મનમાં હવે કોઇ દ્વિધા નહોતી. ધ્યેય નિશ્ચિત હતું અને એ જ માર્ગે આગળ વધવાનો એણે નિર્ધાર કરી લીધો હતો.

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 12, 2018, 12:05 AM IST

પ્રકરણઃ61
અળવીતરું
મન ગમે તેટલા ઉધામા કરે એ છતાં શરીરની પોતાની પણ સમજણ હોય છે. એ થાકેલું હોય અને આરામ ઝંખે ત્યારે મનનો ઉત્પાત આપમેળે શાંત પડી જાય અને ઊંઘ આવી જાય. વિભાકરના શરીરની સમજણ છેક પરોઢિયે જાગ્રત થઇ અને એ ઊંઘી ગયો.

રાત્રે સૂતી વખતે એ એના ઓરડાનું બારણું ભાગ્યે જ બંધ કરતો. ઉંમરના હિસાબે કાશીબા સૌથી વહેલાં જાગી જતાં. સાડા પાંચ વાગ્યે એ જાગે, એ પછી છ વાગ્યે વિભાકર જાગીને એમને ટહૂકો કરે એટલે કાશીબા ચા બનાવી આપતાં. આજે સાડા સાત સુધી વિભાકર બહાર ના આવ્યો એટલે કાશીબાએ એના રૂમમાં ડોકિયું કર્યું ત્યારે વિભાકરનાં નસકોરાંનો અવાજ રૂમમાં પડઘાતો હતો. બહારના અવાજથી એની ઊંઘમાં ખલેલ ના પડે એ માટે કાશીબાએ હળવે રહીને બારણું માત્ર અટકાડીને બંધ કરી દીધું.

શાવર નીચે ખાસ્સી વાર બેસી રહ્યો ત્યારે પણ વિચારવાની પ્રક્રિયા મગજમાં ચાલુ હતી. પોતે જે માર્ગ પસંદ કર્યો છે એમાં કઇ રીતે આગળ વધવું એના વિવિધ વિકલ્પો મગજમાં ઘૂમરાતા હતા પણ એનો કોઇ ભાર નહોતો. સમયની અગાધ મૂડી હાથમાં હતી એટલે જિગ્સો પઝલનાં ચોકઠાંઓ ગોઠવવાની કોઇ ઉતાવળ નહોતી.

હરિવલ્લભદાસને બરાબર સાતના ટકોરે ત્રણ કપ ચા જોઇએ. વર્ષોથી એ જવાબદારી કાશીબા સંભાળતાં હતાં. કીટલીમાં ચા લઇને એ શેઠના ઓરડામાં આપી આવે. અત્યારે તો એ હરિદ્વાર હતા એટલે કાશીબાને એમની નાની- મોટી સેવાઓમાંથી મુક્તિ મળી હતી.

સાડા નવ વાગ્યે વિભાકરની આંખ ઊઘડી ત્યારે શરીરનો થાક ઊતરી ગયો હતો. વિચારોના આટાપાટામાંથી પણ એણે મુક્તિ મેળવી લીધી હતી. પરોઢિયે આંખ મળી એ અગાઉ આકરા મનોમંથન પછી એક ધ્યેય અને એક દિશા નક્કી કરવામાં એને સફળતા મળી હતી. ભયાનક દ્વિધાની નાગચૂડમાંથી એક ઝાટકે મુક્ત થઇને એણે આડાઅવળા તમામ વિચારોને ફગાવી દીધા હતા. મનમાં હવે કોઇ દ્વિધા નહોતી. ધ્યેય નિશ્ચિત હતું અને એ જ માર્ગે આગળ વધવાનો એણે નિર્ધાર કરી લીધો હતો.

શાવર નીચે ખાસ્સી વાર બેસી રહ્યો ત્યારે પણ વિચારવાની પ્રક્રિયા મગજમાં ચાલુ હતી. પોતે જે માર્ગ પસંદ કર્યો છે એમાં કઇ રીતે આગળ વધવું એના વિવિધ વિકલ્પો મગજમાં ઘૂમરાતા હતા પણ એનો કોઇ ભાર નહોતો. સમયની અગાધ મૂડી હાથમાં હતી એટલે જિગ્સો પઝલનાં ચોકઠાંઓ ગોઠવવાની કોઇ ઉતાવળ નહોતી. બહુ શાંતિથી ક્યાંય કોઇ ભૂલ ના થાય એની જ માત્ર કાળજી રાખવાની હતી. વન મેન આર્મીની જેમ એકલા આગળ વધવાનું હતું અને એક પણ છેડો ઢીલો ના રહે એ માટે પૂરતી તકેદારી રાખવાની હતી.

ટીશર્ટ અને જીન્સ પહેરીને ડાઇનિંગ ટેબલ પાસે ગયો ત્યારે અલકા અને ભાવિકા એમનાં બાળકો માટે લંચબોક્સ તૈયાર કરી રહ્યાં હતાં. રાત્રે પોતે ભૂલ કરી હતી એનું પુનરાવર્તન ના થાય એની કાળજી રાખીને ભાવિકાએ પૂછ્યું. 'વિભાદાદા, નાસ્તો આપું?'

'મહારાજે શું બનાવ્યું છે?' તદ્દન હળવાશથી વિભાકરે પૂછ્યું. 'એની તો નાસ્તામાં બે જ આઇટમ ફેવરિટ છે. ઉપમા અને બટાકાપૌંવા. શું લાવું?'

ગઇ કાલે સ્મશાનથી પાછા આવ્યા ત્યારે પાડોશીઓએ બહુ આગ્રહ કરીને પ્રેમથી જમવાની ગોઠવણ બધા માટે કરી હતી. ખીચડી, ભાખરી, શાક અને છાસ લઇને પાડોશીઓ આવી ગયા હતા, પણ એ સમયે કંઇ ગળે ઊતરે એવું નહોતું. એ લોકોનું માન રાખવા માટે થોડુંક ખાધું હતું, પણ એ પછી અત્યાર સુધી બીજું કંઇ ખાધું નહોતું એટલે કકડીને ભૂખ લાગી હતી. 'ઉપમા આપો.' ભાવિકાને આટલું કહીને એણે પૂછ્યું. 'બટાકાપૌંવા સિવાય બીજું કંઇ ખાવાલાયક છે?'

'ભૌમિકને ભાવે છે એટલે એના માટે સુખડી બનાવડાવી છે. એ ચાલશે?' ભાવિકાએ ડરતાં ડરતાં પૂછ્યું. મામાના મૃત્યુનો શોક છે એટલે સુખડીનું પૂછતા એને સંકોચ થતો હતો.

'દોડશે.' વિભાકરે હસીને કહ્યું એટલે ભાવિકાને સંતોષ થયો કે હાશ! જેઠજી હવે નોર્મલ થઇ ગયા છે. ઝડપથી રસોડામાં જઇને એ ઉપમા અને સુખડી લઇ આવી. 'પછી ચા કે ઓરેન્જ જ્યુસ?' બંને પ્લેટ વિભાકર પાસે મૂકીને એણે પૂછ્યું.

'ચા.' એને જવાબ આપીને વિભાકરે પેટપૂજા શરૂ કરી.

એ ચા પીતો હતો ત્યારે સ્કૂલ યુનિફોર્મમાં સજ્જ થઇને ભૈરવી અને આકાંક્ષા નીચે આવ્યાં. પાસે આવીને એ બંનેએ ચરણસ્પર્શ કર્યો એટલે વિભાકરે આશ્ચર્યથી એ બંને સામે જોયું. ચૌદ- ચૌદ વર્ષની એ બંને છોકરીઓ એક જ વર્ગમાં હતી.

'આજથી અમારી ટેસ્ટ શરૂ થાય છે.' આકાંક્ષાએ કહ્યું. 'આશીર્વાદ આપો.'

'એમાંય આજે પહેલું પેપર મેથ્સનું છે એટલે ડબલ આશીર્વાદ આપો.' ભાસ્કરની પુત્રી ભૈરવીએ હસીને ઉમેર્યું.

બંનેના માથે હાથ મૂકીને વિભાકરે કહ્યું. 'આશીર્વાદ અને ઓલ ધ બેસ્ટ! મેથ્સમાં નાઇન્ટી ફાઇવ પ્લસ જેને આવશે એને વિભાકાકા તરફી માગો એ ગિફ્ટ મળશે.'

'પ્રોમિસ?' આદિત્યની દીકરી આકાંક્ષા ગણિતમાં હોંશિયાર હતી એટલે એણે તરત પૂછ્યું.

'ગોડ પ્રોમિસ.' વિભાકરે હસીને એ બંનેની સામે જોયું.

'વિભાકાકા જે બોલે એ બધું પ્રોમિસ જ હોય. અન્ડરસ્ટેન્ડ? ચાલો, ભાગો. ભીખાજી રાહ જોઇને ઊભા હશે.'

ઉછળતી- કૂદતી એ બંને કિશોરીઓ ગઇ. અલકા અને ભાવિકાએ સંતોષથી એકબીજાની સામે જોયું.

વિભાકર ઊભો થઇને પોતાના રૂમમાં આવ્યો. મોબાઇલ એ રૂમમાં મૂકીને ગયો હતો એટલે આવીને એણે જોયું તો ગોધાવીવાળા જિતુભાના બે મિસ્ડ કૉલ હતા.

મોબાઇલ હાથમાં લઇને વિભાકર પલંગમાં આડો પડ્યો. ગોધાવીની એ પાંસઠ એકર જમીન ખરીદવા માટે એણે ઝનૂનપૂર્વક પ્રયાસ કર્યો હતો. કોર્ટ કેસ અને ડખામાં અટવાયેલા એ ખેતર માટે પ્રભાતસિંહ, જિતુભા અને તડીપાર વિજુભા- ત્રણેય ભાઇઓ સાથે મુલાકાત કરીને આખું કોકડું ઉકેલાય એ દિશામાં પ્રયત્ન કર્યો હતો. કુલ બસો દસ કરોડ રૂપિયામાં એ સોદો પાર પડે એવી શક્યતા ઊભી થઇ હતી પણ હવે બદલાયેલા સંજોગોમાં એ ખેતર માટે એક સામટું આટલું મોટું રોકાણ કરવાનું યોગ્ય છે? હરિવલ્લભદાસની એ જમીન ખરીદવાની તીવ્ર ઇચ્છા હતી એટલે પોતે માથાકૂટ કરેલી. પરંતુ હવે પરિસ્થિતિએ એવો વળાંક લીધો હતો કે વિચાર્યા વગર આગળ ના વધાય.

એણે જિતુભાનો નંબર જોડ્યો. 'ગુડ મોર્નિંગ, બાપુ! હું બીજા રૂમમાં હતો એટલે મોબાઇલ ઉઠાવ્યો નહોતો. ફરમાવો, શું કામ હતું?'

'વિજુભાને સચ્ચાઇ સમજાઇ ચૂકી છે અને મગજ ઠેકાણે આવી ગયું છે. ગઇ રાત્રે આવીને એ ભાઇ મને મળી ગયા અને ખાતરી આપી કે સાંઇઠ કરોડમાં આપણે કહીશું ત્યાં એ સહી કરી આપશે.'

'વેરી ગુડ.' વિચારવા માટેનો સમય મેળવવા માટે વિભાકરે શબ્દો ગોઠવીને કહ્યું. 'મમ્મીના અવસાન પછી પપ્પા ડિપ્રેશનમાં આવી ગયેલા એટલે એમના ત્રણ દોસ્તારો સાથે એમને હરિદ્વાર ફરવા મોકલ્યા છે. દસેક દિવસમાં આવી જશે. રકમ મોટી છે એટલે એ આવે એ પછી આપને ફોન કરીને મિટિંગ માટે બોલાવીશ. રાઇટ?'

'નો પ્રોબ્લેમ.' જિતુભાએ તરત સંમતિ આપી.

'જમીન જ્યાં છે ત્યાંથી એક ઇંચેય ખસવાની નથી ને દા'ડાનો કોઇ દુકાળ નથી એટલે બાપુજી આવે ત્યારે ફોન કરજો.'

જય માતાજી કહીને એમણે વાત પૂરી કરી. હાશ! સંતોષનો શ્વાસ લઇને વિભાકર પલંગમાંથી ઊભો થયો. આ આખું બખડજંતર ઊભું કરવું કે નહીં એ વિશે શાંતિથી વિચારીને નિર્ણય લેવો પડશે.

એ રૂમના બારણે આવીને ઊભો રહ્યો ત્યારે અલકા ત્યાં આવી. 'વિભાદાદા, વસંતમામાના અવસાનની જાણ પપ્પાજીને કરી? એમણે બીજા મામા સાથે ફોન ઉપર વાત કરીને ખરખરો કરવો જોઇએ. નાના મામાનો નંબર કદાચ પપ્પાજી પાસે નહીં હોય. એ વોટ્સએપ કરી દો, એટલે પપ્પાજી દિલસોજીનો ફોન કરી દેશે. પપ્પાજીએ ફોન તો કરવો જોઇએને?'

'યુ આર રાઇટ.' વિભાકરે કાનની બુટ પકડી. 'મારા મગજમાંથી એ વાત નીકળી ગઇ હતી. સારું થયું તમે ધ્યાન દોર્યું.'

અલકાની સલાહનું તરત પાલન કરીને એણે ફોન જોડીને હરિવલ્લભદાસને આ સમાચાર આપ્યા અને કમલેશમામાનો કોન્ટેક્ટ નંબર પણ એમને મોકલાવી આપ્યો.

એક પછી એક દિવસો પસાર થતા હતા. સવારે નાસ્તાથી શરૂ કરીને રાત્રે બધાની સાથે ડિનર સુધી બધાની સાથે હળીમળીને મજાક-મશ્કરીની ટેવ વિભાકરે જાળવી રાખી હતી.

પોતાના રૂમમાં જઇને પલંગમાં પડ્યા પછી વિભાકર વિચારોના આટાપાટામાં અટવાઇ જતો. એક પછી એક આડા-અવળા, સીધા-આડા વિચાર વચ્ચે કંઇક નવું સૂઝે તો એ મુદ્દો એ કાગળ ઉપર ટપકાવી દેતો.


ઓફિસમાં જયરાજ અને જયંતી સાથેની વાતચીતનું પ્રમાણ વધી ગયું હતું.

સવારમાં ડ્રોઇંગરૂમમાં આદિત્ય અખબાર લઇને ઊભો હતો. છપાયેલા કોઇ સમાચાર અંગે એ ભાસ્કર સાથે ચર્ચા કરી રહ્યો હતો. વિભાકર ત્યાં આવ્યો મોબાઇલ બાજુ પર મૂકીને એણે સોફા પરથી બીજું અખબાર ઉઠાવ્યું. એ હજુ વાંચવાનું શરૂ કરે એ અગાઉ મોબાઇલ રણક્યો.

'ગુડ મોર્નિંગ, સરજી.' સ્ક્રીન ઉપર સોલિસીટર ત્રિવેદીનો નંબર જોઇને એણે કહ્યું.

'અરે ભાઇ, વડીલ ફોન કેમ નથી ઉઠાવતા? અમદાવાદ આવી ગયા?'

'અત્યારે એ ચેક આઉટની ધમાલમાં હશે. બારેક વાગ્યે હરિદ્વારથી નીકળી જશે. દિલ્હીમાં લટાર મારીને સાંજની ફ્લાઇટમાં આવશે.' આટલી માહિતી આપીને વિભાકરે પૂછ્યું. 'અરજન્ટ કામ નહોતુંને?'

'આવતા સોમવારથી એક વીક માટે હું બહાર જવાનો છું એટલે ત્યાં સુધીમાં એમનું કામ પતી જાય તો એમનેય નિરાંત.'

'નો પ્રોબ્લેમ. રાત્રે પપ્પા આવી જશે એટલે વાત કરીશ. કાલે સવારે એ આપને ફોન કરશે. 'વિભાકરે આટલું કહ્યું એટલે ત્રિવેદીએ આભાર માનીને વાત પૂરી કરી.

'ભીખાજીને કહી દીધું છે.' આદિત્ય અને ભાસ્કર સામે જોઇને વિભાકરે માહિતી આપી. 'સાંજે હું એરપોર્ટ જવાનો છું. હિંમતઅંકલ, ડૉક્ટર અંકલ અને જીવણઅંકલને એમના ઘરે ડ્રોપ કરીને આવીશું એટલે મોડું થશે.'

'એ ત્રણેયના દીકરાઓ પાસે વાહન છે. વળી, ઇચ્છે તો સામાન સાથે ઉબર કે ઓલામાં પણ જઇ શકે.' આદિત્યે વિભાકર સામે જોયું. 'પપ્પા એમને જબરા સાચવે છે.'

પોતાના રૂમમાં જઇને પલંગમાં પડ્યા પછી વિભાકર વિચારોના આટાપાટામાં અટવાઇ જતો. એક પછી એક આડા-અવળા, સીધા-આડા વિચાર વચ્ચે કંઇક નવું સૂઝે તો એ મુદ્દો એ કાગળ ઉપર ટપકાવી દેતો. ઓફિસમાં જયરાજ અને જયંતી સાથેની વાતચીતનું પ્રમાણ વધી ગયું હતું.

'એવું નથી.' બંને ભાઇઓને વિભાકરે સમજાવ્યું. 'આ પ્રવાસ આપણે સ્પોન્સર કર્યો છે એટલે છેલ્લે સુધી ફરજ બજાવવાની. એ ત્રણેયના દીકરાઓ સધ્ધર છે એ કબૂલ, પણ બુઢ્ઢા બાપ માટે સમય ફાળવવાની સમજ બધા દીકરાઓને નથી હોતી. ફોન કરે અને દીકરો કહી દે કે અત્યારે બિઝી છું. તમે ટેક્સી કરીને આવી જાવ તો એ સાંભળવાનું બાપને ના ગમે.'

સાંજે ભીખાજી સાથે વિભાકર એરપોર્ટ ગયો. હિંમતલાલ, જીવણભાઇ અને ડૉક્ટર દિનુભાઇના ચહેરા પર નવી ચમક હતી. ‘તેં તો જલસો કરાવી દીધો, દીકરા!’ એ જ અર્થની વાત એ ત્રણેયે વિભાકરને કહી. એમને એમના ઘેર પહોંચાડ્યા પછી બંગલે આવતી વખતે હરિવલ્લભદાસ હરિદ્વારની વાતો યાદ કરીને કહેતા હતા.

'શાલુ તમને મળવા આવવાની છે.' સહેજવાર માટે એ અટક્યા એટલે વિભાકરે એમને કહ્યું. 'મારી વિરૂદ્ધ એ તમને ફરિયાદ કરવા આવવાની છે.' એકેએક શબ્દો છૂટો પાડીને એણે કહ્યું. 'એ આવે કે તરત મને બોલાવી લેજો. મારી ગેરહાજરીમાં એની કોઇ ફરિયાદ તમારે સાંભળવાની નથી.'

એ બોલ્યો ત્યારે એના અવાજનો જે રણકો હતો એ સાંભળીને ગાલ પર તમાચો પડ્યો હોય એમ હરિવલ્લભ સ્તબ્ધ થઇ ગયા. આટલાં વર્ષોમાં વિભાકરે ક્યારેય આટલા લુખ્ખા અવાજે આવા ટોનમાં વાત નહોતી કરી.
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી