‘અમારી સાથે સંબંધો કડવા બને એ પછી સામેની પાર્ટીએ કાયમ પસ્તાવું પડે છે...’

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 30, 2018, 12:05 AM IST

પ્રકરણઃ79
વિજુભાનું
બોલવાનું પૂરું થયું એ પછી ઓરડાનું વાતાવરણ ભારેખમ થઇ ગયું. વિભાકર પ્રત્યેના હડહડતા ધિક્કાર સાથે વિજુભાએ વેર લેવા માટેનો કોઇ પ્લાન વિચારી રાખ્યો હતો. એના વિશે વધુ વિગત આપ્યા વગર ભાઇઓનો પ્રતિભાવ જાણવા માટે એ અટકી ગયો.

'વિજુભા, મારા ભાઇ! તમારી તાકાત અને હિંમત માટે માન છે, ગૌરવ છે. એ છતાં સાંભળો. યુદ્ધ જીતવા માટે આ બે ગુણ ઉપરાંત ધીરજની જરૂર પડે છે. દુશ્મન ઉપર હુમલો કરવા માટે સ્થળ અને સમયની પસંદગી બહુ ધીરજથી કરવી જોઇએ. એમાં ઉતાવળ કરીને પરાજયની પીડા શા માટે વેઠવી?' અત્યંત ગંભીર બનીને જિતુભા બંને ભાઇઓને સમજાવી રહ્યા હતા. 'દુશ્મનની સાચી તાકાત કેટલી છે એનો આપણને અણસાર હોવો જોઇએ. પાંસઠ એકર જમીનનો હેતુફેર એક મહિનામાં કરાવી શકે એ માણસની રાજકીય વગ કેટલી હશે? એના બાપાએ રિવોલ્વરની ગોળીથી આપઘાત કર્યો. કોઇ સામાન્ય પી.એસ.આઈ. આપઘાત કરે તોય એકેએક ટીવી ચેનલ ઉપર વારેઘડીએ એના એ સમાચાર ચમક્યા કરે છે, છાપાંમાં લોહીથી લથબથ લાશના ફોટા સાથે આખી સ્યુસાઇડ નોટનો ફોટોય આવે! આ અબજોપતિના આપઘાતની વાત માત્ર છાપામાં ત્રણ લીટીના સમાચારમાં સમાઇ ગઇ. પોલીસ અને પ્રેસમાં એની કેટલી પહોંચ હશે એનો ખ્યાલ આવે છે તમને? લુચ્ચો માણસ અને એમાંય એની પાસે અનહદ આર્થિક તાકાત હોય ત્યારે પંગો લેતાં પહેલાં પાંચ વાર વિચારવું પડે, મારા ભાઇ!'

‘પાંસઠ એકર જમીનનો હેતુફેર એક મહિનામાં કરાવી શકે એ માણસની રાજકીય વગ કેટલી હશે? એના બાપાએ રિવોલ્વરની ગોળીથી આપઘાત કર્યો. કોઇ સામાન્ય પી.એસ.આઈ. આપઘાત કરે તોય એકેએક ટીવી ચેનલ ઉપર વારેઘડીએ એના એ સમાચાર ચમક્યા કરે છે, છાપાંમાં લોહીથી લથબથ લાશના ફોટા સાથે આખી સ્યુસાઇડ નોટનો ફોટોય આવે! આ અબજોપતિના આપઘાતની વાત માત્ર છાપામાં ત્રણ લીટીના સમાચારમાં સમાઇ ગઇ. પોલીસ અને પ્રેસમાં એની કેટલી પહોંચ હશે એનો ખ્યાલ આવે છે તમને?’

'મારો પ્લાન સાંભળ્યા વગર તમે તો આખું ભાષણ આપી દીધું!' વિજુભાનો અવાજ થોડોક ઢીલો થઇ ગયો હતો. 'એ શેઠિયાની તાકાતનો અંદાજ મને નહીં હોય? હું કંઇ ગાંડો તો નથીને?'

'વિજુભા, તમારી સમજ પણ સાચી અને પ્લાન પણ પાવરફુલ હશે. એ છતાં, તમે બંને મારી એક વાત માનો. હું કાલે એને અહીં બોલાવું છું. હાજરી આપણા ત્રણેયની હશે પણ કાલના દિવસ પૂરતો મોટા ભાઇ તરીકેનો મારો અધિકાર માન્ય રાખો. વાત હું એકલો કરીશ. હા પાડીને એ પૈસા નથી વરસાવી દેવાનો એ હું જાણું છું તોય એના મોઢે એક વાર ના સાંભળવી છે. એ નામક્કર જાય અને ઉઘાડો થઇને ઊભો રહે તોય કશું કર્યા વગર એને જવા દેવાનો.'

આટલું કહીને એમણે વિજુભા સામે જોયું. 'એ પછી તમારા પ્લાનનો વારો. તમારા પ્લાનમાં કંઇ ખૂટતું હશે તો એ નકશીકામ કરી આપીશ. તલવાર એક વાર મ્યાનમાંથી નીકળે એ પછી દુશ્મનનું એ આપણું લોહી ચાખ્યા વગર પાછી મ્યાનમાં ના જાય એ તો ખ્યાલ છેને? પ્લાન એવો પરપેક્ટ બનાવવાનો કે પસ્તાવું ના પડે. મારી વાત સમજાય છે ને તમને? પૈસા ના મળે અને આબરૂ જાય એવું નુકશાન નથી વેઠવું.'

સહેજ વિચારીને એમણે મોબાઇલ હાથમાં લીધો. 'તમે બંને સંમતિ આપો તો કાલે એને બોલાવું. શરત એ કે તમારે બંનેએ માત્ર સાંભળવાનું. વાત હું કરીશ.'

વિજુભા અને પ્રભાતસિંહ આંખોથી સંતલસ કરીને એક સાથે હકારમાં માથું હલાવ્યું. જિતુભાએ વિભાકરનો નંબર જોડ્યો. 'શેઠિયા, કાલે દસ- પંદર મિનિટનો સમય આપો. અમે ત્રણેય ત્યાં આવીએ એના કરતાં આપ એકલા તકલીફ લો તો વધુ સારું.'
***


જમ્યા પછી આદિત્ય, ભાસ્કર, અલકા અને ભાવિકાની સાથે વિભાકર બેઠો હતો. જિતુભાએ જે કહ્યું એ સાંભળ્યા પછી એણે જવાબ આપ્યો. 'કાલે બારથી સાડા બારની વચ્ચે વીસેક મિનિટ આવીશ.' એણે સ્પષ્ટતા કરી. 'આપને શું કામ છે એ સમજી શકું છું. એમાં કંઇ મેળ પડે એવું નથી એ છતાં આપનું માન રાખવા માટે આવી જઇશ.'

વાત પૂરી કરીને વિભાકરે આદિત્ય અને ભાસ્કર સામે જોયું. 'સોઢા બિલ્ડર સાથએના સોદાની વાત ગોધાવી સુધી પહોંચી ગઇ છે. કાલે મને મળવા બોલાવ્યો છે.'

'જવાની કોઇ જરૂર ખરી? સમાચાર જાણ્યા પછી એમની ખોપરી હટેલી હશે. એ લોકો ઝઘડો કરીને મારામારી ઉપર પણ આવી જાય.' આદિત્યના અવાજમાં ચિંતા હતી.

'ફોન જિતુભાનો હતો.' વિભાકરે સમજાવ્યું. 'એ સમજદાર માણસ છે. મારી સાથે લડવાનું એ ક્યારેય ના વિચારે.'

'તમે એકલા જાવ એ યોગ્ય નથી. જયંતી, જયરાજ અથવા ભીખાજીને તો જોડે રાખજો જ. ગુસ્સાના આવેશમાં એ લોકો ગમે તે કરી શકે.' ભાસ્કરે પણ સલાહ આપી.

'નો પ્રોબ્લેમ.' વિભાકરે આત્મવિશ્વાસથી કહ્યું. 'એમને સંભાળી લેવામાં વાંધો નહીં આવે.'
***


વિભાકરે સવા બાર વાગ્યે જિતુભાની ડેલી પાસે કાર ઊભી રાખી અને નીચે ઊતર્યો.

જિતુભા, વિજુભા અને પ્રભાતસિંહે એને હસીને આવકાર આપ્યો. વિભાકરની ખુરસીની બરાબર સામે એ ત્રણેય ભાઇઓની ખુરસી ગોઠવાયેલી હતી.

'બોલો, કેમ બોલાવ્યો?' વિભાકરે હસીને પૂછ્યું.

'મુંબઇના બિલ્ડર સાથે છસ્સો કરોડામાં સોદો થયો એ વાત સાચી?' જિતુભાએ પૂછ્યું.

વિભાકરે હકારમાં માથું હલાવ્યું. 'સાવ સાચી.'

'એ સમાચાર સાંભળ્યા પછી અમને ત્રણેયને ચચરાટ થયો છે. ખોટું નહીં બોલું. બહુ ચાલાકીથી અમને મૂંડી નાખવામાં આવ્યા હોય એ રીતે છેતરાઇ ગયાની લાગણી થાય છે.' જિતુભા બોલતા હતા. વિજુભા અને પ્રભાતસિંહ એમની સાથે સાથે ડોકી હલાવતા હતા.

'કોઇને છેતરવાનું કે મૂંડી નાખવાનું મારા સ્વભાવમાં નથી. મારા સ્વર્ગવાસી બાપની અંતિમ ઇચ્છાને માન આપવા માટે મેં પણ જોખમ ઉઠાવ્યું હતું. તમે ત્રણેય ભાઇઓ એ ધૂળ અને ઢેફાં સામે તાકીને બેઠા હતા. સૂત્રધાર બનીને હું મેદાનમાં ના આવ્યો હોત તો બીજી બે- ત્રણ પેઢી સુધી એ જમીન કજિયાનું મૂળ બનીને ઝેર વધાર્યા કરતી. અત્યારે તમે ત્રણેય ભાઇઓ એક બનીને મારી સામે બેઠા છો એ પરિસ્થિતિ. કોણે ઊભી કરી? સાંઇઠ કરોડ રૂપિયા એ જરાયે નાની રકમ નથી. આખા ગુજરાતમાં સેંકડો બિલ્ડર- ડેવલપર છે. એમાંથી કોઇએ તમને દસ- દસ કરોડની પણ ઓફર આપેલી?'

વેધક નજરે એમની સામે જોઇને વિભાકર સમજાવી રહ્યો હતો. 'શૈક્ષણિક ઝોનની જમીન આ ભાવે ખરીદીને મારેય કોઇ કાંદા નહોતા કાઢવાના. ત્યાં નિશાળ બનાવીને મધ્યાહન ભોજન અને માસ્તરો સાથે માથાકૂટ કરીને પણ બાપાની અંતિમ ઇચ્છા પૂરી કરવાનો હેતુ હતો. નસીબજોગે મુંબઇના એક બિલ્ડરને ગરજ હતી એણે મારો સંપર્ક સાધીને કહ્યું કે રહેણાંક માટેની રજાચિઠ્ઠી લાવી આપો તો ખરીદવામાં રસ છે. ખાતર ઉપર દીવેલની જેમ મેં બીજા એકસો કરોડનું જોખમ લીધું. કામ થાય કે ના થાય, ગાંધીનગરની દિશામાં ગયેલા પૈસા પાછા નથી આવતા એની તો આપ સહુને ખબર છે. એ જોખમ ફળ્યું અને હેતુફેરની મંજૂરી મળી ગઇ એ પછી મુંબઇના બિલ્ડર સાથે છસ્સો કરોડમાં સોદો થયો પણ એમાંથી એણે ત્રણસો કરોડ જ હજુ આપ્યા છે. બાકીના ત્રણસો કરોડ ક્યારે આપશે એ કંઇ નક્કી નથી. મુંબઇના બિલ્ડરોની માયાજાળનો તમને અનુભવ નથી, મને છે. કંઇક ટેક્નિકલ બહાનું કાઢીને એ ફસડી પણ જાય અને પાર્ટ પેમેન્ટ મેં લીધું છે એટલે મારી બકરી ડબ્બામાં આવી જાય. એ પૈસા ના આપે અને હું બીજા કોઇને વેચી પણ ના શકું. એટલે એ જોખમ તો હજુ ઊભું જ છે.'

અવાજમાં આક્રમકતા ઉમેરીને કહ્યું. 'ટૂંકમાં, મારું રોકાણ ત્રણસો દસ કરોડનું થઇ ચૂક્યું છે અને હાથમાં આવ્યા છે ત્રણસો કરોડ! ભલભલાની છાતીનાં પાટિયાં ભીંસી નાખે એવો આ ધંધો છે. માય કાર્ડ્ઝ આર ઓપન. આ દશામાં તમે મારી પાસેથી શું આશા રાખો છો?'

વિજુભાને અંદરથી ઉકળાટ થતો હતો. એ છતાં, માત્ર જિતુભાએ જ બોલવાનું નક્કી કરેલું એટલે મહાપ્રયત્ને ગુસ્સા ઉપર કાબૂ રાખીને એ ચૂપચાપ બેઠા હતા.

'તારો આ ધંધો છે અને તેં જોખમ ઉઠાવ્યું એ વાત સાચી, પણ છસ્સો કરોડની વાત હૈયામાં ડંખે છે.'

જિતુભા જે બોલતા હતા એ સાંભળીને વિજુભા અને પ્રભાતસિંહને એક વાતનો સંતોષ હતો. મોટાભાઇ અગાઉ આ માણસ સાથે આપ... આપ... કહીને વાત કરતા હતા, એ હવે તુંકારા પર આવી ગયા હતા!

‘આપણી દોસ્તી અને સંબંધને અકબંધ રાખવા માટે મારી પાસે એક જ ઓફર છે. ઔડી ચાર બંગળીવાળી કારનું નવું મોડલ બાણું લાખનું છે. મારા બંને ભાઇઓ માટે ખરીદવાનું વિચારું છું. જો પાંચ નંગનો સામટો ઓર્ડર આપું તો એક મને બોંતેર લાખમાં પડે. આપની ઇચ્છા હોય તો અત્યારે જ શોરૂમ પર આવીને કલર પસંદ કરી લો. મિત્રભાવે તમને ત્રણેયને એ ગિફ્ટ હું આપી શકું.’

'અમારા ત્રણેય ભાઇઓની લાગણી એવી છે કે તારે એટલિસ્ટ બસ્સો કરોડ રૂપિયા અમારા ત્રણેય વચ્ચે આપી દેવા જોઇએ. મારી દૃષ્ટિએ આ માગણી સંપૂર્ણ ન્યાયી છે.'

'બસ્સો કરોડ?' વિભાકર હસી પડ્યો. ‘એ તો કોઇ કાળે શક્ય નથી.’ પાંચેક સેકન્ડ વિચારીને એણે ઉમેર્યું. 'એ સોદાની વાત ભૂલી જાવ. આપણી દોસ્તી અને સંબંધને અકબંધ રાખવા માટે મારી પાસે એક જ ઓફર છે. ઔડી ચાર બંગળીવાળી કારનું નવું મોડલ બાણું લાખનું છે. મારા બંને ભાઇઓ માટે ખરીદવાનું વિચારું છું. જો પાંચ નંગનો સામટો ઓર્ડર આપું તો એક મને બોંતેર લાખમાં પડે. આપની ઇચ્છા હોય તો અત્યારે જ શોરૂમ પર આવીને કલર પસંદ કરી લો. મિત્રભાવે તમને ત્રણેયને એ ગિફ્ટ હું આપી શકું.' એણે હસીને ઉમેર્યું. 'સાંઇઠ કરોડનો આસામી બાણું લાખની કારમાં ફરે તો વટ પડે.'

'ફોસલાવવાની વાત ના કર.' જિતુભાના અવાજમાં સખ્તાઇ ભળી. 'બસો કરોડવાળી મારી ઓફરનો ચોખ્ખો જવાબ આપ. હા કે ના?'

'સોરી.' વિભાકરે નકારમાં માથું ધૂણાવ્યું.

'ચાલો. ઊભા થાવ. જય માતાજી.' જિતુભાએ ઝડપી નિર્ણયશક્તિનો પરિચય આપ્યો. 'વળતર આપવાની તારી ઇચ્છા જ ના હોય તો પછી કારણ વગરની ચર્ચા કરવાનો કોઇ અર્થ નથી.' એમના કરડા અવાજમાં ધમકીનો સૂર ઉમેરાયો. 'પાંચ- દસ કરોડ ઓછા કરાવીને પણ તેં અમારી ઓફર સ્વીકારી હોત તો સંબંધોમાં મીઠાશ જળવાઇ રહેતી. અમારી સાથે સંબંધો કડવા બને એ પછી સામેની પાર્ટીએ કાયમ પસ્તાવું પડે છે.'

'મારા સંબંધ તો કાયમ મીઠા જ રહેશે.' એમ કહીને વિભાકર ઊભો થયો. ત્રણમાંથી એકેય ભાઇએ એને આવજો કહેવાનો વિવેક પણ ના કર્યો. વિભાકર કારમાં બેઠો અને જોરદાર ઝાટકા સાથે કાર સ્ટાર્ટ કરી.

'આજે તમે પરફેક્ટ ખુમારી બતાવી.' વિજુભાએ ઉત્સાહથી જિતુભાને બિરદાવ્યા. 'બહુ સારી ભાષામાં એને ધમકી આપી દીધી. જે કહેવાનું હતું એ બધું કહી દીધું.'

'મેં તમને બંનેને એ જ કહેલું કે મારે એક વાર એના મોઢે ના સાંભળવી છે. અંતે એ નાગો થઇને ઊભો રહ્યો.' જિતુભાના અવાજમાં ધિક્કાર હતો. 'હવે આપણો વારો છે. એને ચેતવી દેવાની ફરજ પૂરી કરી.'

એ ત્રણેય ભાઇઓ વચ્ચે આ ચર્ચા ચાલતી હતી એ સમયે અમદાવાદમાં ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં ગીતાએ કાર્યભાર સંભાળી લીધો હતો. કમિશનર સાહેબે જાતે આવીને બધા સાથે પરિચય કરાવ્યો હતો. એ બધો જમેલો પત્યો એ પછી ગીતાએ પોતાની ઓફિસમાં ચારે બાજુ નજર ફેરવી લીધી.

ગઇકાલે ફ્લેટની અંદર સામાનની ગોઠવણી કરાવ્યા પછી થાકીને એ સીધી ઊંઘી ગઇ હતી. અત્યારે ઓફિસમાં મોકળાશ મળી એટલે એણે કમિશનરે આપેલાં બંને કવર બહાર કાઢ્યાં. ઉપરથી આવેલા ઇન્ક્વાયરીના આદેશને લીધે એ બંને કેસમાં છેક મૂળ સુધી જઇને તપાસ કરવાની હતી.

પહેલા કવરમાં એક સિનિયર ઇન્સ્પેક્ટર અને એના વહીવટદાર વિશેનાં પેપર્સ હતાં. એના ઉપર નજર ફેરવીને ગીતાએ બીજું કવર ખોલ્યું. સેટેલાઇટ રોડ પર હરિવલ્લભ બંગલો વાંચીને એની આંખ ચમકી. બધાં પેપર્સ વાંચતી વખતે એના ચહેરાનો રંગ બદલાઇ ગયો.
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી