Back કથા સરિતા
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 41)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.

'સરમુખત્યાર જેવા હરિવલ્લભદાસ આ પરિવારના અધિનાયક તરીકે જીવ્યા અને હવે એમણે એ જવાબદારી વિભાકરને સોંપી દીધી છે.'

  • પ્રકાશન તારીખ22 Sep 2018
  •  

પ્રકરણઃ71
હરિવલ્લભદાસે
વિલમાં તમામે તમામ મિલકત વિભાકરને આપી દીધી એ આંચકો એટલો જોરદાર હતો કે એ પચાવવાની કોઇની તાકાત નહોતી. આદિત્ય- અલકા, ભાસ્કર- ભાવિકા, શાલિની- સુભાષ આ ત્રણેય દંપતી રીતસર હેબતાઇ ગયાં હતાં. ત્રિવેદીસાહેબે જે વાંચી સંભળાવ્યું એ સ્વીકારવાનું કામ એમના માટે અઘરું હતું.

'વિભાકર તમારો મોટો ભાઇ છે એ હવે હરિવલ્લભદાસની ભૂમિકામાં આવી ગયો છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે લોકો જે રીતે જીવો છો એમાં કોઇ ફેરફાર નહીં થાય. શેઠની જેમ હવે વિભાકર તમારું ધ્યાન રાખશે. એ હવે કુટુંબનો અધિનાયક.'

આ પરિવાર સાથે ત્રિવેદીનો સંબંધ માત્ર વકીલ તરીકે નહોતો. આશ્ચર્યનો ઝાટકો તો એમને પણ લાગ્યો હતો. પરંતુ વિલની સાથએ હરિવલ્લભદાસે જે કેફિયત મૂકી હતી એ બહુ સ્પષ્ટ હતી. સમર્થ અને સશક્ત હાથમાં તમામ સંપત્તિ કેન્દ્રિત રહે તો એ કુટુંબ માટે સારું એવી હરિવલ્લભદાસની દૃઢ માન્યતા હતી અને એ દૃષ્ટિકોણથી વિચારીએ તો વિભાકરની પસંદગી સાવ સાચી હતી.

'લિસન.' વડીલ તરીકેની જવાબદારી અદા કરતા હોય એ રીતે ત્રિવેદીએ સ્તબ્ધ થઇ ગયેલાઓની સામે જોયું. 'એમની માન્યતા મુજબ શેઠનો નિર્ણય સાચો છે.' એમણે સમજાવવા પ્રયત્ન કર્યો 'સરમુખત્યાર જેવા હરિવલ્લભદાસ આ પરિવારના અધિનાયક તરીકે જીવ્યા અને હવે એમણે એ જવાબદારી વિભાકરને સોંપી દીધી છે.' એમણે આદિત્ય અને ભાસ્કર સામે જોઇને સમજાવ્યું. 'વિભાકર તમારો મોટો ભાઇ છે એ હવે હરિવલ્લભદાસની ભૂમિકામાં આવી ગયો છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે લોકો જે રીતે જીવો છો એમાં કોઇ ફેરફાર નહીં થાય. શેઠની જેમ હવે વિભાકર તમારું ધ્યાન રાખશે. એ હવે કુટુંબનો અધિનાયક.'

એમણે આવું કહ્યું એ પછી વિભાકર ઊભો થયો. ત્રિવેદીની ખુરસી પાસે ઊભા રહીને એણે બધાના ડઘાયેલા ચહેરા સામે જોયું. 'પપ્પા જીવતા હતા ત્યારે આપણે બધા કઇ રીતે જીવતા હતા? એ જ રીતે આપણે જીવવાનું છે. વહીવટ સેન્ટ્રલાઇઝ્ડ રહે એ હેતુથી એમણે મને જવાબદારી સોંપી છે, એનાથી વિશેષ કંઇ નહીં. પપ્પાની તમામ પ્રોપર્ટી ઉપર મારા જેટલો જ તમારો અધિકાર છે એ હકીકત હું નૈતિક રીતે સ્વીકારું છું. પપ્પાએ કાયદેસર જે ગોઠવણ કરી એ સ્વીકાર્યા પછી પણ મારી નૈતિક ફરજમાંથી હું પાછો નહીં પડું. આપણે બધા સાથે જ છીએ અને સાથે જ રહીશું.'

અલકા, ભાવિકા અને શાલિનીના ચિંતાતુર ચહેરાઓ સામે જોઇને એણે ધરપત આપી. 'તમારે કોઇએ કોઇ ચિંતા કરવાની જરૂર નથી. પપ્પા હતા ત્યારે અમારા ત્રણમાંથી કોઇના નામે કોઇ મિલકત હતી? ના. તો પણ આપણને કોઇને કોઇ તકલીફ પડેલી? ના.'

એણે હસીને બધાની સામે જોયું. 'મારા હાથે કોઇનુંય અહિત નહીં થાય એટલો તો વિશ્વાસ છેને?'

વસિયતના શબ્દો સાંભળ્યા પછી વિભાકરની હા માં હા પાડવા સિવાયનો એકેય વિકલ્પ કોઇની પાસે નહોતો એટલે બધાએ હકારમાં માથું હલાવ્યું.

રસડોના બારણા પાસે કાશીબા અને ગોરધન મહારાજ ધીમા અવાજે કંઇક ચર્ચા કરી રહ્યાં હતાં. વિભાકરે એ તરફ જોઇને સૂચના આપી. 'ત્રિવેદીસાહેબ માટે અને અમારા બધા માટે આઇસક્રીમ લાવો.'

વિભાકર અને ત્રિવેદી સિવાય બધાની હાલત કફોડી હતી. આઇસક્રીમ તો શુદ્ધ હાફૂસ કેરીનો હતો તોય બાકીના બધાને એ જાણે કારેલાનો હોય એવો લાગતો હતો.

ત્રિવેદી ઊભા થયા અને બ્રીફકેસ હાથમાં લીધી. 'સ્વર્ગસ્થની અંતિમ ઇચ્છાનો આદર કરવાની તમારા સહુની નૈતિક ફરજ છે અને આ વસિયતનો અમલ કરવાની મારી કાયદેસરની જવાબદારી છે.' પગ ઉપાડતી બધાની સામે જોઇને એમણે સલાહ આપી. 'શેઠે જે નિર્ણય કર્યો એની પાછળ કંઇક તો કારણ હશેને? વિભાકર તમારો મોટો ભાઇ છે. એની સમજદારી ઉપર વિશ્વાસ રાખીને સંપથી જીવો.'

વિભાકર ત્રિવેદીની સાથે એમને કાર સુધી મૂકવા ગયો. બાકીના બધા પથ્થરની હારબંધ મૂર્તિઓની જેમ હતા એમ જ બેસી રહ્યા.

'એકાદ- બે દિવસમાં સમય કાઢીને વિલનું રજિસ્ટ્રેશન કરાવી દેજે.' ત્રિવેદીએ વિભાકરને સલાહ આપી. 'બંને સાક્ષીઓને સાથે લઇને તારે સબરજિસ્ટ્રારની ઓફિસે જવું પડશે. મને ફોન કરજે એટલે મારા આસિસ્ટન્ટને હું તારી પાસે મોકલી આપીશ. હી વિલ ગાઇડ યુ.'

'શ્યોર.' વિભાકરે હકારમાં માથું હલાવ્યું. 'હરિવલ્લભદાસ અધિનયાકની જેમ જીવ્યો અને વિલમાં પણ એણે અધિનાયકની જોગવાઇ કરી. એને લીધે આદિત્ય અને ભાસ્કર ડઘાઇ ગયા છે.' વિભાકરના ખભે હાથ મૂકીને ત્રિવેદીએ સમજાવ્યું. 'એ બંનેની મિસિસ પણ દુઃખી છે. એ બધાને પ્રેમથી સમજાવી દેજે.' એમણે હસીને ઉમેર્યું. 'તું કાબો છે એટલે મારે વધુ સલાહ આપવાની જરૂર નથી.'

કાર પાસે ઊભા રહીને એ બંને આ ચર્ચા કરી રહ્યા હતા ત્યારે હૉલમાં શાલિની આદિત્ય-અલકા, ભાસ્કર અને ભાવિકાની સામે ઊભી હતી.

'એક મિનિટ માટે વિચારો કે વિભાની જગ્યાએ પપ્પાએ આદિત્ય કે ભાસ્કરનું નામ લખ્યું હોત તો? તો વિભાએ દાદાગીરી કરીને ત્રિવેદીની બોચી પકડી હોત અને મારા મારી ઉપર ઊતરી આવ્યો હોત!' પારાવાર હતાશાથી એ બબડી. 'પપ્પાએ આટલી મોટી મૂર્ખામી કેમ કરી?'

આદિત્ય, ભાસ્કર અને ભાવિકા હજુ સ્તબ્ધ હતા. અલકા ઠરેલ અને સમજદાર હતી. પરિસ્થિતિ સ્વીકારીને એને અનુકૂળ થવાની એનામાં આવડત હતી.

'વિભાદાદામાં આવી દાદાગીરીની તાકાત છે એટલે જ પપ્પાજીએ બધો વહીવટ એમને સોંપ્યો.' એણે ઠંડકથી સમજાવ્યું. 'બધી પ્રોપર્ટી અકબંધ રહે અને પપ્પાજીની જેમ હવે વિભાદાદા એનો વહીવટ કરે એમાં આપણને શું વાંધો હોય? એ બંગલામાંથી કાઢી થોડો મૂકવાનો છે?'

'એવું પણ બની શકે, ભાભી! તમે બહુ ભોળાં છો.' શાલિનીએ બત્તી કરી. 'તમામ પ્રોપર્ટીનો એ એકલો માલિક બની ગયો. ધારે તો તમને બધાને રોડ પર ધકેલી શકે.'

'તમારા પપ્પાની નિર્ણય શક્તિ ઉપર તમને શ્રદ્ધા નથી? મંજુબા ગુજરી ગયા એ દિવસથી પપ્પાજી વિલ બનાવવાનું વિચારતા હતા. બહુ વિચાર્યા પછી એમણે જે નિર્ણય લીધો એના ઉપર વિશ્વાસ રાખવો જોઇએ. વિભાદાદા કોઇનેય અન્યાય નહીં કરે એવું એમને લાગ્યું હશે એ પછી જ પેન ઉપાડી હશેને?'

વિભાકરને આવતો જોયો એટલે ચર્ચા અટકી ગઇ. આદિત્ય અને ભાસ્કરને અલકાની સમજદારી માટે માન વધી ગયું.

ત્રિવેદી માટે જે ખુરસી મૂકેલી હતી એના ઉપર બેસીને વિભાકરે બધાની સામે જોયું. 'કોઇએ ટેન્શનમાં રહેવાની જરૂર નથી. પપ્પા જીવ્યા ત્યાં સુધી તમામ મિલકત એમના નામે હતી અને આપણે હળીમળીને જીવ્યા. એમણે વારસદાર તરીકે મારી પસંદગી કરી એમાં મારો કોઇ વાંક-ગુનો તો નથીને? જીવીએ છીએ એ જ રીતે જીવવાનું છે.' એણે હસીને ઉમેર્યું. 'દસ- બાર વર્ષ પછી હું વસિયત લખીશ ત્યારે મારેય પસંદગી કરવી પડશે. આદિત્યનો આકાશ અને ભાસ્કરનો ભૌમિક એ બંને મુરતિયાઓ પૈકી જે વધુ પાણીદાર લાગશે એને આ હવાલો સોંપી દઇશ.'

'અમને કોઇ ઉચાટ કે ઉપાધિ નથી.' અલકા જે બોલી હતી એના આધાર લઇને ભાવિકાએ જશ ખાટવાનો પ્રયત્ન કર્યો. 'પપ્પાજીએ જે નિર્ણય કર્યો એ આંખ-માથા ઉપર. તમે કોઇનીયે સાથે અન્યાય નહીં કરો એવો વિશ્વાસ છે.'

એ સમયે રસોડામાં કાશીબા ગોરધનને સમજાવી રહ્યાં હતાં. 'બીજા કોઇને એક ફદિયુંયે શેઠે નથી આપ્યું. રૂપિયા- પૈસા ને બધી મિલકતનો માલિક વિભોશેઠ થઇ ગયો. વિભાશેઠની મા નિમુ તો સાક્ષાત દેવી હતી. એના આશીર્વાદનું ફળ મળ્યું.' અવાજ સાવ ધીમો કરીને એ બબડ્યા. 'વિભોશેઠ ધારે તો કાચી સેકન્ડમાં મંજુબાના વસ્તારને ગેટઆઉટ કહીને બંગલામાંથી બહાર કાઢી શકે. પણ એવી હલકાઇ એ ક્યારેય ના કરે.'

રાત્રે જમ્યા પછી બધા ડ્રોઇંગરૂમમાં સાથે બેઠા. આડી-અવળી વાતો વચ્ચે વાતાવરણ થોડું હળવું થઇ ચૂક્યું હતું.

રાત્રે ગેસ્ટરૂમમાં શાલિનીનો બબડાટ ચાલુ હતો. ઉપરના ઓરડાઓમાં આદિત્ય અને ભાસ્કરે પરિસ્થિતિ સ્વીકારી લીધી હતી એટલે શાંતિ હતી.

વિભાકર પલંગ પર ચત્તોપાટ પડ્યો હતો. રૂમનું બારણું ખુલ્લું હતું. ગરમીમાં એસી ચાલુ કરે ત્યારે જ એ બારણું બંધ રાખતો હતો. ડ્રોઇંગરૂમમાં ઝીણી લાઇટ ચાલુ હતી એની લીધે ઓરડામાં આછો ઉજાસ લાગતો હતો.

વિભાકરની નજર છત સામે સ્થિર હતી. પાલિતાણાની હોસ્પિટલનું દૃશ્ય રોજની જેમ આંખ સામે તરવરી રહ્યું હતું. ગણતરીના શ્વાસ બાકી હતા અને વસંતમામા ધ્રૂજતા અવાજે બોલતા હતા એ શબ્દો હજુય કાનમાં પડઘાતા હતા.

'મારી બહેન નિમુ તો સાવ ભોળી- ગરીબ ગાય જેવી અને હરિવલ્લભદાસ પાક્કો હરામી!' બહેન પ્રત્યેની લાગણીને લીધે એમના અવાજમાં પીડા હતી અને સાથોસાથ હરિવલ્લભદાસ પ્રત્યેનો હડહડતો ધિક્કાર છલકાતો હતો. 'સાવ સીધીસાદી નિમુને એ ભાન નહોતું કે મંજુડી એનો સંસાર સળગાવી રહી છે. એ રૂપાળીને ઘરમાં બેસાડવા માટે હરિવલ્લભે ઠંડા કલેજે નિમુની હત્યા કરી. એણે છૂટછેડા આપી દીધા હોત તો મારી બહેન હજુ જીવતી હોત પણ હલકટ હરિવલ્લભે શોર્ટકટ શોધીને નિમુને મારી નાખી.

નિમુને મરાવી નાખ્યા પછી એની નિશાનીને મિટાવવા માટે મંજુ તલપાપડ હતી. બે છોકરા જણ્યા પછી એણે તને મારી નાખવા પ્રયત્ન કર્યો પણ કાશીબાએ તને ઉગારી લીધો. એ પછી મારી વિનંતિ ધ્યાનમાં રાખીને કાશીબા તારું ધ્યાન રાખતાં હતાં. નિમુને મારી નાખનાર રાક્ષસ જેવા હરિવલ્લભને તારા માટે કોઇ દયા કે લાગણી નહોતી.'

પરસેવે રેબઝેબ વિભાકરની આંખ સામે ફિલ્મના દૃશ્યની જેમ એ સમયે વસંતમામા જે બોલી રહ્યા હતા એ દૃશ્ય તરવરતું હતું.

કંપતા અવાજે તૂટતા શ્વાસ વચ્ચે મામા આગળ બોલી રહ્યા હતા. 'મંજુનું ઓરમાયું વર્તન અને તોછડા વ્યવહારથી ત્રાસીને તું ક્યારેક વિદ્રોહ કરતો. મોંઘા ભાવની ક્રોકરીનું તો તેં સત્યનાશ વાળી નાખ્યું હતું પણ એમાં તારો કોઇ દોષ નહોતો. વેકેશન પડે કે તરત તું અમારી પાસે દોડી આવતો. પ્રેમ અને લાગણીથી વંચિત બાળક બીજું શું કરે?'

'બીજા કોઇને એક ફદિયુંયે શેઠે નથી આપ્યું. રૂપિયા- પૈસા ને બધી મિલકતનો માલિક વિભોશેઠ થઇ ગયો. વિભાશેઠની મા નિમુ તો સાક્ષાત દેવી હતી. એના આશીર્વાદનું ફળ મળ્યું. વિભોશેઠ ધારે તો કાચી સેકન્ડમાં મંજુબાના વસ્તારને ગેટઆઉટ કહીને બંગલામાંથી બહાર કાઢી શકે. પણ એવી હલકાઇ એ ક્યારેય ના કરે.'

હળવી ખાંસી આવી એટલે મામા લગીર અટક્યા. પછી યાદ કરીને આગળ કહ્યું. 'હરામી હરિવલ્લભ પાકો ધંધાદારી શેઠિયો હતો. તું અને મંજુના બંને છોકરાઓ તમે ત્રણેય મોટા થયા ત્યારે એ શેઠિયાએ તારું હીર પારખી લીધું. મંજુડીના બંને બચોળિયાંની તુલાનામાં તારામાં સાવજની તાકાત છે એનો ખ્યાલ આવ્યા પછી એ શેઠ- શેઠાણીએ તને મારી નાખવાનો વિચાર સાવ પડતો મૂકીને ધંધામાં પલોટ્યો. પેલા બંને કંઇ ઉકાળી નહીં શકે એનો ખ્યાલ આવ્યા પછી હરિવલ્લભે તારું તેલ કાઢ્યું. પોતાની સમૃદ્ધિ વધારવા માટે એણે તારો ઉપયોગ કર્યો.'

ભીની આંખે વિભાકર સામે એ એકીટશે તાકી રહ્યો. સૌથી મહત્ત્વની વાત કહેવા માટે શબ્દો શોધવાની મૂંઝવણ એમના ચહેરા પર તરવરતી હતી. વર્ષોથી હૈયામાં જે રહસ્યનો ભાર સંઘરી રાખ્યો હતો એમાંથી મુક્તિ મેળવવાનો સમય આવી ચૂક્યો હતો. ગરદન ઊંચી કરીને આકાશ સામે તાકીને જાણે ઇશ્વરની માફી માગતા હોય એમ એ થોડી વાર સ્થિર રહ્યા.

હવે વિભાકરની આંખોમાં આંખો પરોવીને બોલતી વખતે એમના હોઠ ધ્રૂજતા હતા. 'અમદાવાદના શેઠિયાના છોકરામાં ક્યારેય જોવા ના મળે એવી તારામાં હિંમત છે, જબરદસ્ત ઝનૂન અને તાકાતની સાથે ચાલાકી અને લુચ્ચાઇ પણ છે. તારી રગોમાં દોડતું લોહી એ તારી આ શક્તિનું કારણ છે, દીકરા! તને જે વાત કહેવા માટે અત્યાર સુધી શ્વાસ રોકી રાખ્યા છે, એ ધ્યાનથી સાંભળ. હું તારો મામો નથી, નિમુ તારી મા નથી અને હરિવલ્લભ તારો બાપ નથી!'
(ક્રમશઃ)
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP