'જિંદગીનો ચોપડો ચોખ્ખો કરવાનો સમય આવી ગયો છે એ સચ્ચાઇનું મને ભાન છે. ડૉક્ટર ભલે ગમે તેટલું આશ્વાસન આપે પણ હવે ખેંચાય એવું નથી લાગતું.'

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 09, 2018, 12:05 AM IST

પ્રકરણઃ58
'તું
બહાર જા. ભાણા સાથે અંગત વાત કરવાની છે.' વસંતમામાએ નર્સને સૂચના તો આપી પણ એ બાપડી દ્વિધામાં હતી. 'પહેલો એટેક આવેલો એય જોરદાર હતો, પણ આની સાથે વાત કરવાની બાકી હતી એટલે જમડાઓને પાછા મોકલ્યા.' ફિક્કું હસીને એમણે સમજાવ્યું. 'એ બેઠો છે ત્યાં સુધી મને કંઇ નથી થવાનું. તું પગ છૂટો કરી આવ.'


કચવાટ સાથે એ ઊભી થઇને બહાર ગઇ. એનું સ્ટૂલ મામાની તદ્દન નજીક લઇને વિભાકર બેઠો. મામાના ખભે હાથ મૂકીને બેસી શકાય એટલો નજીક એ સરક્યો કે જેથી મામાએ મોટા અવાજે બોલવાનો શ્રમ ના લેવો પડે.

'તને મળીને હિસાબ ચોખ્ખો કરવાનો હતો એટલે કમલેશને ખાસ કહ્યું કે વિભાને બોલાવી લે. બહુ બધો ભાર હૈયામાં ધરબીને બેઠો છું. એ ભાર લઇને ઉપર નથી જવું. ખાસ એટલા માટે જ તને બોલાવ્યો છે.'

'હિસાબી વર્ષ પૂરું થાય ત્યારે દર વર્ષે બધાનો હિસાબ ચૂકતે કરીને ચોપડો ચોખ્ખા કરવાનો રિવાજ છે.' મામા તદ્દન ધીમા અવાજે બોલતા હતા. વિભાકર કાન સરવા કરીને સાંભળતો હતો.

'જિંદગીનો ચોપડો ચોખ્ખો કરવાનો સમય આવી ગયો છે એ સચ્ચાઇનું મને ભાન છે. ડૉક્ટર ભલે ગમે તેટલું આશ્વાસન આપે પણ હવે ખેંચાય એવું નથી લાગતું.'

'એવું ના બોલો, મામા, તમારે હજુ ઘણું જીવવાનું છે.' વિભાકરના અવાજમાં અનાયાસે જ ભીનાશ ભળી. 'અહીંથી અમદાવાદ સુધી મુસાફરીનો હડદોલો ખમી શકાય એટલું સારું થાય કે તરત મારી સાથે અમદાવાદ આવવાનું છે. ત્યાં અપ ટુ ડેટ ટ્રીટમેન્ટ મળશે એટલે દોડતા થઇ જશો.'

આ દશામાં પણ મામા હસી પડ્યા. 'હવે દોડવાનું નથી. ઊડવાનું છે. ઉપરવાળો વિમાન મોકલે એટલી જ વાર છે.' એમના અવાજમાં આછી ધ્રૂજારી ભળી. 'તને મળીને હિસાબ ચોખ્ખો કરવાનો હતો એટલે કમલેશને ખાસ કહ્યું કે વિભાને બોલાવી લે.' બોલતી વખતે એમની ભેજવાળી આંખો વિભાકરના ચહેરા ઉપર સ્થિર હતી. 'બહુ બધો ભાર હૈયામાં ધરબીને બેઠો છું. એ ભાર લઇને ઉપર નથી જવું. ખાસ એટલા માટે જ તને બોલાવ્યો છે.'

'મામા, મારી સાથે અમદાવાદ આવવાનું છે. એ સિવાય ક્યાંય જવાનું નથી.' એમનો ખભો થપથપાવીને વિભાકરે હિંમત આપી.

એની આ ચેષ્ટાનો મામા ઉપર કોઇ પ્રભાવ ના પડ્યો. હૃદયનો વલોપત અને મનમાં ઘૂંટાતી વાતો કહેવા માટે એ બેબાકળા બની ગયા હોય એવું એમના ચહેરા પરની ગૂંચવણ ઉપરથી વિભાકરને લાગ્યું.

'ગણતરીના શ્વાસની મૂડી જ સિલકમાં બચી છે માટે ખોટી આશા આપવામાં સમય બગાડ્યા વગર જે બોલું એ સાંભળ.' એમના ધીમા અવાજમાં પણ આદેશનો રણકાર હતો. 'તારી જિંદગીને લગતી જે જે વાતો આજ સુધી મનમાં સંતાડીને રાખી છે એ એક પછી એક બોલીને ભાર હળવો કરું છું.' આટલું કહીને જાણે યાદ કરવા મથતા હોય એમ એમણે આંખો બંધ કરી દીધી. ચહેરો તંગ થઇ ગયો હતો.

'મારી બહેન નિર્મળા તો દેવી હતી. હરિવલ્લભનું મોટું ખોરડું જોઇને મારા બાપાએ નિમુને ત્યાં પરણાવી ત્યારે અમે બધા ખૂબ ખુશ હતા. એ બાપડી ડિલિવરી માટે અહીં આવી અને હરિવલ્લભ મંજુ જોડે ચાલુ પડી ગયો. એ પિશાચ મંજુના પ્રેમમાં પાગલ બની ગયો હતો. મંજુને ઘરમાં બેસાડવા માટે હરિવલ્લભે નિમુને મારી નાખી. ગેસની દવાના નામે એ જાનવરે ઝેર આપીને નિમુનું ખૂન કર્યું. પોતાની હવસની આગ સંતોષવા એ હરામીએ નિમુની હત્યા કરી!'

વિભાકર સ્તબ્ધ બનીને સાંભળતો હતો. આંખો બંધ રાખીને જ મામા ધીમા અવાજે બોલતા હતા.

'નિર્દોષના લોહીથી હાથ રંગનારા એ નાલાયકને શું સજા કરવી એ તારે નક્કી કરવાનું છે.' આટલું કહીને એ અટકી ગયા.

'નિમુને વિદાય કર્યા પછી મંજુનો નેક્સ્ટ ટાર્ગેટ તું હતો.' મામાએ આંખ ઉઘાડીને વિભાકર સામે જોયું અને બે સેકન્ડમાં જ ફરીથી આંખ બંધ કરી દીધી.

'નિમુની નિશાની પણ નેસ્તનાબૂદ કરી દેવા માટે મંજુ મક્કમ હતી. એના પેટે પહેલી દીકરી પછી બે દીકરાઓની મૂડી થઇ ગઇ એ પછી મંજુએ તને ખતમ કરી દેવા કાવતરું કર્યું. એના પેટે જણેલાઓને જ પૂરો વારસો મળે એ માટે એ તને મારવા માગતી હતી. એના આ પ્લાનમાં હરિવલ્લભની પણ સંમતિ હતી. સાડા છ વર્ષની ઉંમરે તું પાણીની ટાંકીમાં પડી ગયો એ કોઇ અકસ્માત નહોતો, મંજુએ સિફતથી તને ધક્કો માર્યો હતો. ભલું થજો કાશીબાનું કે સમયસર આવીને એમણએ તને ઉગારી લીધો અને મંજુનો પ્લાન ફ્લોપ ગયો. બીજા દિવસે હું ખબર કાઢવા આવ્યો ત્યારે મેં આખી પરિસ્થિતિનો તાગ મેળવી લીધો હતો. ગળામાં પહેરેલી હતી એ અઢી તોલાની ચેઇન ઉતારીને મેં કાશીબાને આપી દીધેલી અને હાથ જોડીને એમને કહેલું કે આ છોકરાનું હવે તમે ધ્યાન રાખજો. એ પછી તું સમજણો થયો ત્યાં સુધી ચોવીસે કલાક કાશીબા તારી કાળજી લેતા હતા.'

એક પછી એક આશ્ચર્યના આંચકાઓ પચાવીને વિભાકર સાંભળતો હતો.

'અત્યારે તારા એ બાળપણના દિવસો યાદ કર. તારી બહેન કે ભાઇઓને ક્યારેય મોસાળ જવાનું મન થતું હતું? રજાઓ પડે કે તરત તને ગારિયાધાર દોડી આવવાની ઇચ્છા કેમ થતી હતી? અહીં હું, કમલેશ અને તારી બંને મામીઓ પાસેથી તને જે પ્રેમ અને લાગણી મળતી હતી, એનો એ બંગલામાં સદંતર અભાવ હતો. દુનિયાને દેખાડવા માટે સાવકી મા મંજુ વહાલનું નાટક કરતી હતી, પણ અંદરથી એ તને ધિક્કારતી હતી. તારા કુમળા હૈયામાં સ્નેહ અને હૂંફની જે તરસ હતી એ તું બોલીને સમજાવી નહોતો શકતો પણ અહીં આવીને તું જે રીતે ખીલી ઊઠતો હતો એના ઉપરથી અમને એ અભાવનો ખ્યાલ આવી જતો હતો.'

મામાનો અવાજ અગાઉ કરતાં એકદમ ધીમો થઇ ગયો એટલે વિભાકર ચિંતાતુર બનીને એમની સામે તાકી રહ્યો હતો. મામાએ હળવે રહીને આંખ ખોલી. વિભાકરનો ચહેરો વાંચીને એ ફિક્કું હસ્યા.

'અલ્યા ગાંડા, ભાર લઇને ઉપર નથી જવાનું એ નક્કી કરી લીધું છે એટલે ચિંતા ના કર. હજુ તો ઘણુંય કહેવાનું બાકી છે.'

આ બધું બોલવાનો પરિશ્રમ પણ એમના માટે કષ્ટદાયક છે એ વિભાકર સમજતો હતો, પણ એમની જીદ આગળ લાચાર થઇને સાંભળ્યા વગર છૂટકો નહોતો.

'તારી ખુમારી ખતરનાક છે અને નવાબી મિજાજ છે. વટના માર્યા ગાજર ખાવાનું તારામાં ઝનૂન છે એનો મંજુએ અને હરિવલ્લભે લાભ લીધો.' મામાના અવાજમાં ધ્રૂજારી હવે વધી ગઇ હતી. સળંગ બોલવામાં તકલીફ પડતી હતી એટલે વચ્ચે વચ્ચે એ અટકી જતા હતા.

'તું ભલે માત્ર વેકેશનમાં જ અમારી સાથે રહેતો હતો એ છતાં, એ બંગલાવાળાઓ કરતાં હું તને વધારે ઓળખતો હતો. તારી રગેરગને નાનપણથી જ પારખી લીધી હતી. તારા માટે કન્યાની શોધ ચાલતી હતી ત્યારે તારી પસંદગી કેવી હશે એની તારા કરતાંય વધારે જાણકારી મને હતી.' પરિશ્રમનો જાણે થાક લાગ્યો હોય એમ એમણે ફરીથી આંખો બંધ કરી દીધી. લગીર અટકીને એ શાંત રહ્યા એટલે વિભાકરની ચિંતા વધી.

વીસેક સેકન્ડનાં મૌન પછી વાતનું અનુસંધાન મેળવીને મામાએ બોલવાનું શરૂ કર્યું.

'એટલે જ તારા માટે ગરીબ ઘરની પણ પાણીદાર છોકરી મેં શોધી કાઢી હતી. એના મા- બાપને સાથે લઇને બંગલે આવેલો. તું એની સાથે પાંચ મિનિટ વાત કરતો તો પહેલા જ ધડાકે પસંદ કરી લેત એની મને પૂરી ખાતરી હતી. રૂપ રૂપનો અંબારને જાગતી જ્યોત જેવી એ કન્યા સાથે તારી જોડી જામી જતી, પણ તું બહાર ગયો ને મંજુડીએ એવું અપમાન કર્યું કે એ પછી એક મિનિટ પણ રોકાવાનું અમારા માટે શક્ય નહોતું.'

હળવી ખાંસી આવી એટલે એ અટક્યા.

'પછી તો તું ગારિયાધાર આવ્યો પણ તેજીલી તલવાર જેવી એ છોકરીએ બંગલામાં પગ નહીં મૂકું એમ કહી દીધું અને ફોન ઉપર જ એ પ્રકરણનો એન્ડ આવી ગયેલો, એની પીડા આજેય મને કનડે છે. મંજુડીએ તો તારા માટે બે રસ્તા વિચારી રાખ્યા હતા. એના વળની કોઇ છોકરી તને વળગાડવી અથવા તને વાંઢો રાખવો. તેં વટના માર્યા ગાજર ખાવાનો નિર્ધાર કર્યો અને શેઠ- શેઠાણીની જાળમાં ફસાઇને આમ તો તેં એમની જ ઇચ્છા પૂરી કરી! મારી વાત સમજાય છે તને? તારા ટેકીલા સ્વભાવને લીધે ખુમારી બતાવીને તેં ખુવાર થવાનું પસંદ કર્યું. મંજુડીના મનની મુરાદ તેં તારી મૂર્ખામીથી પૂરી કરી!'

આ દૃષ્ટિકોણથી અગાઉ ક્યારેય વિચાર્યું નહોતું એટલે વિભાકર સ્તબ્ધ બનીને મામા સામે તાકી રહ્યો હતો.

'એ અપમાન ભૂલીને પણ સારા- માઠા પ્રસંગે અમે બંગલે આવવાનું ભૂલ્યા નથી. તારા માટે થઇને ઝેરનો ઘૂંટડો ગળે ઉતારી દીધેલો.'

બારણાં સામે તાકીને એ બોલતા અટકી ગયા એટલે વિભાકરે ગરદન ઘુમાવીને એ તરફ જોયું. ડૉક્ટર અને નર્સ અંદર આવી રહ્યાં હતાં.

'વડીલ, પ્લીઝ, આઇ.સી.યુ.નો મતલબ સમજો.' યુવાન ડૉક્ટરને વસંતમામા સાથે અંગત સંબંધ હતો એટલે એણે બહુ પ્રેમથી સમજાવ્યું. 'વધુ પડતું બોલવાનું પણ તમારા માટે રિસ્કી છે. રેસ્ટ એટલે ટોટલ રેસ્ટ.'

'હાર્ટના ડૉક્ટર તરીકે સાચો જવાબ આપ.' મામાએ ડૉક્ટરને પૂછ્યું. 'વર્ષો સુધી અંદરને અંદર બધું ધૂંધવાયા કરે, વેઠી ના શકાય એવા ડંખ મારે ને ઊંઘ ઊડી જાય. એવો વલોપાત વેઠવાથી હાર્ટને નુકસાન થાય કે નહીં? એને બદલે બાર-પંદર મિનિટ બોલીને ભાર ઠાલવી દેવાથી જો મન હળવું થતું હોય તો એ સારું ના કહેવાય? તું જ કહે આ બેમાંથી પેશન્ટ માટે સારું શું?'

ડૉક્ટરે હસીને એમની સામે હાથ જોડ્યા. 'તમને નહીં પહોંચાય.' મોનિટર્સ ઉપર નજર ફેરવ્યા પછી એણે વિભાકર સામે જોયું. 'હવે પાંચ મિનિટથી વધારે ના બેસતા. વડીલ નહીં માને, પણ તમને તો સિરિયસનેસનો ખ્યાલ છે ને?'

વિભાકરે હકારમાં માથું હલાવ્યું. ડૉક્ટર અને નર્સ બહાર નીકળી ગયાં.

'મામા, ડૉક્ટરનું કહ્યું માનવું જોઇએ. થોડી વાર આંખો બંધ કરીને આરામ કરો. હું બેઠો છું.'

'આખી જિંદગીમાં બહુ આરામ કર્યો છે, વિભા! થોડી વાર પછી તો કાયમ માટે આરામમાં જ પહોંચી જવાનો છું.'

આંખો બંધ કરીને એ દસેક સેકન્ડ મૌન રહ્યા. ચહેરો ફિક્કો પડી ગયો હતો. અત્યારે અંદરથી એ ભયાનક ભીંસ અનુભવી રહ્યો હોય એવું વિભાકરને લાગ્યું.

‘દુનિયાને દેખાડવા માટે સાવકી મા મંજુ વહાલનું નાટક કરતી હતી, પણ અંદરથી એ તને ધિક્કારતી હતી. તારા કુમળા હૈયામાં સ્નેહ અને હૂંફની જે તરસ હતી એ તું બોલીને સમજાવી નહોતો શકતો પણ અહીં આવીને તું જે રીતે ખીલી ઊઠતો હતો એના ઉપરથી અમને એ અભાવનો ખ્યાલ આવી જતો હતો.'

'અત્યાર સુધી જે બોલ્યો એ તો પિક્ચરના ટ્રેલર જેવું હતું.' મામાનો અવાજ ધ્રૂજતો હતો. 'જિંદગીભર એકલા એકલા જે વાતનો ભાર વેંઢર્યો છે એ મેઇન પિક્ચરની વાત તો હજુ બાકી છે. ખાસ એ માટે જ તને બોલાવ્યો છે. તને કશુંય કીધા વગર ઉપર જાઉં તો ઉપાધિ થઇ જાય. એ પાપનું પોટલું માથે લઇને જાઉં તો ભગવાન મારી બોચી પકડીને રૌરવ નરકમાં નાખી દે, વિભા! એ ભાર લઇને ભગવાન પાસે નથી જવું.'


ધ્રુજારી સાથે વારે વારે અવાજ તૂટતો હતો. વિભાકરે એમના ખભા પર હાથ રાખ્યો હતો.

'પહેલી ડિલિવરી પિયરમાં જ થાય, પણ નિમુની સાસુએ અમને કહ્યું કે ત્યાં ગામડાને બદલે અમદાવાદમાં જ રહેવા દો તો નિમુને તકલીફ નહીં પડે. પણ મેં અને કમલેશે જીદ કરી અને નિમુને ગારિયાધાર લાવ્યા.'


તૂટક તૂટક અવાજે એ બોલતા હતા. દસ મિનિટ બોલીને એમણે તો મનનો ભાર હળવો કરી નાખ્યો, પણ એ બધું સાંભળ્યા પછી વિભાકરના પગ પાણી પાણી થઇ ગયા હતા. આંખ સામે લાલ- પીળા પડછાયા નાચતા હતા. માથા ઉપર હથોડા ઝિંકાઇ રહ્યા હતા અને આખીયે પૃથ્વી ગોળ ગોળ ઘૂમતી હોય અને પોતે એમાં ફંગોળાઇ રહ્યો હોય એવું વિભાકરને લાગતું હતું. આઇ.સી.યુ.ની તીવ્ર શીતળતા વચ્ચે પરસેવે રેબઝેબ થઇને એ માથું પકડીને બેઠો હતો.
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી