રિવોલ્વરની બુલેટ ગીતાની છાતીને સ્પર્શે એ અગાઉ વીજળીની ઝડપે વિભાકરે પોતાનો જમણો હાથ ગીતાની છાતી આડો ધરી દીધો.

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Oct 11, 2018, 12:05 AM IST

પ્રકરણઃ90
વિજુભાનો
ફોન આવ્યો એટલે વિભાકરે કારને રોડની છેક સાઇડમાં ઊભી રાખી દીધી હતી. સ્પીકર ફોનમાંથી આવતો અવાજ વિભાકર અને ગીતા ધ્યાનથી સાંભળતાં હતાં. 'શેઠિયા, ચાલીસ કરોડમાં મારે કંઈ ગણવાપણું નથીને? એમાં કોઇ ગરબડ નથીને?' એડ્રેસ સમજાવવાને બદલે વિજુભાએ પૈસાની ચોકસાઇ માટે પૂછ્યું.

'વિજુભા, મારી બે જુવાન ભત્રીજીઓની જિંદગી તમારા હાથમાં હોય ત્યારે મારાથી કોઇ ચાલબાજી ના થઇ શકે. તમે કહેલું એ મુજબ બે હજારની નોટનાં જ બંડલ છે. કુલ બે હજાર પેકેટ મેં જાતે ગણીને સૂટકેસમાં મૂક્યાં છે. પાંસઠ હજાર રૂપિયાની તો મેઇડ ઇન ઇંગ્લેન્ડની સૂટકેસ છે.'

'અત્યારે ક્યાં પહોંચ્યા?' વિજુભાની અધીરાઇ વધી ગઈ હતી.

'મહેસાણા ક્રોસ કરીને ઊંઝા પાસે છીએ.'

'ઓ.કે. વિજુભાના અવાજનો રણકો બદલાયો. 'તારી ભત્રીજીઓએ અમારા બધાના થોબડાં જોઇ લીધેલાં છે. આજે તું પૈસા આપીને છોડાવી જાય એ પછી કાલે પોલીસ ફરિયાદનું કોઇ પ્લાનિંગ મગજમાં નથીને?' વિજુભાએ ધમકી આપી. 'હું તો આમેય તડીપાર છું એટલે પોલીસની મને કોઇ પરવા નથી. ભૂલેચૂકેય પોલીસ ફરિયાદનું વિચારતો હોય તો એ આઇડિયા દિમાગમાંથી ભૂંસી નાખજે. તારા ભલા માટે સલાહ આપું છું. ભરી બંદૂકે તારા બંગલામાં આવીને દોઢસો બસો રાઉન્ડ ફાયરિંગ કરીને લાશોના ઢગલા ખડકી નાખીશ! માર કમાન છટકે એ પછી મને રોકવાની કોઇની તાકાત નથી એ તો ખબર છેને?'

'વિજુભા, વિશ્વાસ રાખો. એક વાર ભત્રીજીઓ મળી જાય પછી મારે કંઇ કરવાનું નથી. વિજુભા કોણ છે એ પણ હું ભૂલી જઇશ. ધંધાદારી માણસ તરીકે શાંતિથી જીવવાનું છે એટલે આ આખું ચેપ્ટર મગજમાંથી ભૂંસી નાખીશ.'

'બોલેલું પાળીશ તો તને જ ફાયદો થશે. હું તો નાગો માણસ છું. મારે કંઇ ગુમાવવાનું નથી.' મનોમન સમયની ગણતરી કરીને વિજુભા મૂળ વાત પર આવ્યો. 'એડ્રેસ સમજી લે. આબુ રોડથી માઉન્ટ આબુના રોડ ઉપર એકાદ કિલોમીટર આવીશ ત્યાં ડાબી બાજુ મધુવન હોટલ દેખાશે. એ હોટલથી સહેજ આગળ ડાબી બાજુ કાચો રસ્તો આવશે. તારી કારને એ રસ્તે વાળજે. પાંચ મિનિટ પછી જમણી બાજુ એક તળાવ દેખાશે. એ તળાવના કાંઠે એક મંદિર છે. ખંડેર જેવા એ મંદિરના ઓટલે તારી રાહ જોઇને હું ઊભો રહીશ. છેલ્લી ઘડીએ પણ તને કુબુદ્ધિ સૂઝે તો પહોંચી વળવા માટે મારા ચાર પઠ્ઠા આજુબાજુની ઝાડીમાં લપાઇને ઊભા હશે. મારી વાન પણ ત્યાં ઊભી હશે. રૂપિયાની બેગ તું વાનમાં મૂકીશ એ પછી પાંચ જ મિનિટમાં તારી ભત્રીજીઓ આઝાદ થઇ જશે.'

'એ સમયે એ તમારી પાસે નહીં ઊભી હોય?' ફિલ્મો અને સિરિયલમાં જોયેલું યાદ કરીને વિભાકરે પૂછ્યું.

'ના.' વિજુભાએ ચોખ્ખી ના પાડીને ઉમેર્યું. 'કિલ્લા જેવી જગ્યાએ એ સલામત છે. તું પૈસા આપીશ એટલે મારા માણસો એ બંનેને વધુ સલામત જગ્યાએ મૂકી દેશે. હું તને એ જગ્યાનું નામ આપીશ.'

સહેજ અટકીને એણે અંતિમ આદેશ આપ્યો. 'હવે હું ફોન નહીં કરું. રાત્રે શાર્પ સાડા આઠ વાગ્યે આવી જજે. નવ વાગ્યા સુધીનો સમય તારો. એ પછી મારી કોઇ જવાબદારી નહીં. સાડા આઠ વાગ્યે.'

વિભાકર સાથેની વાત પૂરી કરીને વિજુભાએ ખડખડટ હસીને બંને સાળાઓના બરડામાં ધબ્ભો માર્યો. 'મારી સાથે છ પઠ્ઠા છે... વારંવાર આ વાતનો હથોડો એના માથમાં ઝીંકીને એને ફફડાવી દીધો છે. અહીં તો હું, બાવો ને મંગળદાસની જેમ આપણે ત્રણ જ છીએ પણ એને ઠસાવી દીધું છે કે સાત માણસની ટીમ છે.'

એ ત્રણેય ફાર્મ હાઉસના ઓટલા પર ખુરસીઓ નાખીને બેઠા હતા. ચાલીસ કરોડ હાથમાં આવવાના હતા એનો ઉન્માદ વિજુભાના મગજ પર છવાયેલો હતો પણ સાથોસાથ એ રાતનું આયોજન વિચારી રહ્યો હતો.

'કનુભા, તમે અહીં આ છોડીઓની સાથે રહેજો. હું અને મનુભા ત્યાં પૈસા લેવા જઇશું. આપણી વાનમાં એ બેગ મૂકે એ ચેક કરીને હું તમને ફોન કરીશ. તમે આ બંનેને આબુરોડની બજારમાં મૂકીને સીધા મધુવન હોટલપાસે આવી જજો. તમે આો કે તરત વાન સ્ટાર્ટ કરીને સીધા બરવાળા ભેગા!'

એના અવાજમાં અહંકારનો રણકો ભળ્યો. 'ધરમની પૂંછડી બનીને જિતુભાબાપુ અને પ્રભાતસિંહે ના પાડી એ એક રીતે સારું થયું. એક ઝાટકે ચાલીસ કરોડની લોટરી મને એકલા લાગી ગઇ.'

બંને સાળાઓના ચહેરા પર તરવરતી લાલસા જોઇને એણે ઉમેર્યું. 'ચિંતા ના કરો. હું નગુણો નથી. તમારી દમદની કરદર કરીશ. હેમખેમ બરવાળા પહોંચી જઇએ એ પછી તમારી ધારણા કરતાંય મોટી રકમ તમને આપીશ.' એણે હસીને ઉમેર્યું. 'તમે બેય પારકા નથી. ઘી ઢળે તોય ખીચડીમાં એમ માનીને માલામાલ કરી દઇશ.'

ખુરસીમાંથી ઊભા થઇને એણે ઓટલા પર ચક્કર માર્યું. ડાબા હાથની મુઠ્ઠી જમણા હાથની હથેળીમાં પછાડીને એ કંઇક વિચારી રહ્યો હતો.

'માતાજીની દયાથી આખું ઓપરેશન હેમખેમ પાર પડશે. એવી શ્રદ્ધા તો છે, એ છતાં કોઇ ચાન્સ નથી લેવો.' વિચારતી વખતે એનું બોલવાનું ચાલુ હતું. 'કનુભા, તમારે અહીંનો મોરચો સંભાળી લેવાનો છે. મનુભા તો મારી જોડે હશે એટલે એમણે કંઇ કરવાની જરૂર નહીં પડે. વાન અને રિવોલ્વર બંને અમારી પાસે હશે એટલે કંઇ આડુંઅવળું બનશે તો પહોંચી વળાશે. તમને પણ કંઇક અજુગતું લાગે તો તરત મને ફોન કરી દેવાનો. આ છોડીયું આમ તો બીકણ બિલાડી જેવી છે. મૂંગી મૂંગી બેસી રહી છે. તમે એમને છોડવા જાવ ત્યારે એ રાજી રાજી હશે એટલે કંઇ ધમાલ નહીં કરે.'

લગીર ચિંતા અને ઉશ્કેરાટ સાથે એણે ઉમેર્યું. 'એ વાંદરાને સાડા આઠ વાગ્યે બોલાવ્યો છે અને નવ વાગ્યા સુધી રાહ જોઇશ એમ કહ્યું છે. સવા નવ સુધીમાં એ નહીં ગુડાય તો મારી કમાન છટકશે. અહીં પાછો આવીને આ બંને વાંદરીઓને ભડાકે દઇશ! આ મારો હુકમ. એમાં કોઇ ફેરફાર નહીં થાય.'

અંદર બારણાને અડીને કાન માંડીને સાંભળતી ભૈરવી ધ્રૂજી ઊઠી. અપહરણ થયું ત્યારેથી વિજુભાને જોઇને એને બીક લાગતી હતી. પહેલીવાર બાથરૂમમાંથી એસ.એમ.એસ. મોકલ્યા પછી સંકટ સમયની સાંકળની જેમ મોબાઇલ સ્વિચ ઓફ કરીને એણે બાથરૂમના માળિયામાં પડેલા ભંગારની વચ્ચે મૂકી દીધો હતો.

થોડું ઘણું ચાર્જિંગ બચ્યું હોય તો અત્યારે મેસેજ મોકલવો જ પડશે એ ગણતરીએ એણે કાળજીપૂર્વક મોબાઇલ નીચે ઉતાર્યો.

રૂમનું બારણું અંદરથી બંધ કરવાનો નકૂચો વિજુભાએ તોડી નાખ્યો હતો કે જેથી રૂમ માત્ર બહારથી જ બંધ કરી શકાય. અંદર રહેનાર વ્યક્તિ બંધ ના કરીશકે. ભૈરવીએ આકાંક્ષાને બારણા પાસે ઊભા રહેવાનું ઇશારાથી સમજાવ્યું અને મોબાઇલ હાથમાં લીધો.

વિભાકાકાને વધુમાં વધુ વિગત, ઓછામાં ઓછા શબ્દોમાં અને ઓછામાં ઓછા સમયમાં, મેસેજથી મોકલવાની હતી. રૂમમાં કોઇ પ્રવેશે એ અગાઉ ઝડપથી આ કામ પતાવવા માટે ભૈરવી મથામણ કરતી હતી. ધડાધડ મેસેજ ટાઇપ કરીને મોકલી દીધા પછી એણે મોબાઇલ પાછો બાથરૂમના માળિયામાં ઘુસાડી દીધો.

પાલનપુર પાસે હાઇવે પર એક હોટલ પાસે વિભાકરે કાર ઊભી રાખી. એની કાર રોકાઇ એટલે ભીખાજીએ પણ બ્રેક મારી. બધાએ સાથે ચા પીધી.

મેસેજનો બીપ.. બીપ... અવાજ આવ્યો એટલે વિભાકરે તરત મોબાઇલમાં જોયું.

'વાહ! બ્રેવો!' ભૈરવીનો મેસેજ વાંચીને વિભાકરે હસીને ગીતા સામે જોયું અને મોબાઇલ એના હાથમાં આપ્યો.

આ ટૂકડીમાં ત્રણ... રિપીટ... માત્ર ત્રણ જ માણસો છે. એકની પાસે જ રિવોલ્વર છે. રિવોલ્વરવાળો લીડર અને બીજો એક પૈસા લેવા આવવાનો છે. એ વખતે ત્રીજો એકલો અમારો વૉચમેન બનીને અહીં રહેશે. સવા નવ સુધીમાં તમે પૈસા નહીં પહોંચાડો તો એ લીડર અમને મારી નાખશે. પ્લીઝ, સેવ અસ.

ભૈરવીનો આ મેસેજ વાંચીને ગીતાના હોઠ મલક્યા. 'છોકરી સ્માર્ટ છે. એ લોકોની વાતો સાંભળીને જરૂર માહિતી મોકલવાની એણે જોરદાર હિંમત કરી.'

'હવે બધો આધાર માવજીભાઇ ઉપર છે.' વિભાકરે કહ્યું. 'જિતુભાએ આપેલી માહિતી સાચી હોય અને વિજુભાએ માવજીભાઇની જ મદદ લીધી હોય તો આપણું કામ સાવ રમત જેવું છે. માવજીભાઇ પિક્ચરમાં ના હોય તો કસરત કરવી પડશે.'

'બધું થઇ પડશે. ગોડ ઇઝ ગ્રેટ!' ગીતાએ આત્મવિશ્વાસથી કહ્યું.

જયંતી અને જયરાજ કારમાં બેઠા એટલે ભીખાજીએ કાર સ્ટાર્ટ કરી.

વિભાકર અને ગીતા કારમાં બેસે એ અગાઉ એક વૃદ્ધ દંપતી એમની સામે હાથ જોડીને ઊભું રહ્યું. સ્ત્રી અંધ હતી. એનો પતિ એને હાથ પકડીને દોરતો હતો. કરચલીવાળા બંનેના ચહેરા પર પારાવાર લાચારી છલકાતી હતી. 'સવારથી કંઇ ખાધું નથી.' વિભાકર સામે હાથ જોડીને વૃદ્ધ બબડ્યો. 'ગરીબનું પેટ ઠારશો તો ભગવાન તમારી જોડી અખંડ રાખશે.'

વિભાકરે ઇશારાથી હોટલના કાઉન્ટર પર બેઠેલા મેનેજરને બોલાવ્યો. દોઢ કરોડની કાર અને વિભાકરનું વ્યક્તિત્વ જોઇને એ તરત ઊભો થઇને આવ્યો. વિભાકરે એના હાથમાં પાંચસોની બે નોટ પકડાવી. 'આમાંથી આ બંનેને જેટલા ટંક જમાડાય એટલું જમાડજો.'

એ વૃદ્ધ દંપતી વારંવાર આશીર્વાદ આપીને ત્યાં બાંકડા પર ગોઠવાઇ ગયું. મેનેજર આશ્ચર્યથી વિભાકર સામે તાકી રહ્યો હતો.

વિભાકરે કાર સ્ટાર્ટ કરી. 'આવા કામ માટે નીકળ્યા હોઇએ, ત્યારે આવા કોઇ ગરીબના આશીર્વાદ બહુ કામમાં આવે.' રસ્તા ઉપર નજર રાખીને એ બોલ્યો.

ગીતા ખિલખિલાટ હસી પડી. વિભાકરે આશ્ચર્યથી એની સામે જોયું. 'હું ઊંધું સમજેલી.' ગીતાએ હસીને કહ્યું. 'મને એમ કે એણે જોડી અખંડ રહે એવા આશીર્વાદ આપ્યા એનાથી ખુશ થઇને તેં હજાર રૂપિયા આપી દીધા!'

'એ પણ ખરું.' વિભાકરે નિખાલસતાથી કહ્યું. તેં જોયુંને? જીવનસાથીની સાચી જરૂર તો આ ઉંમરે જ પડે છે.' ગીતા સામે જોઇને એણે કબૂલાત કરી. 'વહેતા સમયની તારા ઉપર કોઇ અસર જ ના થઇ હોય એવું લાગે છે. વર્ષો અગાઉ પહેલી નજરે ગમી ગયેલી એ લાગણી હજુ એવી ને એવી તાજી છે. પણ અત્યારનો તારો માભો જોઇને પ્રપોઝ કરવાની હિંમત નહોતી ચાલતી. તું ધડ દઇને ના પાડીશ તો? એ બીકથી ગભરાતો હતો.'

ગીતા હસી પડી. 'મજનુસાહેબ! અત્યારે આ મામલો નિપટાવો. હું ક્યાંય ભાગી જવાની નથી. બંને છોકરીઓ મુક્ત થાય એ પછી આપણા બંધનનું વિચારીશું... પ્રોમિસ.'

હવે જાણે હવામાં ઊડતો હોય એમ વિભાકરે કારની ગતિ વધારી. વર્ષોથી અતૃપ્ત ઇચ્છાઓ ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશાએ રુંવાડે રુંવાડે રોમાંચ છલકાતો હતો.

આબુરોડ પહોંચ્યા ત્યારે સાંજના સાત વાગ્યા હતા. હવામાં ગુલાબી ઠંડકની સાથે આછા અંધકારનું આગમન થઇ ચૂક્યું હતું.

'આપણે માવજીભાઇની દુકાને જઇએ.' પોલીસ અધિકારી તરીકે ગીતાએ વ્યૂહરચના વિચારી લીધી હતી. 'ભૈરવીએ મેસેજ મોકલીને આપણી મહેનત બચાવી લીધી છે.'

આબુ રોડની બજારમાં સાંજના સમયે ભીડ હતી. એક પછી એક બંને કાર આરાસુરી પ્રોવિઝન સ્ટોર સામે ઊભી રહી. 'તમે લોકો હમણાં કારમાં જ બેસી રહેજો.' વિભાકરે જયંતીને ફોન પર સૂચના આપી દીધી.

ગીતા અને વિભાકર દુકાનમાં પ્રવેશ્યા અને સીધા જ માવજીભાઇની સામે જઇને ઊભા રહ્યા એટલે એ આશ્ચર્યથી તાકી રહ્યા.

'માવજીકાકા, અમદાવાદથી આવીએ છીએ. ગોધાવીવાળા જિતુભાએ આપનું નામ આપેલું.'

'આવો... આવો...' માવજીભાઇએ તરત કહ્યું. 'જિતુભાના ભાઇ વિજુભા પણ હાલમાં તો અહીં જ છે.'

એ બોલ્યા કે તરત ગીતા અને વિભાકરે એકબીજાની સામે જોયું. માવજીભાઇના ચહેરા પરની સજ્જનતા પારખી લીધા પછી એટલી તો ખાતરી હતી કે વિજુભાએ એમને ઉલ્લુ બનાવ્યા હશે.

'એ અહીં કેમ પધાર્યા છે?' ગીતાએ હળવેથી પૂછ્યું. 'અરે બહેન, એનો જુવાનજોધ સાળો આંધળો થઇ ગયો છે.' માવજીભાઇએ ફાર્મહાઉસ સુધીની આખી કથા વિગતવાર કહી.

'હવે સાંભળો.' વિભાકરે વિજુભાના પરાક્રમની વાત કહીને ગીતા તરફ આંગળી ચીંધી. 'આ મેડમ ડી.સી.પી. છે. ગુનેગારને આશરો આપીને અપહરણના ગુનામાં આમ તો તમે પણ ભાગીદાર બન્યા છો પરંતુ તમને બચાવી લઇશું.'

વિજુભાએ સાડા આઠ વાગ્યે આવવાનું કહેલું એટલે એ ખુદ તો સવા આઠે જ ત્યાં પહોંચી જશે. ધેટ મીન્સ, આઠ વાગ્યે તો એ અને એનો એક સાથીદાર ફાર્મહાઉસ પરથી નીકળી જશે. એ પછી ફાર્મ હાઉસ પર માત્ર એક માણસ હશે અને એની પાસે કોઇ હથિયાર પણ નથી એ બધી બાબતની ચર્ચા કરીને ગીતા અને વિભાકરે પ્લાન બનાવી કાઢ્યો.

વિભાકરે જયંતીને સૂચના આપી કે બેગ લઇને તમે ત્રણેય આ દુકાનમાં આવો.

વિજુભાની અસલિયત જાણીને માવજીભાઇ ડઘાઇ ગયા હતા. એમના ફિક્કા ચહેરા સામે જોઇને વિભાકરે એમના ખભે હાથ મૂકીને ધરપત આપી. 'તમને કંઇ નહીં થાય, વડીલ! બે- ત્રણ ખાલી બારદાન મળશે?'

'જોઇએ એટલા આપું.' એમણે તરત કહ્યું અને તદ્દન નવા જેવા ત્રણ- ચાર કોથળા બહાર કાઢ્યા.

જયંતી, જયરાજ અને ભીખાજી અંદર આવ્યા. 'બેગમાં છે એ સામાન આ કોથળામાં ભરીને બરાબર પેક કરીને તમારી કારમાં મૂકી દો.'

એ ત્રણેય બે હજાર રૂપિયાની નોટનાં બંડલ બેગમાંથી કાઢીને કોથળામાં ભરી રહ્યા હતા ત્યારે માવજીભાઇ ફાટી આંખે તાકી રહ્યા હતા. સમજદારી દેખાડીને એમણે વગર માગ્યે કોથળા પેક કરવા માટે સોયો અને સૂતળી આપ્યાં.

બે કોથળામાં બધા પૈસા આવી ગયા અને કોથળા પેક થઇ ગયા એટલે જયંતી અને જયરાજ એ કોથળાઓને સાચવીને કારમાં મૂકી આવ્યા.

'આ બેગમાં...' વિભાકરે આખી દુકાનમાં નજર ફેરવીને માવજીભાઇને સૂચના આપી. 'ઠાંસી ઠાંસીને ખાલી બારદાન અને પસ્તી ભરી દો.'

બેગ ભરાઇ ગઇ એટલે વિભાકરે એ લોક કરીને એની ચાવી ખિસ્સામાં મૂકી. બંને સ્થળે પહોંચવામાં કેટલી મિનિટ થાય એની જાણકારી માવજીભાઇએ આપી દીધી હતી એટલે ઉતાવળ કરવાની કોઇ જરૂર નહોતી.

બરાબર આઠ વાગીને પાંચ મિનિટે બધા ઊભા થયા. વિભાકરે બેગ ઊંચકીને પોતાની કારમાં મૂકી. ગીતા પાછળની સીટ પર બેઠી. માવજીભાઇ વિભાકરની પાસે બેઠા. માવજીભાઇ રસ્તો બતાવતા હતા એ મુજબ વિભાકરે કાર આગળ લીધી. એની કારની બરાબર પાછળ ભીખાજીની કાર હતી.

દૂરથી જ ફાર્મહાઉસ દેખાયું એટલે માવજીભાઇએ ઇશારો કર્યો. ઓટલા પર ઝાંખી લાઇટ ચાલુ હતી અને ખુરસીમાં બેસીને કનુભા મોબાઇલ ઉપર કંઇક જોઇ રહ્યો હતો. એ દોડીને ભાગી ના જાય એ માટે ગીતાએ સૂચવેલું એ મુજબ ભીખાજીએ ભમભમાટ કારને આગળ લીધી અને છેક ફાર્મહાઉસના ગેટ પાસે જઇને જોરદાર બ્રેક મારી. કનુભા ચમક્યો. એ કંઇ સમજે- વિચારે એ અગાઉ ભીખાજી, જયંતી અને જયરાજની વચ્ચે એ ઘેરાઇ ચૂક્યો હતો. ગીતા અને વિભાકર ત્યાં આવ્યાં ત્યારે ગીતાના હાથમાં રિવોલ્વર જોઇને કનુભાએ હાથ અધ્ધર કરી દીધા. 'ડી.સી.પી. છું, એટલે હાથ સાફ કરીશ.' ગીતાએ કચકચાવીને કનુભાના ગાલે તમાચો માર્યો.

બારણું બહારથી બંધ હતું એ વિભાકરે ખોલ્યું કે તરત આકાંક્ષા અને ભૈરવી દોડીને આવ્યાં. વિભાકરને વળગીને એ બંનેએ રડવાનું શરૂ કર્યું.

ગણીને ચાર જ મિનિટમાં ઓપરેશન પતી ગયું. કનુભાને રૂમમાં પૂરીને વિભાકરે બારણું બહારથી બંધ કરી દીધું. કનુભાનો મોબાઇલ ગીતાએ ઝૂંટવી લીધો હતો.

'ભીખાજી, કાર એકદમ સાચવીને ચલાવજો. હવે કોઇ ઉતાવળ નથી. જયંતી, જયરાજ, તમે આ બંને ભત્રીજીઓને અને પેલા કોથળાઓને શાંતિથી બંગલે પહોંચાડી દો.'

'તમે મને પાપમાંથી ઉગારી લીધો.' પેલી કાર રવાના થઇ ગઇ પછી માવજીભાઇએ વિભાકર અને ગીતા સામે હાથ જોડ્યા.

'ચાલો, તમને ગામમાં ઉતારી દઇશું.' વિભાકરે કાર સ્ટાર્ટ કરી. 'અમને મદદ કરી એટલે તમારો ગુનો માફ થઇ ગયો.'

'આ અંદર પૂર્યો એ ગુંડાનું શું કરવાનું?' માવજીભાઇએ જિજ્ઞાસાથી પૂછ્યું.

'બીજા બે મોટા ગુંડાને પકડવાના બાકી છે.' વિભાકરે હસીને કહ્યું. 'એ પછી ત્રણેયનો સાથે હિસાબ કરીશું.'

આબુ રોડની બજાર શરૂ થાય ત્યાં જ ત્યાંની પ્રસિદ્ધ રબડીની દુકાન હતી. માવજીભાઇએ સોગન આપીને કારને ત્યાં ઊભી રખાવી. એમના આગ્રહને વશ થઇને રબડી ખાવા માટે વિભાકરે અને ગીતાએ ત્યાં રોકાવું પડ્યું.

'હવે થોડું મોડું થાય તોય પરવા નથી.' ગીતાના ચહેરા પર ઉતાવળ જોઇને વિભાકરે હસીને કહ્યું. 'ફિલ્ડિંગ ભરીને વિજુભા અકળાય તોય હવે વાંધો નથી. એ વધુ અકળાઇને ગુસ્સે થશે તો એ આપણા ફાયદામાં છે. ગુસ્સે થયેલો માણસ જલદી ભૂલ કરે.'

રબડી ખરેખર સારી હતી. માવજીભાઇનો આભાર માનીને ગીતા અને વિભાકર કારમાં ગોઠવાયાં ત્યારે નવ વાગ્યા હતા.

વિજુભાએ જે લોકેશન બતાવ્યું હતું એ અહીંથી પાંચ મિનિટના જ અંતરે હતું એટલે વિભાકરે આરામથી કારને એ તરફ લીધી.

મધુવન હોટલ એન્ડ રિસોર્ટ રોશનીથી ઝળહળી રહ્યો હતો. એનાથી સહેજ આગળ ગયા પછી ડાબી તરફ જે કાચો રસ્તો દેખાયો ત્યાં વિભાકરે કાર વાળી. થોડી મિનિટો પછી ખંડેર જેવું મંદિર અને ત્યાં ઊભેલી વાન દેખાઇ.

'વિજુભા..' કારમાંથી બહાર નીકળીને વિભાકરે બૂમ પાડી. મંદિરના પિલર પાછળ લપાઇને ઊભેલો વિજુભા હાથમાં રિવોલ્વર લઇને કૂદકો મારીને નીચે આવ્યો. મનુભા બીજા પિલર પાછળ લપાઇને ઊભો હતો.

ગીતા વિભાકરની અડોઅડ ઊભી હતી. વિજુભા પાસે રિવોલ્વર હતી એટલે સૌથી પહેલું કામ એની પાસેથી એ ઝૂંટવી લેવાનું હતું.

'છોકરીઓ ક્યાં છે?' વિભાકરે પૂછ્યું. 'એ સલામત છે. તું પૈસાની વાત કર. બેગ ક્યાં છે?' વિજુભાની આંખોમાં અને અવાજમાં પૈસાની ભયાનક લાલસા તરવરતી હતી.

'બેગ મારી કારમાં છે.' વિભાકરે કહ્યું એની સાથે જ વિજુભાએ ઇશારો કર્યો એટલે મનુભા મેદાનમાં આવી ગયો. વાનને ચાલુ કરીને એ છેક નજીક લઇ આવ્યો. મનુભા સ્ટિયરિંગ પર હતો. હાથમાં રિવોલ્વર સાથે વાનનું સાઇડનું બારણું ખોલીને વિજુભા ઊભો હતો. એનાથી સાતેક ફૂટ દૂર ગીતા અને વિભાકર ઊભાં હતાં.

'બેગ અહીં લાવીને પૈસા બતાવ.' વિભાકર સામે રિવોલ્વરનું નાળચું ધરીને વિજુભાએ ત્રાડ પાડી.

વિભાકર કાર પાસે ગયો અને બેગ બહાર કાઢી. બેગ ઊંચકીને એ વાન તરફ આગળ વધતો હતો ત્યારે ગીતા શ્વાસ રોકીને એટેન્શનમાં આવી ગઇ હતી. પંજાબી ડ્રેસની આડશમાં એની આંગળીઓમાં રિવોલ્વર મજબૂતીથી પકડીને એ તાકી રહી હતી.

વિભાકરે બેગને વાનમાં મૂકી. તાળાની ચાવી શોધવાનું નાટક કરીને એ ખિસ્સા ફંફોળી રહ્યો હતો. એનો અને ગીતાનો પ્લાન એવો હતો કે બેગ ઉપર વિજુભા ઝૂકે એ જ પળે વિભાકર પૂરી તાકાતથી એના પર પ્રહાર કરે અને ગીતા પણ રિવોલ્વર લઇને ત્યાં ધસી આવે. ગીતાને આમાં જોખમ લાગતું હતું પણ વિભાકરે ખાતરી આપેલી કે હાથ પર મારો પ્રહાર થશે કે તરત વિજુભાના હાથમાંથી રિવોલ્વર છટકી જશે.

'ચાવી ક્યાં છે, (ગાળ)?' વિજુભાની ધીરજ હવે ખૂટી હતી. અકળાઇને ભીજી ગાળ બોલીને વિભાકરને તમાચો મારવા એણે હાથ ઉગામ્યો એ જ વખતે વિભાકરે બેગની ચાવી એની સામે ધરી.

વિજુભા ચાવી લઇને બેગ પર ઝૂકે એ અગાઉ ત્યાં આવીને ગીતાએ પોઝિશન સંભાળી લીધી હતી.

એ જ વખતે એક અણધારી ઘટના બની. જીવ બચાવવા મરણિયા બનેલા કનુભાએ પ્રચંડ તાકાત વાપરીને એ ઓરડાના બાથરૂમની બારીની ગ્રીલ તોડી નાખી હતી અને ત્યાંથી કૂદીને બહાર આવ્યા પછી રસ્તા પરના કોઇ સાઇકલવાળાને ધક્કો મારીને એની સાઇકલ ઝૂંટવીને એ ભાગમભાગ અહીં આવ્યો!

'વિજુભા!' ચીસ પાડીને સાઇકલ પડતી મૂકીને એ હાંફતો હાંફતો આવ્યો.

એની અણધારી એન્ટ્રીથી ગીતા અને વિભાકરને આશ્ચર્ય થયું એનાથી વિશેષ નવાઇ વિજુભા અને મનુભાને લાગી.

'છોકરીઓ ભાગી ગઇ.' શ્વાસ ભરાઇ ગયો હતો એટલે એ તૂટક તૂટક ચીસો પાડતો હતો. 'આ કોઇની મમ્મી નથી.' ગીતા સામે હાથ લંબાવીને એણે વિજુભાને કહ્યું. 'એ ડી.સી.પી છે, એની પાસે રિવોલ્વર છે.'

બેગમાં શું છે એનો હજુ વિજુભાને ખ્યાલ નહોતો. 'ભાગો.' એ બબડ્યો. એની સાથે મનુભાએ વાન સ્ટાર્ટ કરી. કનુભા દોડીને વાનમાં ઘૂસી ગયો. ધૂંધાવાયેલા વિજુભાએ વિભાકર અને ગીતા સામે રિવોલ્વર તાકી.

ગીતા હજુ રિવોલ્વર બહાર કાઢે એ અગાઉ એની હલચલ પારખીને વિજુભાએ ફાયરિંગ કર્યું એની રિવોલ્વરની બુલેટ ગીતાની છાતીને સ્પર્શે એ અગાઉ વીજળીની ઝડપે વિભાકરે પોતાનો જમણો હાથ ગીતાની છાતી આડો ધરી દીધો. બુલેટ સીધી વિભાકરના સ્નાયુબદ્ધ બાવડામાં ઘૂસી ગઇ અને લોહીનો ફૂવારો ઊડ્યો. બાવડાના મજબૂત સ્નાયુઓ વચ્ચે બુલેટ ફસાઇ ગઇ! વિભાકર લથડીને નીચે પડ્યો એ જ વખતે ગીતાએ રિવોલ્વર ચલાવી.

ગોળી વાનને વાગી જબરજસ્ત સ્ફૂર્તિથી વિજુભા વાનમાં ઘૂસી ગયો અને મનુભાએ પાગલની જેમ વાન ભગાવી. ગીતાએ બીજી ગોળી છોડી એ વાનના ટાયરમાં ઘૂસી એ સાથે જ મનુભાએ કાબૂ ગૂમાવ્યો અને વાન વીસ ફૂટ નીચે ખાડામાં ગબડી.

એ પછીની કથા સાવ ટૂંકી છે. હાથ અને પગમાં અનેક ફ્રેક્ચર સાથે વિજુભા, મનુભા અને કનુભા પોલીસ કસ્ટડીમાં છે. આબુની ગ્લોબલ હોસ્પિટલમાં ઓપરેશન કરીને વિભાકરના બાવડામાંથી બુલેટ બહાર કાઢવામાં આવી ત્યારે ગીતા સતત એની સાથે જ હતી.

અમદાવાદ હરિવલ્લભ બંગલામાં ઉત્સવનું વાતાવરણ હતું. અબજોપતિ વિભાકર અને ક્રાઇમ બ્રાંચના ડી.સી.પી. ગીતાનાં લગ્ન પછી જે શાનદાર સત્કાર સમારંભ યોજાયો એમાં શહેરની તમામ નામાંકિત વ્યક્તિઓ હાજર હતી.

અખબારમાં એ રંગીન ફોટો જોઇને રમણિક જેમ્સ બોન્ડે પાડોશી શ્રીકાંતને કહ્યું. 'આ વિભાકર તો એના બાપથીએ મોટો અધિનાયક નીકળ્યો!'
(સમાપ્ત)
******

વાત અધિનાયકની...
મિત્ર મનીષ મહેતાએ ફોન કરીને મળવા બોલાવ્યો. DivyaBhaskar.comના એડિટર તરીકે જાણે પડકાર આપતા હોય એ રીતે કહ્યું કે રથયાત્રાના દિવસથી અમે એક સાથે ઘણું કરી રહ્યા છીએ. નેવું દિવસ સુધી રોજનું એક પ્રકરણ એ રીતે નેવું પ્રકરણની વેબનોવેલ લખશો?

વેબનું બધું કામ કમ્પ્યુટર ઉપર. હું તો આજની તારીખેય ફાઉન્ટન પેનથી લખું છું. એ પાનાં સ્કેન કરીને મેઇલ કરવાનું આવડી ગયું છે, પણ કમ્પ્યુટર પર લખવામાં હાથની ગતિ અને વિચારોની ગતિનો મેળ જળવાતો નથી. એટલે આ પડકાર સ્વીકારતી વખતે મેં કહ્યું કે ભાઇ, હું લખીને પાનાં સ્કેન કરીને મોકલાવીશ. એમણે એ વાત સ્વીકારી.

નવલકથા લખતી વખતે અગાઉથી કોઇ ઢાંચો કે પ્લોટ મગજમાં નથી હોતો. અગાઉની તમામ નવલકથાઓ પણ એ જ રીતે લખેલી છે. અહીં સામાજિક ડ્રામાની વાત થયેલી એટલે એ રીતે આરંભ કર્યો. શરૂઆતમાં ત્રણ-ચાર પ્રકરણનું બેલેન્સ રહ્યું પછી રોજનું લાવીને રોજ ખાનારના જેવી દશા થઇ ગઇ। નેવું પ્રકરણનું બંધન પણ પહેલી વાર સ્વીકાર્યું હતું એટલે એ રીતે રોજ રોજ લખતો રહ્યો. ખૂબ મજા આવી. દેશ- વિદેશના વાચકમિત્રોને પણ એ ગમી.

વિભાકર, ગીતા, વિજુભા, સુભાષ... આ બધાંય પાત્રો જીવતાં છે. ફરીથી ક્યારેય સમય અને સંજોગોનો મેળ પડશે ત્યારે અધિનાયક-2 લઇને તમારી પાસે આવીશ.

આ તક આપીને દેશ- વિદેશના લાખો વાચકો સુધી મારી વાર્તા પહોંચાડી એ બદલ DivyaBhaskar.com, શ્રી મનીષ મહેતા અને ભાઇ જયેશ અધ્યારુનો આભારી છું.
- મહેશ યાજ્ઞિક

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી