‘ગીતા...! વોટ આ સરપ્રાઇઝ! વર્ષો પછી ફરી એક વાર આ સોફા પર એ જ જગ્યા પર તમને બેઠેલાં જોયાં અને મગજ ચકરાઇ ગયું!’

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Oct 02, 2018, 12:05 AM IST

પ્રકરણઃ81
'ક્રાઇમ બ્રાંચમાં
નવી ડી.સી.પી. આવી એ ઉસ્તાદ લાગે છે.' સેટેલાઇટ પોલીસ સ્ટેશનના જુનિયર ઇન્સ્પેક્ટર જાદવે રાત્રે સૈયદને આવું કહ્યું એટલે સૈયદ હસી પડ્યો. 'અલ્યા, ઉસ્તાદ હોય તો જ આઈ.પી.એસ. બનેને? હું તો આજે મળ્યોને? હોંશિયાર છતાં એકદમ શાંત અને સંસ્કારી. ઘરમાં આપણી મોટી બહેન વાત કરતી હોય એ રીતે જ મારી સાથે વાત કરી. એણે મંગાવેલો આખો લબાચો સોંપ્યો કે તરત ક્લાર્કને બોલાવીને મેં શું શું આપ્યું એની રસીદ બનાવીને આપી દીધી! મને નવાઇ લાગી તો એણે તરત સમજાવ્યું કે આમાંથી બે- ચાર ફાઇલ અહીંથી ગૂમ થઇ જાય તો કોઇ તમારી સામે આંગળી ના ચીંધે એ માટે આ રસીદ આપી છે. અગાઉની બધી સિસ્ટમ ભૂલી જાવ. ખુદ કમિશ્નરની ઓફિસમાં પણ કોઇ ફાઇલ આપો ત્યારે ભલે ખરાબ લાગે, પણ રસીદ માગી લેવાની.'

'કોઇ એક કેસમાં એ મેડમને ઇન્વેસ્ટિગેશન કરવાનું હશે. એ કયો કેસ છે એની ખબર આપણને ના પડે એ માટે એણે આપણી પાસે મજૂરી કરાવીને છ મહિનાના બધા ક્રાઇમ કેસની ફાઇલો મંગાવી લીધી!'

જાદવ સામે જોઇને એણે ઉમેર્યું. 'ડિપાર્ટમેન્ટની રગેરગનો પરિચય છે. મને કહે કે સમય બહુ ખરાબ છે. ગળામાં ગાળિયો આવે ત્યારે બધાયે હાથ અધ્ધર કરી દેશે, માટે શરમમાં રહ્યા વગર તકેદારીનાં પગલાં લેવાના.'

'મેડમ સ્માર્ટ છે એ તો ખ્યાલ આવી ગયોને?' જાદવે તાળો મેળવી લીધો હતો. પોતાની ધારણાના આધારે એણે સૈયદ પાસે ફોડ પાડ્યો. 'કોઇ એક કેસમાં એ મેડમને ઇન્વેસ્ટિગેશન કરવાનું હશે. એ કયો કેસ છે એની ખબર આપણને ના પડે એ માટે એણે આપણી પાસે મજૂરી કરાવીને છ મહિનાના બધા ક્રાઇમ કેસની ફાઇલો મંગાવી લીધી!' એણે હસીને ઉમેર્યું. 'કોઇ પૈસાવાળા બકરાના એક કેસમાં એને રસ હશે. એમાં આપણે ઘાસ ખાવા માથું ના નાખીએ એ તકેદારી રાખવા એણે હોલસેલનો ઓર્ડર આપી દીધો. સમજે બોસ?'

મેડમે તો જસ્ટ રૂટિન પ્રોસિજર કહીને બધું મંગાવેલું પણ અત્યારે જાદવે જે તારણ કાઢ્યું એ સાંભળીને સૈયદની આંખ ચમકી. છેલ્લા છ મહિનાની જે જે ફાઇલો આપેલી એનું લિસ્ટ આંખ સામે તરવરી ઊઠ્યું. સૌથી ધનિક પરિવારનો વિચાર આવ્યો ત્યારે એક જ કેસ યાદ આવ્યો. હરિવલ્લભદાસની આત્મહત્યા!

ગઇ દિવાળીએ એ પરિવાર તરફથી જિતુભાઇ દ્વારા પચાસ ઇંચનું લેટેસ્ટ સ્માર્ટ ટીવી ઘેર આવી ગયેલું એ સૈયદને યાદ હતું. જાદવ ચેમ્બરની બહાર નીકળ્યો કે તરત સૈયદે વિભાકરનો મોબાઇલ નંબર જોડ્યો.

'પૂરી ખાતરી નથી, એ છતાં તમારું ધ્યાન દોરવાની મારી ફરજ છે.' સૈયદે એને કહ્યું. 'આપણે કંઇ ખોટું કર્યું નથી. પપ્પાના કેસમાં મારું ઇન્વેસ્ટિગેશન પણ પરફેક્ટ છે, એ છતાં ક્યાંકથી કંઇક દોરીસંચાર થયો લાગે છે. ક્રાઇમ બ્રાંચમાં નવા ડી.સી.પી. તરીકે આઇ.પી.એસ. લેડી આવેલાં છે. એમણે મારી પાસેથી બધી ફાઇલો મંગાવી લીધી છે. જસ્ટ ફોર યોર ઇન્ફર્મેશન, જાણ કરું છું.'

'યુ આર રાઇટ, સૈયદભાઇ! થેંક્યુ વેરી મચ.' વિભાકરે જવાબ આપ્યો. 'અત્યારે બહાર છું, પણ મિનિટ પહેલાં જ આદિત્યભાઇનો ફોન આવ્યો કે માતાજીની બંગલે પધરામણી થઇ છે. એટલે હવે ઘેર જ જઇ રહ્યો છું. વન્સ અગેઇન થેંક્સ ફોર યોર કન્સર્ન.'

વાત પૂરી કરીને વિભાકરે કારને બંગલામાં ઘૂસાડી. આ નવું ચક્કર શું છે એ એને સમજાતું નહોતું. પડશે એવા દેવાશે. એ વિચારની સાથે એ ડ્રોઇંગરૂમમાં પહોંચ્યો. ગીતાના બંને બોડીગાર્ડ બહાર ઓટલે જ બેઠા હતા.

અલકા કે ભાવિકાએ તો અગાઉ ક્યારેય ગીતાને જોઇ નહોતી. આદિત્ય, ભાસ્કર અને કાશીબાએ બાવીસ- ત્રેવીસ વર્ષ અગાઉ જે ગીતાને જોયેલી એ ગીતા અને આજની ગીતામાં આસમાન- જમીનનો ફેર હતો એટલે એમને ટપ્પી ના પડે એ સાવ સ્વાભાવિક હતું.

પોતાની ભાવિ જીવનસાથી આ હશે એવી લાગણી સાથે વિભાકરે માત્ર દસેક સેકન્ડના નિરીક્ષણમાં એ સમયે ગીતાના ચહેરા પરની દૃઢતા અને આત્મવિશ્વાસની ઝલક પારખી લીધી હતી. મંજુબાની નાલાયકીનો ખ્યાલ આવ્યા પછી વિભાકર ગારિયાધાર દોડ્યો હતો.

વસંતમામાને કહેલું કે એને અહીં બોલાવો પણ સ્વમાની ગીતાએ માત્ર ફોન પર જ વાત કરેલી. એના ઘેર તો ફોન પણ નહોતો. મામાએ ગામના વેપારીને ત્યાં ફોન કરીને ગીતાની સાથે વિભાકરને વાત કરાવી હતી, પણ એની શરત એ સમયે વિભાકરને મંજૂર નહોતી એટલે વાત પડી ભાંગી હતી અને એ પછી વિભાકરે લગ્નનો વિચાર જ માંડી વાળેલો!

પૂર્ણ યુનિફોર્મમાં સજ્જ ગીતા ઠસ્સાથી એકલી સોફા પર બેઠી હતી. આદિત્ય, ભાસ્કર, અલકા અને ભાવિકા ચહેરા પર ઉચાટ સાથે સામેના સોફા પર બેઠાં હતાં. બંગલામાં આવી રીતે અગાઉ ક્યારેય પોલીસ નહોતી આવી એને લીધે રસોડાના બારણે ઊભા રહીને કાશીબા અને ગોરધન મહારાજ ચિંતામાં ડૂબી ગયાં હતાં. આવી જોરદાર પર્સનાલિટીવાળી આ લેડી પોલીસ ઓફિસર હશે શું કરશે એ જાણવાની ઉત્સુકતા સાથે આકાશ, આકાંક્ષા, ભૌમિક અને ભૈરવી સીડીના પગથિયાં ઉપર ગોઠવાઇ ગયાં હતાં.

વિભાકરના પગ થંભી ગયા. હૃદય જાણે એક ધબકારો ચૂકી ગયું. માનવામાં ના આવતું હોય એ રીતે આંખો પહોળી કરીને એ ગીતાના ચહેરા સામે તાકી રહ્યો. સામા પક્ષે ગીતા પણ એની સામે જ જોઇ રહી હતી.

'ગીતા...! વોટ આ સરપ્રાઇઝ!' આગળ શું બોલવું એ શબ્દો શોધવાના પણ ફાંફા પડતા હોય એ દશામાં વિભાકર આગળ વધીને એની સામે જઇને ઊભો રહ્યો. 'વર્ષો પછી ફરી એક વાર આ સોફા પર એ જ જગ્યા પર તમને બેઠેલાં જોયાં અને મગજ ચકરાઇ ગયું! રિયલી, અનબિલિવેબલ! શું બોલવું એ સૂઝતું નથી.' જાણે ભાવાવેશમાં હોય એ રીતે એ બબડ્યો. 'જે દેખાય છે એ સાચું છે કે ભ્રમ છે એય સમજાતું નથી! બિલિવ મી!'

એની દશા જોઇને ગીતાના હોઠ મલક્યા. માથા પરથી કેપ જાણે હવે ભારરૂપ લાગતી હોય એમ એણે કાઢીને બાજુ પર મૂકી દીધી. લાંબી ગરદનને હળવો ઝાટકો આપીને એણે લેયર્સ કટ ઘટાદાર વાળને મુક્ત કર્યા અને કપાળ પર ધસી આવેલી લટોને આંગળીઓથી વ્યવસ્થિત કરી.

આદિત્ય, ભાસ્કર, અલકા અને ભાવિકા આશ્ચર્યથી એ બંને સામે તાકી રહ્યાં હતાં.

'વિભાકર, પ્લીઝ, બિહેવ યોરસેલ્ફ... રિલેક્સ થઇને બેસો.' અત્યાર સુધી ઠસ્સાથી સોફાની વચ્ચોવચ બેઠેલી ગીતાએ હવે હોદ્દાનો ભાર ઉતારી નાખ્યો અને ખસીને વિભાકરને બેસવા માટે જગ્યા કરી આપી.

એની બાજુમાં બેસીને વિભાકર હજુય આશ્ચર્યથી એના ચહેરા સામે તાકી રહ્યો હતો. નિયમિત કસરત અને શિસ્તબદ્ધ જીવનને લીધે વહેતા સમયની જાણે ગીતાના ચહેરા પર કોઇ અસર નહોતી થઇ.

'મારો પરિચય હું જાતે જ આપી દઉં.' આદિત્ય, અલકા, ભાસ્કર અને ભાવિકાના ચહેરા પર પ્રશ્ર સાથે જે જિજ્ઞાસા હતી એ પારખીને ગીતાએ નિખાલસતાથી કહ્યું. 'અત્યારે આઇ.પી.એસ. અધિકારી તરીકે આવીને વટથી આ સોફા પર બેઠી, પરંતુ બાવીસેક વર્ષ અગાઉ પરિસ્થિતિ સાવ અલગ હતી. ગારિયાધારવાળા વસંતભાઇની આંગળી પકડીને મારા મા- બાપ સાથે આ બંગલામાં આવેલી અને ફફડતા હૈયે આ સોફા પર બેઠેલી.' વિભાકર સામે આંગળી ચીંધીને એણે આગળ કહ્યું. 'મને અલપઝલપ જોઇને આ સાહેબ તો કોઇક અરજન્ટ કામે બહાર જતા રહ્યા.' એના અવાજમાં પીડા ભળી. 'તમારાં મમ્મીએ ત્યાં ઊભાં રહીને.' હરિવલ્લભદાસના ઓરડા તરફ એણે આંગળી ચીંધી. 'ઘાંટો પાડીને વસંતભાઇને કહ્યું કે આવા ભિખારી જેવા ઘરની છોકરી આ બંગલામાં ના શોભે! કાનમાં ધગધગતું સીસું રેડાયું હોય એવી બળતરા થઇ હતી. આવું હડહડતું અપમાન સહન કરવાની શક્તિ નહોતી એટલે અર્ધી મિનિટમાં જ અમે લોકો બંગલામાંથી બહાર નીકળી ગયેલાં.'

જાણે એ કડવી સ્મૃતિને મગજમાંથી ખંખેરી નાખતી હોય એમ એણે ફરીથી ગરદનને ઝાટકો મારીને વાળ વ્યવસ્થિત કર્યા અને હળવાશતી બધાની સામે જોયું. બધા સ્તબ્ધ હતા.

'આ સેટબેક મારી કરિયર બનાવવા માટે આર્શીવાદરૂપ નીકળ્યો. લગ્નનો વિચાર જ મગજમાંથી ભૂંસી નાખ્યો. અને મારી તાકાત ઉપર આગળ વધી. એ કડવાશ ક્યારનીયે ભૂલી ગઇ છું. આજે આવીને આ સોફા પર બેઠી ને માનવસહજ ક્ષણિક નબળાઇને લીધે યાદ આવી ગયું એટલે બોલી ગઇ. એની વે, સોરી ફોર માય વીકનેસ.'

સરવા કાને આ સાંભળ્યા પછી કાશીબાના હૃદયમાં વેદનાનો વલોપાત જાગ્યો. એ દૃશ્ય એમને પણ યાદ આવી ગયું. મંજુ શેઠાણીએ એ વખતે હલકાઇ ના કરી હોત તો બિચારા વિભાશેઠની જિંદગી બની ગઇ હોત. એ એકીટશે સોફા સામે તાકી રહ્યાં. અસલ રામ- સીતા જેવી રૂપાળી જોડી લાગે છે.

પોતાની ફરજનું ભાન થયું એટલે ફરી વાર પાણી અને ચા લઇને એ આવ્યાં અને ટ્રે ટિપોઇ પર મૂકી. અગાઉ મૂકેલો નાસ્તો પણ એમને એમ જ પડ્યો હતો. ગીતાએ માત્ર ચા જ પીધી હતી.

'પ્લીઝ..' વાતાવરણ હળવું બનાવવા માટે વિભાકરે ચાના કપ તરફ ઇશારો કર્યો.

'શ્યોર.' ગીતાએ હસીને બધાની સામે જોયું અને ચાનો કપ હાથમાં લીધો. 'આટલાં વર્ષની નોકરીમાં ક્યારેય રૂપિયા-પૈસાનો ભ્રષ્ટાચાર નથી કર્યો, પણ ચાની છૂટ રાખી છે. ગમે ત્યાં ઇન્વેસ્ટિગેશન માટે જવું પડે ત્યાં ચાની ક્યારેય ના નથી પાડી.' સહેજ અટકીને એણે આગમનનું કારણ બતાવ્યું. 'અત્યારે એક તપાસ માટે જ તમારે ત્યાં આવવું પડ્યું છે.'

હવે બધા ફરીથી ઉચાટ સાથે પોતાની સામે તાકી રહ્યા હતા. એ જોઇને ગીતાએ ખુલાસો કર્યો. 'કોઇ પણ વ્યક્તિ પૂરી વિગત સાથે વડાપ્રધાનને કોઇ ફરિયાદ કરે તો એ પત્ર પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં જાય. વાતમાં થોડુંક વજૂદ લાગતું હોય તો પી.એમ.ઓ. શું કરે? ફરિયાદીનાં નામ- સરનામાની ઉપર કાગળ મૂકીને એ ફરિયાદની ઝેરોક્સ કરાવીને જે તે રાજ્યના મુખ્યમંત્રીને મોકલી આપે. મુખ્યમંત્રી સંબંધિત વિભાગના પ્રધાનને જવાબદારી સોંપે. આ ફરિયાદ ગૃહ વિભાગને લગતી હતી એટલે હોમ મિનિસ્ટર પાસે ગઈ. હોમ મિનિસ્ટરે રાજ્યના પોલીસ વડાને આપી. પોલીસ વડા જે તે શહેરના પોલીસ કમિશ્નરને મોકલીને તાકીદ કરે કે પી.એમ.ઓ.ને જવાબ આપવાનો છે. ફટાફટ તપાસ કરીને રિપોર્ટ આપો. કમિશ્નર એના વિશ્વાસુ અધિકારીને આ કામ સોંપીને પછી રિપોર્ટ તો પોતાના નામે જ આપે અને પછી એ જ પ્રોટોકોલમાં એ પી.એમ.ઓ. સુધી પહોંચે.'

'ઇન્વેસ્ટિગેશન શાનું છે?' વિભાકરે પૂછ્યું.

'શેઠ હરિવલ્લભદાસ સાંજે વસિયત બનાવીને પોતાની તમામ મિલકત એક માત્ર વિભાકરને લખી આપે છે અને રાત્રે આત્મહત્યા કરે છે. આ સમગ્ર ઘટનાક્રમમાં કંઇક અજુગતું બન્યું હોય એવી ફરિયાદીને શંકા છે.’


એક શ્વાસે આટલી માહિતી આપીને ગીતાએ હળવાશથી ઉમેર્યું. 'પોલીસે અહીં આવીને જે તપાસ કરેલી એ રિપોર્ટ અને એફ.આઈ.આર.ની સાથે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પણ ચકાસી લીધો. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. એમાં કોઇ ગરબડ નથી. ફરિયાદીએ એવું લખ્યું છે કે માત્ર વિભાકરને તમામ પ્રોપર્ટી આપી એને લીધે બીજા વારસદારોને અન્યાય થયો છે અને એમને પણ શંકા છે કે કંઇક ખોટું થયું છે.'

'એક કામ કરો.' ગીતાને આટલું કહીને વિભાકરે કાશીબાને પોતાનો ઓરડો ખોલીને એસી ચાલુ કરવાની સૂચના આપી.

'હરિવલ્લભદાસના વારસદારમાં હું, આદિત્ય અને ભાસ્કર. એ બંનેનાં પત્ની પણ હાજર છે. 'વિભાકરે રસ્તો બતાવ્યો. 'હું અહીં બેઠો છું. તમે એ ચારેયની સાથે મારા રૂમમાં બેસીને એમને વ્યક્તિગત કે સામૂહિક જે પૂછવું હોય એ પૂછો.'

વિભાકર સોફામાં બેસી રહ્યો. આદિત્ય, ભાસ્કર, અલકા અને ભાવિકાને સાથે લઇને ગીતા વિભાકરના ઓરડામાં ગઇ.

વીસ મિનિટ પછી આખું ટોળું પાછું આવ્યું. 'તપાસ પતી ગઇ.' ગીતાએ કહ્યું. 'સાંજે તમારા એડવોકેટ ત્રિવેદીને ત્યાં પણ સરપ્રાઇઝ વિઝિટ કરેલી. હેન્ડરાઇટિંગ એકસ્પર્ટને સાથે લઇને. ત્યાં જૂના કાગળો અને વસિયત જોઇને ત્યાંથી પણ ગ્રીન સિગ્નલ મળી ગયેલું.'

'આવી ફરિયાદ કોણે કરી હશે?' અલકાએ પૂછ્યું.

'સુભાષકુમારે.' ગીતા કંઇ જવાબ આપે એ અગાઉ વિભાકરે જવાબ આપીને ગીતા સામે જોયું. 'આ બંને ભાઇથી મોટી એક બહેન પણ છે. તમે ઇચ્છો તો એની પણ પૂછપરછ કરી શકો છો. એનો પતિ બાર લાખ છપ્પન હજાર જેવો છે. ખોટા નાણાંકીય વ્યવહાર માટે મેં ત્રણેક વાર એને લબડધક્કે લીધેલો એટલે એણે આ તિકડમ ઊભું કરીને તમને તકલીફ આપી.' સહેજ અટકીને એણે ગીતા સામે મોબાઇલ ધર્યો. 'શાલિની નામ છે મારી બહેનનું. એની સાથે એટલિસ્ટ ફોન પર વાત કરી લો એટલે તમારો રિપોર્ટ પરફેક્ટ થઇ જશે.'

વિભાકર પાસેથી નંબર લઇને ગીતાએ શાલિની સાથે વાત કરી. વાત પતાવીને એણે વિભાકર સામે જોયું. 'એ બહેને તરત કહ્યું કે વિભાકર ઉપર અમને વિશ્વાસ છે. પપ્પાએ એને બધું આપ્યું છે એની સામે મને કોઇ વાંધો નથી.'

ગીતાએ કેપ હાથમાં લીધી અને બધાને આવજો કહ્યું. વિભાકર એને જીપ સુધી મૂકવા જતો હતો ત્યારે આદિત્ય અને ભાસ્કરે પણ પગ ઉપાડ્યા. અલકાએ, સમજદારી દેખાડીને એ બંનેને આંખના ઇશારાથી રોકી લીધા.

'એક નાનકડો સવાલ પૂછું?' ચાલતી વખતે વિભાકરે ગીતા સામે જોયું. ગીતાએ મોં મલકાવીને હકારમાં માથું હલાવ્યું.

'આ સેટબેક મારી કરિયર બનાવવા માટે આર્શીવાદરૂપ નીકળ્યો. લગ્નનો વિચાર જ મગજમાંથી ભૂંસી નાખ્યો. અને મારી તાકાત ઉપર આગળ વધી. એ કડવાશ ક્યારનીયે ભૂલી ગઇ છું. આજે આવીને આ સોફા પર બેઠી ને માનવસહજ ક્ષણિક નબળાઇને લીધે યાદ આવી ગયું એટલે બોલી ગઇ. એની વે, સોરી ફોર માય વીકનેસ.'

'મંજુબાએ અપમાન કર્યું અને તમે જતાં રહ્યાં એ વાત સુધી તમે બધાને જાણકારી આપી, પરંતુ એ પછી તમને મનાવવા માટે હું તાબડતોબ દોડતો ગારિયાધાર આવેલો, એ વાત કેમ ગૂપચાવી દીધી?'

'તમારી દિવાનગી અને મારી મૂર્ખામીની એ કથા અત્યારે તમારા પરિવારને કહેવી નહોતી એટલે ના કહ્યું.' ગીતાએ વિભાકર સામે જોઇને ભીના અવાજે કહ્યું. 'ફોન પર તમે કરગરતા હતા એ એકેએક શબ્દ યાદ છે મને. ધૂંધવાયેલી દશામાં જ મેં તમને ના પાડી એ બદલે આખી રાત પારાવાર પસ્તાવો કરીને રડેલી. પછી તમારા મામાએ તમારા નિર્ણયની જાણ કરીને ટોણો માર્યો કે તારા લીધે મારો વિભાકર આખી જિંદગી એકલો રહેશે, ત્યારે પણ બહુ રડેલી. એ પછી તો હું પણ એકલી જ રહી.'

વિભાકરની આંખમાં પણ ભીનાશ ચમકતી હતી. એ જોઇને ગીતાએ કહ્યું. 'ઇટ ઇઝ ટેસ્ટિની! ઉંમરના આ પડાવ ઉપર બીજું તો કંઇ વિચારવાનું શક્ય નથી. પરસ્પર લાગણીની કદર કરીને સારા મિત્ર તરીકે જીવીએ.' એણે જમણો હાથ વિભાકર સામે ધર્યો. ઉષ્માથી એ હાથ જકડીને ઊભેલા વિભાકરના હોઠ પર બમણા વિજયનું સ્મિત ફરકતું હતું. ક્યારેક જેને ઝંખી હતી એ ગીતાની મિત્રતા મળી હતી અને હરિવલ્લભદાસના કેસમાં ક્લિનચીટ મેળવી હતી. વેલ ડન, અધિનાયક! એ મનોમન બબડ્યો.
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી