‘એણે એક પાર્ટીનું બાર-તેર કરોડનું દેવું કરેલું એટલે એ પાર્ટીએ એને મારી નાખ્યો અથવા મરાવી નાખ્યો!'

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 02, 2018, 12:05 AM IST

પ્રકરણઃ51
ભૂખ-તરસનું
ભાન ભૂલીને જયંતી મેરઠની લાયબ્રેરીમાં ધંધે લાગી ગયો હતો. મેરઠ મોર્નિંગ સ્ટાર અખબારથી થપ્પી એની સામે પડી હતી. હરિપ્રસાદ મિશ્રાની હત્યાની તારીખ પછીના અખબારમાં એ વિષયમાં જેટલું પણ છપાયું હોય એની લીટીએ લીટી એ વાંચી રહ્યો હતો.

ચારેક કલાક એ મજૂરી કર્યા પછી એણે દીવાલ પર ઘડિયાળ સામે નજર કરી. બે વાગ્યા હતા અને ભૂખ્યા પેટે બગાવત શરૂ કરી દીધી હતી. આમ પણ હવે આનાથી વિશેષ કોઇ માહિતી છાપામાંથી મળે એવી શક્યતા નહોતી એટલે એ ઊભો થયો. બધાં અખબાર તારીખ મુજબ વ્યવસ્થિત ગોઠવીને એ લાયબ્રેરિયન પાસે ગયો.

'આટલામાં જમવાનું સારું ક્યાં મળશે?' છાપાં એના ટેબલ પર મૂકીને જયંતીએ પૂછ્યું.

'આવું છાપાવાળા કહે છે પણ મિશ્રાજીનો દીકરો તો આ સમાચારથી ધૂંધવાયેલો છે. એણે બધા છાપાવાળાને બદનક્ષીના કેસની ધમકી આપી છે. એ એવું કહે છે કે મારા બાપના માથે એક પૈસાનુંયે દેવું નથી.’


'વેજ કે નોનવેજ?'
'વેજ- પ્યોર વેજિટેરિયન.' જયંતીને એ માણસની સમજદારી માટે માન થયું.

'અહીંથી સીધા આગળ જઇને જમણી બાજુ પહેલી ગલીમાં વળી જજો પાંચેક મિનિટ ચાલશો એટલે બીજો મેઇન રોડ આવી જશે. ત્યાં મલ્ટિપ્લેક્સની સામે ત્રણ-ચાર રેસ્ટોરન્ટ છે. એમાં ગંગાસાગર પ્યોર વેજિટેરિયન છે, એનું ફૂડ પણ સારું હોય છે.'

એનો આભાર માનીને એણે બતાવેલા રસ્તે જયંતી આગળ વધ્યો. હોટલ ગંગાસાગરમાં જમવાનું ખરેખર સારું હતું. જમીને બહાર નીકળ્યા પછી એણે વિભાકરને ફોન જોડ્યો. 'બધાં છાપાં જોવાનું કામ પતી ગયું પણ પરિસ્થિતિ હજુ જૈસે થે જેવી જ છે.' એણે વિભાકરને અહેવાલ આપ્યો. 'મિશ્રાજી ચીટર હતો. સ્ક્રેપના ધંધામાં એણે અનેકનું કરી નાખ્યું હતું. એમાંથી છેલ્લે એણે એક પાર્ટીનું બાર-તેર કરોડનું દેવું કરેલું અને પાર્ટી ઉઘરાણી કરે ત્યારે શરૂઆતમાં બહાનાં બતાવતો હતો અને પછી કયા પૈસા ને કઇ વાત કહીને સાવ નાગો થઇ ગયો એટલે એ પાર્ટીએ એને મારી નાખ્યો અથવા મરાવી નાખ્યો!'

પસાર થતી રિક્ષાને હાથથી રોકીને એણે ગેસ્ટ હાઉસનું નામ આપ્યું અને અંદર બેઠો. એ પછી વિભાકરને આગળની વિગત આપી. 'આવું છાપાવાળા કહે છે પણ મિશ્રાજીનો દીકરો તો આ સમાચારથી ધૂંધવાયેલો છે. એણે બધા છાપાવાળાને બદનક્ષીના કેસની ધમકી આપી છે. એ એવું કહે છે કે મારા બાપના માથે એક પૈસાનુંયે દેવું નથી. આ બાર કરોડવાળી વાત કોઇકે અંગત અદાવતમાં ઉપજાવી કાઢેલી છે. લોખંડના સ્ક્રેપના ધંધામાં તીવ્ર હરીફાઇ છે એટલે ધંધાકીય અદાવતમાં કોઇકે એમનું ખૂન કરાવ્યું છે.'

અખબારોમાં વાંચેલા બધા સમાચારમાંથી જયંતીએ જે સાર તારવ્યો હતો એ તમામની વિગતવાર માહિતી આપીને એણએ ઉમેર્યું. 'મારો બાપ દેવાળિયો નથી એ વાત મિશ્રાજીનો પુત્ર છાતી ઠોકીને કહે છે અને ચેલેન્જ આપે છે કે પુરાવા આપો. એના આવા વલણ પછી અખબારોમાંથી એના દેવાની વાત અદૃશ્ય થઇ જાય છે. લંડન પોલીસે જારે કરેલો સ્કેચ બધા અખબારમાં છપાયો છે અને મિશ્રાજી પરિવારે તો એ માણસ વિશે જાણકારી આપનારને બે લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. એ છતાં, આખા મેરઠમાં એ ખૂનીને કોઇ ઓળખતું નથી.'

'એક કામ કર.' વિભાકરે સૂચના આપી. 'ખૂનીને કોઇ ઓળખતું ના હોય અને એના વિશેની માહિતી મળે એવું ના હોય તો પછી સમય બગાડવાનો કોઇ અર્થ નથી. ખૂની વિશે થોડી ઘણી પણ જાણકારી શોધી શકીશ એવી તને આશા હોય તો ત્યાં રોકાઇને પ્રયત્ન ચાલુ રાખ. બાકી અમદાવામમાંય ઘણાં કામ છે.'

'જી. જી.' જયંતીએ હા પાડી એ પછી વિભાકરે વાત પૂરી કરી.

ત્રિમૂર્તિ ગેસ્ટહાઉસના ગેટ પાસે રિક્ષા ઊભી રખાવીને જયંતીએ પૈસા ચૂકવ્યા અને અંદર આવ્યો. વિભાકરે જે કહ્યું એનો અર્થ સ્પષ્ટ હતો કે હવે અહીં રોકાયા વગર પાછો આવી જા. આમ પણ સાંજે પેલા જગદીશ સોનીને મળીને એને આપેલી ઇમિટેશન જ્વેલરીનો હિસાબ લેવાનો હતો અને એ દરમિયાન વાતચીતમાં જે કંઇ માહિતી મળે એ મેળવવાની હતી. એ પછી જે બસ મળે એમાં દિલ્હી પહોંચીને ત્યાંથી ઉપડતી કોઇ પણ ટ્રેનમાં અમદાવાદ પહોંચી જવાનું એણે મનોમન નક્કી કરી લીધું.

કાઉન્ટર પર બીજા કોઇ કસ્ટરમ સાથે પંડિતજી વાત કરી રહ્યા હતા. એમની સામે સ્મિત ફરકાવીને જયંતી સીડી ચડી ગયો અને રૂમમાં જઇને પલંગમાં આડો પડ્યો.

પાંચ વાગ્યે એ નીચે ઊતર્યો. પંડિતજીના હાથમાં ચાનો કપ હતો અને એમના પત્ની કીટલી લઇને એમની પાસે ઊભા હતા. 'સાહેબ, ચા પીશો?' પંડિતજીએ વિવેક કર્યો અને પછી હસીને સ્પષ્ટતા કરી. 'હું સામેથી આગ્રહ કરું છું એટલે ગભરાયા વગર પી લો. આ ચા તમારા બિલમાં નહીં ઉમેરાય.'

જયંતી પણ હસી પડ્યો અને ચાનો કપ હાથમાં લીધો. 'અત્યારે એકાદ કલાક બહાર જાઉં છું. આવીને ચેકઆઉટ કરવાનું છે એટલે હિસાબ તૈયાર રાખજો.'

'જી.' પંડિતજીએ માથું હલાવીને હા પાડી. જગદીશ જ્વેલર્સ પાસે જયંતી રિક્ષામાંથી ઊતર્યો ત્યારે દુકાનમાં ત્રણ મહિલા ગ્રાહકો સાથે જગદીશ માથાકૂટ કરી રહ્યો હતો. એણે આંખના ઇશારાથી જ જયંતીને ખુરસી પર બેસવા કહ્યું. એ મહિલાઓને એમની પસંદગીની બંગડીઓ આપીને રવાના કર્યા પછી જગદીશે જયંતી સામે જોયું.

'તમારા વીસે વીસ પીસ રાખી લીધા છે અને તમારા પ્રાઇસ લિસ્ટ મુજબ પેમેન્ટ પણ તૈયાર રાખ્યું છે.' જગદીશે ડ્રોઅરમાંથી કવર કાઢીને જયંતી તરફ લંબાવ્યું. 'એમાં આઇટમ નંબર લખીને નવો ઓર્ડર પણ મૂક્યો છે. અમદાવાદ જઇને કુરિયર કરી દેજો. એના પૈસા તમે કહો એ રીતે મોકલાવી આપીશ.'

'થેંક્યુ.' જયંતીએ કવરમાંથી પૈસા ગણીને ખિસ્સામાં મૂક્યા. ઓર્ડર જોઇને એના હોઠ પર સ્મિત ફરક્યું. અમદાવાદ પેલા મિત્રને આ આપી દઇશ, એ પછી એને જે કરવું હોય એ કરશે. એ વિચારતો હતો ત્યાં સુધીમાં જગદીશે ચા મંગાવી લીધી હતી.

ચા પીતી વખતે જયંતીએ કાઉન્ટર પર પડેલું અખબાર હાથમાં લીધું અને સાવ સ્વાભાવિક રીતે પૂછ્યું. 'પછી પેલા મિશ્રાજી મર્ડર કેસમાં કંઇ નવું જાણવા મળ્યું?'

'બાપની આબરૂ બચાવવા માટે એનો દીકરો ઢોલ વગાડે છે કે મારા બાપે કોઇનો એક રૂપિયોય બાકી નથી રાખ્યો, પણ એની વાત ઉપર કોઇનેય વિશ્વાસ નથી.'

એણે આ બોલવાનું શરૂ કર્યું એટલે જયંતીએ પોતાની ખુરસી એની વધુ નજીક લીધી.

'સવારે બીજા કોઇ કામથી સ્ક્રેપના ધંધાવાળા પંજાબી મિત્રના ઘેર ગયેલો. એ પણ મિશ્રાજી જેવો જ મોટો ખમતીધર ધંધાવાળો છે. ટ્રકલોડ માલનો જ એનો કારોબાર છે. એની સાથે વાતચીતમાં મિશ્રાજીના મર્ડરની વાત નીકળી. એણે તો ધડાકો કર્યો.'

હવે જયંતી આશાભરી નજરે એની સામે તાકી રહ્યો હતો. જગદીશે એની સામે જોયું ધીમા અવાજે ઉમેર્યું. 'એ પંજાબી તો આ મિશ્રાજી સાથે એક જ ધંધામાં હતો એટલે એની પાસે તો અંદરની જાણકારી હોયને?


બાર કરોડના ગફલાની વાત સાવ સાચી છે એવું કહીને એ પહેલવાને મારા બરડામાં ધબ્ભો મારીને ઉમેર્યું કે તમે ગુજરાતીઓ દાળભાતિયાની છાપ ધરાવો છો પણ ડેન્જર છો. મિશ્રાજીના મર્ડરના છેડા તમારા ગુજરાતમાં અડે છે. શીપ બ્રેકિંગ યાર્ડ અલંગમાં આવેલું છેને? ભાવનગર પાસે ત્યાંની કોઇ પાર્ટીના પૈસા આ ડોબાએ ડૂબાડ્યા અને એમાં પેલાએ ખેલ પાડી દીધો!'

જયંતીની આંખમાં તરવરતી જિજ્ઞાસા પારખીને જગદીશે સ્પષ્ટતા કરી. 'આટલી ઊડતી વાત એ પંજાબીને ખબર હતી એ એણે કહી. બાકી પાર્ટીના નામની કે એવી કોઇ માહિતી એની પાસે નથી.'

ભાગતા ભૂતની ચોટલી તો ચોટલી. જયંતી વિચારતો હતો. બીજી થોડી આડીઅવળી વાતો કરીને એ ઊભો થયો.

એ પાછો ગેસ્ટહાઉસ પહોંચ્યો ત્યારે સાત વાગી ગયા હતા. મેરઠની ગલીઓમાં સ્ટ્રીટલાઇટો ઝળહળી રહી હતી. પંડિતજી સાથે હિસાબ પતાવીને એ બહાર નીકળ્યો. પહેલી વાર જમ્યો હતો એ હોટલ રસ્તામાં જ આવતી હતી એટલે ત્યાં પેટપૂજા પતાવીને એણે દિલ્હીની બસ પકડી. અમદાવાદમાં ઓળખાણ હોવાથી દિલ્હીની ટ્રેનની ટિકિટ મળી ગઇ હતી પણ અત્યારે દિલ્હીથી અમદાવાદ જવા માટે કોઇ જુગાડ કરવો પડશે. બસ દિલ્હી તરફ આગળ વધતી હતી ત્યારે જયંતી વિચારતો હતો.

એ સમયે અમદાવાદમાં હરિવલ્લભદાસના ત્રણેય મિત્રો ડ્રોઇંગરૂમમાં બેસીને ચર્ચામાં પરોવાયા હતા. વિભાકરે હવાફેર માટે જે કાર્યક્રમનું સૂચન કર્યું હતું એના અનુસંધાનમાં એ ચારેય વડીલોએ અંતે હરિદ્વારની જ પસંદગી કરી. નૈનિતાલ જઇને પછી પર્વતીય ઘાટવાળા રસ્તાઓની જોખમી મુસાફરીમાં સમય વીતાવીને અલમૌડા કે કૌસાની જવાને બદલે ગંગામૈયાના સાંનિધ્યમાં આઠેક દિવસ આરામથી રોકાવાય એવો હરિદ્વાર અને ઋષિકેશનો વિકલ્પ એમને વધુ પસંદ પડ્યો હતો. ગમે તે તારીખે જવા માટે બધા તૈયાર હતા.

‘લંડન પોલીસે જારે કરેલો સ્કેચ બધા અખબારમાં છપાયો છે અને મિશ્રાજી પરિવારે તો એ માણસ વિશે જાણકારી આપનારને બે લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. એ છતાં, આખા મેરઠમાં એ ખૂનીને કોઇ ઓળખતું નથી.’

વિભાકર ત્યાં આવ્યો એટલે હરિવલ્લભદાસે એને આ જાણકારી આપી.

'ઓ.કે.' વિભાકરે તરત મોબાઇલ કાઢીને ટ્રાવેલ એજન્ટ જોડે લાંબી વાત કર્યા પછી આ ચારેય વડીલો સામે જોયું.

'ડન!' એણે ઉત્સાહથી માહિતી આપી. 'પરમ દિવસે સાંજની ફ્લાઇટમાં તમે ચારેય દિલ્હી જશો. ત્યાં એરપોર્ટ પર તમને લેવા માટે એક કાર આવશે. એ ડ્રાઇવર તમને હોટલ પર ઉતારી દેશે અને બીજા દિવસે સવારે લેવા આવશે. હરિદ્વારની હોટલમાં એ તમને ઉતારે એ પછી ત્યાં એની જરૂર હોય તો આઠેય દિવસ એને રાખજો. ત્યાં કારની જરૂર નથી એવું લાગે તો હરિદ્વાર પહોંચ્યા પછી એને છૂટો કરી દેજો. આઠ દિવસ પછી એ પાછો તમને લેવા આવશે.' ચારેય વડીલો સામે જોઇને એણે યાદ કરાવ્યું. 'વિમાનમાં જવાનું છે એટલે આધાર કાર્ડ, પાન કાર્ડ કે ઇલેક્શન કાર્ડ તમારી સાથે રાખજો.'

એ બોલતો હતો. ચારેય વડીલો રાજી થઇને સાંભળતા હતા. કુલ દસ દિવસના પ્રવાસનું પાકા પાયે આયોજન થઇ ગયું હતું. પરંતુ ભાવિના ગર્ભમાં આ દસ દિવસ દરમિયાન કેવી કેવી ઘટનાઓ આકાર લેવાની છે એની જાણકારી આ પાંચમાંથી એકેયની પાસે નહોતી!
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી