'મજા તો માત્ર પિક્ચર જોનારાને આવે. અંદર સંડોવાયેલા માટે તો પળેપળ કટોકટી ભરેલી હોય છે.'

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Oct 05, 2018, 12:05 AM IST

પ્રકરણઃ84
વિજુભાના
સ્વભાવમાં ઝનૂન હતું. પડકાર માનીને કોઇ કામ હાથ ઉપર લીધા પછી એ પૂરું કરવા માટે એ ગમે તેવું જોખમ ઉઠાવવા તૈયાર રહેતો. એકલા હાથે વિભાકર પાસેથી ચાલીસ કે પચાસ કરોડ પડાવીને જિતુભા અને પ્રભાતસિંહને બતાવી આપવાનું ઝનૂન અત્યારે મગજ ઉપર પૂરેપૂરું સવાર થઇ ચૂક્યું હતું.

બાળપણનો એક મિત્ર દિનેશ અમદાવાદ નારણપુરામાં રહેતો હતો. એ અને એની પત્ની બંને બેન્કમાં ઓફિસર હતા અને સંતાનમાં એક માત્ર દીકરી હતી, જે આકાંક્ષા અને ભૈરવીની જ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. આકાંક્ષા અને ભૈરવી એક જ વર્ગમાં હતા. જ્યારે આ શ્રુતિ એ જ સ્ટાન્ડર્ડમાં પણ બીજા વર્ગમાં હતી. એ પણ પ્રવાસમાં જવાની હતી.

‘આવો ત્યારે તમારા ગામમાં અને એ પછી ધંધૂકાની બજારમાં ફરીને વીસેક સિમકાર્ડ લેતા આવજો. ખર્ચની ચિંતા ના કરતા. ગમે તે છગન કે મગનના નામે ખરીદી લેજો. દુકાનવાળા પાસે જૂના કસ્ટમરનાં પાન કાર્ડ કે આધારની ઝેરોક્સના ઢગલા પડ્યા હશે એટલે તમે કહેશો તો ના નહીં પાડે.’

સ્કૂલવાળાએ હવે પ્રવાસ અંગેનો વિગતવાર પરિપત્ર બાળકોને આપી દીધો હશે. સાંજે ચાર વાગ્યે શ્રુતિ સ્કૂલેથી આવી ગઇ હશે. દીનેશ અને દીપા સાતેક વાગ્યે ઘેર આવતા હતા. સવા ચાર વાગ્યે વિજુભાએ દીનેશને ફોન કર્યો. 'અહીં નારણપુરા આવ્યો છું અને ફટાફટ પાછા ભાગવાનું છે. સવારે મોટા બાપુની વાડીએ ગયેલો ત્યાંથી પાંચેક કિલો લીંબુ તોડાવેલાં. ઘેર કોઇ છે? જો હોય તો લીંબુ આપતો જાઉં.'

'શ્રુતિ ઘેર આવી ગઇ હસે. ફ્લેટને બંધ કરીને એ અંદર બેઠી હશે. હું ફોન કરી દઉં છું એટલે એ બારણું ખોલસે. બાકી એને ના પાડેલી છે.'

'સાચી વાત છે. જમાનો બહુ ખરાબ છે.' ફોન મૂકીને વિજુભાએ દુકાનમાંથી કાપડની થેલી ખરીદી. હોલસેલ શાકભાજીની દુકાનમાંથી પાંચ કિલો લીંબુ ખરીદીને એ થેલીમાં ભર્યા. આ ઓપરેશન માટેનું આ પહેલું રોકાણ. એ મનોમન બબડ્યો.

ડૉરબેલ વગાડી એટલે શ્રુતિએ અંદરનું બારણું ખોલ્યું. લોખંડની જાળીવાળું બહારનું બારણું તો બંધ જ હતું.

'હું વિજુભા. લીંબુ આપવા આવ્યો છું. પપ્પાએ ફોન કર્યોને?'

'યસ આવો.' શ્રુતિએ બારણું ખોલ્યું અને વિજુભાએ અંદર પ્રવેશ કર્યો. 'પ્રવાસની તૈયારી થઇ ગઇ, બેટા?'

'સ્કૂલવાળાએ આજે જ ડિટેઇલ્ડ સરક્યુલર અને ઇન્સ્ટ્રક્શન્સનો લેટર આપ્યો. 'શ્રુતિ ભોળાભાવે ઉત્સાહથી બોલતી હતી.

'એક મિનિટ એ બતાવીશ, બેટા?'

'શ્યોર.' સ્કૂલબેગમાંથી એ કાગળ કાઢીને એણે વિજુભાના હાથમાં આપ્યો. વિજુભાએ એને ટિપોઇ પર વ્યવસ્થિત મૂક્યો. 'આ લીંબુ ઠેકાણે મૂકી દે ને એ પચી એક ગ્લાસ પાણી પીવડાવી દે, બેટા, થોડું ફ્રિજનું ઠંડું ને થોડું માટલાનું મિક્સ કરીને આવજે.' એને રવાના કર્યા પછી વિજુભાએ મોબાઇલમાં એ કાગળનો ફોટો પાડી લીધો.

શ્રુતિ પાણી લઇને આવી. 'થેંક્યુ, બેટા, થેંક્યુ.' પાણી પીને વિજુભાએ એનો આભાર માનીને વિદાય લીધી.

રોડ પર આવ્યા પછી ઝેરોક્સની સારી દુકાન દેખાઇ ત્યાં જઇને એ ફોટાની મોટી પ્રિન્ટ આઉટ કરાવી.

ઝેરોક્સની જોડે જ મોબાઇલની દુકાન જોઇને વિજુભાને એક અગત્યનું કામ યાદ આ્યું. બાઇક પાસે ઊભા રહીને એણે એના સાળા કનુભાનો નંબર જોડ્યો. 'કાલે તમે બંને કેટલા વાગ્યે પધારશો? એ રીતે તમારાં બહેનને જાણ કરી દઉં.'

'સવારે દસેક વાગ્યે આવી જઇશું.'

'દસના બદલે બાર ભલે વાગે, હું જમવા માટે તમારી રાહ જોઇશ. પણ આવો ત્યારે તમારા ગામમાં અને એ પછી ધંધૂકાની બજારમાં ફરીને વીસેક સિમકાર્ડ લેતા આવજો. ખર્ચની ચિંતા ના કરતા. ગમે તે છગન કે મગનના નામે ખરીદી લેજો. દુકાનવાળા પાસે જૂના કસ્ટમરનાં પાન કાર્ડ કે આધારની ઝેરોક્સના ઢગલા પડ્યા હશે એટલે તમે કહેશો તો ના નહીં પાડે. પાંચ- છ દુકાને ફરવું પડે તો ફરજો પણ આ કામ પતાવવાનું ભૂલતા નહીં.'

'જી.' આજ્ઞાંકિત સાળાએ જવાબદારી સ્વીકારી લીધી. અમદાવાદથી બરવાળા સુધી બાઇક પરજતી વખતે મગજમાં એક પછી એક વિચાર આવીને ઘૂમરાયા કરતા હતા. કોઇ પણ અજાણી જગ્યાએ પ્રવેશ માટે આદર્શ ગૃહિણી જેવી સ્ત્રી સાથે હોય તો કામ સરળ બની જાય એની વિજુભાને ખબર હતી, પણ શ્રીમતીજી આવા કામમાં કોઇ કાળે સાથ ના આપે એની ખાતરી હતી એટલે એ વિચાર પડતો મૂક્યો.

બરવાળા ઘેર પહોંચ્યા પછી બહુ શાંતિથી સ્કૂલનો પરિપત્ર વાંચ્યો. બે વાર વધી વિગત વાંચી એટલે આંખ સામે ચિત્ર સ્પષ્ટ થયું.
***


બાવીસમી તારીખે સવારે છે વાગ્યે સ્કૂલના કમ્પાઉન્ડમાંથી ઊપડેલી લક્ઝરી બસો રસ્તામાં બે સ્થળે ચા- નાસ્તા માટે ક્યાં રોકાશે એની પણ વિગત આપેલી હતી. સાડા બારે આબુ પહોંચ્યા પછી સ્કૂલવાળાએ પાંચ દિવસ માટે આખો રિસોર્ટ બુક કરાવેલો હતો. પાંચેય દિવસના કાર્યક્રમની વિગત કાગળમાં હતી.

રોયલ રાજપૂતાના રિસોર્ટમાં ફ્રી વાઇફાઇથી માંડીને જિમ, સ્પા અને સ્વિમિંગ પૂલની પણ સગવડ હતી. વિશાળ લોનામાં રોજ રાત્રે કેમ્પ ફાયર. સવારે નવ વાગ્યે નાસ્તા પછીના બે અઢી કલાકમાં વિદ્યાર્થીઓ પોતાના ગૃપમાં આજુબાજુમાં ફરી શકે એ રીતેની છૂટ આપેલી હતી. ગુરૂશિખર, નખી તળાવ કે સનસેટ પોઇન્ટ જેવી જગ્યાએ સમૂહમાં જવાનું હતું ત્યારે દરેક માટે યુનિફોર્મ ફરજિયાત હતો.
***


આજે સાતમી તારીખ થઇ. મોબાઇલમાં ચકાસીને વિજુભાએ ખાતરી કરી લીધી. પ્રવાસ સત્તરમી તારીખે સવારે શરૂ થવાનો હતો. દસ દિવસની મૂડી હાથમાં છે એનો ઉપયોગ કરીને આબુમાં સેટિંગ ગોઠવવાનું હતું. બંને છોકરીઓને ઉઠાવી લીધા પછી એમને ક્યાં રાખવી અને કઇ રીતે રાખવી એ માટે પાકી તૈયારી કરવાની હતી.

એ અગાઉ રોયલ રાજપૂતાના રિસોર્ટની ભૂગોળથી પરિચિત થવાનું હતું. દેલવાડા જૈન મંદિર જવાના રોડ ઉપર સહેજ અંદરની બાજુએ આ મોંઘોદાટ રિસોર્ટ આવેલો હતો.

કાલે કનુભા અને મનુભા બરવાળા આવી જાય એ પછી એમને લઇને આબુ પહોંચી જવાનું હતું. મૂળ ગોધાવીના પણ વર્ષોથી આબુ રોડમાં રહેતા માવજીભાઇને શોધી કાઢવાના હતા. આબુરોડમાં માવજીભાઇનો પ્રોવિઝન સ્ટોર હતો એટલી ખબર હતી. એમને કોઇક બીજું કારણ બતાવીને એમની મદદ લેવી પડશે.

બીજી સવારે કનુભા અને મનુભા આવી ગયા. હાથમાં સ્માર્ટ ફોન આવ્યા પછી એ બંને બંધાણી થઇ ગયા હતા. એમના આ શોખને લીધે એમણે જે જ્ઞાન મેળવ્યું હતું એનો વિજુભાએ સદુપયોગ કર્યો. યુનિફોર્મ પહેરેલી એક ઉંમરની બધી છોકરીઓ સાથે હોય ત્યારે થોબડું પારખવામાં તકલીફ પડે એનો વિજુભાને ખ્યાલ હતો. મનુભા થોડો વધુ ચાલાક હતો. એની મદદથી ફેસબુકમાંથી એ બંને છોકરીઓના ઢગલાબંધ તાજા ફોટા મળશે એવી વિજુભાને ખાતરી હતી. પણ એ બધા કામ આબુ પહોંચ્યા પછી.

મારૂતિ વાનને સર્વિસ કરાવીને અપટુડેટ તૈયાર કરાવી દીધી હતી.

બંને ભાઇઓના આગમનથી શ્રીમતીજી ખુશ હતાં. ભાઇઓને ભાવે એવું ભોજન બનાવ્યું હતું. જમ્યા પછી વિજુભાએ બંને સાળાઓને આછી રૂપરેખા સમજાવીને સ્પષ્ટતા કરી. 'જોખમ છે, પણ એ ઉઠાવ્યા વગર છૂટકો નથી. બંને મોટા ભાઇઓ ફસકી ગયા પછી એકલા હાથે બીડું ઝડપ્યું ત્યારે મનમાં એક જ વિચાર હતો કે જો કનુભા અને મનુભા સાથ આપે તો બીજા કોઇની સાડીબાર નથી. તમે તો છેક સુધી સાથ આપશોને?'

એકબીજાની સામે જોઇને એ બંને ભાઇઓએ આંખોથી જ સંતલસ કરી લીધી.

'છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહીશું એથી વિશેષ કંઇક કહેવાની જરૂર છે?' કનુભાએ હસીને ઉમેર્યું. 'થ્રિલર પિક્ચર જેવી મજા આવશે.'

'મજા તો માત્ર પિક્ચર જોનારાને આવે. અંદર સંડોવાયેલા માટે તો પળેપળ કટોકટી ભરેલી હોય છે.' જોખમનો નિર્દેશ કરીને વિજુભાએ ઉમેર્યું. 'એ છતાં આપણા ત્રણેયની લાઇન ઓફ થિન્કિંગ એક સરખી છે એટલે ટેન્શનમાં પણ તલીફ નહીં પડે. ધારો કે આપણે ત્રણેય એક સાથે ફસાયા હોઇએ અને મોં બંધ રાખવું પડે એવું હોય તો પણ એકબીજાના મનમાં કયો વિચાર રમે છે એની ત્રણેયને ખબર હોય એ બહુ મોટી વાત છે. હવે વિજુભા આમ જ કરશે એની તમને બંનેને ખબર હોય અને તમે બંને આવું કરશો એની મને ખાતરી હોય એને લીધે આપણી ટીમને હરાવવાનું કામ સહેલું નથી.'

બંનેને બિરદાવવા માટે એણે આગળ કહ્યું. 'સામેની પાર્ટી ઊંચી નોટ છે. અબજોપતિ છે અને બધેય ઓળખાણ છે. એ છતાં, તમે બંને મારી સાથે છો એટલે હું નિશ્ચિંત છું.'
***


બીજા દિવસે સવારે છે વાગ્યે વિજુભાએ વાન સ્ટાર્ટ કરી. 'નોનસ્ટોપ પાલનપુર. ત્યાં જમાવની રીસેસ. એ પછી નોનસ્ટોપ માઉન્ટ આબુ.'

પાલનપુર અગાઉ હાઇવે પરની હોટલ પાસે વિજુભાએ વાન ઊભી રાખી. બંને સાળાઓને જમાઇની જેમ સાચવીને રાજી રાખવાના હતા એટલે હોટલમાં આઇટમો પસંદ કરવાની જવાબદારી પણ વિજુભાએ એમને સોંપી દીધી.

ત્રણ વાગ્યે માઉન્ટ આબુ પહોંચ્યા પછી વિજુભાએ વાનને સીધી દેલવાડા રોડ ઉપર લીધી. રોયલ રાજપૂતાના રિસોર્ટની આજુબાજુ કે સામે બીજી હોટલ્સ તો હશે જ. એવી હોટલ પસંદ કરવાની હતી કે જેથી રૂમમાં બેસીને પણ રિસોર્ટ ઉપર નજર રાખી શકાય. રસ્તાની બંને બાજુ નજર રાખીને એ એકદમ ધીમી ગતિથી વાન ચલાવી રહ્યો હતો.

વાહ! રોયલ રાજપૂતાના રિસોર્ટના ભવ્ય પ્રવેશદ્વારની સામે જ ‘હોટેલ નવભારત’ હતી. હોટલના રૂમ બાલ્કનીવાળા હતા. બાલ્કનીમાં બેસો તો રિસોર્ટની ગતિવિધિ આરામથી દેખાય. વાનને રસ્તા પર ઊભી રાખીને વિજુભાએ બધી બાલ્કની સામે નજર કરી. કઇ બાલ્કની સૌથી વધુ અનુકૂળ પડશે એનો અંદાજ મેળવી લીધા પછી વાનને હોટલના પાર્કિંગમાં લીધી અને ત્રણેય રિસેપ્શન કાઉન્ટર પર પહોંચ્યા.

'અમદાવાદમાં માર્બલનો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે એટલે આબુરોડના અને આજુબાજુના આરસના મોટા વેપારીઓને મળીને જાણકારી મેળવવાની છે.' વિજુભાએ રિસેપ્શન કાઉન્ટર પર બેઠેલા ક્લાર્કને સમજાવ્યું. 'બે રૂમ દસેક, દિવસ માટે રાખવાના છે, અને અમદાવાદી છીએ એટલે રેટ રિઝનેબલ કરી આપો.'

બહુ સ્વાભાવિકતાથી એ બોલેલા એટલે સારા એવા ડિસ્કાઉન્ટ સાથે જોઇતી હતી એ બે રૂમ મળી ગઇ. પ્રવાસનો થાક હતો એટલે સાંજે સાત વાગ્યા સુધી આરામ કરીને એ ત્રણેય નીચે રિસેપ્શન પાસે આવ્યા. આ હોટલમાં માત્ર ચાની જ સગવડ હતી. સારું જમવાનું ક્યાં મળશે એનું એ ક્લાર્ક પાસેથી માર્ગદર્શન મેળવીને ત્રણેય પગપાળા જ નીકળી પડ્યા. પર્વતીય હવામાં ગુલાબી ઠંડક ભળી હતી એટલે આરામથી ટહેલતા જવામાં ત્રણેયને મજા આવી.

પહેલા ત્રણ દિવસ બંને સાળાઓને માત્ર મજા જ કરાવવાની હતી એટલે બાર સાથે રેસ્ટોરેન્ટ હતું ત્યાં જ વિજુભા એમને લઇ ગયા. બહુ લિજ્જતથી દારૂ અને ચિકનની મજા માણ્યા પછી ધીમે ધીમે હોટલમાં પહોંચીને ત્રણેય ઊંઘી ગયા.

ત્રણ વાગ્યે માઉન્ટ આબુ પહોંચ્યા પછી વિજુભાએ વાનને સીધી દેલવાડા રોડ ઉપર લીધી. રોયલ રાજપૂતાના રિસોર્ટની આજુબાજુ કે સામે બીજી હોટલ્સ તો હશે જ. એવી હોટલ પસંદ કરવાની હતી કે જેથી રૂમમાં બેસીને પણ રિસોર્ટ ઉપર નજર રાખી શકાય.

બીજા દિવસે સવારે વિજુભાએ વાનને પર્વત પરથી નીચે ઉતારી. આબુ રોડ ગામની બજારમાં પહોંચીને પૂછપરછ કરીને માવજીભાઇની દુકાન શોધી કાઢી.

'માવજીકાકા, ઓળખાણ પડી? હું વિજુભા. જિતુભાનો નાનો ભાઇ.'

'આવો આવો.' ગામનો જૂનો સંબંધ યાદ કરીને માવજીભાઇએ પ્રેમથી આવકાર આપીને કહ્યું. 'જિતુભાબાપુ તો બે-ત્રણ વાર ફુલ યુનિફોર્મમાં અહીં આવી ગયેલા, પણ તમે પહેલીવાર આવ્યા.'

'એ પોલીસ અધિકારી એટલે ઓન ડ્યુટી ફરવા પણ મળે. મારે ખેતીવાડી અને જમીનનો કારોબાર સંભાળવાનો એટલે બહાર નીકળવાનું ઓછું બને.' માવજીભાઇની ભલમનસાઇ અને ભોળપણ પારખી લીધા પછી વિજુભાનો આત્મવિશ્વાસ વધી ગયો. આ ભોળિયાને બાટલામાં ઉતારવાનું કામ અઘરું નથી.

'માવજી કાકા, આ બંને મારા સાળાસાહેબ છે.' અવાજમાં શક્ય એટલી લાચારી ઉમેરીને વિજુભાએ માવાજીભાઇ સામે જોયું. 'ખાસ એમના કામ માટે જ અહીં આવ્યો છું. એ કામમાં તમારે પણ મદદ કરવી પડશે.' સહકાર આપવા તત્પર હોય એ રીતે માવજીભાઇ ધ્યાનથી સાંભળતા હતા.
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી