આઘાતના આંચકામાંથી બહાર આવીને જિતુભાએ જાત સંભાળી લીધી. વિભાકર આવી રમત રમશે એની તો એમનેય કલ્પના નહોતી.

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 28, 2018, 12:05 AM IST

પ્રકરણઃ77
ધગધગતા
આક્રોશતી વિજુભા જે બોલી રહ્યો હતો એ સાંભળીને જિતુભા પણ સ્તબ્ધ હતા. ચારેક દિવસથી લગીર તાવ જેવું લાગતું હતું એટલે એ ડેલીની બહાર નહોતા નીકળ્યા. અત્યારે વિજુભાએ જે કહ્યું એ સાંભળીને એમને પણ આંચકો લાગ્યો હતો. આ સમાચાર તો એમના માટે પણ આઘાતજનક હતા.

'તું અંદર આવીને શાંતિથી વાત કર.' વિજુભાને આટલું કહીને એમણે નોકરને બીજી ચા લાવવા કહ્યું. વિજુભા આવીને એમની સામે ખુરસી પર બેઠો. નોકરે આવીને ચા આપી એ કપ હાથમાં પકડીને એણે ઠપકાભરેલી આંખે મોટાભાઇ સામે જોયું.

'એ શેઠિયાએ પ્રભાતને સાંઇઠ કરોડ ઉપરાંત નવ કિલો સોનું આપ્યું એની તમને તો ખબર હતીને? તમેય પાંચ- છ કિલો ખંખેર્યું હશે ને મને એકલાને બાકી રાખ્યો! મને અંધારામાં રાખીને તમે બેઉ મારાથી મોટો લાડવો લઇ ગયા.'

'તમે મોટાભા થઇને ફરો છો. આખી જિંદગી પોલીસમાં નોકરો કર્યો તોય હજુ કંઇ ખબર નથી?' વિજુભાનો ગુસ્સો યથાવત્ જ હતો. 'આખા ગામમાં આગની જેમ સમાચાર ફેલાઇ ગયા છે કે એ ખેતર મુંબઇના કોઇ બિલ્ડરે છસ્સો કરડોમાં ખરીદ્યું અને ત્યાં જબરજસ્ત ટાઉનશીપ બનવાની છે.'

'એ કઇ રીતે બને? એ જમીન તો શૈક્ષણિક ઝોનમાં છે ને?' જાણે માનવામાં ના આવતું હોય એમ જિતુભાએ પૂછ્યું. 'ત્યાં ટાઉનશીપ ક્યાંથી બને?'

એક ઘૂંટડે ચાનો કપ ખાલી કરીને વિજુભાએ બાજુ પર મૂક્યો. 'મોટભાઇ, કયા જમાનામાં જીવો છો તમે? અત્યારે તો આ (ગાળ) શેઠિયાઓ પૈસા વેરીને શૂર્પંણખાને પણ સીતા બનાવી દે એવી ગીલીન્ડર છે. મોટો જેક લગાડીને પૈસા ખવડાવો તો હેતુફેરની મંજૂરી મેળવવામાં વાર કેટલી?'

સહેજ વાર અટકીને જિતુભા સામે જમણા હાથની પહેલી આંગળી રિવોલ્વરના નાળચાની જેમ લંબાવી. 'એ શેઠિયાની લુચ્ચાઇમાં તમેય ભાગીદાર બન્યા, એની પીડા વધારે છે. તમને ને પ્રભાતને એમ કે વિજુભા ડોબો છે, તડીપાર છે એટલે એને કંઇ ખબર નહીં પડે પણ મોટાભાઇ, વાત તો નદી બનીને મારા સુધી પહોંચે છે. દૂર હોઉં તોય પૂરી જાણકારી રાખું છું. એ શેઠિયાએ પ્રભાતને સાંઇઠ કરોડ ઉપરાંત નવ કિલો સોનું આપ્યું એની તમને તો ખબર હતીને? તમેય પાંચ- છ કિલો ખંખેર્યું હશે ને મને એકલાને બાકી રાખ્યો! મને અંધારામાં રાખીને તમે બેઉ મારાથી મોટો લાડવો લઇ ગયા અને આપણને ત્રણેયને ડફોળ બનાવીને એ (ગાળ) શેઠિયાએ છસ્સો કરોડનો ખેલ પાડી દીધો!'

પ્રભાતસિંહને વધારાના ત્રીસ કરોડને બદલે નવ કિલો સોનું વિભાકરે આપ્યું એ વાતની વિજુભાને કઇ રીતે ખબર પડી ગઇ એ ગૂંચવાડા સાતે જિતુભા ચૂપચાપ સાંભળતા હતા.

'તમને બંનેને હું ગુંડા- મવાલી કે દાદાટાઇપ લાગું છું પણ સજ્જન બનીને તમે શું કાંદા કાઢ્યા? ફોસલાવીને મને એ શેઠિયાની સ્કીમમાં ભેળવ્યો. એમાંય મારો કડદો કર્યો. મારાથી છાનામાના સેટિંગ કરીને તમે બંનેને ઘર ભર્યું. નાના ટૂકડામાં રાજી થઇને મારી સાથે રીતસર દગો કર્યો. તમારી આ રમતમાં છળકપટ કરીને શેઠિયો મોટો દલ્લો ઉસેટી ગયો એ આપણે જોયા કરવાનું?'

આઘાતના આંચકામાંથી બહાર આવીને જિતુભાએ જાત સંભાળી લીધી. વિભાકર આવી રમત રમશે એની તો એમનેય કલ્પના નહોતી.

'વિજુભા, મારી વાત સાંભળો.' મોટાભાઇ તરીકે એના ખભે હાથ મૂકીને એમણે સમજાવ્યું. 'પ્રભાતે જે કેસ કરેલો હતો એ પાછો ના ખેંચાય ત્યાં સુધી એ મેટરમાં કોઇનાથી કંઇ થઇ શકે એમ નહોતું. વિભાકરે આપણને ત્રણેયને સાંઇઠ- સાંઇઠ કરોડ આપવાની વાત કરેલી ત્યારે લાંબુ વિચારીને મને એ વાત વ્યાજબી લાગેલી. પ્રભાતે કેસ પાછો ખેંચવા માટે જે વધારાની રકમ માગી એ ચૂકવવા વિભાકર તૈયાર હતો એટલે એમાં મેં માથું ના માર્યું. એ નવ કિલો ગોલ્ડ એને કેસ પાછો ખેંચવાના બદલામાં પેલાએ આપ્યું. મને તો તારી જેમ સાંઇઠ કરોડ જ મળ્યા છે.'

આટલું શાંતિથી સમજાવ્યા પછી એમના અવાજમાં આક્રમકતા ઉમેરાઇ. 'આ છસ્સો કરોડની વાતમાં સાચું શું છે એ તપાસ કરાવું છું. આપણને મૂરખ બનાવીને એણે જો આ રમત કરી હશે તો હું તારી સાથએ છું.' સહેજ વિચારીને એમણે શાંતિથી સમજાવ્યું. 'મારી વાત સાંભળ એ માણસે જો ખરેખર આવો ખેલ પાડ્યો હોય તો એની તાકાતનો અંદાજ મેળવી જો. એવા લુચ્ચા અને હરામી શેઠિયા સામે તું એકલો તલવાર કે બંદૂક લઇને લડવા જાય તો એ તને ગાંઠે નહીં. તારે એકલાએ એવી શહીદી વહોરવાની જરૂર નથી. આવેશમાં આવીને તું એકલો તલવાર ખેંચીશ તો એ તને બરબાદ કરી નાખશે. એક વાત સમજી લે. આ લડાઇ તારી એકલાની નથી. સામેની પાર્ટી કમજોર નથી. આપણે ત્રણેય ભાઇ સાથે મળીને એ ચીટરને ક્લચમાં લેવાનો છે. ઉતાવળ કરવાથી કે ગુસ્સાથી કામ નહીં ચાલે. પાકા પાયે રણનીતિ બનાવીને એને પછાડવાનો અને પૈસા ઓકાવવાના. પ્રભાતસિંહ મીઠડો છે, મારામાં વ્યૂહ બનાવવાની આવડત છે. અને તારામાં પ્રહાર કરવાની તાકાત છે. આપણે ત્રણેય એક બનીને લડવાનું છે.'

અવાજમાં આદેશ ઉમેરીને એમણે તાકીદ કરી. 'કશુંય ફાઇનલ ના કરીએ ત્યાં સુધી કિપ મમ. કોઇની સામે બખાળા નહીં કાઢવાના. જાણે કંઇ બન્યું જ નથી એમ શાંતિથી તાલ જોયા કરવો. આવતી કાલ સાંજ સુધીમાં રજેરજની માહિતી મેળવી લઇશ એ પછી રાત્રે આપણે ભેગા થઇશું. પ્રબાતને હું કહી દઇશ. કાલે રાત્રે નવ વાગ્યે તું આવી જજે.'

'તમે શાંત રહેવાનું કહો છો પણ લોકો લાંઠી કરે છે.' વિજુભાએ કહ્યું. 'છસ્સો કરોડવાળી વાતની મનેય ખબર નહોતી. દાઢી કરાવવા ગયો ત્યારે એ દોઢા દલસુખે ડામ દીધો. જાણે મશ્કરી કરતો હોય એમ પૂછ્યું કે બાપુ, આવું કેમ થયું? હોલો કાગડાને ચાંચ મારી ગયો? એને શું જવાબ આપવો?'

'હસી કાઢવાનું. ગોળ ગોળ જવાબ આપવાનો કે અમે રફ હીરો વેચ્યો ને પેલાએ પહેલ પાડીને ઘાટ આપીને મોટા બકરાને પધરાવી દીધો એમાં અમારે કેટલા ટકા?'

'ચાલો, હું રજા લઉં. તમારી રીતે પાકી તપાસ કરી રાખો. કાલે રાત્રે નવ વાગ્યે આવીશ. જય માતાજી!' 'જય માતાજી' કહીને જિતુભાએ એને વિદાય આપી. મગજ તો એમનું પણ ચકરાઇ ગયું હતું. વિભાકર આ રીતે લુચ્ચાઇ કરીને બેવકૂફ બનાવે એ સહન કરવાનું એમના માટે પણ અઘરું હતું. સાચી હકીકતની જાણકારી મેળવવા માટે એમણે મોબાઇલ હાથમાં લીધો.

પ્રશાંત અને પરિધિ જમવા બેઠા હતા. એમને પીરસીને શાલિની પણ બંને બાળકોની સાથે જમવા બેઠી. પીરસીને શાલિની પણ બંને બાળકોની સાથે જમવા બેઠી. એ ત્રણેય જમીને ઊભા થયા એ વખતે સુભાષ જમવા આવ્યો એટલે શાંલિની પાછી રસોડામાં ઘૂસી.

'પપ્પા, મારે જિમ જોઇન કરવું છે.' સુભાષ જમતો હતો ત્યારે પ્રશાંતે એની પાસે ઊભા રહીને કહ્યું. 'આ જિમનું આખા ઇન્ડિયામાં મોટું નામ છે.'

'એની ફી પણ એવી મોટી જ હશેને?' સુભાષે સમજાવ્યું. 'અમદાવાદમાં લોકો દેખાદેખીમાં જિમની ફી ભરે છે. અઠવાડિયા પછી ઉત્સાહનો ઉભરો શમી જાય, એટલે પચાસ ટકા લોકો ખડી પડે છે. આપણે એવી રીતે પૈસા બગાડવાની જરૂર નથી.'

'ફી આપણે નથી ભરવાની. વિભામામાએ વચન આપેલું કે જિમ જોઇને કરવું હશે તો એ સ્પોન્સર કરશે.'

'ક્યારે વચન આપેલું?' સુભાષે પૂછ્યું. 'મંજુનાની હેવનમાં ગયા એ પછી આપણે ત્યાં રહેવા ગયેલા ત્યારે એમણે પ્રોમિસ આપેલું.' પ્રશાંતે યાદ કરીને કહ્યું.

'એ વખતનો વિભોમામો જુદો હતો અને અત્યારે એ સાવ બદલાઇ ગયો છે.' ગરમ રોટલી આપવા આવેલી શાલિની સામે જોઇને એણે પૂછ્યું. 'તારા પપ્પાને મર્યે સાડા ત્રણ મહિના થઇ ગયા. ઉત્તરક્રિયા પતાવીને આપણે અહીં આવ્યા એ પછી એકેય વાર એ શેઠે આપણને યાદ કર્યા છે? ઘેર બોલાવ્યા છે? ભાસ્કર કે આદિત્ય એ બેમાંથી પણ કોઇ તને ફોન કરે છે? ભાભી-ભાભી કહીને તું અલકા અને ભાવિકાની આગળ- પાછળ ફરતી હતી. હવે એ તને બોલાવે છે?'

એણે આવું બોલવાનું શરૂ કર્યું એટલે મમ્મી- પપ્પા સામે તાકીને પ્રશાંત ચૂપચાપ ઊભો રહી ગયો.

'એ લોકો આવું કરે એમાં મારો કોઇ વાંક ખરો?' શાલિનીએ તરત કહ્યું. 'મારેય નાક જેવું છે. મા- બાપ જતા રહે એ પછી દીકરીની દશા આવી જ હોય. એ લોકોને મારી પરવા ના હોય, તો મને એમની શું પડી છે? તમે જ કહો. સામેથી હું ફોન કરું છું? એમને મળવા દોડું છું?'

આટલું બોલ્યા પછી એણે પ્રશાંત સામે જોયું. 'વિભામામાએ તને વચન આપ્યું હોય તો એ સો ટકા તારી ફી ભરી દેશે એ મારી ગેરંટી. જિમમાં જઇને ત્યાંના મેનેજર જોડે વાત કરીને તું વિભામામાનો નંબર જોડજે. વિભો કહેશે એટલે કાચી સેકેન્ડમાં તારું કામ પતી જશે.'

એ પછી એણે સુભાષને કહ્યું. 'વચન આપ્યા પછી વિભો ક્યારેય ના ફરે. આટલી નાની રકમ માટે એ ભાણિયાને નિરાશ ના કરે.'

'યુ આર રાઇટ.' સુભાષ વ્યંગમાં બોલ્યો. 'વિભો ચકલા ના ચૂંથે. હી ઇઝ એ બીગ બોસ. આખે આખો મોટો દલ્લો હડપીને એણે બાકીના બધાયને નિરાશ કરી નાખ્યાને?'

'પ્લીઝ, તમે બધાના દેખતા આવું ના બોલો.' શાલિનીએ એને અટકાવ્યો. 'પપ્પાએ પોતાના અક્ષરમાં વસિયત લખીને એને વારસાદર બનાવ્યો છે. એણે જાતે તો કંઇ કર્યું નથીને?'

'આદિત્ય અને ભાસ્કર ગાય જેવા છે એ મોટી ઉપાધિ છે. સચ્ચાઇ સમજાય તો પણ શાંત રહે એવા ભીરૂ છે. તં સાવ નમાલી છે, એટલે આખા પ્રકરણ ઉપર પડદો પડી ગયો.'

'બધાને તમારા જેવા લુચ્ચા માનવાની મૂર્ખામી શા માટે કરો છો? વિભો તો ફક્કડરામ એકલો છે. એને પૈસાની કોઇ ભૂખ નથી. તમે આ ચર્ચા બંધ કરો.' આટલું કહીને શાલિનીએ પ્રશાંત સામે જોયું. 'તું વટથી જિમમાં જા. વિભોમામો તારી ફી માટે વાત કરી દેશે.'

શાહીબાગમાં સુભાષના ઘરમાં બપોરે બે વાગ્યે આ ચર્ચા ચાલતી હતી એ વખતે ત્યાંથી થોડે દૂર પોલીસ કમિશ્નરની કચેરીમાં પણ ધમાલ હતી. ડી.સી.પી. ક્રાઇમ તરીકેની નિમણૂંક લઇને આવનાર આઇ.પી.એસ. અધિકારીના સ્વાગતની તૈયારી ચાલતી હતી.

'એમના ફ્લેટની સફાઇ થઇ ગઇ છે ને?' એક અધિકારીએ આ વ્યવસ્થા સંભાળનાર ક્લાર્કને પૂછ્યું.

'જી. વસ્ત્રાપુર નવા બનેલા બહુમાળી ટાવરમાં હું જાતે ચેક કરી આવ્યો. એમના માટે છઠ્ઠે માળ છસ્સે બે નંબર એલોટ થયો છે. બાજુમાં છસ્સો એકમાં પાઠકસાહેબને ત્યાં ચાવી આપીને કહ્યું છે કે કમિશ્નરસાહેબ જોડે મિટિંગ પતાવીને ડી.સી.પી. સાહેબ ગમે ત્યારે આવી ચડશે.'

સ્ટેનગનવાળા બે કમાન્ડો વચ્ચે ફૂલ યુનિફોર્મમાં સજ્જ ડી.સી.પી.ની ચાલમાં આત્મવિશ્વાસ અને ગૌરવ છલકાતું હતું. પિસ્તાળિસ વર્ષની ઉંમરે પણ ગોરા ચહેરા પર તંદુરસ્તીની ચમક ઝળકતી હતી.

'એ સારું કર્યું. રાજા, વાજા ને વાંદરા ત્રણેય સરખા. ક્યારેય એમને કઇ ધૂન ચડે એ કંઇ કહેવાય નહીં.'

'અમે લોકો સ્ટેશનેથી નીકળીએ છીએ. પંદર મિનિટમાં આવી જઇશું.' ડી.સી.પી.ને સ્ટેશ પર લેવા ગેયાલ ઇન્સ્પેક્ટરે ફોન પર જણાવ્યું.

'નો પ્રોબ્લેમ. અહીં કમિશ્નરસાહેબના મુલાકાતીઓને પણ ફૂટાડી દીધા છે એટલે સાહેબ પણ ફ્રી જ છે.'

સાઇરનવાળી જીપ કમ્પાઉન્ડમાં પ્રવેશી. નવા ડી.સી.પી. ક્રાઇમ કેવા હશે એ જોવાની ઉત્સુકતા બધાને હતી.

'આમ તો ડાયરેક્ટર રિક્રૂટી તરીકે ડી.વાય.એસ.પી.માં આવેલા. કચ્છ, ડાંગ, ભરૂચ બધે ફર્યા પછી આઇ.પી.એસ. બન્યા અને ડી.સી.પી.નું પ્રમોશન મળ્યું. દહેરાદૂનમાં આઇ.પી.એસ.ની ટ્રેઇનિંગ પતી કે તરત અમદાવાદમાં આ મોભાદાર પોસ્ટિંગ મળી ગયું.' એકે બીજાને માહિતી આપી.

સ્ટેનગનવાળા બે કમાન્ડો વચ્ચે ફૂલ યુનિફોર્મમાં સજ્જ ડી.સી.પી.ની ચાલમાં આત્મવિશ્વાસ અને ગૌરવ છલકાતું હતું. પિસ્તાળિસ વર્ષની ઉંમરે પણ ગોરા ચહેરા પર તંદુરસ્તીની ચમક ઝળકતી હતી. પોતાની સામે તાકી રહેલા કર્મચારીઓ તરફ ધ્યાન આપ્યા વગર ડી.સી.પી.એ કમિશ્નરના બારણે ઊભા રહીને પૂછ્યું. 'મે આઇ કમ ઇન સર.'

'યસ વેલ કમ.' કમિશ્ચરે ઊભા થઇને એની સાથે હાથ મિલાવીને કહ્યું. 'ગીતા! તમારા જેવા જાંબાઝ મહિલા ડી.સી.પી. મળ્યા એ અમદાવાદની ક્રાઇમ બ્રાંચનું સદનસીબ છે. તમારા વિશે સાંભળ્યું છે કે, સૌરાષ્ટ્રનું સાચુકલું ખમીર તમે જાળવી રાખ્યું છે! ગ્રેટ! વન્સ અગેઇન વેલકમ!'
(ક્રમશઃ)

[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી