‘તારી રગેરગમાં જાડેજા ખાનદાનું લોહી દોડી રહ્યું છે...’

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 24, 2018, 02:02 PM IST

પ્રકરણઃ73
વિભાકર
પલંગમાં બેઠો થઇ ગયો. એક ગ્લાસ ભરીને ઠંડું પાણી પીધું તોય ગળામાં શોષ પડતો હોય એવું લાગતું હતું.

કચ્છમાં ભૂજની પાસે નાનકડું વરખડી સ્ટેટ. એ સ્ટેટનો રાજકુંવર જયરાજસિંહ જાડેજા. એ મારો બાપ મારો જન્મદાતા. એની પાસે કરગરીને મામાએ મને શેઠ હરિવલ્લભદાસના દીકરા તરીકે ગોઠવી દીધો. સ્કૂલમાં ભણવામાં આવતું હતું કે એક છોડની કુમળી ડાળી લઇને એને બીજા વૃક્ષ ઉપર ચોંટાડીને મજબૂત પાટાપિંડી કરી દો એટલે એ ડાળખી પેલા વૃક્ષનો હિસ્સો બની જાય. પોતે આવી કલમ કરેલી ડાળખી છે એ સચ્ચાઇ ઓગણ પચાસ વર્ષની ઉંમરે સામે આવી હતી! ફરીથી પલંગમાં આડો પડીને વિભાકર વિચારોમાં અટવાઇ ગયો હતો. ફરી એક વાર મામાનો ચહેરો નજર સામે તરવરી ઊઠ્યો.

સ્કૂલમાં ભણવામાં આવતું હતું કે એક છોડની કુમળી ડાળી લઇને એને બીજા વૃક્ષ ઉપર ચોંટાડીને મજબૂત પાટાપિંડી કરી દો એટલે એ ડાળખી પેલા વૃક્ષનો હિસ્સો બની જાય. પોતે આવી કલમ કરેલી ડાળખી છે એ સચ્ચાઇ ઓગણ પચાસ વર્ષની ઉંમરે સામે આવી હતી!

તારું આ સ્ટાઉટ બોડી, ખમીર અને ખાનદાનીથી ઝળહળતો રૂઆબદાર ચહેરો, પાણીદાર આંખો, હિંમત અને ઝનૂન એ બધાનું એક જ કારણ છે. તારી રગેરગમાં જાડેજા ખાનદાનનું લોહી દોડી રહ્યું છે. મામા એ સમયે આ બધું બોલતા હતા ત્યારે વિભાકરના મગજમાં શૂન્યાવકાશ છવાયેલો હતો. 'જયરાજસિંહ જાડેજા અત્યારે ક્યાં છે? મારે એક વાર માત્ર એક વાર એમના દર્શન કરવા છે.'

'હાલમાં એ હયાત છે કે નહીં એનીયે મને ખબર નથી. હોસ્પિટલમાં એ રાત્રે તારા કપાળ પર ચૂમી ભરીને એમણે મને સોંપી દીધો એ પછી અમે ક્યારેય મળ્યા નથી. વીસેક વર્ષ અગાઉ કચ્છ ભદ્રેશ્વર બાજુ અમે ફરવલા ગયેલા ત્યારે હું ખાસ એમને મળવા માટે વરખડી ગયેલો. વિશાળ હવેલી પર તાળું હતું. એક વડીલને પૂછ્યું. એમણે માહિતી આપી કે પહેલી પત્ની અને બાળક ગુજરી ગયા પછી જયરાજસિંહે એકાદ વર્ષ પછી ફરીથી લગ્ન કર્યાં હતાં. રાણીસાહેબનો પરિવાર બ્રિટનમાં રહેતો હતો એટલે અહીંનો કારોબાર સમેટીને બાપુ પણ બ્રિટન પહોંચી ગયા છે. બસ આટલી માહિતી મળેલી.'

એ બોલતા હતા ત્યારે વિભાકરને તાળો મળી ગયો હતો. બ્રિટનમાં જયરાજસિંહના નવાં પત્નીએ પુત્રને જન્મ આપ્યો હશે. મારા એ ભાઇનો ચહેરોમહોરો અદ્દલ મારા જેવો હશે. એ હીરો ક્યાંક ગલીગૂંચીમાં અટવાઇ ગયો હશે મેરઠના ભંગારના વેપારી હરિપ્રસાદ મિશ્રાનું ખૂન એણે કર્યું હશે.

'વિભા, આખી જિંદગી આ રહસ્યનો બોજો વેંઢાર્યો છે. તારી સાથે લોહીની કોઇ સગાઇ નહોતી એ છતાં ક્યારેય તને ઓછું આવવા નથી દીધું. નવી માની અવહેલના અને તિરસ્કાર બળ્યોજળ્યો તું ગારિયાધાર આવે ત્યારે મને મૂકીને તારા પર પ્રેમ વરસાવ્યો છે. તારી બંને મામીઓ અને કમલેશ તો તને સગો ભાણિયો માનીને સાચવે પણ મને તો સચ્ચાઇની ખબર હતી. એ છતાં, સગા દીકરાની જેમ તારી સંભાળ રાખી છે. નાની મોટી તારી દરેક ઇચ્છા પૂરી કરી છે.'

તૂટક તૂટક અવાજે મામા ક્ષીણ અવાજે બોલતા હતા. એમના શબ્દોશબ્દમાં સચ્ચાઇ હતી એટલે દરેક વખતે વિભાકર માથું હલાવીને હોંકારો આપતો હતો. અચાનક મામાની આંખની ચમક બદલાઇ. અવાજનો રણકો પણ જાણે ચમત્કાર થયો હો એમ બુલંદ બની ગયો. 'વિભા, તારી પાસેથી કંઇ માગ્યું નથી. જીવ્યો ત્યાં સુધી કોઇની પાસેથી કંઇ માગ્યું નથી. માત્ર એક વાર તું જન્મ્યો ત્યારે જયરાજસિંહ જાડેજા પાસે કરગરીને ઝોળી ફેલાવેલી અને તને માગેલો.' મોટા અવાજે બોલવા માટે એ મથતા હતા. શ્વાસ ફૂલી ગયો હતો છતાં વિભાકર સામે જોઇને એમણે પ્રયત્ન ચાલુ રાખ્યો.

'એ હરામીએ પોતાની હવસ સંતોષવા મારી બેન નિમુને મારી નાખેલી. કોઇક નિર્દોષની હત્યા કરીએ તો ક્યારેક એનો બદલો મળે એ હકીકત હરિવલ્લભને તારે સમજાવવાની છે. વિભા, મને વચન આપ. શ્વાસ તૂટે એ અગાઉ ધરપત આપ કે હરિવલ્લભને તું નિમુ પાસે પહોચાડી દઇશ.' તૂટતા શ્વાસ વચ્ચે મામા આજીજી કરી રહ્યા હતા. 'એ શેતાનને સજા કરવા તું સમર્થ છે. જલ્દી વચન આપ.'

મહામહેનતે એમણે જમણો હાથ વિભાકર સામે લંબાવ્યો. બૂઝાતા દીપક જેવી આંખોમાં અંતિમ ઇચ્છા પૂરી થવાની આશા આંજીને એ વિભાકર સામે તાકીને કરગરી રહ્યા હતા. 'જાડેજા, ગુનેગારને સજા કરવી એ ક્ષત્રિયનો રાજધર્મ છે. મરાત માણસની અંતિમ ઇચ્છા પૂરી કર. એ રાક્ષસને તું ખતમ કરીશ એવું એક વાર કહી દે, દીકરા! એને મારી નાખ.'
એમની અંતિમ પળોની લાચારી અને લંબાયેલો હાથ જોઇને વિભાકર પાસે કોઇ બીજો કોઇ વિકલ્પ નહોતો.

પોતાના બંને હાથ વચ્ચે એણે મામાનો હાથ જકડી લીધો 'તમારા જીવને ગતે કરો, મામા! હણે એને હણવામાં કોઇ પાપ નથી એવું તમે કહો છો, પણ એ પાપ હોય તોય મને પરવા નથી. હું હરિવલ્લભને સજા આપીશ.' એના એ શબ્દો સાંભળવા માટે જ એ મૃત્યુ સાથે સંઘર્ષ કરી રહ્યા હોય એમ વિભાકર સામે આભારવશ નજરે જોઇને એમણે આંખો બંધ કરી દીધી! આ બધી યાદ વચ્ચે રૂમમાં મૂંઝારો થતો હોય એવું લાગ્યું એટલે વિભાકર ડ્રોઇંગરૂમમાં આવ્યો. ઝાંખી લાઇટ વચ્ચે અત્યારે હૉલની ભવ્યતા વધુ વિશાળ લાગતી હતી. કોઇ જ પ્રયોજન વગર બે ત્રણ ચક્કર મારીને એ સોફા પર બેઠો. હરિવલ્લભદાસના ઓરડાનું બંધ બારણું આંખ સામે હતું. વિભાકર એની સામે તાકી રહ્યો.

ગારિયાધારમાં મામાના અંતિમ સંસ્કાર પતાવીને પાછા અમદાવાદ આવ્યા પછી મામાની અંતિમ ઇચ્છા પૂરી કરવી કે નહીં એ દ્વિધા મગજમાં હતી. ઓગણપચાસ વર્ષ સુધી આ બંગલામાં હરિવલ્લભદાસના મોટા દીકરા તરીકે જીવ્યા પછી એક ઝાટકે એ તમામ સંબંધોથી મુક્તિ મળી ગઇ હતી.

તું નાનો હતો ત્યારે મંજુડી વેરો આંતરો કરતી હતી અને હરિવલ્લભ એને ટેકો આપતો હતો. પોતે બે છોકરાની મા થઇ ગઇ એ પછી એ કૂતરીએ તને પાણીના ટાંકામાં ધકેલી દીધો હતો ને તોય હરિવલ્લભે એને એક શબ્દેય નહોતો કહ્યો. પેલા બંને કંઇ ઉકાળી શકે એવું નથી, ને તને કોઇ પહોંચી શકે એવું નથી એ સચ્ચાઇ સમજાયા પછી હરામી હરિવલ્લભે પોતાનો ધંધો વધારવામાં તને જોતરી દીધો. સ્વાર્થ અને નર્યા સ્વાર્થને લીધે એ હરામી તને મોટા ભા કરીને મૂડી વધારતો રહ્યો. નિમુનો એ ખૂની તારો કોઇ નથી, એને ખતમ કરી નાખ, મામાની અંતિમ ઇચ્છા પૂરી કર, વિભા!

ચોવીસેય કલાક મામાના અંતિમ શબ્દો કાનમાં પડઘાતા હતા. એ સાંભળીને ઝનૂનથી આંધળું સાહસ કરવાને બદલે પૂરેપૂરું આયોજન કરીને મામાના આત્માને શાંતિ આપવાની હતી. કોઇને લગીર પણ શંકા ના આવે એ રીતે કામ પતાવીને આખા સામ્રાજ્ય ઉપર કબજો જમાવવાનો હતો. હરિવલ્લભદાસના ઓરડાના બંધ બારણા સામે તાકીને વિભાકર બેઠો હતો અને દૃશ્યો આંખ સામેથી પસાર થતાં હતાં.

'એક ખાસ વાત કહેવાની છે.' હરિવલ્લભદાસના ઓરડામાં જઇને વિભાકરે બારણું અંદરથી બંધ કર્યું અને પલંગમાં એમની સામે જઇને બેઠો. 'બોલને ભાઇ, આમેય આ વખતે ગારિયાધારથી આવ્યા પછી તારો રણકો બદલાઇ ગયો છે.' હરિવલ્લભદાસે હસીને ટકોર કરી. 'ખુમારીનું લેવલ પણ ખાસ્સું ઊંચું થઇ ગયું છે.'

'એ વાત જવા દો. મારી વાત સાંભળો.' વધેલી ખુમારીની સાબિતી આપતો હોય એમ વિભાકરે એમને અટકાવીને કહ્યું. 'ત્રિવેદીસાહેબ જોડે ચર્ચા ચાલે છે એમાં આગળ કંઇ કર્યું? ફાઇનલ વિલ બનાવ્યું?' આશ્ચર્યથી એની સામે તાકીને હરિવલ્લભદાસે નકારમાં માથું ધુણાવ્યું.

'લિસન. મારી વાતનો કોઇ બીજો અર્થ ના કાઢતા. તમારી આબરૂ અને કુટુંબના કલ્યાણ માટે તમારે એક આકરું પગલું ભરવું પડશે. એ માટેના કારણ સમજી લો.' વિભાકર ધીમા અવાજે બોલતો હતો પણ એમાં સત્તાવાહી રણકો હતો.

'ગોધાવીવાળી જમીન માટે તમારી ઇચ્છા છે એટલે આકાશ પાતાળ એક કરીને એના માટે પ્રયત્ન કરી રહ્યો છું. એ ત્રણેય ભાઇઓને અલગ અલગ રીતે ટ્રીટ કરીને કોકડું ઉકેલવાના આરે આવી ગયો છું. શૈક્ષણિક ઝોન છે એટલે ત્યાં વિરાટ શૈક્ષણિક સંકુલ ઊભું કરવાની આપણે વાત થઇ ગઇ છે.' હજુ સુધી ટપ્પી નહોતી પડી એટલે હરિવલ્લભદાસે માત્ર સંમતિ દર્શાવવા ડોકું હલાવ્યું.

'સંઘવી કન્સ્ટ્રક્શન આપણી શુભચિંતક નથી એ તમેય જાણો છો. હું પણ જાણું છું. માંકડને આંખો આવી હોય એમ આદિત્ય અને ભાસ્કર એ સંઘવી સાથે ચર્ચા કરવા પહોંચી ગયા હતા કે નિશાળ બનાવવા માટે વિભાકર ત્રણસો કરોડનો ધુમાડો કરી રહ્યો છે!' હવે હરિવલ્લભદાસ સ્તબ્ધ બનીને સાંભળતા હતા. 'આ એક વાત. બીજી વાત અલકાભાભી અને ભાવિકાભાભીના વિખવાદની. એ બંનેના મનમાં એવો ભ્રમ છે કે એમના પતિદેવ કાળી મજૂરી કરે છે અને જશ બધો વિભાકરને મળે છે! એ ઉપરાંત, વર્ચસ્વ માટેની હોડ તો એ બંનેનાં હૈયાંમાં ચાલુ જ છે.' આટલું કહીને એ અટક્યો. હરિવલ્લભદાસ ધ્યાનથી સાંભળતા હતા.

'હું તો એકલો ફક્કડરામ છું. મને સંપત્તિનો કોઇ મોહ નથી. છતાં, જો બધાયને કન્ટ્રોલમાં રાખવા હોય તો મારી વાત માનો. આખી જિંદગી તમામ વહીવટ તમે તમારા હાથમાં સેન્ટ્રલાઇઝ્ડ રાખ્યો છે એને લીધે કુટુંબની એકતા જળવાઇ રહી છે.' વિભાકરે ખિસ્સામાંથી બે કાગળ કાઢીને એમના હાથમાં આપ્યા. 'મારી રીતે મેં ઉપાય વિચાર લીધો છે. આપના પછી પણ સત્તાનું કેન્દ્રસ્થાન એક જ રહે તો અને માત્ર તો જ એકતા જળવાઇ રહેશે.' એણે હસીને ઉમેર્યું.

'સંઘવી કન્સ્ટ્રક્શન આપણી શુભચિંતક નથી એ તમેય જાણો છો. હું પણ જાણું છું. માંકડને આંખો આવી હોય એમ આદિત્ય અને ભાસ્કર એ સંઘવી સાથે ચર્ચા કરવા પહોંચી ગયા હતા કે નિશાળ બનાવવા માટે વિભાકર ત્રણસો કરોડનો ધુમાડો કરી રહ્યો છે!'

'આપ હજુ વીસ-પચીસ વર્ષ જીવવાના છો એ ખાતરી છે એટલે જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે આ વસિયત કેન્સલ કરીને બીજી વસિયત લખવામાં કોઇ વાંધો નથી આવવાનો. પણ હાલના તબક્કે આદિત્ય, ભાસ્કર, અલકા અને ભાવિકાને ભાન થવું જોઇએ કે કુટુંબના કલ્યાણ અને વિકાસ માટે એક અધિનાયક જરૂરી છે જુદા જુદા રાગ આલાપવાથી ધીમે ધીમે વિનિપાત થશે.'

હરિવલ્લભની આંખોમાં આંખો પરોવીને વિભાકરે અંતિમ આદેશ આપ્યો. 'કોઇનેય ખરાબ ના લાગે એ માટે મગજ કસીને સારામાં સારી ભાષામાં કેફિયત લખી છે અને એ પછી વિલ બનાવ્ચું છે.’ ‘મોહ-માયાનું કોઇ વળગણ નથી એ છતાં બધાને લાઇનમાં રાખવા માટે બધુંય મારે નામે કર્યું છે.

આ બંને કાગળ તમારા અક્ષરમાં લખી નાખો ને પછી મને બતાવો. સીલ કરીને એ ત્રિવેદીસાહેબને પહોંચાડી દીધા પછી બીજા દિવસે તમારે જ બધાને આ જાણ કરી દેવાની એટલે મારી રીતે કામ કરવામાં કોઇ ડખો ઊભો ના કરે.' હરિવલ્લભદાસના ચહેરા પરની અવઢવ પારખીને એણે હસીને એમના ખભે હાથ મૂક્યો. 'મારા ઉપર એટલો તો વિશ્વાસ છેને?'

બીજા દિવસે ત્રણ વાગ્યે હરિવલ્લભદાસે બંને કાગળ થોડાક નાનકડા સુધારા સાથે પોતાના અક્ષરમાં લખી નાખ્યા હતા. વિભાકરને બોલાવીને એ સોંપતી વખતે એમને એવી કલ્પના નહોતી કે પોતે જ પોતાના ડેથ વોરન્ટ ઉપર સહી કરી રહ્યા હતા!
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી