Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-47

'તમારા બે ગુજરાતીઓએ તો આખા દેશને મુઠ્ઠીમાં લઇ લીધો છે, પછી નાનાં નાનાં મંડળની ક્યાં જરૂર છે?'

  • પ્રકાશન તારીખ29 Aug 2018
  •  

પ્રકરણઃ47

જયંતી હવે અટેન્શનમાં આવી ગયો હતો. લક્ઝરી બસ મેરઠ શહેરના પરા વિસ્તારમાં પ્રવેશી ચૂકી હતી. નાનો હતો ત્યારે ઇતિહાસમાં એ ભારતની આઝાદીનો ઇતિહાસ ભણ્યો હતો. ક્રાંતિની પ્રથમ ચિનગારી ઇ.સ. 1857માં ઝબૂકી હતી અને એ ક્રાંતિનું ઉદભવ સ્થાન મેરઠ હતું એનો એને ખ્યાલ હતો. આઝાદી પછીનાં વર્ષોમાં મેરઠ પણ અમદાવાદની જેમ કોમી રમખાણો માટે પંકાયેલું હતું. આ સિવાય મેરઠ વિશેની કોઇ જાણકારી જયંતી પાસે નહોતી. બીજી કોઇ માહિતીની એને જરૂર પણ નહોતી. આ શહેરમાં રહીને માત્ર હરિપ્રસાદ મિશ્રા અને એના હત્યારા વિશેની બાતમી મેળવવામાં જ એને રસ હતો.

ક્રાંતિની પ્રથમ ચિનગારી ઇ.સ. 1857માં ઝબૂકી હતી અને એ ક્રાંતિનું ઉદભવ સ્થાન મેરઠ હતું એનો એને ખ્યાલ હતો. આઝાદી પછીનાં વર્ષોમાં મેરઠ પણ અમદાવાદની જેમ કોમી રમખાણો માટે પંકાયેલું હતું.

મેરઠના પરા વિસ્તારનાં પાંચેક બસ સ્ટેન્ડ પર લક્ઝરી ઊભી રહી એમાં મોટા ભાગના મુસાફરો ઊતરી ગયા હતા. છેક છેલ્લે સેન્ટ્રલ એસ.ટી. સ્ટેન્ડ પર લક્ઝરી આવી ત્યારે જયંતી સિવાય માત્ર પાંચેક મુસાફરો જ એમાં રહ્યા હતા. બપોરે એક વાગ્યે વાતાવરણ વાદળછાયું હતું એટલે ગરમી નહોતી લાગતી. લેસ લગેજ મોર કન્ફર્ટમાં જયંતી એ હદે માનતો હતો કે આ મોબાઇલ આવ્યા પછી એણે કાંડે ઘડિયાળ પહેવાનું પણ છોડી દીધું હતું. હાથમાં નાનકડી સૂટકેસ અને ખભે બગલથેલા સાથે એ બસસ્ટેન્ડમાંથી બહાર નીકળ્યો. થાક અને ઉજાગરા ઉપરાંત હવે તો ભૂખ પણ કકડીને લાગી હતી.

‘સાબ, હોટલ ચાહિયે?’ કહીને રિક્ષાવાળાઓ ઘેરી વળ્યા હતા એમનાથી પીછો છોડાવીને એ મુખ્ય માર્ગ પર આવ્યો. સામે જ ચારેક હોટલ દેખાઇ. જમવા માટે ત્યાં જે ભીડ હતી એ જોઇને જ્યાં સૌથી વધુ ભીડ હતી એ હોટલમાં જમવાનું એણે નક્કી કરી નાખ્યું. આરામથી ભરપેટ જમ્યા પછી સામાનના લબાચા ઊંચકીને હોટલ શોધવાનું કામ અઘરું પડશે એ વિચારીને સાથે એણે નક્કી કર્યું કે પહેલા રહેવા માટે હોટલની ગોઠવણ થઇ જાય, એ પછી સામાન ત્યાં મૂકીને આરામથી જમવા આવીશ.

ગ્રાહકની રાહ જોઇને એક પાનવાળો સાવ નવરો બેઠો હતો. અમદાવાદમાં ક્યારેક ભારે ભોજન જમ્યા પછી વર્ષમાં માંડ બે- ત્રણ વાર જયંતી પાન ખાતો હતો. એ છતાં, એને એ ખ્યાલ હતો કે પાનના ગલ્લાવાળા પાસે આસપાસના વિસ્તારની માહિતી ગૂગલથી પણ વિશેષ હોય છે. જયંતી ત્યાં ગયો. કલકત્તી મીઠાં બે પાન બંધાવીને એણે પૂછ્યું કે રહેવા માટે સસ્તી અને સારી હોટલ આટલામાં કઇ છે? વધુ ચોકસાઇ માટે એણે એ પણ પૂછી લીધું કે વેજિટેરિયન જમવાનું સારું ક્યાં મળશે?


જવાબ આપતાં અગાઉ પાનવાળાએ જયંતીનું નિરીક્ષણ કર્યું. પછી જમવા માટે એણે જે હોટલનું નામ આપ્યું એના ઉપરથી જયંતીને સંતોષ થયો. પોતે જે હોટેલમાં જમવાનું વિચારેલું એ જ નામ પાનવાળાએ આપ્યું. 'આગળ ચાર રસ્તા આવે ત્યા જમણા હાથે ત્રિમૂર્તિ ગેસ્ટહાઉસ છે.' જયંતીની સામે જોઇે એણે ઉમેર્યું. 'ક્લિન નીટ છે અને ત્યાં કોઇ આડાઅવળા ધંધા નથી ચાલતા એ પંડિતજી કડકછાપ છે. ગેસ્ટહાઉસમાં બાટલી પણ એલાઉ નથી.'

'શુક્રિયા.' કહીને જયંતીએ પાનના પૈસા ચૂકવી દીધા અને ચાર રસ્તા તરફ આગળ વધ્યો.

પાનવાળાએ સાચી માહિતી આપી હતી. પહેલે માળે હવા- ઉજાસવાળો રૂમ ચોખ્ખો ચણાક હતો. પ્રભાવશાળી પંડિતજીએ ભાડું પણ વ્યાજબી જ કહ્યું હતું એ છતાં પાકા અમદાવાદી તરીકે જયંતીએ દલીલ કરી કે છ દિવસ રહેવાનું છે એટલે ડિસ્કાઉન્ટ કરી આપો. નાનો માણસ બનીને ઊંચી દલીલ કરવાની જયંતીની આવડત અહીં કામમાં આવી ગઇ. પંડિતજીએ વીસ ટકા ડિસ્કાઉન્ટ કરી આપ્યું. રજિસ્ટરમાં એન્ટ્રી કરીને પંડિતે કહ્યું એટલે જયંતીએ પાનકાર્ડ ઝેરોક્સ પણ એમને આપી.

સામાન રૂમમાં મૂકીને જંયતી નીચે ઊતર્યો. જમવા માટે નક્કી કરેલી હોટલ પર જતી વખતે રોડની બંને તરફની દુકાનો ઉપર એ નજર ફેરવતો હતો. એસ.ટી. સ્ટેન્ડની નજીકનો વિસ્તાર હોવાથી ખાણી-પીણીની હોટલો બહુમતીમાં હતી. જમવાનું સારું હતું. અમદાવાદની તુલનામાં તીખાશ થોડી વધારે હતી, પણ ભાવમાં મીઠાશ હતી એટલે જયંતીને આનંદ થયો.

જમીને પાછા ગેસ્ટહાઉસ તરફ જતી વખતે ચાર રસ્તા પર બેઠેલા ફેરિયા પાસેથી જયંતીએ ચારેક સ્થાનિક અખબાર ખરીદ્યાં. રૂમમાં જઇને એ છાપાં બાજુમાં મૂકી દીધાં, કપડાં બદલ્યાં અને પલંગમાં આડો પડ્યો.


બે કલાકની ઊંઘ પછી એ જાગ્યો ત્યારે બધો થાક ઓગળી ગયો હતો. આ ગેસ્ટહાઉસમાં જમવાની કે નાસ્તાની સગવડ નહોતી, પણ સવારે છથી રાત્રે બાર સુધીમાં ગમે ત્યારે ચાનો ઓર્ડર આપો તો પંડિતજીનાં પત્ની પાંચ જ મિનિટમાં સરસ ચા રૂમ પર પહોંચાડતા હતા. રૂમ બુક કરાવ્યો ત્યારે પંડિતજીએ જ આ કહેલું એટલે જયંતીએ ઇન્ટરકોમ ઉઠાવ્યું અને ચા માટે કહ્યું. સાત- આઠ મિનિટમાં જ વીસેક વર્ષનો યુવાન ચાનું થરમોસ લઇને આવ્યો. ટિપોઇ પર કપ મૂકીને એણે થરમોસમાંથી ચા કાઢી. અત્યંત ચીવટપૂર્વક એ આ કામ કરતો હતો વળી, એનો ચહેરો જોઇને જયંતીએ ધારણા કરી કે આ પંડિતજીનો જ સુપુત્ર હશે

'પંડિતજી તમારે શું થાય?' એણે પેલાને પૂછ્યું.

'પિતાજી.' એ યુવાને હસીને જયંતી સામે જોયું. 'અમારા આ ગેસ્ટહાઉસમાં બહારનો કોઇ પગારદાર માણસ જ નથી રાખ્યો. પપ્પા, મમ્મી, અમે બે ભાઇ બધું સંભાળીએ છીએ. મોટી બહેન વિધવા થયેલી છે એ પણ અમારી સાથે રહીને કામમાં મદદ કરે છે.' એના અવાજમાં ગર્વ ઉમેરાયો. 'બધા ઘરના જ માણસ છીએ એટલે તો વ્યાજબી ભાવે સર્વિસ આપવાનું શક્ય છે. આ ચા જે અમે પીએ છીએ એ જ તમને આપીએ છીએ.'

'વેરી ગુડ.' આ પરિવાર જે મહેનત કરી રહ્યો હતો એનાથી ખુશ થઇને જયંતીએ કહ્યું. વળી, ચા પણ પોતાના ટેસ્ટની જ હતી.

'હું ગ્રેજ્યુએટ ગયા વર્ષે જ થયો. નાનો ભાઇ એન્જિનિયરિંગ કોલેજમાં ભણે છે. અભ્યાસ સાથે પણ આ કામ સંભાળીએ છીએ.'

'વેરી ગુડ.' જયંતીએ ફરી વાર કહ્યું. એણે ચા પી લીધી એટલે ખાલી કપ લઇને પંડિતજીનો પુત્ર રૂમની બહાર ગયો.

જયંતીએ ચારેય સ્થાનિક દૈનિકનાં પાનાં ઉથલાવ્યાં. એ બધામાં ‘મેરઠ મોર્નિંગ સ્ટાર’ દૈનિક એણે પસંદ કર્યું. એમાં સ્થાનિક ગુનાખોરીના અને નાના નાના સમાચાર વિશે પણ વિગતવાર માહિતી હતી. ફલાણી શેરીમાં રહેતા ઢીંકણા ભાઇને ગાયે શીંગડું માર્યું એવા સમાચાર બીજા કોઇ અખબારમાં નહોતા. હરિપ્રસાદ મિશ્રા મર્ડર કેસ વિશેની વધુમાં વધુ માહિતી આ મેરઠ મોર્નિંગ સ્ટારમાંથી જ મળશે એવી જયંતીને ખાતરી થઇ ગઇ.

અખબારોની થપ્પી બાજુ પર મૂકીને એણે કપડાં બદલ્યા અને બહાર જવાની તૈયારી કરી. તેર લાખની વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશના આ શહેરમાં ગુજરાતીઓની સંખ્યા પણ ખાસ્સી હશે. એમાંથી કોઇ સહૃદયી ગુજરાતી મળી જાય તો પોતાના પ્રોજેક્ટમાં મદદ મળે. એ વિચાર સાથે જયંતી સીડી ઊતર્યો.

પલંગની આગળ જ ટેબલ મૂકીને પંડિતજીએ રિસેપ્શન ડેસ્ક બનાવ્યું હતું. પાછળ દીવાલમાં જડેલો કબાટ હતો. ટેબલ પર રજિસ્ટર, ટેલિફોન, સ્થાનિક ટેલિફોન ડિરેક્ટરી, અખબાર, પાણીનો જગ અને ગ્લાસ જેવી નાની મોટી વસ્તુઓના સાંનિધ્યમાં પંડિતજી ચોવીસેય કલાક આ પલંગ પર જ હાજર રહેતા.

જયંતી સીડી ઊતરીને ત્યાં આવ્યો ત્યારે એમણે સ્મિત ફરકાવીને પૂછ્યું, 'કોઇ તકલીફ નથીને, સાહેબ?'

'તમારા વહીવટમાં કોઇ ખામી હોય?' જયંતીએ પણ હસીને પ્રતિભાવ આપ્યો. 'બધુંય ઘર જેવું જ લાગે છે.' સહેજ અટકીને એણે પંડિતજીને પૂછ્યું. 'અહીં કોઇ ગુજરાતી સમાજ કે એવું કંઇ તો હશેને?'

'તમારા બે ગુજરાતીઓએ તો આખા દેશને મુઠ્ઠીમાં લઇ લીધો છે, પછી નાનાં નાનાં મંડળની ક્યાં જરૂર છે?' પંડિતજીએ હસીને જયંતી સામે જોયું અને પછી જાણકારી આપી. 'ગુજરાતીઓનું મંડળ તો છે, પણ એની વિશેષ માહિતી મારી પાસે નથી. એ છતાં એક ઉપાય છે. અમારા ઘર માટેનું અનાજ- કરિયાણું અને પ્રોવિઝન આઇટમ્સ અમે જે દુકાનેથી ખરીદીએ છીએ એ દુકાન ગુજરાતીની છે.' એમણે રસ્તો બતાવ્યો. 'અહીંથી બહાર નીકળીને ડાબી બાજુ જે પહેલી ગલી આવે એમાં વળી જજો. પાંચ મિનિટ ચાલશો કે તરત એ દુકાન દેખાશે. એ એરિયામાં એ એક જ દુકાન છે એટલે તરત જડી જશે. જરૂર પડે તો મારું નામ આપજો.'

પંડિતજીનો આભાર માનીને જયંતીએ પગ ઉપાડ્યા. અત્યારે એણે બગલથેલો ખભે લટકાવ્યો હતો. પંડિતનું માર્ગદર્શન સચોટ હતું. થોડે દૂર ઊભા રહીને એણે દુકાનનું નિરીક્ષણ કર્યું. ઘઉં, ચોખા, કઠોળથી માંડીને સાબુ અને ડિટરજન્ટ પાઉડર સુધીની તમામ વસ્તુઓ જ્યાં મળે એવી ગંજાવર દુકાન હતી. દુકાનમાં ગ્રાહકોની ભીડ હતી. પાંસઠેક વર્ષના એક વડીલ કાઉન્ટર પર બેસીને સ્ટાફને સૂચના આપી રહ્યા હતા. દુકાનમાં ગ્રાહકોની ભીડ હોય એ સમયે જવાથી પેલો માણસ સરખો જવાબ ના પણ આપે એમ વિચારીને જયંતી શાંતિથી ઊભો રહ્યો. 'અંબિકા કિરાના સ્ટોર' હિન્દીમાં ખાસ્સું મોટું બોર્ડ હતું એમાં પ્રોપરાઇટર તરીકે પોપટલાલ પાનાચંદ નામ આટલે દૂરથી પણ વાંચી શકાતું હતું.

ગ્રાહકોની ભીડ ઓછી થઇ ત્યાં સુધી જયંતીનું નિરીક્ષણ ચાલુ હતું. હવે કોઇ ગ્રાહક નહોતો અને પેલા વડીલે નેપ્કિનથી કપાળ પરનો પરસેવો લૂછ્યો. એ જોયા પછી જયંતીએ એ તરફ પગ ઉપાડ્યા.

જયંતીએ ચારેય સ્થાનિક દૈનિકનાં પાનાં ઉથલાવ્યાં. એ બધામાં ‘મેરઠ મોર્નિંગ સ્ટાર’ દૈનિક એણે પસંદ કર્યું. એમાં સ્થાનિક ગુનાખોરીના અને નાના નાના સમાચાર વિશે પણ વિગતવાર માહિતી હતી. ફલાણી શેરીમાં રહેતા ઢીંકણા ભાઇને ગાયે શીંગડું માર્યું એવા સમાચાર બીજા કોઇ અખબારમાં નહોતા.

બરાબર એ જ વખતે સચિવાલયના મહેસૂલ વિભાગમાંથી બહાર નીકળીને વિભાકરે ડ્રાઇવર ભીખાજીને ફોન કર્યો. જ્યારે જ્યારે ગાંધીનગર જવાનું હોય ત્યારે વિભાકર ભીખાજી સાથે લઇને જતો.

ભીખાજી કાર લઇને આવ્યો એટલે વિભાકર આગળની સીટમાં એની પાસે જ ગોઠવાઇ ગયો. 'ઓફિસે લઇ લો.' ભીખાજીને સૂચના આપીને વિભાકરે સમયનો સદુપયોગ કર્યો. કાર ઓફિસે પહોંચી ત્યાં સુધીમાં ચારેક જરૂરી ફોન કરવાનું કામ એણે પતાવી દીધું હતું.

ઓફિસમાં પ્રવેશીને જે પહેલો કર્મચારી દેખાયો એને વિભાકરે સૂચના આપી. 'આદિત્યશેઠ અને ભાસ્કરશેઠને બાપાજીની ચેમ્બરમાં મોકલો.'

પાંચ મિનિટ પછી હરિવલ્લભદાસ એમની આલિશાન રિવોલ્વિંગ ચેરમાં બેઠા હતા. આદિત્ય અને ભાસ્કર સામેની ખુરસીઓમાં બેઠા હતા. એ ત્રણેયની સામે જોઇને આદિત્ય ઊભો હતો. 'ગોધાવીની પાંસઠ એકર જમીન હવે આપણા હાથમાંથી જવા નથી દેવી.' બાપ અને બંને ભાઇઓને સંબોધીને વિભાકરે મક્કમતાથી કહ્યું. 'એટ એની કોસ્ટ એ જમીન આપણે ખરીદવાની છે અને એ પછીનો એક જબરજસ્ત પ્રોજેક્ટ મારા મગજમાં ઘૂંટાય છે.'

એ બોલતો હતો. પેલા ત્રણેય આતુરતાથી એની વાત સાંભળવા તત્પર હતા.
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP