માનવામાં ના આવતું હોય એમ આંખો ફાડીને બધા હરિવલ્લભદાસની લાશ સામે તાકી રહ્યા હતા

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 14, 2018, 12:05 AM IST

પ્રકરણઃ63
હરિવલ્લભદાસના
ઓરડામાં ખોફનાક દૃશ્ય જોઇને બધા હબકી ગયા હતા. અલકા અને ભાવિકા અડખેપડખે ઊભી હતી. અનાયાસે જ એ બંનેએ એકબીજાના હાથ જકડી લીધા હતા. વિભાકર, આદિત્ય અને ભાસ્કર ડઘાઇ ગયા હતા. કાશીબા તો તૂટેલા કપ- રકાબી અને વેરાયેલી ચાની વચ્ચે જ ફસડાઇને પડ્યાં હતાં. ગોરધન મહારાજ, ભીખાજી અને બીજા ત્રણેય નોકર ઓરડાનાં બારણાં પાસે જડાઇ ગયા હતા.

જે દૃશ્ય આંખ સામે દેખાઇ રહ્યું હતું એ જાણે માનવામાં ના આવતું હોય એમ આંખો ફાડીને બધા હરિવલ્લભદાસની લાશ સામે તાકી રહ્યા હતા. ઉઘાડી આંખો બિહામણી લાગતી હતી.

અલકા ત્યાં ભોંય પર ફસડાઇ પડી અને એણે રડવાનું શરૂ કર્યું એટલે ભાવિકા પણ એની પાસે બેસીને રડવા લાગી. કાશીબાનો વિલાપ તો ચાલુ જ હતો.

ધીમા પગલે એ લાશ પાસે પહોંચ્યો ત્યારે બાકીના બધા શ્વાસ રોકીને એની સામે તાકી રહ્યા હતા. લાશની દશા જોયા પછી શ્વાસ ચાલી રહ્યા હોય એવી કોઇ શક્યતા નહોતી, એ છતાં, લાશ ઉપર ઝૂકીને વિભાકરે એમના નાક પાસે ઊંધી હથેળી થોડી વાર ધરી રાખી અને નિરાશાથી માથું ધુણાવ્યું. અત્યંત કાળજીપૂર્વક એણે લાશની ઉઘાડી આંખો બંધ કરી દીધી.

વિભાકર વચ્ચે ઊભો હતો. એના બંને હાથ આદિત્ય અને ભાસ્કરના ખભા ઉપર હતા. હળવેથી એ બંનેના ખભા ઉપરથી હાથ હટાવીને એ આગળ વધ્યો. ધીમા પગલે એ લાશ પાસે પહોંચ્યો ત્યારે બાકીના બધા શ્વાસ રોકીને એની સામે તાકી રહ્યા હતા. લાશની દશા જોયા પછી શ્વાસ ચાલી રહ્યા હોય એવી કોઇ શક્યતા નહોતી, એ છતાં, લાશ ઉપર ઝૂકીને વિભાકરે એમના નાક પાસે ઊંધી હથેળી થોડી વાર ધરી રાખી અને નિરાશાથી માથું ધુણાવ્યું. અત્યંત કાળજીપૂર્વક એણે લાશની ઉઘાડી આંખો બંધ કરી દીધી.

એનું જોઇને આદિત્ય અને ભાસ્કરે પણ પગ ઉપાડ્યા. એ બંને લાશ તરફ આગળ વધે એ અગાઉ વિભાકરે એમને અટકાવી દીધા. 'પ્લીઝ, સ્ટોપ.' બંને નાના ભાઇઓને એણે સમજાવ્યું. 'આપઘાતનો મામલો છે એટલે પોલીસને જાણ કરવી પડશે. એ લોકો આવીને સ્થળતપાસ કરશે એટલે બધું જેમ છે એમ જ રાખવાનું છે.' બધાની સામે જોઇને એણે સૂચના આપી. 'ઓરડામાં કોઇ પણ ચીજવસ્તુને કોઇ અડતા નહીં.'

અલકા, ભાવિકા અને કાશીબાનું રૂદન ચાલુ હતું. 'મારો તો જીવ મૂંઝાય છે, ગભરામણ થાય છે.' ધ્રૂજતા અવાજે આટલું બબડીને કાશીબા બેઠાં હતાં ત્યાં ગબડીને લાંબાં થઇ ગયાં. અહીં લાશની સામે લાંબો સમય તાકી રહેશે તો અલકા અને ભાવિકાની પણ આવી જ દશા થશે એ વિચારીને વિભાકરે આદિત્ય અને ભાસ્કરની સામે જોયું. 'અહીં રહેવાનો કોઇ અર્થ નથી. આ ઓરડો બંધ કરીને આપણે બધા બહાર બેસીએ.'

બધા બહાર આવી ગયા પછી વિભાકરે ભાસ્કરને સૂચના આપી. 'બીજા કોઇને તાત્કાલિક ફોન કરવાની જરૂર નથી. જિતુકાકાને ફોન કરીને કહી દે કે આવું બન્યું છે. પોલીસને જાણ કરવાની જવાબદારી પણ એમને આપી દે.'

'જી.' ભાસ્કર એટલો ડઘાઇ ગયો હતો કે એને બોલવામાં પણ તકલીફ પડતી હતી. એ છતાં, વિભાકરે આદેશ આપ્યો એટલે રડમસ અવાજે જિતુકાકાને વાત કરી.

સમાચાર સાંભળીને જાણે ધરતીકંપનો આંચકો અનુભવ્યો હોય એમ જિતુભાઇ ધ્રૂજી ઊઠ્યા. હરિવલ્લભદાસની જ ઉંમરના જિતુભાઇ વીસેક વર્ષના હતા ત્યારથી જ આ પરિવારની નોકરીમાં જોડાયેલા. બહારની એજન્સીઓ સાથોનાં તમામ કામો એ પૂરી નિષ્ઠા અને જવાબદારીથી સંભાળતા હતા.

'વિભાદાદાએ કહ્યું છે કે અત્યારે જ તમે પોલીસ સ્ટેશન રૂબરૂ જઇને ત્યાંના અધિકારીને મળજો અને વાત કરજો. મીડિયાવાળા સુધી વાત પહોંચે નહીં એ માટે વિનંતિ કરજો.'

'જી. જી.' ભાસ્કરની સૂચના સાંભળી લીધા પછી એ ઢીલા અવાજે બબડ્યા. 'માનવામાં નથી આવતું, ભાસ્કર, એના જેવો સરમુખત્યાર આવું પગલું કેમ ભરે?'

'અમારી તો અક્કલ કામ નથી કરતી, મગજ પણ કામ કરતું અટકી ગયું છે. તમે તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી જાવ.' ભાસ્કરે મોબાઇલ ખિસ્સામાં મૂક્યો.

ચારેય બાળકો શિયાવિયા થઇને એક ખૂણામાં બેસીને ધીમા અવાજે ચર્ચા કરી રહ્યાં હતાં.

આદિત્ય અને ભાસ્કર ઓશિયાળા બનીને વિભાકરની આગળ- પાછળ ફરતા હતા. અણધાર્યા આઘાતની એવી પ્રચંડ અસર એમના ઉપર થઇ હતી કે હવે શું કરવું એ એમને સૂઝતું નહોતું. વિભાકર ફસડાઇને સોફા પર બેઠો એટલે એ બંને પણ એની ડાબે- જમણે ગોઠવાઇ ગયા.

'પાંચ દિવસ અગાઉ હરિદ્વારથી આવ્યા ત્યારે એટલા તાજા-માજા અને ખુશમિજાજમાં હતા કે વાત ના પૂછો!' બે હાથ વચ્ચે માથું પકડીને વિભાકર બબડ્યો. 'આવું પગલું એ ભરે એ વાત મગજમાં સેટ નથી થતી.'


અચાનક કંઇક યાદ આવ્યું હોય એમ એ ચમક્યો અને મોબાઇલ હાથમાં લીધો. શાલિનીનો નંબર જોડ્યો. 'શાલુ, પપ્પાને એક્સિડન્ટ થયો છે. તાત્કાલિક બંગલે આવી જા.' ફોન બાજુ પર મૂકીને એણે નિરાશાથી માથું ધુણાવ્યું. 'એ બાપડી આવશે અને પપ્પાને જોશે ત્યારે પગ નીચેથી ધરતી સરકી જશે.'

આદિત્ય કંઇક વિચારમાં ડૂબી ગયો હતો. વિચારવાની પ્રક્રિયા પૂરી થઇ એટલે એણે વિભાકર સામે જોયું. 'જિતુકાકા પોલીસને જાણ કરશે એ પછી? પોલીસ અહીં આવશેને?'

'સો ટકા.' વિભાકરે સમજાવ્યું. 'હરિવલ્લભદાસનું નામ મોટું છે એટલે પોલીસ માટે આ હાઇ પ્રોફાઇલ કેસ બનશે. એમાંય રિવોલ્વરનો ઉપયોગ થયો છે એટલે ઇન્સ્પેક્ટર કક્ષાનો અધિકારી આવીને આખા રૂમનું ચેકિંગ કરશે. ઝીણી ઝીણી વિગતો ચકાસશે. પોલીસખાતાના માણસો બધી ઘટનાઓને શંકાની નજરે જ જોતા હોય છે. એમને એ માટેની તાલીમ પણ આપવામાં આવેલી હોય છે. આઠ હજાર વારના પ્લોટમાં આપણો બંગલો છે એટલે એ જોયા પછી બિનજરૂરી ચોકસાઇ બતાવશે. શંકાશીલ બનીને જ તપાસ કરવાની હોય એટલે આ બનાવ આત્મહત્યાનો જ છે એની પૂરેપૂરી ચકાસણી કરશે.' એણે બંને ભાઇઓ સામે જોયું. 'એમના મગજમાં કાયમ શંકાનો કીડો સળવળતો હોય એટલે આત્મહત્યાના ક્લિયરકટ કેસમાં પણ એમને ખૂનના ભણકારા વાગે. એવું કંઇ પૂછે તોય નવાઇ નહીં.'

બંને ભાઇઓ ખૂનનું નામ સાંભળીને ગભરાઇ ગયા એ જોઇને વિભાકરે ધરપત આપી. 'જિતુકાકો ઘંટ માણસ છે. બંને પોલીસ સ્ટેશન સાથે લાયઝનનું કામ એ વર્ષોથી સંભાળે છે અને દર દિવાળીએ એ માગે એટલી રકમ આપણે એમને આપીએ છીએ. એને લીધે પોલીસવાળા ખોટા ઘોંચપરોણા નહીં કરે.'

સહેજ વિચારીને એણે ઉમેર્યું. 'એ પછીનું કામ અગત્યનું છે. અહીં પોલીસની બધી પ્રોસિજર પતી જાય એ પછી એ લોકો લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ લઇ જશે. પી.એમ. પત્યા પછી પોલીસ આપણને ડેડબોડી સોંપશે. એ પછી એકાદ કલાકમાં જ આપણે અંતિમ વિધિ પતાવી નાખીશું. મીડિયા સુધી સમાચાર પહોંચે અને એ લોકોનું ધાડું બંગલે આવે એ અગાઉ અગ્નિસંસ્કાર પતાવી દેવા પડશે.'

બેસવાની શક્તિ પણ ગુમાવી દીધી હોય એમ કાશીબા આડા પડીને ડૂસકાં ભરતાં હતાં. અલકા અને ભાવિકા એમની પાસે બેઠાં હતાં.

'સિધ્ધપુરમાં મૂવા અઘોરીએ શાપ આપ્યો ત્યારથી મનમાં ફડક બેસી ગઇ હતી.' અલકાએ યાદ કરીને કહ્યું. 'બાકી હતું તો એ દિવસે દિનુકાકા પેલા સંન્યાસીને બંગલે લાવ્યા. એ હતા પવિત્ર આત્મા, પણ આગાહી તો એમણેય અમંગળ જ ભાખેલીને? કોઇકના માથે મોત ભમે છે એવું ચોખ્ખું કહેલું.' ભાવિકાએ માથું હલાવીને જેઠાણીની વાતમાં સમંતિ આપી.

'મંજુબા ગયાં એ પછી પપ્પાજી ડિપ્રેશનમાં આવી ગયા હતા.' ભાવિકાએ એમના ઓરડાના બંધ બારણા સામે નજર કરીને કહ્યું. 'ગોરધન મહારાજે મારું ધ્યાન દોર્યું કે બાપાજી સરખું જમતા નથી એટલે બીજા દિવસથી એ જમતા હોય ત્યારે પીરસવાની જવાબદારી મેં સંભાળી લીધેલી, પણ તોય ફેર નહોતો પડ્યો. જીવવામાં જાણે કોઇ રસ જ ના હોય એવું એમનું વર્તન હતું.' નિઃસાસો નાખીને એણે ઉમેર્યું. 'મંજુબાએ એમને ઉપર બોલાવી લીધા.'

અચાનક યાદ આવ્યું એટલે એણે અલકા સામે જોયું. 'મોટીબહેન, આ લોકોએ શાલુદીદીને જાણ કરી કે નહીં? પપ્પાજી હરિદ્વારની યાત્રાએ ગયા અને આપણે એમને કહ્યું નહોતું એમાંય એ બહેને વાંધો પાડેલો.'

અલકા ઊભી થઇને ત્રણેય ભાઇઓ બેઠા હતા ત્યાં આવી. એણે પૂછ્યું એટલે વિભાકરે જાણકારી આપી કે શાલુને સમાચાર આપી દીધા છે. અલકા પાછી આવીને ભાવિકા પાસે બેસી ગઇ.

મંજુબાને હોસ્પિટલમાં જોયાં ત્યારે પણ કાશીબાનું બી.પી. વધી ગયું હતું અને એ આવી રીતે ફસડાઇ પડ્યાં હતાં એનો ગોરધન મહારાજને ખ્યાલ હતો. એ વખતે ત્યાંના ડૉક્ટરે એમને લીંબુનું શરબદ આપવાનું કહેલું અને એ પછી એ લગીર સ્વસ્થ થયેલા. અત્યારે એમની હાલત જોઇને ગોરધન એક ગ્લાસમાં લીંબુનું શરબત બનાવીને લાવ્યો અને કાશીબા આનાકાની કરતા હતા છતાં પીવડાવી દીધું.

શેઠની વિદાયનો આઘાત સહન કરવાનું જિતુભાઇ માટે સહેલું નહોતું. પોલીસ સ્ટેશનેથી એ સીધા બંગલે આવ્યા. ત્રણેય ભાઇઓને વળગીને એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા.

એ પછી એ નીચે કાર્પેટ પર બસેવા જતા હતા, પણ વિભાકરે હાથ પકડીને એમને પોતાની પાસે સોફા પર બેસાડી દીધા. 'પપ્પા ગયા પછી હવે વડીલમાં તમે જ ગણાવ.' વિભાકરે આવું કહ્યું એટલે એમની આંખ ફરીથી ભીની થઇ ગઇ.

'ઇન્સ્પેક્ટર સૈયદ ફોટોગ્રાફરને લઇને આવે છે.' જિતુભાઇએ માહિતી આપી. 'રિવોલ્વરની વાત કરી એટલે એમણે ફોરેન્સિકવાળાને પણ ફોન કરી દીધો છે. એ બધાને બને એટલા જલદી આવવાનું કહ્યું છે.' એમણે પ્રશ્નાર્થ નજરે ત્રણેય ભાઇઓ સામે જોયું. 'બધાને જાણ કઇ રીતે કરવાની છે?'

'અત્યારે કશું નહીં.' વિભાકરે તરત કહ્યું. 'પપ્પાના જિગરી દોસ્તારોને પણ જાણ નથી કરી. મીડિયાવાળાને મસાલો મળે એવું કોઇ કામ નથી કરવું. પોલીસની પ્રોસિજર પતે અને ડેડબોડીને પી.એમ. માટે મોકલે ત્યારે હું સાથે જઇશ. ત્યાં વેઇટિંગ નહીં હોય તો તરત ફોન કરીશ. ફોન કરું એ પછી દોઢ કલાકનો ગાળો રાખીને ફટાફટ બધાને ફોન કરીને તમારે જાણ કરવાની. ભાસ્કર અને આદિત્ય પણ તમારી મદદ કરશે. સિવિલમાંથી ડેડબોડી લઇને હું આવું એ પછી અર્ધા કલાકમાં જ સ્મશાને જવા નીકળી જવાનું. એટલે એ રીતની વ્યવસ્થા ગોઠવજો રાઇટ?'

'જી.' અનુભવી જિતુભાઇને આનાથી વધુ સૂચનાની જરૂર નહોતી.

પોલીસની જીત આવી એટલે બધા ઊભા થઇ ગયા. ઇન્સ્પેક્ટર સૈયદ સાથે જિતુભાઇએ ત્રણેય ભાઇઓનો પરિચય કરાવ્યો.

'સૌથી પહેલી જાણ કોને થઇ?' સૈયદે પૂછ્યું એટલે અલકાએ કાશીબાને ઊભાં કર્યાં. મહારાજે લીંબુનું શરબત આપીને સારું કામ કર્યું હતું. 'શેઠને બરાબર સાત વાગ્યે કીટલી ભરીને ચા જોઇએ. વર્ષોથી મારા હાથની જ ચા એ પીતા હતા. રોજની જેમ ટ્રેમાં કીટલી અને કપ- રકાબી મૂકીને એમના ઓરડામાં ગઇ ત્યારે બારણું ખાલી અડાડીને બંધ કરેલું હતું. બંને હાથે ટ્રે પકડેલી હતી એટલે પગથી જ ધક્કો મારીને બારણું ખોલીને અંદર ગઇ અને શેઠની દશા જોઇને બધુંય હેઠે પડી ગયું અને હુંય ફસડાઇ પડી.' અચાનક એ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યાં.

સૈયદની જોડે બેસીને જે રાઇટર લખતો હતો એ અટકી ગયો. 'નો પ્રોબ્લેમ.' સૈયદે એને કહ્યું 'આ જે કહ્યું એ તારી રીતે લખીને જગ્યા જોઇને વર્ણન લખી નાખજે. આ માજીને અત્યારે ડિસ્ટર્બ નથી કરવા.'

એણે ત્રણેય ભાઇઓ સામે જોયું. 'અંદર કોઇ ચીજવસ્તુને કોઇ અડ્યું તો નથીને?'

'એમની ઉઘાડી આંખો જોઇ ના શકાય એવી બિહામણી લાગતી હતી.' વિભાકરે કબૂલ કર્યું. 'લેડિઝ અને બાળકોનો વિચાર કરીને મેં એ આંખો બંધ કરેલી, એ પણ બધાની હાજરીમાં. એ સિવાય કશાને અડ્યો નથી.'

‘પપ્પાના જિગરી દોસ્તારોને પણ જાણ નથી કરી. મીડિયાવાળાને મસાલો મળે એવું કોઇ કામ નથી કરવું. પોલીસની પ્રોસિજર પતે અને ડેડબોડીને પી.એમ. માટે મોકલે ત્યારે હું સાથે જઇશ. ત્યાં વેઇટિંગ નહીં હોય તો તરત ફોન કરીશ. ફોન કરું એ પછી દોઢ કલાકનો ગાળો રાખીને ફટાફટ બધાને ફોન કરીને તમારે જાણ કરવાની.’

સૈયદ ઊભો થયો. એ, ફોટોગ્રાફર અને બીજા બે કોન્સ્ટેબલ વિભાકર, આદિત્ય અને ભાસ્કરને સાથે લઇને હરિવલ્લભદાસના ઓરડાના બારણાં પાસે પહોંચ્યા.

'અમે અહીં ઊભા છીએ એટલે અંદર તમારા કામમાં ખલેલ ના પડે.' વિભાકરે કહ્યું. એ ત્રણેય ભાઇઓ બારણાં પાસે ઊભા રહ્યા. પોલીસનું આખું ધાડું અંદર ગયું.

શાલિની રિક્ષામાં આવેલી. રિક્ષામાંથી ઊતરીને ડ્રોઇંગરૂમમાં આવતા સુધીમાં માળી પાસેથી સમાચાર જાણીને એ ચીસો પાડીને રડતી હતી.

વાવાઝોડાંની જેમ એ હરિવલ્લભદાસના ઓરડામાં એવી રીતે ઘૂસી કે બધા પોલીસવાળા પણ આશ્ચર્યથી એની સામે તાકી રહ્યા.

બાપની લાશ નિહાળીને પાગલની જેમ એણે નીચે કાર્પેટ સાથે માથું પછાડ્યું પછી ઊભી થઇ.

'મારો બાપ તો છપ્પનની છાતીવાળો મરદ હતો.' લાશની સામે આંગળી ચીંધીને ઇન્સ્પેક્ટર તરફ જોઇને એણે તીણા અવાજે ચીસ પાડી. 'બરાબર તપાસ કરજો, સાહેબ! મારો બાપ ક્યારેય આપઘાત ના કરે!'
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી