‘ખેતર સામે તાકીને અમે ત્રણેય એકબીજાની સામે તલવાર ખેંચીને ઊભા રહીશું. ટ્રેનને આવવું હોય તો ભલે આવે. કટકા ભલે થઇ જાય પણ ખસીશું નહીં.’

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 04, 2018, 12:04 AM IST

પ્રકરણઃ53
'બજારભાવની
ગણતરી કર્યા વગર આ રકમ મેં નક્કી કરી છે.' જિતુભાના ચહેરા સામે જોઇને વિભાકરને થોડી ઘણી આશા બંધાઇ હતી. એણે બોલવાનું ચાલુ રાખ્યું. 'આપના હિસ્સામાં જે સાંઇઠ કરોડ આવવાના એમાંથી તો આપ ધારો એ કરી શકો. વિજુભા પણ આ રકમ સાંભળીને રાજી થઇ જશે એવી મારી ગણતરી છે. પોતાને પચાસ ટકાના ભાગીદાર માનનાર પ્રભાતસિંહને કદાચ આ રકમ ઓછી લાગશે, પણ એમને સમજાવી શકાશે એવી મને ખાતરી છે. તમારા ત્રણેય પરિવારમાં સંપ થાય અને મને મારી બંને માતાઓના આશીર્વાદ મળે. આમ, આ સોદો થાય એ આપણા બધાના માટે કલ્યાણકારી છે.'

'આપે જે રકમ કહી એ દસ પેઢી સુધી તો આરામથી ચાલે. એ છતાં, તલવાર ખેંચીને એ ખેતરની સામે તાકીને અમે ત્રણેય ભાઇઓ ટણી પકડીને બેઠા છીએ. આ હકીકત સમજવા છતાં વડીલ તરીકે હું લાચાર છું.’

ચાનો ખાલી કપ ક્યારનોય હાથમાં હતો એ હવે નીચે મૂકીને વિભાકરે જવાબની આશાએ જિતુભા સામે જોયું. જિતુભાના હોઠ મલક્યા. એમના સ્મિતમાં પીડા હતી.

'વોટ્સેપના બધા મેસેજ આવે છે એ વાંચો છો?' એમણે આવું પૂછ્યું એટલે વિભાકર ચમક્યો. ડોકું ધુણાવીને એણે ના પાડી. 'આઠસો મેસેજ ડિલિટ કરવામાં ટાઇમ બગાડું છું પણ વાંચતો નથી.' એણે જિતુભા સામે જોયું. 'આવું કેમ પૂછ્યું, બાપુ?'

'અમારા જેવા રિટાયર્ડ માણસ માટે તો આ બેસ્ટ ટાઇમપાસ છે. દુનિયાભરના સાચ- ખોટા વીડિયો આવે એ જોવાના. વાત લાંબી છે પણ સાંભળો. નેશનલ જ્યોગ્રાફિકના નામે હમણાં એક વીડિયો આવેલો. ગીરના જંગલમાંથી એખ રેલવે ટ્રેક પસાર થાય છે એ તો ખ્યાલ છે ને? વચ્ચે એવું બનેલું કે દર પંદર- વીસ દિવસે એક સિંહ ટ્રેનની નીચે આવીને કપાઇ જાય. આખા જંગલમાં સેંકડો જાતનાં પ્રાણી રહે. એમાંથી બીજાં કોઇ પ્રાણી પાટા પર કપાય નહીં અને માત્ર સિંહ જ કેમ? સરકારે અને નેશનલ જ્યોગ્રાફિકવાળાએ ત્યાં કેમેરા ગોઠવ્યા. એમાં જોયું કે ટ્રેન આવે અને એનો ખખડાટ થાય કે વ્હીસલ વાગે એટલે પાટા ઉપરનાં બીજાં બધાં પ્રાણી તરત ભાગી જાય. ટ્રેનની પરવા કર્યા વગર એની સામે તાકીને સિંહ તો જ્યાં ઊભો હોય ત્યાં પાટા પર જ ઊભો રહે. એ ક્ષેત્રના વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું કે સિંહ જંગલનો રાજા છે. જંગલમાં એ જ્યારે પસાર થતો હોય ત્યારે બીજું કોઇ પ્રાણી એની સામે આવવાની હિંમત ના કરે.

ભેંસ કે હરણનું ટોળું હોય તો પણ ખસીને જંગલના રાજાને જગ્યા કરી આપે. રાજા, પાછો ખસીને કોઇને રસ્તો ના આપે. એની આવી ખુમારીને લીધે ટ્રેનને જોઇને પણ સિંહ એમ જ વિચારે કે આ પ્રાણી રસ્તો બદલી નાખશે. હું શા માટે ખસું? આ વૈચારિક સમજને લીધે એ કપાઇ જાય પણ ખસે નહીં.'

એકશ્વાસે આટલી કથા કહ્યા પછી જિતુભાએ વિભાકર સામે જોયું. 'જંગલના રાજા તરીકે સિંહની ખુમારી ગણો કે ટણી માનો, એ ખુવાર થઇ જાય પણ નમતું ના જોખે. મૂળભૂત રીતે તો અમે બધાય રાજવી પરિવારનાં સંતાન એટલે અમારા ડી.એન.એ. પણ થોડાઘણા એ સિંહને મળતા આવે. ખુવાર થઇને પણ ખુમારી નહીં છોડવાની એવું આજની તારીખમાં પણ અમારા અમુક ભાઇઓ માને છે. એમાં એમનો કોઇ દોષ નથી. રાજા તરીકે જે રંગસૂત્રોનો વારસો મળ્યો હોય એમાં આ લક્ષણ આવે.' માણસને બીજી વાર ચા લાવવાનો આદેશ આપીને એમણે વિભાકર સામે જોયું. 'આપે જે રકમ કહી એ દસ પેઢી સુધી તો આરામથી ચાલે. એ છતાં, તલવાર ખેંચીને એ ખેતરની સામે તાકીને અમે ત્રણેય ભાઇઓ ટણી પકડીને બેઠા છીએ. આ હકીકત સમજવા છતાં વડીલ તરીકે હું લાચાર છું. મારા નાનાભાઇ વિજુભા તો મારામારીના કેસમાં તડીપાર છે. આપ એમને મળીને સાંઇઠ કરોડ આપવાની વાત કરશો તો સાંઇઠ કરોડ મળે છે એની સામે જોયા વગર એ સીધું જ પૂછશે કે પેલા પ્રભાતસિંહને નેવું કરોડ કેમ? એમનાથી ઓછો એક પૈસોય મારે ના જોઇએ એમ કહીને બે ગાળ દઇને તમારી બોચી પણ પકડે.'

વિભાકરના ખભે હાથ મૂકીને એમણે કબૂલ કર્યું. 'તમારી લાગણી સમજું છું. સાંઇઠ કરોડનું મહત્ત્વ પણ સમજું છું. એટલે આ ઓફરમાં મારી પૂરેપૂરી સંમતિ છે. પ્રભાતસિંહને તમે સમજાવી શકો તો અતિ ઉત્તમ. ભલે એ મારી સામે કોર્ટે ચડ્યો, પણ એનામાં ખાનદાની અને વિવેકબુદ્ધિ છે. એટલે એ કદાચ માની જશે. પણ વિજુભાના કેસમાં મારી કોઇ ગેરંટી નહીં. એ ગમે તે કરી શકે. ધડ દઇને વાત સ્વીકારી લે તો તમારું નસીબ પણ નવ્વાણું ટકા એવી કોઇ શક્યતા નથી. પ્રભાતસિંહને નેવું કરોડની વાત સાંભળીને એ તમારા પર ચિડાશે.'

લગીર અટકીને એમણે રસ્તો બતાવ્યો. 'પ્રભાતસિંહને પણ સાંઇઠ કરોડ જ આપવાના છે એવી વાત તમે જાહેર કરો. સાચી વાત માત્ર હું, તમે ને પ્રભાતસિંહ જ જાણીએ. એવું હોય તો બાકીના ત્રીસ કરોડ એમને રોકડા આપવાનું રાખજો એટલે દસ્તાવેજ વખતે પણ ભરમ જળવાઇ રહે. આવું કંઇક કરો તો મેળ પડશે. બાકી આ સંઘ કાશીએ નહીં પહોંચે. ખેતર સામે તાકીને અમે ત્રણેય એકબીજાની સામે તલવાર ખેંચીને ઊભા રહીશું. ટ્રેનને આવવું હોય તો ભલે આવે. કટકા ભલે થઇ જાય પણ ખસીશું નહીં.'

એમના અવાજમાં પીડા ભળી. 'ખરેખર તમારી સ્કીમ પૈસાની દૃષ્ટિએ અને સંબંધની દૃષ્ટિએ અતિઉત્તમ છે. આઇ એમ રેડી. પ્રભાતસિંહને તમે તૈયાર કરો અને વિજુભા માની જાય એ માટે ઇશ્વરને પ્રાર્થના કરો. વડીલ તરીકે આ બધું જોઇને દુઃખ થાય છે. જીવ્યા એટલાં વર્ષ તો હવે જીવવાનું નથી. જે થોડાં ઘણાં વર્ષની મૂડી હાથમાં છે એમાં આવું સારું કામ પતી જાય તો ઉપર જઇએ ત્યારે મનમાં કોઇ ડંખ ના રહે. વિજુભા તડીપાર છે પણ ક્યારેક ક્યારેક ગામમાં આવે છે. એમને આ સંદેશો મોકલાવી દઇશ એટલે એ આપની સાથે મુલાકાત માટે સામેથી જ દોડતો આવશે.'

એમણે તાકીદ કરી. 'ત્રણેયને સાંઇઠ- સાંઇઠ કરોડ જ આપવાના છે એ રીતે વાત કરવાનું ભૂલતા નહીં. પ્રભાતસિંહને પણ સમજાવી દેજો.'

માણસ ચા લઇને આવ્યો. વિભાકરે ચા પીધી ચા પીધા પછી એણે રજા માગી.

'વિજુભાને આપનો મોબાઇલ નંબર આપી દઇશ. એ મહારાજાનો ફોન આવે ત્યારે સંભાળીને વાત કરજો. હેન્ડલ વિથ કેર જેવો કેસ છે. મોટો ભાઇ છું એ છતાં મારાથી એને કંઇ કહેવાતું નથી. રાત્રે ગામમાં આવે ત્યારે કોઇ જરૂર નથી હોતી એ છતાં લોડેડ રિવોલ્વર સાથે રાખીને જ ફરે છે. એ વટના કટકા જોડે વિચારીને વાત કરજો. બાકી તો જેવી હરિની ઇચ્છા.'

પરસ્પર જય માતાજી કહીને બંને છૂટા પડ્યા. જિતુભા વિભાકરને કાર સુધી વિદાય આપવા આવ્યા.

કાર અમદાવાદ તરફ આગળ વધતી હતી ત્યારે વિભાકરના હોઠ પર વિજયનું સ્મિત રમતું હતું. જિતુભા જેવા સમજદાર સજ્જનને મળીને એને આનંદ થયો હતો. બાપાની ઇચ્છા પૂરી કરવા માટે એક માત્ર વિજુભાને મનાવવાનું કામ બાકી હતું. એ પણ વહેલી તકે પતી જશે એવો એને વિશ્વાસ હતો.

બંગલે જવાને બદલે એ સીધો ઓફિસે ગયો. આદિત્ય અને ભાસ્કર તો આજે બોપલની ટાઉનશિપમાં હશે એટલે પપ્પાજી એકલા ઓફિસમાં હશે એવી એને ધારણા હતી.

ઓફિસમાં પોતાની ચેમ્બરમાં જતાં અગાઉ હરિવલ્લભદાસની ચેમ્બરમાં જઇને ત્યાં લટકતી દાદાજીની છબીને પ્રણામ કરવાની પરંપરા ત્રણેય ભાઇઓએ જાળવી રાખી હતી. એમની ચેમ્બરનું બારણું લગીર ખોલીને એણે અંદર જોયું કે પપ્પાની સામે બેઠેલા કોઇ સૂટેડ-બૂટેડની પીઠ દેખાઇ એટલે સેકન્ડના દસામા ભાગમાં જ બારણું બંધ કરીને બહાર નીકળી ગયો.

બાપ અને ત્રણ દીકરાઓ વચ્ચે એવી સમજણ હતી કે કોઇની પણ ચેમ્બરમાં પરિવારના સભ્ય સિવાયની બીજી કોઇ બહારની વ્યક્તિ બેઠી હોય તો અંદર નહીં જવાનું. આદિત્યની ચેમ્બરમાં વિભાકર બેઠો હોય તો ભાસ્કર અંદર આવે પણ ભાસ્કરની ચેમ્બરમાં જો સામેની ખુરસી પર કોઇ બહારની વ્યક્તિ બેઠી હોય તો વિભાકર પણ અંદર પગ ના મૂકે.

અત્યારે એ બહાર નીકળ્યો કે તરત એણે પપ્પાની બૂમ સાંભળી એટલે ફરીથી બારણું ખોલીને એ અંદર ગયો. પપ્પાની સામે સોલિસિટર ત્રિવેદી બેઠા હતા.

'રે ગાંડા, મારી ચેમ્બરમાં કોઇ પણ બેઠું હોય તો પણ તને અંદર આવવાની છૂટ.' હરિવલ્લભદાસે હસીને વિભાકરને ઠપકો આપ્યો. 'એમાંય આ ત્રિવેદી સાહેબ તો આપણા ફેમિલી મેમ્બર જેવા છેને?' એમણે ત્રિવેદી સામે જોયું. 'આમ તો આ આખું રજવાડું ઊભું કરવામાં આ વિભાની જબરજસ્ત મહેનત. એકલી મહેનત નહીં પણ સાથે સમજદારી અને હિંમત. આદિત્ય અને ભાસ્કર મહેનતુ ખરા પણ નાગા સામે નાગા થવાની હિંમત તો એકલા વિભામાં જ! જમીનના ધંધામાં ઝંપલાવ્યું ત્યારતી વિભો મારી પડખે ઊભો છે. તમને તો ખબર છે કે આ ધંધામાં કેવા કેવા નમૂનાઓ સાથે કામ પાડવું પડે. ઢીલા પડીએ અને ચાલાકી ના હોય તો લોકો ચડ્ડી પણ ઉતારી જાય. વિભો ભલભલાને ભૂ પીવડાવી દે અને પહેલવાનની જેમ એ ઊભો હોય ત્યારે કોઇ ચૂં કે ચા કરવાની હિંમત ના કરે.'

એમણે વિભાકર સામે જોયું. એ હજુ ઊભો જ હતો. હરિવલ્લભદાસે ખુરસી તરફ ઇશારો કર્યો. ખુરસી પર બેઠા વગર વિભાકરે વિવેકથી કહ્યું. 'આપ કોઇ અંગત કામ કરી રહ્યા હોય એમાં મારી હાજરીથી ખલેલ પડશે. એટલે હું મારી જગ્યાએ જાઉં એ જ બેટર રહેશે.'

હરિવલ્લભદાસ ખડખડાટ હસી પડ્યા. 'અલ્યા, તારી આટલી તારીફ કરી તોય તું કંઇ સમજતો નથી. જ્યારે બાપ દીકરાના આટલાં વખાણ કરે ત્યારે દીકરાથી ખાનગી રાખવા જેવું એ બાપ પાસે શું હોય?' એમણે સમજાવ્યું. 'વિલ બનાવવાની વાત મનમાં ક્યારનીયે ઘૂંટાતી હતી એટલે ત્રિવેદીસાહેબને સંદેશો મોકલાવેલો. એ સાહેબ અમેરિકા હતા. હવે આવ્યા એટલે એમણે મુલાકાત લીધી.' ત્રિવેદી સામે નજર કરીને એમણે વિભાકર સામે મોં મલકાવ્યું. 'આમ તો જે છે એ બધુંય તારું જ છે ને? એ છતાં કોઇને અન્યાય ના થાય એનું ધ્યાન રાખવા માટે વિચારવું પડે. આ ત્રિવેદી સાહેબ થોડા વધારે પડતા ચીકણા છે. એ કહે કે વિલ બનાવતાં અગાઉ તમારી તમામ પ્રોપર્ટી.' આંગળી ઊંચી કરીને એમણે વિભાકરને વીંટી બતાવી. 'આ વીંટી સુધ્ધાં અંદર આવી જાય એ રીતે મિલકતની યાદી બનાવી રાખો. એમણે આ હોમવર્ક આપ્યું એટલે હવે કામ ઢીલમાં પડશે.' એમણે ત્રિવેદી સામે જોયું.

'કાલે સાંજે તો હું તારા દોસ્તારો સાથે હરિદ્વાર બાજુ ફરવા જવાનો છું. દસ દિવસના આ વેકેશનનો આઇડિયા પણ વિભાકરનો. મંજુ ગઇ એ પછી થોડીક હતાશા આવેલી. આ હવાફેરથી પાછો મૂડમાં આવી જઇશ એવું વિચારીને વિભાકરે મારા ભાઇબંધોને આ પ્રવાસ માટે તૈયાર કર્યા અને આલાગ્રાન્ડ વ્યવસ્થા ગોઠવી આપી. વિલની વાત આ વેકેશન પતાવીને આવું એ પછી રાઇટ?'

પ્રશ્ન પૂછીને એમણે ત્રિવેદીને સૂચના આપી. 'બીજી એક વાત પણ સમજી લો. કોઇ પણ મુદ્દે આ વિભાકર તમને કંઇ પણ કહે ત્યારે એ મેં જ કહેલું છે એમ માનીને તમારે અમલ કરવાનો. આ મારી ક્લિયરકટ ઇન્સ્ટ્રક્શનછે. અન્ડરસ્ટેન્ડ?'
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી