Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-46

'આ બિગ બોસની મૂળભૂત સ્ટાઇલ તો હજુ એની એ જ છે. હવે એ વધારે ખતરનાક છે. અક્કલ સાથેની આક્રમકતા એમનામાં છે!'

  • પ્રકાશન તારીખ28 Aug 2018
  •  

પ્રકરણઃ 46

સાંજે સાતેક વાગ્યે અમદાવાદના રસ્તાઓ ઉપર જેણે કાર ચલાવી હોય એ વ્યક્તિ દુનિયાભરના કોઇ પણ શહેરમાં સરળતાથી ડ્રાઇવિંગ કરી શકે. પાછળની સીટ પર બેઠેલા શેઠ હરિવલ્લભદાસને લગીર પણ આંચકો ના લાગે એની કાળજી રાખીને ભીખાજી કાર ચલાવી રહ્યો હતો. રોડ ઉપરના ખાડા- ટેકરાઓને જોઇને એને આ મોંઘીદાટ કારની ચિંતા થતી હતી.

રિંગ વાગી એટલે હરિવલ્લભદાસે મોબાઇલ ઉઠાવ્યો. એમણે હલ્લો કહ્યું કે તરત ડૉક્ટર દિનુભાઇએ પૂછ્યું. 'ક્યાં છે તું? ઘેર કે ઓફિસે?'

'રસ્તામાં' હરિવલ્લભદાસે સામે પૂછ્યું. 'બોલ, કામ શું છે?'

એ લોકોના નિર્ણયની હરિવલ્લભદાસને આગોતરી જાણ હતી જ. બંગલે આવીને સાથે જમવાનું એમને ગમતું હતું. મંજુલા જીવતી હતી ત્યારે પણ દર પંદર દિવસે એકાદ વાર એ ત્રણેય જમવામાં સહભાગી બનતા હતા.

'હિંમત આપણને પાર્ટી આપવા માગે છે. એના પૌત્રનું સગપણ નક્કી થયું એની ખુશાલીમાં.' આટલું કહીને દિનુભાઇએ સહેજ અટકીને ઉમેર્યું. 'મેં એને કહ્યું કે હરિભાઇ શેઠ હજુ શોકમાં છે એટલે પાર્ટીનો આઇડિયા પરડો મૂક. અત્યારે હું અને જીવણ એના ઘેર જ બેઠા છીએ.'

'એક કામ કર.' હરિવલ્લભદાસે સૂચન કર્યું. 'તમે ત્રણેય મારા ઘેર આવી જાવ. નિરાંતે બેસીને વાતો કરીશું એ આપણી પાર્ટી. એમાં શોક નહીં નડે. તમારી સાથે હું હસીને વાતો કરતો હઇશ એ જોઇને મંજુનો આત્મા પણ રાજી થશે. એ બિચારી કાયમ મને કહેતી હતી કે દિવેલિયું ડાચું ના રાખો. ધંધાનું ટેન્શન ભૂલીને હસીખુશીથી જીવવાનું એ મને શીખવાડતી હતી.' સહેજ અટકીને એમણે ઉમેર્યું. 'તમે ત્રણેય જમવાનું પણ મારી સાથે જ રાખજો. રૂટિનમાં જે હશે એ જમી લઇશું.'

'હું હિંમતને વાત કરું છું.' ફોન ચાલુ રાખીને ડૉક્ટરે બાજુમાં બેઠેલા બંને મિત્રો સાથે સંતલસ કરીને કહ્યું. 'તારો આદેશ આંખ- માથા ઉપર. અમે ત્રણેય આવીએ છીએ.'

એ લોકોના નિર્ણયની હરિવલ્લભદાસને આગોતરી જાણ હતી જ. બંગલે આવીને સાથે જમવાનું એમને ગમતું હતું. મંજુલા જીવતી હતી ત્યારે પણ દર પંદર દિવસે એકાદ વાર એ ત્રણેય જમવામાં સહભાગી બનતા હતા.

ઘેર પહોંચ્યા પછી એમએ કાશીબા દ્વારા ગોરધન મહારાજને સૂચના પહોંચાડી દીધી.

પોણો કલાક પછી એ ત્રણેય આવ્યા ત્યારે હિંમતલાલના હાથમાં પેંડાનું બોક્સ હતું. પૌત્રને સારા ઘરની કન્યા મળી એને લીધે એ રાજી રાજી હતા. ચારેય મિત્રો ડ્રોઇંગરૂમમાં બેસીને વાતોના તડાકા મારી રહ્યા હતા.

આદિત્ય અને ભાસ્કર બંને એક સાથે આવ્યા અને ત્યાં જ રોકાઇ ગયા. રાજધાની એક્સપ્રેસમાં આરામથી બેસી ગયો છું અને સવારે દિલ્હી પહોંચી જઇશ. ટ્રેન ઊપડ્યા પછી જયંતીએ ફોન કરીને આ સમાચાર આપેલા એને લીધે વિભાકર પણ હવે નિશ્ચિંત હતો. એ આવ્યો ત્યારે મહેફિલ જામેલી હતી એટલે એ પણ બધાની જોડે ગોઠવાઇ ગયો.

ડાઇનિંગ ટેબલ ગોઠવાઇ ગયું એટલે બધા ઊભા થઇને ત્યાં ગયા. હિંમતલાલ હરિવલ્લભદાસની ડાબી બાજુએ બેઠા હતા. જમણી બાજુએ જીવણલાલ અને ડૉક્ટર દિનુભાઇ અને આ ચારેયની સામે આદિત્ય, વિભાકર અને ભાસ્કર બેઠા હતા.

'આજે એક બાઇકવાળાએ હડફેટમાં લઇને રોડ પર ગબડાવી દીધેલો.' જમવાનું પતાવીને બધા પાછા ડ્રોઇંગરૂમમાં બેઠા ત્યારે જીવણભાઇએ કહ્યું. 'હું તો ધીમે ધીમે રોડ ક્રોસ કરતો હતો અને એ ગધેડો રોંગરાઇડમાં આવીને ભટકાણો. એ તો તરત ભાગી ગયો પછી બીજા લોકોએ આવીને ઊભો કર્યો. નસીબ સારું કે કંઇ વાગ્યું નહીં.'

'અમદાવાદમાં હવે વડીલોએ રોડ ક્રોસ કરવાનું જોખમ લેવા જેવું નથી.' આદિત્યે એમને સમજાવ્યું. 'બહાર નીકળો ત્યારે ઝભ્ભાના ખિસ્સામાં પાંચના અને દસના બે- ચાર સિક્કા સાથે રાખવાના. ટ્રાફિકથી ધમધમતો રોડ જાતે ક્રોસ કરવાનું ભૂલી જાવ. સાઇડમાં ઊભેલા કોઇ પણ રિક્ષાવાળાને પાંચ કે દસનો સિક્કો પકડાવીને કહેવાનું કે ભાઇ, રોડ ક્રોસ કરાવી દે. બહુ પ્રેમથી એ તમને સલામત રીતે સામે પાર પહોંચાડી દેશે. મારા એક મિત્રના પપ્પા તો કાયમ આ રીતે જ રોડ ક્રોસ કરે છે. પાંચ કે દસ રૂપિયા આપો પછી કોઇ રિક્ષાવાળો ના ના પાડે.'

'એ તારી વાત સાચી.' જીવણભાઇએ ડોકું હલાવીને સમંતિ આપી. પછી અફસોસ સાથે ઉમેર્યું. 'લોકો દોડી આવ્યા અને મને ઊભો કર્યો એ એમની મહેરબાની પણ ખોટી રીતે આવીને મને પછાડનાર બાઇકવાળાને રોકવાની કોઇનામાં હિંમત ના મળે. વટ કે સાથ એ ભાગી ગયો.'

'એ વખતે ત્યાં વિભાકર જેવો કોઇ માણસ હાજર નહીં હોય.' દિનુભાઇએ હસીને કહ્યું. 'નહીં તો પેલાને પકડીને પાઠ ભણાવેત.'

'વિભાને એ ગુણ એની મમ્મી નિમુ પાસેથી વારસામાં મળ્યો છે.' હરિવલ્લભદાસે સામે બેઠેલા ત્રણેય પુત્રો સામે નજર ફેરવીને કહ્યું.' મારામાં ધંધાદારી આવડત અને ચાલાકી ખરી, પણ ઉગ્રતા અને આક્રમકતા જરાયે નહીં. એ બાબતમાં મંજુ પણ શાંત અને સૌમ્ય. એને લીધે હું, આદિત્ય અને ભાસ્કર પ્રમાણમાં શાંત. શાલુ પણ એની મા જેવી ઘરરખ્ખુ ગૃહિણી બની ગઇ છે.' વિચારમગ્ન દશામાં જ એમણે વિભાકર સામે જોયું. 'આમ તો નિર્મળા પણ ગરીબ ગાય જેવી રાંક હતી. એના સ્વભાવની બધી સારપ વિભાકરને વારસામાં મળી છે. વધારાના બોનસ તરીકે ભગવાને હિંમત અને આક્રમકતાની ભેટ એને આપી છે.'

સહેજ અટકીને એમણે મિત્રો સામે જોયું. 'આ ઉપરાંત એના ઘડતરમાં મોસાળનો પણ ફાળો ખરો. દિવાળીનું વેકેશન હોય કે ઉનાળાનું, આદિત્ય અને ભાસ્કર અહીં બંગલામાં જ અમારી સાથે વીતાવે. વિભો તો વેકેશન પડે એ રાત્રે જ ગારિયાધાર ભાગી જાય. એ પછી સ્કૂલ ખૂલે એના અઠવાડિયા પછી પાછો આવે. એના મામાને મારે બે- ત્રણ વાર ફોન કરવો પડે એ પછી આ હીરો ઘેર આવે. કોલેજમાં આવ્યો એ પછી એણે ગારિયાધાર જાવાનું ઓછું કર્યું.'

હરિવલ્લભદાસ ભૂતકાળની સ્મૃતિઓમાં ખોવાઇ ગયા હતા. 'શાલુ એનાથી પાંચેક વર્ષ નાની. શાલુને રમાડતી વખતે એ ઉંમરે પણ મોટા ભાઇ તરીકે પોતાની જવાબદારી ઝનૂનથી નિભાવે. એક વાર હું અહીં આ જ રીતે સોફા પર બેઠો હતો. થોડે દૂર નીચે બેસીને કાશીબા મેથી ચૂંટી રહ્યાં હતાં અને મંજુલા એમને મદદ કરી રહી હતી. એકાદ વર્ષની શાલુ અહીં આ હૉલમાં વચ્ચે બેઠી હતી. વિભો એની મસ્તીમાં સોફા ઉપરથી ભૂસકા મારી રહ્યો હતો. એણે જોયું કે એક મોટો મંકોડો વરસાદ પછી જોવા મળે છે એવો પાંખવાળો મંકોડો ધીમે ધીમે શાલુ તરફ આગળ વધી રહ્યો હતો. શકરાબાજ જેવી નજરે આ દૃશ્ય જોયું એટલે પોતાની રમત છોડીને એ ત્યાં પહોંચ્યો. ધડામ દઇને પોતાના પગથી એણે એ મંકોડાને કચડી નાખ્યો. જે રીતે દાંત ભીંસીને એણે મંકોડાને મારી નાખ્યો એ જોઇને મંજુને તો અરેરાટી થઇ ગઇ. સાથે એટલો સંતોષ પણ થયો કે મારી દીકરી નસીબદાર છે. બહેનની રક્ષા કરે એવો ભડવીર ભાઇ મળ્યો છે.'

બધા શ્રોતાઓ ધ્યાનથી સાંભળતા હતા. જૂની યાદો આંખ સામે તરવરતી હતી એનો મલકાટ હરિવલ્લભદાસના મોં પર છલકાતો હતો.

'એની બહાદુરી માત્ર મંકોડા પૂરતી મર્યાદિત નહોતી.' એમણે હસીને ઉમેર્યું. 'મંજુને આ ચારેય બાળકો ઉપર લાગણી તો હતી એ છતાં એ એવું માનતી હતી કે સોનાની કટારી કમરે લટકાવાય, પેટામાં ના ખોસાય. એને લીધે બાળકોને ધમકાવવામાં પણ એ કસર નહોતી રાખતી. શાલુ, આદિત્ય અને ભાસ્કર એ ત્રણેયની સામે જોઇને મંજુ ઘાંટો પાડે તો એ ત્રણેય થથરી જાય અને શાંત થઇ જાય. કોણ જાણે કેમ વિભાને એ ઉંમરે પણ મંજુની બીક નહોતી. એ એનાં તોફાન- મસ્તીમાં કોઇ ફેરફાર ના કરે.'

બધાને પાણી આપવા માટે કાશીબા ત્યાં ટ્રે લઇને આવ્યાં હતાં. એ પણ શેઠની વાત સાંભળવા ઊભાં રહી ગયાં હતાં. હરિવલ્લભદાસે એમની સામે જોઇને પૂછ્યું. 'કાશીબા, એ દિવસે કપ- રકાબીના મામલે રાવણ બનીને વિભાએ મંજુને પણ થથરાવી દીધેલી, એ યાદ છે ને?' એમણે હસીને કહ્યું. 'હું તો થોડો દૂર હતો. તમે મંજુની અડોઅડ ઊભાં હતાં એટલે તમે જ કહો કે એ દિવસે કેવો સીન હતો!'

કાશીબાએ મોં મલકાવીને વિભાકર સામે જોયું. હાથમાં હતી એ ટ્રે ટિપોઇ પર મૂકીને બધાની સામે જોયું.

'શેઠના કોઇ દોસ્તાર ફોરેનથી આવ્યા હતા. એમણે છ કપ અને રકાબીનો સેટ ભેટ આપ્યો હતો. વાદળી રંગના કાચનો એ સેટ ખૂબ મોંઘો છે એવું મંજુબા કહેતાં હતાં. વિભાશેઠ એ વખતે તો નવ વર્ષના. એમણે ઝપટ મારીને મંજુબાના હાથમાંથી એ સેટ જોવા માગ્યો. હું આમાં દૂધ પીશ. એવી જીત કરીને એણે એક કપ અને રકાબી લેવા જે ઝાટકો માર્યો એમાં એ મોંઘીદાટ રકાબી ફૂટી ગઇ. મંજુબા તો ગુસ્સાથી લાલઘૂમ થઇ ગયાં. વિભા, આવું તોફાન સહન નહીં થાય એમ કહીને એમણે વિભાશેઠ પર હાથ ઉપાડવાની એક્ટિંગ કરી.' વિભાકર સામે નજર કરીને એમણે આગળ કહ્યું. 'વિભાશેઠનું શરીર તો એ વખતેય ગદડિયા જેવું. કેડ ઉપર બેય હાથ મૂકીને પગ પહોળા કરીને એ મંજુબા સામે ખુન્નસથી તાકી રહ્યા હતા. મંજુબાનું મગજ ગુસ્સાથી ફાટફાટ થતું હતું એટલે એ ચિડાઇને ધમકાવતા હતા એ વખતે સમડીની જેમ તરાપ મારીને વિભાશેઠે આખો સેટ પોતાના હાથમાં લઇ લીધો. આ લે... આ લે... એમ કહીને આખા ડ્રોઇંગરૂમમાં દોડા દોડી કરી મૂકેલી! છ કપ- રકાબીનું સત્યાનાશ વાળીને એ પાછો કેડે હાથ ટેકવીને મંજુબા સામે ઊભો રહ્યો. હવે ક્યારેય એ ફરીથી ફૂટવાનું ટેન્શન નહીં થાય એમ બબડીને એ પાછો રમવા જતો રહ્યો ને મંજુબા રડવા લાગ્યાં. અરેરે... આ છોકરો મોટો થઇને તો શું કરશે? એવો એ બબડાટ કરતાં હતાં, પણ વિભાશેઠ ઉપર તો એની કોઇ અસર નહોતી. એ તો શાલુ અને આદિત્યશેઠની સાથે સાતતાળી રમતો હતો!'

'આવી ઉગ્રતા અને આક્રમકતા હોવા છતાં કોઇ એને છંછેડે નહીં ત્યાં સુધી તો એકદમ આજ્ઞાંકિત બનીને બધા આદેશનું પાલન કરે.’

કાશીબાએ વાત પૂરી કરી ત્યારે ત્રણેય ભાઇઓના હોઠ પર મલકાટ હતો. હરિવલ્લભદાસે પોતાના મિત્રો સામે જોયું. 'આવી ઉગ્રતા અને આક્રમકતા હોવા છતાં કોઇ એને છંછેડે નહીં ત્યાં સુધી તો એકદમ આજ્ઞાંકિત બનીને બધા આદેશનું પાલન કરે. ટુ બી વેરી ફ્રેન્ક, એણે કપ-રકાબીનો કચ્ચરઘાણ વાળ્યો એ જોઇને તો મનેય ચિંતા થતી હતી કે આ પાટવીકુંવર ક્યારે સુધરશે? થેન્ક ગોડ! વહેતા સમયની સાથે એનામાં સમજદારી આવી ગઇ. કોઇ ચીજને કે વ્યક્તિને નુકસાન ના કરાય એટલી અક્કલ આવી ગઇ એ જોયા પછી હું નિશ્ચિંત બન્યો.'

'આ બિગ બોસની મૂળભૂત સ્ટાઇલ તો હજુ એની એ જ છે.' વિભાકરના ખભે હાથ મૂકીને આદિત્યે કહ્યું. 'હવે એ વધારે ખતરનાક છે. અક્કલ સાથેની આક્રમકતા એમનામાં છે!'

બધા હસી પડ્યા. એ પછી થોડી વાર કેરાલાના પૂરની અને એવી બીજી આડીઅવળી વાતો ચાલી. રાત્રે આગિયાર વાગ્યે પેલા ત્રણેય વડીલોએ વિદાય લીધી અને અહીં બધા પોતપોતાના રૂમમાં ગયા.

સવારે વિભાકર જિમમાં હતો. જયંતી દિલ્હી તો પહોંચી ગયો હશે, પણ એ પછી? એ વિચાર એના મગજમાં આવ્યો એ જ વખતે એનો મોબાઇલ રણક્યો. સ્ક્રીન ઉપર જયંતીનું નામ જોઇને એણએ તરત હાથ લંબાવીને મોબાઇલ ઉઠાવ્યો.

'દિલ્હીના રેલવે સ્ટેશનના વેઇટિંગમાં જ ફ્રેશ થઇ ગયેલો. નાસ્તો- પાણી પતાવીને મેરઠ માટેની લક્ઝરી બસમાં બેસી ગયો છું.' જયંતીએ માહિતી આપી. 'એકસો દસ કિલોમીટર છે એટલે અઢી કલાકમાં આરામથી પહોંચી જઇશ.' એણે સૂચના આપી. 'હવે પછી તમે ફોન ના કરતા. ત્યાં હું કઇ જગ્યાએ કઇ દશામાં હઇશ એનું કોઇ ઠેકાણું નહીં. એટલે મારી રીતે હું જ ફોન કરીશ.'

'ઓ.કે. ઓલ ધ બેસ્ટ.' વિભાકરે ફોન બાજુ પર મૂક્યો.
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP