‘પૈસા નથી મળવાના એ ખબર પડે ને પોલીસનો ત્રાસ વધે ત્યારે શું કરશો? એ દીકરીઓને ચૂંથી નાખવાની ગુંડાઓને છૂટ આપશો?’

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Oct 04, 2018, 12:05 AM IST

પ્રકરણઃ83
જિતુભાની
ડેલીમાં જિતુભા અને પ્રભાતસિંહ ધ્યાનથી સાંભળતા હતા. પાકી તૈયારી કરીને આવેલો હોવાથી વિજુભા મુદ્દાસર અને તર્કબદ્ધ બોલી રહ્યો હતો.

'ડાહ્યો માણસ જાહેરમાં ક્યારેય પોતાની નબળાઇ દેખાડે નહીં. નબળી કડીનું પ્રદર્શન કરવાની મૂર્ખામી એ ના કરે. વિભાકરનો ડોસો મરી ગયો ત્યારે આપણે ત્રણેય એના બંગલે ખરખરો કરવા ગયેલા, એ યાદ છે ને? એ તો વાંઢો છે, પણ એના બંને ભાઇઓ પરણેલા છે અને એમનાં સંતાનો ઉપર વિભાકરને માયા છે. એ દિવસે આપણે બેઠા હતા ત્યારે ચૌદ- પંદર વર્ષની બે છોકરીઓએ આવીને વિભાકરના કાનમાં જે રીતે કંઇક ગપસપ કરી હતી, ત્યારે વિભાકર બહુ ધ્યાનથી સાંભળતો હતો. એ છોકરીઓનાં મા- બાપ પણ હાજર હતા એ છતાં ખાનગી વાત કહેવા માટે એમણે કાકા ઉપર ભરોસો કર્યો.

'એ છોકરીઓને એક ઉઝરડો પણ ના પડે એની કાળજી રાખવાની જવાબદારી મારી. આપણા માટે એ બેરર ચેક છે એમ માનીને આપણી દીકરીઓની જેમ જ સાચવવાની. અલબત્ત, વિભાકરને ધમકાવીને ધ્રૂજાવી દેવા માટે હલકામાં હલકી ભાષામાં ખરાબ પરિણામની ધમકી આપવાની, પણ છોકરીઓને સાચવવાની.'

પોતે પૂરેપૂરી તપાસ કરી ચૂક્યો છે એ બતાવવા માટે વિજુભાએ આગળ કહ્યું. 'જે દેશમાં જવાનું હોય એના નકશાનો આગળથી અભ્યાસ કરી લીધો હોય તો ફાયદો થાય. એ ગણતરીથી કાકાની લાડકી એ બંને દીકરીઓ કઇ સ્કૂલમાં ભણે છે એની જાણકારી મેળવી લીધી હતી.

નસીબજોગે અમદાવાદમાં એક દોસ્તાર છે એની દીકરી પણ એ જ સ્કૂલમાં જ ભણે છે. આ ત્રણ દિવસમાં એના ઘેર ફોનાફોની કરીને જાણકારી મેળવી કે સ્કૂલમાંથી ચાર- પાંચ દિવસનો પ્રવાસ ઉપડવાનો છે. વિભાકરની ભત્રીજીઓ પણ એ પ્રવાસમાં જવાની છે. માઉન્ટ આબુમાંથી એ છોકરીઓને ઉપાડી લઇએ અને પછી ધમકી આપીએ તો વિભાકરની હવા નીકળી જાય.'

છોકરીઓના અપહરણની વાત સાંભળીને જિતુભાના ચહેરાની રેખાઓમાં જે ફેરફાર થયો હતો એ પારખીને વિજુભાએ તરત ખુલાસો કર્યો. 'એ છોકરીઓને એક ઉઝરડો પણ ના પડે એની કાળજી રાખવાની જવાબદારી મારી. આપણા માટે એ બેરર ચેક છે એમ માનીને આપણી દીકરીઓની જેમ જ સાચવવાની. અલબત્ત, વિભાકરને ધમકાવીને ધ્રૂજાવી દેવા માટે હલકામાં હલકી ભાષામાં ખરાબ પરિણામની ધમકી આપવાની, પણ છોકરીઓને સાચવવાની.'

'ઓ.કે. માઉન્ટ આબુમાંથી છોકરીઓનું અપહરણ કર્યું અને વિભાકરને ધમકી આપી. પછી?' આંખો ઝીણી કરીને જિતુભાએ વિજુભાને પૂછ્યું. 'પછી શું?'

'પછી શેઠને ધમકી આપીને પૈસા માગવાના.' વિજુભા બોલ્યો. 'શાબાશ!' જિતુભાના અવાજમાં વ્યંગનો રણકો ભળ્યો. 'ફોન મળશે કે તરત વિભાકર ચેકબૂક લઇને દોડતો આવીને આપણને ત્રણેયને બીજા સાંઇઠ કરોડના ચેક હાથમાં આપી દેશે.' મોં મલકાવીને એમણે પૂછ્યું. '...કે ખટારામાં બસો કરોડ લઇને ધમધમાટ કરતો આવીને આખો ખટારો તમને આપીને ભત્રીજીઓને લઇને જતો રહેશે!'

વિજુભા અને પ્રભાતસિંહ એમની સામે જોઇ રહ્યા હતા. 'વિજુભા! આપણો દુશ્મન કોઇ હાલીમવાલી નથી.' સૌથી મોટા ભાઇ તરીકે જિતુભાએ ગંભીરતાથી સમજાવ્યું. 'આખી પોલીસ ફોર્સ એની પડખે ઊભી રહેશે ત્યારે તમારી હાલત કફોડી થઇ જશે.'

'તમારી એટલે?' વિજુભાએ તરત પૂછ્યું. 'આપણો જોઇન્ટ પ્રોજેક્ટ છે, એમાં આપણી કહેવાને બદલે મારા એકલાની વાત ક્યાંથી આવી?'

'પ્રભાતસિંહને જે નિર્ણય કરવો હોય એ કરે, એ એમની મરજી. બાકી, આ જે પ્રોજેક્ટ તેં કહ્યો એમાં હું ભાગીદાર નથી.' જિતુભાએ રણકતા અવાજે ઇન્કાર કરીને સમજાવ્યું. 'વિભાકરની તરફદારી નથી કરતો, પણ વાસ્તવિકતા તરફ આંગળી ચીંધું છું. એણે આપણને છેતરીને, ભવિષ્યના લાભની જાણકારી આપ્યા વગર સોદો કર્યો એ કબૂલ પણ એ એની ધંધાદારી સૂઝ કહેવાય. એ છતાંય, એની પાસેથી થોડી ઘણી વધારે રકમ મેળવવા માટે આપણે દાદાગીરી કરીએ તો એમાં હું તમને સાથ આપવા તૈયાર હતો.'

સહેજ અટકીને એમણે બંને ભાઇઓ સામે જોયું. 'પંદર-પંદર વર્ષની એની બે ભત્રીજીઓને ઉપાડી લાવવાની વાત સાવ ખોટી. એમાં હું સાથ ના આપું. એનાં અનેક કારણ છે. આ કામ માટે ભાડૂતી માણસોની મદદ પણ લેવી પડે એ મવાલીઓ આ દીકરીઓ ઉપર દાનત બગાડે તો? માત્ર પૈસા માટે આવું હલકું કામ કરવાનું આપણને ના શોભે. બીજી વાત વધુ મહત્ત્વની છે. ધારો કે વિભો પૈસા આપવાની ચોખ્ખી ના પાડે તો શું કરશો? એ પોલીસની ઘોંસ વધારી દે તો? પૈસા નથી મળવાના એ ખબર પડે ને પોલીસનો ત્રાસ વધે ત્યારે શું કરશો? એ દીકરીઓને ચૂંથી નાખવાની ગુંડાઓને છૂટ આપશો? એ બંનેને મારી નાખશો? બોલો, શું કરશો તમે?'

તંગ ચહેરા સાથે ઉશ્કેરાટથી સવાલોની ઝડી વરસાવીને એ અટક્યા. 'વિજુભા, મારા પક્ષે એક વાત સમજી લો. દાદાગીરી સુધી ઠીક છે, બાકી ખાનદાની અને ખમીરને નેવે મૂકીને આવી લડાઇ માટે હું તૈયાર નથી. મારા મનમાં એમ કે તમે કોઇ સાચો આઇડિયા શોધ્યો હશે પણ તમે તો ઊંધું માર્યું! વિભો બહાર હશે ત્યાં સુધી એ તમારી એકેય ચાલ સફળ નહીં થવા દે.'

બંને ભાઇઓના ખભે હાથ મૂકીને એ ખુરસીમાંથી ઊભા થયા અને ધીમા પગલે ફળિયામાં ચક્કર મારવાનું શરૂ કર્યું. બંનેની સામે આવીને એ ઊભા રહ્યા.

'દીકરીઓને પિક્ચરમાં લાવવાની કોઇ જરૂર નથી. પકડવો જ હોય તો વિભાકરને પકડીને પૂરી દો. એ પછી એના બંને ભાઇઓને ફફડાવી દો. એ બંને ગાય જેવા છે. મોટાભાઇને બચાવવા માટે એ મથીને પણ જોગવાઇ કરી આપશે.' લગીર વિચારીને જિતુભાએ રસ્તો બતાવ્યો.

'વિભાકરને છોડાવવા માટે એ બંને રાતી પાઇ પણ નહીં પરખાવે.' અત્યાર સુધી શાંત રહેલો વિજુભા ઉછળ્યો. 'વિભો એમનો સગો ભાઇ નથી, સાવકો ભાઇ છે. ડોસાએ આપઘાત કર્યો એ અગાઉ વસિયતમાં એણે તમામ મિલકત વિભાને લખી આપી છે. એને લીધે એ બંનેના મનમાં ચચરાટ તો હશે જ. વિભાને પકડીને એમની પાસે પૈસાની માગણી કરીએ તો તો એમને લોટરી લાગી હોય એવું લાગે. વિભો મરે તો એમને ફાયદો જ થવાનોને? એ લોકો પૈસા શા માટે આપે?'

'સ્વાર્થ અને પૈસાની લાલસા સિવાય સંબંધોમાં સ્નેહ જેવી બીજી લાગણીઓ હોય છે, વિજુભા! ભાઇ મરે તો દલ્લો મળે એવી નીચતા બધા ભાઇઓમાં ના હોય.' આ ચર્ચા પતાવવા માટે જિતુભાએ બંને નાના ભાઇઓ સામે હાથ જોડ્યા. 'દાદાગીરી કરીને વિભાકરને ઠમઠોરવાનો હોય તો હું તમારી સાથે છું. પરંતુ એના કુટુંબની દીકરીઓને દાવમાં મૂકવા હું તૈયાર નથી. તમારા બંનેના મનમાં જે સૂઝે એ કરો. હું ક્યાંય પિક્ચરમાં નથી. ભાલે ભરાવ તો મારી મદદની આશા પણ નહીં રાખવાની.'

એ બોલતા હતા ત્યારે પ્રભાતસિંહ વિચારતા હતા. એ પણ ખુરસીમાંથી ઊભા થઇ ગયા. 'વિજુભા, દીકરીઓના અપહરણનો ખેલ માંડી વાળો. પ્રકરણ લાંબું થાય, સતત ઉચાટ રહે અને અંત બરબાદી સિવાય કશું ના મળે. ખોટું ના લગડતા, પણ આ મામલે હું પણ તમારી સાથે નથી.'

વિજુભાનો ચહેરો ગુસ્સાથી લાલઘૂમ થઇ ચૂક્યો હતો. નસકોરાં ફૂલી ગયાં હતાં. હાથી મુઠ્ઠીઓ સજ્જડ બંધ થઈ ગઈ હતી. પગ પછાડીને એ ખુરસીમાંથી ઊભો થયો. બંને ભાઇઓ સામે તિરસ્કારથી જોઇને એ દાંત ભીંસીને બોલ્યો. 'એ વિભાકરીયાથી ડરીને તમે બંને ફસકી ગયા એ જાણું છું. હું એ માણસને માફ નથી કરવાનો. વન મેન આર્મીની જેમ મારી રીતે પ્લાન બનાવીશ. તમે બંને પિક્ચરમાં નથી એટલે મારા એકલા માટે ચાલીસ- પચાસ કરોડ ખંખેરવાનું કામ સરળ બનશે.' ડેલીની બહાર જવા માટે પગ ઉપાડતી વખતે એણે હુંકાર કર્યો. 'ઊડતાં પંખી પાડવાની આવડત છે મારામાં. મેં જે ધાર્યું છે એ કરી બતાવીશ.' ચપટી વગાડીને એ અભિમાનથી બોલ્યો. 'બંને ભત્રીજીઓ મારી મુઠ્ઠીમાં હશે એટલે એનો કાકો કાકા કહીને પચાસ કરોડ આપશે.'

પાછળ નજર કર્યા વગર એ સડસડાટ ડેલીમાંથી બહાર નીકળી ગયો.

'હાથી ગાંડો થયો છે.' પ્રભાતસિંહે તરત પ્રતિભાવ આપીને જિતુભાને પૂછ્યું. 'હવે એ વન મેન આર્મી શું કરશે?'

'વિજુભાના બે સાળાસાહેબ ચરતા ઘોડા વેચી આવે એવા કાબા છે. બેઠી આવક છે એટલે કંઇ કામધંધો કરતા નથી. વિજુભા હવે એ બંનેને પકડશે અને ધંધે લગાડી દેશે. સારાસારના વિવેક વગર એ ત્રિપુટી તોફાન કરશે અને છેલ્લે જેલમાં જશે ત્યારે જંપશે.' જિતુભાએ નિરાશાથી માથું ધુણાવ્યું. 'આપણે આ ચેપ્ટરથી દૂર જ રહેવાનું. એને જે કરવું હોય એ કરે.'

થોડી વાર પછી પ્રભાતસિંહે પણ વિદાય લીધી.

વિજુભાના લમણાની નસો ફાટફાટ થતી હતી. હાઇવે પર પહોંચ્યા પછી ભૂખનું પણ ભાન થયું એટલે પહેલી જે હોટલ દેખાઇ ત્યાં બાઇક પાર્ક કરીને અંદર પ્રવેશ કર્યો. પેટપૂજા પતાવીને છેલ્લે ઠંડી લસ્સી પીધા પછી મગજ થોડું શાંત થયું. વિભાકર ઉપર જેટલો ગુસ્સો હતો એટલે જ ગુસ્સો અત્યારે બંને ભાઇઓ ઉપર ધૂંધવાઇ રહ્યો હતો.

બીકણ! બાયલા! બહાર બાઇક પાસે બાંકડા ઉપર બેસીને એક પછી એક સિગારેટ ફૂંકતી વખતે એ મનોમન બંને ભાઇઓ પ્રત્યેનો ધિક્કાર ઠાલવી રહ્યો હતો.

વિભો આઝાદ કઇ રીતે કહેવાય? એની બંને ભત્રીજીઓ મારા કબજામાં હોય ત્યારે એની દશા ગુલામ જેવી જ થઇ જશે. પથ્થર નીચે પગ હોય ત્યારે પરાક્રમ કરવાના ધખારા ના કરાય એટલી અક્કલ તો એ શેઠિયામાં હશેને?

'દાદાગીરી કરીને વિભાકરને ઠમઠોરવાનો હોય તો હું તમારી સાથે છું. પરંતુ એના કુટુંબની દીકરીઓને દાવમાં મૂકવા હું તૈયાર નથી. તમારા બંનેના મનમાં જે સૂઝે એ કરો. હું ક્યાંય પિક્ચરમાં નથી. ભાલે ભરાવ તો મારી મદદની આશા પણ નહીં રાખવાની.'

પોતે જે નક્કી કર્યું છે એ સાચું જ છે એ સાબિત કરવા માટે એ જાતે જ દલીલો વિચારી રહ્યો હતો.

મને સાથ આપવામાં મોટા ભાઇ જિતુભાને રસ નથી અને કાકાબાપુના દીકરા પ્રભાતસિંહની ફફડે છે. એ દશામાં પોતે એકલા જ આગળ વધીને વિજેતા થઇને એ બંનેને બતાવી આપવાનું છે એ એક જ વિચાર હવે મગજમાં ઘૂંટાતો હતો. વિભાકરને બદલે બંને ભાઇઓ પોતાનો ખેલ પોતાની તાકાત જોઇને ચકરાઇ જાય એ ધ્યેય સાથે આગળ વધવાનું એણે નક્કી કરી લીધું હતું.

ખરાખરીનો ખેલ કરવાનો હોય એમાં આવા ઢીલા- પોચા માણસોનું કામ નહીં. એ બંને અલગ થઇ ગયા એ એક રીતે તો સારું જ થયું. મનને મનાવવા માટે આવા વિચાર સાથે વિજુભાએ ગાંઠ વાળી કે ઇસ પાર યા ઉસ પાર. ક્યાંય કશુંયે કાચું કપાય નહીં એની પૂરી કાળજી રાખીને મિનિટે મિનિટનું પ્લાનિંગ કરવું પડશે. પ્રવાસની પૂરેપૂરી વિગત જાણી લીધા પછી અઠવાડિયા અગાઉથી જ માઉન્ટ આબુમાં ધામા નાખવા પડશે. ખર્ચાની પરવા કર્યા વગર જે સાથીઓને સાથે લેવાનો છે એમને જલસા કરાવવા પડશે. જોરદાર ટીમ હોય અને હિંમત હોય તો આ કામ અઘરું નથી. પોતાના હાથમાં ફુલ્લી લોડેડ રિવોલ્વર હોય અને એની બંને ભત્રીજીઓ રડતી હોય એ દશામાં વિભાકરે હાથ જોડીને હાર માનવી પડશે.

સાથીઓનો વિચાર આવ્યો એની સાથએ જ વિજુભાની આંખ સામે બંને સાળાઓના ચહેરા તરવરી ઊઠ્યા. એ બંનેમાં અક્કલ થોડીક ઓછી હતી પણ જે કહીએ એ કામ કરવામાં પાછી પાની ના કરે. બનેવી હુકમ કરે તો જીવના જોખમે પણ જવાબદારી નિભાવે એનવી નિષ્ઠા હતી. આનાથી વધારે શું જોઇએ?

મોં પર મલકાટ સાથે એણે મોબાઇલ હાથમાં લીધો અને મોટા સાળાનો નંબર જોડ્યો.

'કનુભા, જલસા છેને?' વિજુભાના અવાજમાં ઉત્સાહ હતો. 'તમે ને મનુભા કાલનો દિવસ આરામ કરી લો. કાલે હું મારા અહીંનાં કામ નિપટાવી લઇશ. પરમ દિવસે તમે બંને ભાઇઓ બરવાળા આવી જાવ. આખો દિવસ તમારા બહેનબા જોડે જલસાથી વાતો કરજો. એ પછી આપણે રાજસ્થાનના પ્રવાસે જવાનું છે. માઉન્ટ આબુ અને એની આજુબાજુમાં પંદરેક દિવસ રહીને એક ખજાનાની ચાવી ગોતવાની છે. ખજાનો હાથમાં આવશે તો તમનેય માલામાલ કરી દઇશ. મનુભાને લઇને પરમ દિવસે આવી જાવ. અમે રાહ જોઇશું.'
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી