‘માર ખાઇને નહીં આવવાનું સામેવાળાને પૂરી તાકાતથી ખોખરો કરીને જ આવવાનું. તું ઝનૂનથી આક્રમક બનીશ તો કોઇ તારી સામે ટકી નહીં શકે...’

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 08, 2018, 12:05 AM IST

પ્રકરણઃ 57
'ભાખાજી,
પાલિતાણા ક્યારે ટચ થશે?' કાર બંગલામાંથી બહાર નીકળી કે તરત વિભાકરે ડ્રાઇવરને પૂછ્યું.

'અત્યારે સાડા અગિયાર વાગ્યા છે.' ભીખાજીએ ઘડિયાળ સામે જોઇને મનોમન ગણતરી કરીને જવાબ આપ્યો. 'રાત્રે આ રોડ ઉપર ટ્રાફિક નહીં હોય એટલે અઢીથી પોણા ત્રણની વચ્ચે સો ટકા પહોંચી જઇશું.'

'સમય સાથેની રેસ છે, ભીખાજી, તમને વધારે કહેવાની જરૂર નથી. જેટલું જલ્દી પહોંચાય એટલું સારું.'

મામાની આંગળી પકડીને ગારિયાધારની બજારમાં નીકળે ત્યારે તો બહુ મજા આવતી. ગામમાં વસંતમામાને તો બધા ઓળખે. પોતે જાણે વી.આઇ.પી. મહેમાન હોય એમ બધા દુકાનવાળા ભાણાભાઇ, ભાણાભાઇ કહીને પિપરમિન્ટ કે બિસ્કિટ પ્રેમથી આપે.

શેઠના અવાજમાં ઉચાટની સાથે થાકની અસર હતી એ પારખીને ભીખાજીએ બ્રેક મારીને કાર ઊભી રાખી. 'ત્યાં પહોંચ્યા પછી તમને લગીરેય આરામ નહીં મળે. આહીં કારમાં બેસીને બીજું તો કંઇ કરવાનું નથી, પાછળની સીટ પર આંખો બંધ કરીને થોડોક આરામ કરી લો. જલ્દી પહોંચાડવાની જવાબદારી મારી.'

વર્ષોથી સેવા આપનાર ભીખાજીની સલાહ માનીને વિભાકર પાછળની સીટ પર ગોઠવાયો. આજે જાણે પોતાની પરીક્ષા હોય એમ ભીખાજીએ કચકચાવીને કાર ભગાવી.

વસંતમામાનો ગોળમટોળ હસમુખો ચહેરો વિભાકરની આંખ સમે તરવરી રહ્યો હતો. નાનપણથી માંડીને આજ સુધીની સ્મૃતિઓ સળવળાટ કરીને ફિલ્મનાં દૃશ્યની જેમ છલકાઇ રહી હતી.

પોતાની જનેતા નિર્મળાથી વસંતમામા એક વર્ષ નાના હતા. કમલેશ મામા વસંતમામાથી દોઢેક વર્ષ નાના હતા. પોતે ત્રણેક વર્ષનો હતો ત્યારે જ નિર્મળાબાનું અવસાન થયું હતું. ગારિયાધારમાં બંને મામાઓનો પરિવાર આજની તારીખમાં પણ સંયુક્ત કુટુંબનું ઉત્તમ ઉદાહરણ બની શકે એ રીતે સાથે રહેતો હતો.

માતાનો તો ચહેરો પણ સ્મરણમાં નહોતો, પણ એની વિદાય પછી આ બંને મામાઓએ જે અસીમ સ્નેહ આપ્યો હતો એ ક્યારેય ભુલાય એમ નહોતું.


પહેલા ધોરણમાં હતો ત્યારથી શરૂ કરીને મેટ્રિક પાસ થયો ત્યાં સુધી દરેક દિવાળી અને ઉનાળુ વેકેશન એણે ગારિયાધારમાં જ વિતાવ્યું હતું. વેકેશન પડે એ જ દિવસે વસંતમામા અમદાવાદ હાજર થઇ જાય અને સાથે લઇ જાય. સ્કૂલ ખૂલે એ પછી એકાદ અઠવાડિયું થાય ત્યારે હરિવલ્લભદાસ ફોન કરે એ પછી પાછો અમદાવાદ મૂકી જાય.

મા વગરના ભાણિયાને બંને મામીઓ પણ સગી માથી પણ વિશેષ લાડ લડાવતી. બંને વેકેશનમાં મામાઓ અને મામીઓ સાથે રહ્યા પછી કોણ જાણે કેમ અમદાવાદ પાછા આવવાની ઇચ્છા જ નહોતી થતી.

ભીખાજી પૂરી એકાગ્રતાથી ફરજ બજાવી રહ્યો હતો. કાર સડસડાટ આગળ વધતી હતી. પાછળની સીટ પર બેઠેલો વિભાકર વર્ષો પાછળ હટીને ગારિયાધારની ધૂળિયા શેરીમાં પહોંચી ગયો હતો.

દરેક વેકેશનમાં ત્યાં જતો હોવાથી શેરીનાં બાળકો પાકા દોસ્તાર બની ગયાં હતાં. બપોરે જમવાના સમયે મામીઓ બૂમ પાડીને થાકે પછી વસંતમામા આવીને હાથ ખેંચીને જમવા લઇ જાય. નાગોલચું, ગિલ્લીદંડા, ઝાડ ઉપર આમલી-પીપળી જેવી રમતો જે અમદાવાદમાં દુર્લભ હતી એ બધાની બહુ મજા લૂંટી હતી ગારિયાધારમાં. લખોટી અને ભમરડાનો તો ભંડાર મામાએ વસાવી આપેલો.

વાલમપીરબાપાનું સ્થાન અને ગરીબદાસ બાપુ આશ્રમ જેવી જગ્યાઓ તો દોસ્તારો સાથે રઝળપાટમાં જ જોઇ લીધી હતી. ભાણિયાને ફેરવવા માટે મામાઓ સપરિવાર પાલીતાણા અને ભાવનગરનો પ્રવાસ પણ ગોઠવતા.

મામાની આંગળી પકડીને ગારિયાધારની બજારમાં નીકળે ત્યારે તો બહુ મજા આવતી. ગામમાં વસંતમામાને તો બધા ઓળખે. પોતે જાણે વી.આઇ.પી. મહેમાન હોય એમ બધા દુકાનવાળા ભાણાભાઇ, ભાણાભાઇ કહીને પિપરમિન્ટ કે બિસ્કિટ પ્રેમથી આપે.

રમત રમતમાં શેરીના દોસ્તારો સાથે ઝઘડો પણ થાય અને વાત મારામારી સુધી પહોંચી જાય. એ સમયે વસંતમામાનું જે પીઠબળ હતું એની જબરજસ્ત હૂંફ હતી. એમણે એ સમયે જે શિખામણ આપેલી એ તો આજ સુધી પથ્થર કી લકીરની જેમ હૈયામાં કોતરાઇ ગઈ હતી. સામે લડનારા ત્રણ છોકરાઓ હતા એટલે એક વાર માર ખાઇને આંખમાં આંસુ સાથે એ ઘેર આવ્યો હતો. વસંતમામાએ ખોળામાં બેસાડીને આંસુ લૂછી આપેલાં અને કહેલું કે માર ખાઇને નહીં આવવાનું સામેવાળાને પૂરી તાકાતથી ખોખરો કરીને જ આવવાનું. મુઠ્ઠીઓ વાળીને દાં ભીંસીને તું ઝનૂનથી આક્રમક બનીશ તો કોઇ તારી સામે ટકી નહીં શકે. એ પછી બીજા દિવસે પેલા ત્રણેયને પોતે ઝૂડી નાખેલા!

ભૂતકાળ સ્મૃતિઓમાં ખોવાયેલા વિભાકરના હોઠ મલક્યા. વસંતમામાએ એ વખતે જિંદગીનો બહુ મોટો પાઠ ભણાવ્યો હતો.

ચારે તરફ ઘોર અંધકાર વચ્ચે કારની શક્તિશાળી હેડલાઇટનો પ્રકાશ રોડ ઉપર પથરાતો હતો અને ભીખાજી ભયાનક ઝડપે કાર ભગાવી રહ્યો હતો.

વસંતમામાના દિલદાર સ્વભાવનો પરિચય તો કાશીબાને પણ મળી ચૂક્યો હતો. પોતે મોટો સમજણો થયો એ પછી કાશીબા એમના ગળામાં પહેરેલી સોનાની ચેઇન બતાવીને ઘણી વાર કહેતા કે આ ઇનામ તમારા વસંતમામાએ મને આપ્યું છે. પોતે છ- સાડા છ વર્ષનો હતો ત્યારના એ પ્રસંગનું સાવ ઝાંખું સ્મરણ મનમાં સચવાઇ રહ્યું હતું. બંગલામાં પાણીની નવી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી બની ગઇ હતી એનું ઢાંકણનું કામ અધૂરું હતું.

સાંજના સમયે મંજુબા બધાં બાળકોની સાથે બગીચામાં બેઠાં હતાં. એ વખતે શાલુની ઉંમર ત્રણેક વર્ષની, આદિત્ય બે વર્ષનો અને ભાસ્કર તો હજુ માંડ ચાલતા શીખ્યો હતો. બાર ફૂટ બાય પંદર ફૂટની ટાંકી સાત ફૂટ ઊંડી હતી અને આખી પાણીથી ભરેલી હતી. પોતે કઇ રીતે એ ટાંકીમાં ગબડી પડ્યો એની કંઇ સમજણ નહોતી પડી. પોતે ડૂબી રહ્યો હતો અને એ જોઇને મંજુબા ચીસાચીસ કરી રહ્યાં હતાં. રસોડામાંથી દોડતાં આવીને કાશીબાએ ટાંકીમાં કૂદકો માર્યો હતો અને પોતાને બહાર કાઢ્યો હતો. ઊંધો સૂવડાવીને કાશીબાએ પીઠ થપથપાવીને મોઢામાં ઘૂસી ગયેલું પાણી બહાર કઢાવી નાખ્યું હતું. માત્ર બે- પાંચ મિનિટનું મોડું થયું હતો તો પોતાની બચવાની કોઇ શક્યતા નહોતી. એ પછી વસંતમામા ખબર કાઢવા આવ્યા ત્યારે આખી વાત સાંભળીને પોતાના ગળામાં પહેરી હતી એ સોનાની ચેઇન એમણે કાશીબાને પહેરાવી દીધી હતી!

આવા મામાને કંઇ થવું ના જોઇએ. વિભાકરના અંતરમાં અત્યારે એક જ નાદ ગૂંજતો હતો કે મામા, તમને કંઇ નહીં થાય હું આવું છું.

કોલેજમાં આવ્યા પછી વેકેશનમાં ગારિયાધાર જવાનો ઉપક્રમ તૂટી ગયો હતો. અમદાવાદમાં જ જિમ અને મિત્રોની સાથે મોજમસ્તીમાં વેકેશન પતી જતું હતું.

મંજુબાએ મામા સાથે જે મેલી રમત કરી હતી એની સ્મૃતિ સાથે જ મોંમાં કડવાશ ધસી આવી. બંગલામાં મામાનું તો માત્ર અપમાન થયું હતું પણ એ બનાવમાં મંજુબાએ પોતાની જિંદગીમાં તો ભડભડતી આગ ચાંપી હતી.

ગ્રેજ્યુએટ થયો અને કન્યાની શોધ ચાલતી હતી ત્યારે ગારિયાધારની પાસેના ગામની એક કન્યા અને એના પિતાને લઇને મામા અમદાવાદ આવ્યા હતા. છોકરી ગ્રેજ્યુએશનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવી હતી અને આઇ.એ.એસ. અથવા આઇ.પી.એસ. અધિકારી બનવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તડામાર તૈયારી કરી હતી.

અગાઉ જોયેલી કન્યાઓમાં જાણે કંઇક ખૂટતું હોય એવું વિભાકરને લાગતું હતું. એ દિવસે માત્ર બે કલાક માટે ગાંધીનગર જવાનું અત્યંત જરૂરી હતું. ડ્રોઇંગરૂમમાંથી પસાર થતી વખતે માત્ર પાંચ સેકન્ડ એ કન્યાને જોઇ હતી. દૃઢતાથી બિડાયેલા પાતળા હોઠ, તીણું નાક, પાણીદાર આંખો અને ચહેરા પર પ્રચંડ આત્મવિશ્વાસનું તેજ પોતાની શોધનો અંત આવી ગયો હોય એવું વિભાકરને એ પળે લાગેલું. ગારિયાધારથી આવેલા આ મહેમાનો રોકાવાના હતા એટલે ગાંધીનગરથી આવ્યા પછી મિટિંગ ગોઠવાશે એ ધારણાએ વિભાકર નીકળી ગયો હતો. એ પાણીદાર કન્યાનાં મા-બાપની સ્થિતિ સાવ સાધારણ હતી એટલે મંજુબાએ ધડ દઇને કહી દીધું કે આ આલિશાન બંગલામાં સાવ ભિખારી જેવા ઘરની છોકરી માટે કોઇ જગ્યા નથી! વિભાકર આવ્યો ત્યારે અપમાનનો ઘૂંટડો ગળે ઉતારીને મામા એ લોકોને લઇને નીકળી ગયા હતા.

મંજુબાએ એમના સગાની કોઇ છોકરીનું સેટિંગ કરવા માટે આ કાવતરું કર્યું હતું એની જાણ થયા પછી વિભાકર મામા પાસે ગારિયાધાર ગયો હતો અને એ કન્યા સાથે મિટિંગ ગોઠવવાનું કહ્યું હતું. એ ખુદ્દાર છોકરીએ સામે શરત મૂકી કે એ બંગલો છોડીને તમારી રીતે સ્વતંત્ર રહેવાની ઇચ્છા હોય તો મિટિંગ કરીએ. એ સમયે વિભાકર એ માટે તૈયાર નહોતો અને એ પછી એકલા રહેવાનો જ નિર્ધાર કરી લીધેલો. એ સંબંધ શક્ય ના બન્યો એની પીડા અને બંગલામાં થયેલ અપમાન ભૂલીને પણ વિભાકર માટે થઇને વસંતમામાએ બંગલા સાથેના સંબંધો સાચવી રાખેલા.

અગાઉ જોયેલી કન્યાઓમાં જાણે કંઇક ખૂટતું હોય એવું વિભાકરને લાગતું હતું. એ દિવસે માત્ર બે કલાક માટે ગાંધીનગર જવાનું અત્યંત જરૂરી હતું. ડ્રોઇંગરૂમમાંથી પસાર થતી વખતે માત્ર પાંચ સેકન્ડ એ કન્યાને જોઇ હતી. દૃઢતાથી બિડાયેલા પાતળા હોઠ, તીણું નાક, પાણીદાર આંખો અને ચહેરા પર પ્રચંડ આત્મવિશ્વાસનું તેજ પોતાની શોધનો અંત આવી ગયો હોય એવું વિભાકરને એ પળે લાગેલું.

'જિંદગીમાં આટલી ઝડપે કાર ક્યારેય નથી ચલાવી.' ભીખાજીએ ગરદન ઘુમાવીને વિભાકરને કહ્યું. 'બે ને પાંચ મિનિટે આપણે પાલીતાણા પહોંચી ગયા.' પોલીસની એક જીપ રસ્તા પર ઊભી હતી ત્યાં કાર ઊભી રાખીને ભીખાજીએ હોસ્પિટલનો રસ્તો પૂછી લીધો.

મહેતા હોસ્પિટલ મુખ્ય રસ્તા પર જ હતી. કારમાંથી ઊતરીને વિભાકર દોડતો અંદર ગયો. આંખમાં આંસુ સાથે કમલેશમામા એને ભેટી પડ્યા. બંને મામીઓ ચિંતાતુર બનીને બેઠી હતી. ગામમાંથી સાથે આવેલા સાત-આઠ માણસો પણ ગંભીર ચહેરે આઇ.સી.યુ.ના ઓરડા સામે તાકીને બેઠા હતા.

'હજુ દસ કલાક સુધી કંઇ કહેવાય નહીં. ગમે ત્યારે બીજો એટેક આવી જાય.' મામાએ માહિતી આપી. 'આઇ.સી.યુ.માં પણ તારા નામનું રટણ કરે છે. ડૉક્ટરસાહેબે માંડ માંડ રજા આપી છે. તું અંદર જા.'

આ હોસ્પિટલમાં આઇ.સી.યુનિટમાં ત્રણ નાનકડા રૂમ જ હતા. વિભાકર અંદર પ્રવેશ્યો કે તરત શીતળતાની સાથે હોસ્પિટલમાં જ હોય એવી દવાની ખાસ મહેક નાકને સ્પર્શી. વસંતમામાના શરીર સાથે જાતજાતનાં ઉપકરણો જોડાયેલાં હતાં. મોનિટરના સ્ક્રીન ઉપર નજર રાખીને એક નર્સ સ્ટૂલ પર બેઠી હતી.

વિભાકરને જોઇને વસંતમામાની આંખમાં જિજીવિષાની ચમક તરવરી. પરમ સંતોષથી ચહેરો ખીલી ઊઠ્યો.

વિભાકર એમના પલંગ તરફ આગળ વધ્યો. 'તું થોડી વાર બહાર જા.' ક્ષીણ અવાજે વસંતમામાએ પેલી નર્સને સૂચના આપી. 'ભાણિયા સાથે અંગત વાત કરવાની છે.'
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી