Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-1

અધિનાયક

  • પ્રકાશન તારીખ14 Jul 2018
  •  

પ્રકરણઃ1

‘ગોરધન, હવે રોટલી ના લાવતો. બે ચમચી જેટલો ભાત અને ગરમ દાળ લાવ..’ રસોડા તરફ ગરદન ઘુમાવીને હરિવલ્લભદાસે મહારાજને આદેશ આપ્યો. અવાજમાં આદેશના રણકાની સાથે હેત અને લાગણી ઉમેરીને વાત કરવાની શેઠ હરિવલ્લભદાસ પાસે જન્મજાત હતી. એને લીધે અત્યારે સિત્તેર વર્ષની ઉંમરે પણ પોતાના આખા પરિવાર ઉપર શાસન કરવામાં એમને કોઈ તકલીફ નહોતી પડતી.

રાત્રે સાડા નવ વાગ્યે સેટેલાઇટ રોડ ઉપર ધમધમતો ટ્રાફિક હતો. હરિવલ્લભદાસનો બંગલો હતો તો રોડ ઉપર જ, એ છતાં પસાર થતા વાહનોનો અવાજ બંગલા સુધી પહોંચતો નહોતો. આઠ હજાર વારના જબરદસ્ત પ્લોટમાં બંગલો તો છેક પાછળના ભાગમાં હતો. રોડ ઉપરથી પસાર થતાં રાહદારીને તો બંગલાનું ભવ્ય પ્રવેશદ્વાર અને એ પછી લીલાંછમ વૃક્ષ જ જોવા મળે. ગેટના પિલર ઉપર ગ્રેનાઇટની તકતીમાં દેવનાગરી લિપિમાં બંગલાનું નામ ‘હરિવલ્લભ’ સોનેરી અક્ષરોમાં કોતરેલું હતું.

હરિવલ્લભદાસની ઉંમર તો એ સમયે માંડ પાંચેક વર્ષની હશે. એમના પિતાજીએ એક માત્ર સંતાનના નામ પરથી બંગલાનું નામ રાખેલું.

સિક્યોરિટી ગાર્ડની નાનકડી કેબિન ગેટની અંદરની તરફ હતી. સતત પસાર થતાં વાહનોની હેડલાઇટસ્ ઉપરાંત એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇટ્સને લીધે આખો રોડ ઝળહળતો હતો. ગાર્ડની કેબિન પાસે ઝાંખો પ્રકાશ હતો. બહાર ગ્રેનાઇટની તકતી પાસે પ્રકાશનું આયોજન એ રીતે કરેલું હતું કે ‘હરિવલ્લભ’ નામ ચમકતું દેખાય.

લગભગ પાંસઠ વર્ષ અગાઉ હરિવલ્લભદાસના પિતાજીએ જાત દેખરેખ હેઠળ આ બંગલાનું બાંધકામ કરાવેલું. હરિવલ્લભદાસની ઉંમર તો એ સમયે માંડ પાંચેક વર્ષની હશે. એમના પિતાજીએ એક માત્ર સંતાનના નામ પરથી બંગલાનું નામ રાખેલું.

બંગલાની અંદર દોઢસો માણસોની મિટીંગ થઈ શકે એવો આલિશાન ડ્રોઈંગરૂમ હતો. એ રૂમ અને રસોડાની વચ્ચેની જગ્યામાં વિશાળ ડાઈનિંગ ટેબલ ગોઠવાયેલું હતું. એક સાથે ચોવીસ વ્યક્તિઓ સાથે બેસીને જમી શકે એવું સીસમનું આ ડાઈનિંગ ટેબલ પણ બંગલો બન્યો ત્યારે જ બનાવડાવવામાં આવેલું. કાળા સીસમના ટેબલના ચારેય ખૂણા પર સળંગ કિનારી પર હાથીદાંતનું કોતરકામ ખૂબ ઝીણવટથી કરવામાં આવેલું. બંગલામાં મહેમાનો આવે ત્યારે ચોવીસેય ખુરસી ગોઠવવામાં આવતી. બાકી, દસેક ખુરસીઓ જ કાયમ રહેતી હતી.

અત્યારે તો શેઠ હરિવલ્લભદાસ એકલા જ જમવા બેઠા હતા. રસોઈયો ગોરધન એમની સેવામાં ખડે પગે ઊભો હતો. ગોરધન દસેક વર્ષનો હતો ત્યારથી આ બંગલામાં કામ કરતો હતો. એના બાપાની આંગળી પકડીને એ પચીસેક વર્ષ અગાઉ રાજસ્થાનથી અહીં આવેલો. એના બાપા શેઠની ન્યૂ ક્લોથ માર્કેટની પેઢીમાં રસોડું સંભાળતા હતા. એ સમયે ન્યૂ ક્લોથ માર્કેટની જાહોજલાલીનો હતો. બે ટેક્સ્ટાઇલ મિલની શેઠ પાસે એજન્સી હતી. પેઢીમાં દરરોજ પંદર-વીસ માણસોની રસોઈ બનતી. બીજાં રાજ્યોમાંથી ખરીદી માટે આવતા વેપારીઓ માટે ત્યાં જ જમવાની વ્યવસ્થા હતી.

ગોરધન દાળ અને ભાત લઈને આવ્યો. શેઠની થાળીમાં ભાત પીરસીને એણે રોજના નિયમ મુજબ થાળીમાં ભાત પીરસીને ત્રણેક ચમચી ઘી રેડ્યું અને એ પછી દાળની વાડકી ટેબલ પર મૂકી. પોતાનું કામ પતાવીને એ અદબ વાળીને શેઠની સામે ઊભો રહ્યો.

‘હોસ્પિટલમાં બધા જમીને ગયા છે કે તેં ટિફીન મોકલાવ્યું?’ ભાતમાં દાળ રેડ્યા પછી હરિવલ્લભદાસે ગોરધનને પૂછ્યું.

‘બચ્ચાંપાર્ટી આઠ વાગે જમીને દવાખાને ગઈ એટલે ચારેય મોટા માટે એ લોકોની સાથે જ ટિફીન મોકલાવી દીધું.’ આટલી માહિતી આપીને એણે પૂછ્યું. ‘આપ હવે દવાખાને જશો?’

‘એ મારી સાવકી મા છે, એ છતાં મને બીજા ભાઈઓ જેટલી જ લાગણી છે એમના ઉપર. મારે મન તો એ સગી માથીયે વિશેષ છે.’

‘દસેક મિનિટમાં હું નીકળીશ.’ ગોરધને જવાબ આપીને હરિવલ્લભદાસે હળવેથી ગરદન ઘુમાવી ડ્રોઈંગરૂમ તરફ નજર કરી. ટીવીનો અવાજ સાવ ધીમો રાખીને વિભાકર આરામથી સોફા ઉપર બેઠો હતો. પચાસ વર્ષના વિભાકરનું શરીર ખડતલ હતું. ગોરો રંગ, ટૂંકા ક્રૂકટ વાળ, પાણીદાર આંખો અને વિશાળ ખભા. પહેલી નજરે એની સાચી ઉંમરનું અનુમાન ના થઈ શકે એ રીતે એણે શરીરની કાળજી રાખી હતી. ધાર્મિકતાપૂર્વક દરરોજ બે કલાક એ જિમમાં પસાર કરતો હતો. વાદળી જિન્સ અને અર્ધી બાંયના આસમાની ટીશર્ટમાં એનું સ્નાયુબદ્ધ શરીર પ્રતિભાશાળી દેખાતું હતું.

હરિવલ્લભદાસે એ તરફ નજર કરી એટલે ગોરધનના હૃદયના ધબકારા વધી ગયા. મોટા દીકરા સામે શેઠ અત્યારે તલવાર ના ખેંચે તો સારું... એ મનોમન પ્રાર્થના કરતો હતો. શેઠ એમના મોટા પુત્ર તરફ ઉદાસી ભરેલી નજરે તાકી રહ્યા હતા. સામા પક્ષે વિભાકર પર કોઈ અસર નહોતી. બીજા કોઈનીયે પરવા ન હોય એ રીતે એ ટીવી પર આવતી ક્રિકેટ મેચ જોવામાં તલ્લીન હતો. રમત-ગમતનો શોખ હતો એટલે આઇ.પી.એલ.ની છેલ્લી નિર્ણાયક મેચોમાં એને વધુ રસ હોય એ સ્વાભાવિક હતું.

મોટા દીકરા તરફથી શેઠનું ધ્યાન હટે એ માટે ગોરધને પોતાની બુદ્ધિ વાપરી. ફ્રીઝમાંથી કાચનો બાઉલ લઈને એ શેઠ પાસે આવ્યો. રત્નાગીરી હાફૂસના ટૂકડાઓ ભરેલો બાઉલ એમની પાસે મૂકીને એ સામે ઊભો રહ્યો.

‘ગોરધન, આવી ભૂલ કેમ કરી?’ મોટા પુત્ર ઉપરથી નજર હટાવીને શેઠે ગોરધનને પૂછ્યું. ‘રાત્રે હું ક્યારેય કેરી નથી ખાતો, એ તું ભૂલી ગયો?’ એમણે હસીને ઉમેર્યું, ‘કોઈ પણ ફળ રાત્રે ક્યારેય ન ખવાય સમજ્યો?’

‘અરે ગ્રેટ ગોરધનલાલ, એ બાઉલ મને આપી દો, મારે ચાલશે...’ વિભાકરે સોફા ઉપર બેસીને જ બૂમ પાડી. શેઠ અને વિભાકરે એકબીજાની સામે જોયું. વિભાકર ટીવી પર ક્રિકેટ મેચ જોઈ રહ્યો છે એ છતાં અહીંની દરેક વાતનું એ ધ્યાન રાખી રહ્યો છે એનો એ બંનેને ખ્યાલ આવ્યો.

‘જા. વિભા શેઠને બાઉલ આપી આવ અને મને થોડોક આઇસક્રીમ આપી દે.’ શેઠે સૂચના આપી એટલે ગોરધને પગ ઉપાડ્યા. છરી-કાંટાના સ્ટેન્ડમાંથી કાંટો લઈને એણે બાઉલમાં મૂક્યો અને વિભાકરને આપી આવ્યો. નાના બાઉલમાં શેઠને આઇસક્રીમ આપ્યો.

આઇસક્રીમ લઈને હરિવલ્લભદાસ ઊભા થયા. હાથમાં બાઉલ પકડીને એ સોફા પાસે ગયા અને વિભાકરની બાજુમાં ગોઠવાયા.

વિભાકરની નજર હજુય ટીવીના સ્ક્રીનની સામે જ હતી. પપ્પાજી જોડે આવીને બેઠા છે એનો ખ્યાલ હોવા છતાંય ટીવી સામે નજર રાખીને એણે કેરી ખાવાનું ચાલું રાખ્યું.

હરિવલ્લભદાસે પુત્રની સામે જોયું. ‘આ આખું સટોડિયાઓનું તિકડમ છે...’ એ ધીમેથી બબડ્યા. ‘સટ્ટો અને જુગાર રમવા ને રમાડવા માટે આ તોતિંગ ડીંડવાણું ઊભું કરવામાં આવ્યું છે.’ એમણે પૂછ્યું, ‘તોય તારા જેવા ખેલાડી માણસ એ જોવામાં સમય બગાડે એ કેવું? તને એ લોકોની ગેઇમનો ખ્યાલ નથી?’ પપ્પાને પૂછવું છે કંઈક જુદું પણ એ વાત ઉપર આવવા માટેની એ પૂર્વભૂમિકા બાંધી રહ્યા છે એનો વિભાકરને ખ્યાલ હતો.

‘કોઈક ગેઇમ કરતું હોય એ સાક્ષીભાવે જોવાની મને મઝા આવે છે.’ વિભાકરે હસીને પપ્પા સામે જોયું. ‘હું સટ્ટો રમતો નથી એ તો તમને ખબર છે. એ લોકો કઈ રીતે પ્યાદાં ગોઠવીને એક પછી એક ગેઇમને ઇન્ટરેસ્ટિંગ બનાવે છે, એ જોવામાં મઝા પડે છે. જસ્ટ ટાઇમપાસ નહીં, પણ કેઇસ સ્ટડીની જેમ ઓબ્ઝર્વ કરું છું.’ સ્ક્રીન સામે આંગળી ચીંધીને એણે બતાવ્યું. ‘આ લંબૂએ આ ઓવરમાં એક છક્કો અને એક ચોગ્ગો મારીને બે બોલમાં દસ બનાવ્યા. હવે જોજો. એકાદ બોલ ખાલી જશે અને એ પછી એ ચોગ્ગો કે છક્કો મારવા જશે અને આઉટ થઈ જશે.. જોયા.. કરો..’

બીજો બોલ ખાલી ગયો. પછીના બોલે લંબૂ બેટ્સમેને પૂરી તાકાતથી ફટકો માર્યો. બોલ ખસ્સો ઊંચે ગયો અને બાઉન્ડ્રી પરના ફિલ્ડરે અદભુત કુશળતાથી કેચ ઝડપી લીધો!

પિતા આદરભાવથી પુત્ર સામે તાકી રહ્યા. ‘સારું છે કે તું સટ્ટો નથી રમતો.’ એમણે પુત્રના ખભે હાથ મૂક્યો. ‘નહીં તો બધા બુકીઓનું સત્યાનાશ કાઢી નાખતો!’

વિભાકર હસી પડ્યો. ‘મેં કહ્યું ને? સાક્ષીભાવે ખેલાડીઓની ગેઇમ જોવામાં જલસો પડે છે.’ પિતાની આંખમાં આંખ પરોવીને એણે હળવેથી ઉમેર્યું. ‘મેદાનમાં રમાતી રમત તો ઠીક છે, બાકી મેદાન વગર મરણિયા બનેલા માણસોનો મુકાબલો ચાલતો હોય ત્યારે ચૂપચાપ બધાની ચાલબાજી જોવાની મજા આવે છે.’

‘મેદાનમાં રમાતી રમત તો ઠીક છે, બાકી મેદાન વગર મરણિયા બનેલા માણસોનો મુકાબલો ચાલતો હોય ત્યારે ચૂપચાપ બધાની ચાલબાજી જોવાની મજા આવે છે.’

વિભાકર આવી સિક્સર ફટરકારશે એવી હરિવલ્લભદાસની ધારણા નહોતી. અલબત, એ પણ વિભાકરના બાપ હતા એટલે કચકચાવીને બોલિંગ કરતા હોય એમ એમણે સીધો સવાલ પૂછ્યો, ‘વિભા, ડોન્ટ ગેટ મી રોંગ. માત્ર એક જવાબ આપ. ચાર દિવસથી ઘરના બધા રાત-દિવસ હોસ્પિટલમાં દોડાદોડી કરે છે. હૈયે હાથ મૂકીને સાચો જવાબ આપ. આ ચાર દિવસમાં તું કેટલી વાર હોસ્પિટલ ગયો?’

‘મમ્મીને ઍક્સિડન્ટ થયો એ સમાચાર મળ્યા કે વીસ જ મિનિટમાં હું હોસ્પિટલ પહોંચી ગયેલો. સવારે દસ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી પાણી પણ પીધા વગર ત્યાં રોકાયેલો.’ અવાજમાં પારદર્શક નિખાલસતા સાથે એણે પપ્પા સામે જોયું.’ જો મમ્મી બચી જતી હોય તો હું મારો જીવ આપવા પણ તૈયાર છું. એ વાત કહીને ત્યાંના ડૉક્ટરો સાથે ચર્ચા કરેલી.’ પારાવાર નિરાશા સાથે એણે ડોકું ધુણાવ્યું.

‘મારાથી નાના બંને ભાઈઓ, ભાભીઓ અને એમનાં સંતાનો સતત ત્યાં હાજર છે, એ જાણું છું. બહેન અને બનેવી પણ દોડાદોડી કરી રહ્યાં છે. કોઈક ચમત્કારની આશાએ એ બધા આઈ.સી.યુ.નાં બારણાં સામે તાકીને બેઠાં છે.’

લગીર અટકીને એણે બાપના હાથ પોતાના હાથમાં જકડી લીધા. આંખમાં ઝળઝળિયાં સાથે ભીના અવાજે ખુલાસો કર્યો. ‘એ મારી સાવકી મા છે, એ છતાં મને બીજા ભાઈઓ જેટલી જ લાગણી છે એમના ઉપર. મારે મન તો એ સગી માથીયે વિશેષ છે. માટે પ્લીઝ, સાવકી મા છે એટલે હોસ્પિટલ નથી જતો એવી લગીર પણ શંકા ના રાખતા..’ બાપાની સામે જોઈને દીકરાએ ઉમેર્યું. ‘હોસ્પિટલ જવાની ઈચ્છા નથી થતી એનું કારણ સાવ અલગ છે.. લિસન...’
(ક્રમશઃ)

mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP