‘રિવોલ્વર ફુલ્લી લોડેડ છે અને વધારાનું એક મેગેઝિન પણ લેતો આવ્યો છું. ફાઇટ ટુ ફિનિશ જેવો ખેલ પાડવાનો છે.’

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Oct 06, 2018, 12:05 AM IST

પ્રકરણઃ85
માવજીભાઇ
વર્ષો અગાઉ ગોધાવી છોડીને આબુરોડમાં સ્થિર થયા હતા. મોટા પ્રોવિઝન સ્ટોર જેવી એમની દુકાન સરસ ચાલતી હતી. ઓન ડ્યુટી એ તરફ ગયેલા જિતુભાએ એમની મુલાકાત લીધેલી ત્યારે એમના રૂઆબ અને યુનિફોર્મથી એ પ્રભાવિત થઇ ગયેલા. જિતુભાના નાના ભાઇ તરીકે જ એ વિજુભાને ઓળખતા હતા એટલે ગામના દરબારને મદદ કરવાના શુભાશયથી એ વિજુભાની વાત ધ્યાનથી સાંભળતા હતા.

‘એ દોસ્તાર એની મશીનમાં ચકાસણી કરતો હતો એ જ વખતે જોરદાર ધડાકો થયો. હેમુભા નજીક ઊભા હતા એટલે બુલેટની જેમ આખા શરીરમાં પથ્થરો ઘૂસી ગયા અને બંને આંખ કાયમ માટે જતી રહી!’

'આ બંને સાળાસાહેબથી એક નાના સાળાસાહેબ પણ છે. અઢાર વર્ષના એ હેમુભાના માથે પનોતી બેઠી છે. રાણપુર પાસે નાગનેશમાં પથ્થરની ક્વોરી છેને? હેમુભા એમના દોસ્તાર જોડે ત્યાં ગયા હતા. બ્લાસ્ટ માટેની જિલેટિન સ્ટીક ફૂટી નહોતી એટલે એ દોસ્તાર એની મશીનમાં ચકાસણી કરતો હતો એ જ વખતે જોરદાર ધડાકો થયો. હેમુભા નજીક ઊભા હતા એટલે બુલેટની જેમ આખા શરીરમાં પથ્થરો ઘૂસી ગયા અને બંને આંખ કાયમ માટે જતી રહી!'

‘અરરર...' માવજીભાઇએ સહાનુભૂતિ દર્શાવી.

'એ હેમુભાને અહીં લાવ્યા છીએ. ઉપર ગ્લોબલ હોસ્પિટલ પાસે પારસી ટ્રસ્ટની અંધશાળા છેને? એમાં છ મહિનાની તાલીમ માટે દાખલ કરાવ્યા છે. અઢાર વર્ષની ઉંમર અને સાહ્યબીભર્યા ઘરથી ક્યારેય દૂર રહ્યા નથી એટલે આ તાલીમકેન્દ્રમાં મૂક્યા પછી રડ રડ કરે છે. ત્યાં કોઇ સગાને રાત્રે તો જોડે રહેવા દેતા નથી.' કનુભા અને મનુભા સામે હાથ લંબાવીને વિજુભાએ કહ્યું. 'આ બંને મોટાભાઇઓ પણ ઢીલા થઇ ગયા છે. હેમુભાને ખબર ના પડે એ રીતે દસ-બાર દિવસ અહીં રહીને એ લોકો આખો દિવસ તાલીમકેન્દ્રમાં રોકાઇને બધું જોશે. જો હેમુભા હિજરાય છે એવું લાગશે તો પાછા લઇ જશે અને જો બીજા અંધ ભાઇઓ સાથે ભળી સેટ થશે તો રહેવા દેશે.' વિજુભા મૂળ વાત પર આવ્યો. 'આ બંને બાર-પંદર દિવસ અહીં રહી શકે એવું મકાન ભાડે અપાવો. બંને લડધા છે અને માત્ર રાત્રે સૂવા પૂરતી જ સગવડ જોઇએ છે એટલે ક્યાંક દૂર અવાવરૂ ગોડાઉન જેવું છાપરું હશે તોય ચાલશે રાત્રે આવીને સૂઇ જશે અને સવારે ઊઠીને ઉપર અંધશાળામાં પહોંચી જશે.'

'જિરાવલા રોડ ઉપર મારું ફાર્મ હાઉસ જેવું મકાન છે.' માવજીભાઇએ માહિતી આપી. 'અહીંથી ચાલતા વીસે મિનિટ થાય. બે ઓરડામાં ખાલી બારદાન ભર્યાં છે, પણ બાથરૂમ-સંડાસવાળો મોટો ઓરડો ખાલી છે. આજુબાજુ વસ્તી નથી. અત્યારે જોઇ લો. ફાવે એવું હોય તો મહિનો રહો તોય મને વાંધો નથી.'

નસીબ જોરદાર સાથ આપે છે. વિજુભાનું હૃદય આનંદથી ઊછળી રહ્યું હતું. જોઇતી હતી એવી જ જગ્યા પહેલા ધડાકે મળી ગઈ.

'તમે તમારી બાઇક લઇ લો. અમે પાછળ-પાછળ ચાલતા આવીએ છીએ એટલે આ ભાઇઓને રસ્તો પાકો થઇ જાય.' વિજુભાએ કહ્યું.

અર્ધો કલાકે ત્યાં પહોંચ્યા ત્યારે એ જગ્યા જોઇને વિજુભાએ મનોમન ઇશ્વરનો આભાર માન્યો. મુખ્ય રસ્તાથી લગભગ સો મીટર અંદર એ ફાર્મહાઉસમાં લાઇટ- પાણીની પૂરી સગવડ હતી. આજુબાજુમાં માવજીભાઇની જેમ બીજાઓએ પણ આવાં ત્રણ ઓરડાવાળાં મકાન બનાવેલાં પણ એ તમામ ખાલી હતાં.

'જૂનું ફ્રિજ અહીં મુકાવ્યું તો છે, પણ એ ચાલુ છે કે બંધ એ ખ્યાલ નથી.' એમણે ચકાસ્યું તો ફ્રિજ ચાલુ હતું.

માવજીભાઇએ ફાર્મ હાઉસની ચાવી વિજુભાને આપી. એ ના પાડતા રહ્યા એ છતાં વિજુભાએ સોગન આપીને પાંચ હજાર રૂપિયા એમના હાથમાં પકડાવી દીધા.

પાછા માવજીભાઇની દુકાને આવીને ચા- નાસ્તો કર્યો. એમનો વારંવાર આભાર માનીને વિજુભાએ વાન સ્ટાર્ટ કરી.

'આને કહેવાય નસીબ!' હોટલમાં પહોંચ્યા પછી વિજુભા ગર્વથી બબડ્યો. 'જિતુભા અને પ્રભાતસિંહ ફસકી ગયા, પણ મારું તકદીર જોર કરે છે. કોઇને કલ્પના પણ ના આવે એવી એકાંત જગ્યા મળી ગઇ. વાન પણ છેક કમ્પાઉન્ડમાં લઇ જવાશે. બિચારો માવજીકાકો મારી વાર્તા સાંભળીને પીગળી ગયો. ભાડું પણ પરાણે લીધું!'

'અક્કલ કામ ના કરે એવી સ્ટોરી તમે ઉપજાવી કાઢી. સાંભળીને અજાણ્યાને પણ દયા આવી જાય.' કનુભાએ બનેવીની પ્રશાંસા કરી. 'આ જ રીતે ખેલ ચાલતો રહેશે તો જરાયે વાંધો નહીં આવે. આપણે ક્યાં આવ્યા છીએ એ મારી બહેનને ખબર છે?'

'ના.' વિજુભાએ કહ્યું. 'એમને એટલું જ કહ્યું છે કે મહેસાણા અને પાલનપુરમાં કામ છે. ટાઇમ મળશે તો દર્શન કરવા અંબાજી જઇ આવીશું એમ ગોળગોળ સમજાવ્યું છે. લેડિઝ પાસે આપણી ગેઇમનાં પાનાં ખુલ્લાં ના કરાય.'

બીજા દિવસે સવારે કનુભા હોટલમાં રહ્યા. વિજુભા અને મનુભા સાથે લાવેલા હતા એમાંથી સારામાં સારા કપડાં પહેરીને બહાર નીકળ્યા. થ્રી સ્ટાર રિસોર્ટ રોય રાજપૂતાનામાં અંદર કઇ રીતની વ્યવસ્થા છે એ ચકાસવાનું હતું.

મુખ્ય પ્રવેશદ્વારની આસપાસ સીસીટીવી કેમેરા હતે એ તરફ વિજુભાએ ઇશારાથી મનુભાનું ધ્યાન દોર્યું. લાંબા ડ્રાઇવ વે પર ચાલીને એ બંને વિશાળ રિસેપ્શન લોન્જમાં આવ્યા. ઊંચી છતને લીધે એટલો વિસ્તાર ભવ્ય લાગતો હતો. આઠ ફૂટ વ્યાસવાળું બેલ્જિયમનું ઝુમ્મર ભવ્યતામાં વધારો કરતું હતું.

'યસ, પ્લીઝ.' બંને રિસેપ્શન કાઉન્ટર પાસે પહોંચ્યા એટલે રૂપાળી રિસેપ્શનિસ્ટે સ્મિત ફરકાવીને એમની સામે જોયું. 'એક મિત્રને ત્યાં એન.આર.આઇ. પાર્ટી મેરેજ માટે આવવાની છે. ત્રીસેક રૂમની જરૂર પડશે. બધી વ્યવસ્થા જોવા મળશે?'

'શ્યોર.' મીઠું મલકીને એણે ઇન્ટરકોમ પર કોઇને કંઇક કહ્યું એટલે સૂટ પહેરેલો ફાંકડો યુવાન હાજર થઇ ગયો. આ બંનેને ત્રણેય માળ ફેરવીને લોન, સ્વિમિંગ પુલ, જિમ, બેન્ક્વેટ હોલ ઉપરાંત રૂમ પણ ખોલીને બતાવ્યા. આ દરમિયાન વિજુભા સક્રિય હતા. શકરાબાજ જેવી આંખ એ એકેએક ઝીણી બાબતનું નિરીક્ષણ કરી રહ્યા હતા.

અર્ધો કલાક સુધી બધું જોયા પછી પેલો યુવાન બંનેને પાછા રિસેપ્શન કાઉન્ટર પર મૂકી ગયો.

'વેરી ગુડ... એક્સલન્ટ.' વિજુભાએ સંતોષ વ્યક્ત કર્યો. સત્તરમી તારીખથી એકવીસમી તારીખ સુધી આખો રિસોર્ટ સ્કૂલવાળાએ બુક કરાવ્યો હતો એ ખબર હતી. પેલી આશાભરી નજરે વિજુભા સામે જોઇ રહી હતી.

'સર, આપને થર્ટી રૂમ્સ કઇ તારીખોમાં જોઇએ?' એણે પૂછ્યું.

'અઢાર, ઓગણીસ અને વીસ.' વિજુભાએ વટથી કહ્યું. 'થ્રી ડેઝ, થર્ટી રૂમ્સ, એડવાન્સ કેટલા રૂપિયા આપું?'

'સોરી સર.' એ મીઠડીએ નકારમાં માથું ધુણાવ્યું. 'એ તારીખોનું તો બ્લોક બુકિંગ છે એટલે એ રૂમ પણ આપી શકાય નહીં. વી આ એક્સ્ટ્રીમલી સોરી.'

'નો પ્રોબ્લેમ. બીજે ટ્રાય કરીએ.' વિજુભાએ એની સામે સ્મિત ફરકાવ્યું. વેઇટર ઠંડું પાણી લઇને આવ્યો. હતો એ ગ્લાસ ગટગટાવ્યો અને ધીમા પગલે ચાલતી પકડી.

'આ રિસોર્ટની અંદરથી કોઇને ઉઠાવવાનું કાઠું પડે.' અત્યાર સુધીના નિરીક્ષણના આધારે બહાર નીકળ્યા પછી વિજુભાએ મનુભાને કહ્યું. 'એ છોકરીઓ બહાર નીકળે એટલા સમયમાં જ પેંતરો ગોઠવવો પડે. એક વાર એ વંતરીઓ વાનમાં આવી જાય પછી હું રાજા. રિવોલ્વર ફુલ્લી લોડેડ છે અને વધારાનું એક મેગેઝિન પણ લેતો આવ્યો છું.' મનુભાના ખભે હાથ મૂકીને એણે પૂછ્યું. 'પૂરી તૈયાર છેને? ફાઇટ ટુ ફિનિશ જેવો ખેલ પાડવાનો છે. પચાસ કરોડની માગણી કરીને છેલ્લે ચાલીસ કરોડ સુધીમાં સોદો પાર પાડી દેવાનો.'

એની વાત સાંભળીને મનુભાએ થોડુંક વિચાર્યું. બંને ધીમે ધીમે રસ્તા પર ચાલી રહ્યા હતા. 'બનેવીસા, એક વાત વિચારવા જેવી છે. છોકરીઓ આપણા કબજામાં હશે ત્યાં સુધી કશું આડુંઅવળું વિચારવાની કોઇ હિંમત નહીં કરે, પણ એ પછી? તમારી પાક્કી ઓળખ એની પાસે છે. પથરા નીચે પગ હશે એટલે ચાલીસ કરોડ ચૂકવી આપશે પણ છોકરીઓ પાછી મળી જાય એના પછી એ સાવ શાંત બેલી રહેશે? એની જગ્યાએ આપણે હોઇએ તો શું કરીએ?'

વિજુભા હસી પડ્યો. 'તમારા હાથમાંથી કોઇ બસો રૂપિયા ઝૂંટવીને દોડીને ભાગે તો તમે શું કરો? પૂરપાટ ભાગતા એ માણસની પાછળ તમે દોડો ખરા?'

મનુભાએ નકારમાં માથું ધૂણાવ્યું. 'બસો રૂપૈડી માટે દોડાદોડી ના કરાય.'

'એ માણસ માટે ચાલીસ કરોડની આટલી જ વેલ્યુ છે. છોકરીઓ સહીસલામત પાછી મળે એ પછી બીજી માથાકૂટ કરતી વખતે એ જમીનના સોદાનું વિચારે. અમને ત્રણેયને બેવકૂફ બનાવીને એણે ચારસો કરોડનો ફાયદો કર્યો છે. એ ચારસોમાંથી આ ચાલીસ એટલે માત્ર દસ ટકા માટે થઇને એ દુશ્મનાવટ ના વહોરે.' અવાજમાં ગર્વ સાથે એણે ઉમેર્યું. 'હું તડીપાર છું અને કાયમ રિવોલ્વર સાથે રાખું છું એની એને ખબર છે.'

મનુભા બનેવીના ચહેરા સામે તાકી રહ્યો. એ પોતે દોડાદોડી કરીને લડવા ના આવે પણ પોલીસમાં ફરિયાદ કરીને આપણને દોડતા કરી મૂકે. આ શબ્દો સૂઝ્યા પણ બનેવી અત્યારે જે ખુમારીમાં ઊડતા હતા એ વાતાવરણમાં એમના મગજ સુધી આ મેસેજ નહીં પહોંચે એવી ખાતરી હતી એટલે કશું બોલ્યા વગર એ ચૂપચાપ ચાલવા લાગ્યો.

રાત્રે વાન લઇને ત્રણેય આબુ રોડ આવ્યા. જમવાનું પેક કરાવીને લેતા આવ્યા હતા. માવજીભાઇના ફાર્મ હાઉસમાં બાટલીઓ ખાલી. પીધા પછી આરામથી જમ્યા.

'અત્યારે મને પણ ચડી છે એટલે વાન લઇને અંધારામાં પર્વત ઉપર ડ્રાઇવિંગ કરવાનું જોખમ નથી લેવું.' વિજુભાએ વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો. 'રાત્રે અહીં જ પડ્યો રહીશ. એ પછી સવારે અહીંથી આ બધા રસ્તા ક્યાં ક્યાં જાય છે એ પણ જોઇ લેવાશે.'

સવારે ઊઠ્યા પછી વિજુભા અને કનુભા વાનમાં બેઠા. પચાસેક કિલોમીટર રખડીને આસપાસના રસ્તાઓનો તાગ મેળવી લીધો. કનુભા અને મનુભા બંનેને ડ્રાઇવિંગ આવડતું હતું પણ એ બંનેમાં કનુભાનું ડ્રાઇવિંગ વધુ ભરોસાપાત્ર હતું. ભાગવાનો સમય આવે ત્યારે મનુભાનું મગજ ઠેકાણે ના પણ રહે એનો વિજુભાને ખ્યાલ હતો. ક્યારેક સાસરે જાય અને બાઇક ઉપર જો મનુભાની પાછળ બેસવાની નોબત આવે ત્યારે વિજુભાને એનું રફ ડ્રાઇવિંગ જોઇને બાઇક ઉપરથી ઊતરી જવાની ઇચ્છા થઇ આવતી!

‘અમને ત્રણેયને બેવકૂફ બનાવીને એણે ચારસો કરોડનો ફાયદો કર્યો છે. એ ચારસોમાંથી આ ચાલીસ એટલે માત્ર દસ ટકા માટે થઇને એ દુશ્મનાવટ ના વહોરે.'

'હજુ બે દિવસ ખાવા-પીવા ને ઊંઘવાનું છે.' હોટલમાં પહોંચ્યા પછી વિજુભાએ બંનેને કહ્યું. 'આ બે દિવસ થાય એટલા જલસા કરી લો. પરમ દિવસથી બાટલી બંધ!' એણે કનુભાને કહ્યું. 'બેગમાંથી બાયનોક્યુલર કાઢો તો એનુંય ટેસ્ટિંગ કરી લઇએ.'

જર્મનીનું શક્તિશાળી બાયનોક્યુલર લઇને વિજુભા બાલ્કનીમાં ખુરસી ઉપર બેઠા. 'જોરદાર!' આમ તેમ લેન્સ એડજસ્ટ કરીને એ ઉત્સાહથી બબડ્યા. 'રિસોર્ટના ગેટ ઉપર ઊભેલા સિક્યોરિટી ગાર્ડે યુનિફોર્મ પહેર્યો છે, એના ઉપર રિસોર્ટનું નામ લખેલું છે એય વંચાય છે!'

કનુભા અને મનુભા ઊભા થઇને ત્યાં આવ્યા. એમણે પણ આ નવા રમકડાથી રોડનું નિરીક્ષણ કર્યું.

'એ બંનેનાં થોબડાં તો હવે બરાબર યાદ રહી ગયા છેને? સત્તરમી તારીખે એકાદ વાગ્યે એ લોકો આવી જાય એ પછી આપણા ત્રણમાંથી વારાફરતી એક એક માણસે અહીં જ બેસીને ગેટ સામે જોઇ રહેવાનું છે. એ બંને બહાર નીકળતી દેખાય કે તરત ઓપરેશન શરૂ. તમારા બેમાંથી એક ભાઇ મારી સાથે વાનમાં આવશે. વાન ધીમે ધીમે ચલાવીને હું એ બંનેને અંદર લેવાનો પેંતરો કરીશ. બકરી ડબ્બામાં આવી જાય એ જ પળે જે ભાઇ બહાર હોય એણે ટેક્સી કરીને ફાર્મ હાઉસ ઉપર પહોંચી જવાનું. પાંચ દિવસ ટ્રાય કરવાની છે. કયા દિવસે લોટરી લાગશે એ રામ જાણે!'
***


સત્તરમીએ સવારથી વિજુભા, કનુભા અને મનુભા એટેન્શનમાં હતા. આગલા દિવસે ફાર્મહાઉસના ફ્રિજમાં ડ્રાય ફ્રૂટ્સથી માંડીને વેફર-ચવાણું અને ઠંડાં પીણાંની બોટલો ખીચોખીચ ભરી દીધી હતી. શેઠિયાની દીકરીઓને કોઇ તકલીફ ના પડવી જોઇએ!

એક વાગ્યે એક પછી એક ત્રણ લક્ઝરી બસો રિસોર્ટ પાસે આવી પહોંચી. ખુશખુશાલ થઇને મસ્તીમાં ચીસાચીસ કરતાં બાળકો ગેટ પાસે જ ધડાધડ નીચે ઊતરવાં લાગ્યાં.

બાઇનોક્યુલર હાથમાં પકડીને શ્વાસ રોકીને વિજુભા એ તરફ તાકી રહ્યો હતો. 'ધત્ તેરેકી!' ઊભો થઇને એ એક સાથે ચાર-પાંચ ગાળ બબડ્યો. બંગલે કાશીબાએ પાણી આપેલું એટલે એ ચહેરો એને યાદ હતો. કનુભા અને મનુભા સામે જોઇને એણે કહ્યું. 'ઘરની નોકરાણીને એ બદમાશે છોકરીઓના બોડીગાર્ડ તરીકે મોકલી છે. અબ આયેગા મજા!'
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી