'આ કુટુંબનો જમાઇ ડ્રગ્ઝ માફિયા તરીકે જેલમાં ના જાય એ માટે મેં આ કારસ્તાન કર્યું, એ માટે મને ગુનેગાર માનવાનો?'

article mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 13, 2018, 12:05 AM IST

પ્રકરણઃ62
ફાઇવસ્ટાર
હોટલમાં મિત્રો સાથેના રમૂજી કિસ્સાઓ, ઋષિકેશનો પ્રવાસ, ગંગા કિનારે જોયેલાં અદભુત દૃશ્યો. આવી તો કંઇક વાતો હરિવલ્લભદાસના હોઠ ઉપર આવવા થનગની રહી હતી, પણ વિભાકર બોલ્યો ત્યારે એના રણકામાં જે રુક્ષતા હતી એ પારખીને એ સડક થઇ ગયા હતા. આટલાં વર્ષમાં વિભાકર તો ઠીક, કોઇએ પણ આ રીતે તોછડાઇથી જાણે આદેશ આપતા હોય એવા ટોનમાં હરિવલ્લભદાસ સાથે વાત કરવાની હિંમત નહોતી કરી. અત્યારે વિભાકરે એ રીતે વટથી વાત કરી.

'શાલુની ફરિયાદનો મુદ્દો શું હશે એની પૂરી ખાતરી નથી. મારી જે ધારણા છે એ મુદ્દે એ ફરિયાદ કરે તો એ જ સમયે તમારી હાજરીમાં જ એને રોકડો જવાબ પરખાવવો જરૂરી છે. શાલુ અને એનાં બાળકોના ભવિષ્ય માટે અને આપણા કુટુંબની આબરૂ માટે એ જ વખતે એની આંખ ઉઘાડવાનું જરૂરી છે.'

આશ્ચર્યથી આંખો પહોળી કરીને એ જાણે વિભાકરને પૂછી રહ્યા હતાઃ તું આ રીતે કેમ બોલ્યો?

સરમુખત્યાર જેવા હરિવલ્લભદાસના સ્વમાન ઉપર સીધો ઘા થયો છે એથી એ ધૂંધવાયા છે. એમનો ચહેરો વાંચીને વિભાકરને સમજાઇ ગયું.

'મારા કહેવાનો મતલબ સમજો.' ટ્રાફિક પોઇન્ટ પર કાર અટકી ત્યારે વિભાકરે વાત વાળવાનો પ્રયત્ન કર્યો. તદ્દન સાહજિકતાથી એણે સમજાવ્યું. 'શાલુની ફરિયાદનો મુદ્દો શું હશે એની પૂરી ખાતરી નથી. મારી જે ધારણા છે એ મુદ્દે એ ફરિયાદ કરે તો એ જ સમયે તમારી હાજરીમાં જ એને રોકડો જવાબ પરખાવવો જરૂરી છે. શાલુ અને એનાં બાળકોના ભવિષ્ય માટે અને આપણા કુટુંબની આબરૂ માટે એ જ વખતે એની આંખ ઉઘાડવાનું જરૂરી છે.' હરિવલ્લભદાસ સામે જોઇને એણે આગળ કહ્યું. 'એ મુદ્દો ના હોય અને બીજી કોઇ નાની- મોટી ફરિયાદ હોય તો હું કંઇ બોલીશ નહીં.'

શાલુનાં બાળકોનું ભવિષ્ય, કુટુંબની આબરૂ જેવા શબ્દો સાંભળ્યા પછી હરિવલ્લભદાસની જિજ્ઞાસા વધી ગઇ. 'વાત શું છે એ કંઇક કહે તો સમજણ પડે.'

'અત્યારે એ સમજવાની જરૂર નથી.' વિભાકરના અવાજનો રણકો ફરીથી બદલાઇ ગયો. 'જો એ વાતની જ ફરિયાદ હશે તો એ વખતે સમજાઇ જશે. અધરવાઇઝ, એ વાત જાણીને દુઃખી થવાની જરૂર નથી.'

વિભાકરનો બદલાયેલો રંગ જોઇને હરિવલ્લભદાસ સ્તબ્ધ બની ગયા. એમણે મૌન ધારણ કરી લીધું.

'બાળકો માટે ત્યાંથી કંઇ ખરીદી કરી છે?' વિભાકરે અચાનક પૂછ્યું એટલે હરિવલ્લભદાસ ગૂંચવાયા. 'ત્યાં બજારમાં ફર્યા તો બધી દુકાનોમાં માળાઓ, ગંગાજળની લોટી ને ધાર્મિક સાહિત્ય જ વધારે દેખાતું હતું. બાકી તો બધું અહીંયા મળે છે એવું જ હતું.' એમણે સહજે અટકીને ખુલાસો કર્યો.

'એ લોકો રોજ ચર્ચા કરે છે કે દાદા શું લાવશે?' વિભાકરે જવાબ આપ્યો અને ભીખાજીને સૂચના આપી કે શિવરંજની ચાર રસ્તાથી આગળ જે શોપિંગ મોલ આવે છે ત્યાં કાર ઊભી રાખજે.

શોપિંગ મોલના પાર્કિંગમાં હરિવલ્લભદાસ કારમાં જ બેસી રહ્યા. વિભાકર ઝડપતી નીચે ઊતરીને મોલમાં ઘૂસ્યો.

આકાશ અને ભૌમિક છેલ્લા દસેક દિવસથી જોગિંગ માટેનાં નવા શૂઝ ખરીદવાની વાત કરતા હતા. બે દિવસ અગાઉ આકાંક્ષા અને બૈરવી એમની મમ્મીઓ સાથે મેકઅપ બોક્સ માટે માથાકૂટ કરતી હતી એનો વિભાકરને ખ્યાલ હતો.

જિમમાં રોજ આવતા હતા એટલે બંને છોકરાઓના બૂટની સાઇઝ ખબર હતી. આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનાં બૂટ અને એવી જ મોંઘીદાટ બ્રાન્ડનાં બે એકસરખાં મેકઅપ બોક્સ ખરીદીને એ બધું મૂકવા માટે ચાર ડેકોરેટિવ થેલીઓ પણ ખરીદી. કાર્ડ સ્ક્રેચ કરાવ્યાં પછી મોલની ઝભલાંથેલીઓ ત્યાં જ મૂકીને વિભાકરે મોલનાં પ્રાઇસ ટેગ્ઝ પણ દૂર કરાવ્યાં. ચારેય આઇટેમ ડેકોરેટિવ બેગમાં પેક કરાવીને એ દોડતો કાર પાસે આવ્યો.

'બંને હીરાઓ માટે જોગિંગ શૂઝ છે અને દીકરીઓ માટે મેકઅપનો સમાન છે.' વિભાકરે હરિવલ્લભદાસને સમજાવ્યું. 'દિલ્હી એરપોર્ટ પરના ડ્યૂટી ફ્રી શોપમાંથી ખરીદ્યું એમ કહેજો એટલે બચ્ચાંઓ વધુ રાજી થશે.'

હરિવલ્લભદાસનું મગજ ચકરાઇ ગયું હતું. બાળકો પાસે દાદાનું માન વધે એ માટે દોડાદોડી કરીને એ આ બધું ખરીદી લાવ્યો. સમજદારી અને હોંશિયારી સાથેનો આ વ્યવહારકુશળ વિભાકર સાચો કે થોડી વાર અગાઉ મારી સાથે આદેશાત્મક ટોનમાં વાત કરનાર વિભાકર સાચો? હવે એ સુખદ આશ્ચર્યથી એની સામે તાકી રહ્યા હતા.

'તમે ડ્રોઇંગરૂમમાં સોફા ઉપર બેસશો કે તરત બાળકો તમને ઘેરી વળશે. આમ તો ઘરમાં કશાયની ખોટ નથી એ છતાં, બહારગામથી દાદા આવે ત્યારે બાળકોને આશા હોય છે. પ્રવાસમાં હતા ત્યારે પણ એ અમને યાદ કરતા હતા એવી લાગણી એમને થાય એ બહુ મોટી વાત છે.'

કાનની બુટ પકડીને હરિવલ્લભદાસે વિભાકર સામે મોં મલકાવ્યું. એની આ સમજદારીની સામે અગાઉની તોછડાઇની વાત એમણે મગજમાંથી ભૂંસી નાખી.

બંગલામાં પહોંચ્યા પછી હરિવલ્લભદાસ સોફામાં બેઠા. ભીખાજી કારમાંથી સામાન અંદર લાવતો હતો. આદિત્ય, ભાસ્કર, અલકા અને ભાવિકાની સાથે કાશીબા અને ગોરધન મહારાજ પણ એમની વાતો સાંભળવા ઊભાં હતાં. ચારેય બાળકો દાદાના પગ પાસે નીચે બેસીને સમૂસ્વરમાં પૂછતાં હતાં કે દાદૂ, અમારા માટે શું લાવ્યા? એ જોઇને હરિવલ્લભદાસે આભારવશ નજરે વિભાકર સામે જોયું.

'ત્યાં યાત્રાધામમાં નજર ફેરવીને તપાસ કરેલી, પણ તમારા કામનું ત્યાં કઇ નહોતું.' એ ચારેયની સામે જોઇને એમણે કહ્યું. 'છેલ્લે, દિલ્હી એરપોર્ટ પર વહેલા પહોંચી ગયેલા એટલે બધી ઇન્ટરનેશનલ દુકાનો જોઇ. એમાંથી આ આઇટમો તમને ગમશે એમ માનીને ખરીદી.' એમણે ઇશારો કર્યો એટલે વિભાકરે પેલી ડેકોરેટિવ બેગ્ઝ ચારેયના હાથમાં પકડાવી દીધી.

'વાઉ! ગ્રાન્ડપા, યુ આર ગ્રેટ!' બંને છોકરીઓ રાજી રાજી થઇ ગઇ અને ગર્વથી એમની મમ્મીઓને બતાવવા લાગી. આકાશ અને ભૌમિક પણ ખુશ હતા.

'તમારા બધા માટે પણ કંઇક છે, પણ એ બધું બેગ ખૂલશે પછી આપીશ.' અલકા, ભાવિકા અને કાશીબા સામે જોઇને હરિવલ્લભદાસે કહ્યું.
***


બધા સાથે જમ્યા. જમતી વખતે જીવણલાલ, હિંમતભાઇ અને દિનુભાઇની કોમેડી ઘટનાઓ કહીને હરિવલ્લભદાસે બધાને હસાવ્યા. 'શાલુદીદીનો ફોન હતો મેં એમને કહ્યું કે પપ્પાજી રાત્રે આવી જવાના છે.' અલકાએ માહિતી આપી. 'એ કાલે સવારે આવવાનાં છે.' એણે આવું કહ્યું કે તરત હરિવલ્લભદાસ અને વિભાકરે એકબીજાની સામે જોયું.

સવારે નવ વાગ્યે નાસ્તાનો કાર્યક્રમ ચાલતો હતો ત્યારે શાલિની આવી ગઇ. એ સીધી હરિવલ્લભદાસના રૂમમાં પ્રવેશી કે તરત હરિવલ્લભદાસે વિભાકરનો નંબર જોડ્યો. 'આવી જા.' માત્ર એટલો સંદેશો જ એમણે ધીમેથી આપ્યો એટલે શાલિનીને એનો ખ્યાલ ના આવ્યો.

હરિવલ્લભદાસ પલંગમાં ગોળ તકિયાનો ટેકો દઇને બેઠા હતા. શાલિની એમની સામે સોફામાં બેઠી એ જ વખતે વિભાકર આવીને હરિવલ્લભદાસની પાસે બેસી ગયો. એનું આગામન શાલિનીને ગમ્યું નહીં. એ છતાં, શરમ છોડીને એણે પપ્પાની સામે જોયું. 'આ વિભો આમારા સુખી સંસારમાં આગ ચાંપે છે.' વિભાકર સામે આંગળી ચીંધીને શાલિનીએ તીણા અવાજે ફરિયાદ કરી. બારણું ખુલ્લું હતું અને બધાએ શાલિનીને અંદર જતાં જોઇ હતી. એનો અવાજ સાંભળીને આદિત્ય, ભાસ્કર, અલકા અને ભાવિકા પણ ત્યાં આવી ગયાં. એ બધાને જોઇને શાલિનીએ ઝનૂનથી ફરિયાદનું પુનરાવર્તન કર્યું. 'સુભાષ ધંધાની લાઇન બદલવા માગતો હતો.

એમાં વિભાએ આડખીલી ઊભી કરીને ફાયનાન્સ અટકાવી દીધું.' વારાફરતી બધાની સામે જોઇને એણે કહ્યું. 'એને લીધે સુભાષે મારી સાથે ઝઘડો કર્યો. કહે કે તારા સાવકા ભાઇથી આપણું સુખ ખમાતું નથી.'

'એક મિનિટ.' વિભાકરે ઊભા થઇને શાલિની સામે જોયું. 'એ માણસ તને છેતરે છે. શેઠ હરિવલ્લભદાસનો જમાઇ શરાફ પાસેથી વ્યાજે પૈસા લઇને પ્રોમિસરી નોટ આપે એ સારી વાત છે? મંજુબાના તેરમાના દિવસે સુભાષકુમારને સાથે લઇ જઇને શરાફ પાસેથી એમણે લીધેલા બાર લાખ રૂપિયા વત્તા વ્યાજ મેં ચૂકવી આપેલું અને સમજાવેલા કે આ આપણને શોભતું નથી. એ છતાં, એમણે એ જ શરાફ પાસેથી પચીસ લાખ વ્યાજે લીધા. શેના માટે લીધેલા એનું ભાન છે તને? બીજા ત્રણેક ભાગીદારો સાથે સુભાષકુમાર ભીલાડમાં દવાની ફેક્ટરી લીઝ પર લેવાના હતા. ત્યાં મેન્ડ્રેક્સ જેવી નશીલી ડ્રગ્ઝ બનાવીને વાયા બ્રાઝિલ એ માલ અમેરિકામાં વેચવાનો એમનો પ્લાન હતો! પેલા પાર્ટનરો તો પરદા પાછળ રહેવાના હતા. ફેક્ટરી સુભાષકુમારના નામે લીઝ પર લેવાની હતી. એ રેકેટ પકડાય ત્યારે આરોપી નંબર વન તરીકે છાપાંમાં સુભાષકુમારનું નામ આવે. એની ગંભીરતા સમજાય છે તને?'

બધા સ્તબ્ધ બનીને સાંભળતા હતા. એ બધા ઉપર નજર ફેરવીને વિભાકરે શાલિની સામે જોયું. 'તારો પતિદેવ કોઇનું ખૂન કરીને આવે તો એને નિર્દોષ છોડાવવાની આ તારા સાવકા ભાઇમાં તાકાત છે, પરંતુ નાર્કોટિક્સના ગુનામાં એ પુરાવા સાથે પકડાય તો એને છોડાવવા માટે તો પપ્પાનો પનો પણ ટૂંકો પડે એ ખબર છે તને? એ પચીસ લાખ મેં શરાફને ચૂકવી આપ્યા અને એ દિવસે એ ભીલાડ જવાની તૈયારી કરતા હતા ત્યારે એમની બેગમાંથી સરકાવી લીધેલા.'

સહજે અટકીને એણે હરિવલ્લભદાસ સામે જોયું. 'આ કુટુંબનો જમાઇ ડ્રગ્ઝ માફિયા તરીકે જેલમાં ના જાય એ માટે મેં આ કારસ્તાન કર્યું, એ માટે મને ગુનેગાર માનવાનો?'

શાલિનીનો ચહેરો કાળો ધબ થઇ ગયો. વિભાકરે એને કહ્યું. 'આ કુટુંબમાં જમાઇની આબરૂ અકબંધ રહે એ માટે આ પચીસ લાખની વાત મેં કોઇને કહી પણ નહોતી. આજે તું ફરિયાદ કરવા આવી એટલે નાછૂટકે કહેવું પડ્યું.'

બે હાથ વચ્ચે માથું નાખીને શાલિનીએ રડવાનું શરૂ કર્યું એટલે અલકા અને ભાવિકાએ એને સંભાળી લીધી.

'તારી પાસે મોબાઇલ તો હોય છે ને?' હરિવલ્લભદાસે દીકરીને રસ્તો બતાવ્યો. 'સુભાષકુમાર ઝઘડાની શરૂઆત કરે કે તરત તારે એમને ધમકી આપવાની કે હું વિભાને બોલાવું છું. મોબાઇલ હાથમાં લઇને તું આવું કહીશ એ પછી એ ઝઘડવાની હિંમત નહીં કરે.' એમણે આંખોથી જ અલકાને આદેશ આપ્યો કે એને બહાર લઇ જાવ. અલકા અને ભાવિકા નણંદને સમજાવીને એમના ઓરડામાં લઇ ગઇ.

'આજે ઘેર આરામ કરીશ. ઓફિસે નથી આવતો.' ત્રણેય પુત્રો સામે જોઇને હરિવલ્લભદાસે કહ્યું.

'સોલિસિટર ત્રિવેદીનો ફોન હતો.' વિભાકરે માહિતી આપી.

'એક કામ કર. એમને ધક્કો ખવડાવવાની જરૂર નથી. તું ફોન ઉપર ડ્રાફ્ટની વિગત સમજી લે. એન પછી ફાઇનલ કરવાનું હશે ત્યારે એમને બોલાવીશું.'

'જી' વિભાકરે હકારમાં માથું હલાવ્યું અને ઓરડાની બહાર નીકળી ગયો.
***


'અલ્યા, હરિદ્વારથી પાછા આવ્યા એને પાંચ દિવસ થઇ ગયા ને તમે બંગલે ડોકાવાય નથી આવ્યા?' હરિવલ્લભદાસે ચાર વાગ્યે હિંમતભાઇને ફોન કર્યો. 'પેલા બંનેને લઇને છ વાગ્યે આવી જા.' ઓફિસમાંથી એ ફોન કરતા હતા ત્યારે વિભાકર સામે બેઠો હતો.

'તારો પતિદેવ કોઇનું ખૂન કરીને આવે તો એને નિર્દોષ છોડાવવાની આ તારા સાવકા ભાઇમાં તાકાત છે, પરંતુ નાર્કોટિક્સના ગુનામાં એ પુરાવા સાથે પકડાય તો એને છોડાવવા માટે તો પપ્પાનો પનો પણ ટૂંકો પડે એ ખબર છે તને? એ પચીસ લાખ મેં શરાફને ચૂકવી આપ્યા અને એ દિવસે એ ભીલાડ જવાની તૈયારી કરતા હતા ત્યારે એમની બેગમાંથી સરકાવી લીધેલા.'

સાડા છ વાગ્યે હરિવલ્લભદાસના રૂમમાં ચારેય વૃદ્ધો પ્રવાસની યાદો વાગોળી રહ્યા હતા. વિભાકરે ત્યાં આવીને અર્ધો કલાક વાતો સાંભળી. રાત્રે દસ વાગ્યે ત્રણેય મિત્રોએ વિદાય લીધી.

સવારે સાત વાગ્યે રસોડામાં ગોરધન મહારાજ બાળકોનાં લંચ બોક્સ માટેનો નાસ્તો બનાવવામાં વ્યસ્ત હતો.

રોજની જેમ હરિવલ્લભદાસ માટે ત્રણ કપ સ્પેશિયલ ચા બનાવીને કાશીબાએ કીટલીમાં ભરી. ટ્રેમાં કપ-રકાબી અને કીટલી મૂકીને એ હરિવલ્લભદાસના ઓરડામાં ગયા.

અંદરનું દૃશ્ય જોઇને એ ધ્રૂજી ઊઠ્યાં. હાથમાંથી ટ્રે નીચે બપડી ગઇ. કાચની કીટલી અને કપ- રકાબી ફૂટવાનો અવાજ એમની ચીસના અવાજમાં દબાઇ ગયો. માત્ર આ રૂમની દીવાલો નહીં પણ આખો બંગલો ધ્રૂજી ઊઠે એવી ચીસ પાડીને એ ભોંય પર ફસડાઇ પડ્યાં. એમની ભયાનક ચીસ સાંભળીને વિભાકર, આદિત્ય, ભાસ્કર, અલકા અને ભાવિકા ધડધડાટ દોડી આવ્યાં. અંદરનું દૃશ્ય જોઇને બધાં થીજી ગયાં. બધાના પગ જ્યાં હતા ત્યાં જ થંભી ગયા અને જાણે શ્વાસ પણ અટકી ગયા.

પલંગની ડાબી તરફ હરિવલ્લભદાસ ચત્તાપાટ પડ્યા હતા. એમના જમણા હાથથી એકાદ ઈંચ દૂર એમની રિવોલ્વર પડી હતી. જમણા કાન પાસે લમણામાં નાનું કાણું હતું. ત્યાંથી નીકળેલું લોહી થીજીને કાળું પડી ગયું હતું. ડાબા કાન પાસેથી બહાર નીકળી આવેલા માંસના લોચા પર માખીઓ બણબણતી હતી. ઉઘાડી રહી ગયેલી આંખોને લીધે લાશનો ચહેરો ભયાનક દેખાતો હતો.
(ક્રમશઃ)
[email protected]

X
article mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી