'સાચો જવાબ આપ, રૂપાળી મંજુડીને ઘરમાં બેસાડવા માટે નિર્દોષ નિમુને તેં મારી નાખેલી કે નહીં? હા કે ના?'

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 25, 2018, 12:05 AM IST

પ્રકરણઃ74
સિધ્ધપુરમાં
પેલા અઘોરીએ શાપ આપેલો કે એકાદ મહિનામાં જ બીજો અસ્થિકુંભ લઇને તમારે અહીં આવવું પડશે. એ પછી ડૉક્ટર દિનુભાઇ કોઇ સંન્યાસીને ઘેર લાવેલા ત્યારે એમણે પણ અમંગળ આગાહી કરીને કહેલું કે બીજા કોઇનો જીવ લેવા માટે યમદૂતો બંગલામાં ઘૂમી રહ્યા છે. પરિવારના સભ્યોની હાજરીમાં આ બંને ઘટનાઓ બનેલી. એ ઉપરાંત, મંજુની વિદાય પછી પોતાના જીવનો કોઇ ભરોસો નથી એવું હરિવલ્લભદાસ એકથી વધારે વાર બબડેલા.

આ બધા તારા માટે પ્લસ પોઇન્ટ છે, વિભા! વિભાકરે પોતાની જાતને સમજાવ્યું. આ વાતાવરણની વચ્ચે જો હરિવલ્લભદાસ આત્મહત્યા કરે તો એ સાવ અસ્વાભાવિક ના લાગે.

'આવોને... બંગલો તમારો જ છે.' આટલું કહીને વિભાકરે તાકીદ કરી. 'વસિયતની વાત પપ્પા જ કાલે કહેવાના છે એટલે એનો ઉલ્લેખ કોઇની પાસે ના કરતા.'

હરિદ્વારની ફાઇવ સ્ટાર હોટલ અને વિમાનનો પ્રવાસ સ્પોન્સર કરીને વિભાકરે ડૉક્ટર દિનુભાઇ, જીવણલાલ અને હિંમતભાઇને પોતાના વશમાં કરી લીધા હતા. એ દિવસે હરિવલ્લભદાસે વિલ લખ્યું એ વખતે સાક્ષી તરીકે સહી કરવા માટે ગાડી મોકલીને એણે દિનુભાઇ અને જીવણલાલને ઓફિસે બોલાવી લીધા હતા અને એ બંને તરત હાજર થઇ ગયા હતા. એ બંનેની સહી લીધા પછી કવર સીલ કરીને વિભાકરે એના ઉપર હરિવલ્લભદાસની સહી કરાવી, એ પછી પારદર્શક સેલોટેપ લગાવી અને એ હાથોહાથ આપવા માટે જયંતીને સોલિસિટર ત્રિવેદીની ઓફિસે મોકલી દીધો.

'આજે સાંજે અમે ત્રણેય દોસ્તાર તમારા બંગલે આવવાના છીએ.' દિનુભાઇએ ઉત્સાહથી કહ્યું.

'આવોને... બંગલો તમારો જ છે.' આટલું કહીને વિભાકરે તાકીદ કરી. 'વસિયતની વાત પપ્પા જ કાલે કહેવાના છે એટલે એનો ઉલ્લેખ કોઇની પાસે ના કરતા.'

વસિયતમાં સાક્ષી તરીકે એક ડૉક્ટર હોય તો એનું કાયદાની દૃષ્ટિએ વધુ વજન પડે. એને ચેલેન્જ કરવામાં તકલીફ પડે. એ સમજ સાથે વિભાકર દિનુભાઇને પસંદ કર્યા હતા.

રાત્રે દસ વાગ્યે ત્રણેય મિત્રોને વિદાય આપવા હરિવલ્લભદાસ એમના ઓરડામાંથી બહાર આવ્યા અને એ પછી જે બન્યું એ જોઇને વિભાકરે સંતોષનો શ્વાસ લીધો ચાલો, એક પ્લસ પોઇન્ટ વધ્યો.

ભૈરવી ડાઇનિંગ ટેબલ પર એકલી બેસીને નાસ્તો કરતી હતી. ચવાણું, બિસ્કિટ, સફરજન અને કોલ્ડ કોફીનું વિચિત્ર કોમ્બિનેશન જોઇને હરિવલ્લભદાસ એની પાસે ગયા. 'એકલી એકલી નાસ્તો કેમ કરે છે? બધા સાથે હોય તો વધુ મજા આવેને?'

'મેં ત્રણેયને કહેલું પણ એ ના આવ્યા.' ભૈરવીએ ફટ દઇને મોબાઇલ જોડીને આકાંક્ષાને કહ્યું કે આકાશ અને ભૈમિકને લઇને નીચે આવ, દાદાજી બોલાવે છે.

એ ત્રણેય આવ્યા પછી હરિવલ્લભદાસે એ ચારેય બાળકો સાથે એમના અભ્યાસની અને બીજી આડીઅવળી વાતો કરી. સાવ સ્વાભાવિક રીતે જ વિભાકર વચ્ચે ત્યાં લટાર મારી આવ્યો. અનાયાસે જ સરસ ગોઠવણ થઇ ગઇ. એ મનોમન બબડ્યો. આત્મહત્યા અગાઉ ડોસાએ છેલ્લે છેલ્લે પૌત્ર- પૌત્રીઓ સાથે વાત કરી! આત્મહત્યાની વાર્તામાં અંતિમ લાગણીશીલ દૃશ્ય ઉમેરાઇ ગયું!

રાત્રે એક વાગ્યે રૂમની લાઇટ બંધ હતી. વિભાકર બે હાથ વચ્ચે માથું પકડીને પલંગ પર બેઠો હતો. મહાભારતમાં યુદ્ધ અગાઉ શ્રીકૃષ્ણે અર્જુનને જે કહ્યું હતું એવી જ શિખામણ મામાએ આપી હતી. એ છતાં અંતિમ પળે વિષાદ યોગમાં અટવાઇને એ દ્વિધામાં ફસાયો હતો. પાપા અને પુણ્યની વચ્ચે પસંદગી કરવાની હતી. પોતે જેની છત્રછાયામાં ઉછર્યો હતો એ હરિવલ્લભદાસનો ચહેરો અને છેલ્લા શ્વાસ વચ્ચે કરગરતા વસંતમામાની વિનંતિ.

પોતે એમને વચન આપ્યું હતું એ નૈતિક જવાબદારીના બોજ સાથે એ ઊભો થયો. જરૂરી સામાન ખિસ્સામાં મૂકીને એ રૂમની બહાર આવ્યો. રાત્રે દોઢ વાગ્યે કોઇ જોવાવાળું ના હોય એની ખબર હોવા છતાં એણે ચારેબાજુ નજર ફેરવીને ખાતરી કરી લીધી.

હરિવલ્લભદાસ ઓરડાનું બારણું ખાલી અટકાડીને જ બંધ રાખતા હતા. બારણું ખોલીને વિભાકર અંદર ગયો અને બારણું બંધ કરી દીધું. એણે લાઇટની સ્વીચ પાડી એટલે ઊંઘમાં ખલેલ પડી હોય એમ ઊંહકારો કરીને હરિવલ્લભદાસે પડખું ફેરવ્યું.

વિભાકરે એમને ઢંઢોળ્યા. એ ઝબકીને જાગ્યા 'વિભા, તું? અત્યારે?' કાચી ઊંઘમાં જ એમણે ચમકીને પૂછ્યું.

'અરજન્ટ કામ છે. તિજોરીની ચાવી આપો. 'સખ્તાઇથી આટલું કહીને એ કંઇ સમજે વિચારે એ અગાઉ એમના બનિયનના ખિસ્સામાંથી વિભાકરે ચાવી કાઢી લીધી.

તિજોરી સુધી પહોંચતાં અગાઉ વિભાકરે અત્યંત સ્ફૂર્તિથી બંને હાથ પર કોણી સુધીના મોજાં પહેરી લીધા હતા. તિજોરી ખોલીને એમાંથી એણે રિવોલ્વર બહાર કાઢી. તિજોરી બંધ કરીને એણે ચાવીને હરિવલ્લભદાસના બનિયનના ખિસ્સામાં ઠાંસીને પાછી મૂકી ત્યારે એમની ઊંઘ પૂરેપૂરી ઊડી ચૂકી હતી. આંખો ફાડીને એ વિભાકર સામે તાકી રહ્યા હતા.

'આ બધું શું છે?' ધ્રૂજતા અવાજે એમણે પૂછ્યું. 'તારે રિવોલ્વરનું શું કામ છે?'

'વર્ષો પહેલાં મારી મા નિમુને તમે દવાને બદલે ઝેર આપેલું ત્યારે એ બાપડીએ તમને કંઇ પૂછેલું?' બદલાયેલા અવાજમાં વિભાકરનો આ સવાલ સાંભળીને હરિવલ્લભનો ચહેરો ફિક્કો પડી ગયો. અજ્ઞાત ભયથી એ ધ્રૂજી ઊઠ્યા.

'એક જ પ્રશ્ર પૂછવાનો છે. સાચો જવાબ આપ.' તુંકારા પર આવી ગયેલા વિભાકરે પ્લાસ્ટિકની થેલીમાંથી રિવોલ્વર બહાર કાઢીને એનો સેફ્ટીકેચ ખોલી નાખ્યો ત્યારે હરિવલ્લભની આંખમાં ખોફનાક ભય છવાયો હતો. રિવોલ્વરનું નાળચું એમના કપાળને અડાડીને વિભાકરે પૂછ્યું.

'રૂપાળી મંજુડીને ઘરમાં બેસાડવા માટે નિર્દોષ નિમુને તેં મારી નાખેલી કે નહીં? હા કે ના?'

થથરી ઊઠેલા હરિવલ્લભે ચીસ પાડવા પ્રયત્ન કર્યો પણ ગળામાંથી અવાજ જ ના નીકળ્યો.

'જવાબ આપ.' રિવોલ્વરના નાળચાથી એમના કપાળ પર ટકોરો મારીને વિભાકરે દાંત ભીંસીને પૂછ્યું. 'નિમુનું ખૂન તેં કરેલું કે નહીં? યસ ઓર નો?'

ચકળવકળ આંખે ઝડપથી ચારે બાજુ નજર ફેરવીને હરિવલ્લભે ઉગરવાનો ઉપાય શોધ્યો પણ આ પહેલવાનના હાથમાંથી રિવોલ્વર ઝૂંટવી લેવાનો કોઇ ઉપાય હાથમાં નહોતો.

'દીકરા મારા! આ બુઢ્ઢા બાપ પર દયા કર.' એમણે ધ્રૂજતાં ધ્રૂજતાં બે હાથ જોડ્યા. 'એ વખતે મંજુના પ્રેશરને લીધે મારા હાથે એ પાપ થઇ ગયેલું. તું નહીં માને પણ હજુય એનો પસ્તાવો થયા કરે છે. મારું એ પાપ ડંખ્યા કરે છે. ક્યારેક અડધી રાત્રે નિમુની યાદ આવે ત્યારે હૈયામાં શારડી ફરતી હોય એવો વલોપાત થાય છે.' વેપારી તરીકે એમણે લાલચનો દાણો ફેંક્યો. 'નિમુને અન્યાય કરેલો એ પાપના પ્રાયશ્ચિતરૂપે તેં કહ્યું એ મુજબ વસિયત લખી આપીને? બધું તને આપ્યું. મંજુના દીકરાઓનું નામ પણ અંદર લખ્યું છે?'

'શી... શી...' નાક ઉપર આંગળી મૂકીને વિભાકરે મૂંગા રહેવાનો આદેશ આપ્યો.

'લિસન, ઇશ્વરના ઇન્સાફની ચક્કી ધીમું દળે છે, પણ ઝીણું દળે છે. તેં ગુનો કબૂલ કરી લીધો છે એટલે આટલાં વર્ષે પણ સજા તો તારે ભોગવવી જ પડશે. અગિનની સાક્ષીએ પરણીને એ આશાભરી યુવતીને તું આ ઘરમાં લાવેલો. વધુ રૂપાળું રમકડું મળી ગયું એટલે તેં એને મારી નાખી. મોતની સજા મોત. ગેટ રેડી.'

'વિભા, દયા કર. તને તારી મા નિમુના સમ. બુઢ્ઢા બાપ પર દયા કર.'

હરિવલ્લભના દયામણા ચહેરા સામે નજર કર્યા વગર વિભાકરે એમનો જમણો હાથ કચકચાવીને પકડી લીધો અને રિવોલ્વર એમના હાથમાં પકડાવી. એમની આંગળી ટ્રિગર પર મૂકાવ્યા પછી પણ હાથ એવી રીતે પકડી રાખ્યો કે એ આડું અવળું વિચારવાની હિંમત ના કરે.

એ જ દશામાં હાથ ઊંચકીને વિભાકરે રિવોલ્વરનું નાળચું જમણા કાને અને કપાળ વચ્ચે ગોઠવ્યું.

'સગા દીકરાએ બાપને મારી નાખ્યો એવા ચચરાટ સાથે ઉપર નથી જવાનું. છેલ્લી વાત સાંભળતો જા. નસીબના ખેલને લીધે હું આ બંગલામાં આવી ગયો. નિમુ મારી મા નહોતી ને તું મારો બાપ નથી.'

'હેં?!' આશ્ચર્યના આંચકા સાથે હરિવલ્લભ આગળ કંઇ બોલે એ અગાઉ ટ્રિગરમાં ભરાવેલી એમની આંગળી વિભાકરે દબાવી દીધી! સાયલેન્સરને લીધે માત્ર નાનકડો લવિંગિયો ફટાકડો ફૂટ્યો હોય એવો અવાજ રૂમમાં પડઘાયો અને લોહીથી લથબથ હરિવલ્લભદાસ ઢળી પડ્યા..!

બે હાથ જોડીને વિભાકરે મૃતદેહની ક્ષમા માગી, અને ઝડપથી ખસી ગયો. પોતે જે મુસદ્દો બનાવી આપેલો એ વસિયત હરિવલ્લભદાસે એમના અક્ષરમાં લખી આપેલી. એ કામમાં સફળતા મળેલી પણ સ્યુસાઇડ નોટ લખી આપવાનું કામ એ નહોતા કરવાના. હવે એમનું મડદું ઊભું થઇને આત્મહત્યાના કારણની ચિઠ્ઠી લખે એ શક્ય નહોતું. એમના અક્ષરની નકલ કરવાનું જોખમ લેવા વિભાકર તૈયાર નહોતો.

મોબાઇલમાં એસ.એમ.એસ.ના સ્વરૂપે સ્યુસાઇડ નોટ લખવાનો આઇડિયા એણે અગાઉથી જ વિચારી રાખ્યો હતો. મગજમાં એ માટેના શબ્દો પણ ગોઠવી રાખ્યા હતા. હરિવલ્લભદાસનો મોબાઇલ હાથમાં લઇને એણે ગુજરાતી ફોન્ટમાં મેસેજ લખી નાખ્યો. એ મેસેજ પોતાને, આદિત્ય, ભાસ્કર, ડૉક્ટર દિનુભાઇ, જીણવલાલ અને હિંમતભાઇને સાગમટે મોકલી દીધા પછી મોબાઇલ યથાસ્થાને પાછો મૂકી દીધો.

હરિવલ્લભદાસની બિહામણી લાશ સામે વધુ સમય જોયા વગર એણે બાકીના આખા ઓરડામાં નજર ફેરવી લીધી. ક્યાંય કોઇ છેડો ઢીલો નથી રહ્યો એ ચકાસી લીધું. હળવે રહીને બારણું ખોલીને ચારે તરફ નજર ફેરવી. કોઇ જોતું નથી એની ખાતરી કરીને એ બહાર આવ્યો. ઓરડાનું બારણું અગાઉની જેમ ખાલી અટકડીને સીધો પોતાના રૂમમાં ઘૂસી ગયો.

કાળજીપૂર્વક હાથ પરથી મોજાં ઉતાર્યાં. એના ઉપર પડેલા લોહીના ડાઘ સામે એ તાકી રહ્યો. ટીશર્ટ ઉપર પણ છાંટા ઊડ્યા હતા. મોજાં અને ટિશર્ટ વોર્ડરોબમાં સૌથી નીચેના ખાનામાં સંતાડીને એ બાથરૂમમાં ઘૂસ્યો.

પાપનો મેલ ધોતો હોય એમ ઘસી ઘસીને નાહ્યા પછી નવાં કપડાં પહેરીને એ પલંગ પર આડો પડ્યો.

નિમુનો ચહેરો સ્મરણમાંથી ભૂંસાઇ ગયો હતો એ છતાં કલ્પનાના આધારે એ નિમુનાં દર્શન કરી શકતો હતો. સાડા ત્રણ વર્ષ સુધી અસીમ હેતથી ઝલક સામે જોઇને એ બોલ્યો. મા, તારા હત્યારાને તારી પાસે મોકલી આપ્યો છે.

છતની સામે તાકી રહેલી એની નજર સામે વસંતમામાનો ચહેરો તરવરી ઊઠ્યો. હવે તો ખુશને? ફિક્કું હસીને વિભાકર મનોમન બબડ્યો. વચન આપેલું એટલે તમે સોંપેલું કામ પતાવી આપ્યું છે. નિમુનો ચહેરો સ્મરણમાંથી ભૂંસાઇ ગયો હતો એ છતાં કલ્પનાના આધારે એ નિમુનાં દર્શન કરી શકતો હતો. સાડા ત્રણ વર્ષ સુધી અસીમ હેતથી ઝલક સામે જોઇને એ બોલ્યો. મા, તારા હત્યારાને તારી પાસે મોકલી આપ્યો છે.

આ બે ઉપરાંત એક ત્રીજા ચહેરાની ઝલક પણ છત ઉપર જાણે ઝળહળી રહી હતી. મામાએ કરેલા વર્ણનના આધારે વિભાકરના મગજમાં એના જન્મદાતા જયરાજસિંહ જાડેજાનું કાલ્પનિંક ચિત્ર બહુ સ્પષ્ટ હતું.

વીજળીના ચમકારાની જેમ મેરઠના વેપારીની લંડનમાં થયેલી હત્યાના સમાચાર પણ આ પળે યાદ આવી ગયા.

આટલા ઉચાટ વચ્ચે પણ વિભાકર હસી પડ્યો. જયરાજસિંહ જાડેજા! પ્રમાણ પિતાજી! કાલ્પનિક છબી સામે તકાીને એ મનોમન બબડ્યો.

યુ આર ગ્રેટ ડેડી! દુનિયાના તમે એક માત્ર એવા પિતા છો કે જેમના બંને દીકરાઓના હાથ લોહીથી રંગાયેલા છે!
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી