‘તમે મારા બાર કરોડ ના આપો તો બીજા પંદર- વીસ લાખ ખર્ચીને તમને પાઠ ભણાવવા માટે પ્રોફેશનલ કિલરને સોપારી આપવામાં સહેજેય ખચકાટ ના થાય’

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 01, 2018, 12:05 AM IST

પ્રકરણઃ 50
અખબાર
વાંચવાનો શોખીન આ બોલકણો માણસ આટલો જલદી વરસી પડશે એવી જયંતીની ધારણા નહોતી. એની વાતમાંથી ટ્રેક પકડીને પોતે એને આ વાત પર લાગ્યો અને અર્ધી મિનિટમાં જ એણે તો ખાસ્સી વિગત આપી દીધી! જગદીશ બોલતો હતો અને હાથમાં ચાનો કપ પકડીને જયંતી ધ્યાનથી સાંભળતો હતો.

'લંડનની પોલીસે તો ખૂનીના વર્ણનના આધારે સ્કેચ બનાવીને પબ્લિકમાં મૂક્યો. અહીંના બધાં છાપાંમાં પણ એ ફોટો છપાયો, પણ એ થોબડું મેરઠવાળા માટે સાવ નવું છે. એ માણસને ઓળખી આપે એના માટે મિશ્રાજીના દીકરાએ તો બે લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે તોય આજ સુધી કોઇ અતોપતો મળ્યો નથી.'

'સાપ પકડવાના ધંધા કરો તો ક્યારેક એ કરડે એની તૈયારી રાખવી પડે. નાના નાના સોદામાં એણે કંઇકને રોવડાવીને પૈસા ડુબાડ્યા હશે, પણ મોટો લાડવો ખાવામાં એ માર ખાઇ ગયો. એ સાપનાથ હતો પણ સામે નાગનાથ હશે એવી એને ધાણા નહોતી. બાર કરોડના ફાંદામાં જીવ ખોયો!'

એની વાત સાંભળતી વખતે જયંતી મગજમાં શબ્દોની ગોઠવણ વિચારી રહ્યો હતો. ખૂન કોણે કર્યું એન જાણવા માટે હવેનો સવાલ અગત્યનો હતો.

'તમારી વાત સાવ સાચી છે.' એણે જગદીશ સામે જોઇને એની જ વાતનું અનુસંધાન મેળવ્યું. 'તમે મારા બાર કરોડ ના આપો તો મારું લોહી ઊકળી ઊઠે. બીજા પંદર- વીસ લાખ ખર્ચીને તમને પાઠ ભણાવવા માટે પ્રોફેશનલ કિલરને સોપારી આપવામાં સહેજેય ખચકાટ ના થાય. ખાતર ઉપર દિવેલ સમજીને તમારો કાંટો કઢાવી નાખું. ગુસ્સો કોને કહેવાય?'

આટલો મમરો મૂકીને જયંતી જિજ્ઞાસાથી એની સામે તાકી રહ્યો.

'ઝનૂનવાળી તમારી વાત સાચી, પણ ખૂન કોણે કર્યું એ કોકડું તો હજુ ગૂંચવાયેલું જ છે.' જયંતીની આશા ઉપર ઠંડું પાણી રેડીને જગદીશે ઉમેર્યું. 'લંડનની પોલીસે તો ખૂનીના વર્ણનના આધારે સ્કેચ બનાવીને પબ્લિકમાં મૂક્યો. અહીંના બધાં છાપાંમાં પણ એ ફોટો છપાયો, પણ એ થોબડું મેરઠવાળા માટે સાવ નવું છે. એ માણસને ઓળખી આપે એના માટે મિશ્રાજીના દીકરાએ તો બે લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે તોય આજ સુધી કોઇ અતોપતો મળ્યો નથી.'

ઘડિયાળ સામે જોઇને એ હસી પડ્યો. 'હુંય જબરો વાતોડિયો છું. તમે ધંધાના કામે આવ્યા તોય જાણે જૂનો દોસ્તાર આવ્યો હોય એમ મિશ્રાજીની કથા કહેવા બેસી ગયો!'

'એ બાબતમાં તો મારી સ્ટાઇલ પણ નરસિંહ મહેતા જેવી છે. ઘરની ખરીદી માટે નીકળેલા એ પવિત્ર આત્મા ભજન ગાવા રોકાઇ જતો હતો ને હું ધંધાના કામે નીકળું ત્યાં થ્રિલર કે મર્ડર મિસ્ટ્રી જેવી વાત જામે તો મનેય સમયનું ભાન નથી રહેતું.' જયંતીએ હસીને કબૂલ કર્યું. 'તમને પહેલી વાર મળ્યો તોય જાણે વર્ષોથી ઓળખતો હોઉં એવી ફીલિંગ થઇ.' 'નો પ્રોબ્લેમ. દુકાનમાં ગુજરાતી બોલવા મળે ત્યારે બહુ આનંદ થાય છે.' એણે જયંતી સામે જોયું. 'સેમ્પલ લાવ્યા છો તમે?'

જયંતીએ બગલથેલામાંથી દાગીનાનું બોક્સ બહાર કાઢ્યું. ચોવીસેય આઇટમ કાઉન્ટર પર મૂકીને મિત્રે જે કહેલો એ જ સંવાદ ફટકાર્યો. 'જગદીશભાઇ બગસરાનાં એ બે ફેમિલી પાસે જ આ ગેરેંટેડ કામ કરાવું છું. સહેજ પણ સંકોચ વગર કસ્ટરમને કહી દેવાનું કે પાણીમાં પલળે કે રફ યુઝ થાય તો પણ એક વર્ષ સુધી એની ચમકને વાંધો નહીં આવે. બિલ સાચવી રાખજો. એક વર્ષની ફૂલ ગેરંટી.' એણે ગર્વથી જગદીશ સામે જોયું. 'જગાભાઇ, પંદર વર્ષથી આ ચાર આઇટમ જ વેચું છું અને આજની તારીખ સુધીમાં એકેય કસ્ટમરની ફરિયાદ નથી આવી.'

આંખો ઝીણી કરીને જાણે આંખો પાસેથી માઇક્રોસ્કોપનું કામ લેતો હોય એમ જગદીશ નમૂનાઓની ચકાસણી કરી રહ્યો હતો.

'ગોલ્ડ પ્લેટિંગ, અને ફીનિશિંગમાં રિયલી ખૂબ સરસ કામ કર્યું છે.' ચોવીસમાંથી ચાર નમૂના અલગ તારવીને એણે જયંતી સામે જોયું. 'આ ચાર આઇટમ તમારા અમદાવાદમાં ભલે ધૂમ ચાલતી હોય, અહીંના લોકોમાં એ જરાયે નહીં ચાલે. બાકીની વીસ આઇટમ ગમી છે. તમારી ટર્મ્સ બોલો.'

'મારે કંઇ બોલવા જેવું નથી. દરેક આઇટમ ઉપર ભાવની ટીકડી લગાડેલી છે એજ બોલશે.' જયંતીએ સ્પષ્ટતા કરી. 'કઇ આઇટમ કેટલાં નંગ જોઇએ એ કહો એટલે એ મુજબ માલ મોકલાવી આપીશ.' જગદીશ ઉપર ઉપકાર કરતો હોય એમ એણે ઉમેર્યું. 'મુંબઇમાં દર મહિને આંટો મારું છું. ત્યાં માલની સામે કેશનો નિયમ રાખ્યો છે. કોણ જાણે કેમ તમારી સથે પહેલી જ મિટિંગમાં મિત્રતા થઇ ગઇ એટલે નેવું દિવસની ક્રેડિટ આપીશ. જો જાંગડ સિસ્ટમ રાખવી હોય તોય વાંધો નથી. દર છ મહિને આવીને હિસાબ સમજી લઇશ.'

જગદીશ વિચારમાં ડૂબ્યો હતો એટલે જયંતીએ રસ્તો બતાવ્યો. 'એક કામ કરો. અત્યારે આ બધુંય તમારી પાસે રાખો. પૂરો વિચાર કરીને કાલે સાંજે ફાઇનલ ઓર્ડર આપજો.' એણે હસીને ઉમેર્યું. 'હું પણ સમય લઇને આવીશ. તમારી સાથે વાતોના તડાકામાં મજા આવે છે.'

આવો વેપારી પહેલી વાર જોયો હતો એટલે જગદીશ સુખદ આશ્ચર્યથી એની સામે તાકી રહ્યો હતો અને જયંતી ઊભો થયો.

અહીંથી ગેસ્ટહાઉસ સુધીનો રસ્તો ભરચક બજાર અને શોપિંગ સેન્ટરોની વચ્ચેથી જ પસાર થતો હતો એટલે રિક્ષા કરવાનો બદલે જયંતીએ પગ ઉપાડ્યા. એક કલાકની પદયાત્રા પછી એ ગેસ્ટહાઉસ પર પહોંચ્યો. પંડિતજીને નમસ્કાર કરીને એ પોતાના રૂમમાં ગયો.

કોઇ છેડો તો મળ્યો નહોતો એ છતાં જેટલી પણ માહિતી મળી હતી એ એણે ફોન કરીને વિભાકરને જણાવી. અખબારો આવતી કાલે સવારે ફેંદવાનાં છે અને એમાંથી કદાચ કોઇક ક્લ્યુ મળી જશે એમ કહીને એણે વાત પૂરી કરી.

વિભાકર વિચારમાં પડ્યો. જયંતીએ જે માહિતી આપી એના આધારે એટલું સ્પષ્ટ હતું કે પોતાના જેવા ચહેરાવાળો એ માણસ છાપેલા કાટલા જેવો નથી. રૂપિયા બે લાખનું ઇનામ હોવા છતાંય મેરઠમાંથી કોઇ એને ઓળખી શક્યું નથી એનો અર્થ એ છે કે એ માણસ મેરઠ કે એની આજુબાજુના વિસ્તારનો નથી. હરિપ્રસાદ મિશ્રાએ કોની સાથે દગો કર્યો હતો એ પણ સ્પષ્ટ નથી. ઊડતા સમાચાર મુજબ બાર કરોડની વાત ચાલે છે, પણ એ બાર કરોડ આપનારનું નામ બહાર આવ્યું નથી. એ માણસે કોઇ ધંધાદારી હત્યારાને કામ સોંપ્યું હોય એવું બની શકે, પણ ખૂન કરવા માટે એ માણસ છેક લંડન સુધી લાંબો શા માટે થાય? પંદર દિવસમાં તો હરિપ્રસાદ પાછો મેરઠ આવવાનો જ હતો, તો પછી એ ખૂનીએ વિદેશની ધરતી ઉપર જોખમ શા માટે લીધું હશે? સવાલો અને માત્ર સવાલો વચ્ચે જવાબ માટે જયંતીના હવે પછીના ફોનની રાહ જોવા સિવાય કંઇ કરવાનું નહોતું.

આ વિચારની વચ્ચે મોબાઇલની રિંગ વાગી એટલે એણે હાથ લંબાવ્યો. સ્ક્રીન ઉપર કોઇ અજાણ્યો નંબર હતો. 'હલ્લો, વિભાકર હીયર. આપ કોણ?' ફોન ઉઠાવીને એણે પૂછ્યું.

'અરે, સાહેબ, આપ ગોધાવીની ગૂપચૂપ મુલાકાત લઇ ગયા એની ખબર પડી એટલે આપને ફોન કરવો પડ્યો.' બોલનાર વ્યક્તિના અવાજમાં વિવેકની સાથે આત્મગૌરવનો રણકો હતો. 'ખોબા જેવડા ગોધાવી ગામમાં તો કોઇ અજાણ્યું ગલૂડિયું આવે તોય એ બાતમી અમારા સુધી પહોંચી જાય છે.' આટલી પ્રસ્તાવના પછી એ વ્યક્તિએ હસીને પોતાની ઓળખાણ આપી. 'જે જમીનમાં આપને રસ છે, એમાં મારોય હિસ્સો છે. મારું નામ જિતેન્દ્રસિંહ દિલાવરસિંહ વાઘેલા. રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર. લોકો મને જિતુભાના નામે ઓળખે છે એટલે એ નામ તો આપે પણ સાંભળ્યું હશે.'

'અરે બોલોને બાપુ.' વિભાકરે તરત જવાબ આપ્યો. 'હકીકતમાં તો હું આપને મળવા જ ઇચ્છતો હતો અને આજે આપે ફોન કર્યો!' એણે સ્પષ્ટતા કરી. 'બધું કામ કાયદેસર રીતે કરવાનો અમારો સિદ્ધાંત છે એટલે અપાની સંમતિ વગર તો એક ડગલુંય આગળ ના વધાય એનો મને ખ્યાલ છે. એ દિવસે પ્રભાતસિંહને મળીને એમની કેફિયત સાંભળી. હવે આપ હુકમ કરો ત્યારે આપને મળવા આવી જઇશ. એ જમીનના ત્રણેય માલિકને સંતોષ થાય એ રીતે સોદો કરવાનો છે.'

'તો આવી જાવ. કાલે ફાવે તો કાલે પધારો. હું તો આખો દિવસ ઘેર જ હોઉં છું.'

'કાલે નહીં તો પરમ દિવસે ફોન કરીને આવીશ.' વિભાકરે કહ્યું. 'આપના નાના ભાઇ વિજુભા તડીપાર છે, એ છતાં શક્ય હોય તો એ આપણી મિટિંગમાં હાજર રહે એવી ગોઠવણ કરશો તો મારે ઉપાધિ ઓછી. ટ્રાય કરજો.'

'પ્રયત્ન કરીશ પણ એ તડીપારના મગજનું ઠેકાણું નહીં. સંમતિ આપીને દર્શન જ ના દે એવું પણ બને.'

'કશો વાંધો નહીં. આપની રીતે પ્રયત્ન કરજો.'

'સો ટકા. કાલે કે પરમ દિવસે આપણે મળીએ છીએ. જય માતાજી!'

'જય માતાજી.' વિભાકરે ફોન મૂક્યો.

એ જમીનમાં શૈક્ષણિક સંકુલ સિવાય કંઇ બની શકે એમ નથી એ સમાચારની જાણ જિતુભાને થઇ ચૂકી હશે બીજો કોઇ બિલ્ડર એ જમીનની ખરીદીમાં રસ ના દર્શાવે એ હકીકત સમજાયા પછી જિતુભાએ ફોન કર્યો હશે. વિભાકર વિચારતો હતો. શક્ય એટલી વહેલી તકે આ સોદો પતાવી નાખવો પડશે.

બીજા દિવસે સવારે આદિત્ય અને ભાસ્કર ડાઇનિંગ રૂમમાં બેસીને નાસ્તો કરી રહ્યા હતા. વિભાકર પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો. બંને ભાઇઓની પ્લેટમાંથી એક એક ચમચી ઉપમા અને બટાકાપૌંવા ઉઠાવીને એણએ મોંમાં મૂક્યા. બે જ ઘૂંટડામાં મોસંબીના રસનો ગ્લાસ ખાલી કરીને એણે જિમ તરફ પગ ઉપાડ્યા.

હરિવલ્લભદાસનો રૂમ ખુલ્લો હતો અને એમના મોબાલઇની રિંગ વાગતી હતી એટલે વિભાકરે ત્યાં ડોકિયું કર્યું. પપ્પા બાથરૂમમાં હશે એ વિચારની સાથે એણે મોબાલઇના સ્કીન ઉપર સોલિસીટર ત્રિવેદીનું નામ જોયું.

'ગુડ મોર્નિંગ, સર, વિભાકર બોલું. પપ્પાજી બાથરૂમમાં છે.'

'નો પ્રોબ્લેમ. એમને મારું કામ હતું એવો મેસેજ મળેલો, પણ હું યુ.એસ.એ. હતો. રાત્રે આવી ગયો, પણ બે દિવસ અહીંના સોશિયલ કામાં બિઝી છું. બે દિવસ પછી મળવા આવીશ એવો મેસેજ એમને આપી દેશો?'

'અરે, સાહેબ, આપ ગોધાવીની ગૂપચૂપ મુલાકાત લઇ ગયા એની ખબર પડી એટલે આપને ફોન કરવો પડ્યો. ખોબા જેવડા ગોધાવી ગામમાં તો કોઇ અજાણ્યું ગલૂડિયું આવે તોય એ બાતમી અમારા સુધી પહોંચી જાય છે. જે જમીનમાં આપને રસ છે, એમાં મારોય હિસ્સો છે.’

'શ્યોર, સર.' વાત પૂરી કરીને વિભાકરે મોબાઇલ હતો ત્યાં પાછો મૂકી દીધો. ઝડપથી પગ ઉપાડીને એ જિમમાં પહોંચ્યો ત્યારે ત્યાં મહાભારત ચાલતું હતું. કોઇક નાનકડી વાતને લઇને ભૌમિક અને આકાશ વચ્ચે શાબ્દિક ટપાટપી ચાલતી હતી. વિભાકરે જિમમાં પગ મૂક્યો એની સાથે જ જાણે કંઇ બન્યું જ ના હોય એમ એ બંને પોતપોતાના વર્કઆઉટમાં લાગી ગયા.

વિભાકરની હાજરીમાં બાળકો લડવાની હિંમત નહોતાં કરતાં. એ ચારેય વચ્ચે કોઇ મોટી લડાઇ થાય ત્યારે ન્યાય મેળવવા માટે પણ એ ચારેય વિભાકર પાસે દોડી આવતાં. એ સમયે એમની રજૂઆત સાંભળ્યા પછી વિભાકરે જે ચુકાદો આપે એ દરેકે માન્ય રાખવો પડતો હતો.

અમદાવાદમાં વિભાકર શારીરિક કસરત કરી રહ્યો હતો એ વખતે મેરઠમાં જયંતી માનસિક કસરતમાં પરોવાયેલો હતો. વહેલો ઊઠીને તૈયાર થઇને એ મ્યુનિસિપલ લાઇબ્રેરીમાં પહોંચી ગયો હતો. લાઇબ્રેરિયનને વિનંતી કરીને જૂની તારીખનાં મેરઠ મોર્નિંગ સ્ટાર છાપાંઓ એણે મેળવ્યાં હતાં. એ લઇને લાયબ્રેરીના એક ખૂણામાં બેસીને એ મચી પડ્યો હતો.
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી