‘હું હરિવલ્લભદાસ અમૃતલાલ શેઠ. પૂરી સુધબુધ સાથે, બિન કેફી અવસ્થામાં, કોઇના પણ દાબ- દબાણ વગર આ વસિયતનામું લખી રહ્યો છું...’

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 21, 2018, 12:05 AM IST

પ્રકરણઃ70
'ડૉક્ટરે
આરામ કરવાનું કીધું છે પણ માને કોણ?' રમણિક ઉર્ફે જેમ્સબોન્ડના વર્તનથી કંટાળેલી એની પત્ની ચિડાઇને ઊભરો ઠાલવતી હતી. મેલેરિયામાં પટકાયેલો રમણિક હાથમાં મોબાઇલ પકડીને પલંગમાં બેઠો હતો. એની સામે તાકીને પત્ની ગુસ્સાથી બબડી. 'ત્રણ વાગ્યે મોસંબીનો જ્યુસ પીધા પછી મોબાઇલ ઉપર ચોંટી પડ્યા છો. સવા કલાકથી જાતજાતના ફોન કર્યા કરો છો એનો થાક નથી લાગતો? જ્યુસથી જેટલી શક્તિ મળી હશે એ બધીયે જીભથી વાપરી કાઢી!

સિત્તેર વર્ષની ઉંમરે હવે તો સુધરો. હરિવલ્લભે આપઘાત કર્યો તો કર્યો એમાં આપણે કેટલા ટકા? આખી જિંદગી અમદાવાદના શેઠિયાઓનાં અંડરવેર ધોવાનો ધંધો કર્યો એમાં તો લોકો તમારી મશ્કરી કરી છે, પણ તમને એનું ભાન નથી. તમે તો તમારી જાતને મહાન જાસૂસ સમજીને હવામાં ઊડો છો!'

'હરિવલ્લભ જેવો સરમુખત્યારે આપઘાત ના કરે એવું હું તો હજુય માનું છું પણ બજારમાંથી જે માહિતી મળી એ મારી માન્યતાની વિરૂદ્ધ જાય છે. એણે રાત્રે આપઘાત કર્યો એ અગાઉ સાંજે વસિયતનામું બનાવીને વકીલને મોકલાવી આપેલું. એનો મતલબ શું?'

આટલું ધમકાવ્યા પછી પણ પત્ની તરીકે પોતાની ફરજથી એ સભાન હતી. 'હવે મોબાઇલનું ડબલું બાજુ પર મૂકો. ફરી વાર જ્યુસ બનાવી આપું?'

'જ્યુસ પછી પીશ. ચા મૂકી દે.' રમણિકે હળવેથી કહ્યું. 'પેલો શ્રીકાંત પણ બે મિનિટમાં આવે છે એટલે થોડીક વધારે બનાવજે.'

'એ એક નવો બકરો મળી ગયો છે તમને.' પત્નીએ ચિડાઇને કહ્યું. 'તમારી વર્તાઓ સાંભળવા બીજું તો કોઇ ઊભું નથી રહેતું એટલે આ બિચારાને પકડ્યો છે.' એણે તાકીદ કરી. 'ચા પીવડાવવામાં વાંધો નથી પણ ભૈશાબ, તમે બહાર જવાનો ઉધામો ના કરતા. જેટલો આરામ કરશો એટલા જલ્દી સાજા થશો એવું ડૉક્ટરે કીધું છે ને?'

શ્રીકાંત ઘરમાં આવ્યો એટલે બોલવાનું બંધ કરીને એ રસોડામાં ઘૂસી.

ખુરસી ખેંચીને શ્રીકાંત રમણિકની બરાબર સામે ગોઠવાઇ ગયો. 'બોલો બોસ! કેમ બોલાવ્યો?'

'એકલા એકલા કંટાળો આવે છે. ઉપરથી આ તારી કાકીની કચકચ! તોય આજે કંઇક મજા આવી.' રમણિકે હસીને ઉમેર્યું. 'ત્રણ વાગ્યાથી જૂના દોસ્તારોને ફોન કરીને ખોતરવાનું શરૂ કરેલું. કોઇ ખજાનો તો ના મળ્યો ઊલટું મગજ ચકરાવે ચડી ગયું. આ હરિવલ્લભદાસના કેસમાં હું હારી ગયો. અક્કલ કામ નથી કરતી.'

શ્રીકાંત શાંતિથી સાંભળતો હતો. એકવાર રમણિક બોલવાનું શરૂ કરે એ પછી પોતે માત્ર શ્રોતા બનીને સાંભળવાનું જ હોય છે એ સચ્ચાઇ એણે સ્વીકારી લીધી હતી.

'હરિવલ્લભ જેવો સરમુખત્યારે આપઘાત ના કરે એવું હું તો હજુય માનું છું પણ બજારમાંથી જે માહિતી મળી એ મારી માન્યતાની વિરૂદ્ધ જાય છે. એણે રાત્રે આપઘાત કર્યો એ અગાઉ સાંજે વસિયતનામું બનાવીને વકીલને મોકલાવી આપેલું. એનો મતલબ શું?'

શ્રીકાંતે પ્રશ્ન પૂછીને જવાબની પરવા કર્યા વગર એણે બોલવાનું ચાલુ રાખ્યું. 'એ માણસ પાસે કમ સે કમ બે-અઢી હજાર કરોડની પ્રોપર્ટી હશે. ત્રણ દીકરા છે અને એક દીકરી. એમની વચ્ચે એ મિલકત કઇ રીતે વહેંચશે? એમાં કંઇક સખળડખળ થશે તો ભાઇઓ વચ્ચે મહાભારત થશે. શેઠનો જમાઇ બાપ લાખ છપ્પન હજાર જેવો છે. એ પણ સસરાની મિલકત સામે ટાંપીને બેઠો છે.'

શ્રીમતીજી આવીને ચા મૂકી ગયાં એટલી વાર એ શાંત રહ્યો. પછી તરત શરૂ કર્યું. 'ઊડતી બાતમી મળી છે કે આજે સાંજે વકીલ એમના બંગલે જઇને વસિયત ખોલવાનો છે. એની વિગત બજારમાં આવશે એ પછી કંઇક તાળો મળશે.' મહાન જાસૂસની જેમ એણે ધીમા અવાજે સમજાવ્યું. 'દુનિયાભરની ક્રાઇમની કથાઓનો સાર પચાવી ગયો છું. અભિમાન નથી કરતો. ડઝનબંધ ચોપડીઓ વાંચી છે. એટલે મગજમાં એક વાત દીવા જેવી સ્પષ્ટ છે. અકુદરતી મોત થાય ત્યારે એ મોતથી જેને સૌથી વધુ ફાયદો થાય એના તરફ શંકાની સોય તાકવામાં આવે. મારી વાત સમજાય છે તને?'

આટલું કહીને એણે ચા તરફ આંગળી ચીંધી. 'લે ચા પી.'
***


'સાહેબ, ચા લેશો કે કોફી? બરાબર એ વખતે બંગલામાં કાશીબાએ ત્રિવેદીસાહેબને પૂછ્યું. ટ્રેમાં પાણીનો ગ્લાસ લઇને એ આવ્યાં. પાણી આપ્યા પછી એમણે પૂછ્યું.

'ચા. એ પણ માત્ર અર્ધો કપ. ખાંડ સાવ ઓછી.' જવાબ આપીને ત્રિવેદીએ કાશીબાને રવાના કરી દીધા. એ ગયા પછી ત્રિવેદીએ પરિવારના સભ્યો સામે જોયું.

'મોત ગમે ત્યારે આવશે એ હકીકત બધાય જાણે છે પણ પોતાની સાથે આવું નહીં બને એવું આપણે ત્યાં બધા માને છે. એને લીધે આપણા દેશમાં સિત્તેર ટકા લોકો વસિયત નથી બનાવતા. એમની અણધારી વિદાય પછી કુટુંબમાં ભાઇઓ અને બહેનો વચ્ચેના સંબંધો વણસી જાય છે.' ત્રિવેદીએ રણકતા અવાજે સમજણ આપી. 'આમ જુઓ તો આ એક સાવા સાદો સરળ દસ્તાવેજ છે. એ છતાં, અજ્ઞાન અને બેદરકારીને લીધે લોકો વિલ બનાવ્યા વગર ઉપર પહોંચી જાય છે અને પાછળવાળાને કંકાસનો વારસો સોંપતા જાય છે. આપણે અમરપટ્ટો લઇને નથી આવ્યા એ હકીકત સ્વિકારીને દરેક સમજદાર માણસે વસિયત લખી રાખવી જોઇએ.'

ચા આવે ત્યાં સુધીના સમયમાં સદુપયોગ કરવાના આશયથી એમણે સમજાવ્યું. 'વસિયત માટે સ્ટેમ્પપેપરની કોઇ જરૂર નથી. સાદા સફેદ કાગળ ઉપર પોતાના અક્ષરમાં જ લખવાનું અને બે વ્યવસ્થિત સજ્જનને સાક્ષી રાખીને પોતાની સહીની સાથે એ બંનેની સહી કરાવો એટલે વાર્તા પૂરી. આમાં કોઇ અઘરી વાત નથી. માત્ર બે- ચાર ટેકનિકલ મુદ્દાનું ધ્યાન રાખવું પડે. વસિયત બનાવનાર વ્યક્તિ પોતાની સ્વપાર્જિત અને પોતાના નામે હોય એ પ્રોપર્ટી જ આપી શકે.

જોઇન્ટ નામની પ્રોપર્ટી હોય તો એમાંથી પોતાના હિસ્સાનો જ વહીવટ કરી શકે. વિલનું રજિસ્ટ્રેશન જરૂરી નથી, કરાવવું હોય તો કરાવી શકાય. એક વાર વસિયત લખી નાખ્યા પછી સંજોગો બદલાય તો એ મુજબ વસિયત પણ બદલી શકાય. ચેકચાક કે સુધારા- વધારા નહીં કરવાના. નવો કોરો કાગળ લઇને નવું વિલ લખી નાખવાનું. જે લાભાર્થી હોય એને સાક્ષીમાં નહીં રાખવાનો. આટલી કાળજી રાખવાની.'

કાશીબા ત્રિવેદીસાહેબ માટે ચા લઇને આવ્યાં. ચા પી લીધા પછી એમણે ખાલી કપ ટિપોઇ પર મૂક્યો.

સીડી પર બેઠેલાં બાળકોમાં કોઇકે ધીમેથી રમૂજી વાત કહી હશે એટલા બધા એકસાથે ખડખડાટ હસી પડ્યાં. એમની કલબલ વિલની વિગતો સાંભળવામાં ખલેલ પહોંચાડશે એવું લાગ્યું એટલે શાલિનીએ ગરદન ઘુમાવીને એ તરફ જોઇને ઘાંઠો પડ્યો. 'પ્રશાંત! પરિધિ! કીપ ક્વાએટ!' બાળકો શાંત થઇ ગયાં. શાલિનીનું આ વર્તન જોઇને અલકા અને ભાવિકાએ તરત એકબીજાની સામે જોઇને મોં મલકાવ્યું.

કાશીબા ખાલી કપ અને ટ્રે લઇને ગયાં એ પછી ત્રિવેદીએ બ્રીફકેસ હાથમાં લીધી. એમાંથી બ્રાઉન રંગનું લાંબુ પરબીડિયું બહાર કાઢ્યું. મંચ ઉપર કે.લાલ જાદૂના ખેલ કરતો હોય અને દર્શકો એકીટશે ત્યાં તાકી રહે એ રીતે અત્યારે બધા ઉત્સુકતાથી એમની સામે જોઇ રહ્યા હતા.

'આ પરબીડિયું એમણે સીલ કરીને મને મોકલાવેલું છે. જ્યાં સીલ કર્યું છે એના ઉપર પોતાની સહી કરીને એની ઉપર ટ્રાન્સપેરન્ટ સેલોટેપ લગાવી છે. સ્વર્ગવાસી હરિવલ્લભદાસ શેઠના મિત્ર કમ સોલિસિટર કમ એડમિનિસ્ટ્રેટર તરીકે પૂરી નિષ્ઠાથી મારી ફરજ બજાવું છું.' ગંભીરતાથી આટલું કહીને એમને એ સીલબંધ પરબીડિયું ટિપોઇ પર મૂકીને બધાની સામે જોયું. 'એ સીલની ચકાસણી કરવાનો તમારો બધાનો અધિકાર છે. જેને પણ ચેક કરવું હોય એ આવીને તપાસી શકે છે.'

એમણે આવું કહ્યું એ છતાં કોઇ ઊભું ના થયું. વર્ષોથી આ પરિવારના વકીલ તરીકે ફરજ બજાવતા આ વડીલ પ્રત્યે બધાને આદર હતો.

'તમે કહ્યું એટલે અમે ચેક કરી લીધું ડન!' પોતાની જગ્યા પર બેસીને જ બધાની વતી આદિત્યે વિશ્વાસ વ્યક્ત કરીને જવાબ આપી દીધો. માથું હલાવીને બધાએ આદિત્યની વાતમાં સંમતિ આપી.

બ્રીફકેસમાંથી કટર કાઢીને ત્રિવેદીએ પરબીડિયાનો સાઇડનો હિસ્સો કાળજીપૂર્વક કાપ્યો. એ સમયે હોલમાં એટલી શાંતિ હતી કે કાગળ કપાવાનો અવાજ પણ બધાને સંભળાયો.

ત્રિવેદીએ પોતાનાં ચશ્માં કાઢીને રૂમાલથી કાચ લૂછીને પાછા પહેરી લીધાં અને કવરમાંથી નીકળેલા બંને કાગળ ઉપર નજર ફેરવી.

'આ પહેલા કાગળમાં એમણે કેફિયત લખી છે એ વાંચી સંભળાવું છું.' વકીલ તરીકે શુદ્ધ ઉચ્ચાર અને રણકતો અવાજ એ ત્રિવેદીની મૂડી હતી. બધાના ચહેરા સામે નજર ફેરવીને એમણે કાગળ વાંચ્યો.

'મારાં ચારેય સંતાન સમજદાર અને પરિપક્વ છે. એ છતાં, એમના મનમાં કોઇ ગેરસમજ ના થાય એ માટે આ કેફિયત આપી રહ્યો છું. મારા બાપનો હું એક માત્ર દીકરો. મારે કોઇ ભાઇ કે બહેન તો હતાં નહીં. તો પણ પિતાજી જીવતા હતા ત્યાં સુધી આ પરિવારની તમામે તમામ મિલકત એમણે પોતાના નામે જ રાખી હતી. એમના અવસાન પછી એમની વસિયતના આધારે તમામ મિલકત મારા નામે થઇ ગઇ. જિંદગીભર મહેનત કરીને મારી બુદ્ધિ અને દૂરંદેશીથી એમાં મેં અનેકગણો વધારો કર્યો. એમાં પણ પિતાજીના સિદ્ધાંતને અનુસરીને આ બંગલાથી માંડીને તમામ પ્રોપર્ટી મેં મારા નામ ઉપર જ રાખી છે. એમણે મને સમજાવેલું કે સત્તા અને સંપત્તિ જો કેન્દ્રિત ના રહે તો એનું સામર્થ્ય ઘટી જાય. સમર્થ અને સશક્ત હાથમાં સત્તા અને સંપત્તિ કેન્દ્રિત રહે તો સરવાળે આખા પરિવારને ફાયદો જ થાય એવી મોટી દૃઢ માન્યતા છે.'

પહેલા કાગળનું વાંચન કરી લીધા પછી એમણે બે ઘૂંટડા પાણી પીધું અને બીજો કાગળ હાથમાં લીધો. તમામ નજરો એમના ચહેરા પર સ્થિર હતી.

'અત્યારે જે કાગળ મેં વાંચ્યો એ માત્ર પૂર્વભૂમિકા હતી. એનું કાયદાની દૃષ્ટિએ કોઇ મૂલ્ય નથી' પોતાના હાથમાં હતો એ બીજો કાગળ બધાને બતાવીને એમણે કહ્યું. 'આ એમનું વસિયતનામું હવે વાંચી સંભળાવું છું. એ કાયદેસરનો દસ્તાવેજ છે અને એનો અમલ કરવા માટે બધા બંધાયેલા છીએ.'

હવે બધા શ્વાસ રોકીને સાંભળતા હતા. ત્રિવેદીનો રણકતો અવાજ હૉલમાં પડઘાતો હતો.

'હું હરિવલ્લભદાસ અમૃતલાલ શેઠ. ઉંમર વર્ષ સિત્તેર. રહેવાસી હરિવલ્લભ બંગલો, સેટેલાઇટ રોડ, અમદાવાદ. પૂરી સુધબુધ સાથે, બિન કેફી અવસ્થામાં, કોઇના પણ દાબ- દબાણ વગર આ વસિયતનામું લખી રહ્યો છું.

'મોત ગમે ત્યારે આવશે એ હકીકત બધાય જાણે છે પણ પોતાની સાથે આવું નહીં બને એવું આપણે ત્યાં બધા માને છે. એને લીધે આપણા દેશમાં સિત્તેર ટકા લોકો વસિયત નથી બનાવતા. એમની અણધારી વિદાય પછી કુટુંબમાં ભાઇઓ અને બહેનો વચ્ચેના સંબંધો વણસી જાય છે.'

આ બંગલામાં ઉપરાંત ઓફિસ છે એ આખું કમર્શિયલ કોમ્પ્લેક્સ, બોપલમાં ટાઉનશિપ, એસ.જી. હાઇવે પરના સાત પ્લોટ, સેટેલાઇટ રોડ પરના બે પ્લોટ, નિકોલના છ પ્લોટ, કોબા પાસેના ત્રણ પ્લોટ વત્તા ચાર બેન્કમાં કુલ બાવીસ એકાઉન્ટ્સ છે, એમાં જમા તમામ રકમ, મારા ઓરડામાં જે તિજોરી છે એમાં આશરે અઢીસો કરોડની ડિપોઝીટની રસીદો છે, એ ઉપરાંત તિજોરીમાં રહેલાં તમામ દર-દાગીના, ઝવેરાત અને રોકડા, આ તમામ ઉપરાંત મારા નામે જે કંઇ સંપત્તિ હોય અને એનો અહીં ઉલ્લેખ કરવાનું ચૂકી જવાયું હોય એ તમામ સ્થાવર- જંગમ મિલકતનો પૂરેપૂરો વારસો હું મારા મોટા પુત્ર વિભાકર હરિવલ્લભદાસને આપું છું.'

એક શ્વાસે આખી વસિયત વાંચીને કાગળ પર જ નજર રાખીને એમણે ઉમેર્યું. 'એ પછી એમણે સહી કરીને તારીખ લખી છે. સાક્ષી તરીકે ડૉક્ટર દિનુભાઇ અને જીવણલાલ અમથાભાઇ દરજીની સહી છે.'

પગ પાસે વીજળી પડી હોય એમ બધા હચમચી ઊઠ્યા હતા. ખુદ વિભાકર બે હાથ વચ્ચે માથું પકડીને બેઠો હતો. હૉલમાં સન્નાટો છવાઇ ગયો હતો.
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી