આખુંય બ્રહ્માંડ ગોળ ગોળ ઘૂમી રહ્યું હોય એવી વિચિત્ર અનુભૂતિ વચ્ચે વિભાકર વલોવાઇ રહ્યો હતો

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 10, 2018, 12:05 AM IST

પ્રકરણઃ59
'આ
વખતે તો નહીં જ બચાય એવું અંદરથી લાગતું હતું એટલે કમલેશને કરગર્યો કે તાબડતોબ વિભાને બોલાવી લે.' વસંતમામાનો અવાજ તૂટતો હતો. ધ્રૂજતા અવાજે એ તૂટક તૂટક વાક્યો બોલતા હતા. 'મરતો માણસ ક્યારેય ખોટું ના બોલે એ યાદ રાખજે. તને જે કહ્યું એ માનવામાં તને તકલીફ પડશે પણ જે છે એ સચ્ચાઇ આ છે. આ વાતની કમલેશને કે ગામમાં કોઇનેય ખબર નથી.' બોલતી વખતે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી એ છતાં એ ફિક્કું હસ્યા.

'ઉપર એ ભેગી થશે ત્યારે હાથ જોડીને એની માફી માગીશ અને સાચું કહી દઇશ. ના.. ના.. એને કંઇ કહેવાની જરૂર નથી. એ ભોળીનો ભ્રમ તોડીને એને દુઃખી કરવાની ક્યાં જરૂર છે? એ મને જોશે કે તરત દોડતી આવશે પૂછશે કે ભઇલા, તુંય આવી ગયો?'

'હું અચાનક ઢબી ગયો હોત તો આ સચ્ચાઇનું તને પણ ક્યારેય ભાન ના થતું.' મહાપ્રયત્ને પાંપણ ઊંચી કરીને એમણે વિભાકર સામે જોયું. 'એ રાત્રે ફટાફટ નિર્ણય લઇને મેં જે કર્યું એને પાપ કહેવાય કે પુણ્યનું કામ કહેવાય એનો ફેંસલો તો ઉપરવાળો કરશે. તારાથી જે હકીકત છુપાવી હતી એનો મનમાં ભાર હતો. અસલિયતની આખી કથા તને કહી દીધા પછી બધુંય હળવુંફૂલ લાગે છે. આટલી મોટી વાત મામાએ કેમ છુપાવી એવી ફરિયાદ સાથે મારા પર ગુસ્સે થવું હોય તો એ પણ તારો હક છે. બાંધી મુઠ્ઠી જળવાઇ રહે અને બધાય શાંતિથી જીવે એ સિવાય મારો કોઇ બીજો ઇરાદો નહોતો.'

એક હળવું ડચકું આવ્યું અને એ બોલતા અટકી ગયા. વીસેક સેકન્ડ પછી એમણે ખાંસી ખાધી અને ક્ષીણ અવાજે બબડ્યા. 'એ જ વખતે નક્કી કરી લીધેલું કે હું મરું એ પહેલા વિભાની પાસે હૈયું ખોલીશ એને સચ્ચાઇનું ભાન કરાવ્યા પછી જ ઉપર જઇશ. ઇશ્વરે લાજ રાખી અને આપણો મોંમેળાપ થયો. હવે એ ગમે ત્યારે દોરી ખેંચી લે તોય કોઇ પરવા નથી.'

વિભાકર સામે તાકીને એ મહાપ્રયત્ને તૂટક તૂટક બોલતા હતા પણ એમના શબ્દો વિભાકરના કાનને અથડાઇને હવામાં વેરાઇ જતા હતા. બે હાથ વચ્ચે માથું પકડીને બેઠેલો વિભાકર આ ઓરડામાં હતો છતાં નહોતો. આખા આકાશમાં લાલ-પીળા રંગની ખોફનાક અગનજવાળાઓ જાણે તાંડવ નૃત્ય કરી રહી હતી. લબકારા લેતી અગ્નિશિખાઓ વચ્ચે કોઇ પણ જાતના આધાર વગર પોતે આમતેમ ફંગોળાઇ રહ્યો હતો અને આખુંય બ્રહ્માંડ ગોળ ગોળ ઘૂમી રહ્યું હોય એવી વિચિત્ર અનુભૂતિ વચ્ચે એ વલોવાઇ રહ્યો હતો. આવી વિચિત્ર દશામાં સામે સૂતેલો પેશન્ટ શું બોલે છે એ એના મગજ સુધી નહોતું પહોંચતું.

'નિમુ સાવ ભોળી હતી. એને તો વાતનો અણસાર પણ આવવા નથી દીધો. એ બાપડી તો ભ્રમમાં જ જીવીને ઉપર પહોંચી ગઇ.' તદ્દન ધીમા અવાજે પણ મનોમન બબડતા હોય એમ વસંતમામા બોલતા હતા.


'ઉપર એ ભેગી થશે ત્યારે હાથ જોડીને એની માફી માગીશ અને સાચું કહી દઇશ. ના.. ના.. એને કંઇ કહેવાની જરૂર નથી. એ ભોળીનો ભ્રમ તોડીને એને દુઃખી કરવાની ક્યાં જરૂર છે? એ મને જોશે કે તરત દોડતી આવશે પૂછશે કે ભઇલા, તુંય આવી ગયો?'

સનેપાત ઊપડ્યો હોય એમ આંખો બંધ કરીને એ બબડતા હતા.

નર્સ અંદર આવી. એણે મોનિટર્સ સામે જોયું. મામા સામે નજર કરી અને દોડતી જઇને ડૉક્ટરને બોલાવી લાવી. ડૉક્ટરે ઇન્જેક્શન આપ્યું અને પૂરી કુશળતાથી છાતી પર મસાજ શરૂ કર્યું. ડૉક્ટર આવ્યા ત્યારે પોતે કઇ રીતે ઊભો થઇને રૂમના ખૂણામાં સંકોચાઇને ઊભો રહી ગયો હતો એનું વિભાકરને ભાન નહોતું. ડૉક્ટર મથામણ કરી રહ્યા હતા અને નર્સે આંખના ઇશારાથી જ વિભાકરને બહાર જવાની સૂચના આપી એટલે એ ધીમા પગલે બહાર નીકળી ગયો.

કોરિડોરની સામે કમલેશમામા, બંને મામીઓ અને ગામમાંથી સાથે આવેલ દસેક માણસો આશાભરી નજરે આ તરફ તાકીને બેઠા હતા. પણ ત્યાં જવાની પગમાં શક્તિ નહોતી બચી. કોરિડોરના ખૂણામાં જ એ પોટલું વળીને બેસી ગયો. અંદર કંઇક ગંભીર વાત છે એનો ખ્યાલ આવ્યો એટલે કમલેશમામા સાથે આખું ટોળું છેક આઇ.સી.યુ.ના બારણાં સુધી આવી ગયું. વિભાકર અંદરથી બહાર આવ્યો હતો એટલે એક વડીલે એની પાસે જઇને ખભે હાથ મૂકીને પૂછ્યું. 'વસંતભાઇને કેમ છે? ડૉક્ટર કેમ દોડતા આવ્યા?'

એમને કંઇ જવાબ આપી શકાય એવી માનસિક હાલત નહોતી એટલે શૂન્યમનસ્ક નજરે વિભાકર એમની સામે તાકી રહ્યો.

ડૉક્ટર બહાર આવ્યા. બહાર ઊભેલા બધા આશાભરી નજરે એમની સામે તાકી રહ્યા હતા. ડૉક્ટરે આગળ આવીને કમલેશમામાની સામે લાચાર નજરે જોયું. 'મારાથી થાય એ તમામ પ્રયત્નો કર્યા, પણ ઇશ્વરે એમને બોલાવી લીધા, સોરી!'

વિલાપ અને રોકકળ વચ્ચે વિભાકર હજુય ગુમસૂમ બેઠો હતો. વસંતમામાનું અવસાન થયું છે એ વાતનું ભાન પણ ના હોય એ રીતે બે હાથ વચ્ચે માથું પકડીને એ અંદરથી વલોવાઇ રહ્યો હતો.

સાંભળનારની આંખમાં પણ આંસુ આવી જાય એ રીતે મોટાં મામી આક્રંદ કરી રહ્યા હતા. નાની મામી અને બીજી બે સ્ત્રીઓ એમને સંભાળવા મથતી હતી અને હાથ પકડીને મહામુસીબતે આઈ.સી.યુ.માંથી એમને બહાર લાવ્યાં. કમલેશમામા હજુ અંદર હતા.

'વિભા, તારા મામા મને મૂકીને જતા રહ્યા.' વિભાકરની પાસે આવીને મામી એને વળગીને ફસડાઇ પડ્યાં. એ વખતે વિભાકરને આજુબાજુની દુનિયાનું ભાન થયું. વસંતમામા હવે નથી એ જાણીને એ પણ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો.

પાલિતાણાથી શબને ગારિયધાર લઇ જવાની વ્યવસ્થા ગામના લોકો કરી રહ્યા હતા ત્યારે ભીખાજીએ આવીને વિભાકરને પૂછ્યું. 'અમદાવાદ જાણ કરી?' ભીખાજી સામે આભારવશ નજરે જોઇને વિભાકરે મોબાઇલ હાથમાં લીધો અને આદિત્યને આ સમાચારની જાણ કરી.

ગામમાં વસંતમામાની પ્રતિષ્ઠા એવી હતી કે આખું ગામ સ્મશાનયાત્રામાં જોડાયું. અમદાવાદથી આદિત્ય અને ભાસ્કર પણ સમયસર આવી ગયા હતા. બધા વેપારીઓએ સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખી હતી.

કમલેશ અંદરથી ભાંગી ચૂક્યો હતો, પણ પોતાની જવાબદારીનું ભાન હોવાથી હૃદય ઉપર પથ્થર રાખીને એ બધી વ્યવસ્થા કરી રહ્યો હતો. ઘરમાં મોટાં મામી વારંવાર માથું પટકીને રડતાં હતાં. સાચી સહાનૂભૂતિ સાથે પાડોશી સ્ત્રીઓ એમને સંભાળવા મથતી હતી.

ભારે હૈયે સ્માશાનેથી પાછા આવ્યા પછી બધા પુરુષો ડેલીમાં બેઠા હતા. આદિત્ય, ભાસ્કર અને વિભાકર બીજા લોકોની સાથે ખાટલા ઉપર બેઠા હતા. સવારથી કોઇએ ચા પણ નહોતી પીધી એનો ખ્યાલ હતો એટલે બે પાડોશીઓ કીટલી ભરીને ચા અને રકાબીઓ સાથે ત્યાં આવી ગયા. કોઇનીયે ઇચ્છા તો નહોતી એ છતાં શરીરનો ધર્મ નિભાવવો પડે એમ કહીને એ બંને બધાને ચા પીરસી રહ્યા હતા.

'વિભા, મોટાભાઇને તારા ઉપર સગા દીકરાથીયે વધારે લાગણી હતી.' કમલેશમામા ઊભા થઇને વિભાકરની પાસે આવ્યા. 'અહીંયા પહેલો એટેક આવ્યો એય જોરદાર હતો. અહીંના ડૉક્ટરે તો આશા છોડી દીધી હતી. મોટાભાઇને બોલવાની પણ ના પાડી હતી એ છતાં ડૉક્ટર આઘાપાછા થયા કે તરત મને કહે કે તાત્કાલિક વિભાને બોલાવ. મેં તરત તને ફોન કરી દીધો તોય એમને ધરપત નહોતી. તારા નામની માળા જપતા હતા. અહીંથી એમ્બ્યુલન્સમાં પાલિતાણા લઇ જતા હતા ત્યારે રસ્તામાંય મને બે વાર પૂછ્યું કે વિભો આવે છે ને?'

કમલેશમામા ડૂસકું ભરીને રડી પડ્યા. 'વિભા, કોઇ માને કે ના માને પણ મેં તો એમની હાલત જોયેલી, ડૉક્ટરેય હાથ ધોઇ નાખેલા, તોય માત્ર તને મળવા માટે જ મોટાભાઇએ શ્વાસ ટકાવી રાખેલા!'

કમલેશમામાને એક વડીલે સંભાળી લીધા. 'કમા, આ બધી ઋણાનુંબંધની વાત છે. વસંતને નિમુ ઉપર બહુ માયા હતી. નિમુ તો બિચારી ગઈ, પણ એ પછી આ નમાયા ભાણિયાને વસંત બહુ પ્રેમથી રાખતો હતો. એનું મોઢું જોવા માટે તો એ દોઢ દિવસ વધારે જીવ્યોને?'

ભારેખમ વાતાવરણ વચ્ચે છેક સાંજ સુધી ગામલોકોની અવરજવર ચાલુ રહી.

વિભાકર, આદિત્ય અને ભાસ્કરે હાથ જોડીને વિદાય માગી વિભાકર કારમાં બેઠો ત્યારે બંને મામીઓ અને કમલેશ મામાએ ભીની આંખે વિદાય આપી.

આદિત્ય અને ભાસ્કરવાળી કાર ભાસ્કર ચલાવતો હતો. વિભાકર કારમાં પાછળની સીટ પર ટૂંટિયું વાળીને સૂતો હતો અને ભીખાજીએ સ્ટિયરિંગ સંભાળી લીધું હતું.

રસ્તામાં હાઇવે પરની એક હોટલમાં ભાસ્કર, આદિત્ય અને ભીખાજીએ જમી લીધું. તબિયત ઠીક નથી એમ કહીને વિભાકરે માત્ર લીંબુપાણી પીધું.

'વિભાદાદાને જોરદાર આઘાત લાગ્યો છે.' કાર ચલાવતી વખતે ભાસ્કરે આદિત્યને કહ્યું. 'એમને આટલા નંખાઇ ગયેલા ક્યારેય નથી જોયા. આઘાતમાંથી બહાર નીકળવામાં લાંબો સમય લાગશે એવું લાગે છે.'

‘અહીંયા પહેલો એટેક આવ્યો એય જોરદાર હતો. અહીંના ડૉક્ટરે તો આશા છોડી દીધી હતી. મોટાભાઇને બોલવાની પણ ના પાડી હતી એ છતાં ડૉક્ટર આઘાપાછા થયા કે તરત મને કહે કે તાત્કાલિક વિભાને બોલાવ. મેં તરત તને ફોન કરી દીધો તોય એમને ધરપત નહોતી. તારા નામની માળા જપતા હતા.’

'વિભો એ વિભો છે.' આદિત્યે આત્મવિશ્વાસથી કહ્યું. 'એનું કાળજું પોલાદનું છે. આ પીડાને પચાવી જવામાં એને વાર નહીં લાગે.' સહેજ એટકીને એણે ભાસ્કરની વાતને અનુમોદન આપ્યું. 'અલબત્ત, અગાઉ ક્યારેય આટલી તૂટેલી હાલતમાં એને નથી જોયો, એટલે નવાઇ લાગે છે. એના મનમાં મામા માટે આટલી મમતા હશે એનો મને અંદાજ નહોતો.'

અમદાવાદ પહોંચ્યા પછી આદિત્ય અને ભાસ્કર કારમાંથી નીચે ઊતર્યા. થોડી વારમાં ભીખાજીએ પણ આવીને કાર ઊભી રાખી. કારમાંથી ભાંગેલા પગે નીચે ઊતરીને વિભાકર કારની ઉપર હાથ ટેકવીને થોડી વાર ઊભો રહ્યો. બંગલાની સામે એકીટશે તાકી રહેલી એની આંખોની ચમક અત્યારે સાવ નિસ્તેજ હતી. એક એક પગલું ચાલવામાં પણ તકલીફ પડતી હોય એમ મંથર ગતિએ એ ઓટલા સુધી પહોંચ્યો.

મોબાઇલની રિંગ વાગી એટલે એ અટક્યો. સ્ક્રીન સામે જોયું રાત્રે બાર વાગ્યે હરિદ્વારથી હિંમતકાકાએ ફોન કેમ કર્યો હશે? એ વિચાર સાથે એણે ફોન ઉપાડ્યો.
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી