Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-45

'ગયા મહિનાની છવ્વીસમી તારીખે પોઇન્ટ બ્લેન્ક ગોળી મારીને એક માણસની હત્યા થયેલી.'

  • પ્રકાશન તારીખ27 Aug 2018
  •  

પ્રકરણઃ 45

હરિવલ્લભદાસની ઓફિસમાં જે કર્મચારીઓ હતા એ બધાય વિશ્વાસપાત્ર હતા. નોકરી આપતાં અગાઉ એ દરેકના પરિવારના ઇતિહાસની પણ ચકાસણી કરવામાં આવેલી. મોટા ભાગનો સ્ટાફ તો મિત્રો કે સંબંધીઓની ભલામણથી જ આવેલો હતો.

એમાં બે કર્મચારી વિભાકરના કોલેજ સમયના મિત્રો હતા. જયરાજ અને જયંતીએ કોલેજનાં ચારેય વર્ષ દરમિયાન વિભાકનરા ફોલ્ડરિયા તરીકે ફરજ બજાવી હતી. એમની નિષ્ઠાના સરપાવ તરીકે વિભાકરે એમને પોતાની સાથે લઇ લીધા હતા. એ બંને વિભાકરના હાથ નીચે ટિચાઇને ઘડાયેલા હતા એટલે ક્યાંય કાચા પડે એમ નહોતા.

હરિપ્રસાદ મિશ્રા મર્ડર કેસ. ખૂન તો લંડનમાં થયેલું પણ આ હરિપ્રસાદ મૂળ રહેવાસી તો ઉત્તરપ્રદેશના મેરઠ શહેરનો. મેરઠ જઇને વિગતવાર તપાસ કરવાનું કામ કોઇકને સોંપવું પડશે એ વિચારની સાથે વિભાકરને સૌથી પહેલાં જયરાજ અને જયંતીનું સ્મરણ થયું.

હરિપ્રસાદ મિશ્રા મર્ડર કેસ. ખૂન તો લંડનમાં થયેલું પણ આ હરિપ્રસાદ મૂળ રહેવાસી તો ઉત્તરપ્રદેશના મેરઠ શહેરનો. મેરઠ જઇને વિગતવાર તપાસ કરવાનું કામ કોઇકને સોંપવું પડશે એ વિચારની સાથે વિભાકરને સૌથી પહેલાં જયરાજ અને જયંતીનું સ્મરણ થયું. આ કામમાં બે માણસની જરૂર નથી. બેમાંથી ગમે તે એકને મોકલવાથી પણ જો પરિણામ મળવાનું હશે તો મળશે. પ્રશ્ર એ હતો કે બેમાંથી કોને મોકલવો? હોંશિયારી, ચાલાકી અને હિંમતમાં બંને એકબીજાનાં માથાં ભાંગે એવા કાબા હતા. પોતાની પાછળ વિભાકરનું પીઠબળ છે એ સચ્ચાઇ સમજાયા પછી એ બંને વધુ નીડર બની ગયા હતા.

જયરાજ એકદમ ગોરો અને સ્ટાઇલિશ હતો. પોતાના દેખાવ માટે એ હંમેશાં સભાન રહેતો. જયંતી એ બાબતમાં સાવ બેદરકાર. ઘઉંવર્ણો રંગ અને ઓઇલી ત્વચા. એને લીધે એ બાઇક લઇને ઓફિસે આવે તો પણ જાણે ચાલતો આવ્યો હોય એવું એના ચહેરા ઉપરથી લાગે. આમ પાછો ઉંદરડા જેવો. તદ્દન સામાન્ય દેખાવને લીધે એને ગમે તે સ્થળે ઘૂસી જવામાં કોઇ તકલીફ નહોતી પડતી. ચૂપચાપ ઊભો રહે તો એનું વ્યક્તિત્વ કોઇ ગણતરીમાં પણ ના લે. ટોળામાંનો એક માણસ બનવાની એનામાં જબરજસ્ત કુદરતી બક્ષિસ હતી. ઘટના સ્થળે બાઘા જેવો ચહેરો લઇને નિર્વિકારભાવે એ ઊભો હોય ત્યારે એના કાન સરવા હોય અને આંખો તો માઇક્રોસ્કોપની માફક ઝીણામાં ઝીણી બાબતના નિરીક્ષણમાં રોકાયેલી હોય, તોય આજુબાજુ ઊભેલા લોકોને એની કારીગરીનો ખ્યાલ ના આવે!

એની આ ખૂબી ધ્યાનમાં લઇને વિભાકરે એને મેરઠ મોકલવાનો વિચાર કરી લીધો હતો. મોબાઇલ લઇને જયંતીનો નંબર જોડતાં અગાઉ વિભાકરે એક સેકન્ડ માટે તો આ આખો કેસ કોઇ વિશ્વાસુ પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સીને સોંપવાનું પણ વિચાર્યું હતું પણ પછી લાગ્યું કે જયંતી છે ત્યાં સુધી બહારના કોઇની મદદ નથી લેવી.

'જયંતીલાલ, શું કરો છો?' વિભાકરે હસીને પૂછ્યું. 'જમવા બેસતો હતો. જમીને ઓફિસ આવવા નીકળું છું.'

'એક કામ કર.' વિભાકરે સમજાવ્યું. 'ઓફિસે થોડો મોડો આવીશ તો ચાલશે. ટ્રાવેલ એજન્ટને ફોન કરીને અહીંથી મેરઠ જવા માટેની જ પહેલામાં પહેલી ટ્રેન હોય એમાં તારી ટિકિટ બૂક કરાવી દે. પાંચ- છ દિવસ રોકવાનું છે એ ગણતરીએ તારી બેગ પણ તૈયાર કરી રાખ.'

'જી.' જ્યારે પણ વિભાકર તરફથી આદેશ મળે ત્યારે શા માટે? કે શુંકામ છે? એવો કોઇ સવાલ પૂછ્યા વગર જયંતી તરત હાપાડી દેતો.

'મુસાફરી લાંબી છે એટલે પૈસાની ચિંતા કર્યા વગર તને અગવડ ના પડે એ રીતની કન્ફર્મ ટિકિટ કરાવજે. ત્યાં કોઇ ઓળખીતું છે?'

'મેરઠ તો દિલ્હીથી ઉપર આવ્યુંને? સાંજની આશ્રમ એક્સપ્રેસ કે રાજધાનીમાં દિલ્હી પહોંચી જઇશ. સવારે ત્યાંથી તો લોકલ બસ કે ટ્રેન જે મળે એમાં મેરઠ જતો રહીશ. ત્યાંથી તો માંડ એકાદ કલાકનો રસ્તો હશે.' સહેજ અટકીને એણે ખાતરી આપી. 'એક વાર મેરઠ પહોંચ્યા પછી ઓળખાણ તો શોધી કાઢીશ. એમાં મને કોઇ વાંધો નહીં આવે.'

'વેરી ગુડ.' જયંતીની આ શક્તિ ઉપર વિભાકરને વિશ્વાસ હતો. 'ટિકિટની ગોઠવણ પતાવીને ઓફિસે આવ એટલે તારું કામ સમાજવી દઉં.' એણે હસીને ઉમેર્યું. 'મેરઠમાં તને મજા પડે એું ઓપરેશ પાર પાડવાનું છે.'

'જી.' જંયતીએ વાત પૂરી કરી. વિભાકરે મોબાઇલ બાજુ પર મૂક્યો અને ફરીથી લેપટોપ પર બેસી ગયો.

બપોરે જયંતી ઓફિસમાં આવ્યો ત્યારે વિભાકર એની રાહ જોઇને જ બેઠો હતો.

'દિલ્હી સુધીની થર્ડ એસીની રાજધાનીમાં જ ટિકિટ થઇ ગઇ. અઠવાડિયાની તૈયારી સાથે બેગ પણ પેક થઇ ગઇ છે.' જયંતીએ વિભાકરની સામે બેસીને કહ્યું. 'હવે કામ બોલો.'

'ગયા મહિનાની છવ્વીસમી તારીખે લંડનની ક્રોનર સ્ટ્રીટમાં પોઇન્ટ બ્લેન્ક ગોળી મારીને એક માણસની હત્યા થયેલી.' એ આખી ઘટનાનું વર્ણન કરીને વિભાકરે આગળ કહ્યું. 'મરનારનું નામ છે હરિપ્રસાદ મિશ્રા. એ માણસ મેરઠનો હતો. પંદર દિવસ માટે ઇંગ્લેન્ડમાં ફરવા ગયો હતો. છવ્વીસમી તારીખ પછીના મેરઠનાં લોકલ છાપાં ત્યાંની કોઇ લાયબ્રેરીમાં મળી જશે. એમાંથી તને વધુ વિગત મળશે. મરનારનો અતોપતો અને સગાંવહાલાંનાં નામ પણ બેસણાની જાહેરાતમાંથી મળી જશે. મિશ્રાજીનું મર્ડર કોણે કર્યું હશે એ વિશે ત્યાં પણ ચર્ચા ચાલતી હશે. શક્ય હોય એ તમામ જગ્યાએ ખણખોદ કરીને ખૂની કોણ હોઇ શકે એની તારે તપાસ કરવાની છે. ફાવશેને?'

'અરે બોસ, આવા કામમાં તો મજા આવી જશે. અમદાવાદની પોળમાં ઉછરેલો છું એટલે ખણખોદ અને પંચાત કરીને માણસોને ખોતરવામાં તો મારી માસ્ટરી છે. એ હરિપ્રસાદ કોઇ ધંધો કે નોકરી કરતો હશે. એની આજુબાજુની દુકાનવાળા કે સહકાર્યકરોને લપેટમાં લઇશ. રોજ એ પાનના ગલ્લે જતો હશે ત્યાં એના મિત્રોની મંડળી હશે. ખુદ હરિપ્રસાદના ભાઇ-બહેનો અને સંતાનો પાસેથી પણ જાણકારી મેળવી લઇશ.'

એ જે રીતે ઉત્સાહથી બોલતો હતો એના ઉપરથી વિભાકરને લાગ્યું કે આ ઉંદરડો બધે પહોંચી વળશે.

'હવે સાંભળ. મૂળ મુદ્દાની વાત સમજી લે.' જયંતી અટક્યો એટલે વિભાકરે એને સમજાવ્યું. 'તારી તપાસમાં સંભવિત ખૂની તરીકે બે કે ત્રણ નામ તને જાણવા મળશે. એના સર્કલના બધા માણસો કોઇ એક જ વ્યક્તિ તરફ આંગળી ચીંધે એવું ના પણ બને. જે જે શકમંદના નામ તને મળે એના શારીરિક વર્ણનની જાણકારી સૌથી વધુ મહત્ત્વની છે. એમ માન કે માત્ર એ માટે જ તને મેરઠ મોકલું છું. ખૂનીના હૂલિયાનું વર્ણન આબેહૂબ વર્ણન તારે મને લાવી આપવાનું છે. વર્ણનની સાથે નામ તો મળશે પણ અતોપતો મળી જાય તો એને બોનસ માનવાનું.' વિભાકરે યાદ કરાવ્યું. 'એ પાંચ- છ દિવસનાં છાપાં ફેંદીશ તો એમાંય શકમંદના નામનો ઉલ્લેખ તો હશે જ.'

'એ બધુંય મારા ઉપર છોડી દો. ચોવીસ કલાકમાંથી ચાર-પાંચ કલાક ઊંઘવા જોઇએ. એ પછી બાકીના સમયમાં મારે મેરઠમાં બીજું કોઇ કામેય ક્યાં છે? આદું ખાઇને આ પ્રોજેક્ટ ઉપર મચી પડીશ.' આત્મવિશ્વાસથી એણે ઉમેર્યું. 'પાછો આવીશ ત્યારે ખૂનીના વર્ણનનો આબેહૂબ ચિતાર તમારી સામે રજૂ કરી દઇશ.'

વિભાકર હસી પડ્યો એટલે જયંતીએ તરત પૂછ્યું. 'મારા ઉપર વિશ્વાસ નથી?'

'અરે ગાંડા, વિશ્વાસ ના હોય તો તને મોકલું શા માટે? વિભાકરે ટેબલ પરથી પોતાના મોબાઇલ હાથમાં લીધો. સ્ક્રીનશોટ દ્વારા ખૂનીનો સ્કેચ એણે મોબાઇલમાં પણ સાચવીને લઇ લીધો હતો. જયંતી સામે જોઇને એણે ખુલાસો કર્યો. 'હરિપ્રસાદને ગોળી મારનારનો સ્કેચ જોઇને તું ભડકી જઇશ. હરિપ્રસાદ મિશ્રા સાથે આપણે સ્નાન સૂતકનોય સંબંધ નથી પણ એને ગોળી મારનાર કોઇ ભાડૂતી હત્યારો છે કે એણે અંગત દુશ્માનવટમાં ખૂન કર્યું છે એ જાણવાનું બહુ મહત્ત્વનું છે.' એણે મોબાઇલનો સ્ક્રીન જયંતી સામે ધર્યો. 'આ બધી મહેનત કેમ કરું છું એ આ થોબડું જોઇને તને ખ્યાલ આવી જશે.'

સ્ક્રીન ઉપર ખૂનીનો સ્કેચ જોઇને જયંતીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઇ. મોબાઇલના સ્ક્રીન સામે અને વિભાકરના ચહેરા સામે એ વારાફરતી આશ્ચર્યથી તાકી રહ્યો.

'લંડનમાં જ્યારે ખૂન થયું ત્યારે એક યુવતીએ બહુ નજીકથી એનો ચહેરો જોયેલો. એ દીકરીનું સગપણ નક્કી થયું એટલે અત્યારે એ અહીં આવી છે. બેગાની શાદીમાં અબ્દુલ્લા દિવાનાની જેમ મારે એ રિંગ સેરેમનીમાં જવું પડેલું. એક વ્યક્તિ સિવાય ત્યાં હાજર બધા મહેમાનો તદ્દન અપરિચિત હતા. વિધિ પછી એ યુવાન- યુવતી બધાની પાસે આશીર્વાદ લેવા આવ્યા. એ કન્યા મારી પાસે આવી ત્યારે મારો ચહેરો જોઇને એણે એવી ભયાનક ચીસ પાડી કે બધા મહેમાનો મને ઘેરીને ઊભા રહી ગયા. ડેડી, આ માણસ ખૂની છે. એ બેબીએ એના પપ્પાને કહ્યું અને મારી હાલત કફોડી થઇ ગઇ.' એક શ્વાસે આઠલું બોલીને એણએ ગ્લાસમાંથી બે ઘૂંટડા પાણ પીધું. 'થેન્ક ગોડ કે આ ઘટના લંડનમાં બનેલી અને એ સમયે હું અમદાવાદમાં હતો એટલે નિર્દોષતા સાબિત કરવામાં વાંધો ના આવ્યો. બટ ઇટ વોઝ એ હોરિબલ એક્સપરિયન્સ!' આટલું કહ્યા પછી વિભાકરે એ સ્કેચ જયંતીને વોટ્સએપ કરી દીધો.

'મેં વળતાની ટિકિટ બુક નથી કરાવી.' જયંતી હવે પૂરેપૂરો ગંભીર હતો. 'મેરઠમાંથી કંઇક છેડો મળે ને બીજે ક્યાંક દોડવું પડે તો પણ દોડીશ. ગમે તેટલા દિવસ થાય તો પણ મેરઠમાં અડિંગો જમાવીને આ માણસના મૂળ સુધી પહોંચી જઇશ. તમે છો એટલે ખર્ચની તો કોઇ ચિંતા નથી.' પૂરી નિષ્ઠા અને ઇમાનદારી એના ચહેરા પર ઝળકતી હતી. 'આ સ્કેચ જોયા પછી હવે તો મને પણ જલ્દી જલ્દી મેરઠ પહોંચી જવાની ઇચ્છા થાય છે. ઇટ્સ વેરી સિરિયસ!'

જયંતીનું વ્યક્તિત્વ કોઇ ગણતરીમાં પણ ના લે. ટોળામાંનો એક માણસ બનવાની એનામાં જબરજસ્ત કુદરતી બક્ષિસ હતી. ઘટના સ્થળે બાઘા જેવો ચહેરો લઇને નિર્વિકારભાવે એ ઊભો હોય ત્યારે એના કાન સરવા હોય અને આંખો તો માઇક્રોસ્કોપની માફક ઝીણામાં ઝીણી બાબતના નિરીક્ષણમાં રોકાયેલી હોય.

'ઓ.કે. ઓલ ધ બેસ્ટ ટુ બોછ ઓફ અસ.' વિભાકર ઊભા થઇને જયંતી સાથે હાથ મિલાવ્યો. જયંતી ચેમ્બરમાંથી બહાર નીકળ્યો. હવે ઓફિસમાં બેસી રહેવાનો કોઇ અર્થ નહોતો. મેરઠ માટેની પૂરી તૈયારી કરવા માટે બજારમાં પણ થોડીક રખડપટ્ટી કરવી પડશે એવું એને લાગ્યું એટલે એ ઓફિસમાંથી નીકળી ગયો.

રાત્રે ઘનઘોર અંધકાર વચ્ચે રાજધાની એક્સપ્રેસ ધસમસતા વેગે દિલ્હી તરફ આગળ વધી રહી હતી. થર્ડ એ.સી.ના કોચમાં જયંતીની બર્થ છેક ઉપર હતી. વિભાકરે જે જવાબદારી સોંપી હતી એ પૂરી કરવા માટે મેરઠમાં કયા કયા ખેલ કરવા પડે એની અવનવી કલ્પનાઓ વચ્ચે જંયતીને ઊંઘ નહોતી આવતી. રૂંવાડે રૂંવાડે રોમાંચ છલકાતો હતો. આ પડકાર ઝીલી તો લીધો છે પણ એ કઇ રીતે પાર પાડવો એ વિચારતી વખતે મગજમાં અવનવા આઇડિયા આવ- જા કરી રહ્યા હતા. ટ્રેન દિલ્હી તરફ આગળ વધી રહી હતી.
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP