‘તમારા ત્રણેય ભાઇઓ સાથે સમાધાન થઇ જાય અને દરેકના હાથમાં માતબર રકમ આવે તો બાકીની જિંદગી આરામથી વિતાવી શકાય’

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 03, 2018, 12:05 AM IST

પ્રકરણઃ52
'ગુડ મોર્નિંગ.
' સવારે દસેક વાગ્યે ફોન કરીને જયંતીએ ટહૂકો કર્યો એટલે વિભાકરે એને પૂછ્યું. 'અલ્યા, ક્યાંથી બોલે છે? મેરઠથી કે દિલ્હીથી?'

'અમદાવાદથી.' જયંતીએ માહિતી આપી. 'રાત્રે દિલ્હી આવી ગયો. ટ્રેનના જનરલ ડબ્બામાં છાપું પાથરીને લાંબો થઇ ગયો. વહેલું આવે અમદાવાદ. હમણાં જ ઘેર આવ્યો. જમીને એકાદ કલાક આરામ કરીને ઓફિસે આવું છું.'

‘આખા એશિયાનું મોટામાં મોટું શિપબ્રેકિંગ અલંગમાં છે અને વેપારીઓ સિન્ડિકેટ બનાવીને ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ભંગાર થયેલું જહાજ ખરીદે છે. કોઇ ખમતીધર હોય એ એકલા હાથે આખી સ્ટીમર ખરીદવાની હિંમત કરે છે.’

'ઓફિસે આવવાની કોઇ ઉતાવળ નથી. થાકી ગયો હોય તો શાંતિથી આરામ કર.' વિભાકરે સલાહ આપી. 'કંઇ વિશેષ જાણવા જેવું હોય તો ફોન પર જ કહી દે.'

'છેલ્લે છેલ્લે એવી બાતમી મળી કે મિશ્રાજી મર્ડર કેસના મૂળિયાં ગુજરાતમાં છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડના કોઇ માંધાતાના બાર કરોડનો મિશ્રાએ ફંદો કરેલો એટલે એનું આ પરિણામ આવ્યું.' જગદીશે જે વાત કહી હતી એ આખી કથા જયંતીએ વિગતવાર સમજાવી.

એની આ વાત સાંભળતી વખતે વિભાકરની વિચારવાની પ્રક્રિયા ચાલુ હતી. 'એણે તને કહ્યું કે વાત કદાચ સાચી હોય તો પણ એમાં ગુજરાતી કનેક્શન ના હોય. આખા એશિયાનું મોટામાં મોટું શિપબ્રેકિંગ અલંગમાં છે અને વેપારીઓ સિન્ડિકેટ બનાવીને ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ભંગાર થયેલું જહાજ ખરીદે છે. કોઇ ખમતીધર હોય એ એકલા હાથે આખી સ્ટીમર ખરીદવાની હિંમત કરે છે.' એણે શાંતિથી સમજાવ્યું. 'આ ભંગારિયાઓને સારી ભાષામાં સ્ક્રેપના બિઝનેસમેન કહેવાય છે એમની આર્થિક સમૃદ્ધિ આપણી કલ્પના કરતાં વધારે હોય છે. પરંતુ ત્યાં જે સિન્ડિકેટ સક્રિય છે એમાં કોઇ ગુજરાતી વીરલો નથી, લગભગ બધા જ મારવાડીઓ છે અને બાકીના પંજાબીઓ છે.' એણે જયંતીની કદર કરી. 'એની વે, તેં જે માહિતી આપી એના આધારે કોઇક સોર્સ શોધીને ત્યાં તપાસ કરાવીશ. હવે તું આ પ્રકરણમાંથી છૂટો. આરામથી ઊંઘી જા. કાલે શાંતિથી ઓફિસ આવજે.'

મોબાઇલ બાજુ પર મૂકીને વિભાકર ડાઇનિંગ ટેબલ પાસે ગયો. એ ખુરસી પર બેઠો એટલે ગોરધન મહારાજ ઉપમાની પ્લેટ અને દૂધનો ગ્લાસ મૂકી ગયો. નાસ્તો કરતી વખતે મિશ્રાજીના ખૂનીના વિચારોને એણે મગજમાંથી ખંખેરી નાખ્યા. આજે ગોધાવી જવાનું હતું અને ત્યાં જિતુભાને મળવાનું હતું. એ રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટરને કઇ રીતે મનાવી શકાય એ માટે બહુ વિચાર્યા પછી એણે નક્કી કરી લીધું કે પૈસા અને માત્ર પૈસાની વાતને જ મહત્ત્વ આપવું પડશે. એ ત્રણેય ભાઇઓના અંદરોઅંદરના ડખાનું સમાધાન પણ પૈસાથી જ થઇ જશે એવો એને વિશ્વાસ હતો.

એ નાસ્તો પતાવીને ઊભો થતો હતો ત્યારે આદિત્ય ત્યાં આવ્યો. 'આદિ, ગોધાવીની મુલાકાતે આવવાની ઇચ્છા છે?' વિભાકરે પૂછ્યું.

'આજે બોપલ જવું પડશે.' આદિત્યે જવાબ આપ્યો. 'ભાસ્કરે કોઇ બેન્કના એમ.ડી. જોડે ચક્કર ચલાવેલું છે. આપણી ટાઉનશિપમાં એ બેન્કવાળા ચોવીસ ફ્લેટ ખરીદવા ઇચ્છે છે એટલે હું ને ભાસ્કર આખો દિવસ ત્યાં જ રહીશું.'

'ઓ.કે. ઓલ ધ બેસ્ટ.' હાથ મિલાવીને વિભાકરે એને શુભેચ્છા આપી. 'ભવિષ્યમાં આ ભાવમાં આવું લોકેશન નહીં મળે એ મુદ્દો હાઇલાઇટ કરીને ચોવીસને બદલે છત્રીસ ફ્લેટનો સોદો કરવા માટે એમને તૈયાર કરવાના. ભાસ્કરે ચક્કર ચલાવેલું છે એટલે એમ.ડી.નું કમિશન પણ નક્કી કર્યું હશે. એ માણસને સમજાવવાનું કે સાહેબ, વધુ ફ્લેટ લેશો એમાં તમનેય વધુ ફાયદો જ છેને?'

'ટ્રાય કરીશ.' આદિત્યે ઉત્સાહથી કહ્યું. એને ફરી વાર શુભેચ્છા પાઠવીને વિભાકર પોતાના રૂમમાં ગયો. ગોધાવીમાં જ્યારે પ્રભાતસિંહને મળવાનું હતું ત્યારે રોલો પાડવા માટે ભપકાદાર ડ્રેસ પહેરેલો અને એમાંથી તો મોટી રામાયણ થઇ ગયેલી. મનોમન એ પ્રસંગ યાદ કરીને વિભાકર હસી પડ્યો. વાદળી રંગનું ઝીણી ચેક્સવાળું શર્ટ અને કાળું પેન્ટ પહેલીને એણે કારની ચાવી હાથમાં લીધી અને બૂટ પહેરીને રૂમમાંથી બહાર નીકળ્યો.

ડ્રાઇવર ભીખાજી ઓટલા પાસે જ ઊભો હતો. એણે વિભાકર સામે જોયું.

'બાપાજી જમ્યા પછી ઓફિસે જશે એટલે તું ઘેર જ રહે. એ વખતે આદિશેઠ કે ભાસ્કરશેઠ પણ ઘેર નહીં હોય.'

'જી.' ભીખાજીએ ડોકું હલાવ્યું અને ઓટલા પર બેસી ગયો.

વિભાકરે કાર સ્ટાર્ટ કરી. બંગલાથી એસ.જી. હાઇવેના ચાર રસ્તા સુધીના ટ્રાફિકમાં એ કંટાળી ગયો. એ પછી પણ છેક બોપલ સુધી ખુલ્લો રસ્તો તો મળ્યો જ નહીં. એ પછી કંઇક રાહત મળી. ગોધાવી ગામમાં પ્રવેશ્યા પછી પૂછપરછ કરીને એ જિતુભાની ડેલી સુધી પહોંચી ગયો.

'પધારો. પધારો.' પહેલી જ નજરે વિભાકરનું નિરીક્ષણ કરીને એમણે કહ્યું. 'ટ્રાફિકમાં કંટાળી ગયાને?'

વિભાકર હસી પડ્યો. 'મુકેશ કે અનિલ જેટલી સમૃદ્ધિ મારી પાસે નથી, નહીં તો હેલિકોપ્ટરમાં જ ઉડાઉડ કરતો.' એણે નિરાશાથી માથું ધુણાવ્યું. 'અમદાવાદના એકેએક વિસ્તારમાં એટલો ટ્રાફિક હોય છે કે કંટાળી જવાય છે. હેલિકોપ્ટર હોય તો કોઇ ઝંઝટ નહીં.'

'અહીં મારી ડેલીમાં તમારું હેલિકોપ્ટર પાર્ક થાય એટલી જગ્યા ક્યાં છે?' જિતુભાએ હસીને જવાબ આપ્યો અને વિભાકરનો હાથ પકડીને બેઠકમાં લઇ ગયા.

નોકર આવીને પાણીના ગ્લાસ આપી ગયો. 'બોલો, શું લેશો? ચા- કોફી કે હાર્ડ ડ્રિન્ક? મારી પાસે પરમિટ છે.' એમનો સવાલ સાંભળીને વિભાકરે એમની સામે હાથ જોડ્યા. 'માત્ર ચા, એ પણ સાવ ઓછી ખાંડની. ઓગણપચાસ વર્ષ થયા પણ હજુ સુધી દારૂ ચાખ્યો નથી.'

'તમને ભાઇબંધો સારા મળ્યા હશે એ માતાજીની મહેરબાની કહેવાય. બાકી આટલા પૈસાવાળા અમદાવાદના બધા શેઠિયાઓના નબીરાઓ શોખીન થઇ ગયા છે.' એમણે હસીને ઉમેર્યું. 'હું તો રિટાયર થઇ ગયો પણ અમારા ભાઇઓને એમની પાસેથી સારી કમાણી થાય છે.' એમણે વિભાકર સામે જોયું. 'એવી કોઇ કુટેવ નથી એટલે તમારી ઉંમર નથી દેખાતી. ઝગારા મારતો ચહેરો જોઇને તો તમે પાંત્રીસના જ લાગો.'

'એ પણ માતાજીની મહેરબાની.' વિભાકરે ફરીથી હાથ જોડ્યા. નોકર એક પ્લેટમાં ગાંઠિયા અને ચાના બે કપ ટ્રેમાં મૂકીને લાવ્યો. ટિપોઇ પર ટ્રે મૂકીને એ પાછો જતો રહ્યો.

'આપને સંતાનમાં?' વિભાકરે પૂછ્યું. 'બે દીકરીઓ. મોટા કુંવર અમેરિકા છે. ન્યુ જર્સીમાં એમનો પ્રોવિઝન સ્ટોર છે. બે વર્ષે એક વાર ફેમિલી સાથે આવે છે. નાના કુંવર ઇન્ડિયન એરફોર્સમાં છે. અહીં અમે ડોસા-ડોસી એ બધાની સાથે ફોન ઉપર વાત કરીને રાજી રહીએ છીએ.'

'એ બેમાંથી એકેયની પાસે કોર્ટમાં ધક્કા ખાવાનો સમય નથી. આપના પિતરાઇ પ્રભાતસિંહે જે કેસ કર્યો છે એમાં તો મુદત ઉપર મુદત પડ્યા કરશે અને કેટલાં વર્ષે મામલો ક્લિયર થશે એ ભગવાન જાણે! ઇન્ડિયાની કોર્ટોમાં સવા ત્રણ કરોડ કેસ લટકી રહ્યા છે એટલે પેઢીઓ બદલાઇ જાય તોય ચુકાદો ના આવે એવી દશા છે.'

વિભાકરે ચાનો કપ હાથમાં લઇને ધીમે ધીમે સમજાવવાનું શરૂ કર્યું. 'માન્યું કે આપને પૈસાની કોઇ એવી જરૂર નથી એ છતાં, તમારા ત્રણેય ભાઇઓ સાથે સમાધાન થઇ જાય અને દરેકના હાથમાં માતબર રકમ આવે તો બાકીની જિંદગી કોઇ ઉચાટ કે વેરભાવ વગર આરામથી વિતાવી શકાય. આપ વડીલ છો. મારાથી વધુ અનુભવી છો અને વ્યવહારિક સમજ પણ આપની વધારે હશે, એ છતાં, આવી પરિસ્થિતિ કેમ છે?'

ચહેરાની એક પણ રેખા બદલ્યા વગર જિતુભા એની વાત સાંભળી રહ્યા હતા એટલે એમના મગજમાં શું ચાલે છે એનું અનુમાન કરવાનું કામ વિભાકર માટે અશક્ય હતું. એ છતાં, એણે બોલવાનું ચાલુ રાખ્યું.

'આપનું જે ખેતર છે એ એજ્યુકેશ ઝોનમાં મુકાઇ ગયું છે એનો કદાચ આપને ખ્યાલ હશે. ગાંધીનગર જઇને મેં એ હકીકતની ખાતરી કરી લીધી છે. માત્ર નિશાળ કે કોલેજ બનાવવા માટે જ એ જમીનમાં રજાચિઠ્ઠી મળશે. એને લીધે બિલ્ડરો દોડીને આપની પાસે આવશે એવું શક્ય નથી.'

સહેજ અટકીને એણે બે ગાંઠિયા મોઢામાં મૂક્યા. ‘અમારા પરિવારે જમીનના ધંધામાં ખાસ્સી કમાણી કરી છે. એકરના ભાવે ખરીદેલી જમીન ચોરસવારના ભાવમાં વેચીને એક નંબરના ને બે નંબરના કરોડો રૂપિયા ભેગા કર્યા છે. આ ખેતર ખરીદવાની ઇચ્છામાં પૈસાની ભૂખ કારણભૂત નથી. કશુંય છૂપાવ્યા વગર જે હકીકત છે એ જ આપને કહું છું. હું સાડા ત્રણ ચાર વર્ષનો હતો ત્યારે મારી જનેતા અવસાન પામેલી. પપ્પાએ એ પછી ફરીથી લગ્ન કર્યાં. મારી એ નવી મા પણ ગયા મહિને ગુજરી ગઇ. એ બંને દેવીઓની યાદગીરીરૂપે એક વિશાળ શૈક્ષણિક સંકુલ ઊભું કરવાની અમારી ઇચ્છા છે. જો આપ સંમતિ આપો, તો બાકીના બંને ભાઇઓને માનવવા હું પ્રયત્ન કરીશ.'

પોતાની અગાઉની મુલાકાત વિશે આ બાપુને જાણકારી છે એટલે વિભાકરે ખુલાસો કર્યો. ‘થોડા દિવસ અગાઉ ગોધાવી આવીને પ્રભાતસિંહભાઇને મળેલો. પરંતુ એ વખતે મને કે એમને આ શૈક્ષણિક ઝોનનો ખ્યાલ નહોતો. અમારે માત્ર સામાન્ય વાતચીત જ થઇ હતી. ત્રણેય ભાઇઓમાં આપ વડીલ છો એટલે આપની સંમતિ સાથે આશીર્વાદ મળશે તો આ વિદ્યાધામ બનાવવાનું મારું સપનું સાકાર થશે.'

જિતુભા ગંભીર બનીને વિચારમાં ડૂબી ગયા હતા.

'મારી હવેની વાત ધ્યાનથી સાંભળો.' વિભાકરનો અવાજ પણ ગંભીર બન્યો. 'પ્રભાતસિંહભાઇ એવું માને છે કે આ ખેતરમાં અર્ધો ભાગ એમનો છે અને બાકીનો અર્ધો ભાગ આપનો અને વિજુભાનો છે. એ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. એટલે એ આખી વાત ભૂલીને મારી વાત પર વિચાર કરો. શૈક્ષણિક ઝોન બન્યા પછી જમીનનો ભાવ ડાઉન થઇ જાય એ તો આપના ખ્યાલમાં હશે જ. મેં મારી રીતે ગણતરી કરી ત્યારે બજારભાવ કરતાં પણ બંને દેવીઓના સ્મૃતિધામ જેવી સંસ્થાનો વિચાર વધુ પાવરફૂલ હતો એટલે નફા- ખોટની ગણતરી મગજમાંથી કાઢી નાખી છે. શૈક્ષણિક ઝોનની વાત ભૂલીને બજારભાવ ગણીએ તો પાંસઠ એકરની હાલની કિંમત બસો ચોસઠ કરોડ થાય. જો શૈક્ષણિક ઝોનનું વિચારીએ તો ભાવ ત્રીસ ટકા ડાઉન થાય એટલે લગભગ એકસો પંચ્યાશી કરોડની કિંમત ગણાય.'

‘હું સાડા ત્રણ ચાર વર્ષનો હતો ત્યારે મારી જનેતા અવસાન પામેલી. પપ્પાએ એ પછી ફરીથી લગ્ન કર્યાં. મારી એ નવી મા પણ ગયા મહિને ગુજરી ગઇ. એ બંને દેવીઓની યાદગીરીરૂપે એક વિશાળ શૈક્ષણિક સંકુલ ઊભું કરવાની અમારી ઇચ્છા છે.’

આંખોમાં નવી ચમક સાથે હવે જિતુભા ધ્યાનથી સાંભળી રહ્યા હતા એનો વિભાકરને ખ્યાલ આવી ગયો.

'મારે આ જમીન લેવી જ છે એટલે મેં એક ફોર્મ્યુલા વિચારી છે. વડીલ તરીકે આપ એના પર વિચાર કરો. એ પછી નાના ભાઇ વિજુભાને અને કાકાબાપુના દીકરા પ્રભાતસિંહને ખુલ્લા દિલથી મળીને ચર્ચા કરો. આપ ત્રણેય ભાઇઓ જો મારી ફોર્મ્યુલા સ્વીકારશો તો અમારા ફેમિલી ઉપર આપનો એ ઉપકાર ગણાશે. કોર્ટના ચુકાદાની રાહ જોઇને વર્ષો સુધી એકબીજાની સામે કતરાઇને ટેન્શન વચ્ચે જીવવાને બદલે અમે આપીએ એ રકમ લઇને જલસાથી જીવો. ખેતરની માટી જોઇને ભાઇઓ પ્રત્યે ખાર રાખીને જીવ બાળવાને બદલે મોટી રકમ લઇને મહારાજાની જેમ જીવો.' પોતાની સામે ઉત્સુકતાથી તાકી રહેલા જિતુભાઇને વિભાકરે સમજાવ્યું. 'ફૂલ અને ફાઇનલ પેમેન્ટ તરીકે આપને સાંઇઠ કરોડ, વિજુભાને સાંઇઠ કરોડ અને પ્રભાતસિંહભાઇને નેવું કરોડ આપવાની મારી તૈયારી છે. મારી આ વ્યાજબી વાત પર વિચારીને જવાબ આપો.' આટલું કહીને વિભાકર જિતુભા સામે તાકી રહ્યા.
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી