‘એક વાત લખી રાખજે. હરિવલ્લભ ભીંસમાં આવ્યો હોય તો સામેવાળાનું ગળું ભીંસી નાખે પણ મરવાનું ક્યારેય ના વિચારે...’

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 20, 2018, 12:05 AM IST

પ્રકરણઃ69
'મારે
લાયક બીજું કંઇ પણ કામકાજ હોય તો જણાવજો.' એટલું કહીને ત્રણેય ભાઇઓને ફરી વાર સાંત્વના આપીને સોલિસિટર ત્રિવેદીએ વિદાય લીધી.

'બાપાજીની આ જ ખૂબી હતી. જે કામ હાથમાં લે એનો એકેય છેડો ઢીલો ના રહે એની પૂરેપૂરી કાળજી રાખે.' જિતુભાઇએ ત્રણેય ભાઇઓ સામે જોઇને કહ્યું. 'સવારે મને કોઇ કામ સોંપ્યું હોય અને સાંજ સુધીમાં હું કોઇ રિપોર્ટ ના આપું તો તરત ફોન કરીને ખખડાવે. કહે કે કામ થાય કે ના થાય, રિપોર્ટ આપવામાં કેમ આળસ કરો છો? આવી ચીવટ એમના સ્વભાવમાં હતી. રાત્રે જતા જ રહેવું છે એવો નિર્ધાર કરી લીધા પછી વસિયત બનાવવાનું કામ પણ લટકતું ના રાખ્યું. વસિયતનામાનો કાચો મુસદ્દો ત્રિવેદી સાહેબે મોકલાવેલો. એનો ઉપરથી પાકા પાયે કામ પતાવ્યું. ઉપર જતાં અગાઉ નીચેની છેલ્લી જવાબદારી પણ ચીવટથી પતાવી.' એ અહોભાવથી બબડ્યા. 'રિયલી ગ્રેટ મેન!'

‘રાત્રે જતા જ રહેવું છે એવો નિર્ધાર કરી લીધા પછી વસિયત બનાવવાનું કામ પણ લટકતું ના રાખ્યું. વસિયતનામાનો કાચો મુસદ્દો ત્રિવેદી સાહેબે મોકલાવેલો. એનો ઉપરથી પાકા પાયે કામ પતાવ્યું. ઉપર જતાં અગાઉ નીચેની છેલ્લી જવાબદારી પણ ચીવટથી પતાવી.’

આદિત્ય કંઈ બોલવા જતો હતો પણ એ વખતે ચારેક સરકારી અધિકારીઓની ટીમ આ ત્રણેય ભાઇઓને મળવા આવી, એને લીધે વાતનો વિષય બદલાઇ ગયો. 'બેસણામાં આવીએ તો ત્યાં શાંતિથી વાત ના થઇ શકે. એટલે અમે ચારેય આજે આવ્યા.' ટૂકડીના નેતા જેવા જે અધિકારી હતા એમણે ખુલાસો કર્યો. છબીને વંદન કરીને એ ચારેય જણાએ હરિવલ્લભદાસની ઉદારતા અને ખેલદિલીના પ્રસંગો યાદ કરીને શબ્દાંજલિ આપી.

સહાનુભૂતિ દર્શાવવા માટે આવનાર મિત્રો સંબંધી એનો પ્રવાહ સતત ચાલુ જ રહ્યો.

એક વાગ્યા પછી અલકા અને ભાવિકા રસોડામાં ગયાં. ડાઇનિંગ ટેબલને બૂફેનું કાઉન્ટર બનાવીને બધી વાનગીઓના બાઉલ્સ એ બંનેએ ત્યાં મુકાવ્યા. એ પછી હૉલમાં હાજર હતા એ તમામની પાસે જઇને જમવા માટે આગ્રહ કર્યો.

અલકા બોલાવવા ગઇ ત્યારે ગારિયાધારથી આવેલ બંને મામીઓ અને કમલેશમામાએ જમવાની ના પાડી. અલકાએ તરત વિભાકરને વાત કરી. વિભાકર એ લોકો પાસે ગયો અને પોતાના સમય આપીને એમને જમવા માટે મોકલ્યા.

એ દરમિયાન સુભાષ સરકીને શાલિની પાસે પહોંચી ગયો હતો. હોલના એક ખૂણામાં એ પતિ-પત્ની ગંભીર બનીને કંઇક ગુસપુસ કરી રહ્યા હતા. એ દૃશ્ય જોઇને આદિત્યે ભાસ્કરને એ તરફ જોવા ઇશારો કર્યો. 'એ બંને વચ્ચે શેની ગહન ચર્ચા ચાલી રહી છે એનો મને ખ્યાલ છે. શરત મારવી છે?' આદિત્યે આત્મવિશ્વાસથી કહ્યું. 'એડવોકેટ ત્રિવેદી સાહેબે પપ્પાના વિલની વાત કહીને? એ સાંભળ્યા પછી સુભાષકુમાર શાલુને આ વધામણી આપવા પહોંચી ગયો છે. પપ્પાએ મરતાં અગાઉ વિલનો વહીવટ પતાવી દીધો છે એની જાણકારી આપવા એ દોડી ગયો!'

એ તરફ નજર કરીને એ બંનેને જોઇ લીધા પછી ભાસ્કરે માથું હલાવીને મોટા ભાઇની વાતને અનુમોદન આપ્યું.

મહેમાનની સાથે પરિવારના સભ્યોએ પણ જમવાનું પતાવી દીધું. બપોરના હવે પછીના દોઢેક કલાકના ગાળામાં ભાગ્યે જ કોઇ આવશે એ ધારણા સાથે વિભાકર, આદિત્ય અને ભાસ્કરે વારાફરતી વીસેક મિનિટ આરામ કરી લીધો.

ચાર વાગ્યે રિંગ વાગી એટલે વિભાકરે મોબાઇલના સ્ક્રીન સામે જોયું. ગોધાવીવાળા જિતુભાનો ફોન હતો. 'બોલો, બાપુ.'

'સવારે છાપું વાંચીને રીતસર હબકી ગયેલો. પછી તો પ્રભાતસિંહનો પણ ફોન આવ્યો. એમને પણ જોરદાર ઝાટકો લાગેલો.' સહેજ અટકીને એમણે ઉમેર્યું. 'કલાક પહેલાં વિજુભા મારા ઘેર આવ્યા. એ કહે કે ખરખરો કરવા માટે આપણે જવું જોઇએ. ત્રણેય ભાઇઓએ સાથે આવીને આપને મળવું છે. બેસણામાં તો ભીડ હશે એટલે પોલીસ બંદોબસ્ત પણ હશે. એને લીધે વિજુભાને પ્રોબ્લેમ થાય. અત્યારે અમે ત્રણેય ભાઇઓ ઇસ્કોન ચાર રસ્તા પાસે જ છીએ. આપ કહો તો અત્યારે આવી જઇએ.'

'અરે બાપુ, આવા કામમાં પૂછવાનું ના હોય. અમારા દુઃખમાં સહભાગી થવા તો ગમે ત્યારે આવી શકાય. અમે ત્રણેય ભાઇઓ હાજર જ છીએ.'

'ઓ.કે. દસેક મિનિટમાં જ આવીએ છીએ. જય માતાજી.' જય માતાજી કહીને વિભાકરે મોબાઇલ બાજુ પર મૂક્યો.

આદિત્ય અને ભાસ્કર સામે જોઇને વિભાકરે માહિતી આપી. 'પપ્પાને ગોધાવીની જે લોચાવાળી જમીનમાં રસ હતો, એમાં ભાઇઓ વચ્ચે ઝઘડો હતો. સંપ અને સુલેહની ફોર્મ્યુલા સમજાવીને એ ત્રણેયને માનસિક રીતે તૈયાર કર્યા છે.' એણે અછડતો પરિચય આપ્યો.

'એમાં જિતુભા સૌથી સમજદાર છે. વેલ એજ્યુકેટેડ અને રિટાયર્ડ પોલીસ અધિકારી છે. એમનો સગો નાનો ભાઇ વિજુભા ભારાડી છે. અમદાવાદ જિલ્લામાંથી તડીપાર થયેલો છે. એમનો કઝિન પ્રભાતસિંહ પણ વ્યવસ્થિત છે. આમ તો એ ત્રણેય વચ્ચે બોલવાનોય સંબંધ નથી, એ છતાં, સોદો પતાવવાની હવે એમને જરૂર છે એટલે હમ સાથ સાથ હૈ એ સાબિત કરવા એ ત્રણેય ભાઇઓ આવી રહ્યા છે.'

દસેક મિનિટમાં જ જિતુભા, વિજુભા અને પ્રભાતસિંહ આવી ગયા. હરિવલ્લભદાસની છબીને વંદન કર્યા પછી એ ત્રણેય ભાઇઓ આ ત્રણ ભાઇઓની પાસે બેઠા. વિભાકરે પરસ્પર પરિચય કરાવ્યો.

'ખોટું ના લગાડતા પણ આપે બહુ મોટી ભૂલ કરી નાખી.' જિતુભાએ વિભાકરને કહ્યું. 'વડીલ ડિપ્રેશનમાં હતા એની જાણકારી તો આપને હતી ને? એવી દશામાં રાત્રે એમને એકલા ના રખાય. કમ સે કમ એટલી કાળજી તો લેવી જોઇએ કે હથિયાર એમના હાથમાં ના આવે. માણસ મરવાનું વિચારતો હોય અને રિવોલ્વર હાથવગી હોય તો એ ઉપયોગ કરે જ.'

'આપની વાત સાવ સાચી.' વિભાકરે કબૂલ કર્યું. 'ગમે તે બહાનું કાઢીને એમની પાસેથી રિવોલ્વર લઇ લેવા જેવી હતી.'

'તોય કંઇ ઝાઝો ફેર ના પડે.' વિજુભાએ તરત કહ્યું. 'માથે કાળ ભમતો હોય અને મરવાનું નક્કી જ કરી નાખ્યું હોય એ માણસ તો ગમે તે રસ્તો ગોતી કાઢે.'

'આપે જ કહેલું કે ગોધાવીની એ જમીનની એમને બહુ હોંશ હતી.' હળવે રહીને જિતુભા મૂળ વાત પર આવ્યા.

એ આ વાત કરશે એવી વિભાકરની ધારણા હતી એટલે એણે જવાબ તૈયાર જ રાખ્યો હતો. 'કાલે બેસણું છે અને પંદરમી તારીખે ઉત્તરક્રિયા છે. એ પછી દસેક દિવસમાં અમે ત્રણેય ભાઇઓ સાથે મળીને બધું ફાઇનલ કરીશું.'

'બધુંય શાંતિથી સેટ થઇ જાય એ પછી બોલાવજો. આવા કામમાં ઉતાવળ ના કરાય.' પ્રભાતસિંહે કહ્યું.

બીજી થોડી પ્રાસંગિક વાતો કરીને એ ત્રિપુટીએ વિદાય લીધી.

શાલિનીએ ધક્કો માર્યો એટલે સુભાષ આવીને ભાસ્કરની બાજુમાં બેસી ગયો. વિભાકરે જિતુભાઇ, જયંતી અને જયરાજને પણ બોલાવી લીધા. સવારે છ વાગ્યે બંગલે આવી જવાની એ ત્રણેયને સૂચના આપી દીધી. બેસણામાં કોણે કઇ વ્યવસ્થા સંભાળવાની છે એ જવાબદારી પણ નક્કી થઇ ગઇ.

સવારે સાત વાગ્યે પાલડીમાં શ્રીકાંત છાપું વાંચી રહ્યો હતો. પહેલા પાના પર છપાયેલી આજના બેસણાની જાહેરાત વાંચીને એ ચમક્યો. અખબાર હાથમાં પકડીને એ સીધો રમણિકના ઘરમાં ઘૂસ્યો. થોડાં વર્ષ અગાઉ જ સુરતથી અમદાવાદ આવેલા યુવાન શ્રીકાંત માટે સિત્તેર વર્ષનો રમણિક ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ હતો. મંજુબાલના બેસણામાં રમણિક શ્રીકાંતને પોતાની સાથે લઇ ગયો હતો અને જેમ્સ બોન્ડની જેમ જાસૂસી કરીને મેળવેલી બધી માહિતી એણે ઠાલવી હતી. શેઠ હરિવલ્લભદાસના બેસણા વિશે રમણિકે કંઇ વાત કેમ ના કરી એ આશ્ચર્ય સાથે શ્રીકાંત અંદર ગયો ત્યારે ગોદડું ઓઢીને રમણિક પલંગમાં સૂતો હતો અને બાજુમાં ટિપોઇ ઉપર દવાઓ પડેલી હતી.

'પરમ દિવસથી એમને મેલેરિયા થઇ ગયો છે. ચાલવાનીયે તાકાત નથી.' મિસિસે માહિતી આપી. અવાજ સાંભળીને રમણિકે ગોદડામાંથી મોઢું બહાર કાઢ્યું.

'આ તાવમાં ટાંટિયા કામ નથી કરતા એટલે તને એ સમાચાર આપવાના રહી ગયા.' શ્રીકાંતના હાથમાં છાપું જોઇને રમણિકે તરત કહ્યું. 'બાકી સમાચાર તો એવા હતા કે બેસણાને બદલે તને મારી સાથે બંગલે લઇ જાત, પણ આ તાવે તોડી નાખ્યો. શેઠ કઇ રીતે મર્યા એ ખબર છે?'

શ્રીકાંતે આશ્ચર્ય સાથએ નકારમાં માથું ધૂણાવ્યું.

'પૈસા ખવડાવી દીધા હશે એટલે બે લીટીમાં જ સમાચાર આવેલા એને લીધે તારું ધ્યાન નહીં ગયું હોય. શેઠ હરિવલ્લભદાસે રિવોલ્વરથી પોતાની ખોપરી ઊડાડી દીધી!'

'વ્હોટ?' શ્રીકાંત ચમક્યો. 'આત્મહત્યા કરી?' તારા કરતાંય હજારગણું આશ્ચર્ય મને થયેલું. મારા મગજમાં આ વાત સેટ થતી જ નથી. વિજય માલ્યા અને નીરવ મોદી પાછા આવીને બેન્કોની પાઇએ પાઇ ચૂકવી આપે એ વાત ઉપર કદાચ વિશ્વાસ કરું પણ હરિવલ્લભ હિંમત હારી જાય એવું કોઇ કાળે ના બને.' શ્રોતાને રોકી રાખવાના ઇરાદે એણે મિસિસને ચા લાવવાનું કહ્યું. પણ શ્રીકાંતે ના પાડી.

'તારી મરજી.' રમણિકે ખાતરી આપી. 'સાજો થઇશ પછી મારી રીતે તપાસ કરીશ. કંઇ જાણવા જેવું હશે તો તને ચોક્કસ કહીશ. બાકી એક વાત લખી રાખજે. હરિવલ્લભ ભીંસમાં આવ્યો હોય તો સામેવાળાનું ગળું ભીંસી નાખે પણ મરવાનું ક્યારેય ના વિચારે. ઇન્ટરેસ્ટિંગ કેસ છે, મજા આવશે તપાસ કરવાની.'

'મિસિસને લઇને એનાં ફૈબાને ત્યાં જવાનું છે એટલે ભાગું. સાંજે શાંતિથી આવીશ.' એમ કહીને શ્રીકાંતે રજા લીધી.

'હવે તમે જપો. જેમ્સ બોન્ડ કહીને લોકો મશ્કરી કરે છે, તોય આ ઉંમરે આવા ઉધામા છોડતા નથી. આરામ કરો.' શ્રીમતીજીએ ધમકાવીને કહ્યું એટલે રમણિકે પાછું ગોદડું ઓઢી લીધું.

હેલમેટ ચાર રસ્તા પાસે હૉલની બહાર ટ્રાફિક જામ હતો. અંદર હરિવલ્લભદાસની વિશાળ છબીની ડાબી તરફ ચાર ખુરસીમાં વિભાકર, આદિત્ય, ભાસ્કર અને સુભાષ બેઠા હતા. જમણી બાજુ શાલિની, અલકા અને ભાવિકા ગંભીર બનીને બેઠાં હતાં. લોકો આવીને છબી પર ફૂલ ચડાવીને હાથ જોડીને થોડી વાર ઊભા રહે પછી ત્રણેય ભાઇઓને નમસ્કાર કરીને બીજા આવનાર માટે જગ્યા કરી આપે.

સાડા અગિયાર વાગ્યે બેસણું પત્યા પછી ત્યાં જ પરિવારજનો, નજીકના સગા- સંબંધઓ અને બહારગામથી આવેલી વ્યક્તિઓ માટે સાદો જમણવાર હતો. એ બધુંય પતાવીને ત્રણેક વાગ્યે બધા બંગલામાં આવ્યા.

એ પછી ઉત્તરક્રિયાની તૈયારી શરૂ થઇ ગઇ. દસમા દિવસે ત્રણેય ભાઇઓની સાથે સુભાષે પણ મૂંડન કરાવ્યું.

પંદરમી તારીખે સવારથી બંગલામાં ધમાલ હતી. જિતુભાઇની વ્યવસ્થામાં કોઇ કચાશ નહોતી. આદિત્ય ગોર મહારાજની સામે ગોઠવાઇ ગયો હતો. લોકો ધીમે ધીમે આવી રહ્યા હતા. જમવાના સમય સુધીમાં કમ્પાઉન્ડમાં મંડપ નીચે ગોઠવેલી તમામ ખુરસીઓ ભરાઇ ગઇ હતી.

રાત્રે ભાવિકાએ ભાસ્કરને પૂછ્યું. 'અરજન્ટ મિટિંગનું કહીને વિભાદાદાએ વિધિની જવાબદારી આદિભાઇને આપી દીધી, પણ પછી એ તો ક્યાંય ગયા જ નહીં. આવું કેમ?'

'અમારે વાત થયેલી.' ભાસ્કરે પત્નીને સમજાવ્યું. 'વિભાદાદાએ મને અને આદિભાઇને અગિયાર વાગ્યે જ કહી દીધેલું કે મુંબઇથી જે પાર્ટી આવવાની હતી એ હવે આવતા અઠવાડિયે આવવાની છે.'

વિભાકર વતી પતિએ જે ખુલાસો કર્યો એ ભાવિકાને ગળે તો ના ઊતર્યો એ છતાં એણે વધુ પંચાત ના કરી.

‘મારા મગજમાં આ વાત સેટ થતી જ નથી. વિજય માલ્યા અને નીરવ મોદી પાછા આવીને બેન્કોની પાઇએ પાઇ ચૂકવી આપે એ વાત ઉપર કદાચ વિશ્વાસ કરું પણ હરિવલ્લભ હિંમત હારી જાય એવું કોઇ કાળે ના બને.’

સત્તરમી તારીખ રવિવારે સાંજે ચાર વાગ્યે સોલિસિટર ત્રિવેદી સાહેબ આવવાના છે એની જાણકારી દરેકને મળી ચૂકી હતી એટલે સાડા ત્રણ વાગ્યે જ ડ્રોઇંગરૂમમાં બધા ગોઠવાઇ ગયા હતા. શાલિનીએ અલકા અને ભાવિકાની વચ્ચે પોતાની જગ્યા બનાવી હતી. આદિત્ય અને ભાસ્કર એક સોફા પર અને વિભાકર અને સુભાષ બીજા સોફા પર બેઠા હતા. એ બધાની સામે હરિવલ્લભદાસની રિવોલ્વિંગ ખુરસી એમના ઓરડામાંથી બહાર કાઢીને ત્રિવેદી સાહેબ માટે ગોઠવી હતી. ડ્રોઇંગરૂમમાંથી ઉપરના ઓરડાઓમાં જવા માટે આરસની વિશાળ સીડી હતી. એના ઉફર આકાશ, આકાંક્ષા, ભૌમિક, ભૈરવી, પ્રશાંત અને પરિધિ જાણે ફિલ્મ જોવા બેઠાં હોય એમ બેસી ગયાં.

બરાબર ચાર વાગ્યે ત્રિવેદીસાહેબની કાર બંગલામાં પ્રવેશી. હાથમાં બ્રિફકેસ લઇને એ ડ્રોઇંગરૂમમાં આવ્યા. બ્રીફકેસને બાજુની ટિપોઇ પર મૂકીને એ ખુરસીમાં બેઠા.

શેઠ હરિવલ્લભદાસના વસિયતનામામાં શું હશે? કોના ભાગે શું આવશે? એની જિજ્ઞાસા સાથએ બધાના કાન સરવા થઇ ચૂક્યા હતા. તમામ આશાભરી આંખો ત્રિવેદી સાહેબની બ્રીફકેસ સામે તાકી રહી હતી.
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી