‘આપણા વિવાદનું નિરાકરણ લાવીને એણે આપણને હાથમાં ચોકલેટ પકડાવી અને સોનાનું કડું સરકાવી લીધું’

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 29, 2018, 12:05 AM IST

પ્રકરણઃ78
ચપરાસી
પાણી અને ચા લઇને કમિશ્નરની ચેમ્બરમાં આવ્યો.

'ક્રાઇમ બ્રાંચની ટીમ સારી છે એટલે કામ કરવાની મજા આવશે.' ચાનો કપ ગીતાની તરફ ખસેડીને કમિશ્નરે પૂછ્યું. 'ઇચ્છા હોવા છતાંય ક્યારેય સૌરાષ્ટ્રમાં કામ કરવાની તક નથી મળી. તમારું નેટિવ ક્યાં?'

‘અંતરાત્માને બાજુ પર મૂકીને સત્તાધીશોને રાજી કરવા કાળું કામ કરનારા અધિકારીઓ સડસડાટ આગળ વધી જાય છે. પણ એમની સાથે હરીફાઇ કરવાની હલકાઇ આપણે નહીં કરવાની. હરીફાઇ નીતિમાં થાય, અનીતિમાં નહીં.’

'ગારિયાધાર પાસે ખોબા જેડવું ગામડું અને એમાં અમારું નાનકડું ઘર.' ગીતાના અવાજમાં પારદર્શક નિખાલસતા હતી. 'પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી, છતાં સ્કોલપશીપના સહારે ભાવનગરમાં ભણી અને યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવી. એ વખતે આઇ.એ.એસ. અધિકારી બનવાની તમન્ના હતી. ખૂબ મહેનત કરી એ છતાં યુ.પી.એસ.સી.ની પરીકક્ષામાં માભ ઇન્ટરવ્યૂ સુદી જ પહોંચી શકી. એ પછી જી.પી.એસ.સી. માટેની તૈયારીમાં તૂટી પડી. એમાં ક્લાસ વન એન ટુની એક્ઝામમાં મહેનત રંગ લાવી. ક્લાસ વનમાં માત્ર ડી.વાય.એસ.પી.ની જ જગ્યા હતી એટલે વહીવટી અધિકારી બનવાને બદલે પોલીસ અધિકારી બની.'

ચાનો કપ હાથમાં લઇને એણે કમિશ્નર સામે જોયું. 'આપના જેવા વડીલોનું માર્ગદર્શન અને મદદ મેળવીને આગળ વધતી રહી. આટલા વર્ષની મહેનત પછી આઇ.પી.એસ.નો હોદ્દો પણ મળી ગયો. અહીં આવી એટલે આપના ગાઇડન્સમાં કામ કરવાની તક મળશે.' કમિશ્નર હસી પડ્યા.

'આમાં તો એવું છે કે કામ કામને શીખવે છે. એક વાર સિસ્ટમમાં આવી ગયા પછી ધીમે ધીમે બધુંય આવડી જાય.' પોતાના અનુભવના આધારે એમણે ઉમેર્યું. 'દાનત સાફ હોય અને નૈતિક તાકાત હોય તો પણ ક્યારેક પાછા પડવું પડે એવું પ્રેશર હોય છે. એ વખતે સચ્ચાઇનો પાયો પકડીને ટકી રહેવું કે શરણાગતિ સ્વીકારી લેવી એ દરેકના સ્વભાવ ઉપર આધાર રાખે. અંતરાત્માને બાજુ પર મૂકીને સત્તાધીશોને રાજી કરવા કાળું કામ કરનારા અધિકારીઓ સડસડાટ આગળ વધી જાય છે. પણ એમની સાથે હરીફાઇ કરવાની હલકાઇ આપણે નહીં કરવાની. હરીફાઇ નીતિમાં થાય, અનીતિમાં નહીં. એક સમયે સત્તાધીશોનાં તળિયાં ચાટીને આખા ગુજરાતના હીરો બની ગયેલા અધિકારીઓ અત્યારે ફફડાટમાં જીવે છે, એ તો ખ્યાલ છેને?'

'જી.' ગીતાના અવાજમાં મીઠાશની સાથે મક્કમતા હતી. 'અભિમાન નથી કરતી, સર! પણ આજ સુધીમાં ક્યારેય કોઇ નેતા કે ઉપરી અધિકારીના મૌખિક ઓર્ડરને મેં નથી કર્યું.' એણે સ્પષ્ટતા કરી. 'આપના પણ લેખિત આદેશને જ માન આપીશ.. ફલાણાનું આમ કરો કે ઢીંકણાનું તેમ કરો એવા મૌખિક ઓર્ડરને હું નહીં ગણકારું.'

'અરે પ્રભુ!' કમિશ્નર હસી પડ્યા. 'પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો! બે સિક્રેટ ઇન્ક્વાયરીની જવાબદારી તમને સોંપવાનું વિચારતો હતો અને મારા પ્લાન ઉપર તમે પાણી ફેરવી દીધું.' બીજી જ સેકન્ડે એમના ચહેરા ઉપર અધિકારીને શોભે એવો રૂઆબ છલકાયો. 'એની વે, આપણે સાથે જ કામ કરવાનું છે એટલે આજે પહેલી મિટિંગમાં જે કામ સોંપું એમાં ના પાડવાથી કામ નહીં ચાલે.' બાપ દીકરીને સમજાવે એ રીતે એમણે કહ્યું. 'બંને સેન્સિટિવ ઇન્ક્વાયરી છે અને સંકળાયેલા પાત્રો કરોડપતિ નહીં, અબજોપતિ છે. આ કામ બીજા કોઇને સોંપવામાં કંઇક આડું- અવળું થવાની બીક છે એટલે તમને આપું છું. મૌખિક આદેશ આપીને મારાવતી ઇન્ક્વાયરી કરવાની સત્તા આપું છું. તમારે રિપોર્ટ પણ મને મૌખિક જ આપવાનો રહેશે. એ મારા નામે જ હું આગળ મોકલાવીશ એટલે તમે ક્યાંય પિક્ચરમાં નહીં આવો. માત્ર મારા વિશ્વાસુ માણસ તરીકે મારા વતી કામ પતાવી આપવાનું છે. એ તો થશેને?'

'શ્યોર.' ગીતાએ કહ્યું એટલે કમિશ્નરે બે વજનદાર ખાખી કવર ગીતા સામે લંબાવ્યા. 'આ બંને તમારા પર્સમાં મૂકી દો. આ વાત આપણા બે વચ્ચે જ રાખવાની છે.'

'જી.' ગીતાએ આદેશનો અમલ કર્યો.

એ પછી વારાફરતી બધા અધિકારીઓને ચેમ્બરમાં બોલાવીને કમિશ્રરે પરિચય વિધિ પતાવી.

'પ્રવાસનો થાક હશે. હવે તમારા ફ્લેટમાં જઇને આરામ કરો. ત્યાં કોઇ તકલીફ હોય તો તાત્કાલિક જાણ કરજો. કાલે સવારે અગિયાર વાગ્યે ક્રાઇમ બ્રાંચમાં તમે ખુરશી સંભાળો ત્યારે હું ત્યાં આવી જઇશ.'

બધાનો આભાર માનીને ગીતા જીપમાં બેઠી અને ડ્રાઇવરે જીપ સ્ટાર્ટ કરી.
***


પોતાના બધા સંપર્કોનો ઉપયોગ કરીને જિતુભાએ જમીનના મામલે બધી જાણકારી મેળવી લીધી હતી. વિજુભાનો આક્રોશ જરાયે ખોટો નહોતો એવું મનોમન સ્વીકાર્યા પછી પણ એ સમજતા હતા કે વિજુભાના આક્રોશની આગને હવા આપવામાં જોખમ છે. રાત્રે નવ વાગ્યે મિટિંગમાં બંને ભાઇઓને કઇ રીતે સમજાવવા એ અઘરા કોયડાનો ઉકલે શોધવામાં એ ગૂંચવાયા હતા. વિભાકરે છસ્સો કરોડમાં એ જમીનનો સોદો કરી નાખ્યો હતો એ સાવ સાચી વાત હતી.

નવ વાગ્યે વિજુભા અને પ્રભાતસિંહ લગભગ સાથે જ આવ્યા.

'તપાસ કરી લીધીને?' વિજુભાએ આક્રમક આરંભ કર્યો. 'મારી વાતમાં કંઇ ખોટું હતું?' બોલતી વખતે વિજુભાના મોંમાંથી આવતી વાસ પારખીને જિતુભાએ ટકોર કરી. 'વિજુભા, અત્યારે રાજાફાટમાં આવવાની ક્યાં જરૂર હતી? આજે તો માત્ર આપણે ત્રણેય ભાઇઓએ સાથે મળીને ચર્ચા કરવાની છે.'

'મને સાંઇઠ કરોડ આપીને એ છસ્સો કરડો ઠોકી ગયો એ વિચારથી મગજ સખળડખળ થઇ ગયું છે. કાંટો રહે એટલે સહેજ લગાવ્યું એમાં ક્યાં આભ તૂટી પડવાનું છે?'

વિજુભાનો જવાબ સાંભળીને જિતુભા અને પ્રભાતસિંહે એકબીજાની સમે જોયું. આ અઘરા કેસને કઇ રીતે નિપટાવવો એની ચિંતા એ બંનેના ચહેરા પર હતી.

'મારી વાત તમે બંને ધ્યાનથી સાંભળીને એના ઉપર વિચારવાના હો તો બોલું.' જિતુભાનો અવાજ ગંભીર હતો. 'બાકી કારણ વગર થૂંક ઉડાડવામાં મને રસ નથી.'

'મોટા ભાઇ તરીકે તમે ફરમાવો.' પ્રભાતસિંહ કંઇ બોલે એ અગાઉ વિજુભાએ જવાબ આપી દીધો. 'વાતમાં દમ હશે અને વિચારવા જેવું લાગશે તો સો ટકા વિચારીશ.'

'એ શેઠિયાએ ચાલાકી કરી છે એ હકીકત છે.' જિતુભા આટલું બોલ્યા કે તરત વિજુભાએ જવાબ આપ્યો. 'એને ચાલાકી ના કહેવાય, લુચ્ચાઇ કહેવાય, નાગાઇ કહેવાય.'

'વિજુભા, આ રીતે વચ્ચે બોલવાનું હોય તો પછી તમે જ બોલો. હું સાંભળું છું. 'એમ કહીને જિતુભાએ મૌન ધારણ કરી લીધું.

પ્રભાતસિંહે ઠપકા ભરેલી નજરે વિજુભા સામે જોઇને આંખોથી જ ઇશારો કર્યો કે વાતને વાળી લો.

'હવે વચ્ચે ડબકાં નહીં મેલું, બસ?' વિજુભાએ ખાતરી આપી.

'એ વિભાકરે લુચ્ચાઇ કરી છે એ કબૂલ કરું છું.' વિજુભાની સામે જોઇને જિતુભાએ ફરીથી બોલવાનું શરૂ કર્યું. 'આખ્ખે આખ્ખો પ્લાન મગજમાં ગોઠવીને એ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યો. આપણા વિવાદનું નિરાકરણ લાવીને એણે આપણને હાથમાં ચોકલેટ પકડાવી અને સોનાનું કડું સરકાવી લીધું. મુંબઇના સોઢા બિલ્ડર્સે એને છસ્સો કરોડ ચૂકવી આપ્યા છે એ જાણ્યા પચી ગુસ્સો તો મનેય આવે છે, પણ કાયદેસર રીતે કંઇ થઇ શકે એમ નથી. આપણે જ કાંડાં કાપીને આપી દીધાં છે.'

કંઇક બોલવા માટે વિજુભાના હોઠ ફફડતા હતા પણ પ્રભાતસિંહે હાથ દબાવીને એને ચૂપ રહેવા ઇશારો કર્યો એટલે લગીર ધૂંધવાટ સાથે વિજુભઆએ હોઠ સીવી લીધા.

'ગણિત સમજો. વિભાકરે આપણને કુલ બસો દસ કરોડ આપ્યા અને છસ્સો કરોડ મેળવ્યા. એટલે કે આ વહીવટમાં એણે સીધા ત્રણસો નેવું કરોડ તારવી લીધા. હવે ધ્યાનથી સાંભળો. એણે બુદ્ધિ વાપરી, જોખમ ઉઠાવ્યું અને હેતુફેર માટે ગાંધીનગરમાં પણ ધરાવ્યા હશે એ બધી મહેનતના બદલામાં એ ભલે એકસો નેવું કરોડ લઇ જાય પણ બાકીના બસ્સો કરોડ એણે આપણા ત્રણેયની વચ્ચે આપી દેવા પડે. આ રીતે એની સાથે વાત કરવામાં કોઇ વાંધો છે?'

વિજુભા અને પ્રભાતસિંહે એકબીજાની સામે જોઇને આંખોથી જ સંતલસ કરી લીધી. 'સીધી રીતે એ બદમાશ બસ્સો કરોડ આપે એવી કોઇ શક્યતા નથી. એ છતાં, એટલી રકમ આપે તો વાંધો નથી.' પ્રભાતસિંહે સંમતિ આપી.

'તો પછી કાલે એને મળીને વાત કરું.' જિતુભાએ આવું કહ્યું એની સાથે જ વિજુભા ઉછળ્યો. 'કોઇ ભાઇએ એકલા જઇને વાત નથી કરવાની.' એણે જિતુભા સામે જોયું. 'તમે એકલા જાવ અને એ ચીટર તમને એકલાને ચાલીસ કરોડ આપીને રાજી કરી દે તો?' એણે તરત પ્રભાતસિંહ સામે જોયું. 'આમને નવ કિલો સોનું આપ્યું એમાં મને તો અંધારામાં જ રાખેલોને?' એના અવાજમાં આદેશનો રણકાર ભળ્યો. 'જે કંઇ ચર્ચા કરવાની હોય એ આપણા ત્રણેયની હાજરીમાં થવી જોઇએ. કુલડીમાં ગોળ ભાંગવાની ગમ્મત હવે નહીં ચાલે. હું તો મારી રીતે એકલો એની સામે લડવા તૈયાર હતો. તમે કહ્યું કે ત્રણેય ભાઇઓ સાથે મળીને લડીશું એટલે ચર્ચા પણ સાથે જ થવી જોઇએ. આપણે ત્યાં ના જવું હોય તો એ બદમાશને અહીં બોલાવો.'

અવાજની આક્રમકતા અકબંધ રાખીને એણે આગળ કહ્યું. 'આપણે કહીએ અને એ ચેક ફાડીને આપી દે એ વાતમાં માલ નથી. એ જાડી ચામડીનો ચીટર બસ્સો નહીં, બે કરોડ પણ નહીં આપે. રાવણના વેરી થઇને આપણે રામકથા કરવાની જરૂર નથી. હાથ જોડીને એને કરગરવાનો પણ કોઇ અર્થ નથી. સીધી રીતે એ માણસ પૈસા નહીં આપે એ મારી ગેરંટી. આંગળી વાંકી કર્યા વગર ઘી નથી મળવાનું. બોલો, હવે તમે શું કહે છો?'

એની ઉગ્રતા જોઇને જિતુભા વિચારમાં ડૂબી ગયા હતા. 'વિજુભા, તમારી વાત સાથે સંમત છું. હાથમાં આવી ગયેલા પૈસામાંથી થોડાકેય પાછા આપવાનું કોઇનેય ના ગમે. એ છતાં...' સહેજ અટકીને એમણે બંનેની સામે જોઇને સમજાવ્યું. 'એ છતાં, એને સમજાવવાનો એક પ્રયત્ન કરવો જોઇએ એવું હું માનું છું. બાકી તમારી મરજી.'

‘આપણે કહીએ અને એ ચેક ફાડીને આપી દે એ વાતમાં માલ નથી. એ જાડી ચામડીનો ચીટર બસ્સો નહીં, બે કરોડ પણ નહીં આપે. રાવણના વેરી થઇને આપણે રામકથા કરવાની જરૂર નથી. હાથ જોડીને એને કરગરવાનો પણ કોઇ અર્થ નથી. સીધી રીતે એ માણસ પૈસા નહીં આપે એ મારી ગેરંટી.’

'સમજાવટ માટે કોઇએ એકલા તો જવાનું નથી.' વિજુભાએ મક્કમતાથી કહ્યું. 'આપણે ત્રણેય સાથે જઇશું અથવા તમે એને અહીં બોલાવો. એ માણસ માનવાનો નથી એ તો ભીંત ઉપર લખેલું મને દેખાય છે. એ આપણું કહ્યું માને નહીં એ પછી મારી કમાન છટકે તો એના બંગલામાં જ મા-બેનવાળી શરૂ કરીને હું ધડાધડી શરૂ કરી દઇશ.'

વિજુભાએ સહેજ વિચારીને ઉમેર્યું. 'મારો મુદ્દો સમજો. સમજાવટ અને ચર્ચા માટે જઇશું એટલે કોઇ તૈયારી વગર જ જઇશું. એમાં હું ગાળાગાળી કરીને ધમકી આપીશ પણ એનાથી વિશેષ એ સમયે કંઇ થઇ નહીં શકે. એમાં, એ ચીટરને ચેતી જવાનો ચાન્સ મળશે. એ એની સિક્યોરિટી વધારી દેશે. મારી વાત સમજાય છે તમને? આપણે પ્રહાર કરવાના છીએ એ જાણીને એ આગોતરી વ્યવસ્થા ગોઠવી કાઢે તો આપણું કામ વધુ મુશ્કેલ બને. એને બદલે સીધો જ ઘા મારવાનો. એવો જોરદાર ઘા મારવાનો કે એ બેવડ વળી જાય. સામેથી આવીને એ આપણા પગ પકડીને પૂછે કે બાપુ, કેટલા રૂપિયા આપું? એવો પ્લાન મારા મગજમાં ઘૂંટાય છે. એને ક્લચમાં લેવો હોય અને બસો કરોડ ઓકાવવા હોય તો બોલો. પ્લાન તૈયાર છે.'
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી