‘મગજ ઉપર કાળ સવાર થયો એમાં એ ભાન ભૂલી ગયા. સાચા માણસે ખોટું પગલું ભરીને ઘરની સુખ-શાંતિનું સત્યાનાશ વાળી નાખ્યું!’

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 19, 2018, 12:05 AM IST

પ્રકરણઃ68
હરિવલ્લભદાસનો
સ્વભાવ હિટલર જેવો હતો. એમની ચિતાની આગ પણ હજુ પૂરેપૂરી ઠંડી નહીં થઇ હોય એ જ વખતે વિભાકરે પોતાની જાતે જ એમની જેમ અધિનાયકની ભૂમિકા સ્વીકારી લીધી હોય એવું લાગ્યું એટલે બધા આશ્ચર્યથી એની સામે તાકી રહ્યા.

એ તમામ નજરનો મર્મ પારખવાનું કામ વિભાકર માટે અઘરું નહોતું.

'પંદરમી તારીખે એક અગત્યની મિટિંગ બહુ અગાઉથી નક્કી થઇ ગયેલી છે.' અવાજમાં શક્ય હતી એ તમામ નરમાશ ઉમેરીને એણે ખુલાસો કર્યો. 'મારા એ કામ માટે થઇને પંડિતજી પાસે વિધિમાં ઉતાવળ કરાવવી પડે એને બદલે આ જવાબદારી આદિત્ય સંભાળી લે તો અતિ ઉત્તમ.' એણે આદિત્ય સામે જોયું. 'તને એમાં કોઇ તકલીફ નથીને?'

'નો પ્રોબ્લેમ.' આદિત્યે તરત સંમતિ આપી.

'આપણા બધાની દશા અત્યારે એવી છે કે ગળે કોળિયો ના ઊતરે, એ છતાં, પ્લીઝ, કોઇએ ના નથી પાડવાની. ઇચ્છા હોય કે ના હોય, જે ભાવે એ થોડુંક બધાએ જમી લેવાનું છે. હજુ ઘણાં કામ બાકી છે એટલે શરીરને રાહત આપવી જરૂરી છે.'

એ વખતે રસોડામાંથી કાશીબા આવ્યાં અને અલકાને એમણે ધીમેથી કંઇક કહ્યું. અલકાએ તરત વિભાકર સામે જોયું અને હાથને મોઢા પાસે લઇ જઇને આંગળીઓ ભેગી કરીને જમવા માટે ઇશારો કર્યો.

વિભાકરે ઊભા થઇને બધાની સામે હાથ જોડ્યા. 'આપણા બધાની દશા અત્યારે એવી છે કે ગળે કોળિયો ના ઊતરે, એ છતાં, પ્લીઝ, કોઇએ ના નથી પાડવાની. ઇચ્છા હોય કે ના હોય, જે ભાવે એ થોડુંક બધાએ જમી લેવાનું છે. હજુ ઘણાં કામ બાકી છે એટલે શરીરને રાહત આપવી જરૂરી છે.'

બધાનો સંકોચ દૂર કરવા માટે વિભાકર, આદિત્ય અને ભાસ્કરે જ પહેલી પ્લેટ હાથમાં લીધી. ગોરધન મહારાજ અને એમના સહાયકોએ ખીચડી અને બે શાકનાં મોટાં બાઉલ્સ ડાઇનિંગ ટેબલ પર ગોઠવીને, એક મોટી પ્લેટમાં ભાખરીઓની થપ્પી મૂકી દીધી હતી. છાસના ગ્લાસ પણ ત્યાં જ મૂક્યા હતા. ભૂખ તો બધાયને લાગી હતી. એક પછી એક બધાએ ઊભા થઇને પ્લેટ હાથમાં લીધી અને, જમવાનું શરૂ કર્યું.

જમ્યા પછી બધા પાછા ડ્રોઇંગરૂમમાં બેઠા. જિતુભાઇના મોબાઇલમાં રિંગ વાગી એટલે સામા છેડેથી જે કહેવાયું એ સાંભળ્યા પછી એ બોલ્યા. 'આવી જાવ.' મોબાઇલ પાછો પાઉચમાં મૂકીને એમણે ત્રણેય ભાઇઓ સામે જોયું. 'છાપામાં બેસણાની જાહેરાત આપવાની છે, એ માટેનું મેટર અને ફોટો લેવા માટે માણસ એકાદ કલાક પછી આવશે.'

જાહેરાતમાં કયો ફોટો મૂકવો એમાં પસંદગીનો કોઇ સવાલ જ નહોતો. ગઇ દિવાળીએ સવારે એ અને મંજુબા અપટુડેટ તૈયાર થઇને બેઠાં હતાં ત્યારે ભાસ્કરે એ બંનેના ઢગલાબંધ ક્લોઝઅપ લીધા હતા. એ બધી છબીઓ જોયા પછી અલકા, ભાવિકા અને શાલિનીએ એમાંથી સૌતી પ્રભાવશાળી ફોટો હતો એ સર્વાનુમતે પસંદ કરી લીધો. બેસણામાં મૂકવા માટે પણ એ જ ફોટો મોટો કરાવવાનું નક્કી કરી લીધું.

એડ એજન્સીમાંથી જે માણસ આવ્યો હતો એને જ જિતુભાઇએ એ જવાબદારી સોંપી દીધી. મંજુબાના બેસણામાં જે સાઇઝનો ફોટો હતો એ જ સાઇઝનો ફોટો બનાવવા માટે એડ એજન્સીમાં ફોન પણ કરી દીધો. એ ફોટાની બે કોપી સવારે જ બંગલે પહોંચાડવાની સૂચના આપી.

એક પછી એક મહેમાનોએ વિદાય લીધી. શાલિની અને સુભાષ પણ ઊભાં થયાં કે તરત આદિત્યે એમને રોકાવા માટે પૂછ્યું. 'અત્યારે ઘેર જઇને કપડાં લઇને રાત્રે પાછા આવી જઇશું.' શાલિનીએ ઢીલા અવાજે કહ્યું. 'પ્રશાંત અને પરિધિનું કંઇ નક્કી નહીં, પણ અમે બંને રાત્રે આવી જઇશું.'

બીજા દિવસે સવારમાં વિભાકરે બધાં અખબાર ધ્યાનથી જોયાં અને મનોમન ઇન્સ્પેક્ટર સૈયદનો આભાર માન્યો. પોલીસે જે પ્રેસનોટ આપી હોય એ મુજબ તમામ છાપાંમાં ચાર લીટીના જ સમાચાર પ્રસિદ્ધ થયા હતા. પત્નીના અવસાનથી ડિપ્રેશનમાં આવી ગયેલા કરોડપતિ શેઠ હરિવલ્લભદાસે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી લમણામાં ગોળી મારીને આપઘાત કર્યો!

સંતોષના શ્વાસ લઇને એણે ચાનો કપ હાથમાં લીધો. આજે પણ આખો દિવસ મુલાકાતીઓ બંગલે આવ્યા કરશે એ ગણતરી હતી એટલે ત્રણેય ભાઇઓ તૈયાર થઇને ડ્રોઇંગરૂમમાં આવી ગયા. નવ વાગ્યે એડ એજન્સીનો માણસ મોટી સાઇઝના બંને ફોટા લઇને બંગલે આવી ગયો. એક ફોટો બેસણા માટે હતો એને અલકાએ સાચવીને અંદરના રૂમમાં મૂકી દીધો.

બીજો ફોટો ડ્રોંઇગરૂમમાં, જ્યાં મંજુબાનો ફોટો મૂક્યો હતો ત્યાં જ ટેબલ પર મૂકીને અલકા અને ભાવિકાએ ફૂલનો હાર પહેરાવ્યો. ઘીનો દીવો કર્યો અને અગરબત્તી પ્રકટાવી.

'આ ફોટામાં પપ્પાજી અદ્દલ નગરશેઠ જેવા લાગે છે.' ભાવિકાએ એકીટશે ફોટા સામે જોઇને અભિપ્રાય આપ્યો. 'ચહેરા ઉપરની ખુમારી અને વટ રીતસર દેખાય છે.'

'આવા ખમતીધર માણસે આવું ખોટું પગલું કેમ ભર્યું એ સમજાતું નથી.' કાશીબા પણ ફોટા સામે તાકીને બબડ્યાં. 'એ વાત જ મગજમાં બેસતી નથી. સાચું કહું? સવારે છ વાગ્યે વિભાશેઠને ચા આપીને પાછી આવતી હતી ત્યારે એમના રૂમના બારણા પાસે અચાનક પગ અટકી ગયા. કાશીબા, જલદી ચા લાવો. એમ કહીને રોજની જેમ એમણે બોલાવી હોય એવું લાગ્યું. આવો ભ્રમ થયો એમાં મગજ ભમી ગયું.' એમણે નિસાસો નાખ્યો. 'બંગલામાં શું ખોટ હતી એમને? મગજ ઉપર કાળ સવાર થયો એમાં એ ભાન ભૂલી ગયા. સાચા માણસે ખોટું પગલું ભરીને ઘરની સુખ-શાંતિનું સત્યાનાશ વાળી નાખ્યું!'

ગેસ્ટરૂમમાંથી શાલિની અને સુભાષ બહાર નીકળ્યાં. ચા-નાસ્તા માટે ડાઇનિંગ ટેબલ તરફ જતી વખતે શાલિની ત્રણેય ભાઇઓ પાસે ઊભી રહી. સુભાષ તો ડાઇનિંગ ટેબલ પાસે ખુરસીમાં ગોઠવાઇ ગયો હતો.

'આ તમારા બનેવી અત્યારે સાવ નવરા છે.' શાલિનીએ ભાઇઓ સામે જોઇને સૂચન કર્યું. 'એમને લાયક કંઇ પણ કામકાજ હોય તો જરાયે સંકોચ રાખ્યા વગર આપી દેજો. એ એકલા એકલા આંટા માર્યા કરે એ સારું નથી લાગતું.'

'એક કામ કર. તું એમને મુક્ત કર.' વિભાકરે તરત કહ્યું. 'ગઇ કાલે મદદની જરૂર હતી ત્યારે તેં એમને પકડી રાખ્યા હતા. પછી કોઇ કઇ રીતે કામ બતાવે? એમને અમારી સાથે રહેવાનું કહી દે એટલે વાંધો નહીં.'

'સારું.' વિભાકરનો રોકડો જવાબ સાંભળવાનું એને ગમ્યું તો નહીં એ છતાં એણે વાત સ્વીકારી અને ચા- નાસ્તા માટે ગઈ.

ડૉક્ટર દિનુભાઇ, હિંમતલાલ અને જીવણભાઇ પોતાની ફરજ સમજીને વહેલા આવી ગયા. એ પછી મુલાકાતી ઓનો પ્રવાહ ચાલુ થઇ ગયો.

ગારિયધારથી કમલેશમામા આવ્યા. એમની સાથે બંને મામીઓ પણ આવી હતી. વિભાકરને ભેટીને કમલેશમામા રડી પડ્યા. 'વિભા, તારા ઉપર તો આભ તૂટી પડ્યું. વસંતમામનો મોં મેળાપ કરવા તું દોડીને આવ્યો. તારી રાહ જોવા માટે જ એમણે જાણે શ્વાસ ટકાવી રાખ્યા હતા. એમણે દેહ મૂક્યો એ પછી તારી દશા જોઇને અમને ચિંતા થતી હતી. સાવ ઓશિયાળો ને મૂઢ થઇને અણોહર ફરતો હતો. એ ઘા હજુ રૂઝાણો નથી ત્યાં તો આ બીજો ફટકો પડ્યો.' એમણે હરિવલ્લભદાસની છબી સામે નજર કરી. 'આવો ભડભાદર ભાયડો ભીરુ થઇને આવી ભૂલ કરે? કંઇ સમજાતું નથી.'

'અક્કલ તો અમારીયે કામ નથી કરતી, મામા! પણ આ ડિપ્રેશન બહુ ખરાબ ચીજ છે. હતાશાની ભીંસમાં આવેલો માણસ હિંમત હારી જાય ને કોઇ નબળી પળે ભાન ભૂલે.' વિભાકરના અવાજમાં પીડા હતી. 'શેઠ હરિવલ્લભદાસ આવું કરે એ વાત કોઇનાય ગળે નથી ઊતરતી. હું જ મારો ભાગ્યવિધાતા ને હું જ મારો ભગવાન એવા ભ્રમમાં એમણે જિંદગી ફેંકી દીધી!'

બંને મામીઓ અલકા અને ભાવિકા પાસે બેઠાં હતાં. વિભાકર ત્યાં ગયો એટલે વસંતમામાના વિધવા- મોટાં મામી એને વળગીને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યાં. 'મામી, મામા ગયા પછી તમારા મગજનુંય ઠેકાણું નહીં હોય.' વિભાકરે ફરિયાદ કરી. 'તમે ધક્કો કેમ ખાધો?'

'દીકરા, તારા મામાએ અંતકાળે તને બોલાવ્યો અને હજાર કામ પડતાં મૂકીને તું આવ્યો. પાણીયે પીધા વગર આખી રાત દવાખાનામાં એમની જોડે બેસી રહ્યો. એમણે દેહ મૂક્યો પછી તારી દયામણી દશા મેં જોઈ છે. અમારા દુઃખમાં ભાગ પડાવવા તારા બંને ભાઇઓ પણ દોડી આવ્યા. તમે આટલું કરો એ પછી મારાથી ખરખરો કરવાય ના અવાય?' એમણે વિભાકરને સાંત્વાના આપીને ઉમેર્યું. 'વડીલ તરીકે તારા ઉપર બહુ મોટી જવાબદારી આવી ગઇ છે. એ સંભાળવાની તારામાં તાકાત છે અને ન્યાયની ભાવના છે એટલે બધાને સાચવજે.' એમણે ફરીથી રડવાનું શરૂ કર્યું એટલે વિભાકરે એમનો હવાલો અલકાને આપી દીધો. એ નાની મામી સાથે વાત કરતો હતો એ જ વખતે આદિત્યે બૂમ પાડીને બોલાવ્યો એટલે વિભાકર એ તરફ જોયું.

'સોલિસિટર ત્રિવેદી આવ્યા હતા. નાની મામી સાથેની વાત પૂરી કરીને વિભાકર ત્યાં ગયો. હરિવલ્લભદાસની છબીને વંદન કરીને ત્રિવેદી ત્યાં કાર્પેટ ઉપર બેસી ગયા. આદિત્ય, ભાસ્કર, સુભાષ અને જિતુભાઇ એમની પાસે બેઠા હતા. વિભાકર ત્યાં જઇને આ બધાની સાથે ગોઠવાઇ ગયો.

'ઊડતા સમાચાર મળ્યા ત્યારે માનવાનું મન નહોતું થતું.' ત્રિવેદીના અવાજમાં થાકની સાથે પીડા હતી. 'ગઇ કાલે સમાચાર સાંભળ્યા પછી જીવ ચૂંથાતો હતો એમાં છાતીમાં દુખાવો ઉપડ્યો એટલે હાઇકોર્ટમાં જવાનું પણ માંડી વાળેલું. ઘરે ડૉક્ટર આવ્યા ને એમણે આરામની સલાહ આપી એટલે આસિસ્ટન્ટને હાઇકોર્ટ મોકલીને બોર્ડ ઉપર જે કેસ હતો એમાં મુદત પડાવી દીધી.'

સામે બેઠેલા શ્રોતાઓ સામે જોઇને એમણે માહિતી આપી.

'ડિપ્રેશનના જોખમી તબક્કામાં આવી ગયા પછી એમણે જિંદગી ટૂંકાવવાનો મક્કમ નિર્ણય કરી લીધો હશે. આઇ એમ શ્યોર કે એ દિવસે બપોરે જ એમણે નક્કી કરી લીધું હશે કે આજનો આ છેલ્લો દિવસ! વિલ બનાવવાની ઇચ્છા હતી પણ એ વાત દિવસોથી એમણે લટકાવી રાખી હતી. આજે રાત્રે મરી જ જવું છે એ નિર્ણય કરી લીધા પછી સાંજે પાંચેક વાગ્યે એમણે એ કામ પણ પતાવી દીધેલું. પાકા પાયે કામ પૂરું કરીને સીલબંધ કવર એમણે મનો મોકલાવી આપેલું.'

આ વાત સાંભળીને વિભાકર, આદિત્ય, ભાસ્કર અને સુભાષ આશ્ચર્યથી આંખો પહોળી કરીને એમની સામે તાકી રહ્યા હતા. એમના માટે પણ આ વાત નવી હતી.

‘ડિપ્રેશનના જોખમી તબક્કામાં આવી ગયા પછી એમણે જિંદગી ટૂંકાવવાનો મક્કમ નિર્ણય કરી લીધો હશે. આઇ એમ શ્યોર કે એ દિવસે બપોરે જ એમણે નક્કી કરી લીધું હશે કે આજનો આ છેલ્લો દિવસ!’

'એમણે મોકલાવેલું સીલબંધ કવર મારી તિજોરીમાં સલામત છે. તમે બધા કહો ત્યારે બધાની હાજરીમાં એ ખોલીશું. એમણે એવી જ સૂચન કવર પર લખેલી છે. તમે લોકો આઘાતમાંથી સહેજ બહાર આવો એ પછી મને જણાવજો. લગભગ ક્યારે ફાવશે?'

ત્રણેય ભાઇઓએ આંખોથી જ સંતલસ કરી લીધી. 'પંદરમી તારીખે એમના બારમા- તેરમાની વિધિ પતી જાય એ પછી સત્તરમીએ રવિવાર આવે છે.' બધા વતી વિભાકરે કહ્યું. 'એટલે એ તારીખ બધાને અનુકૂળ રહેશે.' એ બોલ્યો અને આદિત્ય તથા ભાસ્કરે માથું હલાવીને સમંતિ આપી.
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી