Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-48

‘નાખી દેતાંય દસ હજારનો ભાવ ગણીએ તો આખો સોદો બસો ચોસઠ કરોડનો થાય! દલ્લો મોટો છે એટલે ત્રણેય ભાઇ ટાંપીને બેઠા છે’

  • પ્રકાશન તારીખ30 Aug 2018
  •  

પ્રકરણઃ48
મેરઠમાં
પોપટલાલ પાનાચંદની દુકાન અંબિકા કિરાણા સ્ટોરમાં પ્રવેશીને જયંતીએ અંદર ચારે તરફ નજર ફેરવી. કાઉન્ટર ઉપર અત્યાર સુધી ઊભેલા વડીલો હવે થોડીક વાર આરામ લેવા માટે ખુરસી પર બેસી ગયા હતા. દુકાનમાં કામ કરનારા ત્રણેય માણસો અવેરવાનું કામ કરી રહ્યા હતા. જયંતી આગળ વધીને કાઉન્ટર સામે ઊભો રહ્યો.

'બોલો, સાહેબ, શું જોઇએ? એ વડીલે જયંતી સામે જોઇને હિન્દીમાં જ પૂછ્યું.

'મારે કંઇ જોઇતું નથી, કાકા, અમદાવાદથી આવ્યો છું. મેરઠમાં પહેલી વાર પગ મૂક્યો છે એટલે તમારી થોડી મદદની જરૂર છે.' મેરઠ બસ સ્ટેન્ડે ઊતર્યા પછી પહેલી વાર ગુજરાતીમાં બોલવાની તક મળી હતી એને લીધે જયંતીનો આત્મવિશ્વાસ વધી ગયો હતો. હિન્દીમાં બોલવાનો વાંધો નહોતો આવતો, પણ માતૃભાષામાં વાત કરવામાં જે મોકળાશની મજા આવે એ નહોતી આવતી.

'અમે લોકો તો એંશી વર્ષથી મેરઠમાં જ છીએ. બોલો, શું કામ હતું? અહીં આવ્યો અને પૈસાનો પ્રોબ્લેમ થયો એટલે બે - પાંચ હજારની જરૂર છે એવી કોઇ વાત ના કરતા. એ સિવાયનું કોઇ કામ હોય તો બોલો.'

પેલા વડીલ હવે લગીર આશ્ચર્યથી જયંતી સામે જોઇને એનું નિરીક્ષણ કરી રહ્યા હતા. એમની સામે જોઇને તરત ઉમેર્યું. 'અહીં ત્રિમૂર્તિ ગેસ્ટ હાઉસમાં ઊતર્યો છું. એ પંડિતજીએ ગુજરાતી સમજીને તમારી દુકાનનું નામ આપ્યું. એમને તમારા માટે માન છે.'

એ વડીલે ઇશારો કર્યો એટલે એક માણસે પાણીનો ગ્લાસ લાવીને જયંતીને આપ્યો. પાણી પીધા પછી જયંતીએ આભારવશ નજરે વડીલ સામે જોયું.

'અમે લોકો તો એંશી વર્ષથી મેરઠમાં જ છીએ. બોલો, શું કામ હતું?' ગુજરાતી તરીકે કોઠાસૂઝ વાપરીને એ વેપારીએ પાણી પહેલા પાળ બાંધી. 'અહીં આવ્યો અને પૈસાનો પ્રોબ્લેમ થયો એટલે બે - પાંચ હજારની જરૂર છે એવી કોઇ વાત ના કરતા. એ સિવાયનું કોઇ કામ હોય તો બોલો.'

જયંતી હસી પડ્યો. 'એવી ચિંતા ના કરતા, કાકા, પૈસા ઉછીના નહીં માગું. ઇશ્વરની દયાથી એવી કોઇ ઉપાધિ નથી.'

જયંતીનું મગજ ઝડપથી વિચારતું હતું. સવારથી રાત સુધી ગોળ, ખાંડ, ઘઉં, ચોખા અને બીજી સેંકડો વસ્તુઓ વેચવામાં પરાવાયેલો આ વેપારી શાંતિથી છાપાં પણ નહીં વાંચતો હોય. પોતાના ધંધામાંથી ઊંચો નહીં આવતો હોય. એ માણસ સમય ફાળવીને પોતાને મદદ કરે એવી આશા પણ ના રખાય. ફરી વાર ગ્રાહકોની ભીડ થઇ જાય એ અગાઉ એની પાસેથી બીજા કોઇ ગુજરાતીનું નામ સરનામું જાણવા મળે તોય ઘણું. એ વિચારની સાથે એ પેલા વડીલની વધુ નજીક સરક્યો.

'કાકા, અમદાવાદમાં નાના પાયે ઇમિટેશન જ્વેલરીનું કામ કરું છું.' પોતાના થેલા પર હાથ મૂકીને જયંતીએ સમજાવ્યું. 'તમારી તો બિઝનેસની લાઇન જ અલગ છે એટલે ઇચ્છા હોય તોય મારા આ ધંધામાં મદદ કરવાનો તમને સમય ના મળે. તમે વર્ષોથી અહીં સેટલ થયા છો એટલે ગુજરાતી તરીકે આંગળી ચીંધો. આઠ- દસ લાખનો માલ વેચવા આપી શકું એવા કોઇ વિશ્વાસુ દુકાનદારનું નામ આપો તોય મહેરબાની.'

એ વડીલના ચહેરા પર હવે હળવાશ પથરાયેલી હતી એ જોઇને જયંતીએ ઉમેર્યું. 'બીજી ઇમિટેશન જ્વેલરી સસ્તી હોય છે. હું બધી આઇટમ બગસરામાં બનાવડાવું છું. સોનાનો ઢોળ ચડાવેલી એ બધી આઇટમ થોડીક મોંઘી હોય છે. આ માલ રેગ્યુલર ઉપાડવામાં મદદ કરે એવા માણસની જરૂર છે.'

ફરી વાર જયંતીનું નિરીક્ષણ કરીને એ વડીલે મોં ખોલ્યું. 'અહીંથી રિક્ષા પકડીને શરાફા બજાર પહોંચી જાવ. રિક્ષાવાળો સાંઇઠ કે સિત્તેર રૂપિયા કહેશે પણ પછી પચાસમાં તૈયાર થઇ જશે. ત્યાં પાંચ- છ ગુજરાતીઓના સોના-ચાંદીના શો રૂમ છે.' થોડું વિચારીને એમણે ઉમેર્યું. 'પણ એ બધા સાચા સોનાના દાગીના વેચે છે એટલે તમારા કામમાં નહીં આવે. ત્યાંથી પાંચ મિનિટ ચાલશો એટલે ટાવરની એક્ઝેટ સામે જગદીશ જ્વેલર્સનું બોર્ડ દેખાશે. એ જગો સબ બંદર કા વેપારી જેવો છે. એ ઇમિટેશનનું પણ કરે છે અને કાઉન્ટર મોટું છે. એની સાથે કદાચ મેળ પડી જશે.' વેપારી તરીકે એમણે તાકીદ કરી. 'અમદાવાદથી આવીને તમે મદદ માગી એટલે આંગળી ચીંધી, પણ એ સિવાય મારી કોઇ જવાબદારી નહીં. પૈસાની લેવડદેવડની ચોખવટ તમારે તમારી રીતે કરી લેવાની. બરાબર?'

'જી. જી. આટલી માહિતી આપી એય બહુ મોટી વાત છે મારા માટે.' આભારવશ જયંતીએ વડીલ સાથે હાથ મિલાવ્યો. એમણે ચા માટે વિવક કર્યો પણ જયંતીએ ના પાડી અને દુકાનમાંથી નીકળી ગયો.

શરાફા બજારથી આગળ જઇને જગદીશ સોનીને આજે મળવું કે અત્યારે લાયબ્રેરીમાં જવું? રોડ પર આવીને જયંતી વિચારતો હતો. શહેરની એક લાયબ્રેરીમાં કોઇ કવિના પુસ્તકનું આજે વિમોચન હતું. એ સમાચાર એણે આજના છાપામાં વાંચેલા અને લાયબ્રેરીનું સરનામું પણ મગજમાં નોંધી લીધેલું. મોબાઇલ કાઢીને જયંતીએ સમય જોયો. લાયબ્રેરીમાં વધારે સમય જોઇશે, અત્યારે છેલ્લી ઘડીએ ત્યાં જવાની મજા નહીં આવે. કાલે સવારે નવ વાગ્યે જ ત્યાં પહોંચી જઇશ. એણે પસાર થતી રિક્ષાને રોકી. 'શરાફા બજારથી આગળ ટાવર પાસે.' એટલું કહીને એ રિક્ષામાં બેસી ગયો.

મેરઠની બજારમાં સાંજના સમયે ભીડ હતી. ભીડની વચ્ચે રિક્ષાવાળો જે રીતે આગળ વધતો હતો એ જોઇને જયંતીને આ દૃશ્ય અદ્દલ અમદાવાદ જેવું જ લાગતું હતું. ભારતભરનાં શહેરોમાં ભાષા જુદી પડે, બાકી લોકોની માનસિકતા તો એકસરખી જ હશે.

શરાફા બજારમાં સોના, ચાંદી અને ઝવેરાતની ડઝનબંધ દુકાનો વટાવીને રિક્ષા ટાવર પાસે આવીને ઊભી રહી. પૈસા ચૂકવીને જયંતી નીચે ઊતર્યો અને ચારે બાજુ નજર ફેરવી. સામેની તરફ જે દુકાનો હતી એમાં જગદીશ જ્વેલર્સનું બોર્ડ જોયા પછી એણે એ તરફ જવા માટે પગ ઉપાડ્યા.

જયંતી જગદીશને મળે અને શું વાત કરે છે એ જાણીએ એ અગાઉ અમદાવાદમાં શેઠ હરિવલ્લભદાસની ચેમ્બરમાં શું બનેલું એના ઉપર નજર ફેરવીએ.

ગાંધીનગરની મુલાકાત પછી વિભાકરે બંને ભાઇઓને પણ પપ્પાની ચેમ્બરમાં બોલાવી લીધા હતા અને ગોધાવીની વિવાદમાં પડેલી જમીન વિશે વાત શરૂ કરી હતી.

'એ પાંસઠ એકરનું ખેતર કોઇ પણ ભોગે આપણે ખરીદવાનું છે. એના માટે એક જબરજસ્ત પ્રોજેક્ટ હું વિચારી રહ્યો છું.'

પિતા અને બંને નાના ભાઇઓની સામે જોઇને વિભાકર પોતાની યોજના સમજાવી રહ્યો હતો.

'એ જમીનમાં લોચો શું છે?' આ આખા પ્રકરણની વધુ વિગત ખબર નહોતી એટલે આદિત્યે જિજ્ઞાસાથી પૂછ્યું. 'તેં પપ્પા જોડે વાત કરી છે પણ લશ્કર ક્યાં લડે છે એની મને કે ભાસ્કરને હજુ કંઇ ખબર નથી.'

'લશ્કરને હજુ લડવા નથી મોકલ્યું.' વિભાકરે હસીને બંને ભાઇઓને સમજાવ્યું. 'મામલો ગૂંચવાયેલો છે અને સોદો મોટો થશે એટલે અત્યારે તો માત્ર તૈયારી ચાલુ છે.' એણે ટૂંકમાં સમજાવ્યું. 'ગ્રાન્ડ ફાધર મોબુભાનું એ ખેતર. મોબુભાના બે દીકરા. દિલુભા અને જામભા. એટલે કાયદેસર રીતે એ બંને ભાઇઓ પચાસ પચાસ ટકાના હિસ્સેદાર ગણાય. એ બંને સ્વર્ગવાસી થઇ ચૂક્યા છે. દિલુભાના બે પુત્રો. મોટા જિતુભા રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર છે, અને નાના કુંવર વિજયસિંહ ઉર્ફે વિજુભા અત્યારે તડીપાર છે. એક મારમારીના કેસમાં કોર્ટે એમને અમદાવાદ જિલ્લામાંથી તડીપાર કરેલા છે. સામા પક્ષે જામભાના એક જ દીકરા છે, પ્રભાતસિંહ. કોર્ટ કેસ ચાલુ છે એ છતાં, સાદી ભાષામાં સમજીએ તો એ ખેતરમાં પ્રભાતસિંહનો અડધો ભાગ અને બાકીનો અર્ધો ભાગ જિતુભા અને વિજુભાનો.'

પોતાની સામે ઉત્સુકતાથી તાકી રહેલા બંને નાના ભાઇને વિભાકરે સમજાવ્યું. 'અત્યારે પરિસ્થિતિ એવી છે કે એ ત્રણેયને આખો લાડવો ખાવો છે. જિતુભા અને વિજુભા તો સગાભાઇ છે એ છતાં આ મુદ્દે એમણે સામસામી તલવાર ખેંચેલી છે. પ્રભાતસિંહ પચાસ ટકાના હિસ્સેદાર છે. એમની સાથે મારે એક મિટિંગ થઇ ગઇ. એમનો સ્વભાવ અને વર્તન જોઇને આઇ એમ શ્યોર કે જો એમને એમના હકનો અર્ધો ભાગ મળી જતો હોય તો એ આપણને પૂરો સહકાર આપશે. સવાલ જિતુભા અને વિજુભાનો છે. જિતુભા રિટાયર્ડ પોલીસ અધિકારી છે, એટલે એમની સાથે વાત કરીને કઇ રીતે ઉકેલ લાવવો એની મથામણ કરી શકાશે પણ તડીપાર વિજુભાને ક્યાં શોધવા એ સવાલ છે. અલબત્ત, જિતુભાને સગાભાઇના સરનામાની થોડીક તો જાણકારી હશે જ.'

સહેજ અટકીને વિભાકરે મનોમન ગણતરી કરીને ત્રણેયની સામે જોયું. 'ખેતર પાંસઠ એકરનું છે. આજે ગાંધીનગરમાં તપાસ કરી ત્યારે ખબર પડી કે પાંસઠ એકરથી પણ એ થોડુંક મોટું છે. એક એકર એટલે ચાર હજાર સુડતાળિસ સ્ક્વેર મીટર એ મુજબ ગણતરી કરીએ તો એ આખા પ્લોટનો એરિયા બે લાખ ચોસઠ હજાર સ્ક્વેર મીટર જેટલો થાય. નાખી દેતાંય દસ હજારનો ભાવ ગણીએ તો આખો સોદો બસો ચોસઠ કરોડનો થાય! દલ્લો મોટો છે એટલે ત્રણેય ભાઇ ટાંપીને બેઠા છે. આ આખી ગણતરી વારાફરતી મળીને એમને સમજાવવી પડશે કે ભાઇ, ઝઘડવાનું બંધ કરીને ભાગે પડતો હિસ્સો વહેંચી લેશો તોય સાત પેઢી સુધીનું સાજું થઇ જશે. બાકી તો કોર્ટની મુદતમાં હાજરી આપી આપીને ક્યારે ઉપર જતાં રહેશો એનીયે ખબર નહીં પડે.' એણે આત્મવિશ્વાસથી ઉમેર્યું. 'પ્રભાતસિંહ મારું કહ્યું માનશે. આ અઠવાડિયામાં જિતુભાને મળીને સમજાવવા પ્રયત્ન કરીશે. એ જો સંમત થાય તો વિજુભાને મનાવવામાં વધુ તકલીફ નહીં પડે. ચોખ્ખું કહીશ કે ભાઇ અમદાવાદનો કોઇ બિલ્ડર તમારા આ ખેતરને ખરીદવા માટે આગળ નહીં આવે. એક વાર એમને એ સચ્ચાઇ સમજાઇ જશે કે આ પ્લોટમાં બંગલા કે ફ્લેટની કોઇ સ્કીમ મૂકી શકાય એમ નથી, ત્યારે ઓટોમેટિક સીધા થઇ જશે.'

'કોઇ સ્કીમ મુકાય એવું ના હોય તો આપણે એ પ્લોટમાં બસો ચોસઠ કરોડ શા માટે રોકવાના? થોડું વિચારીને આદિત્યે શંકા રજૂ કરી. 'ત્યાં શું કરવાનું?

‘ઝઘડવાનું બંધ કરીને ભાગે પડતો હિસ્સો વહેંચી લેશો તોય સાત પેઢી સુધીનું સાજું થઇ જશે. બાકી તો કોર્ટની મુદતમાં હાજરી આપી આપીને ક્યારે ઉપર જતાં રહેશો એનીયે ખબર નહીં પડે.’

'એ વિસ્તાર શૈક્ષણિક ઝોન છે. બાલમંદિરથી માંડીને મેડિકલ કોલેજ સુધીનું આખું શૈક્ષણિક સંકુલ આપણે ઊભું કરીશું.' વિભાકરની આંખ સામે ભવિષ્યનું દૃશ્ય તરવરતું હતું. 'તમામ પ્રકારની એન્જિનિયરિંગ કોલેજો, આ તમામ શિક્ષણ સંસ્થાઓ આવતી કાલે ટંકશાળ બનશે. આપણા માટે નહીં વિચારવાનું.' એણે આદિત્ય અને ભાસ્કર સામે જોયું. 'આકાશ અને ભૌમિકને એ આખુંય શિક્ષણધામ વારસામાં મળે તો એમણે બીજું કશુંય કરવાની જરૂર ના પડે.'

ગંભીરતાથી થોડું વિચારીને એણે હરિવલ્લભદાસ સામે જોયું. 'મારી રીતે મેં તો એ વિરાટ શૈક્ષણિક સંકુલનું નામ પણ વિચારી રાખ્યું છે. નિર્મળા-મંજુલા વિદ્યાધામ!'

સગી માતા નિર્મળા અને સાવકી માતા મંજુલાની સ્મૃતિને આ રીતે યાદગાર બનાવાવની યોજના વિભાકરે સમજાવી. એ સાંભળ્યા પછી હરિવલ્લભદાસ વીસેક સેકન્ડ આંખો બંધ કરીને વિચારમાં ડૂબી ગયા. ત્રણેય પુત્રો એમની સામે જોઇ રહ્યા હતા.

'તારી ભાવના ઊંચી છે.' આંખો ખોલીને એમણે વિભાકર સામે જોયું. 'મારું એક નાનકડું સૂચન છે.' ફરીથી આંખો બંધ કરીને એ બબડ્યા. 'દેહનો શો ભરોસો? એ બંનેની સાથે ત્રીજું મારું નામ ઉમેરવાનું પણ વિચારી લેજો.'
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP