‘એકને તમામ મિલકત લખી આપીને એ જ રાત્રે આપઘાત કરે એ વિચિત્ર છે. સમગ્ર ઘટનાક્રમ એક કાવતરું લાગે છે...’

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 26, 2018, 12:05 AM IST

પ્રકરણઃ 75
'વિભાએ
તમને બે વાર લબડધક્કે લીધા, એ પછી તમારા મનમાં ફડક પેસી ગઇ છે. તમે એનાથી ડરો છો.'

હરિવલ્લભદાસનું વિલ ખૂલ્યું એના પાંચમા દિવસે સવારમાં જ શાલિનીએ સુભાષ સામે તલવાર ખેંચી. 'પપ્પાએ ખરું કર્યું. આખો લાડવો વિભાના મોઢામાં મૂકી દીધો. પેલા વકીલે વસિયત વાંચી ત્યારે બધા ઠરી ગયા હતા. મોઢામાં મગ ભર્યા હોય એમ આદિત્ય અને ભાસ્કર ચૂપચાપ બેસી રહ્યા.'

'પોલીસ કેસ કર. જરાયે શરમ રાખ્યા વગર ફરિયાદ નોંધાવ કે સાંજે સાડા પાંચ વાગ્યે વસિયત લખીને મારા પપ્પા રાત્રે અઢી વાગ્યે શંકાસ્પદ સંજોગોમાં આત્મહત્યા કરે છે. વસિયત મુજબ એમની તમામ પ્રોપર્ટી માત્ર એક જ માણસને મળે છે. એ આ રીતે કોઇ એકને તમામ મિલકત લખી આપીને એ જ રાત્રે આપઘાત કરે એ વાત વિચિત્ર છે.’

એણે તિરસ્કારથી પતિ સામે જોયું. 'તમે એ કુટુંબના એક માત્ર જમાઇ છો અને ઉંમરમાં પણ સૌથી મોટા છો. તોય કંઇ કર્યું નહીં. બધાના હાથમાં ઝૂંટવીને વિભો રાજા થઇ ગયો અને કોઇ એક અક્ષરેય બોલ્યું નહીં.' અવાજમાં કડવાશ સાથે એણે ઉમેર્યું. 'એમાંય અલકાભાભી તો ગ્રેટ પોલિટિશિયન છે, એ જોયુંને? વિભો દલ્લાનો માલિક બની ગયો એટલે તરત એને મસ્કા મારવા માટે એની વકીલાત શરૂ કરી દીધી! હવે જેઠજીને રાજી રાખવા માટે અલકા અને ભાવિકા વચ્ચે ચમચાગારીની હરીફાઇ શરૂ થઇ જશે.'

સહેજ અટકીને એણે પૂછ્યું. 'આમાં કોઇ ફેરફાર થઇ શકે કે નહીં? તમારે વકીલને એવું તો કૈંક પૂછવું હતુંને?'

'આમાં ફેરફાર કરવા માટે તારા પપ્પાએ સ્વર્ગમાંથી પાછા નીચે આવવું પડે.' સુભાષે પત્નીને વાસ્તવિકતાનું ભાન કરાવ્યું. 'વળી, પ્રોપર્ટી તારા પપ્પાની છે એટલે તારે પૂછી શકાયને? એ વખતે તો તુંય ચૂપચાપ બેસી રહેલી. મારી સામે બોલવું હોય ત્યારે તો તારી જીભ નોનસ્ટોપ ધડધડાટ ચાલે છે.'

'હું બોલેલી, પણ આદિત્ય અને ભાસ્કર સાવ પાણીમાં બેસી ગયા પછી મારું શું ગજું?' અવાજમાં લગીર નરમાશ ઉમેરીને એણે પૂછ્યું. 'આ વસિયતમાં વિભાએ કંઇક ચાલાકી કરી છે એવું સાબિત કરવા માટે કંઇક તો ઉપાય હશેને?'

'હું અને તું વાતોનાં વડાં કરીએ એનાથી કંઇ ના વળે. વકીલ રોકીને કોર્ટમાં કેસ ઠોકવો પડે. એમાં ખર્ચો થાય અને તારા માટે બંગલાનાં બારણાં બંધ થઇ જાય.'

પૂરી ગંભીરતાથી થોડી વાર વિચાર્યા પછી સુભાષે મોં ખોલ્યું. 'કાયમ માટે છેડો ફાડી નાખવો હોય અને હોળી સળગાવવી હોય તો બીજો ઉપાય મફતમાં થઇ શકે.'

ધ્યાનથી વાત સાંભળવા માટે શાલિની એની નજીક આવીને બેસી ગઇ.

'પોલીસ કેસ કર. જરાયે શરમ રાખ્યા વગર ફરિયાદ નોંધાવ કે સાંજે સાડા પાંચ વાગ્યે વસિયત લખીને મારા પપ્પા રાત્રે અઢી વાગ્યે શંકાસ્પદ સંજોગોમાં આત્મહત્યા કરે છે. વસિયત મુજબ એમની તમામ પ્રોપર્ટી માત્ર એક જ માણસને મળે છે. અમે ત્રણ ભાઇ અને એક બહેન છીએ. જીવતા હતા ત્યાં સુધી અમારા પપ્પાએ ક્યારેય અમારા વચ્ચે વેરો આંતરો નથી કર્યો. બધાના સમાન હકમાં એ માનતા હતા. એ સંજોગોમાં એ આ રીતે કોઇ એકને તમામ મિલકત લખી આપીને એ જ રાત્રે આપઘાત કરે એ વાત વિચિત્ર છે. સમગ્ર ઘટનાક્રમ એક કાવતરું હોય એવું એમને લાગે છે તો આ મામલે ઝીણવટથી તપાસ કરીને સચ્ચાઇ બહાર આવે એ માટે ઘટતું કરવા વિનંતિ.'

એની વાત સાંભળીને શલિની સ્તબ્ધ થઇ ગઇ. એણે નકારમાં માથું ધુણાવીને સુભાષનો હાથ પકડીને પૂછ્યું. 'તમને આવો વિચાર ક્યાંથી આવ્યો? અહીં બોલ્યા એ બોલ્યા, બાકી બીજાના મોઢે આવી વાત ના કરતા. મારા માટે પિયરનું બારણું સાવ બંધ થઇ જશે!'

'એકદમ ચાલાક પોલીસ અધિકારી આવી રીતે વિચારીને તપાસમાં ઊંડે ઊતરે.' સુભાષ બબડ્યો. 'તારું નામ વચ્ચે આવે એવું ના કરવું હોય તો નનામી અરજી વળગાડી દે.'

શાલિનીએ પતિ સામે હાથ જોડ્યા. 'આ વિચાર તમારા મગજમાંથી ખંખેરી નાખો, સાહેબ! આવી નીચતા વિભો ના કરે.'

'તો પછી જે પરિસ્થિતિ છે એ સ્વીકારી લેવાની. દિવાળી અને રક્ષાબંધનના દિવસે બંગલામાંથી જે કવર મળે એ લઇને રાજી રહેવાનું. કોઇ મોટી આશા નહીં રાખવાની.'

એ બંને વચ્ચે આ ચર્ચા ચાલતી હતી ત્યારે પ્રહલાદનગરમાં આવેલી ઓફિસમાં નવી વ્યવસ્થા ગોઠવાઇ રહી હતી. હરિવલ્લભદાસની વિશાળ ચેમ્બરમાં એમની ખુરસી પર વિભાકર ગોઠવાઇ ગયો હતો.


હરિવલ્લભદાસની રંગીન છબી દાદાજીના ફોટાની સાથે આવી ગઇ હતી. આદિત્ય અને ભાસ્કરની ચેમ્બર જે હતી એની એ જ રહી હતી. વિભાકરની જે ચેમ્બર હતી એમાં જયરાજ અને જયંતીને જગ્યા મળી હતી. ચાર માળની આ આલિશાન બિલ્ડિંગ બાર વર્ષ અગાઉ બનાવી ત્યારે હરિવલ્લભદાસે દૂરંદેશી વાપરીને એમાંથી એકેય ઓફિસ કે ગ્રાઉન્ડ ફ્લોર પરના શોરૂમની જગ્યા વેચી નહોતી, માત્ર ભાડે જ આપી હતી. મિલકતની કિંમત ચાલીસ ગણી વધી ગઇ હતી અને ભાડાની આવક પણ તોતિંગ હતી.

નેવું કરોડ રૂપિયાની દરખાસ્ત ગોધાવીના પ્રભાતસિંહને મધમીઠી લાગી હતી. એમાં પણ જિતુભા અને વિજુભા કરતાં પોતાને ત્રીસ કરોડ વધારે મળવાના હતા એથી એમનો અહં પણ સંતોષાયો હતો. પરંતુ હરિવલ્લભદાસના અવસાન પછી વાત ટલ્લે ચડી ગઇ હતી એથી એ લગીર અકળાયા હતા. સમયના પ્રવાહની સાથે આ શેઠિયો વિચાર બદલી નાખશે તો પછી ક્યારેય મેળ નહીં પડે. ખેતરની જમીન પરનાં ઢેફાં સામે તાકીને જિંદગી વિતાવવી પડશે એવી એમને આશંકા હતી. રહેવાયું નહીં એટલે એમણે વિભાકરને ફોન કર્યો.

'બાપુ, એક કામ કરો.' વિભાકરે સમજાવ્યું. 'કાલે ત્રણ વાગ્યે આપ જિતુભાને લઇને જરૂરી પેપર્સ સાથે ઓફિસ આવો. અમારા વકીલને પણ એ ટાઇમે બોલાવી લઉં છું. કાલની મિટિંગમાં તડીપાર વિજુભાની જરૂર નથી. ત્રણ વાગ્યે રાહ જોઇશ.'

જિતુભા અને પ્રભાતસિંહ કાકા-દાદાના ભાઇઓ હતા. પ્રભાતસિંહે જમીનના અર્ધા ભાગ માટે કેસ કરેલો હતો એ પછી જિતુભા અને એમના સગા ભાઇ વિજુભા સાથેના સંબંધો વણસી ગયા હતા. પણ વિભાકરની ફોર્મ્યુલા ત્રણેય ભાઇઓને ગળે ઊતરે એવી હતી એટલે બીજા દિવસે ત્રણે વાગ્યે જિતુભા અને વિજુભા ઓફિસમાં આવી ગયા.

જમીનના અટપટા કેસ ઉકેલવામાં એડવોકેટ હબીબની સૂઝ જબરજસ્ત હતી. ચા-નાસ્તા સાથે ચર્ચા કરતી વખતે એણે બધાં પેપર્સ ઉપર પણ નજર ફેરવી લીધી.

'સૌ પહેલાં તમારે કેસ પાછો ખેંચવો પડશે.' પ્રભાતસિંહ સામે જોઇને હબીબે સમજાવ્યું. 'સાત બારનો ઉતારો જોયા પછી આઇ એમ શ્યોર કે તમે ત્રણેય સાથે મળીને ગમે તે વહીવટ કરી શકો. કોઇ ચોથી પાર્ટી તો પિક્ચરમાં છે નહીં.'

'કેસ પાછો ખેંચું એ પછી પિક્ચર બદલાઇ તો નહીં જાયને?' પ્રભાતસિંહે શંકા રજૂ કરી.

'બાપના બોલથી કોઇ ફેર નહીં પડે.' જિતુભાએ વટથી ખાતરી આપી. 'વિજુભાને કન્ટ્રોલમાં રાખવાની જવાબદારી મારી.' એમણે વિભાકર સામે જોયું. 'આ શેઠે જે રકમ નક્કી કરી છે એ આપણને ત્રણેયને મળી જશે.'

'એમાં કોઇ શંકા નથી. આ હબીબસાહેબ કાગળ અને કલમ લઇને લોચો ઉકેલી આપે એ પછી સારો દિવસ જોઇને આપણે ડોક્યુમેન્ટ કરીશું. એ સમયે પૈસા મળી જશે.'

બીજા દિવસે એ બંને ભાઇઓ હબીબની ઓફિસે જશે એ નક્કી કર્યા પછી મિટિંગ પૂરી થઇ. જિતુભા, હબીબ અને પ્રભાતસિંહ વિદાય થાય પછી વિભાકરે બાજુમાં બેઠેલા આદિત્ય અને ભાસ્કર સામે જોયું.

'નેવું અને સાંઇઠ- સાંઇઠ કરોડ આ ત્રણેય બાપુઓને બસો દસ કરોડ ચૂકવી આપ્યા પછી ત્યાં વિરાટ શૈક્ષણિક સંકુલ બનાવવાની મૂળ યોજના હતી. પ્રાઇમરી સ્કૂલથી માંડીને એન્જિનિયરિંગ કોલેજીસ અને મેડિકલ કોલેજ સુધીનું વિચારેલું એ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં બીજા ચાલીસ કરોડ રોકવા પડે. કુલ અઢીસો કરોડના રોકાણ પછી પણ વહીવટ અને મેનપાવરનો પ્રોબ્લેમ તો ઊભો જ રહે. અત્યારે અમુક સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં અડધો અડધ સીટ ખાલી રહે છે એ જોઇએ તો આ પ્રોજેક્ટ ભાવનાશીલ દૃષ્ટિએ સારો લાગે બાકી વળતરમાં રાણીનો હજીરો!'

પોતાની સામે આશ્ચર્યથી તાકી રહેલા બંને નાના ભાઇઓ સામે જોઇને વિભાકરે સમજાવ્યું.

'ગાંધીનગર વાત ચાલુ છે. હેતુ ફેર માટે ત્યાંથી ત્રીસ કરોડની ડિમાન્ડ છે. મેં વીસ કરોડની ઓફર મૂકી છે. જો ત્યાંથી વીસ કરોડમાં ગ્રીન સિગ્નલ મળે તો અને માત્ર તો જ આપણે આ સોદો કરવાનો છે. બસો દસ વત્તા વીસ કરોડ ખવડાવવાના એટલે બસો ત્રીસ કરોડમાં પાંસઠ એકર જમીન આપણા હાથમાં આવી જાય. હેતુ ફેરની માગણી પાસ થઇ જાય એટલે આ જમીનની કિંમત સીધી પાંચસો કરોડ થઇ જશે.'

'વીસ કરોડ ખાઇને એ લોકો હેતુ ફેર કરી આપશે? શૈક્ષણિક ઝોનને બદલે રહેણાંક માટે મંજૂરી મળી જશે?' ભાસ્કરે પૂછ્યું.

'ત્યાં કોઇ ભગવાનના દીકરા નથી બેઠા. બધા માણસ છે. દુનિયાના કોઇ માણસને બંને તરફ પીઠ નથી હોતી, એક બાજુ પેટ હોય છે. વીસ કરોડ રૂપિયા એ કોઇ નાની રકમ તો છે નહીં.' લગીર વિચારીને એણે ઉમેર્યું. 'કામ અઘરું છે એટલે વીસને બદલે પચીસમાં સેટિંગ થઇ જાય તો પણ આપણા માટે તો લોટરી જ છે.'

એણે યાદ કરીને માહિતી આપી. 'પપ્પા ના સમાચાર જાણ્યા પછી મુંબઇથી સોઢા બિલ્ડર્સવાળા સુનિલ સોઢાએ દિલસોજી માટે ફોન કર્યો હતો. એ વખતે એણે વાતવાતમાં કહેલું કે અમદાવાદમાં એક ગ્રાન્ડ પ્રોજેક્ટનો વિચાર છે. ડાઉનટાઉન એરિયા હશે તો પણ ચાલશે પણ ક્લિયરકટ જમીન હોવી જોઇએ. અમારો કોઇ પ્રોજેક્ટ નાનો નથી હોતો. સાંઇઠ એકરથી મોટો કોઇ પ્લોટ હોય તો પ્લીઝ, ડુ ઇન્ફોર્મ મી.'

આટલું કહીને એ અટક્યો. આદિત્ય અને ભાસ્કર ધ્યાનથી સાંભળતા હતા. 'મુંબઇમાં પાંત્રીસ માળનાં બિલ્ડિંગ બનાવીને એમાં એક એક ફ્લેટ આડત્રીસ કરોડમાં વેચનાર સોઢા બિલ્ડર માટે પાંચસો- છસો કરોડની કોઇ વિસાત નથી. વીસ-પચીસ કરોડ બાળીને પણ હેતુ ફેર મંજૂર થઇ જાય તો પંદરેક દિવસમાં જ એ જમીન સોઢાને પધરાવી દેવાય.'

'આ દરબારોને જ્યારે આ વાતની ખબર પડશે ત્યારે એ લોકો ધૂંધવાશેને? એમની સાથે વેર ઊભું થશે.' આદિત્યના અવાજમાં આછો ફફડાટ હતો.

'પૈસા હિંમતના છે. અંદરો અંદર ઝઘડીને એ લોકો ખેતર સામે તાકીને બેસી રહ્યા હતા. એ ત્રણેયને સમજાવીને પટાવીને એક કર્યા પછી પ્રમાણમાં માતબર રકમ આપણે આપવાની છે. એ લીધા પછી એ જમીનનું આપણે શું કરીએ એની સાથે એમને કોઇ લેવાદેવા ક્યાંથી હોય? ત્યાં સ્કૂલ બનાવીએ, મંદિર બનાવીએ કે અખાડો બનાવીએ એ આપણી મરજી! એ મુદ્દે એમની કોઇ દખલઅંદાજી કે દાદાગીરી મારી સામે નહીં ચાલે.' વિભાકરે આત્મવિશ્વાસથી કહ્યું.

‘કોઇની સાથે દુશ્મનાવટથી ડરવાનું મારા સ્વભાવમાં નથી. એક વાર લાઇન નક્કી કરી લીધી પછી એ જ લાઇન પર આગળ વધવાનું. જે થવાનું હોય એ થાય. સામે આવે એને કચડી નાખવાની મારામાં તાકાત છે.’

'એ છતાં આદિત્યની વાત વિચારવા જેવી છે.' ભાસ્કરે વિભાકર સામે જોયું. 'એમની પાસેથી સસ્તા ભાવે જમીન લઇને પંદર દિવસમાં જ ડબલ ભાવમાં વેચી દઇએ તો એમને છેતરાયાની લાગણી થાય. એમાં એક ભાઇ તો મારામારીના કેસમાં તડીપાર છે. એ ત્રણેય ભેગા થઇને કંઇક નવાજૂની પણ કરી શકે.'

'એ રીતે ડરી ડરીને નહીં વિચારવાનું. આમાં આપણે કંઇ ખોટું નથી કરતાને? એમને જમીનના પૈસા ચૂકવી આપ્યા પછી બુદ્ધિ વાપરીને પચીસ કરોડનું જોખમ લઇને આપણે ધંધો કરવાનો છે. સંઘવીની સુવિકાસ સોસાયટીના પ્રોબ્લેમની ખબર છેને? ગાંધીનગરમાં ત્રણ કરોડ રોકડા બાળીને આવેલો. કામ થયું નહીં ને ત્રણ કરોડ ગયેલા, આપણે પચીસ કરોડનું જોખમ લેવાનું છે.'

આદિત્ય અને ભાસ્કરના ખભે હાથ મૂકીને વિભાકર ઊભો થયો. 'કોઇની સાથે દુશ્મનાવટથી ડરવાનું મારા સ્વભાવમાં નથી. એક વાર લાઇન નક્કી કરી લીધી પછી એ જ લાઇન પર આગળ વધવાનું. જે થવાનું હોય એ થાય. સામે આવે એને કચડી નાખવાની મારામાં તાકાત છે. દુશ્મનો ઊભા થાય તો ડરવાનું નહીં, પૂરી તાકાતથી ટક્કર લેવાની.'

વિભાકર બોલતો હતો. ભાસ્કર અને આદિત્ય અહોભાવથી સાંભળતા હતા, પણ આ ઘટનાનાં કેવાં પરિણામ આવશે એની એ ત્રણમાંથી એકેયને અત્યારે કલ્પના નહોતી.
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી