‘લોડેડ રિવોલ્વર સાથે, તડીપાર થયેલો ખૂંખાર માણસ તમારી સામે બેઠો હોય એની સાથે સોદો કરવાનું કામ સહેલું નથી’

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 07, 2018, 12:05 AM IST

પ્રકરણઃ56

વિભાકરની કાર બંગલામાં પ્રવેશી એ પછી થોડી વારે ભાસ્કર અને ભીખાજી પણ આવી ગયા.

'ચારેય વડીલોને સહીસલામત પહોંચાડી દીધા.' ભાસ્કરે બધાને માહિતી આપી. 'હિંમતકાકા તો જિંદગીમાં પહેલી વાર પ્લેનની મુસાફરી કરી રહ્યા હતા એટલે મને કહે કે ભઇલા, અમારું પ્લેન ઊપડે ત્યાં સુધી રોકાજે. એરપોર્ટમાં અંદર તો જવાય નહીં.

પપ્પાએ એમનો ગભરાટ દૂર કર્યો તોય મારે બહાર બેસી રહેવું પડ્યું. એ લોકો પ્લેનમાં એન્ટર થયા પછી પપ્પાએ જાણ કરી કે હિંમતકાકા એમની સીટ પર ગોઠવાઇ ગયા છે એટલે હવે તું જઇ શકે છે. દિલ્હી એરપોર્ટ પર ઊતરશે ત્યારે ટેક્સીનો ડ્રાઇવર પપ્પાના નામનું બોર્ડ હાથમાં લઇને ઊભો હશે એ પણ સમજાવી દીધું છે.'

'ચાલાકી અને સમજશક્તિ જોરદાર છે એટલે ખુમારી જાળવવા છતાંય ખુવારી નોતરતો નથી. વટ જાળવે છે, પણ વટ ખાતર નુકસાન ના વેઠાય એ સમજવાની હોંશિયારી છે.'

'હવે મહારાજ ઉતાવળ કરે છે.' કાશીબાએ આવીને કહ્યું એટલે બધા ડાઇનિંગ ટેબલ પર ગયા. જમતી વખતે હરિવલ્લભદાસના આ ત્રણેય મિત્રોની રમૂજી વાતો યાદ કરીને બધા ખૂબ હસ્યા. હરિવલ્લભદાસ હાજર હોય અને એ ત્રણેય ભાઇઓની સાથે જમવા બેસે ત્યારે અલકા તથા ભાવિક એ ચારેયની સાથે ભાગ્યે જ જમવા બેસે. આજે એ બંનેને આ ત્રણેય ભાઇઓ સાથે જમવાની અને વાતો કરવાની ખૂબ મઝા આવી.


જમ્યા પછી અલકા અને ભાવિકા આદિત્યના રૂમમાં જઇને બેઠા. વિભાકર, આદિત્ય અને ભાસ્કર ડ્રોઇંગરૂમમાં બેઠા હતા.

'પપ્પા આવશે ત્યાં સુધીમાં ગોધાવીની જમીનનું કોકડું ઉકેલાઇ જશે. એ ત્રણેય ભાઇઓ એક સાથે મળવા આવે એટલે વાર્તા પૂરી.' વિભાકરે નિરાંતનો શ્વાસ લીધો.

'તેં હાર્ડનટ કહેલો એ ભાઇ માની ગયો?' આદિત્યે જિજ્ઞાસાથી પૂછ્યું.

'આપણે બિલકુલ ગરજ નથી એ રીતે વાત કરી એ પછી એ સાહેબનું મગજ ઠેકાણે આવ્યું.' વિભાકરે વિજુભાનો અછડતો પરિચય આપ્યો. 'મારામારીના કેસમાં અમદાવાદ જિલ્લામાંથી તડી પાર થયેલો છે. એ છતાં ભરેલી રિવોલ્વર સાથે આવીને મારી સાથે મિટિંગ કરી.'

'યુ આર ગ્રેટ!' આદરભાવથી વિભાકર સામે જોઇને ભાસ્કરે કહ્યું. 'માથાફરેલ માણસો જોડે માથાકૂટ કરવામાં પણ તમારી માસ્ટરી છે. મારી કે આદિત્યની આવી હિંમત ના ચાલે. ખરેખર, લોડેડ રિવોલ્વર સાથે, તડીપાર થયેલો ખૂંખાર માણસ તમારી સામે બેઠો હોય એની સાથે સોદો કરવાનું કામ સહેલું નથી.'

'કોણ જાણે કેમ મને આવાં કામમાં વધુ મજા આવે છે.' વિભાકરે બંને ભાઇઓની સામે જોયું. 'પડકાર જેવા કામને પ્રાયોરિટી આપીને પતાવવાનું ઝનૂન ઊપડે છે. એ પછી એ કામ પતે નહીં ત્યાં સુધી જંપતો નથી.'


એ બોલતો હતો ત્યારે આદિત્ય એની સામે જ તાકી રહ્યો હતો. આદિત્ય અને વિભાકર એકબીજાને તું કહીને જ વાત કરતા હતા. ભાસ્કર હંમેશાં વિભાકરને તમે કહેતો હતો.

'તારી લાઇફ સ્ટાઇલ પેલા ત્રણેય ભાઇઓ જેવી જ છે.' આદિત્યે હસીને ટકોર કરી. 'ચાલાકી અને સમજશક્તિ જોરદાર છે એટલે ખુમારી જાળવવા છતાંય ખુવારી નોતરતો નથી. વટ જાળવે છે, પણ વટ ખાતર નુકસાન ના વેઠાય એ સમજવાની હોંશિયારી છે.'

એ ત્રણેય ભાઇઓ આ રીતે વાતો કરી રહ્યા હતા ત્યારે આદિત્યના રૂમમાં અલકા અને ભાવિકા પણ વાતોના તડાકા મારી રહ્યાં હતાં.

અલકાના મોબાઇલની રિંગવાગી. સ્ક્રીન ઉપરનું નામ જોઇને એણે ભાવિકા સામે આંખ મિચકારીને કહ્યું. 'નણંદબાનો ફોન છે. સ્પીકર ચાલુ રાખીને વાત કરું છું.'

એણે મોબાઇલ ઉઠાવ્યો અને મીઠાશથી કહ્યું. 'બોલો શાલુદીદી, મજામાં?'

'મજામાં નથી, ટેન્શનમાં છું.' શાલિનીએ કહ્યું. 'બે કલાકથી પપ્પાનો મોબાઇલ જોડવા ટ્રાય કરું છું, પણ એ કેમ ઉઠાવતા નથી?'

'પ્લેનમાં મોબાઇલ ક્યાંથી ચાલે? દિલ્હી એરપોર્ટ પર ઊતર્યા પછી હોટલ સુધી પહોંચવામાંય વાર તો લાગેને?' આટલું કહીને અલકાએ માહિતી આપી. 'પપ્પા, હિંમતકાકા, જીવણકાકા અને દિનુકાકા એ ચારેય સાંજની ફ્લાઇટમાં દિલ્હી ગયા. ત્યાં રાત્રે રોકાશે. કાલે સવારે હરિદ્વાર જશે. ત્યાં દસેક દિવસ રોકાવના છે.'

સ્પીકરફોન ચાલુ હતો એટલે ભાવિકા પણ અલકાની નજીક આવીને બેસી ગઇ હતી. પપ્પાજીના પ્રવાસની વાત સાંભળીને શાલિની શું પ્રતિભાવ આપે છે એ જાણવા એ ઉત્સુક હતી.

'અલકાભાભી, અત્યારે મમ્મીની ખોટ સાલે છે.' શાલિનીના અવાજમાં પીડાની સાથે ફરિયાદનો સૂર હતો. 'મમ્મીએ વિદાય લીધી પછી તમે લોકોએ તો આ બધી વાતમાં મારો કાંકરો જ કાઢી નાખ્યો. પપ્પા આટલા બધા દિવસ માટે પ્રવાસમાં જાય અને તમે મને જાણ પણ ના કરી?

પંચોતેર વર્ષનો બાપ પંદર દિવસ માટે છેક હરિદ્વાર જાય ત્યારે દીકરી તરીકે એમને મારે મળવા ના આવવું જોઇએ? એટલિસ્ટ એક ફોન કરી દીધો હોત તોય હું દોડીને આવી જતી.' અવાજમાં ભીનાશ સાથે એણે પૂછ્યું. 'ભાભી, મને જાણ કેમ ના કરી? મમ્મી નથી એટલે આવા પ્રસંગે મને સાવ ભૂલી જવાની?'

ભાવિકા પાસે જ બેઠી છે એની તો શાલિનીને ક્યાંથી ખબર હોય? બળાપો ઠાલવવાનું ચાલુ રાખીને એણે ઉમેર્યું. 'ભાવિકાભાભી કદાચ ભૂલી જાય એ સમજ્યા પણ તમે તો હવે મારી મમ્મીની જગ્યાએ છો. આવી અવગણના તમે કેમ કરી?'

'પપ્પા ડિપ્રેશનમાં હતા એટલે વિભાભાઇએ ધડાધડ નિર્ણય કરીને એમના ત્રણેય ભાઇબંધોને તૈયાર કરીને દોઢ જ દિવસમાં આખો પ્રોગ્રામ બનાવીને પ્લેનની ટિકિટો બુક કરાવી દીધી. મને અને ભાવિકાને તો છેક કાલે સાંજે જ ખબર પડી. પપ્પાજીની બેગ તૈયાર કરવાનું વિભાભાઇએ અમને કહ્યું ત્યારે ખબર પડી.'

મોટી ભાભી તરીકે પોતાની જવાબદારી સમજીને એણએ નણંદને સમજાવ્યું. 'મમ્મી નથી એટલે આ ઘરમાં તમારું કોઇ સ્થાન નથી એવી કોઇ ગેરસમજ હોય તો મગજમાંથી ખંખેરી નાખજો. તમને ઇગ્નોર કરવાનો કે જાણ નહીં કરવાનો કઇ ઇરાદો નહોતો, એવો બદઇરાદો હોઇ પણ ના શકે, ભાભી છું તમારી. ધડાધડી અને ઉતાવળમાં તમને જાણ કરવાનું રહી ગયું એને ભૂલ કહેવાય, ગુનો નહીં. ભૌમિક અને ભૈરવી વચ્ચે તૂ તૂ મૈં મૈં ચાલતું હતું એટલે એ બબાલમાં ભાવિકાનું માથુંય ધડ પર નહોતું, એમાં તમને કહેવાનું અમે બંને ભૂલી ગયા.'

ભાવિકા સામે આંખ મિંચકારીને એણે આગળ બોલવાનું ચાલુ રાખ્યું. 'એની વે, જે બન્યું એ બદલ તમને સોરી કહું છું અને અમે બંને ભવિષ્યમાં ધ્યાન રાખીશું.' અચાનક મૂળ મુદ્દો યાદ આવ્યો એટલે એણે પૂછ્યું.


'પપ્પાજીનું શું કામ હતું? નીચે ત્રણેય ભાઇઓ નવરા જ બેઠા છે. એમનાથી થઇ શકે એવું કામ હોય તો એમને હુકમ કરો.'

'ત્રણમાંથી એકેયને કહેવાનો કોઇ અર્થ નથી.' શાલિનીએ રડમસ અવાજે કહ્યું. 'દસ-પંદર દિવસ રાહ જોવામાં વાંધો નથી. પપ્પા આવે ત્યારે રૂબરૂ આવીને એમને જ વાત કરીશ.'

'તો પછી તમારી મરજી.' અલકાએ કહ્યું. 'એ છતાં અમારે લાયક કંઇ કામ હોય તો જરાયે સંકોચ ના રાખતાં. ત્રણેય ભાઇઓ અને અમે બંને ભાભીઓ બધાય તમારી સાથે જ છીએ.'

'કોણ સાથે છે અને કોણ સામે છે એની ચર્ચા કરવા માંડીશ તો વાત લાંબી થઇ જશે.' શાલિનીએ ઢીલા અવાજે કહ્યું. 'એટલે એ વાત જવા દો. પપ્પા આવે ત્યારે આવીશ.'

આટલું કહીને એણે વાત પૂરી કરી. મોબાઇલ બરાબર બંધ થયો છે એની ખાતરી કર્યા પછી જેઠાણી- દેરાણી એકબીજાની સામે તાકી રહ્યાં. 'સુભાષકુમાર જોડે વટક્યું લાગે છે.' અલકાએ પોતાની ધારણા રજૂ કરી.

'એવી વાત નહીં હોય.' ભાવિકાએ પોતાનો તર્ક રજૂ કર્યો. 'છેલ્લે એ શું બોલ્યાં? કોણ સાથે છે ને કોણ સામે છે એની ચર્ચા નથી કરવી એવું બોલ્યા એનો અર્થ એ કે આપણા પાંચમાંથી કોઇકની ફરિયાદ પપ્પાને કરવાની હશે. મારી, તમારી, આદિત્યભાઇની કે ભાસ્કરની વિરૂદ્ધ કંઇક કહેવાનું હોત તો એ સીધો વિભાભાઇનો આશરો લે. પણ પપ્પાને ફરિયાદ કરવાની છે એટલે સો ટકા વિભાભાઇ સાથે વાંધો પડ્યો છે. વિભાભાઇએ સુભાષને તતડાવ્યો એટલે સુભાષે કંઇક આડુંઅવળું સમજાવીને આ ગાંડીને વિભાભાઇ વિરૂદ્ધ ચાવી ચડાવી હશે. નવ્વાણું ટકા તો મારી આ ધારણા સાચી હશે.'

'યુ આર રાઇટ.' અલકાએ દોરાણીની વાતમાં સંમતિ આપી. 'પોતાનું હિતેચ્છુ કોણ છે અને કોને સાચી લાગણી છે એની સમજણ શાલુદીદીમાં નથી. પાયા વાગરનો લોટો છે.' ફ્રીઝ તરફ પગ ઉપાડતી વખતે એણે ભાવિકાને પૂછ્યું. 'આઇસક્રીમ કયો આપું? લીલા નાળિયેરનો કે લીચીનો?'

'આજે લીચીનો.' ભાવિકાએ કહ્યું. અલકાના ફ્રીજમાં બારેય માસ બે-ત્રણ ફ્લેવરના આઇસક્રીમનો સ્ટોક હોય જ.

દેરાણી- જેઠાણી આઇસક્રીમ ઝાપટી રહ્યાં હતાં ત્યારે ડ્રોઇંગરૂમમાં વિભાકર સિંહ અને ટ્રેનના પાટાની વાત કહેતો હતો અને બંને ભાઇ સાંભળતા હતા.

મોબાઇલની રિંગ વાગી એટલે વિભાકરે હાથ લંબાવ્યો. ટિપોઇ પરથી મોબાઇલ લેતી વખતે સ્ક્રીન ઉપરનું નામ જોઇને એને આશ્ચર્ય થયું. ગારિયાધારથી કમેલશમામાએ રાત્રે અગિયાર વાગ્યે ફોન કેમ કર્યો હશે?

'બોલો મામા,' ફોન ઉઠાવીને એણે કહ્યું.

'વિભા, બધાં કામ પડતાં મૂકીને તાત્કાલિક પાલીતાણાની મહેતા હોસ્પિટલમાં આવી જા. વસંતભાઇને સિવિયર હાર્ટએટેક આવ્યો છે અને અમે અત્યારે એમ્બ્યુલન્સમાં એમને પાલીતાણા લઇ જઇએ છીએ.'

'ઓહ નો.' વિભાકર સોફામાંથી ઊભો થઇ ગયો. 'એમ્બ્યુલન્સ લઇને સીધા અમદાવાદ જ આવવાનું હોયને? મેં તમને પહેલાં પણ કહેલું કે આવું કંઇ બને તો અમદાવાદમાં સારી ટ્રીટમેન્ટ મળે.'

'મારી વાત સાંભળ.' વિભાકરની વાત અડધે જ કાપીને નાના મામાએ મોટા મામાની દશા વર્ણવી.

'કોણ સાથે છે અને કોણ સામે છે એની ચર્ચા કરવા માંડીશ તો વાત લાંબી થઇ જશે. એટલે એ વાત જવા દો. પપ્પા આવે ત્યારે આવીશ.'

'વસંતભાઇને તપાસીને ડૉક્ટરે તરત આઇ.સી.યુ. એમ્બ્યુલસ મંગાવી લીધી અને પાલીતાણા મહેતા હોસ્પિટલમાં ફોન કર્યો ત્યારે મેં એમને અમદાવાદની વાત કરેલી.' એમનો અવાજ સાવ ઢીલો થઇ ગયો. 'ડૉક્ટરે કહ્યું કે અમદાવાદ સુધી પહોંચે એવી હાલત નથી. પાલિતાણામાં સારવાર પછી તબિયત સહેજ સ્ટેબલ થાય ત્યારે અમદાવાદ લઇ જજો.'

વાત સાંભળતી વખતે વિભાકરના ચહેરા પરનો ઉચાટ જોઇને આદિત્ય અને ભાસ્કર પણ ઊભા થઇને એની પડખે જઇને ઊભા રહ્યાકમલેશમામાએ રડમસ અવાજે કહ્યું. 'ગારિયાધારથી એમ્બ્યુલસ ઊપડી ત્યારથી તારા નામની માળા જપે છે. અત્યારે તારી સાથે વાત કરું છું ત્યારેય એ મારી સામે જ તાકી રહ્યા છે. વિભાને બોલાવો. એમ બબડ્યા કરે છે.'

'સ્પીકરફોન ચાલુ કરીને મોબાઇલ એમના કાન પાસે લઇ જાવ.' વિભાકરે નાના મામાને સૂચના આપી. દસેક સેકન્ડ પછી એણે મોટા અવાજે કહ્યું. 'મામા, ગોડ ઇઝ ગ્રેટ! તમને કંઇ થવાનું નથી. એક જ મિનિટમાં અહીંથી નીકળું છું. મારી રાહ જોજો.'

ફોન મૂકીને વિભાકરે આદિત્ય અને ભાસ્કર સામે જોયું. 'મારા મોટામામાને એટેક આવ્યો છે. હાલત ક્રિટિકલ છે અને મને યાદ કરે છે એટલે અત્યારે જ પાલીતાણા માટે નીકળવું પડશે.'

'તું પૈસા લઇને તૈયાર થઇ જા. હું ભીખાજીને બોલાવું છું.' આદિત્યે અધિકારપૂર્વક સલાહ આપી. 'આટલા ટેન્શનમાં તારે કાર ચલાવવાની નથી.' બે જ મિનિટમાં વિભાકર કારમાં આગળની સીટ પર બેઠો અને ભાખાજીએ કાર ભગાવી.
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી