‘તડીપાર છું તોય લોડેડ રિવોલ્વર લઇને અમદાવાદમાં રખડું છું એના ઉપરથી મારી હિંમતનો તાળો મેળવી લેજો.’

article by mahesh yagnik

મહેશય યાજ્ઞિક

Sep 06, 2018, 12:05 AM IST

પ્રકરણઃ55

'મારી વાત સંભળાય છે તમને?' સામેથી કંઇ જવાબ ન આવ્યો એટલે વિભાકરે સ્પષ્ટતા કરી. 'વિજુભા, તમારું એ ખેતર એ કંઇ પૃથ્વી પર બચેલો જમીનનો છેલ્લો ટૂકડો નથી. પૈસા ખર્ચવાની તૈયારી છે એટલે એ પટ્ટામાં ગમે ત્યાં જમીન ખરીદવાની તાકાત છે મારામાં. તમારા ખેતર ઉપર છાપ નથી મારી.'

વિજુભાને વિભાકરનો પરિચય નહોતો. એ આવો રણકતો જવાબ આપશે એવી એમને ધારણા પણ નહોતી. એમના મનમાં એમ હતું કે ગાળ બોલીને ધમકાવીશ એટલે પેલો સીધું કરગવાનું શરૂ કરી દેશે. વિભાકરનો રોકડો જવાબ સાંભળીને એક ઝાટકો તો લાગ્યો પણ તરત એમણે જાત સંભાળી લીધી.

'મેં તમને કહ્યું ને કે મારફાડની અને ઉપર પહોંચાડવાની જ વાત કરવાની હોય તો કાન ખોલીને સાંભળી લો. ફરી વાર કહું છું કે આવી જ ભાષામાં વાત કરવાની હોય તો તમારું ખેતર જાય તેલ લેવા! જમીન વેચવા માટે બીજા અનેક લોકો લાઇનમાં ઊભા છે. પ્લીઝ, ફોન મૂકી દો.

'તાકાતની વાત મારી સાથે નહીં કરવાની.' કરડા અવાજે એમણે કહ્યું. 'મને અંધારામાં રાખીને કોઇ કાળું-ધોળું કરે એને ઉપર પહોંચાડી દઉં. એ મારો સગો ભાઇ હોય કે માલેતુજાર શેઠિયો, મારી સાથે ચાલાકી કરે એને ચીરી નાખું.'

'મેં તમને કહ્યું ને કે મારફાડની અને ઉપર પહોંચાડવાની જ વાત કરવાની હોય તો કાન ખોલીને સાંભળી લો. ફરી વાર કહું છું કે આવી જ ભાષામાં વાત કરવાની હોય તો તમારું ખેતર જાય તેલ લેવા! જમીન વેચવા માટે બીજા અનેક લોકો લાઇનમાં ઊભા છે. પ્લીઝ, ફોન મૂકી દો.'

વિજુભા ઘીસ ખાઇ ગયો. શેઠિયો આટલી ટણીથી જવાબ આપે તો સામે શું કહેવું એ એણે વિચાર્યું નહોતું. એ છતાં, વટ છોડવાનું પણ મંજૂર નહોતું. 'ચોરની જેમ છાનામાના આવીને મારા બંને ભાઇઓને બાટલામાં ઉતારવાનું કામ તો કર્યું પણ હું હજુ જીવતો બેઠો છું એ તું ભૂલી ગયો?'

'તુંકારે કે ગાળ સાથે બોલવાની બહાદુરી છે એ છતાં મારી ખાનદાની નડે છે, એ સમજી લો. બીજી વાત એ કે ચોરની જેમ છાનામાના આવવાની મારે કોઇ જરૂર નથી. પોલીસે કે કોર્ટે મને તડીપાર નથી કર્યો.'


આક્રમકતાથી આટલું સંભળાવ્યા પછી એણે હળવાશથી ઉમેર્યું. વીસ વર્ષથી જમીનના ધંધામાં છું એટલે કાયદા કાનૂનનું ભાન છે. તમને મળ્યા વગર સોદો ક્યારેય ફાઇનલ ના થાય એ ખબર છે. તમારી મુલાકાત માટે જિતુભાસાહેબને વાત કરેલી. આ નંબર તો એમણે જ તમને આપ્યોને? તમારો ને મારો ટાઇમ બગાડવાની ઇચ્છા નથી. જો સોદો કરવામાં રસ હોય તો બોલો. તમે કહો ત્યાં આવવા તૈયાર છું.' સહેજ અટકીને એણે પૂછ્યું. 'અત્યારે ક્યાં છો તમે?'

'તમારા બંગલાની સામે રોડ ઉપર બુલેટ લઇને ઊભો છું.' વિભાકરની સખ્તાઇ જોયા પછી વિજુભા તું ઉપરથી તમે ઉપર આવી ગયો. 'તમે કહો તો ધમધમાટ અંદર આવું.'

વિભાકરને મનોમન હસવું આવતું હતું. આ માણસને પૈસામાં રસ છે, છતાં ટણી છોડવી નથી એટલે પોતાની ગૂંથેલી જાળમાં એ ફસાયેલો છે. એની ગરજની વધુ કસોટી કરવા માટે વિભાકરે શબ્દો ગોઠવીને કહ્યું.


'વિજુભા, પ્લીઝ, અંદર આવવાની જરૂર નથી.' કડકાઇથી આટલું કહ્યા પછી હળવાશથી સમજાવ્યું. 'તમારા બેસવાથી મારો સોફો બગડી જાય કે ચા- નાસ્તો કરાવવો પડે એની ચિંતા નથી, પણ ભૂલેચૂકેય કોઇ પોલીસને બાતમી આપી દે તો લોચો થઇ જાય. તમે તો આમેય તડીપાર છો એટલે તમને તકલીફ ના પડે પણ મારો મરો થઇ જાય. તડીપાર આરોપીને આશ્રય આપીને સંતાડવામાં મદદગારી માટેની કલમ લગાડીને પોલીસ મારી પથારી ફેરવી નાખે. આઠ હજારવારના પ્લોટમાં આ મારો બંગલો જઇને એ બધાને તો ગોળનું ગાડું મળી ગયું હોય એમ તોડ કરવા માટે મોટું મોઢું ફાડે. મારી મજબૂરી સમજાય છે તમને?' ગૂંચવાયેલા વિજુભાને એણે રસ્તો બતાવ્યો. 'કોઇ હોટલમાં બેસીને શાંતિથી વાત કરીએ. બોલો, ક્યાં આવું?'

વિજુભાનું મગજ હવે બરાબર ઠેકાણે આવી ગયું હતું. 'આંબલી રોડ ઉપર પેટ્રોલપંપની સામે ગુરૂકૃપા હોટલ છે. હું ત્યાં ફેમિલીરૂમમાં બેઠો હઇશ. ત્યાં આવી જાવ.'

'ઓ.કે. તમે પહોંચો. હું આવું છું. 'એટલું કહીને વિભાકરે વાત પૂરી કરી અને વિજુભાના મોટા ભાઇ જિતુભાનો નંબર જોડ્યો. 'હમણાં વિજુભાનો ફોન હતો.' વિભાકરે એમને આખી કથા સમજાવી. જિતુભા હસી પડ્યા.


'પૈસાની જરૂર તો એનેય છે એટલે તમે જે વટ દેખાડ્યો એ એણે સહન કર્યો. મળો ત્યારે શાંતિથી વાત કરજો. ત્રણેયને એકસરખી રકમ જ આપવાનું નક્કી કર્યું છે એ મુદ્દો જ હાઇલાઇટ કરજો. પ્રભાતસિંહને ત્રીસ કરોડ વધારે આપવાના છે એવી જો ગંધ આવી જશે તો એ સાહેબ કોઇ કાળે તૈયાર નહીં થાય એટલે વાત કરતી વખતે એનું ખાસ ધ્યાન રખજો. જય માતાજી! મારું, તમારું ને મારા બંને ભાઇઓનું માતાજી ભલું કરે એવી પ્રાર્થના.'

એમણે ફોન મૂક્યો. હાથમાં મોબાઇલ લઇને વિભાકર આગળ વધ્યો. દૂર ઊભેલો આદિત્ય એની સામે જિજ્ઞાસાથી તાકી રહ્યો હતો એને એને ખ્યાલ હતો. 'ત્રિકોણના ત્રણ ખૂણામાંથી બે ખૂણા સર કરી લીધા છે.' વિભાકરે હસીને આદિત્યને સમજાવ્યું. 'હવે ત્રીજા ખૂણાનો વારો છે. એ હાર્ડ નટ છે પણ વાંધો નહીં આવે.'

એણે કાર સ્ટાર્ટ કરી. આંબલી રોડ પર ગુરૂકૃપા હોટલ પાસે જગ્યા જોઇને કાર પાર્ક કરી. હોટલનો માણસ વિજુભાનો ઓળખીતો હોય એવું લાગ્યું. એણે તરત જ સામેના ફેમિલી રૂમ તરફ ઇશારો કર્યો.

સાંઇઠ વર્ષના વિજુભાનો ચહેરો તંગ હતો. સતત ગુસ્સામાં હોય એવું જ લાગે. સામેના માણસની આરપાર જોઇ શકે એી પાણીદાર આંખો જોઇને વિભાકરે મનોમન કબૂલ કર્યું કે ખરેખર હેન્ડલ વિથ કેર જેવો મામલો છે.

એમની સાથે હાથ મિલાવીને વિભાકર સામેની ખુરસીમાં બેઠો. વેઇટર આવીને પાણીના ગ્લાસ મૂકી ગયો. શકરાબાજ જેવી નજરે વિજુભા પોતાનું નિરીક્ષણ કરી રહ્યા છે એનો વિભાકરને ખ્યાલ હતો.

'આ રીતે અમદાવાદમાં ફરવામાં તકલીફ નથી પડતી?' હળવાશથી વાત શરૂ કરવા વિભાકરે પૂછ્યું.

'તુંબડાની તકલીફ?' વિજુભાએ હસીને વટથી જવાબ આપ્યો. 'હકીકતમાં તો મારામારી બીજા બે લોકો વચ્ચે થઇ હતી. એક મારો ભાઇબંધ હતો એટલે હું ત્યાં હાજર હતો. એમાં મારું નામ અંદર ઘુસાડીને સામેવાળાએ વેર વાળ્યું. આમેય મારી મથરાવટી મેલી એટલે જૂનો બધો રેકર્ડ જોઇને (ગાળ) જજે તડીપારનો ઓર્ડર ફટકારી દીધો. જિલ્લાની બાઉન્ડ્રીમાં કામ હોય તો આંટો મારું. આજ સુધી તો કોઇએ પડકારવાની હિંમત નથી કરી.' વિભાકર સામે જોઇને એણે પૂછ્યું. 'અમદાવાદની બધી પોલીસ મારો ફોટો ખિસ્સામાં લઇને થોડી ફરતી હોય?'

વેઇટર ચા મૂકી ગયો. વિભાકરે ચાનો કપ હાથમાં લીધો. 'મારી સગી મા તો હું સાડા ત્રણ-ચાર વર્ષનો હતો ત્યારે જ દેવલોક પામેલી.' જિતુભાને કહી હતી એ જ રીતે એ આખી વાત કહ્યા પછી વિભાકરે સાહનુભૂતિથી વિજુભા સામે જોયું. 'સરકારે કલમના એક ગોદે તમારી જમીનની કિંમત ડાઉન કરી નાખી. બાલમંદિર, નિશાળ કે હાઇસ્કૂલનો ધંધો કરવો હોય એ વ્યક્તિ કે ટ્રસ્ટ એક સાથે આટલી મોટી રકમનું રોકાણ ના કરે. મારા માટે તો અંગત લાગણીનો સવાલ છે અને પૈસાની ખોટ નથી એટલે હિંમત કરું છું. બાકી, બીજો કોઇ બિલ્ડર આટલી રકમ આપવા ક્યારેય તૈયાર ના થાય. મારી વાત સમજાય છે, બાપુ?'

વિજુભાએ હકારમાં માથું હલાવ્યું.

'તમારા વડીલોની આ પ્રોપર્ટી માટે તમારા ત્રણેય ભાઇઓ વચ્ચે વિવાદ શાનો છે એ જાણવામાં મને રસ નથી, એવી કોઇ જરૂર પણ નથી. વેપારી બુદ્ધિથી એક વાત તમને સમજાવવાની છે. તમારા ગળે ઊતરે તો અતિ ઉત્તમ. તમારી સંમતિ ના હોય તો આ ચા પીને રજા લઇશ. રાત ગઇ વો બાત ગઇ એમ માનીને ગોધાવીના એ ખેતરને ભૂલી જઇશ.'

વિજુભાને વાતમાં રસ પડ્યો હોય એવું લાગ્યું એટલે વિભાકરે આગળ કહ્યું. 'ખોટું ના લગાડતા. નજરે જોયેલી હકીકત છે. જમીનનો ઝઘડો હોય ત્યારે ત્રણ-ચાર ભાઇઓ એ ધૂળ અને ઢેફાં સામે તાકીને એકબીજાની સામે તલવાર ખેંચીને આખી જિંદગી ઉચાટમાં વિતાવે. મુદત ઉપર મુદત પડ્યા કરે. નવી પેઢીને વેરનો વારસો આપીને જૂની પેઢી ઉપર પહોંચી જાય. નવી પેઢીમાં ભાગિયાઓ વધ્યા હોય એટલે મામલો વધુ ગૂંચવાય. જલસાથી જિંદગી જીવવાને બદલે માટીનાં ઢેફાં સામે તાકીને વેરની આગમાં બધા સળગતા રહે એવા ત્રણ- ચાર કિસ્સા જોયેલા છે. આ જમીન હું ખરીદું કે ના ખરીદું તો એનાથી મને કોઇ ફેર નથી પડવાનો, પણ એટલી ખાતરી છે કે તમારા ત્રણેય ભાઇઓની જિંદગી સો ટકા બદલાઇ જશે. સાંઇઠ કરોડ રૂપિયા એ કોઇ નાનીસૂની રકમ નથી. રૂપિયા પૈસા કરતાંય તમારા ત્રણેયના મનમાંથી એકબીજા માટેની કડવાશ દૂર થશે એ બહુ મોટી વાત છે. ગોધાવી ગામમાં સાંઇઠ- સાંઇઠ કરોડના માલિક તમે ત્રણેય ભાઇઓ એક સાથે હાથમાં હાથ પરોવીને નીકળો તો આખી બજાર તમને સલામ કરશે.'

એક શ્વાસે આટલું કહ્યા પછી વિભાકરે કપમાં હતી એ બાકીની ચા પૂરી કરીને ખાલી કપ ટેબલ ઉપર મૂક્યો. પછી વિજુભા સામે જોયું. 'મારે જે કહેવાનું હતું એ કહી દીધું. હવે તમે બોલો.'

'પ્રભાતસિંહ ટેં ટેં કરે છે કે અડધો ભાગ મારો.' વિજુભાના અવાજમાં શંકાનો રણકો હતો. 'એ સરખા ભાગમાં તૈયાર થશે? મને દાઝ એની સામે છે. મોટા ભાઇ જિતુભા તો ભગવાનના માણસ છે, પણ એ પ્રભાતસિંહ જોડે ભળી ના જાય એટલા માટે એમની સાથેના સંબંધોમાંય છીણી મૂકવી પડી છે. એ પ્રભાતસિંહ માની જાય એ વાત ડાઉટફુલ છે.'

'સાંઇઠ કરોડ રૂપિયા સામે દેખાય એટલે ભલભલાના વિચાર બદલાઇ જાય. મેં તમને કહી એ જ વાત એમને સમજાવેલી કે વેર-ઝેર ભૂલીને આવનારી લક્ષ્મીને વધાવો. એ તૈયાર થઇ ગયા એ પછી જિતુભાબાપુને મનાવ્યા અને આજે તમારી સામે બેઠો છું.' વિજુભાના ચહેરા પરની દ્વિધા પારખીને એણે ઉમેર્યું. 'આજ ને આજ જવાબની મારે ઉતાવળ નથી. તમારી રીતે વિચારીને શાંતિથી જવાબ આપજો. રાયસણની પાસે એક પચાસ એકરનું ખેતર છે અને ત્યાં બે ભાઇ વચ્ચે કોઇ વિવાદ નથી. મારા આ પ્રોજેક્ટ માટે એ બંને ભાઇઓ દર અઠવાડિયે ફોન કરીને મિટિંગ ગોઠવવાનું કહે છે. પણ પહેલી પસંદગી ગોધાવીની છે એટલે એમને હજુ કોઇ જવાબ આપ્યો નથી.'

તીર બરાબર નિશાન પર લાગ્યું. સાંઇઠ કરોડ ગુમાવવાની વિજુભાની તૈયારી નહોતી. સાથોસાથ વટ પણ જાળવવાનો હતો એટલે એમણે વિભાકર સામે જોયું. 'તમારી વાત સમજું છું પણ મારી એક શરત છે.'


અવાજમાં ગર્વનો રણકો ઉમેરીને એમણે કહ્યું. 'પ્રભાતસિંહની ટણી હૈયામાં ખૂંચે છે. એને તો જમીન ઉપર લાવવો જ પડશે. એના કરતાં મને વધારે પૈસા મળવા જોઇએ. વટનો સવાલ છે.

'ત્રણેય ભાઇને સાંઇઠ-સાંઇઠ કરોડ.' વીસ સેકન્ડ વિચારીને વિભાકરે કહ્યું. 'એનાથી વધારે એક પૈસોય નહીં.'

જમીનનો ઝઘડો હોય ત્યારે ત્રણ-ચાર ભાઇઓ એ ધૂળ અને ઢેફાં સામે તાકીને એકબીજાની સામે તલવાર ખેંચીને આખી જિંદગી ઉચાટમાં વિતાવે. મુદત ઉપર મુદત પડ્યા કરે. નવી પેઢીને વેરનો વારસો આપીને જૂની પેઢી ઉપર પહોંચી જાય.

આંખો પહોળી કરીને પોતાની સામે આશ્ચર્યથી તાકી રહેલા વિજુભાના ખભે હાથ મૂકીને વિભાકરે હસીને ઉમેર્યું. 'હવે રહ્યો તમારા વટનો સવાલ. એની હું કદર કરું છું. આપણો ડોક્યુમેન્ટ ફાઇનલ થઇને રજિસ્ટ્રેશનનું કામ પતે એ વખતે બાકીના બંને ભાઇઓની હાજરીમાં તમને સવા લાખ રૂપિયા રોકડા વધારાના આપીશ. બાપના બોલથી વચન આપું છું. આ ટોકન એમાઉન્ટથી પ્રભાતસિંહના ગાલે તમાચો પડશે ને તમારો વટ અકબંધ રહેશે.'

'કબૂલ.' વિજુભાએ તરત હાથ લંબાવીને સંમતિ આપી અને લગીર સખ્તાઇથી તાકીદ કરી. 'સરખા હિસ્સાની વાતમાં કંઇક ગરબડ કે લોચો છે એવી ભવિષ્યમાં પણ ખબર પડશે તો બહુ ખરાબ પરિણામ આવશે એ અત્યારથી કહી રાખું છું. તડીપાર છું તોય લોડેડ રિવોલ્વર લઇને અમદાવાદમાં રખડું છું એના ઉપરથી મારી હિંમતનો તાળો મેળવી લેજો.'

'નો પ્રોબ્લેમ. એવું નહીં બને.' વિભાકરે ખાતરી આપી. 'સારો દિવસ જોઇને તમે ત્રણેય ભાઇઓ એક સાથે આવો એટલે હું વકીલને બોલાવી લઇશ અને પ્રારંભિક વિધિ પતાવીને સાથે જમીશું, પક્કા?'

'પક્કા!' વિજુભાના ચહેરા પર હવે હળવાશની સાથે ખુશાલી ઝળકતી હતી. એમની સાથે હાથ મિલાવીને વિભાકર ઊભો થયો. બંગલા સુધી કાર ચલાવતી વખતે એને એક જ ચિંતા હતી. પ્રભાતસિંહને નેવું કરોડની વાત આ માણસથી છૂપી ક્યાં સુધી રહેશે?
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી