જયરાજસિંહના પગ ઉપર માથું મૂકીને વસંતમામાએ ઉમેર્યું. 'આપની તો ભરજુવાની છે. બીજા લગ્ન માટે વાત ચાલશે ત્યારે આ કુંવરની હાજરી થોડોક માઇનસ પોઇન્ટ ગણાશે.

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 23, 2018, 12:05 AM IST

પ્રકરણઃ72
વિભાકર
અત્યારે પણ પરસેવે રેબઝેબ થઇ ચૂક્યો હતો. પોતાની જિંદગી વિશેનું મોટામાં રહસ્ય મામા હૃદયમાં સંઘરીને જીવતા હતા. હાર્ટ એટેકના પહેલા હુમલા પછી અંતઃસ્ફૂરણાના આધારે એમને પોતાનો અંત નજીક દેખાઇ રહ્યો હતો. એમણે બોલાવ્યો. તૂટતા શ્વાસ વચ્ચે મામાએ એને એના અસ્તિત્વની અસલિયત જણાવી.

મામાનો એ સમયનો ચહેરો વિભાકરની આંખ સામે તરવરી રહ્યો હતો

'બે ચાર શ્વાસની મૂડી સિલકમાં હોય એવા અંતકાળે કોઇ માણસ જુઠ્ઠું ના બોલે, દીકરા! તું હરિવલ્લભ અને નિમુનો દીકરો નથી. એ સમયે તારી જે મજબૂરી હતી એને લીધે મારે આ કામ કરવું પડેલું.'

'બે ચાર શ્વાસની મૂડી સિલકમાં હોય એવા અંતકાળે કોઇ માણસ જુઠ્ઠું ના બોલે, દીકરા! તું હરિવલ્લભ અને નિમુનો દીકરો નથી. એ સમયે તારી જે મજબૂરી હતી એને લીધે મારે આ કામ કરવું પડેલું.'

એ જે બોલી રહ્યા હતા એના આધારે વિભાકરની આંખ સામે પચાસ વર્ષ જૂના ઇતિહાસનું એ આખું દ્રશ્ય આકાર લઇ રહ્યું હતું.

શ્રાવણ માસના અંતિમ દિવસોમાં આકાશ ગોરંભાયેલું હતું. પાલીતાણા બસ સ્ટેન્ડ અને ગામની વચ્ચે નાનકડું મેટરનિટી હોમ. છાપુંય બપોરે બાર વાગ્યે ગામમાં આવે.

વસંતમામા, મામી અને નિમુ ત્રણેય મેટરનિટી હોમમાં બાંકડા પર બેસીને ડૉક્ટરની રાહ જોઇ રહ્યા છે. રાજદૂત મોટર સાઇકલનો અવાજ આવે છે એટલે મહેતારાણી એટેન્શમાં આવી જાય છે. 'સાહેબ આવી ગયા.' આ ત્રણેયની સામે જોઇને એ માહિતી આપે છે. ડૉક્ટરનું ઘર હોસ્પિટલથી આઠ કિલોમીટર દૂર હતું.

ડૉક્ટર આવીને વસંતમામા સામે મોં મલકાવીને એમની કેબિનમાં જાય છે. થોડી વાર પછી એ બેલ વગાડે છે એટલે મહેતરાણી અંદર જાય છે, તરત બહાર આવીને આ લોકોને અંદર જવા ઇશારો કરે છે.

નિમુને અમદાવાદથી ગારિયાધાર લાવ્યા પછી દર મહિને આ ડૉક્ટરને બતાવવા આવતા હતા. ડૉક્ટરે કેસ પેપર જોઇને હસીને કહ્યું. 'આવતા અઠવાડિયે દાખલ થવાનું છે. આજે કેમ પધાર્યા?'

નિમુને શું શું તકલીફ પડે છે એ મામીએ ડૉક્ટરને સમજાવ્યું. મામા બહાર નીકળીને બાંકડા ઉપર બેઠા અને ડૉક્ટરે નિમુને ટેબલ પર સૂવડાવીને ઉપસેલા પેટ પર વિવિધ જગ્યાએ હાથ ફેરવીને તકલીફનું કારણ શોધવા મથામણ કરી. નિમુ પાછી ખુરસીમાં બેઠી એટલે મામા અંદર ગયા.

'ડૉક્ટર સાહેબ, નિમુનો સસરો કરોડપતિ છે. એણે અમને ચોખ્ખું કહેલું કે અમદાવાદ જેવી સગવડ ત્યાં ગામડામાં નહીં મળે. એ છતાં, અમે જીદ કરી કે દીકરીની પહેલી ડિલિવરી તો પિયરમાં જ થાય. એ લોકોએ નિમુને અમદાવાદમાં જ રહેવા દેવા માટે ખૂબ આગ્રહ કર્યો પણ અમે મક્કમ રહ્યા અને એને અહીં લાવ્યા છીએ. માત્ર તમારા ભરોસે એ નગરશેઠની વિનંતિ નથી માની. તમારી અને અમારી આબરૂનો સવાલ છે. તમે કહો તો એને આજે જ દાખલ કરાવી દેવા તૈયાર છીએ.'

'ડોન્ટ વરી.' વસંતમામાને ધરપત આપીને ડૉક્ટરે સમજાવ્યું. 'બાળકના શરીરની આસપાસ પાણી જેવા પ્રવાહીનું આવરણ હોય છે. એ પ્રવાહી ઘટી ગયું લાગે છે. એ માટેનો ટેસ્ટ કરાવવા અમદાવાદ કે મુંબઇ જવું પડે પણ આ હાલતમાં આટલી લાંબી મુસાફરીનું જોખમ ના લેવાય. હું ઇન્જેક્શન લખી આપું છું એ કદાચ અહીં નહીં મળે, પણ ભાવનગરથી મળી જશે. એ લાવી આપો.'

'વાંધો નહીં. આ બંને અહીં બેઠા છે. હું ભાવનગર ફોન કરીને મંગાવવા ટ્રાય કરું છું.' મામાએ આવું કહ્યું એઠલે ડૉક્ટરે ટેલિફોનનું ડબલું મામા તરફ લંબાવ્યું. ઓપરેટરને અરજન્ટ ભાવનગરનો કોલ જોડી આપવા મામાએ વિનંતિ કરી. દસેક મિનિટમાં એક્સચેન્જના ઓપરેટરે ભાવનગરન નંબર જોડી આપ્યો. ત્યાંના વેપારી મિત્રને દવાનું નામ લખાવીને મામાએ તાકીત કરી કે કોઇ માણસને એ દવા લઇને અબઘડી પાલીતાણા મોકલો. એને દવાના પૈસા ઉપરાંત ભાડું- ભથ્થું આપી દઇશ.

એ ત્રણેય હવે બહાર બાંકડા પર બેઠા. પાંચેક મિનિટમાં બીજા દરદીનું આગમન થયું. જાજરમાન પૌઢાની સાથે એક યુવાન અને યુવતી અંદર આવ્યા. યુવતીની હાલત નિમુ જેવી જ હતી. એ ત્રણેય ડૉક્ટર પાસે ગયા અને થોડી વારમાં જ ડૉક્ટરે વસંતમામાને અંદર બોલાવ્યા. 'હમણાં તમે ભાવનગર ફોન કર્યોને? ત્યાં ફરીથી ફોન કરો.' ડૉક્ટરે ફોન મામા તરફ ખસેડ્યો. 'તમારી દવા લઇને માણસ હજુ નીકળ્યો નહીં હોય.આ લોકો માટેની એક દવા પણ એની સાથે મંગાવી લો તો સારું.'

મામાએ ફોન કરીને દવા મંગાવી આપી. 'આ ઇન્દ્રસિંહ, એમના માતુશ્રી અને બહેનબા છે.' ડૉક્ટરે પરિચય કરાવ્યો. 'બહેનબાનું સાસરું કચ્છમાં છે. વરખડી સ્ટેટના જાડેજા એમના જમાઇ છે.' એમણે માહિતી આપી. 'તમારા નિુબેન અને આ કુસુમબાને ત્યાં એખ જ દિવસે કુંવર પધારવાના છે.' એમના અવાજમાં ચિંતા ભળી. 'મારે તો બંને કેસમાં ખડે પગે ધ્યાન રાખવાનું છે. નિમુબેનના પેટમાં બાળકને પ્રોબ્લેમ છે અને કુસુમબાને પોતાના બીપીની તકલીફ છે.'

દોઢેક કલાકમાં ભાવનગરથી માણસ આવી ગયો એટલે ડૉક્ટરને હાથ થઇ. ઇન્દ્રસિંહે હાથ મિલાવીને વસંતમામાનો આભાર માન્યો.

ત્રીજા દિવસે નિમુને દાખલ કરી એ રાત્રે જ કુસુમબાની તબિયત બગડેલી એટલે એ પણ દાખલ થઇ ગયા. ડૉક્ટરના ઘેર ફોન કરી દીધેલો એટલે એ ભમાભમ બાઇક લઇને આવી ગયા અને કુસુમબાની ટ્રિટમેન્ટ શરૂ કરી.

કુસુમબાનો પતિ બીજા દિવસે હોસ્પિટલમાં આવ્યો ત્યારે એને જોઇને વસંતમામા પ્રભાવિત થઇ ગયા. ગોરો રગં, વિશાળ કપાળ, છ ફૂટની ઊંચાઇ, સ્નાયુબદ્ધ શરીર અને સ્વભાવ એકદમ મળતાવડો. હોસ્પિટલથી થોડે દૂર ચાની કીટલી હતી. બપોરે વસંતમામા અને એ જયરાજસિંહ જાડેજા ત્યાં ચાપીવા સાથે જતા.

ચોથા દિવસે સવારથી જ ઝરમર વરસાદ શરૂ થઇ ગયો હતો. હોસ્પિટલમાં લેડિઝ રાત્રે રોકાતી અને દિવસે પુરુષો બાંકડા ઉપર બેસીને ગપાટા મારતા. દસેક વાગ્યે કુસુમબાના માતા અને મામીએ વિદાય લીધી અને વસંતમામા હોસ્પિટલમાં આવ્યા. એ પછી અર્ધો કલાકમાં જયરાજસિંહ જાડેજા પણ આવ્યા. ડૉક્ટર સાંજે આવવાના હતા. આ બે પુરુષો ઉપરાંત એક માત્ર સ્ટાફ મેમ્બર જેવી પાંસઠ વર્ષની મહેતરાણી હોસ્પિટલમાં હાજર હતી. એ અનુભવી હતી અને એની કુશળતા ઉપર ખુદ ડૉક્ટરને પણ વિશ્વાસ હતો કે સીધા-સાદા ડિલિવરીના કેસ એના ભરોસે છોડી શકાય.

બાર વાગ્યે વાતાવરણ અચાનક પલટાયું. વરસાદ અત્યાર સુધી ઝરમર વરસતો હતો એણે રૌદ્ર રૂપ ધારણ કર્યું. વીજળીના કડાકા- ભડાકા સાથે જાણે બારેય મેઘ ખાંગા થઇને તૂટી પડ્યા.

બે- અઢી વાગ્યે વરસાદ થોડો ધીમો થયો પણ બંધ તો નહોતો જ થયો. હોસ્પિટલની બહારનો રસ્તો જાણે નદી બની ગયો હતો.

'હવે ખમૈયા કરે તો સારું.' જયરાજસિંહ સામે જોઇને વસંતમામા બબડ્યા. 'જો એકાદ કલાક હજુય આવા ફોર્સથી આવશે તો તકલીફ થઇ જશે. બધાય રસ્તા બંધ થઇ જશે.'

જયરાજસિંહ પણ ચિંતાતૂર હતો. 'અમારે ત્યાં ભૂજમાં આલાગ્રાન્ડ સગવડ હતી એટલે મારા બા- બાપુજીએ તો અહીં મોકલવાની જ ના પાડેલી, પણ સાસુસાહેબની જીત આગળ નમતું જોખનવું પડ્યું.'

'અમારો કેસ રિવર્સ છે. અમારા વેવાઇએ અમદાવાદ માટે આગ્રહ રાખેલો ને અમે ઝઘડા જેવું કરીને અમારી બેનને અહીં લઇ આવ્યા.' આકાશ સામે નજર કરીને એ બબડ્યા. 'હે પ્રભુ! રક્ષા કરજે. હવે વરસાદ થંભાવી દે.'

ક્યાક નજીકમાં જ વીજળી પડી હોય એવો જોરદાર કડાકો થયો અને પૂરી આક્રમકતાથી વરસાદ તૂટી પડ્યો. મહેતરાણી બહાર આવીને ડૉક્ટરની કેબિનમાં બધા કબાટ ઉઘાડ- બંધ કરતી હતી. 'શું થયું?' કોઇ પ્રોબ્લેમ છે?' વસંતમામાએ એને પૂછ્યું.

'આવો ને આવો વરસાદ ચાલુ રહેશે તો ગમે ત્યારે લાઇટ જતી રહશે. પેટ્રોમેક્ષ અને બે મોટી ટોર્ચ છે એ શોધીને તૈયાર રાખું છું.' મહેતરાણી પૂરી નિષ્ઠાથી એની ફરજ બજાવતી હતી.

સાંજે છ વાગ્યે તો ઘોર અંધારું થઇ ગયું હતું અને વરસાદ ગાંડોતૂર બનીને વરસતો હતો. બહાર રસ્તા પર હવે કેડસમાણું પાણી હતું.

'સાહેબ આજે નહીં આવે.' મહેતરાણીએ આવીને કહ્યું. 'એમના તો ઘર પાસેય એટલું પાણી હશે કે ફટફટિયું ડૂબી જાય.' એના અવાજમાં ઉચાટ ભળ્યો. 'તમારા કોઇના ઘેરતીયે કોઇ આવી નહીં શકે. બધે પાણી- પાણી જ છે.'

જયરાજસિંહ અને વસંતમામા બંને ચિંતતુર હતા. એકબીજાની ચિંતા દૂર કરવા મથતા હોય એ રીતે આડી- અવળી વાતો કરીને સમય પસાર કરતા હતા. રાત્રે નવ વાગ્યે પણ વરસાદનું તાંડવનૃત્ય ચાલુ હતું અને લાઇટ ગઇ!

મહેતરાણીએ ટોર્ચની મદદતી પેટ્રોમેક્ષ સળગાવી. પેટ્રમેક્ષ એ અંદરના ઓરડામાં લઇ ગઇ અને ટોર્ચ આ બંનેને આપી.

'અંધારે વાતો કરવામાં વાંધો નહીં આવે.' જયરાજસિંહે ટોર્ચ બૂઝાવી દીધી. 'સંકટ સમયની સાંકળની જેમ આ ટોર્ચને સાચવીને રાખવી પડશે.'

વીજળીના કડાકા- ભડાકા વચ્ચે રાત્રે બારેક વાગ્યે કુસુમબાએ ચીસાચીસ શરૂ કરી. પોતાની પૂરી કુશળતા દાવ પર લગાવીને મહેતરાણી ત્યાં મથામણ કરી રહી હતી.

એ જ વખતે નિમુએ પણ ઉંહકારા શરૂ કર્યા. વસંતમામા અને જયરાજસિંહ એકબીજાના ખબે હાથ મૂકીને ઊભા હતા. બહાર ધોધમાર વરસાદ અને અંધારું અને અંદર આ એક મહેતરાણી બંને સગર્ભા યુવતીઓના પલંગ વચ્ચે દોડા દોડી કરી રહી હતી. અહીંનો અને ડૉક્ટરના ઘરનો બંને ટેલિફોન બંધ થઇ ચૂક્યા હતા.

વીજળીનો જોરાદર ચમકારાનો પ્રકાશ છેક અંદર સુધી પથરાયો એ જ વખતે એક નવજાત શિશુના રૂદનનો અવાજ ઓરડામાં ગૂંજી ઉઠ્યો.

વસંતમામા અને જયરાજસિંહના હૃદયના ધબકારા વધી ગયા હતા. ઝડપથી ડગલાં ભીને મહેતરાણી બહાર આવી.

'કલૈયાકુંવર જેવો દીકરો પધાર્યો છે, સાહેબ!' ઉત્સાહાથી જયરાજસિંહને વધામણી આપ્યા પછી બીજી જ પળે એના અવાજમાં ધ્રૂજારી ભળી. 'પણ બહેનનું શરીર ઠંડુ પડતું જાય છે!'

જયરાજસિંહ અંદર દોડ્યો. કુસુમના પગના તળિયા બરફ જેવા ઠંડા થઇ ચૂક્યા હતા. 'કુસુમ... કુસુમ...' બબડીને એણે પગના તળિયાં પર હથેળી ઘસવાનું શરૂ કરી દીધું.

પોતે અંદર જવાય કે નહીં એ દ્વિધામાં વસંતમામા બારણાં પાસે ઊભા હતા. 'શેઠ, તમે પગના તળિયા ઘસો, હું હાથની હથેળીઓ ઉપર જોર કરું છું.' જયરાજસિંહે બૂમ પાડી એટલે આપદધર્મ સમજીને વસંતમામાએ કુસુમના પગના તળિયા ઉપર માલિશ શરૂ કરી. પગ જે રીતે સાવ ઠંડા પડી ગયા હતા એ જોઇને એમને ધ્રાસકો તો પડ્યો પણ કંઇ બોલ્યા નહીં.

મહેતરાણી હવે નિમુના પલંગ પાસે ઊભી હતી. નિમુની ચીસાચીસ ચાલુ હતી. જયરાજસિંહના નવજાત પુત્રનું રૂદન પણ સતત ચાલું હતું.

એક જબરજસ્ત ચીસ પાડીને નિમુ એકદમ શાંત થઇ ગઇ. વસંતમામાએ એ તરફ જોયું. મહેતરાણીના હાથમાં બાળકનો આકાર પરખાયો પણ કોઇ અવાજ ના આવ્યો.

'દીકરો આવ્યો પણ મરેલો.' મહેતરાણીએ મામાની પાસે આવીને ધીમા અવાજે સમાચાર આપ્યા. 'નિમુ બેભાન થઇ ગઇ છે, પણ એને આ કંઇ ખબર નથી.'

આજુબાજુની દુનિયાનું ભાન ભૂલીને જયરાજસિંહ કુસુમની હથેળીઓ ઉપર જોરથી પોતાની હથેળીઓ ઘસી રહ્યો હતો. મહેતરાણીએ ત્યાં જઇને કુસુમની આંખો ખોલીને ડોળા તપાસ્યા. પછી નાક પાસે ઊંધી હથેળી રાખીને શ્વાસ ચાલે છે કે નહીં એ ચકાસ્યું. જયરાજસિંહનું કામ અટકાવીને નાડીના ધબકારા જોયા. પછી નિરાશાથી માથું ધૂણાવ્યું.

વીજળીના કડાકા જેવી ચીસ પાડીને જયરાજસિંહે કુસુમના શબ ઉપર પડતું મૂક્યું.

વીજળીના ચમકારાની ઝડપે વિચારીને વસંતમામાએ જયરાજસિંહના પગ પકડી લીધા. 'બાપુ, મા વગરનો દીકરો છે ને દીકરા વગરની મા છે. હું જે વિચારું છું એ દિશામાં વિચારીને મારા પર મહેરબાની કરો.'

બે હાથ વચ્ચે માથું પકડીને ફસડાઇ પડેલા જયરાજસિંહ પાસે મામા કરગરતા હતા. 'આપનો આ દીકરો મા વગર કઇ રીતે ઉછરશે? આપ યુવાન છો. કાલે ફરીથી લગ્ન કરશો એ પછી નવી માના હાથમાં આ માસુમની શી દશા થશે? અમારા માટે તો જીવન-મરણનો સવાલ છે. નિમુના સાસરિયા અમને પીંખી નાખશે. બાપુ, કરોડપતિ પરિવારમાં એ રાજકુમારની જેમ ઉછરશે. નિમુના સસરાનો બંગલો આઠ હજાર વારના પ્લોટમાં છે.' મહેતરાણી સ્તબ્ધ બનીને આ સંવાદો સાંભળતી હતી.

પોતાના ખિસ્સામાં હતી એ તમામ રોકડ વસંતમામાએ મહેતરાણીના હાથમાં પકડાવી. 'મોટીબેન, આ સેવાનું કામ છે એટલે કાયમ માટે મોઢું બંધ રાખજોય. નિમુ ભાનમાં આવે એટલે એને વધામણી આપી દો.'

જયરાજસિંહના પગ ઉપર માથું મૂકીને વસંતમામાએ ઉમેર્યું. 'આપની તો ભરજુવાની છે. બીજા લગ્ન માટે વાત ચાલશે ત્યારે આ કુંવરની હાજરી થોડોક માઇનસ પોઇન્ટ ગણાશે. સામે, મારી બહેનની જિંદગી સુધરી જશે ને જિંદગીભર હું તમારો ઓશિયાળો રહીશ.' ભીના અવાજે એ બબડ્યા. 'છેલ્લા શ્વાસ સુધી આ વાત આપણા બે વચ્ચે જ રહેશે એ વચન આપું છું.'

કુસુમના અણધાર્યા મોતથી પારાવાર પીડામાં વલોવાઇ રહેલા જયરાજસિંહે બે જ મિનિટમાં નિર્ણય કરી લીધો. ભીની આંખે બંને ભેટી પડ્યા.

પોતાના ખિસ્સામાં હતી એ તમામ રોકડ વસંતમામાએ મહેતરાણીના હાથમાં પકડાવી. 'મોટીબેન, આ સેવાનું કામ છે એટલે કાયમ માટે મોઢું બંધ રાખજોય. નિમુ ભાનમાં આવે એટલે એને વધામણી આપી દો.'

જયરાજસિંહે મહેતરાણી સામે જોયું. 'આ શેઠિયાએ રોકડ આપી પણ અત્યારે મારી દશાનો તો ખ્યાલ છેને? હું પૈસા નથી આપતો, ધમકી આપું છું. ભૂલેચૂકેય મોઢું ખોલીશ તો બીજા દિવસનો સૂરજ જોવા નહીં મળે. સમજી?' બંનેની સામે હાથ જોડીને મહેતરાણીએ હકારમાં માથું હલાવ્યું.

અત્યારે વિભાકરની આંખ સામે દ્રશ્ય છલકાતું હતું. વરખડી સ્ટેટના કુંવર જાડેજા જયરાજસિંહને ક્યારેય નહીં જોયેલા ચહેરો પણ આંખ સામે તરવરતો હતો.
(ક્રમશઃ)

[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી