસે એમની સામે જોયું, ‘કાશીબા, તમારાં શેઠાણી તો આપણને બધાને એકલા મૂકીને જતાં રહ્યાં...’ હરિવલ્લભદાસના અવાજમાં વેદના છલકાતી હતી. ‘અણધાર્યો આંચકો આપીને એ તો અંતર્ધાન થઈ ગયા...’

‘અમારા માટે તો એ દેવી સમાન હતાં...’ કાશીબાએ ભીના અવાજે કહ્યું. ‘શેઠાણી જેવું વર્તન ક્યારેય નથી રાખ્યું. એ પરણીને આવ્યાં એ પહેલાથી હું તો બંગલામાં સેવા કરું છું. આટલાં વર્ષમાં એમણે ક્યારેય મને તુંકારે નથી બોલાવી...’ આખા પરિવારના બધા સભ્યો ઉપર નજર ફેરવીને એમણે મંજુલાની છબી સામે જોયું. ‘આજુબાજુના બંગલાઓમાં પંદર વર્ષના બાબા-બેબીઓ પણ નોકરને તુંકારે બોલાવતા હોય છે, પણ આ બંગલામાં શેઠાણીએ બધાને એવા સંસ્કાર આપ્યા છે કે કાશીબા કહીને જ બધા માનથી બોલાવે છે. એ રૂડો પ્રતાપ મંજુલા શેઠાણીનો!...’ છબી સામે તાકી રહેલી એમની આંખમાં ઝળઝળિયાં ઊભરાયાં. ‘એ નથી એ વાત હજુ માનવામાં જ નથી આવતી. જેટલીવાર ફોટા સામે જોઉં છું એટલી વાર એવું લાગે છે કે જાણે હમણાં જ બોલશે!’

એ જે બોલ્યાં એ સાંભળીને આખા ઓરડાનો વિષાદ વધુ ઘેરો બન્યો.

‘કાશીબા, મન મક્કમ કરીને આપણે સહુએ જીવવાનું છે...’ વાતાવરણ હળવું બનાવવા માટે હરિવલ્લભદાસે વાતને જુદો વળાંક આપ્યો. ‘એમાંય તમારે તો વિશેષ જવાબદારી નિભાવવાની છે...’ ભાવિકા અને અલકા સામે નજર ફેરવીને એમણે ઉમેર્યું. ‘આ બંને વહુઓનું ધ્યાન રાખવાનું હવે તમારા માથે. એમનાથી કોઈ ભૂલ થતી હોય એવું લાગે તો વડીલ તરીકે તરત એમનું ધ્યાન દોરીને ટકોર કરવાની પણ તમને છૂટ. અહીં બધાની હાજરીમાં જ આજથી તમને અધિકાર આપું છું.’

કશો જવાબ આપ્યા વગર કાશીબાએ શેઠની સામે બે હાથ જોડ્યા.

હરિવલ્લભદાસના અંગત મિત્રો હિંમતલાલ અને જીવણભાઈ સોફાની બાજુમાં જ બેઠા હતા. એ બંનેની આર્થિક સ્થિતિ સાધારણ હતી. વારાફરતી ગળગળા અવાજે એ બંનેએ પમ મંજુલાના ઉપકારો યાદ કર્યા.

હરિવલ્લભદાસે ઊંડો શ્વાસ લીધો જાણે વિષાદને ખંખેરી નાખવો હોય એમ ગળું ખોંખાર્યું. આ સભાનું સમાપન કરતા હોય એમ સામે બેઠેલા બધાની સામે જોઈને એમણે ધીમા અવાજે બોલવાનું શરૂ કર્યું. ‘જન્મ લેનાર દરેક માનવી માટે મૃત્યુનો એક દિવસ તો નક્કી જ હોય છે. ક્યા દિવસે, કઈ પળે, કઈ રીતે શ્વાસ અટકી જશે એનું રહસ્ય તો ઈશ્વરની મુઠ્ઠીમાં બંધ હોય છે. ગઈ કાલ સુધી આપણી સાથે વાત કરનાર વ્યક્તિ અચાનક તસવીર બનીને ભીંત પર લટકી જાય ત્યારે આપણને આંચકો લાગે છે, પણ કુદરતનો આ ક્રમ રોકવાનું આપણું ગજું નથી. ગરીબ ભિખારી હોય કે અબજોનો માલિક હોય, દરેકે હાર કબૂલવી જ પડે છે. સોમવારનો મંગળવાર કરવાની કોઈનીયે તાકાત નથી, દુનિયાના શ્રેષ્ઠ ડૉક્ટરો એમનાં આધુનિક ઊપકરણો સાથે ઝઝૂમે તોય આયુષ્યમાં બે મિનિટનોય વધારો કરવાની એમની શક્તિ નથી...’

સોફા પરથી ઊભા થઈને એમણે મંજુલાની છબી સામે અને પછી સગાં-સંબંધીઓ સામે હાથ જોડ્યા. ‘કુદરતના નિર્ઘાર સામે આપણે લાચાર છીએ. સ્વર્ગવાસી આત્માને સદગતિ સાંપડે એવી પ્રાર્થના કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી...’

વડીલ સ્ત્રીઓએ મંજુલાના ફોટા સામે તાકીને એક વ્યક્તિગત સમૂહમાં ગાવાનું શરૂ કર્યું. એ ભજન પૂરું થયા પછી બધા ઊભા થયા. મહેમાનોએ વિદાય લીધી અને પરિવારના સભ્યો પોતપોતાના રૂમમાં ગયા.

સાંજે સાત વાગ્યે હરિવલ્લભદાસ સોફા ઉપર બેઠા હતા. વિભાકર, આદિત્ય અને ભાસ્કર, એ ત્રણેય પુત્રો એમના પગ પાસે બેઠા હતા. શાલિનીનો પતિ સુભાષ આ ત્રણેય ભાઈઓની સાથે જ બેઠો હતો.

‘બારમા-તેરમાની વિધિ અગાઉ અસ્થિ વિસર્જનનું કામ પતાવી દેવું પડશે એવું ગોર મહારાજે કહ્યું છે...’ આ ચારેયની સામે જોઈને હરિવલ્લભદાસે સૂચના આપી. ‘ અસ્થિ વિસર્જન માટે સિદ્ધપુર જવાની એમણે સલાહ આપી છે. ક્યારે જવું અને કોણ કોણ જશે એ તમે લોકો નક્કી કરીલો. લેડિઝમાંથી કોઈને આવવું હોય તો સાથે લઈ જજો...’

થોડિક ચર્ચા-વિચારણા પછી મંગળવારે સિદ્ધપુર જવાનું નક્કી થયું. આદિત્ય અને સુભાષ અમદાવાદમાં હરિવલ્લભદાસની સાથે જ રહેશે. વિભાકર અને ભાસ્કરની સાથે અલકા, ભાવિકા અને શાલિનીએ પણ સિદ્ધપુર માટે તૈયારી દર્શાવી હતી.

દિલસોજી આપવાવાળા લોકોનો પ્રવાહ સોમવારે પણ ચાલુ રહ્યો. રવિવારે બેસણામાં ગારિયાધારથી કોઈ આવ્યું નહોતું. હરિવલ્લભદાસની પહેલી પત્ની નિર્મળાનું પિયર ગારિયાધાર હતું. વિભાકરને જન્મ આપ્યા પછી એ ત્રણેક વર્ષનો હતો ત્યારે જ નિર્મળાનું અવસાન થયું હતું. યુવાન નિર્મળાનું આકસ્મિક મૃત્યુ આમ તો રહસ્યમય હતું. એ છતાં, એના પિયરિયાંઓએ એેને ઈશ્વરની ઈચ્છા માનીને સ્વીકારી લીધું હતું. એ લોકોની આર્થિક સ્થિતિ પણ શેઠ હરિલ્લભદાસની તુલનામાં સાવ સામાન્ય કહી શકાય એવી હતી. નિર્મળા એ કુટુંબની સૌથી મોટી દીકરી હતી. નિર્મળાની નાના બે ભાઈ એટલે કે વિભાકરના બંને મામા અત્યારે ગારિયાધારમાં જ કાલાં-કપાસનો ધંધો કરતા હતા.

એ બંને અને એમની સાથે એમના ચારેક પિતરાઈ ભાઈઓ જીપ કરીને સોમવારે બંગલે આવ્યા. હરિવલ્લભદાસે ઊભા થઈને એમને આવકાર આપ્યો. ‘માફ કરજો શેઠ, અમે થોડાક દેશી માણસ છીએ એટલે ખરખરો કરવા રવિવારે નહોતા આવ્યા...’ વિભાકરના મોટા મામા વસંતભાઈએ શેઠની સામે હાથ જોડ્યા.

‘મારા દુઃખમાં ભાગ પડાવવા તમે છેક ગારિયાધારથી અહીં આવ્યા એ જ મોટી વાત છે. ’ હરિવલ્લભદાસે પણ એ લોકોની સામે હાથ જોડીને ઋણસ્વીકાર કર્યો.

‘વિભો ક્યાં?’ ચારે બાજુ નજર ફેરવીને નાના મામા કમલેશે વિભાકર માટે પૂછ્યું.

હરિવલ્લભદાસે ઘડિયાળ સામે જોયું. સાડા અગિયાર વાગ્યા હતા. એક નોકરને ઈશારો કરીને વિભાકરે જીમમાંથી બોલાવી લાવવા એમણે સૂચના આપી અને પછી કમલેશ અને વસંતભાઈ સામે મોં મલકાવ્યું. ‘ તમારા ભાણાભાઈને કસરતનો શોખ છે. ત્યાં છેલ્લા ઓરડામાં છ-સાત લાખ ખર્ચીને એણે જીમ બનાવ્યું છે. રોજ બે કલાક પરસેવો પાડ્યા વગર એને જમવાનું ભાવતું નથી.’

ગારિયાધારથી મહેમાન આવ્યા છે એની જાણ થઈ કે તરત વિભાકર ડ્રોઈંગરૂમમાં આવ્યો. વસંતમામા અને કમલેશમામા પાસે ઝૂકીને ચરણસ્પર્શ કર્યા. પછી એમની પાસે જ કાર્પેટ પર બેસી ગયો. ચાલીસેક મિનિટ બેઠા પછી એ લોકોએ ઊભા થઈને રજા માગી.

‘માત્ર વિવેક માટે નથી કહેતો, ખરા હૃદયથી આગ્રહ કરું છું...’ એમની સામે હરિવલ્લભદાસે હાથ જોડ્યા. ‘દૂરથી આવ્યા છો અને જમવાનો સમય થઈ ગયો છે એટલે જમ્યા વગર જશો તો મને દુઃખ થશે.’

‘આપનો આગ્રહ આંખ-માથા ઊપર શેઠ, પણ મેં પહેલાં જ કહ્યું ને કે અમે દેશી માણસો છીએ.’ વસંતમામાના અવાજમાં લગીર પીડા ભળી. ‘નિર્મળાની વિદાયને ભલે વર્ષો વીતી ગયાં છે તોય આ એનું ઘર જ કહેવાય. દીકરીના ઘરનાં પાણી સિવાય કંઈ ના ખપે. ખોટું ના લગાડતા શેઠ, જૂનવાણી રિવાજ અમે તો હજુ પકડી રાખ્યા છે.’

મંજુલા શેઠાણીના ફોટાને ફરીવાર પગે લાગીને એમણે પગ ઉપાડ્યા. વિભાકર એમની સાથે ચાલતો છેક બંગલાના ગેટ સુધી ગયો. ગેટ પાસે ઊભા રહીને પણ એણે બંને મામા સાથે અર્ધો કલાક વાતો કરી.

'નિર્મળાની વિદાયને ભલે વર્ષો વીતી ગયાં છે તોય આ એનું ઘર જ કહેવાય. દીકરીના ઘરનાં પાણી સિવાય કંઈ ના ખપે.'

મંગળવારે સવારે અસ્થિ વિસર્જન માટે સિદ્ધપુર જવાનું હતું. હરિવલ્લભદાસે ડ્રાઈવરને સાથે લઈ જવાનું કહ્યું પણ વિભાકરે ના પાડી.

આઠ વાગ્યે કારમાં બેસીને એણે સ્ટિયરિંગ સંભાળ્યું. રેશમી કાપડમાં લપેટેલા અસ્થિકુંભને લઈને ભાસ્કર એની બાજુમાં બેઠો. પાછળની સીટ પર અલકા અને ભાવિકા એ બંને ભાભીઓની વચ્ચે એમની નણંદ શાલિની બેઠી હતી. શાલિની સફેદ પંજાબી ડ્રેસમાં હતી. હરિવલ્લભદાસ, આદિત્ય અને જમાઈ સુભાષે કાર પાસે ઊભા રહીને વિદાય આપી. વિભાકરે કાર સ્ટાર્ટ કરી.
(ક્રમશઃ)

mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP