'હરિવલ્લભદાસ શેઠને ઓળખવાની તારી હેસિયત નથી, છોટી!'

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 05, 2018, 12:05 AM IST

પ્રકરણઃ54

હરિવલ્લભદાસ જે સૂચના આપી રહ્યા હતા એ શબ્દો સોલિસિટર ત્રિવેદી ધ્યાનથી સાંભળી રહ્યો હતો. વિભાકર અદબ વાળીને શાંતિથી ઊભો હતો. દાદાજીની છબીને વંદન કરીને એણે પિતા સામે જોયું. 'હવે હું જાઉં?' એમણે આંખના ઇશારાથી જ સંમતિ આપી અને વિભાકર એ ચેમ્બર છોડીને પોતાની ચેમ્બરમાં ગયો.

ટ્રાવેલ એજન્ટનો માણસ આવીને પ્લેનની ટિકિટો અને દિલ્હી તથા હરિદ્વારની હોટલની વિગત આપી ગયો.

લાગતા- વળગતા તમામ સરકારી અધિકારીઓને પરિવાર સાથે દશેરાની પાર્ટીમાં બોલવવાના. ત્રણેય ભાઇઓ પ્રેમથી અધિકારીઓની આગતા સ્વાગતા કરે અને જેને પૂછવા જેવું હોય એને હળવેથી પૂછી લેવાનું કે સાહેબ આ દિવાળીમાં કેરાલા જવું છે કે નૈનિતાલ?

બોપલની ટાઉનશિપ પરથી આદિત્ય અને ભાસ્કર છેક સાંજે આવ્યા. બંને ખુશ હતા. 'વિભાદાદા, તારો આડિયા કામમાં આવી ગયો. બેન્કના એમ.ડી.ની સાથે બીજા બે ટોચના ઓફિસર આવ્યા હતા. બેન્કનું એક ટ્રેઇનિંગ સેન્ટર અમદાવાદમાં ખોલવાનું એમની સેન્ટ્રલ ઓફિસ વિચારે છે. સ્ટાફ અને અધિકારીઓ માટેના ક્વાટર્સ તરીકે ચોવીસ ફ્લેટનું તો ફાઇનલ થઇ ગયું. એ ઉપરાંત, એક ફ્લોરના ચાર ફ્લેટને બદલે એ લોકોની ડિઝાઇન મુજબ હૉલ બનાવી આપવાનો અને ટ્રેઇનિંગ માટે આવનાર કર્મચારીઓ માટે આઠ ફ્લેટ એમની ડિઝાઇન મુજબ ફેરફાર કરીને બનાવી આપવાનું પણ આપણે સ્વીકાર્યું છે. એટલે કુલ છત્રીસ ફ્લેટનો કારોબાર થઇ ગયો.' આદિત્યે ઉત્સાહથી માહિતી આપી.


'વેલ ડન!' વિભાકરે વારાફરતી બંને ભાઇઓ સાથે હાથ મિલાવીને શાબાશી આપી. 'એ ત્રણેય ઓફિસરનાં નામ અને કોન્ટેક્ટ નંબર જિતુકાકાને આપી દેજો. દશેરાની ફાફડા- જલેબી પાર્ટીમાં એમને ફેમિલી સાથે બોલાવાના.'

છેલ્લાં વીસેક વર્ષથી હરિવલ્લભદાસ અને વિભાકરે આ પરંપરા શરૂ કરી હતી. દશેરાના દિવસે સવારે દસ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી બંગલાની લોનમાં ફાફડા- જલેબીની પાર્ટી. ગરમાગરમ ફાફડા અને કેસરવાળી જલેબી તો તાવડામાંથી ઊતરે, પણ એ ઉપરાંત ભોજન સમારંભ પણ ખરો. લાગતા- વળગતા તમામ સરકારી અધિકારીઓને પરિવાર સાથે આ પાર્ટીમાં બોલવવાના. ત્રણેય ભાઇઓ પ્રેમથી અધિકારીઓની આગતા સ્વાગતા કરે અને જેને પૂછવા જેવું હોય એને હળવેથી પૂછી લેવાનું કે સાહેબ આ દિવાળીમાં કેરાલા જવું છે કે નૈનિતાલ? એ કહે એ રીતે પાંચ- છ દિવસની પેકેજ ટૂરની વ્યવસ્થા ગોઠવી આપવાની. ટૂરની ના પાડીને મોટું સ્માર્ટ ટીવી માગનારા અધિકારીઓની ઇચ્છા પણ પૂરી કરવાની.


ત્રણેય ભાઇઓ એક સાથે હરિવલ્લભદાસની ચેમ્બરમાં ગયા અને આ વધામણી આપી.

એ વખતે બંગલામાં અલકા અને ભાવિકા હરિવલ્લભદાસના ઓરડામાં પેકિંગ કરી રહ્યા હતા. સસરાજી બારેક દિવસના પ્રવાસે જવાના હતા એટલે એમની બેગમાં બંને વહુઓ યાદ કરી કરીને બધું ગોઠવી રહી હતી. 'કબાટના નીચેના ખાનામાં ગરમ કપડાં હશે. એમાંથી સ્વેટર અને બુઢિયા ટોપી બહાર કાઢ.' અલકાએ ભાવિકાને સૂચના આપી. 'આપણે ત્યાં નથી, પણ ત્યાં તો ઠંડી હશે.'

'આમાંથી કયું સ્વેટર મૂકવાનું છે?' ગરમ કપડાંનો આખો થપ્પો બહાર કાઢીને ભાવિકાએ જેઠાણી સામે જોયું. 'બુઢિયા ટોપી તો બે જ છે. એમાં આ કથ્થઇ કલરની છે એ વધુ સારી છે.'

ટૂથપેસ્ટ- બ્રશથી માંડીને બામની શીશી સુધીની બધી વસ્તુઓ મોટી બેગ અને હેન્ડબેગમાં ગોઠવાઇ ગઇ હતી. 'ત્યાં ટેબલના ખાનામાં એકસ્ટ્રા ચશ્માં હશે એ લાવ. એ પણ મૂકી દઇએ. પ્રવાસમાં ચશ્માં તૂટી જાય કે ખોવાઇ જાય તો એ ત્યાં તાત્કાલિક ના મળે. વધારાની એક જોડ સાથે રાખવી સારી.' અલકાએ કહ્યું એટલે ભાવિકા ટેબલ પાસે ગઇ અને ડ્રોઅર ખોલ્યું. ચશ્માંનું બોક્સ બહાર કાઢી લીધા પછી પણ એણે ડ્રોઅરમાં ખાંખાખોળાં ચાલુ રાખ્યાં.

'હવે શું શોધે છે?' અલકાએ જિજ્ઞાસાથી પૂછ્યું. અલકા સામે આંખ મિંચકારીને ભાવિકાએ પાછળ ભીંતમાં જડેલી તિજોરી તરફ ઇશારો કર્યો. 'પપ્પાજી આની ચાવીઓ પણ ડ્રોઅરમાં રાખે છે કે નહીં એ ચેક કરતી હતી.'

'અરે ગાંડી.' અલકા હસી પડી. 'વીસ વર્ષથી આ બંગલામાં રહે છે તોય પપ્પાજીનો પરિચય નથી? આ તિજોરીની ચાવી તો એ જીવની જેમ સાચવીને પોતાની પાસે જ રાખે છે. નિમુબા તો નાની ઉંમરે ગુજરી ગયેલાં એટલે એમની ખબર નથી, બાકી આ ચાવી મંજુબાને પણ ક્યારેય મળી નથી.' ઓરડાના બીજા ખૂણામાં નાની તિજોરી પડી હતી એની સામે આંગળી ચીંધીને અલકાએ માહિતી આપી. 'આ તિજોરીમાં મંજુબા એમના રોજબરોજના દાગીના રાખતા હતા એટલે એની ચાવી મંજુબા કેડે ખોસીને રાખતાં હતાં. એમના મોટા દાગીના તો પપ્પાજીની તિજોરીમાં જ રહેતા હતા. વારતહેવારે જોઇએ ત્યારે એ પપ્પાજીને કહે અને પપ્પાજી કાઢી આપે.' એના અવાજમાં અફસોસ ભળ્યો. 'હું તો તારા કરતાં બે વર્ષ વહેલી આ બંગલામાં આવી છું. આ બાવીસ વર્ષમાં અંદર શું છે એના દર્શનનો લાભ તો મનેય નથી મળ્યો. પપ્પાજી જ્યારે પણ તિજોરી ખોલે ત્યારે ઓરડાનું બારણું પહેલાં બંધ કરે એટલે અંદરના ખજાનાની તો કદાચ આદિત્યનેય ખબર નહીં હોય.'

'યુ આર રાઇટ.' ભાવિકાએ યાદ કરીને કહ્યું. 'એક વાર કંઇક વાત નીકળેલી ત્યારે ભાસ્કરે પણ કહેલું કે બાપા કોઇની પણ હાજરીમાં તિજોરી નથી ખોલતા.'

'વીસ કિલો સોનું, દોઢસો ડાયમંડ્ઝ ઉપરાંત ઢગલાબંધ દાગીના. આ ઉપરાંત એકેએક પ્રોપર્ટીના દસ્તાવેજોથી માંડીને બેન્કની એફ.ડી.ની રસીદો આ બધોય ખજાનો અંદર હોય એટલે કોઇ પણ માણસ આટલી કાળજી તો રાખે જ.' અલકાએ સાહજિકતાથી કહ્યું.

'નિમુબા અને મંજુબાએ લખેલા પ્રેમપત્રો પણ એમણે તો આમાં જ સાચવીને રાખ્યા હશેને?' ભાવિકાએ હસીને પૂછ્યું. 'એ વખતે ફોન નહોતા એટલે પત્રો જ હશેને?'

'પૈસા સંઘરવાની જ લાલસા હોય એ માણસને પ્રેમપત્રો સાચવવાની પરવા ના હોય.' અલકાએ વરવી વાસ્તવિકતાનું ભાન કરાવ્યું. 'કાશીબા કહેતાં હતાં કે નિમુશેઠાણી તો ગારિયાધાર જેવા ગામડાની ગોરી. શહેરમાં ભૂલા પડેલા સુદામાની જેમ એ આ બંગલામાં આવેલાં. સાવ સીધાં-સાદાં અને ધાર્મિક વૃત્તિવાળાં. એટલે આઇ એમ શ્યોર કે એમણે રોમેન્ટિક પત્રો નહીં લખ્યા હોય. મંજુબા તો પપ્પાજીની પેઢીમાં નોકરી કરતા હતા. આંખ સામે જ હોય એને પત્રો શા માટે લખે?'

અલકાએ ગંભીર બનીને ધીમા અવાજે ઉમેર્યું. 'નિમુબા ગુજરી ગયાં એ પછી છ મહિનામાં જ પપ્પાજીએ મંજુબા જોડે મેરેજ કરેલાં. ધેટ મીન્સ, પેઢીમાં નોકરી કરતી વખતે જ એમણે શેઠનું દિલ જીતી લીધું હશે. નિમુબા જીવતાં હતાં ત્યારેય એમનું ઇલુ ઇલુ ચાલતું હોય એવું પણ શક્ય છે. સાચું ખોટું રામ જાણે પણ વચ્ચે એક વાર પિયર ગયેલી ત્યારે પપ્પાના એક ભાઇબંધે આ અંગે હસીને ટકોર કરેલી એના ઉપરથી લાગ્યું કે દાળમાં કંઇક કાળું હશે.'

સહેજ અટકીને એણે ઉમેર્યું. 'તિજોરીમાં પ્રેમપત્રો હશે કે નહીં એની ખબર પણ નથી, પણ પિસ્તોલ છે એની ખાતરી છે. પપ્પાજી એમની રિવોલ્વર પણ તિજોરીમાં રાખે છે.'

'આટલાં વર્ષો પછી આટલા બધા દિવસ માટે એ બહાર જાય છે એટલે જતી વખતે ચાવી ગળે લટકાવીને લઇ જશે?' ભાવિકાએ હસીને પૂછ્યું. 'કે પછી ત્રણેય દીકરાઓને ભેગા કરીને એમાંથી એકને જવાબદારી સોંપશે?'

'હરિવલ્લભદાસ શેઠને ઓળખવાની તારી હેસિયત નથી, છોટી!' અલકાએ રણકતા અવાજે કહ્યું. 'હું શરત મારવા તૈયાર છું કે એમનાથી ચાવીની માયા ના છૂટે. વળી, એ એવું પણ વિચારે કે કોઇ એક દીકરાને ચાવી આપીશ તો બાકીના બેને ખોટું લાગશે. પોતાની જાતે જ આવું વિચારીને એ કોઇનેય ચાવી નહીં આપે.' એણે હસીને ઉમેર્યું. 'પોતાની સાથે લઇ જઇને તિજોરીની ચાવીનેય ગંગાજીમાં ડૂબકી ખવડાવશે!'


અલકાએ આવું કહ્યું એટલે ભાવિકા ખડખડાટ હસી પડી.

એ જ વખતે કાશીબા આવીને ઓરડાના બારણે ઊભાં રહ્યાં. 'અલ્યા, સામાન પેકિંગમાં તમને બંનેને આટલું હસવું કેમ આવે છે?'

'આ ભાવિકાને તિજોરી ખોલીને અંદરના ખજાનાનાં દર્શન કરવાનું મન થયું એટલે મેં કહ્યું કે એ ઇચ્છા અધૂરી લઇને તો નિમુબા અને મંજુબા ઉપર પહોંચી ગયાં, એમાં તારો શું ક્લાસ? તો એ કહે કે પપ્પાજી આવે એટલે આપણે સાથે મળીને એમને રિક્વેસ્ટ કરીએ કે તમે પ્રવાસે જાવ ત્યારે આ વખતે તિજોરીની ચાવી અમને બંને વહુઓને સાચવવા આપજો.'

કાશીબા પણ હસી પડ્યાં. જમણા હાથની કોણી ડાબા હાથની હથેળીમાં મૂકીને, જમણા હાથની હથેળીને કાટખૂણે વાળીને ફેણવાળો નાગ ડોલતો હોય એમ હાથ હલાવ્યો.' હું તો દસ વર્ષની ઢબૂડી હતી ત્યારથી બંગલાની સેવા કરું છું. મોટા શેઠ જીવતા હતા ત્યારે એમણે પણ તમારા સસરાને ક્યારેય ચાવી નહોતી આપી. કાલે શેઠ યાત્રાએ જશે તોય તમારા બેમાંથી એકેયના વરને ચાવી નહીં આપે. એમની ગેરહાજરીમાં તો વિભાશેઠ મોભી બનશે પણ એનેય ચાવી તો નહીં જ મળે.'

પોતે કેમ આવેલાં એનું સ્મરણ થયું એટલે એ અટક્યાં. 'ચા બની ગઇ છે અને ગોરધન મેથીના ગોટા બનાવે છે એટલે ફટાફટ આવો.'

દેરાણી- જેઠાણી સાથે બેસીને ગરમાગરમ ગોટાની મજા લેતાં હતાં ત્યારે મહારાજે આવીને પૂછ્યું. 'બાપાજી કાલે સાંજે જવાના છે, તો સાથે લઇ જવા નાસ્તામાં શું શું બનાવું?'

'પપ્પાજીના ત્રણેય ભાઇબંધોને સાથે કંઇ લેવાની ના પાડી છે એટલે ચાર જણાને દસ- બાર દિવસ કટકબટક ખવાય એ રીતની આઇટમો બનાવવી પડશે.' અલકાએ કહ્યું. 'ત્યાં જમવાનું ભાવે ના ભાવે, નાસ્તો હશે તો ટેકો રહેશે. થ્રી સ્ટાર અને ફાઇવ સ્ટાર હોટલનું જમવાનું આપણને ભાવે એવું નથી હોતું.

ભાવિકા અને અલકાએ નાસ્તા માટે સૂચના આપી દીધી.

એરપોર્ટ પર એક કલાક વહેલા પહોંચવાનું હતું એટલે ત્રણેય મિત્રો તો એમની બેગો લઇને ત્રણ વાગ્યે જ બંગલે આવી ગયા હતા. ચારેય વડીલોને સહીસલામત વિમાનમાં બેસાડી આવવાની જવાબદારી ભાસ્કરે સંભાળી લીધી. આખા પરિવારે વિદાય આપી અને ભીખાજીએ કાર ઉપાડી.

‘હું તો દસ વર્ષની ઢબૂડી હતી ત્યારથી બંગલાની સેવા કરું છું. મોટા શેઠ જીવતા હતા ત્યારે એમણે પણ તમારા સસરાને ક્યારેય ચાવી નહોતી આપી. કાલે શેઠ યાત્રાએ જશે તોય તમારા બેમાંથી એકેયના વરને ચાવી નહીં આપે. એમની ગેરહાજરીમાં તો વિભાશેઠ મોભી બનશે પણ એનેય ચાવી તો નહીં જ મળે.’

આદિત્ય, અલકા, ભાવિકા અને વિભાકર બંગલામાં આવ્યાં.

મોબાઇલની રિંગ વાગી અને સ્ક્રીન ઉપર અજાણ્યો નંબર જોઇને વિભાકર સોફામાં બેઠો અને ફોન ઉઠાવ્યો. 'હલ્લો, વિભાકર હિયર. આપ કોણ?'

'તારો બાપ બોલું છું (ગાળ)!' લોખંડ ઘસાતું હોય એવા કર્કશ ઘાંટા સાથે જે કહેવાયું એ સાંભળીને વિભાકર ઊભો થઇ ગયો. 'મારી રજા વગર આલતુ- ફાલતુ માણસો જોડે જમીનના સોદાની ખટપટ કરીશ તો ટાંટિયા ભાંગી નાખીશ!' એક જ સેકન્ડમાં વિભાકરને ખ્યાલ આવી ગયો કે આ જિતુભાનો તડીપાર નાનો ભાઇ વિજુભા બોલી રહ્યો છે. અલકા, ભાવિકા અને આદિત્યથી દૂર ખસીને એણે રણકતા અવાજે કહ્યું.


'વિજુભા, તમારાથી પણ મોટા અવાજે કાનમાંથી કીડા ખરી પડે એવી ગાળો અર્ધો કલાક સુધી સંભળાવી શકું એટલી તાકાત છે મારામાં, પણ એ મારા સંસ્કાર નથી. તમારી સંમતિ વગર જમીનનો સોદો ના થઇ શકે એટલી સમજણ મારામાં છે. એટલે પ્લીઝ, શાંતિથી વાત કરવાની તૈયારી હોય તો બોલો. બાકી, એ જમીન જાય તેલ લેવા. મને કોઇ રસ નથી!'
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી