‘આજની તારીખમાં પણ વિભાદાદા યંગ લાગે છે અને ગીતાની પણ ઉંમર દેખાતી નથી. વિભાદાદાને સમજાવો કે હજુય કંઇ મોડું ના કહેવાય...’

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Oct 03, 2018, 10:28 AM IST

પ્રકરણઃ82
જિતુભા ઊભા થઇને જતા રહ્યા એ પછી પ્રભાતસિંહની ડેલીમાં વિજુભાનો બબડાટ ચાલુ હતો. 'હું એ વિભાકરીયાની વાટ લગાવી દઇશ. એણે સસલાના શિકાર કર્યા હશે, પણ સિંહ સાથે પનારો પહેલી વાર પડ્યો છે.' દરેક વાક્યની સાથે મા-બહેન સમાણી ગાળ ઉમેરીને એ ગુસ્સો ઠાલવી રહ્યો હતો. 'બેવકૂફ બનાવીને લૂંટે એ બદમાશની પાછળ બામ્બુ ના ભરાવું તો મારું નામ વિજુભા નહીં!'

દારૂના નશામાં એ જે બબડાટ કરતો હતો એ રોકવા માટે પ્રભાતસિંહ હળવે રહીને એને ખુરસીમાં વ્યવસ્થિત બેસાડ્યો.

'વિજુભા, એક વાત સાંભળી લો.' પ્રભાતસિંહે સખ્તાઇથી સ્પષ્ટતા કરી. 'જિતુભાબાપુ સાથે હશે તો જ હું તમને સાથ આપીશ. તમને ખુદની જવાબદારીનું તો ભાન નથી. ખોટી ટણીમાં અમનેય ભાલે ભરાવશો.' અવાજમાં નરમાશ ઉમેરીને એમણે સમજાવ્યું. 'નશો ઊતરે એ પછી જિતુભાબાપુની માફી માગીને વચન આપજો કે ફરીથી ભૂલ નહીં થાય. તમારા મોટાભાઇએ અગાઉ અનેક વાર તમારી મૂર્ખામી માફ કરેલી છે. ટૂંકમાં, અત્યારે તમે એકલા છો. તમારા ચાળે ચડીને જેલમાં જવાની મારી તૈયારી નથી. સમજાય છે મારી વાત?'

બે હાથ વચ્ચે માથું પકડીને બેઠેલા વિજુભાને હવે વાસ્તવિકતાનું ભાન થઇ ચૂક્યું હતું. 'આઇ એમ ગોઇંગ ટુ બીગ બ્રધર.' એણે ઊભા થવાનો પ્રયત્ન કર્યો કે તરત પ્રભાતસિંહે એને પાછો બેસાડી દીધો. 'નશામાં જઇને આવી રીતે ઇંગ્લિશમાં લવારી કરશો તો એ વધુ ચીડાશે. સવારે જઇને માફી માગી લેજો. અત્યારે આરામથી ઊંઘી જાવ.'
***
વિભાકર હજુય વિચારમગ્ન દશામાં ઊભો હતો. ગીતાની જીપ રવાના થઇ એ પછી પાછળથી લાલ લાઇટ દેખાઇ ત્યાં સુધી એ તરફ એ તાકી રહ્યો હતો. યંત્રવત્ પગ ઉપાડીને એ પાછો ફરી રહ્યો હતો ત્યારે પણ આંખ સામે ગીતાનો ચહેરો તરવરતો હતો. વિખૂટા પડેલાં પાત્રોને નસીબ કઈ રીતે ક્યાં ભેગા કરે છે?

‘જિતુભાબાપુ સાથે હશે તો જ હું તમને સાથ આપીશ. તમને ખુદની જવાબદારીનું તો ભાન નથી. ખોટી ટણીમાં અમનેય ભાલે ભરાવશો. ટૂંકમાં, અત્યારે તમે એકલા છો. તમારા ચાળે ચડીને જેલમાં જવાની મારી તૈયારી નથી.’

એ અંદર ગયો ત્યારે ડ્રોઇંગરૂમમાં બધા એની સામે જોઇ રહ્યા.

'મંજુબાએ ભયાનક ભૂલ કરેલી.' અલકાએ અફસોસ વ્યક્ત કર્યો. 'એમણે જીભ ઉપર કાબૂ રાખ્યો હોત તો આટલી સરસ જેઠાણી અમને મળી હોત!'

'જો અને તોની બધી વાતોનો કોઇ અર્થ નથી.' વિભાકરે એકદમ હળવાશથી કહ્યું. 'આજે એ એની રીતે સુખી છે અને મારેય કોઇ દુઃખ નથી. ભૂતકાળનાં પોપડાં ઉખાડીને પીડા ઊભી નહીં કરવાની.'

'ચાલો, એ વાત જવા દો.' ભાવિકાએ બધાની સામે જોઇને અભિપ્રાય માગ્યો. 'શાલુબહેન અને સુભાષકુમારે આ જે ખેલ પાડ્યો એનું શું?'

'એ પણ ભૂલી જવાનું.' વિભાકરે સાહજિકતાથી કહ્યું. 'બિચારી શાલુને કંઈ ખબર જ ના હોય અને એના નામે સુભાષે કચકચાવીને ફરિયાદ મોકલાવી હોય એ શક્ય છે. આપણે એમની હાજરીમાં આ ઘટનાનો ઉલ્લેખ પણ નહીં કરવાનો. એ માણસ એની જિંદગીમાં ક્યારેય નહીં સુધરે એની મને ખાતરી છે. એની જોડે માથાકૂટ કરવાનો કોઇ અર્થ નથી.'

બીજી આડીઅવળી થોડીક વાતો કરીને બધા પોતપોતાના ઓરડામાં ગયા.

લાઇટ બંધ કર્યા પછી અલકાએ આદિત્યને કહ્યું. 'આજની તારીખમાં પણ વિભાદાદા યંગ લાગે છે અને ગીતાની પણ ઉંમર દેખાતી નથી. તમે અને ભાસ્કરભાઈ મળીને વિભાદાદાને આડકતરી રીતે સમજાવો કે હજુય કંઇ મોડું ના કહેવાય. હું ને ભાવિકા એ જ વિચારતાં હતાં કે બંનેની જોડી સરસ લાગે છે.'

આદિત્ય હસી પડ્યો. 'જે વિચાર તને ને ભાવિકાને આવ્યો એવો વિચાર એ બંનેના મગજમાં પણ ઝબક્યો હશેને? વિભાને સમજાવવાની કોઇ જરૂર નથી. એની ઇચ્છા હશે તો એ એની જાતે જ ગીતાને મનાવી લેશે. આ વિષયમાં કોઇ કોઇની સલાહ ના ગણકારે, માત્ર મનની મરજીને માને.'

'એ છતાં, તમે એના કાને વાત નાખજો. કહેજો કે ઘડપણમાં પોતાના માણસનો ટેકો જોઇએ. પંદર-વીસ વર્ષ પછીનું વિચારો એમ કહીને સમજાવજો.' એ બોલતી હતી અને આદિત્ય હોંકારો આપતાં આપતાં ઊંઘી ગયો.
***
પ્રભાતસિંહની ડેલીના ફળિયામાં જ ઊંઘી ગયેલો વિજુભા સવારે આઠ વાગ્યે ઊઠ્યો. ચા- પાણી પતાવીને એ ઊભો થયો. 'જિતુભાબાપુને ત્યાં જાઉં છું.' એના અવાજમાં મક્કમ નિર્ધારનો રણકાર હતો. પ્રભાતસિંહની સામે જોઇને એણે કહ્યું. 'મોટાભાઇના પગ પકડીને માફી માગીશ અને ખાતરી આપીશ કે આપણો આ પ્રોજેક્ટ પતે નહીં ત્યાં સુધી બાટલીને હાથ નહીં લગાડું. વચન પાળી બતાવીશ.'

'એ તમારી વાત માને તો ફરીથી ક્યારે મળવાનું છે એ મને કહેજો.' પ્રભાતસિંહે કહ્યું અને વિજુભાએ મોટરસાઇકલ સ્ટાર્ટ કરી.

ડેલીની વચ્ચોવચ ખુરસી નાખીને જિતુભા છાપુ વાંચી રહ્યા હતા. એમના પગ પાસે બેસીને વિજુભાએ ખરા હૃદયથી માફી માગી. દારૂ નહીં પીવું એવું વચન આપ્યું.

'એક કામ કરો.' જિતુભાએ શરત કરી. 'ત્રણ દિવસ બાટલીને અડ્યા વગર રહો. એ પછી ચોથા દિવસે પ્રભાતને લઇને આવો. 'વિજુભાએ સંમતિ આપીને અને ઊભો થયો ત્યારે જિતુભાએ કહ્યું. 'તમે તડીપાર છો એની ગામ આખાને ખબર છે. કારણ વગરના આંટાફેરા મારવાની જરૂર નથી. ગામમાં બધા આપણા હિતેચ્છુ નથી. કોઇક સળી કરશે તો ઉપાધિ થશે.'

'સૌથી પહેલી વાત એ કે એ બદમાશે આપણને બેવકૂફ બનાવ્યા છે એનો બદલો લેવાનો છે. આપણને છેતરીને એણે જે મોટો વહીવટ કર્યો છે, એમાંથી હિસ્સો ઝૂંટવી લેવો પડશે.'

'જી.' વિજુભાએ હકારમાં માથું હલાવ્યું અને વિદાય લીધી. ગામના ચોરા પાસે પાનના ગલ્લે બાઇક ઊભું રાખીને વિજુભાએ સિગારેટનું પેકેટ અને દિવાસળીનું બાકસ ખરીદ્યું. 'બાપુ, બપોર સુધી રોકાવાના?' પાનવાળાએ હસીને પૂછ્યું. 'લીંબડીથી મારા ત્રણ દોસ્તાર આવવાના છે એટલે ઇંગ્લિશની પાર્ટી ગોઠવી છે.'

'તું મને મરાવી નાખીશ, ટણપા! એક તો તડીપાર છું અને પીવા માટે મોટાભાઇએ હમણાં જ તતડાવ્યો છે.' વિજુભાએ કહ્યું. 'અત્યારે અહીંથી કિક મારીશ એટલે ટોપેટોપ બરવાળા પહોંચી જવાનું. એ પછી ત્રણ દાડા ફરકવાનો નથી. બરવાળામાં આલિશાન ડેલો ભાડે રાખ્યો છે એનું ભાડું તો વસૂલ કરવું પડેને? જય માતાજી!' એમ કહીને એણે ધમધમાટ બાઇક ભગાવી.

પાનના ગલ્લાવાળાનું છાપું લઇને જયંતી અર્ધો કલાકથી ત્યાં સ્ટૂલ ઉપર બેઠો હતો. નજર છાપામાં હતી પણ કાન આ તરફ જ હતા. વિજુભા ગયા એ પછી કલકત્તી મીઠા પાનના પૈસા ચૂકવ્યા, છાપુ પાછું ગલ્લા ઉપર મૂક્યું અને એણે પણ બાઇક ભગાવી.
***
ઓફિસે પહોંચીને એ વિભાકરની ચેમ્બરમાં ઘૂસ્યો. ‘ભાવનગર જિલ્લાના બરવાળામાં દરબારોની ખાસ્સી વસ્તી છે. વિજુભાએ ત્યાં મકાન રાખેલું છે.’ જે જે માહિતી મળી હતી એનો અહેવાલ એણે આપી દીધો.

'એ ત્રણેય ભાઇઓ વચ્ચે અંદરોઅંદરના ડખા ચાલુ રહેશે ત્યાં સુધી આપણે કંઇ ચિંતા કરવા જેવું નથી.' વિભાકરે સંતોષ વ્યક્ત કર્યો. 'બરવાળા તો ખોબા જેવડું ગામ છે. જરૂર પડે ત્યારે વિજુભાને ત્યાં શોધવામાં વાંધો નહીં આવે.'

જયંતી બહાર ગયો એ પછી થોડી વારે રિંગ વાગી એટલે વિભાકરે મોબાઇલ હાથમાં લીધો. સ્ક્રીન ઉપર આકાંક્ષાનું નામ જોઇને એને ખ્યાલ આવી ગયો કે એ અને ભૈરવી અત્યારે સ્કૂલમાં પ્રવાસની ચર્ચા કરતા હશે. 'બોલો, બકા.'

'વિભાકાકા, હું અને ભૈરવી અત્યારે ભાવસારસાહેબ પાસે ઊભાં છીએ. અમે કાશીબાની વાત કરી એટલે એ હસી પડ્યા. મેં એમને કહ્યું કે અમારા વિભાઅંકલ સાથે વાત કરો. એમને ફોન આપું છું.'

'ભાવસારસાહેબ, નમસ્તે. વિભાકર હરિવલ્લભદાસબોલું.'

'નમસ્તે સર. આ દીકરીઓએ જે વાત કહી એ મગજમાં સેટ નથી થતી. પ્રવાસમાં સ્ટુડન્ટ સિવાય બહારની વ્યક્તિને કઇ રીતે એલાઉ કરી શકાય?'

'અરે સાહેબ, મામલો સેન્ટિમેન્ટલ છે એટલે તમે કહો તો તમારી હાયર ઓથોરિટિને મળવા રૂબરૂ આવી જાઉં.' વિભાકરે હસીને સમજાવ્યું. 'મારી બંને ભાભીઓ ધેટ મીન્સ આ દીકરીઓની મમ્મીઓ પ્રવાસ માટે પરમિશન નથી આપતી. મેં એમને કહ્યું કે સ્કૂલવાળા પૂરેપૂરી કાળજી રાખશે. એ છતાં, એમના મગજમાં અવઢવ હતી એટલે મેં કહ્યું કે આપણે કાશીબાને સાથે મોકલીએ. એ ત્યાં છોકરીઓનું ધ્યાન રાખશે અને એ ઉપરાંત સ્કૂલના સ્ટાફને પણ મદદ કરશે. સાહેબ, સિત્તેર વર્ષનાં કાશીબા કડેધડે છે. તમે જે હેલ્પરો લેવાના હો એમાં આ એક વધારે. છોકરીઓના રૂમમાં એકસ્ટ્રા બેડ નંખાવી દેવાની. એમના ખર્ચ પેટે તમે જે રકમ કહો એ ચૂકવવા હું તૈયાર છું. કાશીબા માટે તમે ના પાડશો તો આ બંનેનું નામ પણ કેન્સલ થઇ જશે. પ્લીઝ, નિયમમાં થોડીક બાંધછોડ કરો તો છોકરીઓના નિસાસા ના લેવા પડે. બાકી બંને દુઃખી થઇ જશે. મની ડઝન્ટ મેટર. કહો એ રકમ મળી જશે. પણ આટલું સેટિંગ કરી આપો. હાયર ઓથોરિટિને પૂછવું જરૂરી હોય તો મારી આ લાગણી એમને સમજાવજો. પણ આટલી સેવા કરો.'

'ગેરંટી નથી આપતો પણ પ્રિન્સિપાલને તમારી લાગણી પહોંચાડીશ. એ યસ કહે તો તરત તમને ફોન કરીશ. મારી રીતે પૂરો પ્રયત્ન કરીશ.'

'થેંક્યુ... થેંક્યુ વેરી મચ ભાવસારસાહેબ, ઓલ ધ બેસ્ટ.' ફોન ઉપર વાત પૂરી કરીને વિભાકરે મનોમન શરત મારી કે જવાબ હકારાત્મક જ આવશે.

વિભાકરની ધારણા સાચી પડી. સાંજે જ ભાવસારનો ફોન આવ્યો. 'એ માજી રહેશે તમારી બંને દીકરીઓની સાથે જ પણ ઓન પેપર હેલ્પર તરીકે એમની એન્ટ્રી લઇશું જેથી ભવિષ્યમાં બીજા કોઇ પેરેન્ટ્સ આવી માગણી ના કરે.'

'નો પ્રોબ્લેમ. ભાવસારસાહેબ! થેંક્યુ વેરી મચ.' પ્રવાસને તો હજુ બાવીસ દિવસની વાર હતી એ છતાં, બંનં છોકરીઓ આજથી જ ખુશખુશાલ હતી.
***
વિજુભાએ વચન પાળ્યું હતું. બરવાળામાં ત્રણ દિવસ દારૂથી દૂર રહ્યા પછી ચોથી રાત્રે એ ગોધાવી આવ્યો. પ્રભાતસિંહના ઘેર જઇને એમને સાથે લઇને એ જિતુભાની ડેલીએ આવ્યો.

'બાપના બોલથી ફરી વાર વચન આપું છું કે ઓપરેશન વિભાકર નહીં પતે ત્યાં સુધી તમામ અપલખ્ખણ બંધ!' વિજુભાએ ગંભીરતાથી જાણકારી આપી.

'ઓ.કે. ઓ.કે. ભરોસાની ભેંસ પાડો ના જણે એનું ધ્યાન રાખજે, મારા ભાઇ!' જિતુભાએ એની સામે જોઇને પૂછ્યું. 'હવે બોલ, કરવાનું છે શું?'

હવે વિજુભા અસલ રંગમાં આવી ગયો. પ્રભાતસિંહ અને જિતુભાની તુલાનામાં પોતે વધુ શક્તિશાળી છે, અને એ હકીકત એ બંનેએ પણ સ્વીકારી લીધી છે એનો ખ્યાલ આવ્યા પછી એ પોતાનું મહત્વ સ્થાપિત કરતો હોય એમ બંનેની વચ્ચે ખુરસી પર ગોઠવાયો.

'સૌથી પહેલી વાત એ કે એ બદમાશે આપણને બેવકૂફ બનાવ્યા છે એનો બદલો લેવાનો છે. આપણને છેતરીને એણે જે મોટો વહીવટ કર્યો છે, એમાંથી હિસ્સો ઝૂંટવી લેવો પડશે.'

સહેજ અટકીને એ આગળ બોલ્યો. 'ધારું તો બાર કલાકની અંદર વિભાકરનો ખેલ ખતમ કરી નાખું. એ બંગલાની બહાર નીકળે ત્યાં જ ભડાકે દઇ દઉં તો વાર્તા પૂરી પણ એમાં આપણા હાથમાં શકોરુંય ના આવે! એને પૂરેપૂરો પાઠ ભણાવવાનો અને પૈસા પડાવવાના આ બંને કામ સાથે કરવા માટે એક જ રસ્તો છે.'

એણે બંને ભાઇઓ સામે જોયું. એ બંને ધ્યાનથી સાંભળતા હતા. 'ગમે તેવો મહારથી હોય તોય એી એકાદ નબળી કડી તો હોય જ. શક્તિશાળી સમ્રાટ પાસે ગમે તેટલી તાકાત હોય તો પણ એની નબળી કડીને લીધી એ લાચાર બની જાય. માણસ ચાલાક હોય તો એ પોતાની નબળાઇને દુનિયા પાસે ઉઘાડી ના કરે પણ આ મામલે વિભાકર કાચો પડ્યો છે. પોતાની નબળાઇ એણે ઉઘાડી કરી છે. એની એ નબળી કડી પકડીને એની પાસેથી બસ્સો કરોડ ઓકાવવાનું કામ અઘરું નથી. તમે બંને સાથ આપો તો આ ઓપરેશન પાર પાડવાની જવાબદારી મારી.'
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી